Aristotle ane sheth brothers in Gujarati Comedy stories by Harish Mahuvakar books and stories PDF | એરીસ્ટોટલ અને શેઠ બ્રધર્સ

Featured Books
Categories
Share

એરીસ્ટોટલ અને શેઠ બ્રધર્સ

હાસ્ય નિબંધ

એરીસ્ટોટલ અને શેઠ બ્રધર્સ

હરીશ મહુવાકર

એરીસ્ટોટલે પૂન: અવતાર ધારણ કર્યો છે. એ વખતે એમને એક શરીર હતું. એમના કાર્યથી ખૂશ થઇ ઈશ્વરે એમની નોંધ લીધી અને આ વખતે એમને બે શરીર આપ્યા. એમણે ગ્રીસ દેશની સેવા કરી પણ ઈશ્વરને અમારા ભાવનગર શહેરની ને સમગ્ર દેશની દયા આવી એથી એરીસ્ટોટલ બે શરીર સ્વરૂપે ભાવનગરમાં ‘અવતાર ધરીને આવે છે’ શેઠ બ્રધર્સ સ્વરૂપે ! અશોકભાઈ ને દેવેનભાઈ !

મને ખબર છે તમે કોઈ વાત માનો નહિ. સાબિતી જોઈએ. તો લો આ થોડા ગાંઠિયા ખાવ. અર્ધી કલાક જવા દો ને પછી તમને એરીસ્ટોટલ અને શેઠ બ્રધર્સની વાત સમજાઈ જશે. મારું કહેવાનું એમ થાય છે કે ગાંઠિયા આ બે વચ્ચે સેતુ રચી આપે છે.

હવે વાત જરાક માંડીને કહું : એરીસ્ટોટલ ટ્રેજડીની વ્યાખ્યા કરે છે. વ્યાખ્યા તો લાંબી છે પણ આપણે એમાંથી અગત્યનું તારવી લઈએ. એમ કરતા ત્રણ શબ્દો મળે : pity, fear અને catharsis. પહેલા બે શબ્દો તમને સમજાય પણ છેલ્લો કેથાર્સીસ ન સમજાય. સાહિત્ય ક્યા તમારો વિષય છે ! સાહિત્યવાળા બહુ ધ્યાન આપતા નથી. ખાલી ડોક્ટર્સ એ વાતને ધ્યાને લે. એમાંય વળી એલોપથીવાળાને બહુ લાગે વળગે નહિ પણ આયુર્વેદવાળા આ એરીસ્ટોટલને માને. કેથાર્સીસ એટલે શુધ્ધિ. દેહની બાહ્ય શુધ્ધિ નહિ પણ આંતરિક શુધ્ધિની વાત છે મારા ભાઈ ! મન ક્યા શુધ્ધ હોય છે તે એની વાત કરવી ? તન સારું આખોય દિ’ ટી.વી. બાપડું જાતજાતના સાબુ લેવા તમને સમજાવે જ છે ને ! પણ અગત્યની વાત બહુ ઓછા લોકો કરતા હોય છે ને ! તો સમજવાનું એમ છે કે ગાંઠિયા ખાવ તો શેઠ બ્રધર્સની જરૂર પડે અને પછી એરીસ્ટોટલ સમજાય. અલબત્ત વગર ગાંઠીયેય આપણને આ બંધુઓની જરૂર રહે તે આડ વાત છે !

અમારે ભાવનગરવાળાને ગાંઠિયા ઝાપટવા બહુ જોઈએ. રવિવાર સ્પેશ્યલ ડ્યુટી પર હોય કોઈ પણ હસબન્ડ. સવારમાં ઊંઘ જામતી હોય ત્યાં શ્રીમતી ખખડાવે, ‘ એઈ, તમને કહું છું. આજ રવિવાર છે.’

‘ હા, છે તો ? સૂવા દેને.’

‘ ગાંઠિયા લઇ આવો પછી સૂઈ જજો.’

