Dhak Dhak Girl - Part - 4 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૪

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૪

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૪]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.
તો અત્યાર સુધીની મારી વાતો પરથી તમને મારી વિચિત્ર પોઝીશનનો ખ્યાલ તો આવી જ ગયો હશે. મારી ગર્લ-ફ્રેન્ડ તન્વી સાથે મારો એફેર કેટલાય મહિનાઓથી એકદમ સ્મુધલી ચાલી રહ્યો હતો, કે પોતાની કોલેજમાં બોલાવીને, તેણે મને તેની એક બેસ્ટ-ફ્રેન્ડ ધડકન સાથે મારો ઇન્ટરો કરાવ્યો, અને પહેલી જ મુલાકાતમાં હું હલબલી ગયો. ધડકન મારા દિલની ધડકનને અનિયમિત થવાનું કારણ બની, મારી બેચેનીનું કારણ બની. ને પછી, તેને હરદમ હું મિસ કરવા લાગ્યો. રાત્રે-દિવસે મને તેનાં જ ખયાલો આવવા લાગ્યા. અને તેની સાથેની બીજી મુલાકાત પછી તો તન્વી કરતાય મને તેની ઘેલછા કંઇક વધુ જ લાગવા લાગી. આટલું જલ્દી કોઈ સાથે માયા બંધાઈ જાય, તે વાત મારી સમજની બહાર જ હતી.

સવારે ઓફીસ જવા તૈયાર થતો હતો, ત્યારે મનમાં આ જ બધી વાતો ઘૂમરી ખાતી હતી. સવારે ઉઠતાવેંત બ્રશ કરતી વખતે આરીસમાં, કે બાથરૂમમાં પડતા પાણીના પ્રતિબિંબમાં..મને ધડકન જ દેખાતી હતી. બ્રેકફાસ્ટ કરતી વખતે મમ્મી કંઇક વાત કરતી હતી, પણ ઘરની બહાર નીકળ્યો ત્યારે બિલકુલ જ યાદ નહોતું કે તે શું બોલી હતી. આમ મારી હાલત તો જાણે કે યાર, ટોટલી ડીસ્ટર્બ જ થઇ ગઈ હતી.

"ડુ આય બીલીવ ઇન લવ એટ ફર્સ્ટ સાઈટ?" –બીક પર ઓફિસે જતાં જતાં એક વિચાર મગજમાં ઝબકી ગયો.
ફર્સ્ટ સાઈટની વાત છોડો, ડુ આય બીલીવ ઇન લવ? વોટ ઈઝ લવ?
મનનું મન સાથે મળવું? કે પછી ફક્ત ફીઝીકલ આકર્ષણ? કે પછી બંને? કે હજુ ત્રીજુયે કંઇક હોય છે?
હશે જ ત્રીજું પણ કંઇક હશે જ.. કારણ બે જ મુલાકાતમાં ધડકન માટે મને જે કંઈ પણ લાગતું હતું, તે આ બંનેમાંથી કંઈ જ નહોતું.

ધડકન માટેની લાગણીઓ હ્રદયના ખુબ જ ઊંડાણમાંથી ઉભરાઈ આવતી હતી, અને તે ખુબ સ્ટ્રોંગ પણ હતી. તેનાં માટે મને જે કંઈ પણ હતું, અને જેવી રીતે મને અસર કરી રહ્યું હતું, તેમાં તો કોઈ જ બેમત નથી, કે આ તત્વ કંઇક અજાણ્યું જ હતું.

સોમવારની સવાર મોટાભાગના આય.ટી.વાળાઓ માટે જાણે કે જન્મજાત શત્રુ જ હોય છે, અને એમાય મારા જેવા પ્રેમમાં પડેલા આય.ટી. એન્જીનીયરોને તો સાવ નકામો કરીને જ મુકે દેતી હોય છે.

