મહુડાનો કેફ
લેખક
ડૉ. રમણભાઇ ‘‘માધવ’’
ઋણ સ્વીકાર
શ્રી જૉસેફ મેકવાન (સાહિત્યકાર)
પ્રા. ડૉ. મનુભાઇ મકવાણા (પ્રોફેસર, ગુજ.યુનિ.,અમદાવાદ)
શ્રી પ્રવીણ ગઢવી (સાહિત્યકાર)
શ્રી બી.કેસરશીવમ્ (સાહિત્યકાર)
શ્રી હરીશ મંગલમ્ (સાહિત્યકાર)
શ્રી દલપત પિઢયાર (સાહિત્યકાર)
શ્રી યશવંત મહેતા (સાહિત્યકાર)
શ્રી મોહન પરમાર (સાહિત્યકાર)
ડૉ. ઇશ્વર પરમાર (નિવૃત્ત, પ્રો.બી.એડ્ કોલેજ, દ્વારકા)
શ્રી બાલકૃષ્ણ આનંદ (સાહિત્યકાર)
શ્રી ભી.ન. વણકર (સાહિત્યકાર)
શ્રી મનીષ જાની (સાહિત્યકાર)
શ્રી ઇન્દુકુમાર જાની (તંત્રી શ્રી, નયામાર્ગ)
સરૂપ ધ્રુવ (સાહિત્યકાર)
ફા. વર્ગીસ પૉલ (સાહિત્યકાર)
પ્રા. કે.કે. વૈષ્ણવ (સાહિત્યકાર)
રાઘવજી માઘડ (સાહિત્યકાર)
નટુભાઇ પરમાર (સાહિત્યકાર)
શ્રી પી.કે. વાલેરા (આઇ.એ.એસ. અધિકારી(નિવૃત્ત))
પ્રા. નરસિંહ વણકર (સાહિત્યકાર)
પ્રા. આર.એચ. વણકર (સાહિત્યકાર)
એ.કે.ડોડિયા (સાહિત્યકાર)
શ્રી અનિલ વાઘેલા (સાહિત્યકાર)
શ્રી ચંદુ મહેરિયા (સાહિત્યકાર)
શ્રી નીરવ પટેલ (સાહિત્યકાર)
મહેબૂબ સૈયદ ‘બાબા’, સી.એમ.બોદાલકર, બાસીલ મેકવાન
પૂજ્ય પિતાશ્રી, માતા તથા સહધર્મચારિણી કમુ, પ્રિય ભાવિન, હિમાંશુ
સામયિકોના તંત્રીશ્રીઓ - અર્થાત્, સ્ત્રી, વિશ્રામ, હયાતી, સૂરજમુખી, સમાજમિત્ર, ગુજરાત, યુદ્ધરત આમ આદમી, વાચા, દલિત અધિકાર, દલિત ચેતના
સુંદર ટાઇપ સેટીંગ અને સજાવટ કરનાર જાગૃતિ ચૌહાણ
પ્રકાશક શ્રી યાકુબભાઇ
વિશેષ પ્રસ્તાવના બદલ બી.કેસરશીવમ્નો આભાર...
અનુક્રમણિકા
૧.‘મહૂડાનો કેફ’ નો નશો
૨.મહુડાના કેફની કેફિયત
૩. મહુડાનો કેફ
૪. વંચિતોનો વિસામો - વડલો
૫. શણગાર્યો બાવળિયો યે શોભે
૬. મ્હોરે આંબા આંખમાં...
૭. કીકીએ કણસ્યો કચૂકો
૮. સફરજન ના ઉગ્યું તે... ના જ ઉગ્યું...
૯. ઝીલ, ઝેઝરુંને કુવાડિયા
૧૦. વાડાનો નેપાળો
‘મહૂડાનો કેફ’ નો નશો
જગદીશચંદ્ર બસુએ શોધ કરી હતી કે વૃક્ષોમાં જીવ હોય છે. દલિતોમાં પણ જીવ હોય છે તે જાણવા છતાં તેમને આ દેશમાં માનવ ગણવામાં આવતા ન હતા. ડૉ. આંબેડકરે જગતચોકમા ડંકો વગાડી જાહેર કરી સિદ્ધ કર્યું હતું કે દલિતો પણ માનવી છે. વૃક્ષોમાં જીવ હોવા છતાં તેનાં રેખાચિત્રો સાહિત્યમાં રચાયાં નથી. શ્રી જોસેફ મૅકવાન, ડૉ. રમણ વણકર વગેરે સાહિત્યકારોએ જીવાતા ને જીવાયેલ દલિત જીવનનાં હૃદયસ્પર્શી રેખાચિત્રોની જેમ ‘મહૂડાનો કેડ’માં નિરૂપણ કરી ડૉ. રમણ વણકરે પોતાની સર્જક સમર્થતા સિદ્ધ કરી છે. વૃક્ષ પોતે કદી પોતાની વાત લખી શકવાનાં ન હતાં. હા, તેમનાં ડાળ-પાંખડામાંથી બનતા કાગળમાં અક્ષરો અવતારી શકાય પણ તેમનાં રેખાચિત્રો તો બીજાએ જ આલેખવાં પડે. આ વૃક્ષો સાથે દલિત જીવન કેવું ઓતપ્રોત હતું એ સુપેરે ‘મહૂડાનો કેફ’માં આલેખવામાં આવ્યું છે. એમણે મહૂડો, વડ, નેપાળો, બાવળ, આમલી, આંબો, ઝીલ, ઝોઝરુ અને કુવાડિયા વગેરે. ઝાડો અને વનસ્પતિ સાથે દલિત સમાજ કેવી રીતે સંકળાયેલો હતો તેનો સ્મરણકથા રૂપે વાસ્તવિક ચિતાર આપ્યો છે. ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પ્રકારનું આ પહેલું પુસ્તક હશે!
ડૉ. રમણભાઇ પોતે ‘આધુનિક હિન્દી ઔર ગુજરાતી કહાની સાહિત્યમેં દલિત ચેતના’ વિષય સાથે પી.એચ.ડીની ડીગ્રી ધરાવતા હોવા છતાં પ્રાથમક શાળામાં શિક્ષક છે. ‘તોરણ’ અને ‘લાજ’ એમના વાર્તાસંગ્રહ છે. બાળકોને સહજતાથી, ભાર વિના કેવી રીતે ભણાવી શકાય તે માટે તેમણે ‘ભજવણી દ્વારા કેળવણી’, ‘વિજ્ઞાન શિક્ષણનાં નાટકો’ તથા પ્રાથમિક શાળાના બાળકો માટે ‘શબ્દકોષ’ જેવાં ઉપયોગી પુસ્તકો લખ્યાં છે, જાણે બાળજીવનને તે સમર્પિત છે. તેમના બાળપણમાં તેઓ તેઓ જાણે વૃક્ષોને સમર્પિત હતા! ‘પૂર્ણ સત્ય’ માં મારા બાળપણનો વગડો, વૃક્ષોને છાણ-માટી આલેખાયાં છે. જ્યાં મેં અધુરું છોડ્યું હતું ત્યાં એમણે જાણે પૂર્ણતાએ લઇ જવા પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે. ‘મહૂડાનો કેફ’ વાંચતાં ‘પૂર્ણસત્ય’નો વગડો મારી નજર સામે ખડો થય હતો. આ વૃક્ષો ને વનસ્પતિ સાથે જોડાયેલો એક સંસાર છે. તેમની સાથે માનવીનાં રાગદ્વેષ, શ્રદ્ધા, અશ્રદ્ધા ને અંધશ્રદ્ધા પણ જોડાયેલાં છે. ‘ભૂતનો વાસ આંમલી’ એ કહેવત યાદ કરતાં આપણી સામે ભૂત વિષેની અંધશ્રદ્ધા ખડી થાય જ્યારે રમણભાઇએ વર્ણવેલ આમલી, તેના કચૂકા, તેનાં કૂણાં પાન, તેનું લાકડું ને સાથે તેની ખટાશ જીભ પર ચઢી આવે છે. જંગલો કપાતાં હોય ત્યાં હવે વગડો ક્યાં જોવા મળે? કોંક્રીટનાં જંગલો થતાં હવે વાઘ-સિંહને અન્ય જંગલી પ્રાણીઓની વસ્તી લુપ્ત થવા માંડી છે ને તે માટે સરકાર કરોડો રૂપિયા અભયારણ્યના નામે ખર્ચે છે પણ લુપ્ત થતાં વૃક્ષો વિષે કોઇ સંવેદનશીલ જણાતું નથી પછી ‘રાતી રાયણ’નું લોભામણું સૌંદર્ય ક્યાં જોવા મળશે? એ રૂઢ પ્રયોગો પણ ભૂલાઇ જશે ને રાયણમાંથી જ બનેલા કાગળમાં ડઈક્ષનેરીના શબ્દકોષમાં તે ધરબાઇ જશે.
શ્રી કિશોરસિંહ સોલંકીએ એમની લલિત નવલકથા ‘અરવલ્લી’માં લખી છે. અરવલ્લીના ડુંગરો ને તેની વનરાજી નિરૂપણ કર્યું છે. જ્યારે ‘મહૂડાનો કેફ’માં રમણભાઇએ વૃક્ષ અને દલિત જીવનના તાણાવાણાની વાત કરી છે. કહેવત છે કે બાવળ વાવો તો કાંટા મળે પણ દલિત વસ્તીને તો આંબા વાવવા છતાં કાંટા ને શૂળ જ મળતાં હતાં. અન્ય સમાજોએ દલિતોને હડધૂત કર્યા હતા એટલે આ વૃક્ષોએ તેમને આવકાર્યા અને પોષ્યા હતા. મહૂડો અને તેનાં ફૂલ દલિત જીવન સાથે કેવાં વણાઇ ગયાં હતાં. મહૂડો અને તેનાં ફૂલ દલિત જીવન સાથે કેવાં વણાઇ ગયાં હતાં તે જોઇએ તે લખે છેઃ
‘‘સવારના ચાર-પાંચ વાગે દલિત વાસ આખોયે ખળભળે...‘ઊઠ લ્યા, વહેલો જા... નહીંતર તારો હણીજો કો’ક મહૂડાં વીણી જશે’... એવા ઉદ્ગારો કાને અથડાય. રઘવાયા રઘવાયા એકાદ પાણીની છાલકે મોં ધોવાનું કે પછી દાતણનો ડોયો મોંમાં ઘાલીને ચાવતાં ચાવતાં, હાથમાં ખ્રિસ્તી મિશનરીવાળાઓએ આપેલા દૂધના પાવડરના ખાલી ડબ્બાને હલાવતા હલાવતા આછી અંધારી નેળમાં થઇને પહોંચી જવાનું મહૂડે! રસ્તામાં આવતા બીજાના ખેતરમાં છીંડુ પાડી ચોર પગલે આમતેમ ડાફેર મારી ઘૂસવાનું ને હાથ લાગે એટલાં મહૂડાં હડફડ હડફડ વીણી લેવાનાં... હા, એની ખબરેય મહુડાના માલિકને ના પડે કેમ કે સવારમાં આઠ નવ લગણ પેલાં સફેદ મોતી ટપક... ટપક... ટપક્યા જ કરતાં હોય!’’
મહૂડા વીણવાની આ કલા દલિત વસ્તીનાં બધાં નાનાં મોટાં જાણે. એ માટે વહેલા ઊઠવું પડે. મહૂડાનાં ફૂલ વીણવાનું આ કામ બીક અને ભયના ઓથાર નીચે થતું. બીનઇલતો મહૂડામાંથી દારૂ બનાવતા. તે પોતાના ખેતરમાં માટલી સંતાડવાને બદલે દલિતના ખેતરમાં સંતાડતા. એ માટે ફરિયાદ તો કરી શકાતી નહીં પણ વિનવણી કરવી પડતી. ત્યારે દલિતોને પેલા કહેતા :
‘‘જુઓ લ્યા, આ તમારાં લોક સીધાં સાદાં... આવા ધંધા કરે નહીં એટલે પોલીસવાળાને તમારા પર શંકા ના આવે ને કદાચ તોય જો પકડાય તો તમને વહવાયાં જાણીને છોડી મેલે... જ્યારે અમને તો બેપાંચ ડંડામાંથી ના જવા દે!’’
બીનદલિતોનું આ ચિંતન સગવડિયું છ. માટલી મૂકવા માટે ક્યારેય ઉપકાર તો ગણતા જ નહીં. પોતાના ખેતરમાં ગૂનો ના બને એટલા માટે દલિતના ખેતરમાં દારૂની માટલી સંતાડવામાં આવતી તેય છાનાં માનાં નહીં પણ જગ જાહેર. અ વખતે પોલીસવાળા દલિતોને વહવાયાં ગણીને છોડી મૂકતા ન હતા. જો દલિતના ખેતરમાંથી માટલી મળે તો પોલીસ તેને થાણે લઇ જતી ને બરડો ખોખરો કરી દેતી. બીજાના વાંકે દલિતોને માર ને દંડ બેય ભોગવાં પડતાં. દલિતોએ ના છૂટકે આ બધું સહન કરવું પડતું હતું.
‘પૂર્ણસત્ય’માં આવા કિસ્સા નોંધ્યા છે. રાત્રે મહોલ્લાના ઘર પાછળ ચોર ચોરી કરવા આવતા. રાત્રે ઘરનાં સ્ત્રી-પુરૂષો ઘરમાં મોડી રાત સુધી વાતો કરતાં હોય તો પેલા ચોર ઘરની પાછળથી કહેતા : ‘અલીઓ, હવે ચ્યાં હુધી વાતો કરશો? સાંનીમાંની હુઇ જાવ.’ એ રાતે દલિતોને જાગતાં જ રાત પસાર કરવી પડતી. પોતાને ઘેર લગ્નનો પ્રસંગ હોય તો કોઇ ઊંઘી શકતું ન હતું. એક બીજો કિસ્સો પણ મેં નોંધ્યો છે. દલિતના મહોલ્લામાં આવીને ઘર આગળ પડેલો ખાટલો પેલા ઉપાડી જાય. કહે : ‘લાયને પમલા તારો ખાટલો, થોડીવાર આડા પડવું સે.’ ખાટલાના માલિકની હા-ના સાંભળ્યા વિના ખાટલો ઉપાડી જાય. પછી ત્યાં માગવા તો કેવી રીતે જવાય? જો પમલો માગવા જાય તો ગાળોની ઝડી સાંભળવી પડે ને વાત વધી જાય તો માર ખાવી પડે. આમ ચોર ધોળે દહાડે નજર આગળથી ખાટલો ઉપાડી જાય... ચોરી જાય ને કંઇ જ કહેવાય નહીં! આવું જીવન દલિતોને લમણે લખાયું હતું! આજે દેશમાં આતંકવાદની ચર્ચા જોરશોરથી સંભળાય છે પણ અહીંનાં ગામડાંમાં આ આતંકવાદ ગળથૂથીમાં જ પોષાતો હતો ને દલિતો સદીઓથી તેનો ભોગ બનતા આવ્યા છે. ભણ્યા-ગણ્યાને સારી નોકરીઓ મળતાં શહેરમાં સ્થાયી થતાં સને ૧૯૮૧ અને સને ૧૯૮૫માં અનામતનાં હુલ્લડો રૂપે આ આતંકવાદ નવા સ્વરૂપે દલિતો ભોગવી ચૂક્યા છે. આવા આતંકવાદમાંથી મૂક્તિ મેળવવા વર્ષો પહેલાં ખેડા જિલ્લામાં ઘણા દલિતો ખ્રિસ્તી થઇ યા હતા. ડૉ. રમણભાઇએ ખ્રિસ્તી મિશનરીવાળાના દૂધના પાવડરના ખાલી ડબ્બાને સાંકેતિક રીતે સંભાર્યા છે. હવે ખ્રિસ્તી અને મુસ્લિમ થયેલાને પાછા પોતાના મૂળ ધર્મમાં લાવવાની એક જેહાદ ચાલી રહી છે. હિન્દુ ધર્મ વર્ણવ્યવસ્થા આધારિત છે. ગાંધીજી પણ આ વર્ણાશ્રમ પ્રથામાં માના હતા એટલે જ ડૉ. આંબેડકરે એમને પ્રશ્ન પૂછયો હતો : ‘કોઇ માણસ હિન્દુ ધર્મ સ્વીકારે તો તમે એને કયા વર્ગમાં મૂકશો? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રમાં?’ ગાંધીજીએ આ પ્રશ્નને હસી કાઢ્યો હતો. ‘વસંત વિજય’ના કવિ કાન્તે (મણિશંકર અનજી ભટ્ટ) સમજીને, કોઇ પણ જાતના દબાણ વગર ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. એમના પર ખૂબ દબાણ કરી એમને પોતાના ધર્મમાં પાછા લીધા ને એમના મૂળ વર્ગમાં - બ્રાહ્મણમાં-મૂકાયા. દક્ષિણ ભારતમાં દલિતોને મુસ્લિમ ધર્મમાંથી પાછા એમના મૂળ ધર્મ ને મૂળ વર્ગમાં - શૂદ્રમાં પાછા લાવવાની ચળવળ ચાલી રહી છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જેમણે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો તેમને પોતાના મૂળ ધર્મમાં લાવવા માંડ્યા છે પણ એમનો મૂળ ધર્મો કયો? એ તો હિન્દુ હતા જ નહીં. સ્વ. અમરસિંહ ચૌધરીએ નિશાબેન સાથે લગ્ન કરતાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે અમે કોઇ ધર્મમાં નથી. તો પછી આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવી, કયા વર્ગમાં મૂકવામાં આવશે? અજકાલ અન્ય પછાત વર્ગોની અનામત અંગે પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. દલિત, આદિવાસી ને અન્ય પછાત વર્ગોમાંના કેટલાક ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે. એવે સમયે પેલા દૂધના પાવડરના ખાલી ડબલામાં આરડીએક્સના ભરાય તે આપણે સૌએ હવે જોવાનું છે.
લેખક પોતાના પિતાશ્રી વિષે લખે છે :
‘‘મારા બાપા કે જોડેના ખેતરવાળા મોતી ડુંગર એમના ઘેર દારૂ લેવા ાય ત્યારે નાળિયેરની કાચલી ભરીને મફત પીવડાવતા! ફળિયાના કેટલાય જણ તો આવા ‘મહૂડા ભગત’ કે મહૂડાનો દારૂ જુએ તો ગાંડા - બાવરા થઇ જાય! એ સમયે આભડછેટ જુવાન થઇ ગયેલી... પાણી, ચા કે છાશ પીવા સવર્ણો નાળયેરની કાંચલી આપે ને કાણી કાંચલી પર આંગળી મૂકી દઇને પીવાનું...! કાં તો હાથની ‘પોશ’ વાળીને પીવાનું! મારા બંધાણી બાપા કેટલીયે વાર આ દરબારને ઘેર પોશ વાળીને ગટ...ગટ...ગટ...મહૂડો ગટગટાવી જતા!’’
દલિતોને પાણી ખોબેથી પીવું પડતું ને છાશ ઊંચેથી દલિતના વાસણમાં રેડવામાં આવતી. બીનદલિતોના કૂવે આજે પણ પાણી ભરી શકાતું નથી. બે દિવસ પહેલાં અખબારમાં ફોટા સાથે સમાચાર છપાયા હતા. અમદાવાદથી નજીના સુરેન્દ્રનગર જિલાના એક ગામે દલિત બાળાને બીન દલિતોના કૂવી પાણી ભીખતી ફોટામાં બતાવામાં આવી હતી. ગામડાંમાં હજુ પણ દલિતો મંદિરમાં પ્રવેશી શકતા નથી. મંદિર પ્રવેશ કરતાં સાબરકાંઠા જિલ્લામાં એક દલિત બાળાને ગયે વર્ષે મારવામાં આવી હતી. સમય જાણે થંભી ગયો છે. પછી એકવીસમી ને બાવીસમી સદી કેવી રીતે આવશે?
દારૂ કેવી રીતે બને છે તેની બાળલેખકને ખબર ન હતી. પોતાના ખેતરમાં ઉદયાએ માટલું મૂક્યું હતું. તેની ખબર પડતાં લેખત તેમના મિત્ર સાથે ત્યાં જાય છે. તે વર્ણન કરે છે :
‘‘એ વખતે દારૂ કેમનો બનતો હશે એની ઝાઝેરી ખબર નહીં એટલે કુતૂહલવશ અમે પેલી માટલી જોવા લાગ્યા... માટલીમાં મહૂડા બાવળનાં છોડાં, ફટકડી, મરી ને બીજું બધું ઉકળતું હોય એમ લાગે... અમને રીશ ચઢી પણ કરવું શું! સામે ચાલીને પેલાને કશુંય કહેવાય નહીં નહીંતર અમારા ખેતરની બાજરી, ઝાડ, કેરીઓ કે એવું કેટલુંય ગાયબ થઇ જાય!’’
દલિતો કેટલી હદે સહન કરતા હતા તેનું સરસ આલેખન છે પણ લેખક નવી પઢીના છે. ભલે તે સામનો કરી શકે તેમ નથી છતાં મનથી તેમને સામનો કરવો છે. બદલાની આ ભાવના માસશાસ્ત્રીય દૃષ્ટિએ બીજી રીતે સ્ફૂટ થાય છે. લેખક આગળ લખે છે :
‘‘...ને એટલી રીશ ચઢી કે અમે બેય જણાએ ધડધડ કરતાં એ માટલીમાં પેશાબ કરી દીધો... ને બબડ્યા, જાવ, હાળા મહૂડા ભેળું મૂતરેય પીધા કરો.’’
બીજે દિવસે માટલીનું ઢાંકણ ખુલ્લું જોઇ પેલાએ એમને બરાબરના તતડાવી નાખ્યા. પેલાએ ગુસ્સામાં ને ગુસ્સામાં વાડમાં ઊગેલા બ લીમડાની ટોચ કાપી નાખી. લીમડાની કે કોઇ પણ ઝાડની ટોચ કાપી નાખવામાં આવે તો તેની વૃદ્ધિ અટકી જાય. લેખકનું મનોમંથન હૃદયસ્પર્શી છે :
‘‘અમારા હૈયામાં નીંભાડો ભડભડ બળતો હતો ને અગ જ્વાળા બહાર દેખાતી ન હતી.’’
આવું તો ઘણું પ્રચ્છન્ન સહન કરવું પડતું. લેખકની વેદના સાથે રમૂજ પણ જોઇએ :
‘‘એ વિસ્તારમાં ઉદયાનો દારૂ પ્રખ્યાત હતો.કોઈક કહે, ઉદયાનો દારૂં ભઈ! અસ્સલ મહુડાનો ને અમે મનોમન હસતા, ગુસપુસ કરતા ને કહેતૈ, હોય જ ને! હાત કરે તોય મહૂડાં ભેળું એમાં ભળેલું અમારું...’
લેખક પોતે દારૂથી કેમ દૂર રહ્યા તેનું ચિંતન કરતાં, વૈજ્ઞાનીક કારણ રજૂ કરતાં તે લખે છેઃ
‘‘અમને થયાં કરતું કે આ તો અમે મેણસો છીએ પણ કદાચ કુતરાં આમ રેઢિયાળ માટલી પર મૂતરતાં જ હશે ને! સાપ,નોળિયા,ગરોલી જેવાં ઝેરી જીવડાંયે માટલી પર કરતાં હશે...પીંતાય હોય કદાચ...ચરકતાં હશે...છી...છી...છી...આવું ગંદુ ગંદુ લોકો કેમ પીતા હશે? દારું પીવાથી પેટ કહોવાઈ જાય એનું વૈજ્ઞાનીક કારણ અમને ત્યારે ખબર નહીં પણ એવું તો ચોક્કસ ગાંઠે બાંધી દીધું કે આવા બધાંને કારણે જ દારૂ પીનારનું પેટ કહોવાઈ જતું હશે! કદાચ રીશને કારણે કરેલી એ પ્રવૃત્તિ અમારા માટે ઉપકારક બની હશે એટલે જ્યારે જ્યારે મહેમાન પરોણાના સ્વાગત માટે દારૂ ધરે ત્યારે પેલી ઘટના યાદ આવતી ને થતું ભલા, એવું તે પીવાય ખરું? એથી અમે દારૂથી બચી ગયેલા.’’
દારૂ પીનારાઓ માટે આ એક લાલબત્તી સમાન વિધાન છે. ‘પૂર્ણસત્ય’ માં મેં પાણીની માટલીનો પ્રસંગ વર્ણવ્યો છે. મારી સાથેના બધા વિધ્યાર્થીઓને પરબવાળી બાઈ ગ્લાસમાં પાણી આપતી ને મારે પાણી પીવા ખોબો ધરવો પડતો. એની પાણીની માટલી ખુલ્લામાં પડી રહેતી. ઠંડકને લીધે બાજુમાં કુતરા પડી રહેતા. પરબવાળી ના હોય ત્યારે એકાદ કુતરું માટલા પર મૂતરતું પણ હશે! છતાં પરબવાળી મારાથી અભડાતી હતી. બધું જોયાનું ઝેર છે! અભડાઈ ગયા પછી પાણીને શુદ્ધ કરવાની રીત ચીતરી ચઢે એવી છે. ડૉ. આંબેડકરે ચવદાર તળાવમાંથી પાણી પીવા માટે સત્યાગ્રહ કર્યો હતો. દલીતોએ પાણી પાધું એટલે એ તળાવને પવિત્ર કરવા ગૌમૂત્ર વગેરે પંચામૃત તળાવમાં પધરાવી તેને ‘શુદ્ધ!’ કરવામાં આવ્યું હતું! સદીઓથી ચાલી આવતી આ જડતા અને અજ્ઞાન નો દુનિયામાં જોટો જડે એમ નથી. અહીં પાપ કર્યા પછી તેમાંથી મુક્તિના ઘણા રસ્તા બતાવવામાં આવ્યા છે. દેશમાં રામકથાગાંધી કથાઓ થવાં છતાં ને લોકો રોજ ધાર્મિક ચેનલો જોવા છતાં ગૂનાખોરીનું પ્રમાણ વધ્યું છે.જાતજાતના ને ભાતભાતના કાયદા અમલમાં છે. તેમાંથી કેવી રીતે ગૂનેગારને બચાવી શકાય તે માટે ભારેખમ ફી ને વકીલો છે. ગૂનામાંથી છોડાવે તે મોટો વકીલ.એટ્રોસીટીનો કાયદો હોવા છતાં ૯૬% ગૂનેગારો સહેલાઈથી છૂટી જાય છે ! ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા છે ! ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં સાબિત કેસોનું પ્રમાણ ૨૯.૧૯ ટકા છે જ્યારે ગુજરાતમાં ૩.૫૨ ટકા છે.
દારૂ પીવાની આ બદી આપણાં શાસ્ત્રોમાં પણ વર્ણવાઇ છે. દારૂ-સોમરસ પીધા પછી જાદવાસ્થળી થઇ હતી. લેખક લખે છેઃ
‘‘દલિત સમાજમાં શિવ કે ભાથીજીના ભગત ઓછા હશે પણ મહૂડાના ભગત વધારે. એ બધા બહેતા કે આ તો શંકર ભગવાને બનાવેલું પીણું છે! સોમરસ! ભક્તિની કે ધરમની બીજી બધી વાતોમાં એમને રસ ન હોય તોય આ શંકરની પ્રસાદી મોથી લેવાય. માતાજી આ મહૂડાથી રીઝે એવીય માન્યતા... અસ્સલ મહૂડાનો દારૂ હોય તે બેચર ભૂવો હોય એટલે એક બે પવાલે જ ભલ ભલાને શરીરમાં માતા સંચરતીને હો... હો... કરી ધૂણવા માંડતો... વાટનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, ઘરનું, બહારનું સાસરીનું કે મોસાળનું જ્યાં ક્યાંનું ભૂત, પલિત, ડાકણ, શાકણ, ચૂડેલ, વંતરી, જંડ જેવાં વળગ કાઢતાં પહેલાં આ મહૂડો મંગાવતો! માતાને તરાપ્યા વિના... કશું ય કામ સફળ ના થતું! અરે કેટલાંક પોતાની જાતને ધર્મના જાણઘભેદુ માનનારા તો દાખલો આપતા કે મહાભારતમાં કૃષ્ણના જાદવોએય દારૂ પીધેલો ને વઢી મરેલા! જો ભગવાનના વંશજો પીતા હોય તો આપણે શો વાંધો લ્યા!’’
શિવરાત્રી અને હોળી હમણાં જ ગયાં. શિવજીના નામે કરોડોની ભાંગ પીવાઇ હશે! ચેનલો પર પણ બતાવામાં આવ્યું હતું. આપણા કેટલાક સાધુઓ પણ ગાંજા અફીણના બંધાણી હશે! ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીએ સૌથી વધારે જુગાર રમાય છે! પુરાણોમાં પોતાની પત્નીને પણ જુગારમાં દાવ પર લગાવી દેવામાં આવતી. અહીં ગળથૂંથીમાં જ આવાં શાસ્ત્રો-પુરાણોનું પયપાન થઇ રહ્યું છે. અહીં બંધારણની સત્તા સાથે બીજી એક સમાંતર સત્તા આ પુરાણોની છે. શ્રદ્ધાને નામે અંધશ્રદ્ધા પોષાઇ રહી છે. સદીઓથી આ બધું ચાલતું આવે છે, ચાલતું રહે છે ને ખબર નથી ક્યાં સુધી ચાલુ રહેશે!
લેખકના જણાવ્યા પ્રમાણે મહૂડો દલિતોનો જીવનાધાર હતો. મહૂડાનાં ફૂલ લોક કાચાં ખાય, બાફીને ખાય, શેકીને ખાય, તમાકુમાં ભેળવીને હોકામાં ધ્રુમપાનરૂપે લે. નાનપણમાં મેં પણ મહૂડાનાં કાચાં ફૂલ ઘણાં ખાધાં છે ને સૂકવીને બનાવેલી સુખડી પણ ખાધી છે. એ વખતે ઘરમાં ઘણી ચોખ્ખાઇ હોવા છતાં ચાંચડ, મચ્છર, માંકડ વગેરે દલિતોને પરેશાન કરતા હતા. લેખક રમૂજ સાથે લખે છેઃ
‘‘અમારો ખાંનકાકો ભારે રમૂજી! ચાંચડ મારતો જાય ને કહે ‘લ્યા, ભૈ દહાડે આ લોકો કામ કરાયી કરાયીને લોહી પી જાય છે ને હાળાં આ ચાંચડ, મછરાં રાતે લોહી પીવા આવ ેછે’ પછી ઉમેરીને કહેતા ‘આ લોકો લોહી પીએ છે એટલે જ ભગવાને આ મહૂડો બનાય છે! એટલે જ માધભૈ... આઘૂટોક મહૂડો પીઓ એટલે શાંતિની નીંદર આવી જાય...ને બેચાર મહૂડાં કચરીને ઘરના ખૂણે નાંછી દઇએ એટલે આ ચાંચડ મછરાં મરી જાય.’’
મહાત્મા ગાંધીએ સત્યના ઘણા પ્રયોગો કર્યા છે, દલિતો આવા જીવતરના પ્રયોગો કરી દિવસો કાઢતા હતા. રમણભાઇએ આ પુસ્તકમાં એવા ઘણા ઘરગથ્થુ ઉપાયો બતાવી દલિતોની જીવનશૈલીનું નિરૂપ કર્યું છે. લગ્ન વખતે ગવાતાં ફટાણાંમાં પણ મહૂડો તો હોય જ - મામા, ફૂવા, કાકા, વરનો બાપ બધાંને ફટાણાંમાં ઉધડા લેતાં ગવાતું :
‘‘પેલા જગલાને માથે મહૂડાનો ટોપલોરે,
એ તો ઊભી બજારે મહૂડો વેચતો રે’’
મહૂડો દલિતોના રૂઢિપ્રયોગોમાં પણ છવાઇ ગયો છે. મજૂરી મળતી બંધ થાય એટલે કહેવાતું ‘ભઇ, અમારી મહૂડી ગરી રહી...!’ મહૂડાં એટલે કામ મળવું આ મહૂડા સાથે અંધશ્રદ્ધા પણ જડાઇ ગયેલી છે. લેખક લખે છે :
‘‘મહૂડો એટલે વંતરી, જંતરી, ડાકરણ ચૂડેલ વમ્પર, ભૂત, પલિત, જન્ડ એ બધાંનું ઘર... એવી માન્યતા આખાયે મલકમાં ફરી વળેલી.’’
દારૂ દૈત્ય છે એને લીધે મહૂડા કપાવા લગ્યા છે તો સામે દારૂ પીનારા તો ગમે તે રીતે, ગમે તેવો જીવલેણ દારૂ પીવા માંડ્યા છે. લેખક લખે છે :
‘‘મહૂડાનો દારૂ નુકશાન કરતો હશે એથીય વધારે આજના સમયમાં બનાવાતો ગંધાતા સડેલા ગોળ, મરી, ફટકડી, થોરનાં મૂળ, બાવળ મૂળ, બેટરીના સેલ એવા પદાર્થોનો દારૂ લઠ્ઠો આજેય પીવાય તો છે જ ને! પેલા ઇંગ્લીશ દારૂની તો ટ્રકો દ્વારા હેરાફેરી થતી રહી છે! નહાવાના ઇંગ્લીશ દારૂની તો ટ્રકો દ્વારા હેરાફેરી થતી રહી છે! નહાવાના સાબુમાં વપરાતું ડોળિયુંને બદલે નુકશાનકર્તા રસાયણ લેવા માંડ્યા છે. ધીમાં ડોળિયું ભેળસેળ થતી એ નુકશાનકર્તા ક્યાં હતી? આજે કહેવાય છે કે ધીમાં ડોળિયુંની ભેળસેળ થતી એ નુકશાનકર્તા ક્યાં હતી? આજે કહેવાય છે કે ધીમાં પ્રાણી જ ચરબી (મરેલાં કે જીવતાં) ઉમેરાય છે. મહૂડો કદાચ સરકારી બનીને સરકાર સ્થાપિત જંગલોમાં ઉગતો હશે... બાકી ખેડૂતોના ખેતરમાં તો મહૂડાની ભૃણહત્યા જ થતી રહી છે!’’
મહૂડાના બી માંથી ડોળિયું બને છે. ડોળિયું દલિતો તેને ઘી જ કહેતા. ‘ડોળિયા’ને કારણે એક રૂઢિપ્રયોગ લોક જીભે ચઢી ગયેલો ‘કરમ વગરનો કરશનિયો’ એ માટે બારોટે રમૂજમાં જોડી દીધું :
‘‘કરમ વગરના કરસનિયાને જોન શાં જાવાં!
કરમમાં લખ્યું ડોળિયું, ઘી ચ્યાં ખાવાં?’’
કરશન ઘી ખાવા જાનમાં ગયો હતો પણ બેય દિવસ એને ડોળિયું જ પીરસાયું હતું.
ઉપર ફટાણામાં જગલાને ઊભી બજારે મહૂડો વેચતો હવાનું જણાવ્યું છે તો ‘મ્હોરે આંબા આંખમાં’ પ્રકરણમાં લેખક લખે છેઃ
‘‘બજારમાં એ સમયે અમારા વણકર-ચમારની કેરીઓ કોણ વેચાતી લે? અરે! મફતેય લે નહીં... એટલું જ નહીં અડકે ને તોય અભડાય...!’’
છતાં દારૂ ગાળનારા કદાચ દલિતોના મહૂડાનાં ફૂગ ખાનગી રીતે ખરીદતા હશે! એમાંથી બનેલો દારૂ એમને તો વેચવો જ હતો ને! સગવડિયા આભડછેટ!!
‘મહૂડાનો કેફ’માં દરેક પ્રકરણ અલગ અલગ વક્ષને વનસ્પતિની વાત લઇને આવે છે. તેમાં દોલત ને તેનું જીવન કેવાં ઝબોળાયેલાં હતાં તેનું સંશોધનાત્મક ઓખન જોવા મળે છે. તેમાં ઠેર ઠેર સમાજચિત્રો સાથે પ્રકૃતિચિત્રો આવે છે. પ્રકૃતિ ને પરિશ્રમ કેવાં એકમેકથી જોડાયેલાં હતાં તેનું સુભગ આલેખન થયું છે. તેમની ભાષા સાદી ને સામે બેસી બોલતા હોય એ લઢણમાં લખાઇ છે. બાળકને રાગદ્વેષ ન હોય એટલે બાળ નજરે જોયેલી વિગતો જરા પણ અતિશયોક્તિ વગર દિલચોરી કર્યા વગર જેવી હતી તેવી ને જેમ હતી તેમ સાક્ષીભાવે મૂકાઇ છે. ક્યાંય ભારેખમ શબ્દોનો ઉપયોગ થયો નથી. જીવનમાં અનેક ભાર વેઢાળવાના હોઇ, શબ્દનો ભાર શા માટે વેઠવો એવી પણ લેખકની ગણતરી હોય! એમણે ગામડામાં પ્રયોજાતા શબ્દો સાથે ગુજરાતી ભાષાને કેટલાક નવા શબ્દો આપ્યા છે. રંગારી કાકા, ખાનકાકા ને બારોટનાં નામે રમૂજનું તત્ત્વ માર્મિક રીતે મૂક્યું છે. મરક મરક હસવાની સાથે એમાં છૂપાયેલી કરૂણા ને વેદના સબળ શબ્દોથી મહત્તમ રૂપે સ્ફૂટ થઇ છે.
સમાજમાં એક વર્ગ એવો છે જેને કથા ગમે છે પણ નવલકથા કે વાર્તાની નહીં, સાચુંકલા જીવનની કથા. એવા લોકો આત્મકથા કે સ્મરણકથા ભણી મટ માંડે છે. દલિત જીવનની કથા નાવિન્ય ને ચમત્કૃતિને લીધે ભાવકને નવલકથા કે વાર્તા વાંચ્યાનો આનંદ આપે છે. કારણ કે એમણે કદી ક્યાંય આવું વાંચ્યું નથી કે અનુભવ્યું નથી. ચીલાચાલુ વાચનમાંથી વાચક મૂક્તિ મેળવી હાશકારો અનુભવે છે. મારી આત્મકથા ‘પૂર્ણ સત્ય’ ને નવભારત સાહિત્ય મંદિરે આત્મકથાની સૂચિમાં મૂકી હતી, કદાચ અજાણપણે હશે! છતાં તેમાં પેલી કથારસની અજાણી, વણપ્રીછી, અદૃશ્ય વાસના પણ હોઇ શકે!
શ્રી રમણલાલે ‘મહૂડાનો કેફ’ સ્મરણ ગાથાને ‘‘પૂર્ણ સત્ય’’ને પ્રગટાવવા સતત ઝંખતા ઝઝૂમતા પરમ શ્રદ્ધેય શ્રી બી.કેશરશિવમ્ ને લખી મને અર્પણ કરી હતી. મેં તકત ના પાડીને સૂર્યની જેમ પ્રકાશમાન ડૉ. આંબેડ્કરને અર્પણ કરવા વિનંતિ કરી. એ ધગધગતા સૂરજમાંથી ઘણા દીવડા આજે ઝળહળી રહ્યા છે. એ પ્રકાશ વેરતા સૂર્યને મૂકી પ્રકાશ વેરવા મથતા નાનકડા કોડિયાને કેવી રીતે અર્પણ કરાય?
મહારાષ્ટ્રમાં આત્મકથાઓ ત્યાંના દલિત સાહિત્યની ઓળખ બની છે. ગુજરાતમાં આત્મકથા કે સ્મરણકથા ઓછાં લખાયાં છે તેમાં ‘મહૂડાનો કેફ’ ઉમેરો કરે છે. દલિત સાહિત્ય રચવું એ સાહસનું કામ છે. ‘ખેમી’ લખ્યા પછી સ્વ. રા. વિ. પાઠકને ટીકાનો સમામનો કરવો પડ્યો હતો. એમાંય અંદર ભડભડ બળતું હોય એવી આત્મકથા લખવી એ એથીય વિશેષ પીડાદાયક બની રહે છે. રમણભાઇની નિજી પીડામાંથી સર્જાયેલ આ સ્મરણકથાને આવકારું છું. ને ભવિષ્યમાં સળંગસૂત્ર આત્મકથા લખે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું.