હવે કહો, ક્યો કાકો જાગીને એક-દોઢ કી.મી. દૂરની સારી દુકાને ગાંઠિયા લઇ આવ્યા પછી ઊંઘવાનો ? અલબત્ત આપણને સહુને ખબર છે કે કષ્ટ ઉઠાવ્યાનું સારું પરિણામ મળતું હોય છે એમ ગાંઠિયા લઇ આવ્યા પછી ગરમા-ગરમ ચા સાથે ઝાપટવાની લહેજત આવી જાય તેની ના નહિ. તળેલા તીખા મરચા ને પપૈયાની ચટણી ને આદુવાળી ચા ને માથે કિલ્લોલ કરતો પરિવાર હો અને ખુદ ખુદા આવીને કહે, ‘માંગ માંગ, શું જોઈએ ?’ તો આ બંદો કહી દેવાનો, ‘ પ્રભુ, એક કલાક પછી પ્રગટ થજો ને.’

અમે ભાવનગરના-અલબત્ત અમેરિકા સ્થિત ભાવનગરી સ્વ.શ્રી કિશોર રાવળ અમે ભાનવગરના એવું કહે – મહેમાનો આવે ત્યારેય હરખપદુડા ને જાય ત્યારેય હરખપદુડા આ ગાંઠિયાના નાતે. ગાંઠિયા ન ખવડાવીએ એવું બને જ નહિને પણ જતી વખતેય ગાંઠિયાના પડીકા હાથોહાથ અંબાવી જ દઈએ. એક વખત અમે નૈનીતાલ સ્થિત શ્રી અરવિંદ આશ્રમના સંચાલકને ગાંઠિયા આપ્યા ત્યાં તો શ્રી અરવિંદનો ચમત્કાર અમને થયો. સંચાલક કહે, ‘ભાવનગર સે આયે હો ના?’ અમે પૂછ્યું, ‘આપકો કૈસે માલૂમ હુવા?’ ‘અરે, સિર્ફ ભાવનગરવાલે હી કુછ લેકે આતે હૈ, ઔર આપકા યે ગાંઠિયા બહુત બાર મિલ ચૂકા હૈ. આપકે ભાવનગર કી શાન હૈ ના?’ કહો હવે હિમાલયના ઉત્તુંગ શિખરો સર ન કરીએ તો ચાલે કે નહિ? તમારા શહેરને કોઈ આમ યાદ કરે ત્યારે છાતી છપ્પનની નહિ એકસો બારની થઇ જાય કે નહિ ?

ઘણા માણસોને પગે ‘વા’ હોય છે પણ મોટાભાગનાને પેટમાં ‘વા’ હોય જ. કેટલાક વહેમના ‘વા’માં ફસાયેલા પડ્યા હોય. પરંતુ મન ‘વા’ એક વિશિષ્ટ રોગ છે જેમાં અન્યને મુશ્કેલીમાં મુકવાનું મુખ્ય કાર્ય હોય છે. યુક્તિઓ પ્રયુક્તિઓ વડે તેમના મનમાં ભરાયેલો ‘વા’ આપણા ઉપર ઢોળે ત્યારે એમનું વિરેચન થાય છે. મતલબ મન શાંતિ પામે છે- એમનું અને ભયના કંપન થકી મન અશાંતિ પામે છે આપણું. એરીસ્ટોટલનું બાકી રહેલું કાર્ય અમારા શેઠ બ્રધર્સ કરે છે. મોટા માણસોના કાર્યો કાળક્રમને વટાવી પૂરા થાય તે આનું નામ. ગાંધીજીનું સફાઈ અભિયાન હવે આપણે આદર્યું કે નહિ ?

પણ ઘણી વખત ‘વા’ ચડી જાય. એક વખતે મારે લમણે આ એરીસ્ટોટલ ભણાવવાનો આવ્યો. મારા વિદ્યાર્થીઓ બધી રીતે બિચ્ચારા ને ગરીબ હોય. મને એ ધ્યાનભરી નજરે જુએ, ને હું એમને. મને એમનો ભય લાગે, એમને મારો. કોઈ કાળે અમારું કન્ફયુઝનનું કેથાર્સીસ નો થાય. મારા લેકચરના અંતે હું એરીસ્ટોટલ કેટલી વખત બોલ્યો એવું મને ગણીને બતાવે. ટોળામાંથી ક્યારેક ‘ આ ટોટાપીસણીયાએ તો નખ્ખોદ વાળ્યું’ એવું સંભળાય. અલબત્ત એ એરીસ્તોતાલને કહેતા હશે કે મને એ મને હજુય સમજાયું નથી. આખીય વાતને સમજાવ્યા પછી મેં એમને શેઠ બ્રધર્સના કાયમ ચૂર્ણનો ફાયદો સમજાવ્યો. એ કેવી રીતે કામ કરે તે સમજાવ્યું ત્યારે એમને કેથાર્સીસમાં ગડ પડી.