થેંક ગોડ, કે ૪થી જુલાઈ હોવાથી અમેરિકામાંના મોટા ભાગના મારા કલીગ્સ કામના કોઈ ખાસ મૂડમાં નહોતા, તો અમારી બાજુએ બહુ કોઈ કામ આવ્યું નહીં. સવારની એકાદ બે પરચુરણ મીટીંગો થઇ..પાછલા આખા અઠવાડિયાના કામની છણાવટ કરી..અને આવેલ થોડા ઘણા ઈમેઈલ્સના રીપ્લાય આપી દીધા, એટલે જેવો થોડો મોકળો સમય મળ્યો, કે મનમાં એક ખૂણામાં બેઠેલા ધડકનના વિચારોએ સમગ્ર મનનો કબજો લઇ લીધો.

મેં રિસ્ટ-વોચમાં જોયું, તો સાડા બાર થઇ ગયા હતા. તન્વીની કોલેજ તો ક્યારની છૂટી ગઈ હશે, એટલે તેની કોલેજ પાસે જઈને ધડકનને ઓચિતું જ મળવાના ચાન્સ ઓછા હતા. પણ તો યે કદાચ..

અને મેં તરત જ મારા કલીગ દિનેશને પીંગ કર્યું
"હાય દિનેશ..!"
"યા...તન્મય. વોટ્સ અપ?"
"અરે હું જરા લંચ-ટાઈમમાં સીટી-લાયબ્રેરી જઈ આવું. થોડુંઘણું મોડું થાય, તો આપણી ૨ વાગ્યાની મીટીંગ ચાલુ કરી દેજે, હું આવ્યો, કે તરત જ જોઈન થઇ જઈશ."

"નો પ્રોબ્લમ. આય વિલ હેન્ડલ..ડોન્ટ વરી..!"

.

અને હું પટકન બહાર નીકળી ગયો. ધડકન બપોરે ઘણીવાર સીટી-લાયબ્રેરીમાં જાય છે.. કે જતી હશે એવો એક અંદાજો હતો. એટલે મેં મારો મોરચો સીટી-લાયબ્રેરી તરફ વાળ્યો હતો. મનમાં બસ એક જ પ્રાર્થના હતી-

"પ્લીઝ પ્લીઝ ગોડ, પ્લીઝ..! ધડકન લાયબ્રેરીમાં હોય એવું કંઇક કરજો.. અને પ્લીઝ પ્લીઝ.. ધડકન હોય તો સરસ, કે ન હોય તો પણ ઠીક.. પણ..પણ તન્વી તો ત્યાં ન જ હોવી જોઈએ.."

.

હર વખતની જેમ સીટી-લાઈબ્રેરીમાં ઘણી ગીર્દી હતી. આડો દિવસ હોવાને લીધે બહુતે'ક તો કોલેજિયન્સ, હાઉસ-વાઇવ્સ, અને રીટાયર્ડ લોકો જ હતા.

દરવાજામાં ઉભા રહીને મેં અંદર નજર નાખી, ને પછી અંદર ગયો.

નીચેને માળે નાના-નાના પાર્ટીશન કરીને વિવિધ વિભાગો બનાવ્યા હતા. સ્ટોરી-બુક્સ, ટેકનીકલ પબ્લીકેશન્સ, સાયન્સ ફિક્શન્સ, કુકિંગ-રેસીપી, બોલીવુડ-હોલીવુડ ગોસીપ મેગેઝીન્સ..વગેરે વગેરે..

ક્યાં હશે ધડકન?

તે પછીની પંદરેક મિનીટ મેં બધા વિભાગો જોવામાં જ ગાળી, પણ તે મેડમ તો ક્યાંય દેખાતા જ નહોતા. મનમાં નિરાશા ભરાઈ આવી.

આખરે બૈરાઓનું રેસીપી-વિભાગ પણ જોઈ લેવાનું નક્કી કર્યું અને હું તેમાં ગયો.

અંદર ઘણી નવપરણિત છોકરીઓ પુસ્તકો વીણવામાં મગ્ન હતી. ઓફ કોર્સ, ધડકન ત્યાં ય નહોતી.

હું નિરાશ થઇને પાછો વાળવાનો જ હતો, કે ત્યાં જ પેલો મધમાં તરબોળ એવો મીઠો મઘમઘતો અવાજ કાન પર પડ્યો-

"મે આય હેલ્પ યુ, તન્મય?"

