Name: Pallavi Jeetendra Mistry
E mail: hasyapallav@hotmail.com
તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
ઘણી વાર એવું બનતું હોય છે, કે પત્નીના મૃત્યુ પછી, એના પ્રત્યેના અગાઢ પ્રેમના કારણે ઘણા યુવાન પતિઓ ફરીવાર લગ્ન નથી કરતાં. કોઈવાર પુત્ર કે પુત્રી પ્રત્યેના અપાર પ્રેમને કારણે ઘણા વિધુર પિતાઓ ફરી લગ્ન નથી કરતાં. કુંદનલાલ પણ આવા જ પિતાઓમાંના એક હતાં. પત્નીના મૃત્યુ બાદ એકના એક પુત્ર અનિલને એ સાવકી માના હાથમાં ઉછેરવા નહોતા માગતાં. એટલે યુવાન વયે વિધુર થયા હોવા છતાં, અને વિધુર થયા બાદ પણ ત્રણેક ઘરેથી માંગા આવવા છતાં, એમણે ફરી વાર પરણવાનો ઈન્કાર કર્યો.
એમણે પોતાની તમામ લાગણીઓ અને શક્તિ મા- વિહોણા બાળક અનિલને મોટો કરવામાં લગાડી દીધી. જીવન ધીરે ધીરે રાબેતા મુજબ થાળે પડતું ગયું. પિતા – પુત્રની એક મજાની દુનિયા વસી રહી. અનિલ મોટો થયો, યુવાન થયો, એનું પોતાનું એક લાગણી જગત રચાયું. એમાં એક દિવસ દીપા નામની યુવતિએ પ્રવેશ કર્યો. પિતાને પોતાના મનની તમામ વાતો જણાવતા અનિલે આ વાત પણ એમને જણાવી. આધુનિક વિચાર ધરાવતા કુંદનલાલે અનિલની પસંદગી સહર્ષ મંજુર રાખી, અને દીપા પુત્રવધૂ બનીને એમના ઘરમાં આવી.
વર્ષોથી સ્ત્રી વિહોણા ઘરમાં એક સ્ત્રીના પ્રવેશથી ઘણું બધું બદલાયું. કુંદનલાલ આ બદલાવ માટે બધી રીતે તૈયાર જ હતાં. આમ પણ અનિલની ખુશીથી વધારે મોટી ખુશી એમને મન બીજી કોઈ નહોતી. એટલે એમણે બધું સાહજિકતાથી સ્વીકાર્યું. અનિલની જોબમાં પ્રમોશન થયું, અનિલે સરસ મજાની કાર લીધી, અનીલે સુખ સગવડના બધા લેટેસ્ટ સાધનો ઘરમાં વસાવ્યા. આવા નાના નાના ખુશીના સમાચારો મળતા રહ્યા અને સમય સારી રીતે પસાર થતો રહ્યો. કુંદનલાલે પણ પુત્ર – પુત્રવધૂને સ્વતંત્રપણે સમય માણવા મળી રહે એ રીતે પોતાનું એક અલિપ્ત જીવન ગોઠવી લીધું.
સવારે ઊઠીને પોતાની ચા જાતે બનાવી લેવી, પોતાની રૂમમાં શાંતિપૂર્વક ધ્યાન કરવું. નાહીને મંદિર સુધી આંટો મારી આવવો, વળતાં ઘરે આવતાં દીપાને પૂછીને જોઈતાં શાક ભાજી અને ફળો લેતા આવવું. આવીને દીપા જમવા બોલાવે ત્યાં સુધી સદવાચન કરવું. જમીને થોડીવાર રૂમમાં ટહેલવું. સાંજે બગીચામાં આંટો મારવો અને પોતાની ઉમરના દોસ્તો સાથે ગપસપ કરવી. આવીને અનિલ સાથે થોડી ઘણી વાતોની આપ લે કરવી, સાંજનું હળવું ભોજન લેવું. રૂમમાં આવીને માળા કરવી અને વહેલા સૂઈ જવું. લગભગ આ જ એમનો હંમેશનો જીવન ક્રમ.