તમને ન પડી ? હવે લ્યો આ અઢીસો ગાંઠીયા. એકલા માટે ઘણા ઘણા થઇ રહેશે. ખાવ ખાવ તમતમારે. જુઓ હવે વાત એક – ચણાનો લોટ, બે – તળવા માટેનું ગમ્મે તેવું તેલ, ત્રણ – હિંગ, સંચળ, ઇ.મસાલો, ચાર – તળેલા તીખા મરચા. આટલું ડમ્પિંગ ક્યાંયે ભેગું થાય તો પેટકંપન મચી જાય કે નહિ? વલ્કેનીક ઈરપ્શન- જ્વાળામુખીનો લાવા ધડાકા સાથે બહાર આવે અને શાંત રીતે પણ લાવા બહાર આવે ને ઘણી વખત માત્ર નીકળે ધુમાડા. પેટકંપન મરયે આમાંથી કોઈ પણ શક્યતા નકારી શકાય નહિ. જ્વાળામુખીની આ પ્રક્રિયા ત્વરિત કે પછીથી વિનાશ સર્જે એમ જ પેટકંપન ઘાતક, વિનાશક. બાજુમાં બેઠેલા કે દૂર, પરંતુ વર્તુળ મર્યાદામાં આવનારને વાઈફાઈ કનેક્શન જેમ અસર કરે જ. અમને pity થાય સ્વયંની ને ખાધા હોય તેની. Fearમાંથી બચવા સારું અમે શેઠ બ્રધર્સને ઘરમાં અચૂક સ્થાન આપીએ. એરીસ્ટોટલ ઈચ્છતો હતો તે જ શેઠ ભાઈઓ પણ ઈચ્છે છે!

કેથાર્સીસ બાબતે- વિરેચન અંગે, દેહ શુધ્ધિકરણ અંગે ભાતભાતના મંતવ્યો છે. પણ મૂળ હકીકત એ છે કે કેટલાક લોકો વાયડા હોય છે. કશું સીધું લે નહિ. હવે વાયડા લોકો ગ્રીસમાં હતા. સોક્રેટીસને ઝેર પાનારા એ જ તો હતા. આવા લોકો કાળક્રમે યુરોપમાં ફેલાયા, ઇંગ્લેન્ડ ગયા ને ઇંગ્લેન્ડથી ભારત આવ્યા અંગ્રેજો ને એમ વાયડાઓએ ભારતપ્રવેશ કર્યો ને પછી ફૂલ્યા-ફાલ્યા. આવા લોકો એમ કહે છે : એરીસ્ટોટલના બાપા વૈદ્ય હતા એટલે એ વાત માત્ર દેહશુધ્ધિની છે. પણ ટ્રેજડીમાં ક્યાં દેહશુધ્ધિ જરૂરી છે ! મન‘વા’નું વિરેચન કરવાનું છે. આટલી સાદી વાત તેમને ગળે ઉતરતી નથી. એરીસ્ટોટલની વાત શેઠ બ્રધર્સ બીજી રીતે સમજાવે. એરીસ્ટોટલ કહે તેમ ટ્રેજડી જુઓ ને મન‘વા’ છૂટો થાય. આ ભાઈઓ કહે, ‘સાંજે એક ચમ્મચ, સવારે નો મચ મચ.’ એટલે અમારે ભાવનગર ડીલે નરવું રહેવાનું કારણ સમજાયું? અમારે ‘કાયમચૂર્ણ’ ને ‘કો’ક દિ ચૂર્ણ’ એમ સમાંતરે ભાવનગરમાં વેચાય છે.