હું તો જાણે કે હરખથી હેબતાઈ ગયો. આંચકો ખાઈને મેં પાછળ જોયું.

યસ, પાછળ ધડકન ઉભી હતી. પર્લ-વાઈટ રંગનો કુરતો અને લેગીન્ગ્સ, વાઈટ કલરની જ નાની એવી બિંદી, હાથમાં બ્લ્યુ-ગુલાબી-લાલ-જાંબુડી એવી કેટલીયે બંગડીઓ, ઉંચી એડીના સેન્ડલ અને ચહેરા પર તે જ... હ્રદય પર તીર ચલાવનારું મીલીયન ડોલર સ્માઈલ...!

"સમ્હાલો મુજ કો... ઓ મેરે યારો..!
સમ્હલના મુશ્કિલ... હો ગયા..!"

.

"ઓ, હાય ધડકન..!" -મેં જાણે કે સાવ યોગાનુયોગ જ હોય, તેવો શો-ઓફ કરવાનો પ્રયત્ન કર્યો.
"શું શોધે છે? એનીથિંગ ઇન પર્ટીક્યુલર?"
"અં.... એક્ચ્યુલી બપોરે એક અરજન્ટ મીટીંગ છે, તે સંબંધી થોડી નોટ્સ કાઢવાની હતી. તો વાટલે કિ..અહીંયા લેટેસ્ટ પબ્લિકેશન્સ મળશે, મ્હણુન..."

"ઓહ..! તો મળ્યું કે?"
"નહીં ને..! જે જોઈતું હતું તે તો મળ્યું જ નહીં.." -ચહેરા પર બનાવટી નિરાશા લાવવાનો પ્રયત્ન કરતા હું બોલ્યો.

"તે ક્યાંથી મળે..!" -ધડકને વિભાગની નેમ-પ્લેટ તરફ ઈશારો કરતા કહ્યું- "તું ભલતા જ ડીવીઝનમાં ગોતે છે.. રેસીપી વિભાગમાં ટેકનિકલ્સ કેવી રીતે મળે..!"

"ઓ, સાચે જ..! મેં ઉપર હેડીંગ વાંચ્યું જ નહીં. બટ અની વે.. હાઉ કમ યુ આર હિઅર? બૂક બદલવા માટે આવી છે કે?"

"નો..! આય વર્ક હિઅર..!"

"યુ..વોટ?" -પળવાર માટે મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.

"આય વર્ક હિઅર. હું બપોરે અહીં પાર્ટ-ટાઈમ જોબ કરું છું."

"બટ વાય?"

"વાય..? કારણ મને બુક્સ ખુબ જ ગમે છે. આ અસંખ્ય બુક્સમાં મારી બપોર મસ્ત વીતી જાય છે. બપોર આખી ઘરે આળોટવામાં કાઢવી, તેની કરતાં અહીં મને સારું લાગે છે. તે સિવાય.. એક સ્વાભિમાન.. પોકેટ-મની...યુ સી..?" -ધડકન હસતા હસતા બોલી.

.

હું આગળ કંઈ બોલું તે પહેલા જ એક ખડૂસ મ્હાતારી બાઈએ આવીને પૂછ્યું- "હ્રદયરોગ અને તેની ઉપરના ઉપચાર, આવું કોઈ પુસ્તક ક્યાં મળશે?"

"ઓલરાઈટ," -પેલીને પોતાની સાથે લઇ જતા ધડકન બોલી- "પછી મળીયે. થોડી બીઝી છું અત્યારે. ઇફ યુ વોન્ટ અનીથીંગ, લેટ મી નો. હું સેકન્ડ-ફ્લોર પર છું."

અને હું તને જતી જોઈ રહ્યો.

"આય વોન્ટ અ ડેટ વિથ યુ..!"- હું મનમાં ને મનમાં બોલ્યો.

.