વિધુર થયા બાદ આટલા વર્ષોમાં કુંદનલાલને ખુશીના સમાચાર તો ઘણા મળ્યા, પરંતુ અંતરમાં સાચો ઊમળકો જગાવે એવા સમાચાર તો આજે જ મળ્યા, અને તે પૌત્ર જન્મની વધાઈના સમાચાર. ‘મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે’ એ વાત આજ સુધી એમણે માત્ર સાંભળી જ હતી. પણ એ વાત એમણે ત્યારે અનુભવી, જ્યારે પુત્રવધૂ દીપા નાનકડા નિહાલને લઈને હૉસ્પિટલમાંથી ઘરે આવી.
નાનકડા બાળકને રમાડવા આવનાર સૌનો એક સવાલ તો લગભગ કોમન જ હોય છે, ‘બાબો કોના જેવો દેખાય છે?’ ખરી વાત તો એ છે કે તાજું જન્મેલું બાળક ઘણી વાર દર્શનપ્રિય નથી હોતું. પણ ‘વાંદરા જેવો દેખાય છે’ એમ તો કહેવાય નહીં, એટલે મમ્મીના તરફના સગા ‘મમ્મી જેવો’, અને પપ્પાના સગા ‘પપ્પા જેવો’ એવું ગપ્પું મારી મૂકે. અહીં મને એક જોક યાદ આવે છે:
રમેશ: તને જોઈને કોઈ પણ કહી શકે કે આપણા પૂર્વજો વાંદરા હતા.
મહેશ: અને તને જોઈને કોઈ પણ કહી શકે કે માણસ આજે પણ વાંદરો જ છે.
જે હોય તે પણ હવે દાદા બનેલા કુંદનલાલના જીવનક્રમમાં ફેરફાર થયો હતો. રગશિયા ગાડાની જેમ ચાલતા જીવનમાં હવે નિહાલ રૂપી આનંદનો ઉમેરો થયો હતો. નિહાલને નિહાળવામાં એમનો દિવસ ક્યાં પસાર થઈ જતો તે ખબર પણ પડતી નહીં. પણ કહેવત છે ને કે ‘દિવસ પછી રાત આવે છે અને સુખ પછી દુ:ખ આવે છે ‘ કુંદનલાલના જીવનમાં પણ કંઈ આવું જ બનવા માંડ્યું. એમનો આ આનંદ ઝાઝો ટક્યો નહીં. એમાં વિષાદનો ઉમેરો થયો અને વિષાદનું કારણ હતું દીપાઅને અનિલનું વર્તન, કુંદનલાલ સાથેનું નહીં પણ નાનકડા નિહાલ સાથેનું વર્તન.
દીપા અને અનિલનુ નિહાલ સાથેનું એમેચ્યોર વર્તન જોતાં કુંદનલાલને મનોમન થતું, મા-બાપ બનવાના પણ ક્લાસીસ હોવા જોઈએ અને એક્ઝામ પણ હોવી જોઈએ.જે પતિ–પત્ની આ પેરેન્ટ્સહૂડ્ની પરીક્ષામાં પાસ થાય એમને જ મા-બાપ બનવાની પરમિશન આપવી જોઈએ. અને જે લોકો પરમિશન વગર પેરેન્ટ્સ બને એમને ભારે માં ભારે સજાની જોગવાઈ હોવી જોઈએ.’ પણ આ તો થયાં કુંદનલાલનાં વિચારો. દીપા – અનિલને જ્યારે જ્યારે એમણે આ સમજાવવાની કોશિશ કરી ત્યારે ત્યારે અનિલે સંભળાવ્યું, ‘પપ્પા, તમે મને ઉછેર્યો એ વાત બરાબર. પણ ત્યારે જમાનો જુદો હતો અને હવે જમાનો જુદો છે. તમને આજના જમાનાની શું ખબર?’ કુંદનલાલ કંઈ વધુ કહેવા ગયા તો અનિલે કહી દીધું, ‘પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં’ અને કુંદનલાલ ચુપ થઈ ગયાં.