- બી. કેશર શિવમ્
‘શૂળ’, પ્લોટ નં ૧૩૮/૨,
સેક્ટર ૧ બી., ગાંધીનગર ૩૮૨૦૦૭,
ટે.નં : ૨૩૨૩૭૮૩૫
અનુક્રમણિકા
મહૂડાના કેફની કેફિયત
વૃક્ષો વિશે ખૂબ લખાયું છે. સાહિતયનો પ્રત્યેક વિદ્યામાં વૃક્ષો વિશે કહેવાયું છે.
‘‘વૃક્ષન સે મત લે, મન તુ વૃક્ષન સે મત લે
‘તરુનો બહુ આભાર, જગત પર તરુનો બહુ આભાર.
‘પેડ હમારે સાથી સંગી, બિના પેડ સે ધરતી નંગી.’’
એવાં કેટલાંય ઉદાહરણો મળી રહે. ‘‘ત્રણ છોરું’’ કાવ્યના કવિએ તો કુદરતનાં ત્રણ છોરું જેમાં પ્રથમ છોરું એટલે વૃક્ષ-જે હજી જન્મીને માત્ર ઊભું જ છે. બીજું છોરું તે પશુઓ જે હજી ચાલવા શીખે છે.- ભાંખોડિયે ચાલે છે. ત્રીજું એ માનવ જે ચાલે છે, દોડે છે, એવી કલ્પના કરી છે! ‘વનાંચલ’ કે ‘વગડાનો શ્વાસ’ વાંચતાં વૃક્ષનું મહાત્મ્ય સમજાય. એમ જ નવલકથાઓમાં સીમ-વગડો વર્ણવાયો છે.
અહીં વૃક્ષોનું સાંદર્ય વર્ણવાનો ઉપક્રમ નથી, ક્યાંક સૌંદર્ય વર્ણવાયુ હશે એ અનાયાસે. સજીવસૃષ્ટિ માં માનવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એકમેકની સાથેના પ્રગાઢ આત્મીય સંબંધો કેવા હતા એ દિશા તરફનો આ પ્રયાસ છે.
આજે આપણે ખૂબ નારાઓ લગાવીએ છીએ. બૂમરાણ મચાવીએ છીએ. ભીંતોચીતરીને કે પછી કમાનો બનાવીને, ટી.વી.માં મઝાની જાહેરાતો બનાવીને (લાખો કમાવા જ સ્તો) કહીએ છીએ.
‘વૃક્ષ વાવો, વરસાદ લાવો,’
‘વૃક્ષોનું જતન કરો,’
‘વૃક્ષ આપણાં મિત્ર’
આ બધાંમાં એક વાત એ તરી આવે છે કે, આપણે વૃક્ષો વાવવાનો આગ્રહ એટલા માટે કરીએ છીએ કે વૃક્ષોના આપણા ઉપર અનેક મહાન ઉપકારો છે આપણે સ્વાર્થવશ થઇને વૃક્ષો વાવવા મંડીએ, નહીં વાવીએ તો વરસાદ ગાયબ થશે. પ્રદૂષણ વધી જશે, પક્ષીની રંગીન સૃષ્ટિ અને પ્રાણીઓની સૃષ્ટિ ખતમ થશે. વનસ્પતિ જન્ય દવાઓ નહીં મળે. લાકડું બાળવા કે ઇમારત માટે નહીં મળે, વગેરે વગેરે આ સઘળીયે વાતો સો ટકા સાચી, પરંતુ શું માત્ર સ્વાર્થ હોય તો જ પુરૂષાર્થ કરશું? બસ, પ્રવૃત્તિ માત્ર ને માત્ર સ્વાર્થ ખાતરની જ! છતાંય હકીકત એ છે કે આટલી બધી બુમારણો છતાંય વૃક્ષો વાવતાં નથી, કપાતાં જાય છે! બસ, કપાતાં જાય છે! કેમ? કેમ?...
જીવાતા જીવનમાંથી વૃક્ષો અળગાં થતાં જાય છે. વૃક્ષ સાથેનો નાતો-સંબંધ કપાય ગયો છે. આપણે વૃક્ષને ચાહતા નથી, પ્રેમ કરતા નથી. જે કંઇ બતાવીએ છીએ એ જાણે ભયપ્રીત છે. ઢોલ-નગારાં સાથે ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમો થાય છે. આયોજન થાય, ને ટી.વી.માંયે સુંદર કાર્યક્રમો થયા ના રંગીન દૃશ્યો દેખાય પણ પછી...? કહેવાતા મહાન નેતાઓ એમણે રોપેલ વૃક્ષો ઉછર્યા કેટલાં? એ જાણવા ક્યાં નવરા હોય છે! શાળા, કોલેજોમાંયે વૃક્ષો વવાય, ઉગાડાય, મોટાં ય થાય પણ પેલા વિદ્યાર્થીઓને એ વૃક્ષો સાથે આત્મીય લગાવ કેટલો? અભ્યાસપૂર્ણ થતાં જે તે સંસ્થા છોડતાં, આજના વિદ્યાર્થીઓ શિક્ષકને ભેટીને રડી પડતો હોય, ગુરૂનું વિરહ દુઃખ હોય એવી કલ્પના જ વ્યર્થ કે નહીં?... કઇ શકુંતલા આજે વૃક્ષો સાથે વાતો કરવા તૈયાર છે! આજે ‘મેઘદૂત’નો જમાનો ક્યાં છે? આજે તો ‘સાઇબર કાફે’ નો યુગ છે ને! ભલે, વિજ્ઞાન વિકસે, પણ કૂદરતથી - નિસર્ગથી આમ છૂટા પડવું આપણને પોષાય એવું તો નથી જ.
મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુની મહાન શોધ એ હતી કે - વૃક્ષોમાં જીવ છે! જીવ છે એટલે સંવેદન છે. પણ આપણે આપણાં જ સંવેદનો-લાગણીઓ પંપાળતા રહ્યા, જ્યાં માનવ અન્ય માનવની લાગણી-સંવેદનને સમજવા તૈયાર નથી ત્યાં વળી આ વનસ્પતિ, પશું, પંખી વગેરેનાં સંવેદનો-લાગણીઓ શોધવા કયાં બેસવું? ભણ્યુ-ભણાવ્યું સઘળું ધૂળ. શાળામાં શીખવ્યું હતું. વનસ્પતિને સંવેદના છે ને બે ચાર ઉદાહરણો ગોખી દીધાં. લજામણીનો છોડ સ્પર્શ કરવાથી પાન બીડાય જાય, કુંવાડિયા જેવી વનસ્પતિનાં પાન સાંજ ઢળે ત્યારે બીડાય જાય, સૂરજમુખીનું ફૂલ સૂર્ય સામે જ રહ્યા કરે! આ બધું ગોખ્યું પણ વૃક્ષમાંયે જીવ છે એવું ક્યારેય અનુભવ્યું નહીં. જગદીશચંદ્રએ વૃક્ષ સાથે કેવો નાતો બાંધ્યો હશે. કેટલાં કેટલાં સંવેદનો - લાગણીઓ અનુભવી હશે. એટલે જ સ્તો, જીવના જોખમેય એમણે સાબિત કર્યું કે વૃક્ષમાં જીવ છે. સર આઇઝેક ન્યુટન વૃક્ષ સામે કેટલું તાકી રહ્યા હશે. કેટલો સહવાસ હશે ત્યારે પેલા સફરજનની વાત એમને સુઝી હશે! આજેય કેટલા સદ્નસીબદાર જણ હશે જેમણે પાકું ફળ (સાખ) એની મેળે ખરતું, ડાળમાં અથડાતું નીચે આવતું જોવાનો લ્હાવો લીધો હોય! ‘જેઠ આવ્યો ને જાંબુ પાક્યાં ભરવાડિયા’ એવું ગાતાં ગાતાં, વાયરે ખરતાં જાંબું ઝીલવા ડગલાની ફડક ધરાવતો અવસર કોને મળ્યો હશે?
પ્રેમ-લાગણીના ઉદ્ભવ અને વિકાસ માટે જરૂરી બને છે. સાહચર્ય-સહજીવન કે સહવાસ. આપણે વૃક્ષોની સાથે જીવીએ છીએ જ ક્યાં ? સુખ સગવડનાં સાધનો વધ્યાં છે એટલે વૃક્ષોના ઉપકારો ઓછા લાગે છે. એરકુલર, એર કન્ડીશનર વાળાંને લીલી લીમડીની છાયા ક્યાંથી આકર્ષી શકવાની? પરાણે કેમિકલ્સને લીધે પાકેલાં ફળોના ટૂકડાને છરી કાંટા વડે ખાનારને બચકાટી બચકાટીને કાચાં-અર્ધપાકાં કે સાખ ખાનાર ગામડિયો ગમાર લાગવાનો ને! છેક ટોચ સુધી જઇને, જીવના જોખમે વૃક્ષનું ફળ તોડવું, લાવવું ને મિત્રો વહેંચીને ખાવું, બહાદૂરીનાં ભરપેટ વખાણ કરવાં એ બધું આજે ક્યાં? ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને ભાઇલો ઝૂલાવે ડાળખી’ જેવી ભાવના પેલા ઝુલામાં ક્યાંથી જે વેલા વડે બનાવેલા હિચકામાં હોય!
વૃક્ષ આપણાં સગાં-વૃક્ષ આપણાં સ્નેહી-આપ્તજન! એ ભાવ શોધવા જવું પડશે. અંધશ્રદ્ધા કહો કે જે કહો તે પણ હજીય ગામડામાં આવા સંવેદનો સંઘરીને ગ્રામ્ય પ્રજા જીવે છે. કે વૃક્ષનાં પાન રાતે ન તોડાય! અમુક વૃક્ષને વંદન કરીને જ પાન તોડાય જેમ કે - તુલસી, પીળો વગેરે. આજેય ગામડામાં કઢી લીમડો લેવા સાંજ ઢળ્યા પછી જાવ તો કોઇ ના તોડવા દે! બકરી માટે ચારો લેવા જતો ત્યારે બા, શીખામણ આપતી કે જો જે વાડમાં ઝાડની ડૂંખ ના કપાય! અમારો સવર્ણ પાડોશી અમારી હદમાં ઉગેલી આંબલી કાપી લેવા તૈયાર થાયેલો ત્યારે મારા બાપુએ આંબલીને બાથ ભરીને કહ્યું હતું. પહેલાં મને કાપો, પછી આંબલી! ‘ચીપકો’ આંદોલન થયેલું એનું સ્મરણ કરતાં થાય છે કે એ આદિવાસીઓના વૃક્ષપ્રેમનું સ્થળાંતર ન કરવાનાં અનેક કારણોમાં એમનો વૃક્ષપ્રેમ પણ ખરો કે નહીં? બીજે સ્થળે આ ધૂળ-ઢેફાંને ઝાડ ક્યાંથી મળે? કપાયેલા ઝાડને કે પવન-વરસાદે ભાંગી પડેલા વૃક્ષને જોઇને ડૂસકે-ડૂસકે રડતાં મનેખની મનોદશા જોઇ છે? છાણ-માટીનો હળવેકથી પાટો મારીને ઝાડ પર રોજ રોજ પાણી છાંટતો, પંપાળતો કોઇ ગ્રામ્યજનની અદા ડૉક્ટર જેવી નહીં, એક મા જેવી હોય છે! બસ, આવા સંબંધોનો કેફ ‘મહૂડાનો કેફ’ થઇ આપ સમક્ષ આવે છે.
વૃક્ષ સાથેનું જીવન એટલું ઓતપ્રોત કે વૃક્ષોને અને અમને જુદાં ન પાડી શકાય! અમારા ગામમાં તો વૃક્ષોમાં અલગ અલગ વ્યક્તિ વાચક નામે... અડધી વળી ગયેલી, કોઠી એટલે અદુગડી કોઠી, ને એ આખો રસ્તો એટલે અદુગડી કોઠીવાળો મારગ! અમદાવાદના રાજપૂર ગોમતીપુર વિસ્તારમાં એ વખતે એક બસ સ્ટેન્ડનું નામ હતું. પોપટિયો વડ! આજે કદાચ એ છે કે નહીં એની ખબર નહીં. પણ અમારા ગામમાં ફળિયાનાં નામ વૃક્ષ પરથી, પડેલાં છે. વડવાળું, લીમડાવાળો ચોક, મહૂડા વાળું ખેતર, ફુલકાકાનો વડ, સિકોતરનો વડ! બસ એમ જ વૃક્ષના ફળ થડ, પાન વગેરેનાં કદ, રૂપ, રંગ, આકારને આધારે, કે એની નજીક આવેલ સ્થળને આધારેય નામ - લાડવાયક કે ખેદવાચક નામેય હોય! ફાટિયો આંબો, ઢોચકિયો આંબો, જોગણી આંબલો, ધૂળબઇ આંબલો, ભૂતિયો પીપળો, ભવૈયો લીમડો, .... એકેક ઝાડનાં જાૂજવાં નામ! એ વૃક્ષોની રગે રગ, એનાં પાને - પાન ને ગામજન ઓળખે કેમ કે એ વૃક્ષો એમના દિલમાં સમાય ગયાં છે. વૃક્ષો જમીનમાં ઉગ્યાં છે. એથી વધુ એમના દિલમાં મહોર્યો છે. કહેવાય છે કે ખૂબ જ વડ ને કારણે ‘વડોદરા’ નામ કરણ થયેલું, વડોનું શહેર ‘વડોદરા’ ને આપણે ‘બરોડા’ એવું નવું નામ દીધું. પણ હવે આપણને વડની ઘટાદાર ‘વડનગરી’ - વડોદરા કોણ બનાવી આપે?
ઝાડ સાથેનો નાતો ટૂટતો રહ્યો છે. ઝાડની પવિત્રતા કે અપવિત્રતાના ખ્યાલો બદલાયા છે! આલિશાન બંગલાઓમાં ગુલાબ કે એવાં બીજાં વૃક્ષો ઉછેરાય છે. શોભા, પ્રતિષ્ઠા કે બીજાં કારણો સર. પરંતું એ વૃક્ષો પ્રત્યે મમત્વ કેટલું? વૃક્ષમાં દેવતા કે વૃક્ષમાં ભૂતનો વાસ માનનારાં હજીય ગામડે વસે છે. અમારાં ગામમાં દહેરામાં ભલે દેવની મૂર્તિ ન હોય, પણ દહેરા ઉપર વૃક્ષ તો હોય જ! ‘‘જેટલાં પીપલડી પાન રે મહાદેવજી, જેટલા પીપલડીનાં પાન એટલા દહાડે પાછાં આવશું’’ - ગાતી ગાતી કોઇ ઉમા શી પવિત્ર કન્યા મહાદેવને રીઝવવા પીપળો પૂજતી હોય! તાવ-તરિયો, રોગ રળિયો મટાડવા ફુલકાકાના વડના થડમાં પાંચ ટોપલાં માટું નાખતી હોય! અરે! એક દેવનું નામ ચીંથરિયા દેવ! એમનું સ્થાનક વૃક્ષ-બસ, આ વૃક્ષને પાંદડે-પાંદડે કાપડનાં કટકા લટકતા જોવા મળે! ‘રણછોડ’ શબ્દનો અર્થ રણમાંથી છોડાવનાર - (કુષ્ણ) અથવા તો ‘રણ છોડીને ભાગીજનાર - (કૃષ્ણ)’ આજના યુગમાં એવોય અર્થ કરી શકાય કે વિસ્તરતા રણને અટકાવનાર એટલે કે રણથી મુક્તિ અપાવનાર એ આ વૃક્ષ. પણ આ ગ્રામ્ય જનોને મન તો વૃક્ષ એટલે ઇશ્વર...!
વૃક્ષ સાથેના વ્યવહારો ય જોવા જેવા! વૃક્ષને લીધે ઝઘડાયે થાય. મોંઘી કાકીના વાડામાંની ગૂંદીનાં ગૂંદા માટે બાળકો ઝઘડે, ગૂંદા સાથે ડાળ-પાંદડાંને કાચાં ફળેય તોડે એથી મોંઘી કાકી કફલે. એમાં રામલાની બાને રીસ ચડે ને રામલાને મારે... રામલો રડતો રડતો નાસે એ જ મોંઘી જેણે રામલાને મારવા એની માને ઉશ્કેરી હોય એ જ પાછી ગૂંદા વડે જ ભેળાં થાય! આ તે કેવાં ઓતપ્રોત થયેલાં વૃક્ષો! અહીં ભાવ માટે ભાષાની જરૂર નહીં. કવિતા રચીને કહેવું ના પડતું -
‘‘પેલા એકેકા ઝાડની મને માયા,
કે ઝાડ મને લાગે ના પરાયા!’’
અહીં તો ખૂબ જ ‘સ્વજન’ની અનુભૂતિ હોય! વૃક્ષ પર હક દાવો ય નહીં આંબા પરની કેરીઓ સુડલા ખાતા હોય તોય મોતીકાકો કહે, ‘ભઇ! આ બધુય ઓછું આપણા એકલાના બાપનું છે! આ પંખીઓના પૂન પ્રતાપે જ આ ફળો પાકે છે!’ ફળો પણ વેચાતાં ઓછાં ‘વહેંચાતાં’ વધારે! ‘વહેંચીને ખાવું’ એ ભાવ કદાચ આ વૃક્ષોએ જ શીખવ્યો હશે! એ મનેખ, એકલ પેટિયાં નહિ. એમને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ જેવાં સંસ્કૃત વાક્યો લખતાં વાંચતાં નહોતાં આવડતાં - પણ અનુભવાતાં! પેલાં વૃક્ષોના સાનિધ્યમાં એ ભાવ પચાવી દીધો હતો.
વૃક્ષોએ માનવને ભાષા એ બક્ષી છે. વૃક્ષોનાં રૂપરંગ જોઇને, સંદેવીને માનવ મને એની શાબ્દિક અભવિવ્યક્તિ કરી દીધી હતી. આજે વિદેશી શબ્દો માતૃભાષામાં કઢંગી રીતે ઘૂસણખોરી કરી દે છે. જ્યારે એ વખતે આ વૃક્ષો સાથેના વ્યવહારો - સંબંધોને કારણે શબ્દો અવતરતા - કહેવતો અવતરતીને ભાષા-બોલી રચાતી! ઘોડો આગલા પગ ઊંચા કરીને ઊભો થાય તો કહેવાતું ‘ઘોડો ઝાડ થઇ ગયો.’ આમ જ કન્યાની ઊંચાઇ વધી જાય તો કહેવાતું કે ઝાડ થઇ ગઇ, એ એને પરણાવી દેવી જોઇએ! મહૂડી ગરી ગઇ, મહૂડે ચડવું, આંબા ગોડી નાખવા, આંબાની આંબલી કહેવડાવવી... કેવા કેવા શબ્દ પ્રયોગો! મિથકો, ઉપમેય, ઉપમાનો, કે અલંકારો વૃક્ષ પાસેથી મળ્યા છે. શેરડીના સાંઠા જેવી, ટેકો આપવાનો હોય તો - બાવળિયાના ઠૂંઠા જેવો, વાંકો માણસ હોય તો ‘ગોઇડયાનો કાંટો, રૂપાળો પણ કદીય કામ ન આવે એવું હોય તો - ઇન્દરવરણું! ભાષાને કે બોલીને સમૃદ્ધ બનાવ્યાં છે આ વૃક્ષોએ - આજે આવાં શબ્દો ભૂલાતા જાય છે - ઘસાતા જાય છે!’
બેન્ડ, ગરબા, પાર્ટી, ડાન્સર, વગેરે થકી લગ્નોમાં ઘોંઘાટિયાં ગીતો કાન ફાડી નાખે છે. પેલાં વૃક્ષોને આધાર લઇ ગામજનો કેવાં મજાનાં ફટાણાં રચતાં! વૃક્ષો એમને કવિત્વ બક્ષતાં હશે કે નહીં! દલિત સમાજમાં આવાં કેટલાંય ફટાણાં આજેય ગવાય છે - ‘નવા નગરનું ઢંચણિયું મંગાવો,’ આ ‘‘ઢિંચણિયું’’નો અર્થ કેટલાંને ખબર હશે! ‘મારા આકાશી મહૂડે હેલમેલ જો...!’ હેલમેલ નો અર્થ શબ્દકોશમાં ના પણ હોય! એમ જ બાવળ ના, પઇડા, પાલી, વગેરે સાથે પ્રાસ બેસાડીને ગવાતું ફટાણું, એવું જ પેલા ગરબાઓનું - સાયબો, મારો છોડ ગોટો ગલાબનો! એનું લોકગીતો પણ એવી જ રચાતાં ! કે પછી નાનપણે સાંભળેલી વાત ‘‘પોપટ આંબાની ડાળ, સરોવર પાળ... ખાય પીવેને કિલ્લોલ કરે!’’ એક પારસ આંબો મહોર્યો રે, એની કેરી હિલ્લોળા ખાય. વાલા તારી વાટડી અમે જોતા રે... કહીને કૃષ્ણ વિરહમાં ઝૂરતી રાધિકા ! વૃક્ષો સાથે તો નાતો તૂટ્યો છે એટલે જ આજે લોકગીતો રચાતાં બંધ થયાં છે. ધૂળ, ઢેફાંને વનસ્પતિને ખોબે રમતા માનવમાં જે સહજતાથી કાવ્યમય અભિવ્યક્તિ થતી એ આજે બંધ થઇ ગઇ છે અથવા તો બંધ થવાને આરે છે.
વૃક્ષો અંગેનો હું કોઇ જ્ઞાતા નથી. વનસ્પતિ શાસ્ત્રનો ખાં નથી, વૈદિક જાણતો નથી હા. માત્ર ને માત્ર આ વૃક્ષો સાથે વીતાવેલી જીંદગીનું નીરુપણ કરવાના ઇરાદે અહીં વૃક્ષો આલેખાયાં છે. રેતી-સીમેન્ટને ક્રોંકિટનાં જંગલોમાં મેં પણ એક ‘ઘર’ નામનું ઝાડ ઉગવ્યું છે. ત્યાં થોડાંક વૃક્ષો ય રોપ્યાં છે છતાંય વસવસોએ રહેવાનો કે, ત્યાં આંકડા ઉગવી શકાશે? કુંવાડિયા, બોરડી, ગોઇડિયા વાંકોલ, રાયણ, એ બધું ક્યાંથી ઉગશે? તિરાડમાં ઉગેલો વડલો આજે ક્યાં ગમવાનો! વૃક્ષો સાથેનું બચપણ હજીય સાંભરે છે એનાં સ્મરણો આલેખતાં આલેખતાં એ સમયનું ગ્રામ્ય જીવન - દલિત જીવન આંખ સમક્ષ ખડુ થઇ જાય છે. ક્યાંક કડવાશ છે, ક્યાંક ખટાશ છે છતાંય એ વિસ્મરણિય છે.
નાનપણમાં ખેતર શેઢે રમત રમતો હતો - બાજરીનાં પાન કે ચીઢા પરથી ઝાકળ બિંદુ ખેરવી હથેળીમાં લેવાનું ને ફરી પાછું એને પાન પર ગોઠવવા મથવાનું! ફરીથી એ પાન પર પેલું ઝાકળ મોતી ગોઠવી શકાતું નહી! થાય છે એ ઝાકળ બિંદુ જેવો હું ગઇ ગયો છું હવે મને પેલા વૃક્ષના પાન પર ગોઠવવા લાખ મથુ તોય શું...? એ જ વેદના થકી અવતરેલું આ સર્જન આપ સૌને ચરણો ધરતાં આનંદ અનુભવું છું.
- ડૉ. રમણભાઇ માધવ
અનુક્રમણિકા
મહૂડાનો કેફ
ગામને પાદર પગ મૂકોને આંખ સામે ઝળુંબે વડ પીપળા ને લીમડાનાં ઝૂંડ. એની શીળી છાંયે હોય કૂવો ને કૂવા પર લાંબો છટ ભડ થઇને પોઢ્યો હોય મહૂડો...! ભડભાંખરું થવા આવેને બંગડીના રણકાર, ઝાંઝરના ઝણકાર, સખીઓની ગૂસપૂસ, છાની છપની વાતો, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે નંદ-ભોજાઇની બગદોઇ (નિંદા) કોડ ભરી નવોઢાની મલપતા મુખની મધુરજની કથા કે વૃદ્ધાઓના નિસાસા એ સઘળુંય પડ્યો-પડ્યો મેંઢો થઇને ભડ રૂપે મહૂડો સાંભળે...! આજે એવાં પાદર પાધર થઇ ગયાં, કૂવા હવડ ને ભડ ગાયબ...! ભડ એટલે કૂવામાંથી પાણી ખેંચવા કૂવાના મથાળે મૂકેલ આડાં ચાર લાકડાં. એટલે આમ જોવા જાવ તો કૂવાનું થાળું એ મસ્તક અને આ ભડ એટલે મસ્તક પરનો મુગટ...!
મહી કાંઠા ગાળામાં તો ઊંચી-નીચી ટેકરીઓ વચ્ચેનાં અસ્તવ્યસ્ત માટિયાળ ઘર અને ઘર આગળ હોય ઢોરની ગમાણ! ગમાણ માંથે ટેકો થઇને અડીખમ ઊભો હોય આ મહૂડો! બે ઢોર એકબીજા સાથે તોફાન ન કરે, એક બીજાનાં શરીર ખંજવાળે નહીં ને સખણાં ઊભાં રહે એટલે સરહદ રૂપે ખોડેલાં હોય આ મહૂડાનાં ડખલયાં! (ઊભાં ખોડેલાં લાકડાં), ગમાણની પાછળના ભાગમાં છાણ-મૂત્રના ખાડા ને અલગ પાડતું ગમાણિયું યે મહૂડાનું હોય! મહૂડો વહેલો સળે નહીં, પાણીથી પોચો ન પડી જાય એવો મજબૂત! લાંઠ ઢોર નાસમ્નાસ ના કરે, રમેણે ના ચઢે એટલે એના બે પગ વચ્ચે રહે એવું જાડું લઠ્ઠ લાકડું ગળામાં દોરડું બાંધીને લટકાવે એને ‘ડેરો’ (ડહેરો) કહે. આ ડેરા રૂપેય ગાય ભેંશના ગળામાં લટક્યા કરે મહૂડો! અડધુ આયખું વીતાવી ચૂકેલી કો’ક સ્ત્રી, અવનવા સાજ સજે, ઠસ્સો કરીને જાય તો પરભુકાકા બોલી ઊઠે - ભઇ માધવ જો તો ખરો. આ ઘરડી ગાયને કોટે ડેરો! કોઇ વઠી ગયું હોય, માથાભારે થયો હોય તોય કહેવાતું કે - આને ડેરો બાંધવો પડશે! કો’ક જુવાનિયાંના પગ કુંડાળામાં પડી જાય, લફરાં કરવા માંડે ને વાત વણસી જાય તો પંચના મોભી આવીને કહી દેતા - ‘ભાઇ, આમને ગળે ડેરો બટકાડી દો એટલે આ બધા રવાડા બંધ!’ એટલે કે આ વાંઢા-વાંઢીને સમાજના રીત રિવાજે ગમે ત્યાં યોગ્ય-અયોગ્ય પાત્ર સાથે પરણાવી દો!
ચૈત્ર મહીનો આવે ને ખેતર શેઢે મહૂડો ઊઘલાય! સફેદ મહૂડાફુલથી લચી પડેલો મહૂડો જાણે નકરા મોગરાનાં શેહરો (ખૂંપ) મૂકીને મલપતો વરરાજા! જો ‘મહૂડી’ વિશે કહેવું હોય તો કહેવાય કે સફેદ ફુલનાં વસ્ત્રો ધારણ કરીને સ્વર્ગેથી અવતરેલી કો’ક ફુલપરી! પણ... હા... અમને તો હજીય આ ‘મહૂડો’ ને ‘મહૂડી’ નો ભેદ પરખાયો નથી! સામાન્ય રીતે નાના કદની, પાતળા થડની ને પાન જેનાં થોડાં નાનાં હોય એ ‘મહૂડી’ કહેવાય. છતાંય આશરે ૬૦-૭૦ હાથ (લગભગ ૨૦ મીટર) સુધી ઊંચાઇ ધરાવતું, મોટા કદનું આ પર્ણપાતી વૃક્ષ છે, એની ઘટા ફેલાયેલી હોય, શાખાઓને છેડે ઝૂમખાદાર રીતે લાગેલાં લંબગોળ પાન હોય, વળી કૂમળાં પાન પર રૂવાંટી હોય જે મોટાં થતાં રૂવાંટી જોવા ન મળે પણ આવું તો ‘મહૂડો’ કે ‘મહૂડી’ બેયમાં જોવા મળતું...! મનમાં થતું કે, કોમળ હોય, સુવા--ય વાળાં પાન હોય એ મહૂડી હશે. બસ, પછી તો ‘મહૂડો’ ને ‘મહૂડી’ના પાન લાવતા એની પર્ણશીરાઓ ગણી જોતા, કદમાપતા, હાથ વડે પંપાળતા ને તોય સમજી ન શકતા કે મહૂડો અને મહુડીમાં કદ સિવાય બીજો કયો ફેર છે?... ને આજે લીમડો-લીમડી, આંબલી-આંબલો એવાં કેટલાંય ઝાડમાં તફાવત તારવી શકાયો નથી...!
ચૈત્રના પાછલા પખવાડિયામાં એક બાજુ પુર જોશમાં ઢોલ ઢબુકતા હોય, ઉનાળુ બાજરીનાં ડૂંડા નીચે દૂધિયા દાંણા પાકટ રંગ ધારણ કરી રહ્યા હોય. ને ભડભાંખેરું, થવા આવ્યું હોય, ગુલાબી આછી ટાઢી વાયરી બાજરી વચાળેથી સર...ર...સરર...ર... વહેતી હોય એવે ટાણે સેઢા પરનો ક્હૂડો ટપક...ટપક... મોતીડાં વરસાવવા માંડે. પાન વગરના મહૂડા પરથી ખરતાં મહૂડાં જાણે સદ્ય નાહીને નીતરતી જુવાનડીના ડીલ પરથી ખરતાં પાણીનાં ટીપાં...! શાખા છે કે ગીચોગીચ રીતે ‘ફેસીકલ’ પ્રકારનાં પૂષ્પગુચ્છો વાયરી એ ડોલવા લાગે ત્યોર લાગે કે પિયુ થકી શરમાયેલી નવવધૂની ડોક હાલી ને જાણે ઝૂમી ઊઠ્યાં હોય! એના કાનનાં લટકણિયાં...!
ભલા! આ કૂદરતનીયે અકળ ગતિ છે! કેટલાંક પૂષ્પ રાતે ખીલે... કેટલાંક દિવસે! મોટા ભાગની વનસ્પતિનાં ફુલ સવાર થતાં ખીલવા લાગે... પણ આ મહૂડાફુલ સવાર થતાં ખરવા લાગે!... સવારના આછા ઉતેજમાં મહૂડા નીચેના કંથેર-બોરડીના જાળામાં કાંટે વિંધાયે ને મહુડા ફુલ એવાં લટક્યાં હોય કે આખું જાળું જાણે તારલા મઢ્યા આકાશનો એક ટુકડો! તરણાં, ઘાસ કે બાજરીના છોડ હંગાથ વાદે ચડ્યું હોય! ખેતર ખેડેલું હોય તો બોડમાં લપાઇને સસલુ બેસે એમ હુડુ માટીના ઢેફા નીચે ભરાય બેસે! ને તોય પેલાં ભૂંડ એના લોખંડી પાવડા જેવા જડબા વડે ઢેફાં ખસેડીને મહૂડાં વીણી ખાય! કહેવાય છે કે આ મહૂડાં ખાય ને પેલાં ભૂંડને કેફ ચડે ને એ છોકરાં બની જાય! ભલાં ભોળાં લાગતાં હરણ અને રીંછેય આ મહુડા ફુલનાં હવાદિયાં!
સવારના ચાર-પાંચ વાગે દલિતવાસ આખોયે ખળભળે. ‘ઊઠ, લ્યા, વહેલો જા... નહીંતર તારો હણીજો કો’ક મહૂડાં વીણી જશે. એવા ઉદ્ગારો કાને અથડાય. રઘવાયા રઘવાયા એકાદ પાણીની છાલકે મોં ધોવાનું કે પછી ધોયા વગર જ દાતણનો ડોયો મોં માં ઘાલીને ચાવતા- ચાવતાં, હાથમાં ખ્રિસ્તી મિશનરીવાળાઓએ આપેલા દૂધના પાવડરના ખાલી ડબ્બાને હલાવતા હલાવતા આછી અંધારી નળીમાં થઇને પહોંચી જવાનું મહૂડે! રસ્તામાં આવતા બીજાના ખેતરમાંયે છીંડુ પાડી ચોર પગલે આમતેમ ડાફેર મારી ઘૂસવાનું ને હાથ લાગે એટલાં મહૂડાં હડફડ હડફડ વીણી લેવાનાં...હા, એની ખબરેય મહુડાના માલિકને ના પડે કેમ કે સવારમાં આઠ ન વાગ્યા લગણ પેલાં સફેદમોતિ ટપક...ટપક... ટપક્યા જ કરતાં હોય!
મહૂડાં વીણવાં એય એક કલા! ઝીણી ઝીણી આંખ કરીને પેલી બાજરીના પાનને, થડમાં, અડખે પડખે ચીડામાં, ઘોરિયામાં અંધારામાંના કાંટાળા વચ્ચે છૂપાયેલાં-બીંધાયેલાં મહૂડાં ગોતવાનાં...! હળવેકથી લઇ લેવાનું-ક્યાંક કાંટો ન વાગી જાય કે પછી પેલાં ઘાસ ભેળો સાપમામો ફુફાડો મારતો હાથમાં ન આવી જાય! મહુડાં વીણવા આમતેમ દોડા દોડ કે ચાલવાનું નહી, નહીંતર ગદડગોલમાં મહુડાંયે કચડાય જાય!
મહૂડાં એટલે દલિતોને મન ખારેક-ટોપરાંથીયે અદકેરાં! તાજાં તાજાં મહૂડાં લંબગોળે.. પોલાં લીલીદ્રાક્ષના બેવડા કદ જેવડાં... એનું વજ્ર આશરે આંગળીના એક વેઢા જેટલું (આશરે ૧.૫સેમી) લંબાઇનું, ફુલમણી પીળાશ પડતા મેલા સફેદ રંગનાં આશરે અડધી આંગળી એટલે કે લગભગ ૨.૫ થી ૩ સેમી. પહોળાં ગરદાર ને એ તોડો એટલે એમાંથી ૨૫ જેટલાં પૂંકેશર નીકળે... ને ૨.૫સેમી. જેટલું લાંબુ નલિકાવાળું સ્ત્રીકેસર હોય! એ સઘળું તોડીને નાખી દેવાનું ને બાકીનું મહૂડુ મોંમાં મૂકતાં, સહેજ જીભ વડે દબાવો કે મોં ભરાય જાય. નર્યું પાણી... પાણી!
બાફેલાં મહૂડાંનોય સ્વાદ ઓર! માટીની હાંડીમાં બફાતાં મહૂડાં આખા ફળિયામાં વાયરે ચડીને ચાડી ખાય લેતાં કે આજે ફલાણાના ઘરમાં ફાકાકસી હશે! મહૂડાં બાફવા નીયે કારીગરી! એને બાફવા માટે પાણી ન જોઇએ! ને વધુ બફાય જાય તો મહૂડાં ગાયબ થઇ જાય ને રસનો શીરો થઇ જાય! અમારા દલિત વાસમાં તો એ સમયે ઘરના પતરાંએ ચડીને મહૂડાં તડકો માણતાં હોય... સૂકાતાં હોય... ને પેલી સફેદ કાયા ધીમે ધીમે માટીયાળ ઘેરા રંગની થતી હોય! સૂકાં બડૂક...બડૂક ખવાય એવાં મહુડાંના ગોળ ગોળ લાડવા બનાવાય ને માટીનાં માટલાં કે ડબ્બામાં ગોઠવી દેવાય. રીમ-ઝીમ રીમઝીમ વરસાદ પડતો હોય, દાઢ ટાઢમાં કકડતી હોય ભીંજાયને આંગળાંની ચામડી કોકડાય ગઇ હોય ને રોપણી કરતાં હોય ત્યારે લોઢીમાં શેકેલાં, મીઠાવાળાં કડક કરેલાં મહૂડાં ભચડ... ભચડ ચવાય...ટાઢ ભાગતી જાય... પેટમાંયે ટાઢક થતી રહેને રોપણી થતી જાય...! આજની ‘કેડબરી’ જેવો સૂકાં મહૂડાંનો સ્વાદ (પડી ગયેલી દાઢવાળા) બોખા માંનેય લલચાવે...!
ઉગમણી કોરની સીમમાં આવેલી બે ભઠ્ઠીઓ આગળ પરભુ ડોહો પછેડીના છેડે પાંચશેર મહૂડાંની પોટલી બાંધીને ઊભા રહે. છેલ્લે એમનો વારો આવતો ત્યાં લગણ તો બે-ચાર વખત ડોસા પાસે ભઠ્ઠીમાં નાખવાનાં લાકડાં ઊંચકાવી લેવાયાં હોય. ધીમે ધીમે મહુડાં ગરમ થાય, એમાંનું પાણી છુટુ પડવા લાગે... ને ઉભરો આવે... છેલ્લે ગાઢા લાલાશ પડતા રંગનું જાડું પ્રવાહી બની જાય એને ‘શેરો’ (શીરો) કહેવાય. આ શીરો તમાકુમાં ભેળવીને એને કચરી કચરીને કાળોમેશ જેવો તમાકુનો લાડવો બનાવે... પરભુડોસાના હાથમાં ગોળગોળ લાડવો બનતો જાય ને એમાં નાંખેલી ગંધાતી વનસ્પતિ, નીલગીરીનાં પાન ને પેલા મહુડાનારસની વાસ આવે... એટલે તમાકુના બંધાણીયે માગવા આવી જાય. કાકોએ એવો કે પરથમ શરૂઆત બીજાથી જ કરે... બીજાને પહેલો હોકો ધરે ને પછે જ પીવે. મોંઘી કાકીને ચૂંની ટેવ એય પેલા શીરાવાળી ‘ભભરી’ તમાકુ બનાવી લે ને અમારાં રામી કાકી બજારમાં-છીંકણીમાંયે શીરામાં થોડાંક છાંટણાં કરી લેતાં... કેડથી પગ સુધી રૂમાલ વીંટાળી, આરામ ખુરશીમાં ડોલતા હોય એમ ઊભડક બેઠેલા પરભાકાકાનો ગડુ...ડુ...ગડુ...ડુ કરતો હોકો જ્યારે મહુડાની સુગંધ લઇ આખાયે ખંડમાં ભમે ત્યારે ભલભલાનાં નાક લાંબા શ્વાસ લેઇ અને પીવાની તલપ જાગે...!
મહૂડો વગોવાયો હોય તો દારૂના લીધે. અમારા ગામના દરબારો ગામમાં રહેવા કરતાં ખેતરે રહેવાનું વધુ પસંદ કરે - અડધા કરતાંય વધુ વસ્તી સીમમાં વસે! સીમ-ખેતરે રહેવાના ફાયદા યે ખરા... ઘાસચારો છેક ગામ સુધી લઇ જવો ના પડે. ખાતર ખેતરમાં જ રહે. લાકડાં ઇંધણાં, ઘાસ વગે કરી દેવાય એથી બીજું કારણ હોય તો આ મહૂડો...મહૂડાં વીણી લવાય ને દારૂ ગાળી શકાય...! દારૂને સંતાડવાની સુવિધા ગામમાં ક્યાંથી હોય? આ ખેતરનાં જાળાં, વાડ, ઘાસની ગંજી, ઓઘલાં અહીં તો પોલીસવાળો રાત દહાડો એક કરીને મથે તોય સંતાડેલો દારૂ ના મળે...!
