અંકઃ ૧૩ મે, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..
જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!
નાની નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com
વેકેશનમાં શું કરવું લેશન?
“આવારા ભંવરે જો હોલે હોલે ગાયે….” ગાતે ગાતે એક પગે ઠેસ લગાવીને નિનિબેન ઘરમાં ઘૂસ્યાં અને ઠેકડો મારીને સોફા ઉપર ફસડાયાં.
નિનિઃ મમ્મી ક્યાં છો?
મમ્મીઃ ક્યાં હોવાની?
નિનિઃ રસોડાંમાં?
મમ્મીઃ ખબર છે મને… લડસા’બ ભૂખ્યાં થયાં હશે!
નિનિ બૂમો પાડીને વાતો કરવાને બદલે મમ્મી હજુ ખીજાઈને જોરથી જવાબ આપે એ પહેલાં જ રસોડાંમાં પહોંચી ગઈ અને મમ્મીને વળગી પડી.
નિનિઃ હાં, મમ્મી ડાર્લિંગ. ભૂખ લાગી છે.
મમ્મીઃ બહુ નખરાં વધી ગયાં છે હો, તારાં આ વેકેશનમાં.
નિનિઃ હાયલ્યા! મેં શું નખરાં કર્યા?
મમ્મીઃ નિનું, અમારા એક મામા હતા. આમ બહુ નજીકનાં સંબંધી નહિં પણ ઘરે આવવા જવાનું ખરૂં. એવો અમને કહેતા રહેતા કે હું તો વેકેશનમાં જ આવનાર વર્ષનું ગણિત અને ભાષા વગેરે જોઈ લેતો. કવિતાઓ તો વેકેશનમાં જ કંઠસ્થ કરી લેવી જોઈએ. એ અમારા મામા એમનાં સરકારી કામગીરી હેઠળ લંડન જઈ આવ્યા હતા. એમની નાતમાં પણ સારી વગ રહેતી. એટલે મમ્મી પણ અમને એમનો દાખલો કાયમ આપતી. આજે તનેય એ મામાની ઓળખાણ આપું!
રસોડાંમાં વાસણો ગોઠવતે નિનિનાં મમ્મીએ વાત શરૂ કરી. નિનિ પણ નાનાં વાસણો એમની સાથે આમતેમ મૂકવા લાગી.
નિનિઃ નાનીબાનાં એ ભાઈ થાય? મમ્મી.
મમ્મીઃ ના, આમ તો સગા ભાઈ નહિં. પણ એ જમાનામાં તો કાકા-મામાનાં ઘરે વેકેશનમાં ખૂબ ધામાં નાખતાં. કોઈ કઝિનનાં મામા કે કાકા હોય તોય એય આપણાંય મામા-કાકા એવો રિવાઝ હતો! અંકલ કહેવાની અમારા જમાનામાં તો સિસ્ટમજ નહોતી ને!
નાકનાં ફોયણાં અને ગાલ ફુલાવતી નિનિ આ બધું સાંભળતે રસોડામાં ગોઠવેલ ડબ્બાઓ ખોલબંધ કરતી હતી.
મમ્મીઃ નિનિ, ખાંખાંખોળા કરમાં.. ખમ જરાવારમાં મમરા વઘારૂં.
નિનિઃ પણ મને બવ…. ભૂખ લાગી…..
નાનીબાઃ શું છે નિન્કું તારે? શેનાં ઉધામા લીધા છે? હું તુલસીક્યારે સંધ્યા ટાણાંનાં દિવા મૂકતી હતી ત્યાં છેક સુધી તારો નખરાળો અવાજ પહોંચ્યો!
નિનિઃ આ તમારી દીકરી જુઓને, એની બેબીને ભૂખી રાખે છે અને વળી વેકેશનમાં લેશન કરવાનું લેક્ચર આપે છે એ એક્સ્ટ્રા!
નિનિનાં મમ્મીએ નાનીબાને નાનપણમાં વેકેશનમાં કાયમ સાંભળેલ બાપુમામાની વાત કહી. નિનિ બહેનપણીઓ સાથે સાયકલ ફેરવીને સીધી આવી રસોડાંમાં એય ઉમેર્યું. નિનિને લાગ્યું કે નાનીબા હવે જબરાં ખીજાશે. એનું તો આવી જ બન્યું. એવમાં નિનિનાં મમ્મીએ મમરા વઘારવાની તૈયારીરૂપે તેલ ગરમ કરવા મૂક્યું અને મમરાની થેલી ખોલીને સાફ કરવા માંડ્યાં.
નાનીબાઃ નિનકા… તને ગેસ ચાલુ કરીને, કડાઈમાં તેલ નાખીને ગરમ કરતાં આવડે?
અચાનક આવો પ્રશ્ન સાંભળીને નિનિ તો ક્ષણીક હતપ્રભ થઈ. પરંતુ તેલ ગરમ કરવાની વાત નાનીબાએ એકદમ ઠંડે સાદે કહ્યું એટલે નિનિને સુરાતન ચડ્યું હોય એમ બોલી.
નિનિઃ નાનીબા મને તો મેગી બનાવતાંય માંડ આવડે છે! પણ મમરા ફેવરીટ બહુ હો…
નાનીબાઃ તો આજે મમરા વઘારવાનું લેશન શીખ. મારું ડાહ્યું નિનું..
નિનિને નાનીબા અને એનાં મમ્મીએ જાણે રસોઈનાં સંસ્કાર આપ્યા હોય એમ એક પછી એક સામગ્રી અને રીત સમજાવતાં ગયાં. અમારા વખતમાં તો ચૂલા – સગડી – પ્રાઈમસ ઉપર કોલસા – છાંણાં – કેરોસીનથી રસોઈ થતી. એ બધી જુનવાણી વાતો નિનિને કહેતાં રહ્યાં. સાથે ટાપસી પૂરાવતી હોય એમ નિનિ માઈક્રોવેવ અને બીજાં કુકિંગ એપ્લાઈન્ઝીસ વિશેય જણાવતી હતી. તળેલ શીંગદાણાં નાખીને ગરમાગરમ વઘારેલ મમરામાં સેવ, સમારેલ કાંદા અને ટોમેટો સોસ નાખીને ત્રણેયનાં બોડીયાં જેવડા મોટા વાટકા ભર્યાં.
મમ્મીઃ નિનિ, તારું પેલું ગીત ગાને.
નિનિઃ કયું?
મમ્મીઃ કાજોલ સાયકલ પર બેસીને ગાતી હતી એ…
મમરાનાં ફાકડા મોંમાં ભરીને નાનીબા, મમ્મી અને નિનિ એ એક સાથે એ ગીત હોલે હોલે ગાવા માંડ્યું.