નિહાલની પ્રથમ વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઊજવી. મોંઘામાંનો બેંક્વેટ હોલ ભાડે રાખ્યો. મોડર્ન ટાઈપનું ડેકોરેશન, જાતજાતની વાનગીઓ વાળી મોંઘી ડીશનું આયોજન, ડી. જે. નું લાઉડ સંગીત. બધાં આમંત્રિત મહેમાનોએ દીપા અનિલની વાહ વાહ બોલાવી. અને જેનું ફંક્શન હતું એ નિહાલ? આ ભીડ અને ઘોંઘાટ્થી ડરીને, ગભરાઈને ખુબ રડ્યો. કુંદનલાલની કેટલી કાકલૂદી પછી દીપા અનિલે નિહાલને ઘરે લઈ જવાની રજા આપી. કુંદનલાલ એને ઘરે લઈ આવ્યા. મહેમાનોને વળાવીને દીપા અનિલ મોડેથી ઘરે આવ્યા ત્યારે નિહાલ દાદાની નિશ્રામાં શાંતિથી સૂઈ ગયો હતો.
બીજા દિવસે અનિલને જુદી જુદી સ્કુલોના ફોર્મ ભરતો જોઈને કુંદનલાલે એને પૂછ્યું, ‘શેના ફોર્મ્સ ભરી રહ્યો છે, બેટા?’ ત્યારે અનિલે એમને કહ્યું, ‘નિહાલને માટે સ્કુલ એડમિશનના ફોર્સ ભરી રહ્યો છું, પપ્પા’
‘અત્યારથી?’ કુંદનલાલે આશ્ચર્યથી પૂછ્યું.
‘પપ્પા, આપણે તો ઘણા મોડાં છીએ. મારા ફ્રેન્ડ દીપેને તો જે દિવસે એને ત્યાં બેબી આવી એ જ દિવસે જુદી જુદી ચાર સ્કુલોમાં ફોર્મ્સ ભરી દીધા હતાં’
‘ઓહ! મને લાગે છે કે એક જમાનો એવો પણ આવશે જ્યારે બાળકનો જન્મ થવાનો હશે એ પહેલાં જ સ્કુલોમાં ફોર્મ્સ ભરવાં પડશે.’ કુંદનલાલે નિસાસો નાખતાં કહ્યું અને પછી ઉમેર્યું, ‘અમારા જમાનામાં તો ૬ થી ૭ વર્ષે બાળકને સ્કુલમાં દાખલ કરતાં’
‘એ જમાનો ગયો, પપ્પા. હવે જો એવું કરવા જઈએ તો આપણું બાળક પછાત જ રહી જાય.’ અનિલ બોલ્યો.
દીપા અને અનિલે ફોન પર વાતો કરી કરી ને અને જાતે પણ દોડાદોડી કરીને, ભારે ડોનેશન આપીને, નિહાલને ઘરથી આઠ કીલોમીટર દૂર આવેલા કોઈ પ્લે ગૃપમાં દાખલ કર્યો. કુંદનલાલે દીપા અનિલને ઘણું વાર્યા, ‘આટલા નાના બાળકને બોલવા ચાલવા અને કુદરતી હાજતનું ભાન ન હોય એને શા માટે સ્કુલમાં દાખલ કરો છો? એને બેઝિક જ્ઞાન આપણે જાતે જ ઘરે ન આપી શકીએ? ‘પણ નિહાલને શહેરની નંબર વન ફેમસ સ્કુલમાં એડમિશન મળવાથી હરખ પદૂડાં થયેલાં દીપા અનિલ બોલ્યા, ‘તમને આમાં કંઈ ખબર ન પડે, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.’ અને કુંદનલાલ ચુપચાપ જુની આંખે નવો તમાશો જોઈ રહ્યા. સવાર સવારમાં અર્ધી ઊંઘેથી ઊઠીને આંખો ચોળતો કે ક્યારેક રડતો રડતો નિહાલ સ્કુલમાં જતો અને કુંદનલાલ આંખો બંધ કરી નિસાસો નાંખતા, તો દીપા બોલતી, ‘હાશ ! હવે બે કલાક હું છુટ્ટી !’