દલિતોનાં ખેતર એમને સુરક્ષિત લાગતાં ને મહૂડાં ભરેલી માટીલી અમારા દલિતોના ખેતરોમાં સીતાફળીના જાળામાં, ઢૂસણાંના ઢગલામાં કે કંથેર બોરડીના જાળામાં એવી સંતાડીને મૂકે કે આભનના રાયનેય ખબર ના પડે. અમે ફરિયાદ તો કરી ના શકતા પણ વિનવતા, તો કહે ! ‘જુઓ લ્યા, આ તમારા લોક સીધાં સાદાં... આવા ધંધા કરે નહીં એટલે પોલીસવાળાંને તમારા પર શંકા ના આવે ને કદાચ તોય જો પકડાય ને તો તમને વહવાયાં જાણીને છોડી મેલે.... જ્યારે અમને તો બે-પાંચ ડંડા માંથીય ના જવા દે!’ માટલી મૂકવા દેવા બદલ ક્યારેય ઉપકાર તો ગણતા જ નહી હા, મારા બાપ, કે જોડેના ખેતરવાળા મોતીડુંગર એમના ઘેર દારૂ લેવા જાય ત્યારે નાળિયેરની કાચલી ભરીને મફત પીવડાવતા! ફળિયાના કેટલાય જણતો આવા ‘મહૂડા ભગત’ કે મહૂડાનો દારૂ જોવે તો ગાંડા!બાવરા થઇ જાય! એ સમયે આભડછેટ જુવાન થઇ ગયેલી... પાણી કે ચા કે છાશ પીવા સવર્ણો નાળિયેરની કાચલી આપે ને કાણી કાચલી પર આંગળી મૂકી દઇને પીવાનું...! કાં તો હાથની ‘પોશ’ વાળીને પીવાનું! મારા બંધાણી બાપા કેટલીય વાર આ દરબારને ઘેર પોશ વાળીને ગટ...ગટ...ગટ મહુડો ગટગટાવી જતા!
એક દિવસે સીતાફળીના જાળામાં ભગ્...ભગ્...ભગ્... અવાજ થાય અમે (ચતુરને હું) પહેલાતો બી ગયેલા... હાળુ, કશુંક એરું-ઝાંઝરું લાગે છે! એમ કહેતા અમે જાળા પાસે ગયેલાં ને જોયું તો જુની માટલી ઉપર પિતળની કાટવાળી છાછર ઢાંકેલી. ‘અલ્પા, આ તો ઉદયા એ માટલુ મેલ્યું છે!’ એ વખતે દારૂ કેમનો બનતો હશે એની ઝાઝેરી ખબર નહીં એટલે કુતુહલ વશ અમે પેલી માટલી જોવા લાગ્યા... માટલીમાં મહૂડાં બાવળનાં છોડાં, ફટકડી, મરી ને બીજાું બધું ઉકળતું હોય એમ લાગે...! અમને રીસ ચડી પણ કરવું શું? સામે ચાલીને પેલાને કશુંય કહેવાય નહીં. નહીંતર અમારા ખેતરની બાજરી, ઝાડ કેરીઓ કે એવું કેટલુંય ગાયબ થઇ જાય! એવાએ ચોવીસેય કલાક ખેતરમાં રહે ને અમે થોડા ખેતર એકલું સાચવીને બેસી રહેવાના! ચતુર કહે - અલ્યા, આનો કશોક ઉપાય કરવો પડશે! પરભુકાકા એ કીધેલું યાદ આવ્યું ને કહે - માટલીનું ઢાંકણ ખુલ્લું મૂકી રાખીએ તો દારૂના આવે... ને ધડમ્ કરી ચતુરે છાછર ખસેડી નાખી... ને એટલી રીસ ચડી કે અમે બેય જણા એ ધડ...ધડ... કરતા એ માટલીમાં પેશાબ કરી દીધો... ને બબડ્યા - જાવ, હાળા મહુડા ભેળું મૂતરેય પીધા કરો...! પેલાએ ઢાંકણ ખૂલ્લું જોયું હશે ને વહેમ પડેલો એટલે બીજે દન અમને બેયને તતડાવી ગયો... રીસ.માં ને રીસમાં વાડમાં ઉગેલા બે લીમડાની ટોચ કાપી નાખી...! અમારા હૈયામાં નિભાડો ભડભડ બળતો હતોને અગન જ્વાળા બહાર દેખાતી નહોતી! કોઇક કહે ઉદયાનો દારૂ ભઇ! અસ્સલ મહુડો ને અમે મનોમન હસતા... ગૂસપુસ કરતાં ને કહેતા... ‘‘હોય જ ને હાત કરે તોય મહૂડાં ભેળું એમાં ભળેલું અમારૂ...!’’
અમને થયા કરતું કે આ તો અમે માણસો છીએ પણ કદાચ કૂતરાં આમ રેઢિયાળ માટલી પર મૂતરતાં જ હશેને! સાપ, નોળિયા, ગરોળાં, જેવાં ઝેરી જીવડાંયે માટલી પર ફરતાં હશે... પીતાંય હોય કદાચ... ચરકતાંયે હશે...! છી...છી...છી... આવું ગંદુ ગંદુ લોકો કેમ પીતા હશે? દારૂ પીવાથી પેટ કહોવાય જાય એનું વૈજ્ઞાનિક કારણ અમને ત્યારે ખબર નહીં પણ એવું તો ચોક્કસ ગાંઠે બાંધી દીધું કે આવા બધાને કારણે જ દારૂ પીનારનું પેટ કહોવાય જતું હશે! કદાચ રીસને કારણે કરેલી એ પ્રવૃત્તિ અમારા માટે ઉપકારક બની હશે એટલે જ્યારે જ્યારે મહેમાન પરોણાના સ્વાગત માટે દારૂ લવાય ને કોઇક અમને દારૂ ધરે ત્યારે પેલી ઘટના યાદ આવતી ને થતું, ભલા... એવું તે પીવાય ખરું?’ એથી અમે દારૂથી બચી ગયેલા... બાકી દલિત સમાજમાં ને ઠાકરડાના સમાજમાં એ વખતે ડૂંટો ખર્યોના હોય એવાયે મહુડીએ ચડી જતા!
આ મહૂડો દલિત સમાજમાં કેફ બનીને ખૂબ મહાલ્યો છે! સગા વહાલાંનું સ્વાગત મહૂડાના દારૂ સિવાય અધૂરું...! ઘેર સગો આવે એટલે ઘર માલિક ઉપડે સીધો દારૂવાળાને ઘેર... કાચનો લીટર! સવા લીટર પ્રવાહી સમાય એવડો શીશો હોય, એમાં મહૂડો ભરાય, એના ઉપર ઘાસનો કે જૂના કાપડના ડૂચાનો ચૂસ્ત બૂચ મારે ને હળવેક રહી, પેટ દબાવી, ધોતીયા અને પેટ વચ્ચે જગા કરી એમાં પેલો શીશો બરાબર ખોસી દે! ઉપર બંડી ને ખમીસ હોય, કોઇનેય ખબર ના પડે...! બે-ચાર-પાંચ-આઠ એવાની મંડળી જામે, વચ્ચે મોટી પલાંઠી વાળીને પેલો પીરસનારો બેઠો હોય... તાંસળીમાં કાંતો માંસ હોય, તુવરના બાકરા હોય કે બીજું શાક હોય! જો શાક ન હોય તો મોટો ડૂંગળીનો ગાંઠિયો લાવે, ને એને કાપવાની નહી, એના પરમૂક્કો મારી કચરીને ભાગવાની, ફોતરાં ઉખેડતા જવાનું ને ખાવાની! પીરસનારાય પહેલાં છાંટો નીચે નાખે ને ‘જય ભાથીજી’ કે ‘જય મા...’ બોલે બીજી વાર પેલો શીશામાં આંગળી બોળે, ને પછી દીવાસળી વડે સળગાવે.
જો હાચો મહૂડાનો પહેલીધારનો હોય તો પેલી આંગળી પુરતું પ્રવાહી ભડકો થઇ જાય! ને એ ભડકો જોઇને સામેનો સગો હરખાય ઊઠે...! વાહ... અમારો હગો માલપાણી તો હારાં જ પીવડાવે હાં!’’ ધીમે ધીમે પવાલીમાં મહૂડો રેડાય, આંખો ઘેરાય ને પછી મોઢામાંથી લૂલીને હલાવવા મંડે... ને એમાંથી વાતો ઉખેડાય... ભૂતકાળના પોપડા ઉખડે ને પછી ગાળા ગાળી શરૂયે થઇ જાય ને રાંધ્યાં ધાન રઝળતાં મેલીને પેલો સગોય રીસાયને લથડાતો લથડાતો હેંડતો થાય...! આ મહૂડે કેટલાંયનાં ઘર ભાંગ્યાં હશે! તો કેટલાય વાંઢાઓને પરણાવ્યા હશે! કોઇકનું ઠેકાણે ના પડતું હોય તો આ મહૂડો પીવડાવો એટલે નાત પટેલિયા તર્તજ મેળ બેસાડી દે... ભલે એ લાકડે માંકડું વળગાડી દે! રિસાળવાયે એવા કે જો કો’કે પવાલુ મહૂડો ના પીવરાવ્યો હોય તો ફારગતી સુધીની નોબત લાવી દે કે પછી કન્યાવાળો છોકરી ન મોકલતો હોય તો ઊભા ભાલેય પરણાવાની પરવાનગી નાત પટેલિયા આપી દે એ બધો આધાર એણે પીવરાવેલ મહૂડા ઉપર જ હોય! નાત ગંગામાં મહૂડો મહાલે, મૃત્યુભોગ (બારમું તેરમું) માંયે મહૂડો... મરણનો ગમ ભૂલવા મહૂડો, વિરહની આગને ઠારવા મહૂડો કે પછી ડાંડઇ કરવાય મહૂડો જ સાથે આપે!
દલિત સમાજમાં શીવ કે ભાથીજીના ભક્ત ઓછા હશે પણ મહૂડાના ભગતો વધારે એ બધા કહેતા કે - ‘આ તો શંકર ભગવાને બનાવેલું પીણું છે! સોમ રસ!’ ભક્તિની કે ધરમની બીજી બધી વાતોમાં એમને રસ ન હોય તોય આ શંકરની પ્રસાદી મોજથી લેવાય. માતાજી આ મહુડાથી રીઝે એવી ય માન્યતા... અસ્સલ મહૂડાનો દારૂ હોય, ને બેચર ભૂવો હોય એટલે એક બે પવાલે જ ભલ ભલાને શરીરમાં માતા સંચરતી ને હો... હો... હો... કરી ધુણવા માંડતો... વાટનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, ઘરનું, બહારનું, સાસરીનું કે મોસાળનું જ્યાં ક્યાંનું ભૂત, પલિત, ડાકણ, શાકણ ચુડેલ, વંતરી, જંડ જેવા વળગણ કાઢતાં પહેલાં આ મહૂડો મંગાવાતો! માતાને તરાપ્યા વિના... કશું ય કામ સફળ ના થતું! અરે કેટલાક પોતાની જાતને ધર્મના જણભેદુ માનનારા તો દાખલો આપતા કે મહાભારતમાં કૃષ્ણના જાદવોએ ય દારૂ પીધેલો ને વઢી મરેલા! જો ભગવાનના વંશજો પીતા હોય તો આપણે શો વાંધો લ્યા!’’
મહૂડો દલિતોનો જીવનાધાર... મહૂડાફુલ લોક કાચાં ખાય, બાફીને ખાય, શેકીને ખાય, તમાકુમાં ભેળવીને હોકામાં ધ્રુમપાન રૂપે લે, દારૂ સ્વરૂપે ય મહૂડો અડીખમ દલિત પડખે હોય! પરસાળમાં ઢોરની ગમાણ હોય, તરાટાની આડશે કૂતરી વિયાણી હોય, અને આંગણા આગળ કે પછી વાડામાં કંતાનની આડશ કરી બનાવ્યું હોય નાવણિયું. દાણીય ચોખ્ખાઇ રાખવાની કાળજી લેવાતી હોય તોય ચાંચડ માંકડ મચ્છર એવાં ઉભરાય કે સખણાં બેસવાય ન દે! અમારો ખાંનકાકો ભારે રમૂજી! ચાંચડ મારતો જાય ને કહે - ‘લ્યા, ભૈ દહાડે આ લોકો કામ કરાયી કરાયીને લોહી પી જાય છે ને હાળાં આ ચાંચડ-મછરાં રાતે લોહી પીવા આવે છે!’ પછી ઉમેરીને કહેતા - ‘આ લોકો લોહી પીએ છે એટલે જ ભગવાને આ મહૂડો બનાયો છે! એટલે જ માધાભૈ... આ ઘૂટોક મહૂડો પીઓ એટલે શાંતિની નીંદર આવી જાય... ને બે-ચાર મહૂડાં કચરીને ઘરના ખૂણે નાંછી દઇએ એટલે આ ચાંચડ-મછરાં મરી જાય ખાંનકાકાની વાતેય સાવસાચી. દલિતોને માટે ચાંચડથી છૂટકારો મેળવવાની અકસીર દવા એટલે આ મહૂડાનાં ફુલ!’
ગામડાના એ ઘરમાં મહૂડો બારસાખ બનીને તમને આવકારે, ખાટલો કે માંચી બનીને ખોળે રમાડે,! ઊંચે નજર કરો તો આખે આખું છોલ્યા-છાલ્યા વગરનું મહૂડાનું થડ મોતીબનીને લાંબુછટ સૂતુ હોય! ઘરનો ‘મોભી’ને આ મોભ આખા કુટુંબનો આધાર. મોભ ને છેડે પેલા મડા-મચ્ચીસીના વૈતાલ સમો વળગ્યો હોય ભમરિયા માખોનો મધપૂડો! મહુડો અને આ મધમાખીઓને જનમો જનમનો જાણે સંગાથ! જ્યાં જ્યાં મહુડો જુઓ તયાં મધપૂડો હોય જ! અમારે ઘેર વીસ-બાવીસ હાથનો મોભ... નવું ઘર કરવા જુનું તોડ્યું તયારે કશુંય બચેલું ન હોતું માત્ર વારસામાં મળેલો આ મોભ! આ મહુડાનો મોભ ને પાટડી જો વહેરાયાં હોય તો નવા ઘરમાં ખાસ્સાં કામ આવે. એટલે મહુડો ન વહેરાય... ન કપાય...! માંડ માંડ અડધી રાતે એને લઇ જઇને પીઠા વાળાને પાંચ-દશ વધારે આપીનેં ય વહેરવા વિચાર્યું. પણ ત્યાં વાવડ મળ્યા ક, કો’ક વેરવી તક શોધીને બેઠો! બાપા કહે!રહેવા દે ભઇલા, આ મહૂડાં વહેરવા જતાં પોલીસવાળા પકડશે. તો બેચાર ડંડા ને પચાસ-સો રૂપિયા લીધા વિના નહીં રહે! મહૂડાને બાળવા ફાડવા વીચાર્યું. દરરોજ હું પેલી ધારદાર કુહાડી લઇ. બમણા જોરથી કૂદીને ઘા કરતાં ત્યારે માંડ માંડ એકાદ બે આંગળ ઊંડો ઘા થતો... હાથમાં કણી-ફોલ્લા પડ્યા... ને થયું, આ તો મહાકઠણ... જાણે લોખંડ!’’ કોઇ મજુર આવે નહીં... બાપુ કહે- ‘પડ્યો રહેવા દે...’ કો’કના લગન પરસંગે દાળની ચૂલમાં આખે આખો બાળી મેલશું! મહૂડો સાગ!-સીસમ કે સાલના જેટલો કઠણ...ને એમાંય જો વળી જુનું પૂરાણો પાકટ હોય તો.. ભારે પોલાદી બની જાય.
મહૂડાનાં ફુલ પછી એને ફળ બેસે... એ ફળને ‘ડોળી’ કહે. આકડાના ફળ જેવું લગભગ એ ફળ. એની અંદર ચીકુના બી જેવાં કઠણ, ખૂબ જ સુવાળાં, ઘેરા કથ્થઇ રંગનાં બીજ નીકળે ને એના ઉપલા પડને તોડો એમાંથી નીકળે તૈલી!-માવો. આ બીજમાંથી તેલ નીકળે એ ‘‘ડોળિયું’’. ડોળિયું લગભગ પ્રવાહી ઘી જેવા રંગનું, એના જેટલું ઘટ એથી જ એનેય ‘ઘી’ જ કહેવાતું. સ્વાદમાંયે ઘી ને મળતો સ્વાદ. ડોળિયું એટલે ગરીબ, દલિત, પછાત કે વહવાયાં કહેવાતા સમાજનું ‘ઘી’. આદલિત સમાજ ચોખ્ખુ ઘી ના પામે. આખા ફળિયામાં ઘેર-ઘેર ગમાણ હોય, ઢોરેય હોય તો પણ ઘી ન મળે! દલિતો પાસેનાં ઢોર એ ‘ભાગે’ બાંધ્યાં હોય એટલે એમને ભાગે પાલવવા આપનાર એવાં ઢોર આપે જે પાડાં હોય, કે વસૂકી ગયેલાં, ઊંચી ગયેલાં કે પછી ફરી વિયાણ થવાની આશા ન હોય એવાં ઘરડાં ઢાંઢાં... કાં તો શેર-શેર દૂધ કાઢતાં યે હોય પણ ઘીની ગોરસી ભરાય એટલું દૂધ ભેળું ન થાય. ‘વાહ’ માં બે-ત્રણ ઘર એવાં ભાગ્યે જ હોય જેમને ઘેર વલોણું થતું હોય! જેમના ખેતરે મહુડા હોય એ આ ડોળી ભાવતાને ડોળિયું ખાતા. ‘‘ડોળિયા’’ને કારણે એક રૂઢિપ્રયોગ લોકજીભે ચડી ગયેલો ‘‘કરમ વગરનો કરસનિયો.’’ કરસનની સમૂજીવાત તૂરી/બારોટ કરતા. ગરીબ કરસન ને ખાવાના સાંસા. ગરીબીને લીધે લોકોય એની ‘ઠેહરાજી’ (મશ્કરી) કરતા ને એને ‘ઠૂંઠામાં ઠેલતા’ (ઉપેક્ષા કરતા) કરમ ફુટલો કહેતા. કરસન ચોખ્ખુ ઘી ખાવાની લાલચે જાનમાં ગયેલો. એ વખતે જાન બે દિવસ રોકાતી - બે ટંક જમાડવામાં આવે. પહેલે દિવસે કરસન હરોળમાં પહેલો જ બેઠો. કંસાર પીરસનાર સામેને છેડેથી પીરસતા! પીરસતા આવ્યા ને ઘી ની વાઢી કરસન સુધી આવે ત્યારે પહેલાં જ ઘી ખલાસ! એકલા માટે ઘી ક્યાં લાવવું? અને કરસનને ડોળિયું પીરસાયું! બીજે દન કરસન હરોળમાં વચ્ચોવચ બેઠો. પરંતું પેલા પીરસનારા આજે બંને છેડેથી પીરસતા-પીરસતા આવ્યા. ફરી પાછું કરસનનું ભાણું આવ્યું ને ઘી ખૂટી પડ્યું! ઢીલે મોઢે કરસને ‘ડોળિયું ખાધું! બસ, તે દનથી પેલા બારોટે જોડી દીધું-’
‘‘કરમવગરના કરસનિયાને જાને શાં જાવાં!
કરમમાં લખ્યું ડોળિયું, ઘી ચ્યાં ખાવાં?’’
લોક આખો આ દોહો ન કહે પણ આગળના શબ્દો લહેકાથી કહે ‘કરમ વગરના કરસનિયા’... ને આખોય મરમ સૌને સમજાય જાય!
લગનની વાત નીકળી જ છે તો એય કહેવું રહ્યું કે, આ મહૂડો દલિતોને ઘેર લગન ટાણે ફટાણું બનીને કંઠમાંથી લયબદ્ધ રીતે રેલાય! જાન રાતે અગિયાર-બાર વાગે જમવા બેઠી હોય... ઘ,ણીવાર તો ‘મહૂડે ચડેલા’ જાનૈયાઓને શોધતાં શોધતાં જ બાર વાગી ગયા હોય! મહુડાના ઘરમાં જવાનીનું ઘેન ભળ્યું હોય એવા સામે બેઠેલા હોય એવે ટાણે દલિત સ્ત્રીઓ ફટાણું લલકારવા માંડે -
‘‘મારા આકાશી મહૂડે હેલ મેલજો... હેલ મેલ જો...
પેલા લલવાની... માં તેલ રેડજો... તેલ રેડજો...
કહેવાતા સુધરેલા સમાજને આ ફટાણુંના શબ્દો અશ્લિલ લાગે. પણ એ સાવ સાચુ કે હરખના હીલોળે ચડેલી જુવાનડીઓના મુખેથી આવું સાંભળવા સાજન આતુર બની રહેતું! રિસાતુ કોઇ નહીં, સૌ કોઇ પોરસાતુ-હરખાતું...! ફટાણા ગાવાનાંયે ‘‘દાવાં’’ ચૂકવવાતાં એટલે કહેતા કે, ‘‘આ તો પૈસા આલીને ભાંડ ખાવાનું! સગાઓ એકબીજાનાં નામ સામેના પક્ષની સ્ત્રીઓને કહેતા ને સ્ત્રીઓ એ નામ લઇ ફટાણામાં ભાંડવા લાગતી... મામા, ફુવા, કાકા, વરનો બાપ બધાંને ફટાણામાં ઉઘડા લેતાં ગવાતું -
‘‘પેલા જગલા ને માથે મહૂડાનો ટોપલો રે,
એતો ઊભી બજારે મહૂડાં વેચતો રે...’’
આજે આમ ઊભી બજારે મહૂડાં વેચવા નીકળવું ભારે પડી જાય! કામની મોસમ પૂરી થાય, પછી દલિતોને રોજી રોટીનો સવાલ ઊભો થાય. મજૂરી મળતી બંધ થાય એટલે કહેવાતું - ‘‘ભઇ, અમારી મહૂડી ગરી રહી...!’’ કોઇ કામ ઢંગધડા વગરનું કરે તો આ કાંઠા ગાળામાં દલિત વસ્તીમાં વપરાતો રૂઢિપ્રયોગ-’’ ‘‘દીઠુના દીઠુ ને માર મહૂડામાં મીઠું.’’
મહૂડો ડગલેને પગલે દલિત સમાજની સેવામાં હાજર! ખેતરમાં ગયા હોય, બીડી હોય નહીં ને તલપ જાગે એટલે મોંઘી કાકીને પરભુકાકો મહૂડાનાં પાન તોડે ને બીડી બનાવી લાંબા કસ ખેંચે. આ લખનારના બાપુને ભજનનો ચસકો. ખેતરે ભજન હોય ત્યારે રાતે ગાંજો પીવાય... એ વખતે પેલા ગાંજાની ચલમ ના આપે, તમાકુ ભેળો સહેજ પાણી નાખીને ઘૂંટેલો ગાંજો આપે... એવે ટાણે આ બે ગજ આઘે બેઠેલું દલિત ભજનિકોનું ટોળું પેલા મહૂડાના પાનની ચૂંગી બનાવી, ચૂંગી ઉપર ભડકો થાય એટલા જોરથી ફુંક મારીને ગાંજો પીવે! સતનારાયણ કથા, કે ભજનનો પરસાદ આ મહૂડાનાં પાનમાં ઘેર લવાય... ક્યારેક કહેવાતા એ સવર્ણોને ત્યાં આ મહૂડાના પાનમાં ખીચડી-શાક ખાયને દલિતો હરખાય ઊઠતાયે ખરા!
મહૂડો અંધશ્રદ્ધા સાથેય જોડાયેલો. મહૂડાનું થડ જો નાનું હોય તો સફેદ હોય. અંધારી રાતમાં એ એવું દેખાય કે જાણે ભૂત! કેટલાય આવા મહૂડા નીચેથી પસાર થતાં ડરતાયે ખરા! અમારા ખેતર પાસના મહૂડે ‘ઝન્ડ’ રહે છે એવું કહેવાતું...! વર્ણવ્યવસ્થાની વ્યવસ્થા પેલા કહેવાતા સવર્ણ સમાજે ભૂત સમાજ મોટો ઘૂસાડી દીધેલી. એટલે અમૂક વર્ણ કે જ્ઞાતિનો માણસ મરે ને અવગતિયો થઇ, ભૂત થાય તો એનાય ચોક્કસ નામ રાખેલાં. જેમ કે વાલ્મીકિ (હરિજન) સમાજની વ્યક્તિ હોય તો ‘‘ઝાંપડો’’ કહે... ભરવાડ એ ભૂત ‘‘જન્ડ.... બહુ પજવે! અમારા ખેતરમાંથી કોઇ ચોરી ન જાય એટલે મારા બાપુએ યુક્તિ કરેલી, પેલા મહુડાનીચે બે ચાર ઇંટો મૂકી દીધેલીને બધે કહેતા ફરે - આ મહુડે કરસન ઝાંપડી છે! મહૂડો એટલે વંતરીે, જંતરી, ડાકણ, ચૂડેલ, વમ્પર, ભૂત, પલિત, જન્ડ, એ બધાંનું ઘર... એવી માન્યતા આખાયે મલકમાં ફરી વળેલી.’’
આજે મારા વતનની સીમમાં કશોક કેફ નથી કેમ કે આજે મહૂડા વગર ખેતર સૂનાં... સુનાં...! દારૂ દૈત્ય છે, જીવન બરબાદ કરનાર છે એ સઘળાંયે સત્વ ભલે હોય પણ એમાં મહૂડાએ શું બગાડ્યુ હતું? સરકારે મહૂડા કાપવા બદલ, મહૂડાં રાખવા બદલ પ્રતિબંધ મૂક્યો સોનવૃક્ષ મહૂડો નકામું વૃક્ષ થઇ ગયું...? લોક આ કલ્પ વૃક્ષને ઉગતાં જ ઉખેડી નાખે...! ખાંનકાકા સાચે જ કહેતા કે ‘ભઇલા, આ તો પાડે પાડા વઢે ને ઝાડ નો ખોડો નીકળે!’’ બાકી મહૂડો ન થવાથી કાંઇ ઓછો દારૂબંધ થયો છે! મહૂડાનો દારૂ નુકશાન કરતો હશે એથીય વધારે આજના સમયમાં બનાવાતો ગંધાતા સળેલા ગોળ, મરી, ફટકડી, થોરનાં મૂળ, બાવળ મૂળ, બેટરીના સેલ એવા પદાર્થો નો દારૂ લઠ્ઠો આજેય પીવાય તો છે જ ને! પેલા ઇંગ્લીશ દારૂનાં તો ટ્રકો દ્વારા હેરાફેરી થતી રહી છે! નહાવાના સાબુમાં વપરાતું ડોળિયુંને બદલે હવે નુકશાનકર્તા રસાયણો લેવા માંડ્યાં છે! ઘીમાં ‘‘ડોળિયું’’ની ભેળશેળ થતી એ નુકશાન કર્તા ક્યાં હતી આજે કહેવાય છે કે ઘીમાં પ્રાણીજ ચરબી (મરેલાં કે જીવતાં) ઉમેરાય છે! મહૂડો કદાચ સરકારી બનીને સરકાર સ્થાપિત જંગલોમાં ઉગતો હશે... બાકી ખેડૂતોના ખેતરમાં તો મહૂડાની ભૃણહત્યા જ થતી રહી છે! કાશ ! મહૂડા ઉછેરનો કેફ ચડે તો...! ઊંચા ઊંચા મહૂડા વૃક્ષો જોવાનો લ્હાવો મળે એવી તો કલ્પના જ માત્ર થઇ શકે! ભૂખે વલવલતો બાળક માને જોઇને દોડતો છાતીએ વળગી પડે એમ હું યે વતનમાં દોડી જાઉં છું પણ... સુકી ભઠ્ઠ ચીમળાય ગયેલ વક્ષસ્થળ જોઇ પેલું બાળક હતાશ થાય એમ ગામની ધરતી માતાનું વક્ષસ્થળ વૃક્ષો વિના સાવ સુકુભઠ્ઠ લાગે છે... ક્યાં મારી પેલી નવયૌવના શી વડલા, પીપળા, જાંબુડા, મહૂડા લહેરાવતી ઉન્મત વક્ષ વાળી ધરતી મા ને ક્યાં આજની આ મારી બુઠ્ઠી, બુઠ્ઠી, ધરતી મા...! મહૂડે કાગારોળ કરતા કાગડાયે હવે તો ઓછા થતા લાગે છે! મહૂડાના ફટાણાંની કેસેટ હજી નથી બની... ને બને તોય શું? મહુડાને જ ના ઓળખનારા એનો કેફ શું જાણવાના?... બાકી, આજ ૩૦-૪૦ વર્ષો પછીય મારી આંખોમાં પેલ મહૂડાનો કેફ અકબંધ તો છે! હાં!...
-ડૉ. રમણભાઇ માધવ
અનુક્રમણિકા
વંચિતોનો વડલો વિસામો
એ માટિયાળ ઘર... ઉંદર, છછૂંદર કોરી ખાધેલ કરો, દરરોજ વઢવાડનું નિમિત બનતું, માથોડું ઊંચું, એક ઘરના બે ભાગ પાડતું વચ્ચેનું ભડિયું, ને પાછલી ભીંત (પછીત) - એટલી નીચી કે કૂતરાં કૂદી છત પર ચડે, નળિયાં તોડે કે લાંબે રાગે રડે ખવાય ગયેલ મોભારે રાતે ઘુવડ ઘૂકે - બીવરાવે-ક્યારેક વાંદરાં ને કૂતરાં બંને મારે કુરુક્ષેત્રભૂમિ બનતી છત! તૂટતા નળિયાંના કડાકા સાથે મારી બાની કર્કશ ગાળો પુશ-પ્રાણી ક્યાં સમજતાં હતાં? અર્ધગોળ ઓસરી, સંદેસરાના ઝાડને ટેકે ટેકવાયેલી તૂટલી કનેરી... સંદેસરા પર ગલકીના વેલા ચડે ને આખા આંગણમાં પીળાંપચ મોતી ચમકે. ચોમાસે ચૂવાતું ઘર... ઉંદર-છછૂંદરનું ધમાલિયું ભર, ભૂખ્યા ડાંસ સમારા બચપણને ઉછેરનારું, બાપુની દારૂડિયા કિલકારીઓથી કચકચતું ઘર, હજીયે મને સાંભરે... કોલેજ પછીથી ઘર છોડ્યું ને ભાડાના કકળાટિયાં ચારપાંચ ઘરમાં આશરો લીધો. છેક પચાસ નજીક પહોંચવા આવ્યો ત્યારે બે પાંદડે નહોતો થયો. તોય મકાન બનાવ્યું ઉલટ ભેર સૌને બતાવતો. વારંવાર સાંભળી રાજીનો રેડ થતો. જાણે વાઘના માર્યો હોય! આગંતુકો ઘરની ઓતરાદી દિવાલ જોતા ને બબડી ઊઠતા-અરે! આ શું? આ દિવાલમાં વડલો! જલદી ઉખેડી નાખો...! મારો સઘળો ઉમંગ ઓસરી જતો. મહેમાનોના ગયા પછી દીકરાયે લડતા - પપ્પા... તમેનેય શું ઘેલું લાગ્યું છે. આ વડલાનું વડલાનો શોખ હોય તો નર્શરીમાંથી બોનસાઇ કરેલું કુંડું લઇલોને! સૌને પેલો તિરાડી વડલો સોનાની થાળીમાં લોઢાની મેખ સમ ભાસતો.
તે દિન એમ જ બન્યું લાકડીને ટેકે ઢચૂક ઢચૂક ચાલતાં, સીતેરની વયે પહોંચેલાં, મણીકાકી આખા ઘરની પ્રદક્ષિણા કરી પેલી દીવાલ તરફ ગયાં ને અચાનક બૂમ મારી- ભઇલા તેં તો વટ પાડી દીધો ને કાંઇ અસ્સલ ઘર બાંધ્યું છે... હોં! પછી લાકડી પેલા કૂમળા વડ તરફ ઝીંકીને બબડ્યાં - અલ્યા, અહીં આવ, તને ઘડીયે ટેમ નથી મળતો? આ વડલો ઊગ્યો છે એ તો જો! કહું છું અબઘડી જ એને ફાંસી નાંછ...! એમણે લાકડીના ગોદા પેલા વડના થડમાં મારવા માંડ્યા, ભ્રૃણ હત્યા અનુભવતી કોઇ મા વલવલે એમ હું અંદરને અંદર રહેસાવા લાગ્યો. પણ મારી વહારે આવનાર કોણ?
‘‘વડલો તો હારો નૈ, કહે છે કે , વડના થડમાં દૂધ ભરાય એટલું લોહી જો એના રોપનારમાં થાય તો તે રામશરણ જાય!’’ મણીકાકી એમની વાતને પરમાણવા દાખલા આપે - ‘પેલો ફુલો હરિજન... બચારો ભલો આદમી. તેને ગામને પાદરે વડ રોપ્યો. પણ વડલો મે મણ દુધાળો થયો કે ફુલો તરફડી તરફડીને મર્યો!’
‘કાકી, એને હાર્ટ એટેક જેવું હશે...!’
‘તમે જવાનિયાં નૈ માનો...!’ કહી એમણે લાખનો નિસાસો નાખ્યો. ને મારી પત્ની, બાળકો બધાંને જતાં જતાંય શીખ દેતાં ગયા કે... વડલો તિરાડ પાડશે... કંકાશ કરાવશે... ને પછી...
તિરાડમાં ઊગેલા વડ તરફ હું જોઇ રહ્યો... આંખ બંધ કરી... એની ડાળી જાણે ફૂટવા માંડી જટા જેવી વડવાઇઓ ધીમે ધીમે લટકવા લાગી. નાના બે હાથ ઊંચા કરી, ધીમી ધીમી ડગલીઓ ભરતો પહોંચી ગયો એ વડલા નીચે... આંખની પાંપણે ફળિયું ફોર્યું. સ્મરણ સળવળિયું... ફળિયાના નાકા આગળ હતો ઘેઘૂર લીમડો. લીમડાની છટા સાથે હસ્તધૂનૂન કરતાં ડાળ એક મેકની છાયામાં તડકો ઓગાળતો. એ વડ એટલે ફુલકાકાનો વડ...! અમારા ગામડા ગામમાં ઝાડવાંનેય નામ હોય, ટેકરીઓનેય નામ, ખેતર નેય નામ, વાંદરાં, કૂતરાં, બિલાડાં, ચકલાં, હોલાંનેય નામ... ગામના બધાય વડલાઓનાં અલગ અલગ નામ. ફુલીને ફાળકો થયેલા લીમડાથી નજીકનો, દલિતોના બપોરનો આશ્રય અપાતો એ ફુલકાકાનો વડ. ફુલા નામના એક બ્રહ્મચારી હરીજને રોપેલો. એ પરોપકારીના નામ પરથી આ વડનું નામાભિધાન થયેલું ‘‘ફુલકાકાનો વડ.’’ એનું વિશાળ થડ. તેની એક બાજુ ત્રણ ગાંઠો એવી ઉપસેલી કે માનવ આકૃતિનો આભાસ થાય. ભલા-ભોળા ગ્રામજનો એમ જ માને કે ફુલકાકાનો આત્મા વડમાં છે! ફુલકાકાના વડથી સો-દોઢસો ફૂટ દૂર ભાથીજીનું દેરું ને ત્યાં અડંગો જમાવીને ફાલેલો પીપળો પીંપળાનો ભાઇબંધ ભાથીવડ. એની નીચે દલિતોનો કૂવો... એની દક્ષિણે પીંપળા નીચે સવર્ણનો કૂવો. જો બરાબર ત્રિકોણ રચાય તો એના શિરોબિંદુ આગળ આવે તે એક ડેરું. એ ડેરાની ઉપર ઝળુંબેલી રહેલો વિશાળ વડલો. જે વહેરાઇ માતાના વડ તરીકે ઓખાતો પીપળાને વડની ઘેઘૂર ઘટાથી રચાતું અનોખું છાયાકાશ... એમાં નીચે બે કૂવા - સવર્ણોના કૂવેથી ખરર... ખરર... કરતી ગરગડીઓ ગરજતી, દલિતોના કૂવે મહુડાનાં થડ શાંત બનીને બાંધેલા દોરડાના ઘા વેઠ્યા કરતા. આખું ઘટાનગર સવાર- સાંજ પનિહારીઓના બેડલાંથી, વાંદરાની હૂપાહૂપથી, છોકરાંની કૂદાકૂદથી, કાગડાઓના કાગારોળથી ગાજી ઊઠતું. ઓતરાદી તરફ બીજા બે વડ. બે ડાળ રોપ્યાં હોય એમ ફૂટી નીકળેલાં નારાનાંનાનો વડ. હા... એની ઘટાદાર છટા નહીં એટલે એને ‘‘વડૂલી’’ કહેતા. એની પડખે ઊગેલી બીજી એક વડૂલી... ને ત્યાં વાદીઓનો કૂવો એટલે એને નામ મળેલું વાદીવાળો વડ... પશ્ચિમ દિશામાં ટેકરા પરના દલિતવાસથી નીચેના કોતર જેવા ભાગમાં એક સિકોતર માતાનું મંદિર. ત્યાં માતેલા સાંઢ જેવો ફાલેલો સિકોતર માતાનો વડ એની ઉતરમાં સો ફૂટ દૂર... દલિતોનો બારિયો કૂવો. એની બાજુમાં બે નાની વડૂલીને એક દાદાનો વડ. ગામની આથમણી કોરથી શરૂ થાય વડની હારમાળા. ત્યાંય એક કૂવોને વડ, ત્યાંથી થોડેક દૂર એક ‘‘કૂઇ’’- ત્યાં વડૂલીતો ખરી જ. પાંપણ ભીતર બધાય વડલા ભેળા થઇને મારી તરફ આવવા લાગ્યા.
અમારા ગામના વડ એટલે આસ્થા-શ્રદ્ધા-ને અંધશ્રદ્ધાનું સંગમતીર્થ! વડને નીકળેલા ઢેકા પરથી છે ફુલકાકાની કલ્પના કરતાં આ ભોળાં મનેખ. વાયરે વાત વહેવા માંડે ને જો જરાક કોઇકને તાવ આવે તો કાળો દોરો લઇને આવે, પેલા વડના થડને સ્પર્શ કરાવી, દીવો અગરબત્તી ઘરે-બાધા રાખે. ગમે તે હોય શ્રદ્ધા કહો કે સંયોગ, કેટલાય કિસ્સામાં એવું યે બને કે તાવ મટી જાય. શ્રદ્ધાળુની બાધા ફક્ત એટલી જ કે એનાં મૂળિયાંની પલાંઠીમાં પાંચ ટોપલા માટી નાખવાની અને ચીરી રોટલો કૂતરાંને નીરવાનો! આ વડલોજ ફુલકાકાને દેવ બનાવનાર. જો કોઇ, ભૂત!પલીતથી ડરી ગયું હોય તો ફુલકાકાના વડની બાધાઆં ખડીથી સાજું થાય, આ વડલા અમારા ગામના દેવ. લોક માનતું કે વડ એટલે તો ઋષિ મુનિનો અવતાર- એ જટાળો જોગી. એથી જ એના હાથપગ-જટા સમ લાકડાં બાળવાનાં નહિ. એનું લાકડુંયે કોઇ કાપે નહીં. વટ સાવિત્રીનું વ્રત અમારા ગામમાં વાણિયા બ્રાહ્મણની સ્ત્રીઓજ કરતી. ગામ પછવાડે છેક દલિત વાસ તરફ આવવાનું આ સવર્ણ સ્ત્રીઓને અકારું થઇ પડતું. એથી પશ્ચિમ તરફના ભાગમાં વડનું એક જાડું ડાળખું રોપેલું. ત્યાં જ વરસ દહાડે વ્રત ઉજવી-- લેવાનું. જો કે ત્યાંય વાઘરીવાસ નજીક. એટલે વ્રત પૂરતું વડનું પૂજન થતું. પછી બારે માસ એના થડમાં પાડા બાંધતા. ક્યારેક આ વડલા નીચે વાઘરી લોક ભેંશોને ગર્ભાધારણ કરાવવા લાવતા ત્યારે ચકમક ઝરતી. વડલો અમારા ગામનો ભગવાન! એટલે એની છાયામાં ક્યારેય કોઇ અપકૃત્યનો કિસ્સો બન્યો નથી. ખૂદ વહેરાઇમાતા, સીકોતેર, ભાથીજી, ફુલકાકો, શંકર એવા દેવોને ખોળામાં લઇને બેઠેલો આ વડલો એટલે દેવો નો દેવ! એની જટામાં જ કોઇ શંકર ભાળે, કોઇ મા જોગણીની ઝૂલણી ભાખે...! સોળ સોમવારનું વ્રત હોય કે ગૌરીવ્રત હોય, અહીંથી પસાર થતી પ્રત્યેક કુમારિકા આ વડ નીચે બેસતી, વડદાદા ને નમતી. દીવો ધરતી ને ગાઇ ઊઠતી -
‘‘વડલા રે તારાં ઝરમરિયાં પાન,
પાંદડે, પાંદડે સૂરજ ઉગીયો રે...!’’