ધડકન સાથેની મુલાકાત નક્કી જ મનને શાંતિ દેનારી સાબિત થઇ. અને બીજી ખુશીની વાત એ હતી, કે ધડકન સીટી-લાયબ્રેરીમાં બપોરે પાર્ટ-ટાઈમ કરે છે. એટલે બપોરે જો તેને મળવાની ઈચ્છા થઇ આવે, તો તે ક્યાં મળશે તે હવે નક્કી જ હતું.

પણ હવે એક પ્રશ્ન એ પણ હતો, કે આજની મુલાકાતની વાત તન્વીને કરવી કે નહીં. જો આજે કહેત તો પછી જેટલીવાર હું ત્યાં લાયબ્રેરીમાં જાત અને તેને મળત તે દર વખતે મારે તેને કહેવું જ પડે તેવું જરૂરી થઇ જાત. એટલે હાલ પુરતું તો કંઈ જ ન કહેવાનું ઠેરવ્યું. અગદી ધડકન તેને કહે, તો વાતને વાળતા તો મને આવડે જ, તેમ હતું.

તે પછીના બે-ત્રણ દિવસ હું તન્વીના સંપર્કમાં હતો, પણ ક્યારેય તેણે ધડકન, કે સીટી-લાયબ્રેરીમાં ધડકનને મળ્યાની વાત તેણે કાઢી નહીં. ઇન શોર્ટ, આ બાબતે ધડકને પણ તેને કોઈ જ વાત કરી નહોતી, તે તો નક્કી જ હતું.

ખરું તો, મને પૂર્ણ ખાતરી હતી કે ધડકન તન્વીને નક્કી કહેશે જ, અને માટે જ તેના માટે મેં તેનો જવાબ પણ રેડી જ રાખ્યો હતો. પણ આવું કશું થયું જ નહીં. ધડકન ચુપ રહી, તે તો અગદી અનપેક્ષિત જ હતું.

કેમ કર્યું હશે ધડકને એવું? વિસરી ગઈ હશે? કે મુદ્દામ જ.. ? જાણીજોઇને નહીં બોલી હોય?

હું સીટી-લાયબ્રેરીમાં જાઉં..તેને મળું.. આ તેને ગમ્યું હશે?

મેં ફરી એક ચાન્સ લેવાનું ઠેરવ્યું. શુક્રવારે આમેય તે બપોરનંતર ઓફીસ રીકામી જ થવા લાગે. આજુબાજુના ગામ..મુંબઈ.. સાંગલી..કોલ્હાપુર..વગેર રહેવાવાળાઓ બપોરનંતર કલ્ટી મારી ને સીધા સોમવારે સવારે જ ઓફિસે આવે. એટલે અડધી રીકામી ઓફિસમાં કામ ઓછું જ હોય. તો મોકો જોઇને હું યે સીધો પહોચી ગયો..સીટી-લાયબ્રેરી.

ધડકન નીચેના મજલે..કાઉન્ટર પર જ હતી. મને આવતો જોઈ તેણે દુરથી જ હાથ વેવ કરીને મને 'હાય' કર્યું. હું લગેચ ટેકનીકલ સેક્શનમાં જઈને પુસ્તકો વીણવા લાગ્યો. પણ મારું મન ચોપડીઓમાં ઓછું, અને ધડકનમાં વધુ હતું. ડેસ્ક પરના કોમ્પ્યુટર પર તે કોઈક લીસ્ટ અપડેટ કરી રહી હતી.

હું બધું વિસારીને તેની સામે જ જોતો રહ્યો.. કેટલીવાર સુધી? કોને ખબર..! આજુબાજુમાં અનેક લોકો આવતા-જતા રહ્યા, પણ મને તો કોઈની કોઈ જ પરવા નહોતી. હું તો જાણે કે કોઈ બીજા જ વિશ્વમાં હતો.

અને અચાનક જ ધડકને ઉપર જોયું ને અમારી નજરાનજર થઇ. અચકાઈને, પટકન હું બીજી તરફ જોવા લાગ્યો. ધડકને નક્કી જ મને તેની તરફ જોતો જોઈ લીધો હતો.

ઓ ગોડ.. હર આઈઝ..!