એરીસ્ટૉટલે થીયરી આપીને લોક કેળવણી કરવાનું મુનાસીબ માન્યું. નાટકો જોતો જાય ને વિવેચન કરતો જાય. દાખલા દલીલો આપીને માંડીને વાત કરે. એથી એનું વિવેચન ધારદાર, અસરકારક, કાયમી રહ્યું. શેઠ બંધુઓએ એક વખત નાતો જોડ્યો કે પછી ફેવિકોલ કા બોન્ડ. એમણેય બાગ ખૂંદયા ને બગીચા ખૂંદયા, વનમાં ગયા ને ખેતરોના શેઢે ગયા. પૌરાણિક ગ્રંથો ને આધુનિક ગ્રંથોનો વિહાર કર્યો. આમ એમના ઉદ્યમથી આ ઔષધિઓનો થાળ રજૂ કરી આપ્યો. ગાંઠિયાનો થાળ નો હોય. ડીશ હોય તો ગાંઠિયા તો તમારી સામે છે જ. એટલે ગાંઠિયા વિના ઔષધિ નકામી. એ નકામી જાય તે પાલવે નહિ અને એથી ગાંઠિયા ત્યાં આવડા આ શેઠિયા.

એરીસ્ટોટલનું કામ અઘરું હતુંઆપણને નાટક સુધી દોરી જવાનું. નાટક માણસ હરરોજ કરે. રોજીંદી ઘટમાળમાં પણ જોવા જવાની વાત આવે તો થીએટર લગી જાય નહિ. એ જમાનામાં બીજા કોઈ સાધનો મનોરંજનના નહોતા પણ અટાણે તો ઘરે બેઠા તમારી સામે બધા નાચવા આવે. આ મહાપૂણ્યશાળી આત્માનું અધૂરું કાર્ય અમારા આ બંધુઓએ વર્તમાનની નાડ પારખીને હાથમાં લીધું ને ફિલ્મ બનાવી ‘પીકુ’. બશ્શારા અમિતાભભાઈને હાથો બનાવ્યા. આ ભાઈઓની જૂની જાહેરાતોમાં એક માણસ બંદૂક લઇ કેટલાક એસીડીટી, ગેસ, કબજિયાત નામના દુષ્ટોને ગોળી મારી ખતમ કરવા ઈચ્છે છે પરંતુ ગોલીઓ કા કુછ અસર નહિ હોતા એવું એક જંગલના મા’ત્મા કે’ય ને પછી હાથમાં પકડાવે કાયમચૂર્ણ. અમને જાહેરાત એટલે ગમતી કે અમારા ઘરે આવડુ આ ચૂર્ણ રહેતું ને અમે જાણ્યે-અજાણ્યે બોટલ હાથમાં રાખી ‘ ઢીંચક્યા...વ’ કરતા. અલબત્ત બાપા ભાળે નહિ એમ. નહીતર આપણું વિરેચન વહેલી તકે થઇ જાય. બાપાને હંમેશા ગાંઠિયા પ્રિય રહેતા ને મહુવા ગયા હોય એટલે અમારા માટે ગાંઠિયા અને કેળા આવી જ ગયા હોય ને અમને એ ભાવતું બધું. હજુય તે સાંકળ છૂટી નથી. પરંતુ એક વાત છે. આવડા આ બંધુઓએ મારા બાપાની સેવા ખાસ્સી લગભગ અઢી દાયકા સુધી કરેલી. એમને ખબર ન હોય એ સ્વાભાવિક છે કારણ કે મોટા માણસોની મદદ મળી જાય પણ વ્યક્તિ હંમેશા અદ્રશ્ય રહે.

ગૂંચવણો આવ્યા કરે જીવનમાં. ક્યાંયેથી વિરેચન થાય નહિ એવે વખતે બાપા સ્મરણમાં આવી રહે ને માર્ગો આપોઆપ ખૂલ્લી જાય. આજેય આ એરીસ્ટોટલ, ગાંઠિયા ને શેઠ બ્રધર્સ મારા-અમારા-આપણા સહુ માટે એક સાંકળ બની હળવા કરતા રહે છે એથી વિશેષ તમને શું જોઈએ? હે??

................................................................................................................

નોંધ: ગાંઠીયા અહી પ્રતીકાત્મક છે. ગાંઠીયા એટલે ગાંઠિયા નહિ એમ સમજવું એવી કે’વું પડશે? …………………………………................................................................................................................