‘‘વટવૃક્ષ થવું’’ શબ્દ પ્રયોગનો અર્થ વિશાળતા થાય, એવી નાનપણે સમજણ નહીં. પણ એટલું સમજાય ગયેલું કે દાદા ને વડલો બેય સરખા. વડલો દાદા જેવો કે દાદા વડલા જેવા એવું અવળ સવળ ક્યારેયક બાપુ પૂછતા ને હું વિના કોઇ શક કરી દેતો - દાદા એટલે જ વડ...! અમારા રંગારી કાકા તો વળી નવું જ શોધી લાવેલા. એ કહેતા કે, ‘‘આ ગામ ઘણા વર્ષો પહેલાં વસ્યું હશે ત્યારે કેટલાક લોક આવ્યા એની આ બધી પ્રજા. વર્ષો પહેલાંના એટલે આપણા પૂર્વજ. એનાં છૈયાં-છોરાંને જોવા અહીં વડલો થઇને જડાઇ ગયા તે આ દાદા!
દીકરીનું આણું હોય, વિદાય હોય, સાસરે જતાં રડતી દીકરીને કોઇક સલાહ આપે ‘‘બોન, આ ગામની ભાગોળે રડીશ નહીં.’’ વહેરાઇમાતાનો વડ, સિકોતરનો વડ ને ફુલકાકાનો વડ એ જોરાવર ત્રિદેવ! એટલેે ત્યાં ભૂતના રહે. પણ પેલી ‘વાદી વાળી વડૂલી’ને નારાનાંનાની વડૂલી એનાથી તો તોબા! કહેવાય કે એ વડૂલીઓએ કાંસકીઓ વાળી ભૂત થયેલી. એ વમ્પરનો વાંસો પોલો ઢમ, અવળા પગ, ખી...ખી... કરતા લાંબાદાંતને હાથમાંની બંગડીઓ ખખડાવતી હોય એવાં કપોલ કલ્પિત વર્ણનો! શિયાળાની રાતે તાપણાની ચારેકોર ટોળે વળેલાં મનેખ વચ્ચે ઘુમરાયા કરતા રહસ્ય ગર્ભવાતો. ફલાણો વડૂલીએ સંડાસ જવા બેઠેલો ને પાછળથી લાત મારેલી એટલે ધોતિયું પહેરવાય નહીં રહેલોને નાઠેલ. તો વળી કોઇ કહે, ફલાણાએ વડનીચે દેવતા ભાળેલો. કોઇએ કાંસકીવાળી સાથે વાતો કરેલી. એવી કેટલીય બિહામણી દંતકથાઓ આ વડૂલી સંઘરીને બેઠી છે! એના થડ આગળ રવિવાર, મંગળવાર કે અમારો કાંઠો હોય તેમાં કળીલાડુ કે રાખોડીના લાડવા, કંકુ ઘઉં, અડદ ને અગરબત્તી હોય અમે બે ત્રણ જણા આ કાંઠાની રમત જોતા હોય. પેલી વડૂલીને પગે લાગતા, વિનવતા, ને પછી ડાબા પગની લાત મારી કાંઠાને કુંડાળાની બહાર કાઢતા. એમાં મૂકેલા પૈસા લઇ લેતા. તેના ભાગ પાડતા. બીજે દહાડે એમાંથી ખારીસીંગ કે ચણા, ભજિયાં એવું લાવી ફુલકાકાના વડ પર ચડી, લપાતા છૂપાતા વહેંચતા-વઢતા એ ખાતા. પૈસા અમે લઇ લીધા હોય તેમ ફુલકાકો અમને ઊની બેચાર ટોપલી માટી નાખીને એ વડ પરથી ભૂત વાદીઓના કૂવામાં ભૂસકો મારે છે ને રાતે ધબાકા સંભળાય છે એની સાબિતી મેળવવા અમે એક’દિ નીકળેલા. સંડાસને બહાને કેરડાના ઝાળ પાછળ બેઠેલા. રાતે ધબાકો થયો ને અમે નાઠા. અમારા માના એક સાથીનો પગ ખાડામાં પડ્યો. એ ઊઠી ના શક્યો. અમે ફુલકાકાની ને વહેરાઇની બાધા રાખી. ડરતા ડરતાં પેલાને લેવા ગયા. તો બે જણ કૂવામાંથી નીકળતા દેખાયા... એ પેલી વડૂલી નીચે બેઠા. એમાંનો એક બોલી પડ્યો. અલ્યા, તે ચેટલાં પકડ્યાં? મારે હાથ તો ત્રણેક આયો? અમે સમજી ગયા કે આ તો ભૂત નહીં પણ કબૂતર મારનારા કોઇ કસાઇઓ કૂવામાં ઊતરે છે અને એથી કૂવામાં ફફડતાં કબૂતરોનો અવાજ આવે છે!
વડલો એટલે ગામનો સાર્વજનિક સભા મંડપ.(જાહેર કોમ્યુનિટી હોલ). બેસતું વર્ષ આવે, ઢોલ-પીપુડી લઇ મંગળ રાવળ ની જોડી આવી જાય,ઢોલ ઢબુકવા બે-પાંચ દલિતો પાવડા-કોદાળા લઇને આવે ઘટાનગરનાં પાન ઝાંખરાં સાફ કરે, કેશવ હરિજન રણશિંગુ ફૂકે, પસોકાકો કોઇ માટલીમાં પાણી ભરીને આવી પૂગે. એની જોડે જ નાગેશ્વર મહારાજ હોય. સાથે બે - ત્રણ છોકરાં છાણાં લાવે. સરપંચ કાપડમાં સામાન લઇ આવ્યા હોય, પરસોત્તમ વાળંદ પરસાદનો મોટો થાળ લઇ રઘવાયો ફરતો હોય... આખું ગામ આ વડદાદાની છાયામાં નૂતનવર્ષને વધાવવા, ભાથીજી દાદાને રિઝવવા ભેળું થાય. અમેય પંદર!વીસ ફુટ દૂર ઊભા હોઇએ, કોઇનેય અડી ન જવાય એની કાળજીથી એક તરફ સંકોચાતા. ઢોલની દાંડી ટીપાય, હાકણં થાય, ડાકલાં વાગે ને કસુંબા થાય. વેરઝેર વિસારે પાડીને વડદાદાની છાયામાં સૌ એકબીજાને ભેટે. સુખડી, તથા ઠોઠાનો પરસાદ વહેંચાય.... વડ દાદાનાં કૂમળાં પાન અમે ગોતી મેલ્યાં હોય, ર્ચીીએ ઘસીએ બરાબર ચમકતાં કર્યા હોય. બાવળની શૂળ લગાવીને સરસ પડિયો બનાવી દીધો હોય. ચપટીક ઠોઠા, એના પરનો ભીનો ગોળ, સુખડી ને બિસ્કિટ જોઇ દલિતો બાળકો ના મુખ ચમકી ઊઠતાં આખા ગામના મિલન સમારંભ આ નૂતન વર્ષ અને બીજો તે ચૈત્રમાસનાં નોરતાં. ચૈત્રી નવરાત્રી એ આવી જ ધામધૂમ, જવારા નાખ્યા હો, આખી રાત ભૂંગળો ને નરઘા-ની રમઝટમાં ભજનો ગવાય, પેલા વડલા નીચે બસો-અઢીસો સ્ત્રોઓનું ટોળું ગરબા ગાતું હોય, સ્વયં શિસ્ત એટલી કે ગરબાના ટોળા તરફ કોઇ પુરૂષ વર્ગ ફરકતું નહીં. વડનાં પાન સીવીને અમે બેસવાની ગોદડી બનાવીએ માણતા ગરબા-ભજન. ક્યારેક એની નજીક આવેલા ખચકામાં (નાનું મેદાન) ધમાચકડી મચાવતા. ચાંદાનો પ્રકાશ પાનમાં ચળાઇને આવતો એનાં ચાંદરણાં કૂમળી હથેળીમાં ઝીલતા ત્યારે ઘડીભર થતું કે વડદાદો દૂધિયો પ્રકાશ અમારા ખોબામાં રેડી રહ્યો છે!
આ છાયાનગરના બે પ્રસંગો સિવાય ઊભરાતુ સ્મરણ જ્યારે કો’કને એરુ આભડ્યો હોય! ગામમાં રણશિંગુ વાગે એટલે સમજવું કે કાં તો કોઇને એરુ આભડ્યું હોય, કાંતો કોકનું મરણ થયું હોય, કાં તો કોઇ આફત આવી હોય. જો કે રણશિંગુના રાગ કે આલાપોથી એ સમજાય જતું. ટૂ...ટૂ...ટૂ...ટૂ... એમ અટકી અટકીને વાગતું રણશિંગુ ને ઢોલ સાથ હોય તો એરુ આભડ્યાનો સંકેત આપે. જો લાંબા રાગે હોય તો મૃત્યુનો સંકત... અને ત્રણ તાલમાં વાગતું હોય તો કોઇ આફત માટે ભેળા થવાનો સંકેત. રણશિંગુ વાગે એટલે લોક સીધા વડ તરફ જ ભાગે. અહીંથી જ એક રસ્તો નદી તરફ જતો. નદી પટ અમારા ગામનું સ્મશાન એટલે વડ આગળથી જ નનામી નીકળે. વળી આ વડ આગળથી જ નનામી ફેરવવામાં આવતી ને ત્યાંજ ‘‘હાંડલા ફોડ’’. વડદાદો જ એક સીમા નક્કી કરતો જ્યાંથી ડાઘિયા નનામી લઇને શબનું મુખ ફરેવતા ને ત્યાંજ સ્ત્રીઓનું ટોળું રડતું કકડતું આવતું, ચૂડાકરમ કરતું ને પાછું ફરતું. અહીંથી જ ‘રામ બોલો ભાઇ રામ’ ની શરૂઆત થતી. વડનાં ખરી પડેલાં પાન જોઇને કોઇને જીવનની ક્ષણભંગુરતા સમજાવવાનું સુઝતું, સ્મશાનિયા વૈરાગને વાગોળાતો મૃતાત્માને સદ્ગતિ મળે એવી શ્રદ્ધાથી એના શબ પર જંગર ને સિક્કા ઉછાળાતા. કાણી થાળી કે તાંસડી વડદાદાની પલાંઠીમાં મૂકતા હરિજનનાં છોકરાં પેલી તાંસળી અને સિક્કા વડલાનાં પાનમાં સંતાડી ને જાય ભાગતાં... ક્યારેક તો મડદા પાછળ નંખાયેલા કળીલાડુય પાનમાં સંતાઇ જતા...!
અમારો ફુલકાકાનો વડ તો એક પ્રકારનો હોલ કે ત્યાં બેસીને દલાલો દલાલી કરતા. વાઘરી પાડાના બદલામાં વાછડો આપે એ વાછડાનું ટોળું લઇને સીધો વડ નીચે આવ્યો હોય. ‘‘ઉપરાણી’’નું નક્કી થાય. ને એનો સાક્ષી આ વડ દાદો...! બેય જણા હાથ મીલાવે, ઉપર રૂમાલ ઢાંકે ને આંગળા દબાવી કિંમત નક્કી કરે. વડનાં મૂળિયામાં બેસે કે વડના થડ પાછળ ઓથે મૂલ અંકાતું. દલાલી સીધી તો લેવાય નહીં, એટલે દલાલ ખોટા ખોટા સોગંદ ખાય કે, ‘‘મારા છોકરાના હમ... જો તમારા સોદામાં રૂપિયાને અડક્યો હોય તો!’’ એની વાતેય સાવ સાચી જ હોય કેમકે દલાલીના રૂપિયા સીધા વડદાદાની વડવાઇઓના કોઇ બાકોરામાં પાનનું પડીકું વાળીને મૂકી દીધા હોય! અમારા દલિત વાસનાં ઘરડેરાં આખોદન એ વડલા હેઠળ બેઠાં હોય - મોંઘી કાકીને બીડીની તલપ જાગી હોય, ચૂંગી ના હોય તો ચપટીક તંબાકુ વડલાનાં પાનમાં ભરીને બે ત્રણ સડાકા મારી લેતાં! ઘણીવાર રાતના કાળા અંધકારને ચીરતી દારૂડિયાની કીલકારી વડ નીચેથી ઊઠતી. શિયાળવાં રાત્રે ભેળા થાય આજ વડલા નીચે, ત્યાંથી જ ઉકા...ઉકા...એવી લારી કરે ને આ તરફથી ફળિયાનાં કૂતરાં સીધાં ભાગે વડલા નીચે. ક્યારેક કૂતરાંયે આ વડલાનીચે ભેળાં થઇ લાંબારાગે રડવા માંડે. લોક ફકડે કે - ચોક્કસ જમરાજા ગામમાં પધારશે. અથવા તો એ વડલા સુધી આવી ગયા છે, એટલે કૂતરાં રડે છે!
માણસો ભેળા થવા કોમ્યુનિટી હોલ, સભા ખંડ કે ચેમ્બર, વાડી એવું બાંધે. તમને જો એવો જ વિચાર પંખી કે પશુ માટે આવે તો? એનું ઉદ્ગમ સ્થાન આ અમારો ફુલકાકાનો વડલો. જે ઊંધે માથે લટકતા શંબુકો જેવી વાગોળનો આશ્રમ! પેલો સિકોતરનો વડ એટલે કાગડાઓની કાગારોળ! આ આખું ઘટાનગર એટલે વાંદરાનું ઘર... ગામ! બાંડિયો બુડિયો પચાસેક વાંનર ટોળું લઇ વહેરાઇમાતાના વડ પર અડીંગો જમાવતો. બોખો વાંદરો એનું યે ટોળું લઇ ફુલકાકાના વડ પર સામ્રજ્ય સ્થાપતો. જર, જમીનને જોરુ ત્રણેય કજિયાનાં છોરુંની જેમ આ વાનરસેનામાં યે આ વડના સામ્રાજ્ય માટે કે માદા માટે જબરો કલહ થતો યુદ્ધનાં નગારાં વાગે એમ એમનાં ડાચાં ના ડાકલાં વાગે, દાંત કચકચાવે ને હૂપા હૂપ હૂપ... કરતા જોર થી કૂદતા ડાળ ભાંગતા. આમ તેમ ઠેકતાં એ બે મહારથીઓ બચકાં ભરતા હોહી લુહાણ થઇ થાકતા ને કૂવે આવી માટલાં મુકવા બનાવેલ ખામણાં (ખાડા)માંથી ઊંચી પૂછડી કરી નમીને પાણી પીતા. બુઢિયાને જોતાં જ પાણી ભરવા ગયેલ સ્ત્રીઓ ભાગતી, એના તરફ ક્યારે બુઢિયાભા ઇચાવલાં પાડતા, મારવા દોડતા.
આજ વડ પરથી તે દન પેલો બોખો ઉતરેલો. સીધો છલાંગ મારી કુવાના ભડને સીધું કૂવામાં નાખ્યું, કૂવામાં પડવાનો ધબાકો થાય, પડઘાય એની સાથે એ કૂદ્યો, એક લાત દીવેલાને મારી ભાગીને નાઠો ને સીધો નીંદણ કરતાં દશેક દહાડિયાંને વચ્ચે બેઠેલી ચૌદેક વર્ષની જશીને જાંઘે બચકું ભરી આંખના પલકારામાં પલાયન...! એને થયું કે ક્યાંક વહેરાય માતાનો કોપ હશે તો? ફુલકાકાની બાધા રાખી દશ ટોપલા માટુ એના થડમાં નાખ્યું. ક્યારેક આવી ઘટનાને લીધે આ વડલા ઇર્ષા કે નિંદાનું પાત્ર બનતા. વહેરાઇના વડ નજીક જ ગામના સરપંચનું ખેતર. સરપંચ આખા ગામની પટલાઇ મેલીને આખોદન વાંદરાં ને જ ભગાડે. અડધા વીધામાં ફાલેલો વડ ને પીપળો એના ખોબે ભરાયેલ વાંદરાં આગળ સરપંચનું શું? ગજું? ઢોલ વગાડે, ડબ્બા ખખડાવે, ગોફણ-ગોળા રમરમાવે, ફટાકડાયે ફોડે તોય પેલાં નફ્ફટ, મસ્તીખોર ભાગેતોને? થાકે, હારે ને ક્રોધથી રાતાપીળા થાય, પેલા વડની સામે વકાસી રહે... મનમાં બબડેય ખરા. ગામના લોક આ બધો તાલ જુએ- સરપંચને શોધવા રાવણિયો સીધો વહેરાઇના વડે આવે, વઢવાડ થઇ હોય ને પંચ બોલાવવું હોય તો સરપંચને શોધવા વડે જ આવવું પડે. ને એથી જ લોકોએ સરપંચને નામ આપી દીધું - ‘‘વાંદરિયો સરપંચ.’’ જો કે એમને સામે મોઢે કોઇ આવું ના ઉચ્ચારે પણ પૂંઠ પાછળ બધાય હુરિયો બોલાવી કહેતા - વાંદરિયો સરપંચ! એ બધાંય પ્રતાપ પેલા વડલાનો જ ને?
આ વડલા પર આઠ દર મધપૂડાતો હોય જ! એની વડવાઇઓનાં પોલાણમાં ‘ગુસ્યું મધ’ હોય. ભમરિયાં મધ લેવા કોઇનીયે હિંમત ના ચાલે. એક દન એવું બન્યું કે અઢીસો-ત્રણસો માણસોનું ટોળું સાથે થાળમાં જવારા લઇ ચારેક જણ ચાલે. પાછળ ભુવાઓની પંગત ધૂણે, કાંઇક હાકલો કરે, કોઇક સાંકળ પીઠ પર મારી માતાનો પરચો દેખાડે. ઢોલી ઢોલ વગાડવામાં મશગૂલ ને ડાકલી વાળો ડાકલી વગાડવામં ગુલતાન! ઢોલ વાગ્યો ને પેલો બાંડો વાંદરો ભાગ્યો. એની સાથે જ આખીય વાનરસેના હૂપાહૂપ ને કૂદા!કૂદ! પેલા મધપૂડા વાળી ડાળ પર લાત મારી કે મધપૂડો તૂટ્યો એવો સીધો જ પેલા ધૂણતા ભૂવાઓ ઉપર... ભુવાઓને ચડેલી માતાઓય નાઠી... બચારો, છબોકાકાો ધૂણતો ધૂણતો નાઠો... હાથમાંની તલવાર ને પીંછા નાખી ને સીધો ભરાયો વહેરાઇમાતાના દહેરામાં... માડી બચાવો... માડી બચાવો...! કહે છે કે માતાઓ ધૂણતી હતી. પણે બધા ઢોંગ હતા...! ફરી પાછો વડદાદો લોકોને અળખામણો બની બેઠેલો. પણ તે દનથી વડ નીચે ધૂણવાનું શાંત થઇ ગયું!
અમારું આ વડનગર એટલે છોકરાંઓનું ધીંગામસ્તીનું ધામ, એ ગોકુડિયા ગામનું વનરાવન! ફુલકાકાના વડ નીચે નાનકું તળાવ. વડને ટશરો ફુટવા લાગી હોય ત્યારે લાલ લાલ ટચલી આંગળી જેવી રેશમિયા કૂંપણો વચ્ચેથી સોનેરી તડકો ચળાઇને આવે. એનાં ચાંદરડાં ઝીલતાં - કોઇ સૂર્ય કિરણોને પકડવા દોડતાં, કોઇક ટશરો તોડી એની હોડી પેલા તલાવમાં તરવા મૂકતાં! વડલાનાં પાન ને ઘાસ વડે. સીવીને ભાત ભાતના ટોપા બનાવી માથે મૂકી અમે ચોર-સિપાઇ રમતા. વડલાની ઘટામાં જરા સંતાઇ જતા. વડનાં મોટાં પાનની બે નસ ચીરતા, એમાં એક બીજું પાન ભરાવી બે અણિયાળાં શિંગડાવાળા બળદ બનાવતાને બાજરીના રાડામાંથી હળ બનાવી ખેતર ખેડતા. પાનખરમાં એનાં સૂકાં પાનના ઢગલામાં ધબધબ ચાલતા ને કડડ... કડડ... કરતાં પાન ભાંગતા. પસો કુંભાર એના કુટુંબનાં સઘળાં લઇને આવે ને પાનનાં મોટાં મોટાં પોટલાં બાંધી નીંભાડો ચેતવવા લઇ જાય. વડના લાલઘૂમ ટેટાને લખોટીઓ ગણી રમતા ક્યારેક એમાં લાકડાં કે બાવળની શૂળ ભરાવીને એનાં ચકડોળ બનાવી ફૂંક મારી એને ચકરાવે ચડતાં જોઇ મલકાતા. ‘બાપ એવા બેટા ને વડ એવા ટેટા’ એ કહેવત મને ખોટી લાગતી. થતું કે, આવડા મોટા વડને નાનકડી ટેટી...! રંગારીકાકાએ વાર્તામાંડીને સમજાવેલું કે જો આ ટેટો માથા પર પડ્યો તો કેટલું બધું વાગે? વિચારો કે જો મોટાં કોળા જેવાં ફળ હોત તો?.. ક્યારેક એમ થતું કે વડનાં પાન પૂરી બની જાય, તળાવનું પાણી ખીર થઇ જાય તો કેવી મજા પડે! ચોમાસામાં વડદાદાની વડવાઇએથી લટકીને કે જમીન તરફ લચી રહેલા ડાળ પર ચડીને સીધો જ પેલા તળાવમાં ભૂસકો મારવાની... નહાવાની મજા આજે સ્વીમીંગ પૂલમાં ક્યાંથી આવે?
આ ઘટાનગર નીચે કૂતરાં ગાયો, બકરાં ઘેટાં, ભેંશો સઘળાં પશુ બેસે. પરંતુ પેલા જીત્યા વાદીનાં ગધેડાં અહીં બેસે, આખોટે ને ભૂકે એ કોઇને ના ગમે. હા, અમને એ ખૂબ જ ગમતું. આમ તેમ જોઇ લેતા ને એકાદું ગધેડું પકડી વડની વડવાઇથી બાંધીને અમે એના પર સવાર થઇ વડલાની પ્રદક્ષીણા કરતા. કાંતિસોમા અમારા ટોળામાં વય મોટો. આખી ટોળીનો એ સેનાનાયક. નાનાં છોકરાં ને એ ઊંચા કરી વડવાઇની લગામ બરાબર પકડવા કહે પછી ગધેડાને ફટકારે. ગધેડું જાય ભાગ્યું... પેલો પેલો ફફડીને રાડો નાંખે. એની બૂમ સાંભળી એની મા કે બીજી કોઇ સ્ત્રી હાથમાં ડંડો લઇ આવે, અમને ધમકાવે, મારવા દોડે. એમ વડદાદાના વડની ચારેકોર એવું ભાગંભાગ કરીએ કે અંતે કાડીકસ્તર ગાળો ભાંડતાં જતાં રહે. ક્યારેક આ ઝઘડો ફળિયા સુધી પહોંચે. અમારી રમત જોઇ યા પછી પેલા વાદી ઘરે આવેલા ને એથી જ અમને બે ચાર જણને મેથી પાક પડેલો. કાંતિ સોમા કહે - હાળા આ વાદીડો હરરોજ ગધેડે બેસે છે એનું ગધેડું કેમ મરી નથી જતું? આપણે એકાદ દન બેઠા એમાં એના બાપનું શું બગડી જ્યું? એને પાઠ ભણાવવો પડશે. પછી તો કાંતિએ એક જીવતો કાચંડો પકડ્યો! વડની પાતળી વડવાઇથી બાંધ્યો. ખૂબ જ સાવચેતી રાખીને જીત્યાના ગધેડાના પૂછડે બાંધ્યો. કાચંડો પગપરથી ઉપર ચડવા જાય કે ગધેડો નાઠે... એમ આખો દહાડો ગધેડો ભાગાભાગ કરતો રહ્યો. સૌ જીત્યાવાદીનો ગધેડો હડકાયો થયો છે!
ગલ્લી દંડાનં મોટું મેદાન એટલે વડદાદાનું છાંયવાળું મેદાન આખોદન ત્યાં ભર્યા ઉનાળે ગીલ્લી!દંડા રમાય ઝઘડાય થાય. પાછા રમતા રહીએ. આ બધી રમતો સીઝન પ્રમાણે ચાલતી. ચોમાસામાં વડદાદા નીચે માંચ કે શતરંજ જેવી ચાપડાંની રમત રમાતી. છોકરીઓ દરિયો રમતી. અમે ભમરડા રમતા. હોળી આવતી ને અમે વડનીચે પોદળા વીણવા ઉપડી જતા. એનાં હોળૈયાને હારડા બનાવતા. બાવળની ગેડી બનાવી હોય, દોઢેક કિલો ડૂચા ભેળા કરીએ. એને ગોળ વીંટો કરી એને ---- એવી કસીકસીને ગુંથીએ કે એનો બનાવેલો ગોળ દડો બે-ત્રણ કિલોની ગેડીના હજારો ઘા પડે તોયે ના ફાટે. ફુલકાકા જ વડથી સિકોતરનો વડ એ બે પોયાં (સીમા). એક બાજુ ‘‘ઝાબ’’ બીજી બાજુ ‘‘ટેકરું’’. બેને બાજુના પચાસ-સાઇઠ છોકરાં બે ટોળામાં વહેંચાઇ જાય. ચાદો ઊગે એટલે રમત શરૂ. ફુલકાકાના વડથી સીકોતરના વડે ભાંગે. જે જીતે એ ટોળી વિશે સમાચારમાં કહેવાતું ‘સિકોતર વડ...!’ ચાલુ રમતમાં રંગારી કાકા કે પછી બીજા બે ત્રણ રંગીલા ઘરડાઓ કોમેન્ટ્રી આપે - એલ્યા, પસલાવાળા જોરથી ફટકો માર્યો! કે પછી મજાક કરે - પેલો વાલ્યા વારો જબરો ફટકો મારે હાં... સીધો દડો બારિયા કૂવાના થાળામાં પડ્યો! રમી-વઢીને થાકેલા વડલાના થડમાં ભરાઇ બેસતા ધાણી-ખજૂર વહેચાતું ખવાતું ને બધાય પેલી ગેડીઓ સંતાડી ઘર ભેળા થતા.
વડલો એટલે અમારા સુખદુઃખનો સાથી. અમારો સ્વજન. વડલો એટલે રીસામણાનું ઘર બા-બાપુ વઢે કે અમે રિસાઇને સીધા વડલા નીચે. એનાં મૂળિયામાં ભરાઇ જઇએ કે ડાળની ઘટામાં સંતાઇ જઇએ. ફળિયામાં કોઇ સ્ત્રી પુરૂષને ઝઘડો થયો હોય, કોઇ બાઇ ભાગી જાય તો સીધી વડ નીચે રીસામણીને લોક મનાવતું હોય-ટોળું જામતું જાય.. ને મનામણાં થાય ત્યારે વડદાદોય એનાં કૂમળાં પાન હલાવી હસતો હોય! કેટલીક વઢકણી બાઇઓ તો વારે વારે પેલા જાડા પચ્ચીસીની જેમ આ વડલા નીચે રીસાઇને આવી એવી મૂળ સાથે ચોટતી કે એના વરને વિક્રમ વૈતાલની જેમ ખભે નાખીને લઇ જવી પડતી... થોડા દહાડામાં જ પાછું વાંધુ પડતું. આમ આ ક્રમ ચાલ્યા કરતો!
ઓપન થિયેટરની જેમ આ વડલો એટલે ખુલ્લી પંચાયત. એના થડમાં બેઠાં બેઠાં કેટલાય નાત પટેલિયા કેટલાંય લગનનાં ચોકઠાં ગોઠવેલાં. અંધારી રાત હોય, તારા ટમટમતા હોય ત્યોર આવું જ કાળું કામ કરવા, ફારગતી કરવા આ વડનીચે ભેળા થતા. ગાળાગાળી એક બીજા પર દોષારોપણ થતાં, તોડ પડતો. વડની સાક્ષીએ બંને પક્ષ છૂટા પડતા! ફારગતી આલી દેતા. અરે! ફારગતી આપ્યા પછી પતિ-પત્ની ને જો વિરહ સતાવે ને ફરી ઘર માંડવાનું મન થાય તો એ સ્ત્રી અંધારી રાતે ભાગીને આ વડનાં થડ આગળ જ લપાઇ રહે. રાતે પરણેતર ને ઘેર જાય! ગામમાં કેટલાક ક્ષત્રિયોની દીકરીઓનાં પુનઃલગ્ન ન થાય. પણ કોઇક વળી જો એવું વિચારે તો રાતના અંધારાં ગોતવાં પડે. એટલે આવાં નાતરાં કરવાના હોય તો આ વડનીચે જ કન્યા વિદાય થાય .
અમારા દલિતોના ભવૈયા, મલ્લ કે માગણ આવે. જો એ ટોળાબંધી હોય તો આ વડલાનીચે લ્હેરથી રહે. વડને લીમડો એ બે વચ્ચે દોર બંધાય ને શામળિયો મલ્લ એના પર ચાલે. આખું ગામ આ વડનીચે ભેળું થયું હોય. આખ્યાન, નાટક કે ભવાઇ માટેનું અમારું રૂડું થિયેયર. કચ્છીઓ કે મારવાડીઓ દુકાળ વખતે આવે તો વિસામો હોય આ વડ. સાધુડાની જમાતનો હાથી હોય આ વડ નીચે ઝૂલેલો. એનં પાંદડાં અને ઝાંખરાંની તાપણી કરતા લોક શિયાળે બેસે. તો ઉનાળાના ધોમ ધખતા તાપમાં મનેખ બેઠું જ હોય... ચોમાસામાં વરસાદી ઝાપટાથી બચવા જાય સીધા વડદાદાની પલાંઠીમાં આ દાદોય સૌને સંઘરે...!
ગામનો વડ એટલે ગરીબોનું મફત દવાખાનું! કોઇનેય દાંત કે દાઢ દુઃખે એટલે જાય સીધું વડલા ભણી...! થડ, ડાળી કે પાનની ડીંટડીમાંથી દૂધ કાઢે, એમાં રૂ પલાળે ને દાઢમાં દાબી દે. એમાંય પાછી શ્રદ્ધા ભળે. વહેરાઇમાતા કે સિકોતેર માતાનો વડ હોય તો દવાની સાથે સાથે માતાની દુઆયે માગે. ગામના કેટલાક વિચક્ષણો તો આ દૂધનાં યે નિરીક્ષણો કરતા. તારણો આપતા કયા વડનું દૂધ કેટલું જાડુ, તેની ચીકાશ, તેમાં તેના કયા કયા ગુણો છે એ રજૂ કરતાં. ગામના જુવાનિયા ખરાબ રવાડે ચડ્યા હોય. તેને જો કોઇ ગૂથી રોગ થયો હોય તો રંગારી કાકાને કહે. રંગારી કાકા એનો ઇતિહાસ પૂછે - ભાતભાતના પ્રશ્નો કરે ને પછી દવા બતાવે જો પેશાબ વાટે પરુ જતું હોય તો વડનું દૂધ પતાસામાં ભરીને ખાવાનું કહે. એય પાછું નયણા કોઠે! કોઇની ઘરવાળીને શરીર ધોવાતું હોય (લ્યુકોરિયા) તોય પતાસામાં દૂધ ભરીને ખાવાની સલાહ. આપતા એમાંય પાછી વહેરાઇ, સિકોતર કે ફુલાકાકાની બાધા તો હોય જ. સતત પેટમાં દુખતું હોય તોય દવા આ વડદાદા પાસે... વડનું દૂધ ડૂંટી પર લગાવી દેવાનું ને એના પર ઇંટનો ભૂકો ભરવાનો! છાતીમાં સણકા આવતા હોય તોય આ દૂધને ઇંટનો ભૂકો જ અકસીર દવા, એવું રંગારી કકા કહેતા. વડના નાના નાના કૂણા ટેટા, ટશરો, કૂમળી વડવાઇઓ, છાલ એના કેટલાય નુશખા અજમાવતા. એથી જ આ વડદાદાનું લાકડું કોઇ કાપતા નહીં...
વડદાદા એટલે સમાજ શિક્ષણનું ધામ. ઉનાળાનો ખરો બપોર જામ્યો હોય, સાંકડા, માટિયાળ ઘર છોડી અમે વડદાદાની પલાંઠીમાં ચોપડી લઇ બેસી જઇએ. વડ ઉપર ચડીને મોટે મોટેથી એવું વાંચતા હોય કે વડનીચે બેઠેલાં ઘરડાંઓનું અભણ ટોળું અમારાં મોં વકાસી રહે. હા, ક્યારેક એવું બને કે વાંચવાનું માત્ર બહાનું યે હોય, ક્યારેક તો વડદાદાની શીળી છાંય એવી આંખોમાં ભરાય કે પરાણેય પોપચાં ખૂલે ના. અમે દાદાની ગોદમાં નસકોરાં બોલવતા ઘોરવા માંડીએ. સૂતરના વા’ણથી ખાટલો ભરવાનું શિક્ષણ સોમાકાકા અહીંથી જ આપતા. વળી રંગારીકાકો સૂતરની દોરી વડે એવો ખાટલો ભરતા કે વચ્ચોવચ પનિહારી જવો આકાર ઉપજતો. ચારેતરફ બેડિયાંનો આકાર ઉપસતો પાંગતમાં એવી સુંદર ઝીણી જાળી ભરતા કે આળોટવાનું મન થાય. જો કે લાખ પ્રયાસો કરવા છતાંય એ વિદ્યા બીજા કોઇને હસ્તગત ના થઇ. નવારાશના સમયે ઘરડાંઓ કેટલીય નીતિકથાઓ અહીં માંડતા. લાંબો ભરવાડ એનાં છોકરાંને દોરડી વણવાનું આ વડનીચે જ શીખવતો. આ વડલા નીચે જ જવાનિયાં ભેળાં થતાં ને ઘરમાં ન થઇ શકે એવી જાતી યશિક્ષણની રસપ્રદ વાતો કથવા માંડતા, રંગારી કાકા જેવા ઘરડેરાઓ હોથલ પદમણી, સદેવંત સાવલિંગા, ફૂલપરી, જેવી વાતો કરતા. અશ્લિલ પોકેટ બુક વાંચવા આ વડના થડમાં કેટલાંક ભરાય જતાને ચોપડીને વડવાઇઓના જાળામાં સંતાડી રાખતા. સાયકલ શીખવાનું સ્થળ તો બીજે ક્યાં હતું? પેલો વડ તળાવ જોઇ અમને ‘‘નાગદમન’’ કવિતા રાગડા ખેંચીને ગાવાનું મન થતું. દુલાભાયા કાગનું કાવ્ય બાપુ વારંવાર ગવડાવતા.
‘‘વડલો કહે છે બધી વનરાઇ સળગી,
મૂકી દો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા!
પેલાં પંખીઓએ કેવાં! કેટલાં પ્રેમાળ! એમનો જવાબ હતો-
‘‘આશરે તારે ઇંડા ઉછેર્યાને ફળ ખાધાં રસાળાં,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મેશ વાળાં...’’
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મેશ વાળાં...!
આજે એ વડલા અધમુઆ છે તો કેટલાકનું અસ્તિત્વ નથી. ક્યાંક રસ્તો બન્યો. વડલો ભરખાઇ ગયો! ક્યાંક નાળું થયું. ને પનિહારીઓથી ગાજતો કુવોને પેલો વડ નાશ પાક્યો. કેટલાક કહે છે ફુલકાકાના વડ નીચેનું તળાવ છે તેનું ક્રિકેટનું મેદાન કરવું છે. ફંડ ફાળો આપો! મેં કહ્યું, દોસ્ત તળાવને પુરવા. ફાળો ના આપું હા... જો તું દશેક વડ રોપ તો વડ દીઠ સો રૂપિયા આપું! તરત જ મારાં બાને શ્રીમ--- મને ઝઘડેલાં? કહે કે તું તારે ના આપવું હોય તો ના આપીશ પણ આમ વાંકું કાં બોલે? એ વડલાને હું રોપી શકતો નથી...! કોમ્યુનિટી હોલ બાંધવા કે રમતનાં મેદાન કરવા કરતાં આવા વડ રોપવામાં આવે તો! વડોનું નગર વડોદરા આજે વડ વિહોણું થયું છે. (અમારાં ય ગામડાં એટલે વડલનો ઢગલો એને બદલે હવે વડ નથી! વડની શોભા વગરનું ગામ વિધવા)
અનુક્રમણિકા
શણગાર્યો બાવળિયો યે શોભે
‘‘બારણે બાવળ વાવીએ કેરી કેમ ખવાય? કહીને આંબાને પરોક્ષ રીતે બહુ ચડવી માર્યો હોય એવું નથી લાગતું? બાકી બાવળ એટલે બાવળ...ગરીબોનું સાગ-સીસમ. ખેતર માંની છાપરીનો ટેકો...મોતી.ખેતરમાંનાં માંચડો કે માળો..બાવળ વિના ક્યાંથી બનવાનો? અરે! ભલા! કેરીના રસ કરતાંય ગુંદર ચડિયાતો ન કહેવાય? આંબા ડાળે બોલતી કોયલરાણી તને ગમી ગઇ એથી કોઇ પૂંછડી પટ પટ કરતી, પિટૂક પિટૂક બોલતી, ને બાવળિએ ચડઉતર કરતી ખિસકોલીની અવગણના કરવાની! ખિસકોલીએ રામસેતુ બાંધવા અથાગ મહેનત કરેલી એનો થોડોક ઇતિહાસ લખાવાનો? બસ, એવું જ આ બિચારા મહાબલિ બાવળનું! આજે જમાનો બદલાયો છે બાકી પહેલાં મુખમાં પહેલા બાવળનું નામ અને પછી રામનું નામ! બાવળના દાતણ પર નભનારી એક આખી જમાત-સમાજ અરે! એય પોતાને દાતણિયા તરીકે ઓળખાવી ગર્વ લેતી...! હું નોકરી કરતો ગામમાંનો એક વાલ્મીકિભાઇ દરરોજ અમારે ઘેર તાજા દાતણ આપતો ને મહીને એને બે રૂપિયા આપતા. ભાવવધારો થયો ત્યારે ત્રણ રૂપિયા આપતા! પણ એમાંતો વધારાના દાતણેય મફત આવતા હોં! પછી તો જમાનાની નવી લતે ચડ્યા ને કોલગેટ શરૂ કરેલું આજે એ ૧૦૦ ગ્રામના ખાસ્સા ત્રીસ-બત્રીસ રૂપિયા આલવા પડે છે! ને વળી પેલાં ટૂથબ્રસ તો નફામાં!...હજી પેલો રામજી વાલ્મીકિ પાંચ-છ રૂપિયે એ ગામમાં આપે છે. બોલો, એક મહીને ચોખ્ખો ૨૦-૨૫ રૂ.નો ફાયદો...ને બીજો ફાયદો તો કુદરતી બ્રશ કરવાનો એ નફામાં!પણ એવું કરવામાં એક જ વાત નડે કે કોઇક આખલાને ‘ગાય’-ગામડિયો, જૂનવાણી કરી દેશે તો? બજારમાં ખુલ્લામાં તાપ તડકો વેઠીને બેઠેલાં પેલાં લુંગડાં વાળાં દાતણીયાં કુંટુંબોની સામે લીલાં કશ દાંતણ હજીય ઉપેક્ષિત પડ્યા રહેતા હોય છે ને દાંત કિકીયાં કરે છે પેલી ટૂથ પેસ્ટનાં પોસ્ટરો!