"યુ વિલ કિલ મી વન ડે સ્ટુપીડ, વિથ ધેટ લુક. " -હું મનોમન જ ધડકને ઉદેશીને બોલ્યો.

હ્રદય ધક..ધક..કરતુ ઉછળતું હતું. આટલા ઘોંઘાટમાંય મને તે ધકધક કાનમાં સંભળાઈ રહ્યું હતું. છેવટે કોઈ પણ એક પુસ્તક ઉપાડી ને હું કાઉન્ટર તરફ ગયો. તો હવે ધડકન ડેસ્ક પર કે આજુબાજુ ક્યાંય દેખાતી નહોતી.

મારો નમ્બર આવ્યો તો તે પુસ્તકનું કાર્ડ રજીસ્ટર કરાવ્યું, અને ત્યાંથી હું બહાર નીકળી ગયો.

આ લાયબ્રેરીમાં મેં વાર્ષિક મેમ્બરશીપ લઇ લીધી, અને પછી તો ત્યાં મારા ચક્કર વધતા જ ચાલ્યા. એમ તો મારું અને ધડકનનું બહુ બોલવાનું થતું નહીં. મોટેભાગે તે કોઈને કોઈ કામમાં જ રહેતી અને ફાલતુમાં જ તેને કામમાં ડીસ્ટર્બ કરવાનું મને મુનાસીબ ન લાગ્યું. બહુતે'ક તો ફક્ત 'હાય' અને 'બાય' જેવું જ થતું રહ્યું. અને તે પણ નહીં જેવું જ.

કેટકેટલીય વાર અમારી નજરાનજરી પણ થતી. પણ તે નજરમાં કોઈ પણ જાતના ભાવ ન રહેતા. ખરું તો, મને ખબર જ ન પડતી, કે તે ખરેખર જ મારી સામે જુએ છે? કે પછી ફક્ત હું તેની સામે જોઉં છું તે ચેક કરવા માટે તે આ બાજુ જુએ છે?

તે જે કંઈ પણ હોય, તોયે તેની તે એક નજર મને દિવસ આખો તેનો હેંગ-ઓવર લાવવા માટે પુરતી થઇ પડતી. ક્યારેક તો મને એવીયે ભિતી રહ્યા કરતી, કે ભૂલથી ક્યાંક તેને હું 'ધડકન' કહીને ન બોલાવી પડું. જાણે કે મારી મલ્ટીપલ પર્સનાલીટી થઇ ગઈ હોય તેવું થઇ ગયું હતું. એક તન્વી માટે, તો એક ધડકન માટે.. એકની વાત બીજીને ખબર પડે તે બિલકુલ ચાલેતેમ નહોતું. માનવ-મન કેટલું વિચિત્ર હોય છે..!

મારા મને હવે એક નવો જ ખેલ શરુ કર્યો હતો. જેનું નામ કહી શકાય- 'ગિલ્ટી કોન્સીયસ'
ધડકનને મળું, તો તન્વીનો ચહેરો સામે આવે.
તન્વીને ફસાવી રહ્યો છું, તેવો વિવેકી કે અવિવેકી વિચાર મગજની પત્તર ખાંડવા લાગતો.
આમે ય મારું અને તન્વીનું હજી કોઈ બ્રેક-અપ તો થયું નહોતું, અમે હજુયે 'કપલ્સ' જ હતા.
મેરેજ કરવાના નહોતા, તેનો એ અર્થ તો કદાપી ન થાય, કે તેની હાજરીમાં જ હું બીજી સાથે ફલર્ટ કરી શકું.

.