બાવળને અને અમારે તો ઘનિષ્ટનો નાતો. સવાર પડેને ખેતરે સુતેલો ખેડૂત જાય સીધો બાવળ પાસે...મનગમતી લીલી સોટી જેવું દાતણ કાપે...અમેય નિશાળેથી છૂટ્યા પછી સાંજના એય દાતણ લેવા ઉપડીએ... લાંબી વાંસી વડે બેચાર સોટી કાપીએ ને એના કાંટા હાથથી જ દૂર કરીએ.સોટીની ટોચ બાજુથી પકડીને અંગુઠો ને આંગળી વચ્ચે દબાવી સોટીને એવી સરકાવી લઇએ કે એકેય કાંટો ન મળે. વેંત ભરી ભરીને દાતણ કાપી સરખાં કરી જુડી બનાવીને લાવીએ.નિશાળમાં લેશન ન લાવ્યાં હોય કે ન આવડતું હોય એવાઓને આ બાવળ ના ગમે કેમકે માસ્તર સાહેબ બાવળની પાતળી સોટી વાપરે ક્યારેકતો કોઇક છોકરાને આવી સોટી બનાવી લાવવાનું કહે બને એવું કે બીજે દિવસે એ છોકરો સોટી ન બનાવી લાવે તો સાહેબ લડે ને જો બનાવી લાવે તો બીજા મારખાઉ નિશાળિયા એને ટીપી નાખે...એવે ટાણે એ બેત્રણ દિવસ ઘેર જ રહી જાય ને નિશાળને બદલે અદુકડી કોઠી કે વડ પર ચડીને બેસી રહે. બાવળના નાનાં બાટવાં એવાં આડા ફાલે કે એને ઓથે-આડશે બેઠેલ દેખાય જ નહી. અમે એવા જાળામાં ભરાઇ બેઠેલા સસલાને જોવા કે એના બચ્ચાંને પકડવા હાથ નાખીએ ભચોભચ કાંટાં હાથમાં ખૂંપે તોય અમારી ઝંખના સતત વધ્યા કરે.બાવળના કાંટાં કાપી કાપીને લાળ વળે ચોટાડીને ઇયળે કોશેટો બનાવ્યો હોય અમે એને ‘ડોસી’ કહેતા એને ડાળેથી વિખૂટી પાડતા ને અંદર ડોશી છે કે નહી તે જોવા મથતા. બાવવના કાંટા તોડતાં અને બકરીની લીંડીઓ વીણી લાવતા. બે છેડે એક એક લીંડીં ભરાવતા અને એ કાંટાના મધ્યભાગને સળીપર ખોસેલી સૂળ પર ટેકવતાં. સમતોલ રહે તેમ બીજા આવા કાંટાંમાં લીંડી ભેરવી, ચગડોળ બનાવતા-અસમતોલ થતાં એ પડતું તૂંટતું ને ફરી ગોઠવતાં. વડના પાનને ચીરીને એમાંથી ફરફડી બનાવતા ત્યારે બાવળની શૂળ શોધતાં પગમાં કાંટાંયે વાગતા એનીય પરવા કોણ કરતું? બાવળ અમારો બાળ સખા લાગતો. એનાં ઝૂંડમાં ક્યારેક કૂચના વેલા ચડતા અમે ક્યારેક એનોય ભોગ બનતા તો ક્યારેક એમાં બેઠેલી સંખાડેરો (મધપૂડો) એવી ચટાકો ભરતી કે અમે બીજે દન બાવળ સમેત એને સળગાવી મારતા.
બાવળના વાંકિયાડાળ માંથી ‘‘ગેડી’’ બનાવીને હોળી ખેલતાં. લાંઠ ગાય-ભેંશ ભાગી ન જાય કે દોડે નહી એટલે ડેરો બનાવે તેય બાવળનો હોય! બે પશુઓ ઝઘડે નહી એટલે ગમાણમાં બેની વચ્ચે ગમાણિયાં ચોડે એય બાવળના હોય! ખેતરની છાપરી પર મોલ કે વળી કે થાંભલાં બાવળનાં હોય! ને પશુને ઢસડવા-ઊભા કરવા આડાં બનાવે તેય બાવળનાં હોય!
બાવળસાથે એવું તો ગોઠી ગયેલું કે લોકો બાવળની ઉપમા આપી દેતાં. કોઇ કાળો ને જાડો, બરછટ ચામળી વાળો માણસ હોય તો એને‘‘બાવળિયાના હુંડ’’ જેવો કહી બાવળનાં વખાણ કરતાં. લોકો કામમાં વ્યસ્ત હોય, અવસર ટાણે કે ખેતરના પગર, રોપણી જેવા કામમાં રઘવાયાં હોય ને કોઇ આળસું ઊભો રહે તો તર્તજ કહે-‘‘બાવળના ઠુંડ જેવો અડબંગ ઉભો છે!’’ કોઇ ઘરેણાં વગરની વહુ સાસરે આવી હોય તો સાસુમા એનાં સંઘરેલા ઘરેણાં આપે ને લોકોમાં કહેતી ફરે-‘‘સાવ બાવળિયા જેવી બાંડી બૂચી ઓછી રખાય?... હાત કરે તોય મારી વહુ...મારી દિચરી જેવી...! સૂકો ભઠ બાવળિયો શણગાર વગરની સ્ત્રી સાથે સરખાવાય-આવા સુકાબાવળ નેય કેટકેટલાં નામ-બાવળનું ઠુંણકું બાવળનું ઠુંઠવું...ઠુંઠું...! કાંટો વાગે એને કાઢવો હોય તો...ખેતરે ઓછી સોય હોય! બીજો મજબૂત કાંટો લાવે ને કાંટો કાઢે...એટલે જ પેલો રૂઢિપ્રયોગ બની ગયેલો...’’કાંટો જ કાંટાને કાઢે’’કાંટો એટલે આડખીલી...‘‘કાંટો કાઢી નાખવો’’ એવા રૂઢિપ્રયોગમાં બાવળને શું લેવાદેવા? કે પછી ઇર્ષામાટે કહેવાય - ‘‘બળીને બાવળિયો થઇ જાય’’ એમાં ય બાવળ આવે.
બાવળભાઇતો અમારા કેટલાય પ્રસંગોમાં વણાયેલા વગોવાયેલા અને વખણાયેલા છે! ટ્રેકટરના ખરખર..ર..કરતા અવાજ સાથે, કળસી ધૂળ ઉડાડતી જાન, વડ નીચે આવ્યાનો અણસાર ઢોલી આપે ને જોતજોતાંમા જાન માંડવે આવે ને પેલી છોકરીઓ વરરાજાને ઉધડો લેવા ફટાકિયું શરૂ કરે- ‘‘ચ્યાંથી આયો રે ચ્યાંથી આયો રે,
પેલા બાવળના ઠુંઠ જેવો ચ્યાંથી આયો રે’’ ‘‘બાવળનું ઠુંઠ’’ ને ‘‘ગુલાબનો ગોટો’’ બંનેના મિલનને ફટાણામાં કટાક્ષ હોય.! દલિત સમાજના કેટલાંય ફટાણાંમા આ ‘બાવળિયો’ હાજર હોય! વાટકીમાં મીઠાના ગાંગડા હોય ને એના પર રૂમાલ બાંધીને વાટકીમાંના મીઠાના ગાંગડા ખખડાવી લૂણ ઉતારતી વરરાજાની આસપાસ વીટળાઇ વરેલી છોકરીઓને વર પક્ષ તરફ દાપૂ ન મળે ત્યારે ય પેલી છોકરીઓ બાવળિયા ભાઇનું જ ફટાણું ફટકારે-
‘‘બાવળિયાની પાલી..બાવળિયાની પાલી
મારા ભઇના હારા જાંનવારા ખાલી!’’
આ પાલીને ખાલીનો પ્રાસ એવા લહેકાથી ગવાય કે વરનો બાપ ઊભો થઇ જાય ને ફટ દઇને વાડકામાં રૂપિયો ખખડાવે! જુવાન જાનૈયા હઠે ચડ્યા હોય ત્યાં જ પેલી સ્ત્રીઓ ફટાણું ગાય-
‘‘બાવળિયાને પૈડા..બાળળિયાને પૈડા
મારા ભઇના (ઘરડા) હારા, જાંનવારા ઘઇડા!’’
બાવળની સુકી ખખડી ગયેલી સીંગો સાથે પેલા જાનૈયાને સરખાવે એટલે એવી તો ચાટી જાય કે જુવાનીયા આઘા પાછા થઇ જાય. આ ફટાણામાં બાવળનું ઝૈડુ આવે, પૈડા, પાલી, થડ,બધુંય આવે. કાંટાળાબાવળનાં ઝૂડમાં થઇને બાવળ પર ચડવું કેટલું કઠણ? ને વળી એમાંય જો એના પર કૂચ હોય તો...! વરના મામા, કાકા, કે બાપ ને સંબોધીને આવું જ ફટાણું લાંબા રાગે ગવાય-
‘‘જામવા રે તું તો મારું કહ્યું કરજે,
મારું કહ્યું કરજે ને બાવળિયે ચડજે,
એણે બાવળિયે ઝાઝી કૂવેચો.’’
ફટાણું આગળ ચાલે ને એમાં ગાળો નો વરસાદ હોય! રાજેન્દ્ર શાહે લખ્યું છે-‘‘આપણે તો આવળ, બાવળને બોરડી...’’ આ બાવળ ને બોરડીને ય કોક સંબંધ હશે નહીં? નહીંતર પેલી સ્ત્રીઓ અમથી કંઇ ફટાણામાં ગાતી હશે.
‘‘બાવળ નીચે બોરડી, એને ખોદીને બગાડી રે...’’ આ ફટાણાની પછીની પંક્તિ અશ્લિલ...! ગમે તેમ હોય અમારા મંગળભગત કહેતા કે ભઇ! હારા ભાવે કે નઠારા ભાવેય ભગવાનને ભજો તો એ આવીને મળે જ! એમ સારા કે નરસા ભાવેય આ બાવળ જનસમાજમાં કેવો ભળી ગયો છે નહીં!... કદાચ કોઇકને થતું હશે કે આ લખનારને બાવળે મન લાગ્યું છે તો વાતેય ખરી કે - ‘‘સુથારનું મન બાવળિયે.’’ જેમ પેલા ધ્રુવને માની ગોદમાં નહોતો બેસવા દીધો ને હડસેલો મારી દુર કરાયો એમ આપણાનેય આ આમ પ્રકૃતિ ખોળે કોઇકે દૂર હડસેલી દીધા જ્યાં બાવળ નથી...! કદાચ પેલા મોંઘાદાટ હોટલવાળાની કુટિરમાં બેસવાના ઉપયોગમાં લેવાય એવું બાવળનું થડ રોપી દીધું હોય પણ એ તો કૃત્રિમ... બાકી કુદરતી ઉગીેલો વાંકો-ચૂકો બાવળ જોઇને આપણને નવાઇ લાગે કે ચડ-ઉતર કરવાનું મન થઇ ગાઇ ઉઠીએ - ‘‘લૌટા દો, લૌટા દો મેરી બચપન.’’ મટન શોપ વાળો પેલા બાવળના થડ પર માંસના લોચા મૂકી કટકટ કાપે ત્યારે એવું કેમ નથી થતું કે ઘા બાવળનું સુકું થડ પર નહીં મારા હૈયા પર પડે છે!
આ બાવળ લગ્ન વખતે જ ગવાય છે એમ નથી. એની સંગાથે તો ગ્રામજનો જનમ-મરણનો નાતો. અમારા ગામ નદી કાંઠે. નદીની રેત એ સ્મશાન... ત્યાં દફન કરીએ. નદી કોતરો એટલાં ઊંડો કે ચિંતા, દીપડા, વણીયોલ ને શિયાળવાં ભરાય રહે. રેતમાં દાટેલા શબને રાતે આ જગલી જનાવર ખોતરીને લઇ જાય. ને રાતે ચોકી પહેરો કોણ કરે? ઘોરખોદિયું, શિયાળ કે વણિયેલથી રક્ષણ આપવા અડીખમ ઊભો હોય બાવળ... બાવળનાં બાંટવાં થોરમાં દાબી દેવાય ને ઘોર ઉપરેય ઝૈડાં મૂકી દેવાય. અમારો ખાંનકાકો ત્યારે કહેતા - ભઇ! આ બાવળિયો જ આપણે છેક નો હંગાથી...! સવર્ણો અગ્નિ સંસ્કાર કરે. ચિતા માટે સુકું ભડભડ સંળગી વધુ ગરમી આપે એવું આ એક જ વૃક્ષ તો બાવળ. વળી એ સહેલાઇથી મળી પણ આવે એટલે ગામડા ગામમાં સવર્ણોના ઘરે બાવળની બે-અઢીમણની બે ત્રણ ગંડેરી તો રાખી મુકાય. એ જમાનામાં અગ્નિ સંસ્કાર માટે લાકડાં વેચાતાં લેવાતાં નહીં પણ દરેક સ્મશાનમાં જનાર પોતાના ઘરેથી એકાદ લાકડું ખભે મુકીને લઇ જાય! અવસર ટાણેય ભાગ્યે જ લાકડાં લવાય બાકી લગ્ન પ્રસંગ કે બીજા અવસરોમાં લાકડાં ગમે તેની પાસેથી માગો તો મફત મળે! એ પરસ્પર મૈત્રીભાવ, સેવાભાવ આજે ક્યાં જોવા મળે? ભર ચોમાસે કોઇનું ઘર કે છાપરુ તૂટતું હોય તો ગામમાં કેટલાય ભડવીર એવા નીકળે કે પોતાના ખેતરના બાવળિયાનો ટેકો લઇને પડતા ઘરને આધાર આપે. એટલે જ તો કોઇની વાતમાં ટેકો આપવો હોય તો તર્ત જ કહેતા - જા ભાઇ તને મારો બાવળિયા જેવો ટેકો છે! ખરેખર ખાંનકાકા કહેતા કે ભઇ! આ રક્ષણ કરનાર ખત્રી એટલે બાવળ...! કુમળા છોડને સાચવવા વાડોલું કરવું હોય તોય બાવળ જ સાંભરે.
બાવળને ફુલ બેસવાની શરૂઆત થાય. શરૂઆતમાં ફુલ નાનકડાં આવે- નાનકડું ફુલ એટલે સ્ત્રીઓને નાકે પહેરવાની જડ...! પીળાપચ ફુલથી બાવળ મહોરી ઊઠેને લીલીકચ પાલી ડોલી ઊઠે. ને પેલી પટુકડી કાળી ચકલી ફુલડે ફુલડે ઉડતી હોય! ઉનાળે હોલાભાઇનું ઘૂઘૂ હોય! ને કૂણી પાલીખાણાં વાંદરાની હૂપા હૂપ એની લટકતી ડાળીએ સુગરીબાઇ માળો કરે. પીળાં ફુલથી મહોરેલો બાવળ પીઠી ચોળીને ઉમંગમાં ઊભેલા વરરાજો... બાવળની સીંગો સફેદ રંગની... સફેદ દૂધની વચ્ચે કાળાં કાળાં બીજ. બાવળ સીંગને ‘‘પૈડા’’ કે ‘‘પઇડા’’ કહેવાય. ગામ વાસીઓ એવું માને કે આ પૈઇડાથી પશુ ધન વધે છે. બળદ બળવાન બને છે! લીલા પૈઇડા પાડવા લાંબી વાંસી રાખે - રબારી કે ભરવાડ વાંસીને ડાળે ભેરવે ને બાવળનાં ડાળને એવાં હલાવે જાણે રબારી અને પેલું ડાળ બેય નાચતાં હોય! પાકટ થતાં પૈઇડા સુકાય ને ખરવા માંડે... ખેડૂતો એનેય વીણીને ઢગલા કરી મુકે... બકરાંને આ બરડ...બરડ... ચાવીને ખવાતા પૈડા ખૂબ ગમે. એકવાર ખાઇને પછી નીરાંતે બેસીને એના બીજ બહાર વાગોળી કાઢે. ભેંશોના પોંદળામાં આ બીજ હોય અને આ પોદળા વડે ઘર લીંપાયુ હોય એટલે બાવળ ભાઇ બીજ બનીને ઓકળિયે આવી લાગ્યા હોય! અમે નાના નાના છોકરાં લીંપણમાંથી આ બીજ ઉખેડવા મથતા પણ એ એવાં સુવાળો ક હાથમાં ના આવે!
‘‘મારોય જમાનો હતો કોણ માનશે?’’ એવું બાવળ ને લાગતું હશે! એ વખતે બાવળની છાલ પણ કામમાં આવતી. લાકડાં કાપનારા પાસેથી ચર્મઉદ્યોગ સાથે સંકળાયેલા રોહિત જ્ઞાતિના લોકો આ છાલ ખરીદતા. લીલાબાવળનાં ડાળખાંને લાકડાની મોગરી વડે ટીપી ટીપીને છાલ ઉખેડી લેતા. એના સુકવતા ને ટીપી ટીપી ભૂકો કરતા. એ ભૂકો જ ચામડામાં રંગ લાવતો!
ઉનાળાની રજા અને બાવળને ગુંદર ઉગવાની મોસમ! અમે નાળિયેર કાછલી લઇ. ઉપડતા. હાથમાંની ખૂરપી કે અણીદાર ખીલો પેલા ગુંદર પર એવી રીતે ચીપકાવીને ઘસીને ગુંદર લેતા કે ગુંદરના રસ ભેળી બાવળની છાલ આવી જાય. ગુંદરનાંય અમે નામ આપતા. એકદસ સુકો ને સફેદ, ઉપર કણ દેખાતા હોય એવો, શંકુ આકારનો નાના ટેકરા જેગ્વો ગુંદર ને ‘‘ઢેલો’’ કહેતા. ને આવો પાકટ ગુંદર શક્તિદાયક હોય, કેડોનો દુઃખાવો મટાડનાર હોય એવી દાદીમાની વાતો પર અમને વિશ્વાસ એટલો કે એવા ‘‘ઢેલા’’ સીધા જ મોઢામાં મુકતા ને આખોદન મમળાવ્યા કરતા. એ જ અમારી કૂદરતી ‘‘ચ્યુઇંગમ’’ કાળો પડી ગયેલો ગુંદર અમે લેતા નહીં. કેટલાક છોકરાનું એવું માનવું છે કે એ કાળો પ્રવાહી એનો બાવળિયા પર રહેતી ખિસકોલીનું મૂતર હોય! બાવળનો ગુંદર અમે ઘરેય રાખી મુકતા ને ચોપડાં ફાટે ત્યોર ચોટાડતા. ક્યારેક સાહેબના વહાલશેરી થવા નિશાળેય ગુંદર લઇ જતા ને સાહેબને ધરતા. અમારામાંના બેત્રણ નટખટ છોકરાં બાવળના ગુંદર ભેળો સરગવાનો, લીમડાનો કે બીજાં ઝાડનો ગુંદર ભેળસેળ કરતા ને ધોળામાથાળા વાણિયો. એવું બીરુદ પામેલા કેશવલાલ ઠક્કરની દુકાને પધરાવતા. બાકી ડાહ્યાલાલ શેઠ ખૂબ પાક્કો! બાવળની છાલ, કે બીજા ઝાડનો ગુંદર તરતજ ઓળખી જાય! એ જમાનામાં ગુંદર મફત મળતો તોય અમે કદી ગુંદરપાક જોયેલો નહીં! શીવબા આ ગુંદરના ગુણગાન ગાતાં ને કહેતાં કે કાળો બાવળ એટલે શીવ ભગવાનને આ ગુંદર એટલે શીવ ભગવાને આપેલી શક્તિનો પ્રસાદ. કોઇનું શરીર ધોવાતું હોય- લ્યુકોરિયા હોય તો શીવબા એને કાચો ગુંદર ખાવાની સલાહ આપતાં. લોક કવિએ ગાયું છે કે -
‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારેમાસ!’
કચ્છની ધરતી રેતાળ ને રેતાળ ધરતી બાવળને ખુબ જ ભાવે! કચ્છની અનેક વિશેષતા હશે પણ એનું બારેમાસનું સૌંદર્ય આ લીલાકચ બાવળ, પીળા પચરક મહોળેલા બાવળ, કે સાવ સુકાભઠ્ઠ બાવળ ગણાવી શકાય કે નહીં?... બાવળ એટલે તો ‘‘જોગી’’ ભલે આપણે ‘દાતબા’ને દેશવટો દીધો હોય તોય એક ટૂથ પેસ્ટ વાળાએ એની પેસ્ટનું નામ ‘‘બબુલ’’ રાખ્યું છે! હા, પેલા ખેર બાવળને દેશી બાવળની વાત જરા જુદી ખરી હાં! બાકી, આજેય બાવળ સાથ દેવા બિચારો સોસાયટીના ખાલી પડી રહેવા પ્લોટોમાં, રસ્તા પર, રોડની ધાર પર ઉગવા મથે છે પણ આપણે.....
અનુક્રમણિકા
મ્હોંરે આંબા આંખમાં
કારતકનાં કમૂરતાં પૂરાં થયા કે તત જ મારા ગામમાં ઢોલ ઢબૂકવા માડે. એ ઢોલ જેને ઘેર ઢબૂકવાનો હોય એની પંદર દિવસ આગમથી જાણ મારા સોમકાકાને થઇ જાય, તે દિનથી એ કહેતા ફરે કે ફલાણા દરબારને ઘેર તોરણ બાંધવા જવાનું છે. આ તોરણમાં ખાસ કંઇ હોય નહીં... માત્ર હોય આંબાનાં પાન! પણ એ ગળે ગાળિયા બાંધીને લટકતાં પાન નો ફરફરાટ... ચમકારો... અને એ પાન જોઇ હિલોળતાં હૈયાં, આજની લબક ઝબક થતી વીજની સીરીઝો, છાતીમાં સણકા ઉપડે એવાં ઘોંઘાટિયાં બેન્ડ, કે ડી.જે.સાઉન્ડમાં ક્યાં ગોતવાં? તોય મરવાને વાંકે જીવતાં ડામરિયા રસ્તાની ધારે ઉગાડેલાં વૃક્ષો પણ પરાણે જવાની ફૂટે એમ મ્હોરેલાં વાસંતી વૃક્ષો જોઇ સાંભરી આવે છે મારું ગામ... પેલા પૂનમ રાવળનો ઢોલ... ડોલતા, નાચતા ને ખાસ તો લગન ગાળા માટે જ વધારેલા વાળવાળો રામજી રાવળ... અમે એના વાળને શિયાળના પૂંછડા સાથે સરખાવતા એથી જ એને શિયાળ કહી ચીડવતા... એના લટકા... મટકા! ઢમક ઢમક વગાડતો આગળ જાય... પાછળ ખસે... કૂદકો ભરે...! ખભે નાખેલ લાલરૂમાલ આમ તેમ હલાવે, ડોક મરડે...ને ઢોલ સમેત ફુદરડી ફરે! એ સઘળો તાલ માંડવાથી છેટે, અમને કોઈ જોઇ ન જાય એમ લપાતા છૂપાતા, કશાકની આડશ પાછળ ઊભા રહીને અમે જોયા કરીએ... જોરથી હસવાનું યે નહીં, નહીંતર કો’ક જોઇ જાય અને અમારી અસ્પૃશ્ય હાજરીની ખબર પડી જાય તો, છૂટો ઢેખાળો અમારા બરડા, કપાળ કે આંખને લાલ રંગે રંગી નાખે...
કાકા પછેડીમાં તોરણ લઇને બેઠા હોય! રસ્તાની ધારે એ એવી રીતે આસન જમાવે કે એ બધાં જતાં આવતાં ને જુવે છતાં ભૂલે ચુકેય આવનારાંનો સ્પર્શ ન થઇ જાય...! એ આવનારાંનું મોં જોવે, કેટલાંકને લાચારી ભરી સલામ, જેસી કસ્ન કરે, ને તોય નજર ન પડે તો પરાણેય હસીને બોલાવે...! પેલો સાંભળ્યું ના સાંભળ્યું કર્યું હોય, તો પાસેનો આઠ-દશ વર્ષનો એનો છોકરો કહે-બાપુ, પેલો સોમલો બોલાવે છે! મારા સાઇઠ-સીત્તેર વર્ષના એ કાકા પેલા નાનકાને ‘ભઇ’ કહે, ને પેલાને ‘દરબાર’... તોય એ કાકાને તુચ્છકારી બોલાવતો ને મને થતું - ‘હાવ નાગોડ પરજા છે આ!’ ગામનાં સવર્ણ ઘરો અમારા વાસમાં વહેચાતાં અમુક વિસ્તારની ઘરાકી અમુકને ફાળે જતી. જેના ઘરાકને ત્યાં લગન થાય એ એના ઘેર જાય, લગન માંડવો જ્યાં બાંધવાનો હોય એ ખોડે (પાવડાથી ઘાસ કાપી લેવું એને ખોડવું કહે) પછી એ એનાં તોરણ બાંધવાનો અધિકારી. તોરણ બાંધવાનો વણમાગ્યો અધિકાર વણકરોને...! ઊંચનીચના ભેદમાંયે પાછા ભેદ તો ખરા... વણકરને ત્યાં લગન હોય તો રોહિત તોરણ બાંધે...! કાકાની પાસે આખા ગામની માહિતી હોય. એ તિથિવાર જાણી લાવતા અને આગલી સાંજના તૈયારી આદરી દેતા. જાડો ગોદડીઓ સીવવાનો દોરો લાવી રાખતા. મને અને બીજાં બે એક છોકરાંને લઇને નીકળી પડતા... ખેતરમાં! એમની પાસે લાંબી વાંસી...! એ ખાસ પસંદ કરી કરીને જ આંબાની ડાળખીઓ કાપતા, અમે ભેળી કરતા ને ઘેર લાવતા. પાનમાં સીધાં, બળિયા ન થયા હોય એવાં, કૂમળાં પાન ચૂંટીને અલગ કરતા, કાકા એને ધોતા કે પછી ભીના અંગૂઠે દોરો ભરાવીને બીજો છેડો હાથમાં લે. દોરાને આંગળીઓ વડે અળસિયા ગાંઠ મારતા જાય ને તોરણ બનતું જાય... બબ્બે પાનની જોડ કરી કરીને અમે આપીએ... એ પાંદડે પાંદડે કાંકરી ગોળ ખાવાની કે લગનનાં ચકતાં ખાવાની અમારી આશાઓ બંધાતી હોય... લટકતી હોય! તોરણ ભેળાં કરી એ રૂમાલમાં ગોઠવીને આપવા જતા. ને અમેય ભેળા જતા ટગર...ટગર...પેલા મંડપને...પેલા ઢોલીને... પાણી ભરતાં ભોઇને જોયા કરતા.... ક્યારેક એ ઠાઠથી અંજાઇ જવાતું...
કુટુંબની વડીલ બાઇ, થાળી દીવો, સૂંપડું લઇને આવતી. કાકા તોરણ મૂકે એને પાણીના છાંટા નાખતી, કંકુ ચોખાથી વધાવતી સૂપડામાં ચાંલ્લા કરી સૂપડે મૂકતી. અડધો-પોણો શેર ગોળ, ચપટીક ધાણા, શેરદોઢશેર ચોખા અને સવા પાંચ આના એ તોરણનું મૂલ્ય! એ ‘અછિયાણું!’ કાકા એવું પોટલું બાંધીને લાવે જાણે મહામૂલાં રતન. અમે ગોળની કાંકરીઓ વાગોળતા વાગોળતા આવતા ને કાકા કહેતા - ‘અવ જાન આવશે તાંણ ચકતાં વારી! આ તોરણના બદલામાં જાન આવે ત્યારે લગન પતી ગયા પછી રાતે એક-દોઢવાગ્યા પછી અમારા વાસને ખાવા લેવા બોલાવે એય પાછો રાવણિયો કે વાળંદ છેક ફળિયાના નાકેથી બૂમ પાડે - ઉતરી ગયેલી દાળ, ભાત શાક મગસ, ચુરમુ કે લાડવા... કૂતરાની જેમ હડે... હડે થઇનેય લેવા ઉમટતા વરસના વચલે દહાડે કો’ક વાર મળતું આ ખાવાનું! અડધી રાત વીતેય ધૂણી આગળ તાપણાના ઉજેતમાં આશા થઇ ભડભડ બળતું! ક્યારેક સવાર પડી જાય તોય ખાવા લેવાનું કહેણ ના મળે. પેલાને ઘેર ખાવા ખૂટ્યુ હોય, પાણી રેડી રેડીને દાળ બધે પીરસી હોય તોય સવારમાં બચેલાં દાળ-શાક-ભાત-દહીંનો મઠો આપે ને કહે - લ્યા, તમને હાળું બોલાવવાનું જ ભૂલી જ્યોં!’ લીલાતોરણેથી વરરાજો પાછો ફર્યો હોય તોય વટ તો એવો ને એવો!
ગામડા ગામમાં આંબો તોરણ થઇને લગને-લગને મ્હાલો તો વળી કેટલાય બીજા પ્રસંગોમાંયે તોરણ થઇને અવસર બની ગયો હોય! એ ભજનમંડળ હોય, કથા સપ્તાહો હોય તોય તોરણ તો હોય જ ને! ગામ ટોડલાના તોરણનોય રીવાજ ખરો! તોરણ બાંધવાનો આનંદ થતો. પેલા રાષ્ટ્રિય તહેવારોમાં ટોપી સાહેબ બધાંને તોરણ બનાવી લાવવા કહેતા અમેય ઉપડી જતા... પતંગના વધેલા દોરા... ગાંઠો મારી મારી લાંબા કરીને તોરણ બનાવતા... ગૂંચ ના પડે એમ જીવની જેમ સાચવીને લઇ જતો, ત્યારે અમારા પહેલાં પહોંચી ગયેલાં દરબારનાં છોકરાંએ મુખ્ય દરવાજે એમનાં તોરણ લટકાવી દીધાં હોય ને મારાં તોરણ છેક ઝાંયે-બાંધવાં પડે!
લગ્નને ફટાણે આંબો ખૂબ ગવાય. વરરાજાને પ્રવેશ ત્યારે જ મળે જ્યારે સાસુમા આવીને તોરણેથી વરરાજાએ પોંકે! મારા ફળિયામાં તોરણ નીચે વરરાજા ઉભો હોય ત્યાં જ ફટાકડી જુવાનડીઓ લલકારે -
‘‘તોરણ બાંધ્યાં ત્રણ રે તડાકા લે,...
... તારી બેનડી રે તડાકા લે...!
ફટાણામાં પેલા બાળલગ્નની વેદના સ્ત્રીઓ સંયમથી આલેખે...!
‘કાચી કેરીના તોડશો માણા રાજ,
એનો વેડનારો બડો રે ચતુર,
બઇજી બાઇનો બેટડો, નણંદલ કેરો વીરો,...!’
દીકરી, મા બાપનાં હેત છોડવાની એ વેદનાય આંબા સાથે વણાય છે.
આવી રુડી આંબલિયા કેરી છાંય, મેલીને,
કોયલરાણી ક્યાં ગ્યાંતાં રે...!
ફરી પાછું વરરાજાને ભાંડવાનું મન થાય તોય આંબો...
બેની ની આંબલિયે ખોઇ બાંધી રે...
બેનીના કોયલડીએ હાલા ગાયા રે...
છોકડાની બાવળિયે ખોઇ બાંધી રે...
છોકડાના ખિસકોલીએ હાલા ગાયા રે...!
શારદી નવરાત કે ચૈત્રી નવરાત હોય, કૃષ્ણના બારમાસી
ગરબા ધૂળીબાના કંઠમાં રેલાય એમાંય આંબો મ્હોંરી ઉઠે -
‘એક ફાગણ આંબો મ્હોર્યો રે,
એની કેરી હીલ્લોળા ખાય,
વાલા તારી વાટડી અમે જોતા રે...!
આંબાના પાન પવિત્ર! છતાં ઘાસચારાની અછત વખતે ઢોરને નીરે. ખેતરે ગયાં હોય ને બીડી ના હોય તો પરભુકાકો ને મોંઘીકાકી આંબાના પાનની બીડી બનાવે ને લ્હેરથી ધૂમાડા કાઢે. અમને પાનની પિપૂડી બનાવી આપે ને મોંમાં છાલાં પડ્યાં હોય કે મોં આવી ગયું હોય તો બા, પેલા આંબાનાં પાનનાં ડીટીયાં ચાવવા આપે...
આંબાને માન-પાન મળ્યાં છે એવાં દુઃખેય મળ્યાં છે. લગ્ન ટાણે તોરણ થઇ મહાલતા આંબો જો કોઇ એની દીકરીને સાસરે ન વળાવતો હોય ત્યારે એના પ્રકોપનું સાધન બનતો... જાસો થતો અને સામેવાળા ખેતરમાં તમાકુ-કેળ નો પાક કાપતા કે ઊભા આંબા એક ઝાટકે હેઠા પાડી નાખે! એટલે લોક જીભે રૂઢિપ્રયોગ ચઢી ગયેલો ‘જા, ઉગતા આંબી ફાંસી નાખજે!’ ‘આંબા ગોડી લેજે, કોઇ એની વાત પરાણેય મનાવે ને સ્વીકારવા દબાણ કરે, તો અસતને સત ઠેરવવાનો શબ્દપ્રયોગ - ‘આંબાની આંબલી કહેવડાવવી.’
વસંતના પગરણ, આંબાનું મ્હોરવું, કોયલડીની કૂક, અને સારા જમણની આશાનો ઉમંગ - ત્રણેય વાનાં અમને થનગન કરી મૂકતાં. અમારું ગામ નાનું. ગામના મોટાભાગના દરબારો ખેતરમાં છાપરાં બાંધીને પડ્યા રહે. લગન અવસરે ગામમાંના ખંડેરિયા જેવા ઘરે આવે. ખેતરમાં મૂડી તો કાંઇ ન હોય પણ ઢોર-ઢાંખરનાં છાણ-પાણી, નીરણ, ખેતરનો પાક, આંબાની કેરીઓ સાવચે કોણ? એટલે એ માટે ખેતર સાચવવા દલિત જે એમનો ઘરાક હોય એને જવાનું થાય. મારે ઘેર મોટી ઉપાધિ એ હતી કે આ ગાળામાંજ કપડાં સીવવાનો ધંધો ધમધોકાર ચાલતો હોય... એ વખતે તો લોકો કપડાં સીવવા દરજીને ઘેર બોલાવતા... મારા બાપુ પણ સીવવાનો સંચો લઇને પેલામને ઘેર જતા. એવે ટાણે અમુક ખાસ ઘરાકને છાપરે સુવા જવાનું હોય તો મને અને મારી બાને જવું પડતું! રાતે બાપુ ખેતરે આંટો મારી જતા. બસ, આમ જ પૂજાલાખાને ખેતરે અમે ગયેલાં. ખેતર શેઢે છાપરી, છાપરી આગળ ગમાણ, એમાં ચાર-પાંચ મડદાલ ઢોર, ને મચ્છર...! સામે શેઢે રેશમડી આંબો! રાતે પવન આવે ને આંબાનાં પાનમાંથી ખર...ખર...ખર અવાજ થાય...કે મને પેલા રંગારી કાકાએ કીધેલી ભૂતની વાત યાદ આવી જાય... થોડી વાર થાય ને ટપાક્ દઇ કેરી પડવાનો અવાજ આવે. મનમાં થાય કે સાખ પડી છે... ચાલ, લઇ આવું... પણ અંધારી રાત... આંબા પર વંપર છે એની યાદ... ને ગોદડીમાં મોં ઘાલીને ટૂંટિયું વાળી દઉં. આખી રાત ટપ...ટપ...ટપ ગણ્યા કર્યું. એમાંય વળી જોડે નું પાડું તાલબદ્ધ શ્વાસોચ્છવાસ કરે જાણે દાંડિયારાસનો તાલ-લય! આખી રાત ગઇ તોય પેશાબ કરવાયે ના ઊઠ્યો. સવારે પેલા આંબા નીચે જઇને જોઉં તો એકેય કેરીના મળે કે ના મળે સાખ! ખબર નહીં એ બધી ક્યાં ગઇ! તે દનથી રેશમડી આંબો મારા મનમાં ભૂત બનીને ભરાય ગયેલો...!
આંબો એટલે તો અમારું સ્વજન! અમારું પોતીકું જણ! એટલે જતો... વહાલાં સ્વજનને કે નાનાં દીકરા દીકરીને હુલામણાં નામ દઇ દઇએ એમ અમે આ આંબાઓને હુલામણાં નામ દીધેલાં. લાડવા જેવી કેરી થાય એ લાલૂડી... ઉપરની છાલ સુંવાળી અને રેશમડી, ખાટયો, તાડીયો, ટોપરિયો, મોટી માટીની ઢોચકી જેવી કેરી વાળો ઢોચકિયો, જીરા જેવી ગંધ વાળો જીરાહરિયો, સક્કરિયો, ભોંથાળ, રુશ્કીયો, આ બધાં નામ એના ગુણ, ઊંચાઇ, એની ઘટા, થડ, વગેરેને આધારે અપાયેલાં બાકી, એ વખતે મારા ફળિયામાંના ઘણાંયને હાફુસ, પાયરી, રત્નાગીરી, રાજાપૂરી, લંગડો, બદામ, એવી કેરીઓનાં નામ હોય એનીયે ખબર ભાગ્યે જ હશે! હા, મારા દાદા અમદાવાદ રહેતા. એ અમદાવાદથી એવી કેરી લાવતા કે જેનાથી પગના ઘૂંટણનો વા મટી જતો. અને એ ના સમજાતું કે અમે જ્યારે કાચાં-પાકાં કેરાં ખાધા કરતા ત્યારે બા ધમકાવતી ને કહેતી - ‘શરીરના સાંધા દુઃખશે! હાડકાં હરામ થઇ જશે!’ જ્યારે દાદા લાવતા એ કેરી ‘વાની’ કેરી! દાદા ક્યાંથી લાવતા હશે?
રસપૂરી કે રસરોટલી ખાનારાંને બચકારી બચકારીને કાચી કેરી ખાધાના આનંદની શું ખબર! માથે આકરો તાપ તપ્યો હોય, ને ધોરિયામાં પાણી વહેતું હોય ત્યારે ડબલ ઠંડક માટે હું અને મારી ટણકટોળી ધોરિયામાં બેઠા બેઠા, ન્હાતાન્હાતાં, આઠદશ કેરી બચકાટી જતા ને પછી પેલો બુઢિયો વાંદરો દાંત કચકચાવે એવા દાંતેય કચકચાવતા. ભૂખનું દુઃખ હતું પણ એ દુઃખ દુર કરવા માટે જ નહીં પણ ભેળા મળીને આનંદ લૂટવામાં અમન અનહદ સુખ લાધતું. કો’ક મીઠું લાવે, કોક જીરુ, કો’ક મરચું... કેરીને ‘હોરણિયું’ (એક ઘાસ) વડે કાપતા... એના ભાગ પાડતા... કો’કને ચીરી જાડી પાતળી થાય તો વઢતા... કીટા થતી એય કેરીને લીધે અને પાછી સંધિ થતી એય કેરીના લીધે!
કેરી જોઉ એટલે મને પેલો વરઘોડો યાદ આવે બધાંયનો ભેળો હું યે વરઘોડો જોવા ગયેલો. પીપુડીવાળો ધોડાની આગળ ચાલે, નાચે...ખબર નહી અમે એમનાથી કેટલુંય દુર ચાલ્યા જતા હતા તોય પાછળથી એવો હડસેલો આવ્યો કે અમારા બે ભાઇબંધ પેલા પિપુડીવાળા સુધી પહોંચી ગયા... અભડાય જવાશે એની બીકે એનો રાગ બેસુરો થઇ ગયો. ને બે ચાર જણ અમને મારવા પાછળ પડ્યા. અમે નાઠા... નાઠા... તે છેક ફાટિયાઆંબે જઇ ઊભા...! વેર લેવાનું યે વિચારી લીધું ને બીજી વખત જ્યારે પેલો પીપુડી વગાડતો વરઘોડો નીકળ્યો. ત્યારે અમે એના સામે જ ખાટી બચ કેરી ખાતા, બચકારા બોલાવતા ઊભા... પેલાની નજર આ તરફ પડીને કેરી જોઇ મોંમાં પાણી આવ્યું ને પેલું પિપુડું...પૂ...પૂ...પૂ...પૂઊઊ...પસ... થઇ ગયું! કોઇ બહારવટીયા મારતે ઘોડે ગામ ભાંગીને ભાગે એમ અમેય ડગલાની ફડકો ફડ ફડ ફફડે, વાળ ઉડે ને એવા નાઠા કે આવે વહેલી નદી!
ધૂળાકાકાનો દેગડીયો આંબો નાનો ડોસો ઘડીય રેઢો ના મૂકે. દેગડા જેવડી કેરીઓ વાયરે હીલોળતી હોય ને અમે લલચાઇએ નહીં એવું તે હોય! બે જણા ઝાંપલી ખોલીને પેઠા ને સીધા ડોસા પાસે...! ‘‘દાદા..લ્યો, તમાકું લાયોસું’’ કહી એક જણે હાકેલી ભરી, બીજાએ માટલી પાણી ભર્યું ને દાદા પાસે કાલી કાલી ભાષામાં વખાણ કરવા માંડ્યાં બીજા બે જણ વાડના છીંડામાંથી સીધા આંબા પર... દશબાર કેરી ઉતારી...હુપ...હુપ...હુપ... કરતા નાઠા... ડોસાએ જ્યારે જાણ્યું કે આ બે પગી વાનર સેના એમની કેરીઓ ઉતારીને નાઠી ત્યારે એવી ગાળો બોલવા માંડી કે કાનના કીડાયે ખરી પડે, પણ ત્યાર પહેલાં તો અમે કાટા-કાંકરા ભાંગતાં છેક નેળિયાનીયે પેલેપાર...!
અમારા ફળિયાનાં દરેક ઘરે કેરીઓ પકવવા મૂકી હોય... બાજરીના પૂળા એના ઉપર કોદરાનું પરાળ, પાથરીને કેરીઓ ગોઠવી દેવાની એના ઉપર પરાળ અને એનીય ઉપર જુનું ગોદડુંનો ધાગો ઓઢાડી દીધો હોય. ચારે બાજુ લીમડો નાંખી દેવાનો... ક્યાંક ‘પણછા’ પડી જાય તો વખાર ના પાકે એવી અંધશ્રદ્ધા... વિચિત્રતા એવી કે દરબારને ત્યાં કેરી પકવવા મુકે તો વણકરો કે અન્ય પછાત વર્ગની વ્યક્તિનો ‘પણછાયો’ પડી જાય, ને વણકરને ત્યાં હોય તો રોહિત કે હરિજન નો! આ અંધશ્રદ્ધામાં પણ ઊંચ-નીચના ભેદ...! ક્યાં ભોગ લઇ જવા આ! ધરમના! બે ચાર દિવસમાં તો કેરીના ઢગલામાંથી ફોરમ આવવા મંડે, આખું ઘર મઘમઘે... વખારમાં હાથ નાખો તો એવી હુંફાળી લાગે કે કેરી હાથમાં લઇ ચુસવા મંડી પડીએ. ફક્ત કેરીઓ ચૂસીનેય ટંક કાઢી નાખવાનીયે થાય! બજારમાં એ સમયે અમારા વણકર-ચમાર-હરિજનની કેરીઓ કોણ વેચાતી લે? અરે! મફતેય લે નહીં... એટલું જ નહીં અડકે ને તોય અભડાય...!
કાચી કેરીનું અથાણું યે કેવું! શાહૂડી (એક પક્ષી)ને દાઢે વળગેલું! કેટલાંક સવર્ણોને શાહૂડીનું માંસ ખૂબ ભાવે. એટલે એને પકડવા તુવરના ખેતરમાં, સાંકડામોંના ઘડામાં અથાણું મૂકી દે... શાહુડી ખાવા આવે, ઘેરો ઘાલે ને શરીરનાં સોયાજેવાં પીછાંથી સાવચેત રહીનેય શિકાર કરી લે. આ અથાણારૂપે કેરી શાહુડીની વેરી બની જતી. બા, અમને આથી જ સમજાવતી કે, કેરી એટલે વેરી. છાનામાના કો’કના આંબાએથી કેરી ઉતારી લો તો. વેર બંધાય જાય ને! આમ જ પેલા છોકરાની વાત યાદ આવે - ચોરી છૂપીથી કેરીઓ તોડવા આંબે ચડેલો બાપ પૂછે છે કે બેટા, કોઇ જુવે છે! ને છોકરો કહે છે કે - ભગવાન બધું જુવે છે! અમનેય એનું ભાન થતું કે કોઇના આંબાની કેરીઓ ચોરીથી તોડીએ, ભલે એનો માલિક ના જુવે પણ ભગવાન તો જુવે છે ને! અને છતાંય કેરીની વાસના અમને લલચાવતી ને ચોરી કરાવતી ખરી હાં!
વસંત અને માનવ મનને કેવો નાતો હશે? એક તરફ આંબે કેરીઓ લૂમે-ઝૂમે ને પાગલ અમરાબના રંગમાં આવી જાય... એ ક્યાંકથી ખાખીનો છેક ઢીંચણ સુધીનો લંબકોટ લાવેલો, એ પહેરેલો હોય, ગળામાં ફુલની માળા સવરાવી હોય, ને આંબાનીચે બેસી પડે ને કોટના ખિસ્સામાંથી જોડિયા પાવા કાઢેને સુર રેલાવે -
‘વહોરો વહોરો પાવાગઢની ચુંદડી’ એના પાવાના સુરથી પણિયારીઓ પાણી ખેંચવાનું યે ભૂલીને ઊભી રહે!
ગામમાં એક જણને તો વળી આંબા મ્હોંરે ને ગાંડપણ વકરે! ગપસપ અંગ્રેજી હાંકવા માંડવા. ઋતુરાજ વસંતનો આતે કેવો રૂઆબ! નહીં? જુઓને... આ અમારો અમરાબનાય જબરો હાં! એને આખું ગામ ગાંડો ગણે તોય એટલો શાણો કે દલિતોનાં છોકરાં રોટલા આપે તો ના...લે...! ગાંડપણમાં શાન ભૂલ્યો, પણ ધરમનું ભાન ના ભૂલ્યો એવું કેટલાંય એના વિશે કહેતા.
આંબો લચી પડ્યો હોય એ જોઇને અમેય પેલી કોયલડી સંગે રંગમાં આવી જતા. આંબાની કુંજમાં કોયલડી લાંબા રાગે કૂહૂ...કૂ...હૂ... કરતી સાંભળી અને ધીમા પગલે આંબા નીચે જતા અને કૂ...હૂ... કૂ...હૂ... પ્રતિસાદ રૂપે કહેતા... ‘કાગડાની વહુ... કાગડાની વહુ!’’ કોયલરાણીને તો શી ખબર કે વહુ અને વર એટલે શું? પણ તોય એકાદ બે-વખત એ ટહૂકતીને પછી કૂહુ... કૂહુ કરતી ભાગતી.
હોળીમાં પૂજાડ્યા વગર કેરી ના ખવાય... તોય અમે તો મગફળીના દાણા જેવડી કેરી થાય ત્યારથી જ ખાવા મંડી પડતા. ક્યારેક તો એનું ‘છીણ’ (ડીંટાનો રસ) લાગતું, હોઠ ફુલી જતા... જીણ બાટક્યા વગરની (ગોટલો થયા વગરની) કેરી ખાવાનીયે એક મજા...! ને જીણબાટકે પછીથી શરૂ થઇ જાય કેરીનું શાક.. ખાટું ખાટું શાકને બાજરીનો એક ભપોયો (જાડો રોટલો) ડાંગારી જાવ (ખાઇલો) એટલે આખોદન ભૂખ આંટા મારે! કેરીનું શાક દારૂડિયાને ના ફાવે... કહેતા કે, કેરીના ખાટા શાકથી દારૂનો નશો ઉતરી જાય!
આખોદન કોઠાં-બીલાં વીણવા, છાણાં-ઇંધણા લેવા, તાપમાં રખડ્યા હોય ને ‘લૂ’ લાગી જાય. બા, પિત્તળની તાંસળીમાં કાચી કેરી કચરે, એમાં ગોરમટી (માટી) ને પાણી ભેળાં કરે, પછી એ તાંસળી શરીર પર મુકીને લૂ ઉતારે! ઘડી ભરમાં તો તાજા-માજા થઇ જાવ હાં!
એ જમાનામાં દશની નોટ હું જ્યારે જોતો ત્યારે મારી આંખો પહોળી થઇ જતી. આવી નોટ કમાવા કેટલાય ઉધામા મારવા પડતા... તમાકુના પીલા તોડવા, ખાખરી વીણવી, ક્યારડા બનાવવા, કરબ હાંકવી થી માંડીને છેક રેતી-સીમેન્ટનાં બાચકાં ઉચકવાં પડતાં. તેમ છતાંય એ મજૂરીના પૈસા બાપૂ પાસે જતા... મારે ભાગે તો બહુ બહુ તો પાવલી આવતી. હું એને સંતાડી-સાચવી રાખતો... નોટો-ચોપડાં લાવવાના પૈસા હાટુ ઉનાળો આવે એટલે કમર કસવી પડે... અમારો ઉદ્યોગ એટલે બાવળના પૈંડા વીણવાના કે પછી આંબાની કેરીઓ વીણી લાવવાની! હું આંબે આંબે રખડતો... કાચી ખરી પડેલી કેરીઓ કે પછી વાંદરાં - હુડાની ખાતાં પડી ગયેલી કેરીઓય લાવતા-છોલતા અને ચીરીઓ કરતા. મણદોઢમણ કાચી કેરી ભેળી થાય એમાંથી સુકાતાં ચીરીઓ માંડ પાંચ છ કિલો થાય! એ જો પાછી કાળી પડી જાય તો લેનારો આનાકાની કરે! ને રૂપિય બે રૂપિયા ઓછા આપે. હું ભણ્યો એમાંય આ આંબાનો પ્રતાપ! કે મહામૂલો સહયોગ કહેવાય કે નહીં? કેરીનાં ચીરીયાંમાંથી પાવડર બને છે એવું બાપુકહેતા, તો મામા કહેતા કે અમાસ અમદાવાદમાં આ ચીરીઓ રંગ બનાવવાના કામમાં લે છે, તો વળી બા, કહેતી આમલીના બદલે દાળમાં ખટાશ કરવા ચીરીયાં વપરાય છે!
હજીય દાઢેથી કેરીના ગોટલાની મીઠાશ ક્યાં જાય છે? કેરી એટલે ખરેખર અમરત ફળ... એનું કશુંય અંગ નકામું ન જાય! રસ ચૂસી લીધા પછી એનાં છાંતરાં અમારા ઉકરડે ઠલવાતાં, ને જલ્દી કોહવાતાં ને ખાતર થઇ જતાં! કેરીમાં એય ખાસિયત કે જો એક જ કેરી બગડી તો આખી વખાર બગાડે. એટલે જ તો અમારી ટોળીમાંનો ટીંખળી છોકરાને બધાં જુદો રમવાનું કહેતાં - છોતરાં પછી વારો આવે ગોટલાનો! લાંબા રાગે, ઉછળતાં કૂદતાં અમારા ટોપી સાહેબ ગવરાવતા ‘‘ગોટલામાં ગોટલી, બા, વણે રોટલી’’ આ ગોટલાની ગોટલી મેળવવા જ અમે ગોટલા ધોઇને વાડામાં એક ખૂણે ભેળા કરતા. સુકવીને કોથળામાં ભરી લેતો. જ્યારે ચોમાસામાં ઝરમરિયો વરસ્યે જાય, ટાઢો વાયરો અડપલાં કરતો હોય, દાઢી કાંપતી હોય ને ખેતરમાં રોપણી કરતા હોય ત્યારે આ શેકેલી ગોટલી બડૂક... બડૂક... ખાવાની - મમળાવવાની મજા કંઇક ઓર હોય! જો કે અથાણાની ગોટલીનો સ્વાદેય અનેરો... પણ નશીબવંતાં અમે ઓછાં હતાં? તેલ, ગોળ, મેથી, મસાલો ક્યાંથી લાવવો? સાચુ, કહું તો આ ‘અથાણું શબ્દ પણ દલિત વાસમાં પ્રચલિત નહીં અમે તો એને ‘અવેજીયું’ જ કહેતા. મેથી નાખીને બનાવે તે ‘મેથિયું’ ગોળ નાખીને છીણ કરી બનાવે તે છૂંદો કે મુરબ્બો... એ બધું ગામમાં ડાહ્યા વાણિયાની દુકાને મોંઘુદાટ મળે! માંદા પડે ત્યારે ‘‘મોં હારું થાય એટલા હાતર લાવવાનું... બાચી તો રામરામ ભજો!’’
બાળકો જોડે તો આ આંબો ખૂબ રમ્યો છે. ક્યાંક સંતાકૂકડી થઇને, ક્યાંક આમલી-પીપળી થઇને, કે ચૂ...ચૂ...જ્યાઉં થઇને કે પછી ગિલ્લી-દ્ડામાં ‘પદુ’ આપવાની જગ્યા થઇને! ખબર નહીં એ વખતે કોણે શીખવ્યું હશે? પણ રમત અમે રમતા જેમાં જોડકણું આવતું - હું પૂછતો કે - ‘બોલ, જોઉં આંબો’ ને પેલો જો ‘આંબો’ બોલે કે તર્તજ કહી ઉઠતા - ‘તારો બાપ લાંબો’ કાચી કેરી કાપ્યા પછી એમાંથી ગોટલી નીકળે આ ગોટલી બીજાને બતાવીને પૂછતા - ‘આ ગોટલીનો જામીન કોણ?’ પછી જેનું નામ બોલાય એને ગોટલીનો છૂટો ઘા કરવાનો! સુકા ગોટલાને તોડતાં બે ફાડ થાય. એ ફાડ ઉપર દોરો વીંટાળી, દીવાસળી ભેરવી અટ...ખટ... કરવાનું થઇ જતું ‘ખટખટિયું’ ગોટલો, દીવેલાની ભૂંગળી, દોરી એ બધાં મળીને બનાવવા ‘ફેરફુદરડી...!’ એ રમકડાંયે કેટલો આનંદ આજનાં મોંઘાંદાટ રમકડાં, ટી.વી.માં દર્શાવાતી ‘ગેઇમ શો’ ક્યાંથી આપી શકવાના?
આંબો, કેરી, ગોટલા એ સર્વમાં સંઘરાયેલ છે સ્મરણો મીઠાં મારા પિતાજીનાં - સંતગુરુનાં અને રંગારી કાકાનાં. આટલે વર્ષેય એ વાત હજીય યાદ છે - તાજી છે. એ છે અમારા ગુરુનાં વચન. મને ત્યારે ને આજેય ઇશ્વરવાદ ઉપર ભરોસો નહીં છતાં કથા-વારતા-ભજન-માં જવાનો શોખ. અમારા ગુરુ લાલદાસજીએ ગુરુશિષ્ય પ્રેમનું ઉદાહરણ દીધેલું સ્વામી રામદાસે શિષ્યોની પરીક્ષા કરવા, સાથળ બતાવીને કહ્યું કે આ ગૂમડું ખૂબ દૂઃખે છે! કોઇ એમાંનું પરું ચૂસી લે તો મટે! કોઇ ગંદુ પરુ ચૂસે? ફક્ત શીવાજી તૈયાર થયા ને બચકુ ભરી ચૂસવા લાગ્યા. પણ એ પરુ નહોતું... ગુરૂએ છાતી નીચે કેરી મૂકી હતી... મધુરરસની કેરી! શીવાજીએ મધુર રસ પીતા ગયા... આશીર્વાદ પામતા ગયા... કેરી જોઉં ને મને લાલદાસ દેખાય... રસ ચૂસતા શીવાજીએ દેખાય... પણ વાસ્તવમાં આવા શીષ્યો ક્યાંય ન દેખાય!...! બીજું સ્મરણ રંગારી કાકા... એમની વાર્તાઓ...એમાં આંબો નહીં એની કેરીની વાત...! શરમાળ જમાઇરાજ સાસરે ગયો ને ગોટલા સમેત કેરીઓ ખાધી... રાત પડી ને પેટ ખળભળ્યું... બંદુકમાંથી ગોળી વછૂટે એમ ધનાધન... ગોટલા વછૂટેને બારણાંએ અથડાય! બિભત્સ રસની એ વાર્તાપણ ભૂલવા છતાંય ક્યાં ભૂલાય છે?
પિતાજી વાર્તા રસિયા. એમની છાતી પર માથું ટેકવી વાર્તા સાંભળ્યા કરું. પિતાજી વાર્તા કહીને થાકે એટલે છેલ્લે કહેતા - ‘‘લ્યો, બેટા, આંબે આવ્યો મોર ને વાત કરીશું પ્હોર...’’ હજીય આંબે મ્હોંર આવે છે પણ ‘પ્હોર’ નથી થતું...! પેલા આંબાય નથી, આંબા નીચે નથી ખાટલી, માંચી કે માળા પર બેઠાં-બેઠાં સત-અસતની વાતો વદનારાં મનેખ! હવે તો પેલા નર રાક્ષસો કાપી કાપીને, ઠાંસી ઠાંસીને, ટ્રેક્ટરો ભરી ભરી આ વૃક્ષદેવોનાં શબ લઇ જાય છે. રંગારીકાકોય નથી ને નહીંતર કહેત - ‘‘આંબો તે વળી કપાય! આંબા કાપે એની સાતેય પેઢી નરકમાં જાય...!’’ પણ આવું હવે કહેશે કોણ એ કાતીલોને?...? તે... ભલા! આપણનેય ક્યાં હવે આંબા જોડે નાતો રહ્યો છે...! એ હવે સ્વજન નથી... આપણે મન તો એ બની ગયું છે મૂંગું ઝાડ...! કાશ! ફરી આંખ ઠરે એવા આંબા મ્હોંરે...!
અનુક્રમણિકા
કીકીએ કણસ્યો કચૂકો
દાળભાત કરવાનાં થાય કે ઘરમાં રામાયણ સર્જાય! દાળના સડાકા ભરતાં શ્રીમતીજીને ટામેટાંની ખટાશ દાઢે વળગેલી મોટા દીકરાને ભાવે કોકમની ખટાશ, તો વળી નાનાને ભાત કઢીને છૂટી લચકા દાળ. એય પાછી ખટાશ વગરની...! આપણે બંદા તો દિવાના આમલીની ખટાશના...!
આમલીની ખટાશ નાનપણ જ વળગેલી... વીતેલા એ બચપણનીયે ખારાશ-ખટાશ વાગોળવા માંડું છું. એ કાળે કો’કના ભેલાય ગયેલા (મુખ્ય પાક કાપી લીધા પછીનું) ખેતરમાંથી આમતેમ વેરાયેલા તુવરના દાણા હું વીણી લાવતો ને આમ માંડમાંડ બેચાર કિલો દાળ થાય, એ દાળતો ખાસ્સી બે-ચાર મહિના ચલાવવાની, એટલે લચકાદાળ મારા ગરીબડા ઘરને ક્યાંથી પોષાય? અમે તો એ કાળે જીભના હવાદ માટે ખોરાક નહોતા ખાતા, ખાતા હતા ફક્ત આંધળું હોજરું ભરીને જીવવા...! એટલે દાળમાં ડૂબકી મારીએ તોય મોતી સમાણો દાળનો દાણો મળે કે ના મળે! પણ એમાં ગોળ, આંબલીને મરચાંનું એવું પાણી હોય કે બસ, સડાકા ભરતા જ જઇએ... આમલી અમારા ઘરમાં આઠદશ કિલો હોય... કેમ કે મારા બાપાને વડીલોપાર્જિત સંપદામાં મળી હતી, બે ભાઇ વચ્ચે સહિયારી એક આમલી...!
અમારા કુટુંબમાં આ ઝાડવાં યે એક મિલ્કત... એક સ્વજન એટલે જ તો રેશમડી આંબોમાં ભાગ ન મળતાં મારી માએ કેટલીય ગાળો, ને બદદુઆઓ છાનીછપની કાકા-મોટાબાપુને દીધા કરેલી. મારાં દાદીએ દિયરવટુ કરેલું એ જમાનામાં દલિત સમાજમાં દિયરવટું સામાન્ય વાત- દાદીને પરણેતર થકી એક દિકરો, ને દિયેરના બે દિકરા. આમ નાના દિકરા એટલે મારા બાપુ. બે એક વીઘાં જમીન એનાં બે ભાગ પડે - એક ભાગ મોટા બાપુનો ને બીજા ભાગમાં વીઘું જમીન એના બે ભાગ કાકાનો ને અડધો ભાગ મારા બાપુનો માંડ તેર ગૂંઠાઅડધુ વીંઘું જમીનનો ટૂકડો... ને એ વહેંચણી થયેલી ત્યારે જે ઝાડ હતાં એમાં એક મહૂડો, બે આંબા ને એક એક આંબલી. આંબામાં કાકાએ આડઇ નાખી ભાગ ન આપ્યો ને આંબલી અમારી સહીયારી... અડધે ભાગે આઠ-દશ કિલો આમલી આવતી... એમાં પાંચ-છ કિલો આમલીને બે-અઢી કિલો કચૂકા...બસ, આખુ વરસ ખાધા જ કરો...! એટલે જ શાકેય ગોળ-આમલી વાળુ ને દાળમાં તો આમલી હોય... ને મીઠું ભેળવીને લાડવા બનાવી મૂકેલી આમલી મા સંતાડીને મૂકતી, ક્યારેક અમારા હાથમાં આવી જાય તો બસ, ખાધા જ કરતા જે બીજેદન મા ર્ચીી ધોતી જાય ને અમને ડફણબાણ દેતી જાય...! તુવરના બાકરા (આખી તુવર) કર્યા હોય, ઝાલર દાળ હોય, ચણાશાક હોય તો આમલી હાજર! શાકમાંય શાકનાં ફોડવાં ઓછાં, પણ આમલીવાળો લીલાં મરચાંનો રસો વધારે...!
આમલી સાથે મારે પાકી દોસ્તી...! ખેતરે જાઉં ને સીધો દોડી જાઉં એની ઘટા નીચે... લટકતું ડાળ પકડીને એક ઝૂલો ખાઇ લઉં...! વસંત ખીલવા માંડે, ઢોલીડા ઢોલ સજવા માંડે, ત્યાં જ આમલીને જુવાની ફૂટી હોય એમ કૂંપળો ફૂટવા માંડે... મ્હોંરેલી આમલી જાણે ઘૂંઘટ ઓઢીને બેઠેલી નવોઢા...! કૂણાં કૂણાં પાનની ખટાશ જેણે માણી હોય એને જ ખબર પડે કે એ ખટાશમાં કેવી મીઠાશ ભરી પડી હશે કે અમારા દાંત ખટવાય જાય ત્યાં લગણ અમે એ પાંદડાં ભચડ... ભચડ ચાવતા...! એનાં ફુલ ભેળાં કરતાં. ભાઇબંધો ભેળા થઇ ઘર-ઘર રમતા, ક્યારેક લગન લગનની રમતેય હોય ને લગન ટાણે જાનેય આવતી. જાનને મીઠાઇ મૂકવી પડે જ ને! હું ઝટપટ પેલાં આમલીનાં ફુલ લાવતો, નાની કૂમળી આમલીના કાતરા લાવતો ને મહૂડાનાં પાનમાં પીરસી જાનને જમાડતો એ પાકુ ભોજન...!
આમલી એટલે મારું સંતાઇ જવાનું સુરક્ષિત સ્થળ! આંબલી એવી ઘટાઘોર કે એની ઘટા વચ્ચે વિપદા ટાણે હું ભરાઇ રહેતો. હજીય એ ઘટના આંબલી જેટલી ખટાશ લઇ આંખે સળવળે છે. ત્યારે હું પાંચમા ધોરણમાં. બાપુ મને ખૂબ વહાલા પણ એમની આંખોમાં મહૂડો નાચવા માંડતો, નશામાં જીભડી લોચા વાળતી, પગ લથડતા ત્યારે મને એ જરાય ન ગમતા. બસ, એક દિવસ આમજ બાપુએ મહૂડો ઢીંચેલો. એ વરસ અમારા માટે કાઠું હતું... ઘરમાં અન્નનો દાણો ના મળે. મારી મા કપાસ લોઢવાના કારખાનામાં (જીન)માં કમાણી કરવા ગયેલી.. એકલી... મને અને બાપુને છોડીને...! બાપુ દરજીકામ કરતા પણ આવક એવી કે કો’ક દન આવક થાય તો કો’ક દન ફાકાકસી... કદાચ બાપુ આ દુઃખ ભુલવાયે પીતા હોય! કો’ક થીંગડું મરાવી ગયેલો ને બદલામાં બાપુને પવાલું પીવરાવેલું. ભુખ્યો ડાંસ હું બે વાગ્યાની રીષેશમાં ઘેર આવ્યો ત્યોર બાપુ ખાટલામાં ચત્તાપાટ સૂતેલા... મોં પર માંખો બણબણે...! મેં ઘર ખોલીને જોયું તો ચૂલો ટાઢોટમ્...! રાતની ચપટીક ખીચડીને ઉતરી ગયેલી...! રડમસ ચહેરે બાપુને ઢંઢોળ્યા. બાપુ કહે - અરે દીકરા, લે આ બે રૂપિયા ને જા... ગોળ-તેલને લોટ લઇ આવ! હું રડવા જેવો...! ક્યારે દુકાનેથી લાવીશ... ક્યારે બનશે ને ક્યારે ખાવાનું મળશે...ને ઊનું ફકડતું ખાણું કેવી રીતે ખાઇને અડધા કલાકની રીષેશમાં છેક ગામની પેલી ભાગોળે આવેલી નિશાળે પહોંચીશ...ને મોડો જઇશ તો... પેલા સાયેબ,ની સોટી...! ભૂખ ભૂંડી ચીજ છે એ માણસને ભાન ભૂલાવી દે છે. હું યે ભાન ભૂલી ગયો... મેં તેલની શીશી જોરથી પછાડી...ને... કાચની કરચ... વેરણ છેરણ... બાપુનો પિત્તો ગયો. મેં શીશી નહીં, પણ એમનો અહંમ, એમનું બાપુપણું તોડ્યું હતું... એમની વાત માની નહોતી ને એ આને બંડ સમજતા હતા... ગાળો વરસવા માંડી - ‘મારું કહ્યું માને કેમ નહીં...’ કહેતા એ ઉઠ્યા, ને ઘરમાં ગયા... હું સમજી ગયો કે આજ મારાં હાડકાં પાંસરાં થવાનાં... હું નાઠો... પેલો ફળિયામાં બઠેલો કાબરો કૂતરોય હડપ દઇ ઊઠી ગયો... આગળ હું ને પાછળ કુહાડીનો હાથો લઇને લથડાતા-લથડાતા મારા બાપુ... કૂતરાં એમનો વેશ જોઇને ભસવા માંડ્યાં... હું આમ તેમ દોડતો દોડતો ઘર પછવાડે ના રસ્તે ચડી ગયો ને સીધો ઉપડી ગયો ખેતરમાં...! મા ઘેર નહોતી, મારે કોની ગોદમાં સંતાવાનું? મા વછોયો નાનકડો બાળક માના વક્ષસ્થળને પયપાન કરવા બાઝી પડે એમ હું આંબલીના થડને બાઝી પડ્યો... એની ઘટામાં લપાઇ ગયો. વાયરે એનાં ડાળ આમ તેમ ડોલ્યાં, એનાં કૂમળાં પાનનો સ્પર્શ જાણે માની મીઠાશ ભરી આંગળીઓ મને પંપાળી રહી ન હોય! છેક સૂરજદાદા રાતારંગમાં ડૂબવા લાગ્યા ત્યારે હું ધીમે પગલે ઘેર આવ્યો. ચૂપચાપ ડોલ-દોરડું લીધાંને ચાર-પાંચ દેગડા પાણી કૂવેથી લઇ આવ્યો. એટલામાં તો બાપુએ લોટ બાફી દીધેલો (આને શીરો ગણતા નહીં...) મને ખવરાવવા લાગ્યા... ને કહે - ‘મને ખબર છે તને ગળ્યું ભાવતું નથી. પણ તને ખબર છે આપણા વાડામાં કૂતરી વિયાણી છે... એનેય નીરવું પડે ને.. એટલે શીરો કર્યો.... તું ય શું હાવ હમજ્યા વગર... જ...! એમણે પડાપૂછ કરી તોય હું કેમ બતાવું કે મારું ભુગર્ભમાં જતા રહેવાનું સ્થળ તો છે - આંબલી !’
દિવાળી આવેને ઘરમાં સાફસુફી થાય. લીંપણ ગૂંપણ પત્યું નથી કે અમારે ઘેર અભરાઇએ મૂકેલાં વાસણ ઉતારવા મંડીએ. ઘરમાં દરરોજ વપરાશનાં વાસણ માટીનાં-આજના નવયુવાનોને માટીનાં વાસણ અજાયબી લાગે...! તાવડી... પેણી, ઢોબલી, બટેરુ, કલૂડી, મીઠારિયું, બતક, ચૈઇડવું, ભોટવો, હાંલ્લી, ગોરસી, દોણી, બટેરું એ સઘળું માટીનું...! ઘરમાં તાંબાપિત્ત્ ાળનાં વાસણ ખરાં, એ બધાં સગાં-સંબંધીને ત્યાંથી ભેટ આવેલાં, લગન- મરણ ટાણે સગાંએ આપેલાં. પવાલી, ડોલ, થાળીઓ, થાળ, દેગડી, બેડું એવું બાના સીમંતમાં આવેલું. તાંબા બેડાં ને કથરોટ બા જતનથી એટલા મો રાખતી કે એની પુત્રવધૂઓ એને વાપરશે... બાની એ આશા આજ લગી પૂરી થઇ નહીં... તાંબા પિતળનાં વાસણ એટલે ઘરની કીર્તિ, મોભો! એ આખું વરસ અભરાઇએ પડ્યાં રહે, કટાઇને કાળાં પડી જાય, એમાંય વળી પેલાં ઉંદરડાં લીંડી-પેશાબ કરી ગયાં હોય એના કાળામેશ ચીકણા ડાઘ કેમેય કરીને ના જાય! એ સમયે નહાવાનો સાબુ અમારે ઘેર વપરાતો નહીં... નહાવાનો કે ધોવાનો જે ગણો તે એક જ જાતનો સાબુ... એય સૂકો ભઠ્ઠ... શરીરે ઘસે તો ચામડી છોલાય...! એટલે કલ્પી શકાય કે વાસણ ધોવાનો વોશિંગ પાવડર કે સાબું એ જમાનામાં અમારે ઘેર ક્યાંથી? બા, મને પટાવતી ને કહેતી-બેટા, જા... આમલીનાં પાન લઇ આવ... બંદા ઉપડતા ને થેલી ભરી પાન લઇ આવતા. નાવણિયાના પથરા પર બેસીને, પથરા વડે બધાં પાન છૂંદી આપવાનાં...! બા, એમાં થોડું પાણી રેડે, પાનનો રસ કાઢે, ક્યારેક બાફીને કાઢે, પછી એનાથી વાસણ માંજે... આજે આપણી પાણી બચાવોની બૂમરાણ કરીએ છીએ એ માટેની કેટલીક પ્રાચીન પરંપરાગત પદ્ધતિઓ ભૂલી ગયા છીએ. આ ગામડિયાં ગણાતાં એમને મન પાણીનું મૂલ્ય અદકેરું... કૂવેથી ખેંચીને લાવવું પડતું ને એટલે જ સ્તો! એટલે એ પાણી ઓછું વપરાય એવું ઇચ્છે... એ પહેલાં આમલીના છૂંદેલાં પાન-રસને વાસણ પર જોરજોરથી ઘસે ને અટવી મૂકે. થોડા સમય પછી એને ચાળેલી રાખ વડે ઘસીને કોરાં કટ કરે માનો કે ધોયાં હોય એવાં ઉજળાં લાગે. પછીથી પાણીથી ધુવે! કેટલી સરળ પદ્ધતિ! આજના સાબુમાં વપરાતાં રસાયણો થકી જે વાસણ ધોવાય છે એના કરતાં કેટલી જંતુ મુક્ત... કેટલી રસાયણ મુક્ત...! પણ હવે આમલીથી વાસણ માંજતી બાનું ચિત્ર, કે રાખ ઘસીને વાસણને ચકચકિત કરતી નાનકડી બેનનું ચિત્ર હવે કયાં જોવા જવું? એમાંય વળી લગન-અવસરે આખા ફળિયાની સ્ત્રીઓ ભેળી બેસીને મોજ-મસ્તી મજાક કરતી, આનંદના હિલ્લોળા લેતી હોય, હાથની બંગડી વાસણ માંજતાં ધીમું ધીમું રણકતી હોય, આમતેમ ડોક હલાવતી હોય, ધીરા મીઠા ફટાણાં ગવાતાં હોય, ને વાસણ માંજતાં હોય.. એમની વચ્ચે પારસ્પારિક સ્નેહ રેલાતો હોય... સહકાર ને સેવાની ભાવના ઘૂંટાતી હોય એ દૃશ્ય આજના એકલપેટિયા સમાજમાં ક્યાંથી લાવવું? બાકી, ત્યારે ને હજીય ક્યારેક ભૂલી જાઉં છું કે આમલીમાં સાઇટ્રીક ઍસિડ છે કે ટાર્ટરિક ‘‘આમલી’’ લખેલું સાચું કે ‘‘આંબલી’’... સાહેબે, ઘણુંય મને સમજાવ્યો હશે તોય એ ગોખેલામા ગડથોલું ખાઇ જવાય છે પણ પેલી ખટાશથી ઉજળીબખ થયેલી વાસણની ઉજળાશ મારી આંખોને આંજી દે છે ને ટોપી માસ્તર સાયેબ કહેતા કે ‘ભઇ, ઘસાઇએ તો ઉજળા થઇએ એય યાદ છે હાં!’ કેમ કે આમલીની ખટાશ વેઠીને ઉજળાં થયેલા વાસણ અમે નજરોનજર જોયેલાં ખરાં ને!
આમલીના પાનની ખટાશને લીધે જ લોકો પાન ઢોરને નીરતા નહીં. જ્યારે મેઘરાજા રીસાયા હોય, ધરતી સુકીભઠ્ઠ થઇ જાય, ને ખડ ખૂટી જાય ત્યારે ચાર માટે પહેલો વારો આવે લીમડાનો...! ને પછી આવે આંબલીનો! લોક આંબલી પર ચડતા. પછેડીની ફાંટ વાળીને, આંમલીની ડાળખીઓ પકડી પકડીને પાન ઉઝરડતા-દુકાળિયા વરસમાં ખાટી આમલી મીઠી થઇ જતી... પાન વીહોણી આમલી ઊભી ઊભી આક્રંદતી...! આમેય આમલીનાં પાન ખુબ ગીચ... સૂરજના તડકાનું એકેય કીરણ એની આરપાર ના આવે... આંબલીનો છાંયો એટલે કૂદરતી રીતે મળતી આહ્લાદક ઠંડક... એટલે જ તો લગન ટાણે જતી દીકરીને સહીયરો ગીત દ્વારા કહેતી -
‘‘જેવી આમલીની છાયા, એવી માત-પિતાની માયા,
માયા છોડવી પડશે, સાસરે જાવું પડશે...!
ધોધમાર વરસાદ ભલેને તૂટી પડે, પણ આમલી નીચે ઊભા રહો તો સાવ કોરાકટ રહો! હા... જો વાયરો આવે તો વરસાદ પડવો બંધ થયો હોય તોય આખે આખાં ભીંજાઇ જાવ...! એટલું પાણી આ ઘટામાં ભરાય રહે!
અમારા નશીબમાં ભેંશ નહોતી એટલે બકરી રાખેલી... બકરીનો ચારો આમલી પૂરો પાડતી! આમલીનાં પાન જોઉં છું ને મને મારા બાપુ યાદ આવે... બાપુને વાર્તા કહેવાનો શોખ ને મને સાંભળવાનો! એ અજબ-ગજબની વાર્તા કહેતા... એમણે ‘માધવજીનું ચોટણું’ વાર્તા હજારોવાર કથેલી તોય હું એ સાંભળવા અધીરો થતો. વાર્તા ખૂબ રમૂજી... એમાં આવે એક રાજકુંવર અને એનો વિશ્વાસઘાતી ભાઇબંધ...! રાજકુંવરની સાસરીમાં બંને ગયા પણ શરમાળ રાજકુંવર ગામનું પાદર શીવ મંદિરે બેઠો... લૂચ્ચો ભાઇબંધ રાજકુંવરનાં કપડાં પહેરી, રાજમાં ગયો ને ઓળખ આપી કે પોતે રાજકુંવર છે! ને પોતાનો નોકર છેક ગામ સીમાડે બેઠો છે! રાજકુંવર નોકર બનીને રહે... એનો ભાઇબંધ રાજકુંવર બનીને મોજ કરે, બત્રીસ વાટકે જમે...ને રાજકુંવરને રોજ મળે રોટલોને આંબલીનું ખાટિયું! ગધ્ધા વૈતરું કરાવે! જાતજાતનાં કામ સોંપે! એવું એક કામ સોંપ્યું - ‘આમલીનાં પાનનાં પતરાળાં બનાવી લાવ!’ રાજકુંવર મહાદેવને મંદિરે, ભગવાનને રીઝવે ને વરદાન મેળવે છે કે, જા તું જે કહીશ એ વસ્તુ ચોટી જશે... રાજકુંવરે આંબલીનાં પાન ભેળા કર્યા-ગોઠવ્યાં ને કહ્યું - ‘મા’દેવનું ચોટણું પાન તો ચોટી ગયાં ને બની ગયાં પતરાળાં! બસ, પછી તો એ રાજમહેલમાં આવ્યો. બનાવટી રાજકુંવર ને રાજકુંવરી એકબીજાને તાલી દેતાં હતાં ને અસલી રાજકુંવરે કહ્યું - ‘‘મા દેવનું ચોટણું’’ બેય ચોટી ગયાં - જડબેસલાક! ઘણાય ઉછાળા માર્યા પણ ઉખડે જ નહીં! રાજકુંવરી ચીડાઇને રાજાને બોલાવ્યા. રાજાએ ચોટ્યો-રાણીએ ચોંટી...! સૈનિકોય ચોટ્યા! માત્ર ના ચોટે રાજકુંવર...! આની દવા વૈદ્યને તેડવા રાજકુંવરને મોકલ્યો. રસ્તામાં આવતાં વૈદજીને ગુરુશંકા જવાનું થયું. પાણી તો હતું નહીં એટલે એમણે મળ લૂછવા ત્યાં પડેલું હાડકું લીધું ને કુંવર બોલ્યો - ‘માદેવનું ચોટણું!’ વૈદ્યજી સલવાયા. કુંવરને કહે - ભૈસાબ! છૂટકારો થાય એમ કર! કુંવર કહે-ઘોડાનું પૂંછડું સુંઘો! વૈદ્ય પૂછડું સુંઘવા ગયા તો કહે - ‘માદેવનું ચોટણું!’ વૈદ્યજીનું નાક પૂછડે ચોટી ગયું ને એમ પૂંછડે ચોંટેલા વૈદ્યજીને લઇને કુંવર આવ્યો... પછી પોતાની અસ્સલ ઓળખ આપીને છૂટવા કહ્યું. દગાબાજ ભાઇબંધે પોતાની અસ્સલ ઓળખ આપી... રાજાએ અસલી કુંવરને કુંવરી પરણાવી વાતમાં હાસ્યરસ એટલી ભરતા કે એ વાર્તા હજીય સ્મરણ થતાં મલકી જવાય છે!
ખાટિયું (આંબલીનું ખાટું પાણી) ખાતો રાજકુંવર હજીય આંખે તરવરે છે! આંબલીનું ખાટું પાણી જ્યારે પેલા પાણીપુરી વાળા આપતા હોય છે ને લોકો હોંશે હોંશે ખાધે જ રાખે છે! અમારા ગામડા ગામમાં આવું ખાટિયું એને આપવામાં આવે જેણે ઝેર પીધું હોય! જઠરમાંના ઝેરને બહાર કાઢવા આમલીનું ખાટું પાણી અક્સીર ઉપાય છે! ખાટિયું પીધું નથી કે ઊલટી થઇ નથી... કાંતો ઝાડા થાય...! જેને ખૂબ ગેબીમાર મારો એનેય ઝાડા-ઉલટી થઇ જાય. એટલે મારવાના અર્થમાં ગામડા ગામમાં શબ્દ પ્રચલિત થયેલો ! ‘‘ખાટિયુંગું આલવું’’- ‘‘હારી પેઠનું ખાટિયું આપ્યું!’’