અને તેનાથી ઉલટું..
તન્વી સાથે વાત કરતી વખતે મનમાં ફક્ત ને ફક્ત ધડકન જ રહેતી. તન્વી સાથેનો મારો એફેર ઘણા મહિનાઓથી ચાલુ હતો. અમારા બંનેની ઉમરમાં આટલો ફરક હતો, તે છતાંય અમારું ટ્યુનીંગ સરસ જઈ રહ્યું હતું. નાના-મોટા મોઠા ઝગડાઓ થતાં, પણ સુલેહ પણ તરત જ થઇ જતી. ઓફિસમાં કોઈકવાર વધુ કામ હોય કે તેની કોઈ પરીક્ષા કે સબમીશન કે એવું કંઇક હોય અને અમે મળી ન શકીએ, તો પણ ફોન પર નિયમિત વાત તો થઇ જ જતી. કંઈ નહીં તો વોટ્સએપ પર થોડી ચેટીંગ પણ કરી લેતા. બાકી અઠવાડિયે એક-બે વાર મુલાકાત તો થઇ જ જતી, અને ત્યારે બાકીના દિવસની કસર કાઢીને તે એટલું બધું બોલવા માંડતી કે જાણે નોન-સ્ટોપ ‘ડેક્કન-ક્વીન’ ગાડી. મારી ગાડીપર પાછળ બેસીને અમે લોંગ-ડ્રાઈવ પર નીકળી પડતા, અને તે દરમ્યાન તેની વાતો હું સાંભળે રાખતો. સામે તેની સાથે થોડી દલીલો કરીને, કે પછી તેની વાતોમાં હોંકારો દઈને પણ તેની વાતોમાં હું સુર પુરાવતો.
પણ હવે, તન્વી સાથે હું પહેલા જેટલો એકરૂપ થઇ જ શકતો નહોતો. જેમ હમણાં કહ્યું તેમ, તેની સાથે વાત કરતી વખતે મગજમાં ધડકન જ રહ્યા કરતી. અને કાયમ મનમાં રહ્યા કરતી એક પ્રકારની ભિતી, કે-

હું મોટેભાગે રોજ જ સીટી-લાયબ્રેરીમાં મળું છું, તેવું જો ધડકન તન્વીને કહી દેશે તો?
તન્વીને ભૂલથી જો ક્યારેક 'ધડકન' કહીને સંબોધી બેઠો તો?
ધડકનને જો મારા આવા વિચિત્ર વર્તનથી કોઈવાર કોઈ સંશય આવે, ને મને મળવાનું છોડી દેશે તો?
મારે કારણે તન્વી અને ધડકનની મૈત્રી તૂટી જશે તો?
કંઇક એવું અઘટિત થાય, અને બંને તન્વી અને ધડકન, મારી સાથે બોલવાનું છોડી દેશે તો?

મોટા મહાન વ્યક્તિઓ કહી ગયા છે કે 'થીંક પોઝીટીવ, તો પોઝીટીવ વસ્તુઓ થશે.' પણ મારા મનમાં તો બધું નેગેટીવ જ થીંકીંગ ચાલી રહ્યું હતું. અને એમાં એક દિવસ તન્વીનો ફોન આવ્યો-

"હલ્લો"
"યાહ, બોલ તન્વી..!"
"તન્મય, ૭.૩૦ વાગે 'મેક-ડી' મધે ભેટ..!"

.
કોઈ જ કારણ નહોતું, પણ તોયે મને તન્વીનો અવાજ થોડો ચીડિયો અને ટેન્સ્ડ લાગ્યો.
શું થયું હશે?
ધડકને કોઈક વાત કરી હશે, તેને?

.
"હલ્લો તન્મય, સંભળાયુંને? શાર્પ એટ ૭.૩૦"

"અગં પણ, આજે લેઇટ થશે ઓફિસમાં. કાલે નહીં ચાલે કે..? -મારે થોડો સમય જોઈતો હતો, તો તેના માટે મેં થોડી બહાનાબાજી કરી.

"નકો..! આજે જ.. ૭.૩૦ શાર્પ."

મને બોલવાની સંધી આપ્યા વગર જ તન્વીએ ફોન મૂકી દીધો.

.

મેક-ડી..
મેકડોનાલ્ડ..
રોનાલ્ડ મેકડોનાલ્ડ, હવે તું જ બચાવ રે બાબા..!
શું થવાનું છે આજે સાંજે.. તે તો હવે નિયતિને જ ખબર.
જેમતેમ કરીને સાંજે પોણા સાતે ઓફિસમાંથી ટાઈમ કાઢીને હું 'મેક-ડી'માં જવા માટે બહાર નીકળ્યો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..