રંગારી કાકા એટલે રમૂજી વ્યક્તિત્વ. જેટલા એ રમૂજી એટલા દેશી દવાના જાણતલ! વીંછીનું ઝેર એ ઉતારતા પણ ઝેર શેનાથી ઉતરે છે એનો ભેદ કોઇનેય કહેતા જ નહીં. એક દિવસ એમની પાસે બીડી નહોતી. ને ભારે તલબ જાગેલી... મને કહે - ‘જા...લ્યા તારા બાપા પાંહેથી બીડી લૈ આય...!’ મેં શરત કરી કે વીંછી ઉતારવાનો મંતર મને આપવો પડશે. ને રંગારી કાકાએ મને મંતર આપેલો -
ઊતર વીંછી મોરની પીંછી.
ગોળ ગળ્યોને આંબલી ખાટી,
ઊતર નહીંતર તારી.... ફાટી
બસ, મનમાં આ મંતર બોલવાનો ને આમલીનો કચૂકો ઘસીને વીંછીના ડંખ પર ચોપડી દેવાનો! મને તે વખતે એમના આ મંત્ર ઉપર જરાય વિશ્વાસ નહીં બેઠેલો. પરંતું જ્યારે ‘વન ઔષધિયો’ નામનું પુસ્તક વાંચ્યું ત્યારે ખબર પડી કે મંત્રની વાત અંધશ્રદ્ધા હશે પણ આંબલીના કચૂકાને લીધે વીંછીનું ઝેર ઉતરી શકે છે! સમુદ્રમંથનમાં ભલે શંકરે ઝેર પી લીધું હોય પણ દુનિયાને ઝેરથી બચાવવા આમલી કે કચૂકો તો જ આશીર્વાદ ફળે હાં!
આંબલીના કચૂકા અમારે મન - ગરીબડાં સૌ કોઇને મન સોપારી ! ... કચૂકા એવા ચાવીએ કે જાણે બીડેલ બાસઠ પાન- પાનગુટકા ખાનારાંને કદાચ આ કચૂકા પ્રયોગ કરવા જેવો ખરો કે નહીં? આંબલી ફોડીને અમે કચૂકા ભેગા કરીને ખિસ્સે ભરતા. ચૂલાની આગમાં એને શેકતા ને પછી બડૂક...બડૂક એવા ચાવતા કે જાણે બદામનો સ્વાદ એમાં ના ભળ્યો હોય! કચૂકા જેની પાસે વધારે એ અમારી બાળટોળીનો માલદાર...ને માનદાર! ધુતરાષ્ટ્ર જુગટામાં રાજપાટ હારી ગયેલા, દ્રૌપદી સુદ્ધાંયે હારી ગયેલા એથી પાંડવોને જેટલો ખેદ નહીં થયો હોય એથીય બમણો ખેદ રમતમાં કચૂકા હારી જવાથી અમને થતો. રમત આમતો હોય સીધી સાદી ગોળ કુંડાળામાં ગણીને મૂઠ ભરીને કચૂકા નાખવાના. જો વર્તુળની બહાર કચૂકા પડે તો દાવ જાય...! અંદર પડેલા કચૂકાને આંગળીના ટેરવાથી સાવચેતીથી બહાર કાઢવાના. શરત એટલી કે કાઢતી વખતે બીજો કચૂકો હાલે નહીં! આજની ટી.વી.ચેનલોમાં આવતા ‘ગેઇમ શો’ કરતાંયે ગજબનો આ અમારો ગેઇમ-શૉ ક્યારેક ઝઘડોય કરાવતો... ક્યારેક એકબીજાને કચૂકા ઉછીના આપીને કે લઇને પાક્કી ભાઇબંધી કરાવતો, ક્યારે ‘‘ઝૂંટ’’ મારીને ભાગતા ભાઇબંધને ખાટિયું અપાવતો, કે ક્યારેક કચૂકાની વઢવાડમાંથી ફળિયામાં ડખોય કરાવતો!
ગામમાં ગંગાડોશી કચૂકા વેચાતા લેતાં. અમે ક્યારેક વેચતાયે ખરા! એ કચૂકાને પલાળતાં... અને વાટીને લુગદી બનાવતાં ને પછી લૂગદીને સૂપડા પર લગાવતાં. સૂપડાને ચામડાના દોરા વડે સીવેલું હોય એથી ઉંદરો કાપી નાખે, વળી ડાભની સળીનું હોય એટલે એને સપાટલીસું બનાવવા ને ઉંદરથી બચવા આ કચૂકાની લૂગદી લગાવાતી- એય માત્ર બે કે ત્રણ આનામાં! આનો એટલે છ પૈસા! ગંગાડોશી કાગળ કોહવડાવી-પલાળીને એને ઘૂંટીને માવો કરતાં એમાં આ કચૂકાની લુગદી ભેળવતાં ને કાગળની સુંદર ટોપલીઓ, નાની નાની ઢીંગલીઓ, ને એવું બધું બનાવી વેચતાં!કાગળની ટોપલીની સુંવાળપ કચુકાને આભારી... ને એ સુવાળપને લીધે લોક ખરીદતાં એથી વૃદ્ધ વિધવા ગંગામાના ખરબચડા જીવનમાં કચૂકો જ થોડી સુવાળપ ભરવા મથતો રહેતો!
અમારો પરભુકાકો હુકાનો પાકો બંધાણી. હુકાની નેળ પર રંગીન દોરી વીંટાળે ને ચીતરાંમણ કરે, એની ચલમ તાર વડે એવી ગૂંથે કે હુક્કો પીનારો ચલમને જોયા જ કરે! હુક્કા માટે દેવતા પણ ખાસ પ્રકારનો... હુક્કાનો આ ખાસ દેવતા (આગ) એટલે આંબલીનાં છોડિયાંનો અંગારો! જાન આવી હોય કે પછી નાતવરો હોય, નાત પટેલિયાના હુક્કામાં આંબલીના લાકડાનો કે એનાં છોતરાનો દેવતા ભરાય! વશરામબાપુ વરસે દહાડે ઉપદેશવા એમના ચેલાઓને ત્યાં પધરામણી કરતા. એમને માટેય હુક્કાના દેવતાની વ્યવસ્થા અમારે ટાબરિયાંએ કરવાની હોય એટલે અમે ખૂરપી કે દાતરડી લઇ ઉપડી જતા પેલી આંબલીએ... ને ઉખેડવા માંડતાછાલ ને છોતરાં! બાપૂ જોઇને રાજીના રેડ થઇ જાય, છોકરાંને બગલમાં ઘાલે, માથે હાથ ફેરવેને, આશીર્વાદ આપે.. અમનેતો હરખ ન સમાતો... કેમ કે બાપૂની પગચંપી કરનારા કે આખીરાત ભજનો ગાનારા એમના ભગતોનેય આટલાં વહાલ-માન ને આશીર્વાદ નહોતા મળતા.... જે અમને ચપટીક છોતરાંમાં મળી જતા!
આમલી સાથે જોડાયેલું એક સ્મરણ ખાટું-ખાટું ચૈઇડ...! વાગોળવા જેવું નથી તોય અનાયાસે એ આંખોમાં ઊભરાવા માંડ્યું છે...! આમલીનું ઝાડ મારા ખેતરમાં - મારી હદમાં - વાડથી લગભગ એકાદ હાથ છેટું... તોય ગામના મુખીએ અમારી વચ્ચેની વાડને એવી વળાંકે વાળી દીધી કે આંબલી એમની હદમાં! દલિતજણની વિનવણી એ સાંભરે તો મુખી શેનો? પંચ બોલાવ્યું... સવર્ણપંચમાં કેટલાક સત્યના પડખે ઊભા રહેનારા હતા તોય મધ્યમ માર્ગ સૂચવાયો. એક વડીલે આવીને કહ્યું કે - ‘નાગાથી સૌ આઘા’ - માની જાવ ને અડધા પૈસા લેવાની શરતે કાપી લેવા દો! બાપુએ હારી-થાકીને અરધા પૈસા આપશે એ શરતે આંબલીનો હકદાવો છોડી દીધો. પણ કપાવીને વેચી દીધેલી એના કપાયેલા ઝાડ સાથે કાયમનો ટંટો-ઝઘડો ખતમ થઇ જશે એવી આશા હતી પણ મુખીએ આંબલીના અડધા ભાગના પૈસાયે ના આપ્યા, ઉલટા એક બે વખત માગવા ગયા તો અપમાનજનક શબ્દો મળતા! હજીય એન્ ખટાશ ખટક્યા કરે છે મનમાં!
આંબલી સાથે અમારે ઋણાનુબંધ-ઘરનાં તરાટાં હોય કે પછી છતનાં લાકડાંને બાંધવાનાં હોય તો દોરડાં-કાથી કામ ન આપે. એ ચોમાસે છીતાય જાય (કહોવાય જાય) તાર કટાઇ જાય અને અમને મોંઘા પડે કે નહીં? બસ, બંઘોટાં મારવાનાં હોય તો આંબલીનાં! આમલીની પાતળી ડાળખીઓ લાવવાની, એને ચીરીને એને જ દોરીની જેમ વળ ચડાવી દેવાનો એના જેવું મજબૂત દોરડુંય ન મળે! ખેતરમાંનો માળોય આ બેઘોટાંનો... ગમાણમાંના લાકડાંય આ બંધ થી જ બંધાયાં હોય! આમલીનું લાકડું એટલે સુકાયા પછી તો લોખંડ જેવું.! વળી એમાંય એને ગાંઠો પડી ગઇ હોય તો કૂહાડી તૂટે પણ ફાચર ના ઉખડે! આ મજબૂતાઇને લીધે જ એનું નિકંદન નીકળવા બેઠેલું. ગામમાં કોઇક જાણી લાવ્યું કે આંબલીના થડમાંના કોલસા ખૂબ ઊંચા ભાવે વેચાય છે. ત્યારથી આંબલીઓ કપાવા માંડી ને એને સળગાવીને કોલસા વેચવા, પૈસા કમાવાની હોડ ચાલુ થઇ. પડોશના ગામમાંનો ‘‘ધૂળખઇ’’ આંબલો (આંબલીનું મોટું ઝાડ આંબલો કહેવાતું) હજારો વાગોલ ગોદ લઇને સો વર્ષથી જીવતો હતો, ને તળાવ પરની આમલી સવાર-સાંજ જુવો તો, સફેદ ચાદર ઓઢી હોય બગલાં માથે લઇને બેસતી, ને પેલો ભૂતિયો આંબલો પોલોઢમ છે એમ કહેવાતું આખી દન બુઢિયા ટોળું ધમાચકડી કરતું. એ બધાય કપાયા-કોલસા થઇને બળી ગયા તોય આપણું ક્યાં જરાય દીલ દાઝવાનું?
હજીય અમારે બે ભાઇ વચ્ચે વારસામાં મળેલો જમીનનો નાનકડો ટૂકડો છે એની વાડમાં હવે આંબલી નથી ઊગતી... આબલીને ઉગતાં ખાસ્સાં વરસ લાગે છે ભઇલા કપાતાં થોડાક દન! એટલી ઉછેરાય છે ગોરસ-આંબલી! ઝટઝટ વધે ને ઝટઝટ કપાય... ઝટ ઝટ પૈસા મળે ને! મુખીયે નથી ને મારા બાપુ યે નથી! આંબલી જેવું કઠણ વૃક્ષ વાડમાં નથી-પોચીઢમ ગોરસ આંબલી છે! મુખી જેટલી કઠણાઇ વારસોમાં નથી તોય ગોરસ આંબલી જેવા કાંટા તો છે જ! હજીય વાડતો ખસ્યા જ કરે છે! વાડમાં ઉગેલી ગોરસ આંબલીનો હક્ક દાવો લેવા ભાઇને મુખીના દીકરા વચ્ચે રકઝક થયા કરે છે-મુખીને લડી-ઝઘડીને એય કાપે છે તો પેલાય રાતોરાત ઝાડવાં કાપીને સગેવગે કરવામાં પડ્યા છે! બાકી, બીજો ઝાડનો ખોડો નીકળી ગયો છે. કાળજાની કોર જેવો જમીનનો એ ટૂકડો નથી-મારી મા છે... એ મા જાણે જવાબ માગે છે ક્યાં છે મારી આંબલી...આંબો... મહૂડો... કણજ...! ક્યાં છે મોતીડુંગરના શેઢે ઉગેલી રાતી રાયણ...અનુરી...ઢેકી...! હું યે ખુશ છું કેમ કે મેંય દશેકફુટ ઊંચું સીમેન્ટીયું છે! ઘર, ધરતી પર રોપ્યું છે! એની આજુ બાજુ થોડાંક ઝાડ ઉછેરી વૃક્ષપ્રેમી કહેવડાવવાના અભરખા કે ફાંકા ઉઠે છે! બાકી મારું ખેતર, મારું ગામ...ગામની ભાગોળ... ઊંડી નળી પર ઝંબુળતાં ઝાડવાં, બધુંય હાવ કોરું ધાકડ...! બાપા... પેલું દેવાયત પંડિતનું ભજન ગાતા ને કલિયુગનાં એંધાણ કહ્યા કરતા પણ એમાં તો - જતી, સતી ને સાબરમતી એક થવાની વાત હતી ને! આ વૃક્ષો કપાય ને રણ થઇ જશે એવી આગાહી તો કોઇ જ્યોતિષીએ કે નથી દીધી તોય મને ઊંડે ઊંડે કેમ લાગે છે કે સહરા વધીને છેક મારા ઘર સુધી ઢુંકશે...! સાંભળ્યું છે કે - વાંસનાં જંગલોને ફુલ આવ્યાં છે ને વાંસ ને ફુલ આવે એટલે એનું આયુષ્ય ખતમ...! શું એ ખતમ થઇ જશે??... ઉભારો... જરાક રોકો... હજી આપણે એ ખતમ થવાનાં છે એટલાં બીજાં વાંસનાં જંગલ ઉગવ્યાં ક્યાં છે?...?... પેલા બોધિવૃક્ષને જાળવી શકાશે કે નહીં? ને પેલા સર આઇઝેક ન્યુટનના સફરજનનેય ઉગવવા નથી મથવું હવે?
આજનાં નાનાં ભૂલકાં પાન મસાલા ને સોપારી ચાવતાં, થુકતાં ભટકે છે ત્યારે એ ઝૂટવી લઇનેય એના ખોબામાં આંબલીના કચૂકા કે કેરીની ગોટલી કે સેકેલા મઠીયા મૂકવાની કોણ હિંમત કરી શકવાનું? કદાચ આમલી કરતાંય આ વાત ખાટી હશે, એમાં રહેલો એસિડ દઝાડે એવો લાગશે તોય આ ખટાશમાં શું મીઠાશ નથી?...?...?...?
ક્યાં લગી આમલી થઇ મ્હોરવા, કચૂકા કણસ્યા કરવાના? કોઇક તો સાંભળો આ કચુકાની કણસ...!...!...!...
અનુક્રમણિકા
સફરજન ના ઉગ્યું... તે ના જ ઉગ્યું
પહેલ વહેલું અમદાવાદ જોયું, ત્યારે મારી ઉંમર દશ-બાર વરસની હશે. રાજપુર-ગોમતીપુરની સાંકળી ગલી એટલે જીવરામભટ્ટની ચાલ. ‘‘જીવરામ ભટ્ટ જમવા બેઠા’’ એ હાસ્યલેખ વાંચેલો. એની સાથે આ ‘જીવરામ ભટ્ટ’ એજ હશે એવું મનમાં ધારી બેઠેલો. મામા ટપાલી તરીકે નોકરી કરે - એમને કહેલું, - ‘‘મામા, જીવરામ ભટ્ટ ને મારે જોવા છે!’’ મારા મામા હસવા લાગે તે કહે - ‘‘ભઇ! તારે એમનું શું કામ છે?’’ મેં કીધું કે - અમારી ચોપડીમાં એમના વિશે પાઠ છે. શું એ રતાંધળા એ આ ચાલી બનાવી છે? મામા કહે, ‘‘અલ્યા, આ જીવરામ તે કંઇ એક જ હોય?’’ અમદાવાદની ચાલીઓનાં નામ સાંભળીને મને તો રમૂજ થયેલી! શકરા ઘાંચીની ચાલીમાં મારા એક સંબંધી રહે. પેલી તેલની ઘાણી શોધવા ફરતો, મામા ચીડાતા. ‘ટોપી વાળી ચાલી, અબુકસાઇની ચાલી, એવી તો કેટલીય ચાલીઓનાં નામ મને નવાઇ પમાડતાં. મારા માટે આ સાવ અલગ દુનિયા હતી. અહીં મારા ગામના ઊંચા ઊંચા વડ જેવડાં મકાનો હતાં...! પેલા વડલાની છાંયામાં કલબલતાં ચકલાં-કાબર, હોલાં જેવાં કે ક્યાંક કાગારોળ મચાવતા કાગડા, બાજ જેવાંય મનેખ વસતાં હતાં! રમમ્...રમ્મ્કરતી આવતી મોટરો, કાર, રીક્ષા... હમણાં સીધી જ જાણે મારી ઉપર આવી જશે એવી સતત બીક ને લીધે મામાની આંગળી સજ્જડ પકડી લીધેલી. સામેથી એક ચ્હા વાળો છોકરો હાથમાં કીટલી, ને આંગળીએ કપ ભેરવેલા, બીજા હાથમાં રકાબીઓ લઇને સામેથી આવે, બીજી તરફ રોડ પરથી સફરજનની લારી વાળો આવે... મનમાં તો પેલાં વાહનોની બીક, સામેથી છોકરાં ઉઠાવી જાય એવા ગુંડા શહેરોમાં હોય એનીય બીક. મામા, બાપુ આગળ ચાલે, હું આંગળીયે વળગેલો. આમતેમ પેલી ઝાકમઝાળ દુકાનો જોયા કરું ને અધધધ... આટલું બધું....
પેલા સફરજનની લારીમાં લાલ-પીળાં સફરજન ગોઠવેલાં. મને તો થયું કે આ વળી પીળું પીળું શું હશે! કદાચ ‘ગધ્ધા લીંબુ’ હોય પણ ‘લાલ’ રંગનાં ફળ તો બીજાં હશે! પેલા લારીવાળાને જોઇ રહેતો પેલો કપ ખખડાવતો ચાની કીટલી વાળો સામે આવે એ બિચારો એક તરફ થોડો ખસ્યો પણ આપણે તો બધાની જેમ ધડામ કરતા અથડાયા... પાછળ પેલો લારી વાળો... એનેય ધક્કો વાગ્યો ને બેચાર સફરજન ગબડ્યાં... હું નીચે પડ્યો... હાથ લંબાવી ક્યાંક પેલું ફળ હાથમાં લાગી જાય તો...! પણ ત્યાંતો પેલા ચ્હા વાળાએ મને કોલરમાંથી પકડ્યો ને કહે - ‘‘લા પૈસે દેદે... મેરા કપ તોડ ડાલા...!’’ મને પેલો ખસવા ના દે મામા થોડા આગળ નીકળી ગયેલા... મેં તો લાંબો ભેંકડો તાણ્યો. પેલો મારો કોલર છોડે નહીં, ત્યાં મારી બૂમ સાંભળે કોણ? બે...એક મિનિટમાં તો મને એટલી ગભરામણ થઇ ગઇ કે આંસુઓથી બુશર્ટની ફડક પલળી એથી ય વધારે ર્ચીી પલળી...! મામા આવ્યા, પેલાને થોડો તતડાવ્યો. પેલો કહે - સાહેબ, મુજે દશ રૂપિયે મિલતે હૈ, ઉસમે સે ચ્હા વાલા રૂપૈયે કાટ લેગા. મારીમાઁ ડાંટેગી...! મામાએ એને બે રૂપિયા આપી દીધા. પેલો મારી સામે કતરાતી આંખે જોતો જોતો ગયો. કે તરત જ પેલો લારી વાળો આવ્યો. બે સફરજન એનાં છુંદાઇ ગયેલાં તે કહે લાવો - બે રૂપિયા મામા કહે, ‘‘અલ્યા! અમે શેના આપીએ?’’ મેં તો ખરેખર એ સફરજન જૂંટવી જ લીધાં... ને મામાંનેય બે રૂપિયા આપવા પડ્યા... મામા કહે- નાખી દે એ ને...! એના ખવાય ! મેં કહ્યું ના... મારે ખાવાં છે...! ને ફરીથી મામાએ રૂપિયો દીધો ને સફરજન લીધું....મેં પહેલવહેલું સફરજન ચાખ્યુુંં ત્યારે લાગ્યું કે રેશમડી આંબાની કાચી કેરીય આટલી મીઠી નથી હોં ભઇ!
એ સફરજનનાં બીજ મેં એક કાગળમાં લપેટી દીધાં. કાળાંય બીજ હતાંને કેટલાંક બીજ કાચા જેવાં લાગતાં હતાં. મને થયું કે ચાલોને, ઘેર વાડામાં રોપીશું.... સાચવીને ગજવામાં મૂકેલાં... થોડા દિવસ અમદાવાદ રોકાવાનું હતું. બીજું એવું કે મામાનેઘેર મંદવાડ શરૂ થયો. ફ્લુનું વાવર... બધાંય વારાફરતી તાવમાં પટકાય... ડૉક્ટરે કીધેલું કે ફળફળાદી ખાજો. એટલે મામા ફળ લાવે એમાંય સફરજન તો હોય જ! હું એકીટશે જોઇ રહેતો એ કાપતા ને એ કપાય ત્યારે રસના આછા છાંટા ઉડતા એની સાથે જ મારાયે મોં માંથી પાણી આવતું... ને ચીરી મનેય મળતી.
ઘેર પાછા આવવાનું થયું મામા કહે - બોલ તારે શું જોઇએ છે! મેં કીધું કે મને તો સફરજન જોઇએ! આવતાં ગાડીમાંથી સફરજન લીધાં. ઘેર આવ્યો ત્યારે ય પહેલું કામ સફરજન ખાવાનું કર્યું... મેં જાતે કાપ્યું, તેની એ નાની નાની ચીરીઓ કરી...! ભાઇ અને બેનને ધરી અહા...હા... પછી તો જુટાજુટ... મેં બેત્રણ ચીરી ખિસ્સામાં મૂકી દીધી ને બપોરે ખેતરમાં ઉપડ્યો. મારા લંગોટિયાઓને કહ્યું જુઓલ્યા, તમે પેલી રેશમડી આંબાની કેરી ખાતાં’તાં એના કરતાંય જુદા જ હવાદવારી વસ્તુ હું લાયો છું. બધાની વચ્ચે એ ધરી બધાને ચીરી ચીરી આપીને પેલું હજાર વાર ગોખી રાખેલું નામ બોલવા મહામહેનત કરી ત્યારે માંડ માંડ બોલી શકેલો કે આ ફળને ‘સફરચંદ’ કહેવાય!
જીભનો અવિસ્મરણીય સ્વાદ આ સફરજનનો...!... પેલા મારા બાળ ગોઠિયા જોડે જાઉંને વારે વારે બધા સવાલો થયા કરે આ સફરચંદ ક્યાં ઊગતા હશે? કોઇક કહે મને આ લાગે છે કે આ નદીકાંઠે થતાં હશે. વેલા થતાં હશે કે ચીભડાંની જેમ પથરાતા હશે! તો વળી કોઇક કહેતો કે ના...ના પેલી તડબૂચી જેવું હશે! જોને તડબૂચીએ ગોળ ગોળ હોય છે ને આ સફરજનેય ગોળગોળ! કોઇ કહે અલ્યા મને તો લાગે છે કે આનું ઝાડ થતું હશે! પછી તો કલ્પના કરતા કે કાશ! અમારા ખેતરમાંયે એકાદ સફરજન ઊગી નીકળે તો! ભગો કહે - હાચું, સફરજન થાય ને તોય આ વાંદરાં ના રહેવા દે! ને પછી વાંદરાં ભગાડવાની યુક્તિઓ સુઝવવા મંડી પડે... ભગો, કહે એક ડોલતો ડબ્બો લાવવાનો... એને ઝાડ પર બાંધી દેવાનો ને વચ્ચે લાડકું છૂટું રાખવાનું દોરી બાંધી દેવાની એટલે એય વાંદરોયે ભાગેને પેલા હુડા-પોપટે ઊડે. સફરજન ખાય ન જાય...! પછી તો શેખચલ્લીનાં ટોળે વળતાં! અંતે સવાલ એ જ ઊઠતો કે સફરજન ઊગે તો ને?
એ વખતે અમારે વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ વિશે શીખવાનું આવતું. પેલું સફરજન મનમાં વસેલું, સળવળી ઊઠ્યું. એ સફરજનનું વૃક્ષ... જેની છાંયે સર આઇઝેક ન્યુટન રમેલો...
ઇંગ્લેન્ડમાં વુલ્સ થોર્ય નામનું નાનકડું ગામ. ગામમાં સરસ મકાનો.... હા, મકાનની આગળ સુંદર નાનકડા બાગ હોય... બાગમાં ફુલ છોડ.... અને ફળાઉ વૃક્ષો... રળિયામણો ઘેઘુર છાંયો આંગણે રમતો હોય... ફુલ ખરતાં હોય... પાન... ફરફરતાં હોય એવા વૃક્ષ દેવતાના ખોળામાં આપણું ઘર હોય તો...! અમને વિજ્ઞાનના પેલા નિયમમાં ઝાઝી ગતાગમ ન પડી. પરંતુ સાહેબે સફરજનની વાત કરી એમાં મઝા પડી. આ વુલ્સથોર્ય ગામનું આવું જ એક ઘર એના આંગણામાં સફરજનનું મોટું વૃક્ષ... આખા ફળિયામાં છોકરાં ત્યાં આવે... ધીંગામસ્તી થાય... પાનવીણે... રમે એ.... મસ્તી જ મસ્તી... સર આઇઝેક ન્યુટનના દાદાઓનું જુનું મકાન હતું. ૧૮૬૬ની સાલ.... ન્યુટન આ ઝાડ નીચે બેઠેલો ને ટપાક દઇને સફરજન પડેલું... સાહેબની વાત અમે ખુબ જ ધ્યાનથી સાંભળતા! મનમાં થયલું કે ન્યુટન હમણાં ઊઠશે... દોડશે... સફરજન હાથમાં લેશે... ને પાછળ અમારા જેવા ટેણિયા દોડશે... ઝપાઝપી થશે ને ન્યુટન ભચડ...ભચડ કરી સફરજન ખાઇ જશે. પણ સાહેબે તો બીજી જ વાત કરી. ન્યુટનના મનમાં વિચાર આવ્યો કે આ સફરજન નીચે કેમ પડ્યું? પછી તો એણે પથરા ફેંકી જોયા એય પાછા જમીન તરફ જ પડવા લાગ્યા. આમ ગુરુત્વાકર્ષણ (ન્ટ્ઠુર્ ક ય્ટ્ઠિદૃૈંટ્ઠર્ૈંહ) શોધી કાઢ્યો.એમને તો એમાં કશુંય ના સમજાયું. મોટી વસ્તુ નાની વસ્તુને ખેંચે એ વાત કેમેય કરીને મગજમાં ના ઊતરી. મોટા મકાન આગળની ઝૂંપડી અમે ક્યારેય તૂટી જતી નથી જોઇ! પેલી નદીની મોટી મોટી ભેખડો આગળ ઊભા રહીને અમે કેટલાય નિરીક્ષણો કરેલાં. તોય આ ગુરુત્વાકર્ષણ સમજાયેલું નહીં. ન્યુટનના મૃત્યુ પછી આ સફરજનની ડાળીઓ લોકો સ્મૃતિ રૂપે લઇ ગયેલા ને સાહેબે વાત કરી કે આ વૃક્ષ ૧૮૨૦માં ઇંગ્લેન્ડમાં પ્રચંડ ભૂકંપમાં પડી ગયું. જમીનમાંનું એનું ઠુંઠું ફરી ઊગ્યું ને લગભગ ચારસો-પાંચસો વર્ષ પછીય આ ઝાડ હજી ઊભું છે. એની એક ડાળખી પૂણે ખાતેની આયુકાના કેમ્પસમાં રોપેલી છે. એય ખાસ્સી ફુલી ફાલી છે..
પછી તો અમને આ સફરજન ઊગાડવાની ખૂબ જ તાલાવેલી લાગી ! વાડામાં એક જગ્યાએ ખાડો કર્યો.સફરજનનું બી રોપ્યું. ખાતર નાખ્યું પાણી પાયું. દરરોજ સવાર પડે ને સીધો દોડી જાઉં પેલા વાડામાં પણ સફરજન ના ઉગ્યું તે ના જ ઊગ્યું...!
બી રાશી હશે એવું મનમાં વસી ગયું. પણ હવે બીજાં બી લાવવાં ક્યાંથી? અમારી રણક ટોળીએ આ સફરજન ન ઉગવાનાં કેટલાંય કારણો જણાવ્યાં. હવે નવેસરથી રોપવું એવું નક્કી કર્યું. પણ જ્યાં રોટલાની ત્રેવડ ઓછી ત્યાં સફરજન કોણ લાવીને આપે?... એટલે યુક્તિ કરવા વિચાર્યું એકજણો જાણી લાવ્યો કે જો ડુંગળી બાફીને એની ઉપરનું છોતડું બગલમાં દબાવી રાખીએને તો શરીર ગરમ ગરમ થઇજાય. તાવ આવ્યો હોય એવું લાગે. બસ, સાંજે ડુંગળી બાફીને પેલું છોતરું બગલમાં દબાવી સૂઇ ગયો. શરીર થોડું ગરમ લાગે.... બાપા કહે, ‘ભઇલા, કેમ સૂઇ ગયો’ ‘‘તાવ છે’’ બીજે દન ખાવાનું યે બંધ કર્યું. મા વારંવાર પૂછે - ‘કશું ખાવું છે? રાબડી બનાવી આપું?’ હું નન્નો ભણતો. ને પરાણે પરાણે કણસતો કણસતો કહેવા માંડ્યો - ‘સફરચંદ, સફરચંદ’બાપા વિમાસણમાં પડી ગયા... આ સફરચંદ લાવવું ક્યાંથી? એ તો પેલા શાકભાજી વાળાની પાસે ગયા તે કહે - ભઇ! જે પૈસા લે તે પણ આણંદ શહેરમાંથી એક સફરજન લેતો આવજે. પેલો નાનકડું સફરજન લાવેલો મને કાપીને આપ્યું... કોઇનુંયે નહીં એમ મેં એનાં બીજ વીણીને ગુંજે ભર્યા.
બીજે દિવસે અમે ભેગા થયા. બકરીની સુકી લીંડીઓ વીણીને ભેગી કરેલી... એક જણે એને પથરાવડે ભાંગી ભાંગીને ભૂકો કરી દીધો. એક જણો કોથળી ભરીને માટી લાવ્યો. એમાંથી કાંકરા વીણી લીધા. તેને ચાળીને પેલી લીંડીનું ખાતર ભેળું કર્યું. ફુટેક ઊંડો ખાડો કર્યો. ખાતરવાળી માટી ભરી, બી રોપ્યું. પ્રાર્થના કરી. ‘જે ભગવાન’ આટલું અમારૂ કામ કરજે હાં... આ સફરજન ઉગવજે! બધાંયે આંખો બંધ કરીને મનોમન પ્રભુને ભજવા લાગ્યા. કોઇકે ડેરે દીવો કરવાની, કોઇકે ઉપવાસ કરવાની તો કોઇકે ફુલકાકાના વડને પાંચ ટોપલી માટી નાખવાની બાધા રાખી... એક દન, બેદન... થયા કંઇક અંકુર ફુલેલો દેખાયો અમે તો બધા ખુશ ખુશ થઇ ગયા. પાણી પાયુ...ચારે તરફ કાંટાની નાની વાડેય કરી. બે-ચાર દિવસ સતત જોયા કરીએ... પછીથી એક દન તો એવું થયું કે ચાલો જોઇએ એનાં પાન કેવાં છે! બધા એના! પાનને સ્પર્શ કરે! જુએ! કોઇક કહે-અલ્યા, આનાં પાન તો ગોરસ આંબલી જેવાં છે! બીજો નજીકથી અડક્યો ને કહે... આના થડમાંતો કાંટા છે! પછી તો મનમાં શંકાનો કીડો સળવળ્યો. ખાતરી કરવા બાપુને કહ્યું કે, ‘જુઓ, બાપા આ ઝાડ શેનું છે?’ બાપુ કહે -, ‘અલ્યા, આતો ગોરસ આંબલી છે!’ અમારા બધાંના મોં વિલાં થઇ ગયાં. રડવા જેવા થઇ ગયા. ભગવાનનેય ગાળ ચોપડી દીધી - ‘મેર મુઆ તારાથી મારૂ આટલું નાનું કામેય ના થયું? એક ઝાડવુંયે ઉછેરવામાં મદદ ના કરી?’ બધા કહે- હાય...હાય... આટલી મહેનત પછીયે સફરજન ના... ઉગ્યું તે ના જ ઉગ્યું...!
પેલો ગુરુત્વાકર્ષણનો નિયમ અમે ગોખી દીધેલો. પણ એ નિયમ શોધવા પ્રેરણા આપનાર સફરજનને અમે ભૂલી ના શક્યા... સાતમા ધોરણમાં ભણતો ત્યારે એક વખત અમારો ભાઇ ભગુ મને કહે ‘એક પ્રશ્ન પૂછું’ - ‘મેં કહ્યું પૂછ’ તો એ કહે - ‘સફરજન પાણીમાં ડૂબી કેમ જતું નથી! મેં કહ્યું કે ભઇ! આ સફરજન જિંદગીમાં બે-ત્રણ વખત જ ખાવા મળ્યું છે ત્યાં વળી હું એના પર ઓછો પ્રયોગ કરવા ગયો છું કે એ પાણીમાં ડૂબી કેમ જતું નથી...! એણે મને એક ચોપડી માંથી વાંચી બતાવેલું કે સફરજનમાં ૨૫% હવાનું પ્રમાણ છે તેથી તે પાણીમાં ડુબી જતું નથી. સફરજનમાં ગળી જાય એવા અને ઓગળે નહીં એવા ફાઇબર (રેસા) હોય છે એ પેક્ટીન તરીકે ઓળખાય છે આ ફાઇબર આપણા આંતરડામાં રહેલા કચરાને દૂર કરે છે ને રક્તવાહીનીઓની દિવાલ પર કોલેસ્ટરોલને જામતાં અટકાવે છે ખોરાક ન પચતો હોય એમના માટે સફરજન ફાયદા કારક છે. મહારોગ કેન્સર થતું સફરજન અટકાવે છે. સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ક્વેરસેટીન પ્રોસ્ટેટ કેન્સરના કોષને વિકસતા અટકાવે છે સફરજનની છાલ કેન્સરના કોષોમાં ૪૪% જેટલો ઘટાડો કરે છે સફરજનમાં રહેલા એન્ટિ ઓક્સિડન્સ શરીરના જે અંગને પ્રાણવાયુ ન મળતો હોય એની પૂર્તિ કરે છે. ચાવીને ખાવાથી દાંત સ્વચ્છ રહે છે. સફરજનમાં બોરોક નામનું તત્ત્વ જે હાડકાંને ઉપયોગી છે. સફરજનમાં ૮૦ થી ૮૫% પાણી હોવા છતાં તેમાં વિટામીન્સ ભરપૂર છે. વજન ઘટાડવા અસરકારક સફરજનમાં ચરબી, સોડિયમને કોલેસ્ટરોલ હોતાં નથી. મીઠાશ કૂદરતી શર્કરાની છે.’
‘સમર્પણ’ માં પ્રકાશિત થયેલા આ લેખ વાંચ્યા પછીથી તો અમારી સફરજન પ્રત્યેની લાગણી - મમત્વ વધી ગયેલું. અમે નદીએ નહાવા ગયેલાને પીળું પીળું ઇન્દરવરણું તણાતું આવે અમે એનેય ઉપાડી લાવ્યા. ઓળખ નહીં કે આ ફળ કયું હશે! પણ પછી જ્યારે નખથી છોલીેન મોંમાં મૂક્યું ત્યારે એ કડવું વખ ઇન્દરવરણું એટલા જોરથી ફેંક્યું કે પાણીમાંયે ફાટી ગયું!
ખાસ્સાં વરસો વીતી ગયાં પણ પેલું સફરજન હજીય મનમાં એવું ને એવું અકબંધ છે. શ્રીમતીજીના વાળ ખૂબ ટૂંકા એમણે પાછું પેલું સૌંદર્ય શાસ્ત્રમાં વાંચ્યું કે સફરજનનો વિનેગાર અને પાણીથી બનાવેલ મિશ્રણ દ્વારા વાળને ધોવાથી વાળ પર ચોંટેલાં કેમિકલ્સ દુર થાય છે. સફરજનને મધમિશ્ર કરેલી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ચહેરો ખીલી ઊઠે છે. એમણેય સફરજન લાવવા કીધું ને બજારમાં સફરજન લેવા ઉપડેલા ત્યારે ખબર પડી કે બહારથી આવેલાં સરસ મોટાં સફરજન જેના પર બીજા પ્રદેશનાં સ્ટીકર મારેલાં એક સફરજન લઇને જોયું તો.... એની કિંમત ૩૦ રૂા., ૫૦ રૂા.... અધધધ... આ સફરજન...! કાં ખવાય? છતાંય સફરજન લાવ્યાને પેસ્ટ બનાવી... મને ત્યારેય યાદ આવી ગયું પેલું કચડાયેલું સફરજન...! શ્રીમતીજી વળી પાછાં જાણી લાવેલાં કે સફરજન તો સગર્ભા સ્ત્રી ખાય તો અવતરનાર બાળક ગૌર વર્ણી બને છે. વળી આમેય સફરજન સ્વાસ્થ્ય માટે સારાં એટલે એ લોકોને શીખામણ આપે... અમારા ગામડે અમે ગયેલાં એક દલિત સ્ત્રી આવીને કહે - મને ગત્ સુવાવડે દૂધ નહોતું આવતું - કશીક દવા હોય તો!... ને શ્રીમતીજીએ સલાહ આપી કે સફરજન ખા... દરરોજ સફરજન લાવ બાળકેય ગોરું-ગોરું અવતરશે... પેલી બાઇ ખાસ્સી વાર તાકી રહી ને કહે - સફરચંદનો ભાવ શું હશે?... આ રોટલા જોડે શાક કરીએ છીએ એમાંય લોટો ભરીને પાણી કરીએ ત્યારે પહોંચી રહે છે ત્યાં વળી સફરજન...! ને હું એના તરફ જોઇ જ રહ્યો...!
ઘરના આંગણામાં કરેલા નાના બાગમાં અનાયાસે આંબો ઊગ્યો, ખજુર થાય છે, પપૈયોય ઊગ્યો છે... એમ જ સફરજનનાં બી નાખતાં મારો પૂત્ર કહે છે. પપ્પા, સફરજન ઊગશે?... ને મનેય મારી પેલી સૂક્કી ભઠ્ઠ ગામડાની દલિત વસ્તી યાદ આવે છે કાશ! એમાં સફરજન ઉગે તો...!...!
અનુક્રમણિકા
ઝીલ, ઝેઝરું અને કુવાડિયા
ઘર આંગણના નાનકડા ક્યારામાં મારો દીકરો જઇ ચડ્યો. ક્રીસમસટ્રીના થડમાંનો નાનકડો અંકુરિત છોડ જોઇ બૂમ મારી-પપ્પા, જુઓ તો આ શું ઊગ્યું છે? હું અવિરત એના તરફ જઇ રહ્યો... ચોમાસાનો પહેલો આછો વરસાદ પડી ચૂક્યો હતો મને થયું કે એ કુવાડિયો હશે... અમે એને કુમાડિયો કહેતા. સહજ રીતે બોલી ઊઠ્યો!અલ્યા, આ તો કુમાડિયો! ે મારા શ્રીમતીજી બહાર દોડી આવ્યાં ગામડે ઉછરેલા છો તે જોઇ લીધા... આ તો પેલા સળેલા મગફળીના દાંણા મેં નાખ્યા હતા એમાંનો મગફળીનો છોડ છે. મગફળીના પાન અને કુવાડિયાનાં પાન નાનપણે સરખાં... મને થયું કાશ! હું સાચો ઠર્યો હોત તો...! કુવાડિયાનાં પાનનું સામ્ય બતાવવા હું રસ્તાપર કુવાડિયાને ખોળવા લાગ્યો પણ... એ કુવાડિયા હવે આ ડામરિયા રસ્તા પર ક્યાં સંભવે? આજુબાજુ નજર કરી. બધે જ મકાનો ઉભેલાં. ખાડાઓમાં પ્લાસ્ટિકના ઢગલા બધી જમીન માં રેતી-સીમેન્ટના ઢેખાડા - ફ્લેટ કે બંગલા વાળા લોકો ખેતરની માટી લાવી ભાતભાતના છોડ ઉછેરે. આ ઝીલ, ઝેઝરુ ને કુવાડિયાને કોણ ઉછેરે!...
અષાઢી ધન ઉમટ્યો, ને વાદળ ઝબૂકે વીજ,
રા’ને કુંવર સાંભરે, ઓલી આવી અષાઢી બીજ.’’
અષાઢી બીજે પ્રિયજન સાંભરે એમજ અષાઢી વાદળી જોઇને પેલા ઝીલ, ઝેઝરુને કુવાડિયા મારામાં ઊગી નીકળે. અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ ને પછી દાદુર ડંકારમ્ થયા ને બીજે ત્રીજે દિવસે આ ઝીલ, ઝેઝરુને કુવાડિયા પ્રગટી ઉઠે. ભીની ભીની માટીમાં ભાલા લઇને ઊભેલા સૈનિક જેવાં ધરો કે ચીઢાના અંકૂરો, એની વચ્ચે ઘેરાઇને ઉભા હોય. કુવાડિયાના નાનકડા પ્રકાંડ પર ગોળમોટાં પાન જાણે મદમસ્ત હાથી ક્યાંક એ ઝૂંડમાં ઉગ્યા હોય - લીલાં કચ પાન સમીરની લ્હેરખી સાથે નાચવા લાગે. ક્યાંક ટૂંકા પાન વાળી લજ્જાથી ઢળેલી નારી જેવી ઝીલ તો ક્યાંક મસ્ત યૌવના સમ ઝૂઝતાં ઝેઝરું અષાઢ અઘવારે ધરતીની અડધી તરસ મટી ગઇ હોય, લીલીછમ ઓઢણી બિછાવી દે એવે વખતે જો અમારા ગામમાં પ્રવેશોતો આ કુવાડિયા ઝીલને ઝેઝરું ડોલતાં ડોલતાં સ્વાગત કરે. એય પાછાં કોઇક ટેકરે ચડ્યાં હોય, કોઇક ઉકરડે ઝૂલતાં હોય તો કોઇક ખાડામાં - કીચડમાં મદમસ્ત હાથીની જેમ ડોલતાં હોય.
અમે દલિતો અને આ કુવાડિયા બેય સરખા... એનોય કોઇ ભાવ ના પૂછે- ગામને છેડા કે રસ્તાની ધાર પર ઊગે : કોઇ એની માવજત ના કરે. ચોમાસું હોય, ઝરમર ઝરમર વર્ષા થતી હોય ને નીકળી પડ્યો હોય. કુવાડિયાનાં કૂમળાં પાન તોડીને, વાળીને પીપુડી બનાવતા જઇએ, વગાડતા જઇએ ન વાગે તો બીજાં પાન તોડતા રહીએ. એનાં પાન એવાં લીલાંકચ અને મુલાયમ કે હાથમાં લઇને રમાડ્યા કરીએ? બે હથેળી ભેગી કરી વચ્ચે પાન મુકી હથેળીની ભીંસથી પાન તોડીએ અને એ પાન સુંદર વર્તુળના ચાપ જેમ ક્યાંય એની કિનાર જોઇ અમે હરખાઇ ઊઠીએ. શ્રાવણી સાતમનો મેળો મહાલવા વાસેશ્વરના વડે જઇએ ત્યોર કોતરોમાં ગાડરોભેળા કુવાડિયા મહાલતા હોય. મેળામાં બરાબર ઠઠ જામે... ભાતભાતની દુકાનો વાળા ભેળા ભજિયાં બનાવનારા છે આવી લાગે. વહેલી સવારના એ જાગીને કૂણા કૂણા કુવાડિયા ઉપાડી લાવે. એનાં કૂણાં પાન કાતર વડે નાનાં નાનાં કાપી નાંખે ને જુદી ઢગલી કરી મુકે ધંધો જો સારો ચાલે ને મેથી ખૂટી પડે તો આ કુમાડિયાનાં પાનનાં ભજિયાં બનાવવા માંડે. ક્યારેકતો બે દુકાનદારો એકબીજાની હરિફાઇમાં આવી જાય. હુસાતુસીમાં સાવ મફત જેમ ભજિયાં બનાવે... એમાં આ કુવાડિયાનાં પાનનાં ભજિયાં હોય! ભૂખ લાગી હોય, વરસતો ઝરમરિયાં હોય, મેદની હોય એટલે કોઇ પરવા ન કરે કે એમનાં ભજિયામાં કુવાડિયાનાં પાન છે!
દેશી ચોળી જેવી કદમાં નાની-પાતળી સીંગોથી કુવાડિયા લચી પડે. મગના જેવા પણ થોડા લાંબા એનાં બીજ અમે આ સીંગો ફોલીએ અને એના દાણા હાથમાં લઇએ અમારાથી નાના હોય એવો છોકરાં પાસે જ જઇએ. જો આ દાણો મોઢામાં મુકીએ દાંત વડે અડધો કાપી અડધી ફાડ એના હાથમાં આપીએ ફરીથી બીજો દાણો લઇ એને આખો જીવભ તળે દબાવી દઇએને પ્રથમ લીધેલા બીજની ફાડ પાછી આપીએ પછીથી અગડમ્ બગડમ્ બોલીએ ને પેલો આખો દાણો બહાર કાઢીને બતાવીએ. પેલાં છોકરાં અમારા જાદુથી નવાઇ પામી જાય! અને અમે મહાન જાદુગરીન અદાથી એની સામે મરક મરક હસતા હોઇએ. ક્યારેક કેરીની શેકેલી ગોટલી કે શેકેલા આંબલીના બેત્રણ કચુકાની ફી લઇ આ જાદુ શીખવીયે દેતા!
રજા હોય તે દન સઘળું ટાબરિયા ટોળું વડ નીચે અઠંગો જમાવે. અમારાથી ઉપાડી શકાય એવા નાના નાના કુવાડિયા અમે ઉપાડી લાવતા વડદાદાનાં મૂળિયાંની પલાંઠી એનાથી સેજ બનાવતા - ઠંડા ઠંડા ગાદલામાં સુવાની મજાને જોડે પાછો બાળ ગોઠિયો....! આ ખોટતા આળોટતા એકબીજાને અથડાતા ક્યારેક પેલા મલ્લની જેમ ગોળમટાં ખાતા. માથે વડના પાનતો હોય ને હાથમાં આ કુમાડિયાની સોટી ને વટ પાડતા અમે ઘૂમતા ઘૂમતા પેલા કુવાડિયા પાસે જઇએ - પોલીસ કે જમાદારની અદાથી એને કાલી ઘેલી અને સાંભળેલી ને યાદરાખેલી પોલિસીયા હિન્દીમાં કુવાડિયાને તતડાવતા ને પેલી સોટી વડે ફટકારતા. આમ વગર વાંકે જ બિચારી ઝીલ, ઝેઝરુ ઝુડાય જતાં એનાં પાન ખરી પડતાં - કોઇક ભણેશરી આવીને કહેતો કે ઝાડમાંયે જીવ છે તો અમે એની વાત પર હસતા... ગરીબ બિચારાં ઝીલ, ઝેઝરુ, કુમાડિયા, બાવળનાં નાનાં બાંટવાં, સમડી, પીલવો, સુંદરસેણ, અમારો માર ખાઇને ચૂપ રહેતાં. આવો જ રોફ જમાવવા અમે આકડાભાઇ પાસે પહોંચી ગયેલા... આકડાને પહેલાં તો બરાબર તતડાવ્યો... પછી જમાદારની અદાથી એની કૂમળી ડૂંખ પર કુવાડિયાની સોટી ફટકારી પણ એય માળો જબરો નીકળ્યો... કોઇ અત્યાચારી પર દોષિત જેમ થૂકે એમ અમારા તરફ દૂધ ઉડાડ્યું... ને દૂધ નો છાંટો સીધો જ આંખમાં... આંખમાંથી શ્રાવણ વરસવા માંડે, મોઢામાં સિસકારા નીકળ્યા, રાડબૂમ કરતા નાડા... આકડાને બે ચાર ગાળો દેતા દોડ્યા. બા ઝઘડતી રહી, ને આંખમાં ઘી નાખ્યું ત્યારે કળ વળેલી. પોલીસ પોલીસની રમત ત્યારથી બંધ! પાછો અમારો ચતુર શીખી લાવેલો એણે શીખવ્યું કે કુવાડિયાની સોટીમાંથી તીરકામઠું કેવી રીતે બનાવવું? અમે સીધીસટ હોય એવી કુમાડિયાની શોધમાં નીકળતા. આખો વાદીવાળો ટેકરો ફેંદી વળતા ત્યારે માંડ માંડ જાડી અને સીધી કુમાડિયાની સોટી મળતી - વેલાની કે દોરીની પણછને બાજરીના પાતળા સાંઠાનું તીર એની આગળ બાવળની શૂળ બનાવી અમે વડલા નીચે આવી જતા. અમારી પાસે દ્રોણ તો હતા નહીં તોય એને પેલા વડવેદ ન કરવા ઉભેલા પાંડવોની જેમ ઉભા રહેતા - પગ પહોળા કરતા, કેડમાંથી નમતા, આંખ બંધ કરતા ને તીર તાકતા... એમાંય પાછું વિઘ્ન આવ્યું - ચતુરનું જ તીર ઘૂટ્યું ને વડનું પાનવીંધવાને બદલે સીધું ધૂળીકાકાના બરડાને વીંધ્યો. ધૂળો કાકો હાથમાં જોડુ લઇ ઉઠ્યો. - આગળ અમારું ટોળું પડતું આખડતું ભાગે ને પાછળ ડફલાટતો કાકાો જોડું છૂટું મારે... છેક ફળિયાને નાકે એ અટક્યાં જો કે એમને ખબર ન હોતી કે એ તીર કયા છોકરાનું છે નહીંતર ફળિયામાયે મહાભારત રચાઇ જાત.
પીળાં પચરક ફૂલોથી કુવાડિયો મ્હોરી ઉઠે જાણે પીઠી ચોળી પરણવા જતો ફુટડો જુવાન વરરાજા....! એની નજીક ઝીલ ફૂલ આછા લાલ રંગનાં ઝીણાં ફુલ ધરીને સુંદરી શી શોભી ઊઠતી હોય. આવળ અને કુવાડિયાનાં ફુલ લગભગ સરખા જેવાં હોય. ચોમાસામાં અમારા વડદાદાની નીચેનો માહોલ, સામેની થોરની વાડ સઘળું પીળું પીળું થઇ જતું એક તરફ પેલાં પાડાવેલાં પીળાં રસ ફૂલથી લચી પડે, બીજી તરફ આ કુવાડિયાનાં ફુલ ને વાડામાં ગલકીનાં ફુલથી લચી પડે, ફુલડાંથી આકર્ષાઇને પતંગિયાંની ટોળી આવી ચડે... પીળાં પતંગિયાંની ટોળી આવી ચડે... પીળાં પતંગિયાં પીળાં ફુલ પર મંડરાતાં હોય! લાલ, કે કાળો કે અટપટા રંગનાં પતંગિયાં આમતો ભમતાં હોય ને અમારું લાલચી મન કૂદવા માંડે... બેચાર કુવાડિયા ઉખેડીએ એને બાંધીએને સાવરણા જેવું બનાવી ને કુવાડિયાનાં ઝુંડમાં ધીેમ પગલે જઇને સંતાઇ જઇએ. પેલાં ફૂદાં બચારાં આવે ને અમે ઝાપટ મારી એકાદ ને પાડી દેવા મથતા હોય... કુમળાં મગજ આ ક્રુરતાં ક્યાંથી કઢે? અમારે મનતો પેલાં પતંગિયાનાં મોહક રંગો જ ભરાઇ બેઠેલાને એને પામવા મથતા - આજેય એ બચપણ...એ નાગાં બછી... ને હાથમાં કુવાડિયા લઇને ભમવું પેલી કુવાડિયા ને જોતાં ઉગી નીકળે. ફાટલાં તૂટલાં ફ્રોકની ફડો ઉડતી હોય, ને કૂમળા હાથમાં કુવાડિયા લઇને, ભઇલા, પેલુ... પેલું... પતંગિયું મને દઇ દેને કહેતી પરી હજીય આંખની પાંપણને ભીની કરે છે ત્યારે પેલી જયંત પાઠકની પંક્તિ ગણગણું છું -
‘‘પાસેના વગડામાં,
પેલી પરી મળે તો,
કહેજે કે એની પાંખનું એક પીંછું,
મારી પાંપણમાં પરોવાઇ ગયું છે,
ક્યારેક મને બધું રંગબેરંગી દેખાય છે!’’
(વગડાનો શ્વાસ-જયંત )
કુવાડીયાનો છોડ એટલે ઘરનાં કેટલાં-તરાટા માટેનું ઉત્તમ સાધન. માટિયાળ ઘરના કરા ચોમાસે ભીંજાવા લાગે. કુવાડીયાની ભારી બનાવી એને માટીના કરા સાથે વચ્ચે લાકડું નાખીને ભેરવી દેવાતું. કુવાડીયાનાં થડ દોઢ બે ઇંચથી વધું જાડાં ન હોય...ક્યાંક ખાતરવાળી ભોંયમાં કોઇક કુમાડીયો ફાલ્યો હોય તો પગના અંગૂઠા જેવડું જાડું થડ હોય...સંતાકુકડી રમતાં ક્યારેક એના થડ આગળ જ કોઇક લોચે ગયું (સંડાસ) હોય! અમારી લાજનાં રખોપાં કરનાર આ કુવાડીયા...જો કુવાડીયા આકડા, કેરડા, બોરડીનાં જાડાં ન ઊગેયાં હોય તો દીકરીઓને આડશ મળે નહીં...ને ગામડા ગામમાં ,સંડાશ-બાથરૂમ હોય એતો કલ્પના! રંગાડીકાકા તો કુવાડીયા નીચે વાર્તા ઘડી કાઢતા - એક ઢીલો પોચો જણ ટેકરા પર અધડૂકો બેઠેલો - સમતોલન જાળવવા કુમાડીયો પકડેલો ને પેટમાં ઝાડા થતાં પહેલાં ચૂક આવી ને ગબડી પડ્યો ને એજ વખતે ત્યાંથી કાચંડો નાઠેલો... પેલાને વહેમ ભરાય ગયો કે એના પેટમાં કાચંડો જતો રહ્યો છે તે પછી બિમાર રહેવા લાગ્યો. રંગારીકાકા કહે એનો વહેમ કાઢવા માટે અમે ફરીથી ટેકરા પર લઇ ગયા , એને પહેલાંની જેમ કુવાડીયો પકડી બેસાડ્યો ને આંખો બંધ કરાવી. અષ્ટમ્ યષ્ટમ્ મંત્ર ભણ્યા ને હાક મારી, બરાબર પેલાએ આંખ ખોલી ત્યારે જ જીવતો પકડી લાવેલ કાચીંડો એના પગ નીચેથી છોડ્યો. બસ એનો વહેમ નીકળી ગયો...!
કુમાડીયાનાં બીજ વિશે એવી એક વાયકા થયેલી કે એના બીજથી લકવાનો રોગ મટી જાય. એક જણા ગામમાં કુવાડીયાના બી ઉઘરાવવા આવે છે ને પૈસાયે સારા ઉપજે છે પછી અમે છોકરાંતો કુમાડીયે કુમાડીયે ભમતાં, સીંગો તોડતાં ને ખાસાં માંટલાં ભરી ભરી બીજ એકઠાં કર્યાં પણ એનો વેપારી આજ દન સુધી ના આવ્યો તે ના જ આવ્યો. કોઇક એમ પણ ખબર લાવેલું કે એનાં બીજની દાળ મગની દાળમાં કરો તો કોઇક વળી કહેતું કે કુમાડીયાના બીજ ઢોરને ખાવાનું ખાણ બનાવવામાં વપરાય છે. સાચું ખોટું ની તો ખબર નહી પણ અમે નાખી દીધાં - ઉકરડામાં!
નિશાળો ખુલે એટલે બે ચાર દન અમે જતા નહી. કેમકે સાહેબ, બાલાવા આવે . જો વરસાદ પડી ચુક્યો હોય ને કુવાડિયા ઉગ્યાં હોય તો અમારું સંતાવાનું સ્થાન આ કુવાડિયો ઝુંડ.! ગામડા ગામના માસ્તરોને ય આ કુવાડિયા ગમતાં... એટલે જ કુવાડિયાની પાતળી સોટી લાવતા ને અમારા હાથમાં ઉઠતાં સોળ જોઇ અમને કુવાડિયાનું નિકંદન કાઢવાનું સુઝતું.! શાળાના ચોગાનમાંયે કુવાડિયા ભાઇ ફુલ્યા ફાલ્યા રહેતાં. અમને સાહેબોનો આર્ડર થતો અને કુવાડિયા ઉપડતાં - મૂળસોતાં કુવાડિયાં ઉપાડતાં બહાદુરી બતાવવાની તક મળતી ને માસ્તર આઘા પાછા હોય તો આ જ કુવાડિયા અમારી તલવાર ને અમે રાણા પ્રતાપ...યુદ્ધ ખેલાતું! રણુંજાના રાજા રામદેવ બની અમે કુમાડિયાની તલવાર વીંઝતાં. નિશાળમાંના કુમાડિયા અમે સંગ્રહી રાખતાં. એના સાવરણા બનાવતા ને મેદાન સફાઇ એનાથી થતી. મૂળના પ્રકાંડ કે પ્રકાર શીખવતાં ક્યારેક માસ્તરે ય અમને કુવાડિયાનો છોડ લાવીને સમજાવેલું એનું સ્મરણ થાય છે.
ધુળિયા જમીન પર વાળવાનું હોય તો ઝીલનો સાવરણો વપરાતો! મહીસાગરના ભાઠાની કે રેતાળ જમીન ઝીલને ખૂબ ભાવતી. દોઠબે ફૂટ ઊંચી ઝીલ, આડી ખૂબ ફાટે.એનાં ડાબલાં એટલે વેલાં જેવાં. ગમે તેમ વાળો તોય વળી જાય ને વળી મજબૂત ફવિીયાંસાં સામે સામેનાં ઘર હોય, રસ્તાની ધૂળ વાળવા આ ઝીલનો સાવરણો ખાસ એટલા માટે વપરાતો કે એનાથી એકાદ કિલો ધૂળ ઘસડી શકાતી. અમારાં મોઘી કાકી સાવરણો બનાવવામાં પાવરધાં! લાંબી લાંબી ઝાલ લાવે એને ઝૂડી નાખી એની સીંગો દૂર કરે. બધાના થડ એવા ગોઠવે કે પકડવાનો હાથો બની જાય. એની ફરતે ઝીલ વડે જ દોરીની જેમ ગુંથે. વેત જેટલા અંતરે ફરી પાછો બીજો બંધ મારે. સાવરણો એવો રૂપાળો લાગે કે જાણે પીંછાં ભરેલો મોરલો! જોકે કાકી આ ઝીલના સાવરણે જ ગાંગરતી ભેંસને ઝાપટતાં કે કરાંમાં ખાડો ખોદી બેઠેલાં કાળિયા કુતરાનેય આ નઝીલના સાવરણાનો પ્રસાદ મળતો! એકાદ વખત ઘરના કંકાસમાં ખુદ એમનેય આ જ ઝીલના સાવરણાથી હાડકાં પાંસરા કરવા પરભુકાકા પ્રેરાયેલાં!
‘‘કોઇ દિન સુવાને ગાદી તકિયા,
તો કોઇદિન ભોંય પર સુઇેએ...’’ રામ રાખે તેમ રહીએ..
એ મીરાંની કવિતા યાદ આવતી ત્યારે થતું કે ગાદી તકિયા કેવા હશે? પણ જ્યારે નાંનાદાદા ના ખેતરે જઇએ એમના માળા પર ચડીએ ત્યારે ગાદી કેવી હોય એ સમજાઇ જતું. એમનો ખેતરના સેઢે કરેલો માળો પાંચ ફૂટ ઊંચો હોય.એના પર પરાળ નાખેલું હોય. ખેતરમાં ઉભાં ચાર લાકડાને આડાં બે લાકડાં ને બાંધીને માંચડો બનાવાય એ માંચડામાં ગાદી થાય એ ઝીલની .! ખેતરની છાપરી હોયતો એનાં કરાટાં-તરાટાં પણ આ ઝીલનાં એવાં સરસ હોય કે જાણે સુગરીનો માળો! ક્યારેક એની ઉપર પણ ઝીલ થી છાયેલી હોય.
ઝીલનો ખરો રૂપાળો તો એનાં ફુલ આવે ત્યારે નાનકડાં આછાં લાલ રંગનાં ફુલથી ઝીલ છાયેલી હોય ત્યારે લાગે કે ફુલ દસ્તો! ઝીલ પર નાનકડી વાંકડી સીંગો થાય. મસુરની દાળ જેવડા એના દાણા. ભરાયેલી સીંગોથી ઝીલ લચી પડે, આ ઝીલ ન તો ગાય-ભેંસ કે બકરાં ખાય. એ મસી થઇ ઉગી નીકળે...ફુલે ફાલે ને સાવરણો થાય કે બળતણ! તોય ઝીલ વગર ગામના મનેખને ગોઠે નહીં હોં! ખેતરમાં કે ઘરમાં પ્રવેશતાં પહેલાં જ ઝીલનો સાવરણો જોવા મળે.
કુવાડિયાના પાન સીવીને કે ચીકણી લાળ ચોટાડીને કેટલાંક જીવજંતું રહેઠાણ બનાવે આ ઝીલના પાનેય માળો કરવા કામ ન આવે , હાં,ક્યારેક તમને બાવળની સૂળ કાપીને ચોટાળી હોય એવો ત્રિશંકુ આકારનું કોઇક કીડાનું ઘર જોવા મળે. કે પછી સફેદ ફુગ જોવા મળે.
‘‘તલહરીયાં કે ઝેંઝરુંની ભડકે બળી ના મરાય’’ એવી ગામળીકહેવત છે. ઝેઝરું પાતળી પ્રકોડનું છોડ છે.એનું પ્રકોડ કડક - જરીક વાળો કે ભાંગી જાય. એનાંય પાન મેથીને મળતાં આવે.સાંજ ઢળે એટલે પેલા કુમાળિયાના પાન શાંત થઇ ને બિડાઇ જાય જાણે કોઇ ઋષિમુનીએ બંધ પોપચા ઢાળી ધ્યાનસ્ત થયાં હોય. ઝેઝરુંય જાણે એવું - સાંજ પડે એનાં પાન એકબીજાને આલિંગીને પોઢી જાય ભરનીંદરમાં! સાવ પાતળું એનું લાકડું...એનાં પાન સાવ ફુસ!! એનાં લાકડાં ય જાણે કામ ન આવે...બાળોતો ભડ...ભડ...ભડ...સળગવા માંડે પણ ગરમી કશીય ના મળે. ને તરત જ હોલવાઇ જાય! જમીનમાંથી તર્તજ ઉપડી જાય એટલે નાનાં છોકરાંય એને ઉપાડી નાખે! ચોમાસે એય ફુટી નીકળે...એનું આયુષ્ય સાવ ટૂકું ટચ! એનાય સાવરણા થાય...કે પછી માળામાં નંખાય!
ઝીલ ઝંઝેરું ને કુમાડિયા વગર ગામની પાદર ભર્યા ચોમાસે દુકાળ જેવી...અથવા એમ કહો કે શણગાર વગરની સ્ત્રી જેવી..! ઝીલ , ઝંઝ્રું, સુંદર સેણ, આવળ, ધંતુરો, આકડો, ગાગર, ગોળટું એ તો ગામના પાદરની આળખ.પેલા અંગ્રેજે ભલે કહ્યું - ગામડું એટલે સાવ ઉકરડો. પણ આ ઉકરડે ઉગેલ આકડો, કુવાડીઓ, ધંતુરો જોઇને એને બાગ કેમ નહી યાદ આવ્યો હોય? કૂવાડિયાને ફુલે ફુલે ભમતાં પતંગીયા ને પીલાં પચ પાડાવાલાની લચેલી વાડ માંથી બોલતાં તમરાં, ઝીલની આડમાં ભરાઇને બેઠેલાં આગિયાં,એ બધું એણે ક્યાં જોયેલું? હા, અંગ્રેજની વાતનો ઠીક પણ હવે તો એ જોવાનો લ્હાવો આજના યુવાનોને ક્યાં મળવાનો? કુંડાના બંધિુયાર છોડને જોઇને એ રાજી નો રેડ થઇ જાય પણ ઘરના પવને હાલક ડોલક થતો મોઘો છોડ ક્યાં ને પેલો મુક્ત મને વાયરીમાં હાલતો-નાચતો કુવાડિયો ક્યાં?.....ખાવા માટે - રંગ બદલતાં કાચંડાને ઝીલના થડમાં મંકોડો જોવાનું સદ્ભાગ્ય માનવું જોઇએ નહી? કુમાડિયાના પાન કચરીને લીલો રંગ બનાવવાનો વૈજ્ઞાનીક વિચાર અમારા જેવા ગામડીયા બાળકોને ક્યાંથી આવે જો અમારો ગુરુ કુમાડિયા ન હોત તો? ઝીલને ગુંથીને મોર બનાવવાનું રંગારી શીખવતા એ કળા પેલા રંગારીકાકાના અવસાન સાથે અવસાન પામી ગઇ! કુમાડિયાની ડાળખીઓને લઇને એના પર કુમળી ઝીલ છાયીને છાપરી બનાવી એમાં રામસીતાની વાટ જોતી શબરી જોમ અમેય પેલી ગોકળગાયની વાટ જોતાં ઝૂરતાં હતાં! ઝીલની સળીઓ કે કુમાડિયાની સળિઓ વડે ઓટલી પરની ચોકડીઓમાં ભાત પાડતી લાજસી બેન જેટલું જ વહાલ અમને ઝીલને ઝંઝેરું પ્રત્યે રહેવાનું!
અનુક્રમણિકા
વાડાનો નેપાળો
આજથી ૪૦ વર્ષ પહેલાંનું મારું ગામ પાંપણે ફરફરે છે. અસ્ત-વ્યસ્ત ઘરોની હરોળ એની આગળની ગમાણ ય તેનાં મૂતરનો સંગ્રહ કરવા ખોડેલો ખાડો. કનેરી આગળ શેતુર કે સંદેસરો હોય, કોઇ ગમાણની થાંભલી સંદસરાની શબ્દ તોડો નહીં હોય, ઘર પછવાડે વાડો હોય, વાડામાં નાવણિયાના પથ્થરની ચારે તરફ ઊંચું કંતાન બાંધી, આડશ કરીને બનાવ્યું હોય : બાથરૂમ! એના પાણીની નીક આગળ આજે જેને ‘ઓફિસ ટાઇમના છોડ કહીએ છીએ એ ‘વરાધિયાં’ કે હજારી ગલ (ગલબાસિયાં) સેવયા હોય, બારમાસીની હાર હોય બાઉના ભાગમાં મોસમ પ્રમાણે ભીંડા, ગલકી, રીંગણી, કોઠમડી, ચીતીડી જેવા શાકભાજી હોય. વાડાંને સરહદ નક્કી કરવા ખરસાણી, સંદેસરા કે પછી નારો રોપીને વાડ કરેલી હોય. ઊંચા નીંચા ટેકરા પરનાં ઘર હોય ત્યાં પીલુડી, તગોડ કે સંદે-- હોય.
અમારા ઘર સામે આવાજ ટેકરા પર સોમાકાકાનેું ઘર. ઢોળ પર એમણે નગોડ, સીતાફળી, સંદેસરો રોપેલાં. એના ખૂણામં દેશી કપાસ (વેણ) અને એની જોડે જ નેપાળી દીવેલો રોપેલો. બંનેનાં પાન લગભગ સામ્ય ધરાવતાં, એટલે અમે નાનં ભૂલકાં એને ઓળખી ના શરીએ. જ્યારે પેલા કપાસ ઉપર મઝાનું કાલુ ખીલે ત્યારે ખબર પડે કે આ કપાસ છે.
નેપાળો અને કપાસ બંને જબરી હોડ કરતા એવા વધેલા કે કપાસ વીણવા કાંતિને પીલુડી પર ચડવું પડે. પેલો નેપાળી દિવેલો ઝાડ બની ગયેલો. ઉપર ચડવાનું મન થાય પણ પેલો ડોસલો વાડામાંથી ખસે નહીં ને અમારો મેળ પડે નહીં. કપાસ વીણીને સોમો ડોસો એની દીવેટો બનાવે ને કપાસિયા ભેંસનું ગોતું? (ભેંસ માટે બાજરી, કપાસિયા, વગેરે બાફીને બનાવેલ ખાણું)માં નાખે. દેશી દિવેલાનાં પાન ભેંસો ખાય, આ નેપાળીનાં પાન કોઇ ખાય નહીં. કેટલાય કહેતાં કે આ નાહક નો નેપાળો શું કામ રોપી મેલ્યો છે! ખબર નહી એમાં કાકાને એવું ઘેલું કે નેપાળાને કાઢે નહીં. નેપાળો દિવોલો મઝાનો લહેરાય. એને ઘેરા કાળા રંગની ગોળ જેવી દીવેલી આવે? હા, અને પેલા દિવેલાની જેવા કાંટા જેવું કશું નહીં એટલે એને છૂટા પાડવાનું ખૂબ સરળ બને.
તાપમાં તપે એટલે તડતડ કરતાં એનાં જીંડવાં ફાટે ને પેલી દિવેલીઓ જમીન પર પડે. છાના-માના સંભાળી સંતાની ટાબર ટોળી દીવેલી વીણે- મુઠ્ઠીમાં દબાવે - ગણે અને વધુ કોણ વીણી લે એની શરત મારે. ખીસ્સાં, ખોલો તો બુશર્ટની (આગળનો ભાગ) ફડકમાં ભરી અમે દોટ મુકીએ, રખેને પેલો ડોસો પાછળ પડે! ક્યારેક અમે પકડાઇ જતાં તો ડોસો બધી દીવેલીઓ ખૂંચવી લેતાં, અમને ભગાડતા. અમારા દફતરમાં નેપાળી દીવેલી સંતાઇ બેઠી હોય. કંપાસ બોક્સના ખૂણામં દીવેલી છૂપાવી હોય... મનિયો તો એની ચોર ખિસ્સીમાં દીવેલીઓ મૂકી રાખે. નિશાળેથી છૂટ્યા પછી લીમડા નીચે રમત જામે એમં દીવેલી રમાય. એક ગોળ વર્તુળ કર્યું હોય એની ચારે બાજુ રમનાર બેસી જાય... પાંચ પાંચ દશ દશ દિવેલીઓ હરીફ દીઠ ખોબામાં નંખાય એને ધીમે રહીને પેલા વર્તુળમાં વેરતા. જો વર્તુળ બહાર દીવેલી જાય તો દાવ ફોક! પછીએને ધીમે રહીને, એક - એક કરીને કાઢી લેવાની હા, એની જોડવાળી દીવેલીને અડકવાનું નહીં કાઢવાની અંચઇ કરે દીવેલી હાલી હોય તોય કહે ના નથી હાલી! ક્યારેક ન માનીએ તો લાત મરીને બધો દાવ બગાડી નાખે. અમારા વાંસામાં ગરીબીનું સામ્રાજ્ય એટલે લખોટીઓ ખરીદી લાવવાનું મુશ્કેલ હોય. લખોટીને બદલે આ નેપાળી દીવેલી રમવાની મજા કંઇક ઓર હતી ને!
એક દન બન્યું એવું કે અમારો એક ભેરુ પરીક્ષામાં નાપાસ થયો. માસ્તરે એને ફટકાર્યો. અને ધમકી આપી કે ‘‘તારા બાપને કહેવા આવીશ - આખો દહાડો રમતી ફરે છે વાંચતી લખતી નથી!’’ એને ખૂબ લાગી આવ્યું, અમારી રણકટોળીનો જ કોઇ બાતમી ઘર બની ગયો. ઘરફુટે ઘર જાય એમ આ અમારી ખાનગીવાત છેક પહોંચી ગઇ. સોમાકાકા કહેતા કે આ દીવેલી ઝેરી હોય... એટલે પેલો છોકરો ખૂબ જ ડરી ગયેલો એને મરવાનો વિચાર આવ્યો... તેથી ચાર-પાંચ દીવેલી ગળી લીધી... બીજા દિવસે એના હાલ બગડી ગયા... મરડો એવો થઇ ગયો કે એની પાસે માત્ર બે જ ર્ચીી હતી. એ ધોઇને સુકાઇ નહીં ત્યાં લગી બીજી બગડેલી હોય, એટલે કે આખો દહાડો રૂમાલ વીંટાળીને રેહવું પડ્યું...! હા, એને પછી ખીજ મળી ‘‘નેપાળો’’
નેપાળા ભણી અમારું છોકરાનું આકર્ષણ થવાનું કારણ પેલા રંગારી કાકા હતા. એક દન ખરા બપોરે રંગારી કાકા વડના થડમાં અઢેલીને બેઠેલા ત્યારે અમારું રણકટોળું ત્યાં પહોંચી ગયેલું ‘‘રંગારી કાકા... એક વાર્તા કહોને...’’ પછી રંગારી કાકાએ વાર્તા માંડેલી. એક માણસને ખૂબ પેટમાં દુઃખવા માંડ્યું. ગામને પાદર કોઇ સાધુ પાસે ગયો ને દુઃખની વાત કરી. સાધુએ નેપાળાની ગોળી દઇ દીધી. એને મટી ગયું. પેલો માણસ ખુશ થઇ ગયો અને આ દવા કઇ હતી એ જાણવા સંતને વિનવ્યા, સાધુએ એને કહ્યું એ તો નેપાળે દીવેલાતી દીવેલી હતી. એના ગુણ વર્ણવ્યા, પેલો માણસ પછી તો ખૂબ જ ઉમંગમાં આવી ગયો. જાહેર કર્યુુંં કે પોતે મોટો વૈદ્ય છે. આખા ગામમાં વાયરે વાત વહેતી થઇ કે આ વૈદજી ગમે તેવાં દર્દોને મટાડે છે. વૈદને ઘેર જે આવે તેને વૈદજી નેપાળાની ગોળી પકડાવી દેતો. એની નામના ચારેકોર પ્રસરી ગઇ છેક રાજમહેલમાં એ વાત થઇ ને રાજાએ એને રાજવૈદ બનાવ્યો. ખાઇને તાગડધીન્ના કરતા આ વૈદ ઉપર કેટલાક ઇર્ષા કરવા માંડ્યા એક વખત બાપુના રાજ્યમાંથી સૈન્ય ચડી આવ્યું પેલા ઇર્ષાળુ એ રાજાના કાન ભંભેર્યા, કહે કે, આ વૈદ રાજને કહો એવી કોઇ દવા આપે જેથી સૈનિકોમાં ખૂબ બળ-શક્તિ આવે! રાજાએ વૈદને હુકમ કયો વૈદે તો નેપાળી દિવેલીની ગોળીઓ બનાવી દીધી. પડોશી રાજા શહેરની ચારે કોર કોટની પેલી પાર ઘેરો નાખીને પડેલો. વૈદે બધાને રાતે બબ્બે-ચાર ચાર ગોળી આપી દીધી. લશ્કરના જવાનોને સવારમાં પેટમાં ચૂક ઉપડીને પછી તો બધા જ ગામ બહાર પેટ ખાલી કરવા વારંવાર નાસભાગ કરવા લાગ્યા. એકેક જણ ચારપાંચ વખત બહાર આવજા કરે. આથી રાજાના સૈનિકોતો ગભરાઇ ગયા કે આટલી મોટી સંખ્યામાં સૈનિકો કુદરતી હાજતે જવા આવે છે તો સૈન્યુ કેટલું મોટું હશે? આખો દિવસ યુદ્ધ માટે રાહ જોઇને સૈનિકો ગણતા રહ્યા... રાત પડી પેલું સૈન્ય સૂતું હતું એ એક સૈનિકને હાજતે જવાનું થયું રાતે દરવાજા બંધ- પેલો કોટ કૂદીને પડ્યો સામેના સૈનિકોએ જોયું ને વાછૂટ થઇ એનો ધડાકો થયો પેલા બધા ચમક્યા કે તોપ ફુટી ને બધાય ઉઠ્યા-મારો કાપો ને રાતના અંધારે એ બધા માંહે માંહે કપાવા માંડ્યા - સવારે તો અડધું સૈન્ય સાફ થઇ ગયું. આ બાજુતો માત્ર પેલો એક જ સૈનિક - રાજા ગભરાયો. એક સૈનિક જો આટલો કચ્ચરઘાણ વાળે તો બીજા ઘણા બધા છે! ને બધા નામ... રંગારી કાકો વાતમાં મોવણ નાખીને એવું કહેતા કે અમને પેલા નેપાળી દિવેલાનો ચમત્કાર સમજાઇ જાય!
આમતો આ દિવેલો કશાય કામનો નહીં. હા... એની દીવેલી જો ગેસ-કે અપચો થયો હોય તો મટાડીદે. કબજિયાત મટાડવા કે જુલાબ લેવા એની દિવેલી શેકીને કે ચાવીને ખાઇ જવાની. દીવેલનો જુલાબ ઠંડો ગુલાબ કહેવાય વળી એનાથી બીજી કોઇ આડ અસર ન થાય. બીજુ કે આ દવા કડવી પણ ન લાગે એટલે બાળકોય હોંશથી ખાઇ જાય. આનું લાકડું મજબુત નહીં. ઠીક છે દવા તરીકે કામ આપે. એનાં પાન પણ ઉપયોગી નહીં. દેશી દીવેલાનાં પાન ગાય ભેંશ ખાય આનાં તો પાનેય નખાય. તોય પેલો સોમો કાકો આ દિવેલાનો જબરો ચાહક...! મારા એક મિત્ર ખબર લાવેલા કે કુદરતી રીતે પેટ્રોલ બનાવવાનો એક જણે પ્રયોગ કર્યો છે. રતનજોત નામના એ છોડમાંથીએ બનાવે છે ને એ રીતે મળતું ડીઝલ ખૂબ સસ્તું પડશે! મને સમાચારમાં ખાસ કંઇ નવાઇ ન લાગી પણ એણે એમ કહ્યું કે આ રતનજ્યોત એટલે તને ખબર છે? મેં કહ્યું ના ભાઇ! તો કહે એ આપણો નેપાળો દિવેલો! ત્યારે મારી આંખો પહોળી થઇ ગઇ! જો ખરેખર એના કહ્યા મુજબ રતનજ્યોત નેપાળો હોય તો તો...!... પેલા સોમાકાકો તો નેપાળો ખેતરે ખેતરે વવાવે... નકામુું નીંદણ કહીને જોરથી કોદાળી મારી ઉખેડી વાડમાં ફંગોળાતો આ છોડ મહામુલો બની જવાનો...!
આશરે પચ્ચીસ-ત્રીસ વર્ષના અંતરાલ પછી વતનના ઘરે લટાર મારતો હું સોમાકાકાના ખંડેર ઘરે ગયો.-૧૯૭૩માં મહીસાગરના પૂરમાં અમારા આખા ફળિયામાં ઘર પડી ગયેલાં-સરગવા, સંદેસરા, ગૂંદી, પીબુડા નાશ પામેલું ને ત્યાર બાદ બે ત્રણ વાર પૂર આવ્યું. આ વર્ષે એટલે કે ૨૦૦૬માં તેત્રીસ વર્ષ બાદ પેલો નેપાળો એમાં વંશ વારસોને મૂકતો ગયો છે! હા, એની જગ્યા બદલાઇ છે. એનાં ડાળખાં રોપીને એમના દિકરાએ વાડ કરી છે હું એ નેપાલા ને જોતાં જ મુગ્ધ થઇ ગયો. સાથે બે રોપ લેતો આવ્યો.-હવે જોવાનું એ રહે છે કે મારો બાળસખા એ નેપાલો મારોમારા શહેરમાં ઉગે છે કે નહી? કદાચ ઉગશે, ફાલશે, ફળશે તોય પેલી દીવેલી વીણીને મુઠ્ઠીમાં મોતી સંતાડ્યા જેવો આનંદ મારાં બાળકોને નહીં થાય.
અનુક્રમણિકા