પછી તો નિહાલ નર્સરીમાં આવ્યો, જુનિયર કે.જી. અને પછી સિનિયર કે.જી. દીપા અને અનિલ તો એમની આ નિહાલ નામની પ્રોપર્ટીના સમગ્ર વ્યક્તિ વિકાસના પ્રોજેક્ટમાં આદુ ખાઈને, ના ના આદુ નહીં – પીઝા ખાઈને મંડી પડ્યા હતાં. કોઈ પણ મહેમાન ઘરમાં આવે એટલે, ‘નિહાલ બેટા, અંકલને બા બા બ્લેકશીપ સંભળાવો, A B C D , 1 2 3 4 , બોલી બતાવો, ડાન્સ કરી બતાવો, આંટીને તારા ડ્રોઈંગ્સ દેખાડો.’ શરૂઆતમાં તો નિહાલ આનાકાની પણ કરતો. પણ પછી મમ્મીની ધાક ધમકીથી ચાવી દીધેલાં રમકડાંની જેમ શરૂ થઈ જતો. કુંદનલાલ વ્યથિત હૃદયે આ તમાશો જોતાં અને ન સહેવાય ત્યારે રૂમમાં જઈ પોતાની જાતને બંધ કરી લેતાં.
નિહાલ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ દીપા અનિલની એની પાસેથી ભણતરમાં Grade ની અપેક્ષા વધતી જ ગઈ. નિહાલ પણ એમને ખુશ રાખવા પોતાની મરજી વિરુધ્ધ જઈને પણ ખુબ મહેનત કરતો. દીપા અનિલ કહેતાં, ‘અમારો નિહાલ બહુ જ બ્રિલિયન્ટ અને ઈંટેલીજન્ટ છે. અમારે એને ડૉક્ટર જ બનાવવો છે.’ કુંદનલાલ આ સાંભળતાં ત્યારે મનોમન કહેતાં, ‘હા, તમારે મન તો નિહાલ તમારી માલિકીની એક ચીજ જ છે ને. જેમ બીજા લોકો નક્કી કરે કે અમારે ફર્નિચર તો સાગના લાકડાનું જ બનાવવું છે, એમ તમે લોકે નક્કી કર્યું કે અમારે નિહાલને તો ડૉક્ટર જ બનાવવો છે, કદી એની મરજી પૂછી છે?’ પણ તેઓ ચુપ જ રહેતાં, કારણકે એમને ખબર હતી કે પોતે કશું પણ કહેવા જશે તો દીપા અનિલ એમને આ જ કહેવાના, ‘પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં’
નિહાલનું બાળપણ ભણતરના બોજ સાથે પત્યું. એની ઉંમરના અન્ય બાળકો રમતાં હોય, ફરતાં હોય, મોજ મસ્તી કરતાં હોય, ત્યારે આપણો ભાવિ ડૉક્ટર નિહાલ સાયન્સ અને મેથ્સ ના સર સાથે માથાં ખપાવતો હોય. અનિલને એના બીઝનેસ અને દીપાને એની ક્લબ – કીટી પાર્ટીઓ, સોશીયલ એક્ટીવીટીમાંથી નિહાલ માટે સમય ન બચતો. પણ નિહાલ માટે એમણે જડબે સલાક ટ્યુશનો ગોઠવી દીધા હતાં.કુંદનલાલે એક બે વાર બન્નેને કહ્યું પણ ખરું, ‘ભગવાને આવો સારો દીકરો આપ્યો છે, તો થોડો સમય એની સાથે પણ વીતાવો’ પણ દીપા અનિલનું તો એક જ બ્રહ્મવાક્ય, ’તમે તો કશું બોલશો જ નહી, પપ્પા.’
કુંદનલાલને એક વ્યાખ્યાનમાં સાંભળેલી વાત યાદ આવતી, :
‘અત્યંત ધનવાન રોશનશેઠ માંદા પડ્યા, અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. સરસ મજાની ફાઈવસ્ટર હોસ્પિટલ હતી. નીટ એન્ડ ક્લીન રુમ, અને ફ્લાવર વોઝમાં સજાવેલાં ફુલોથી સુગંધીદાર રૂમ. એકદમ ડીસન્ટ ડૉક્ટર્સ અને સુંદર યુવાન નર્સો. જે કોઈ ખબર કાઢવા આવતું તે આ બધું જોઈને દંગ રહી જતું. ત્યાં એક દિવસ રોશનશેઠના બાળપણના દોસ્ત રસિકભાઈ મળવા આવ્યા, બોલ્યા, ‘વાહ રે ભેરુ, શું ઠાઠ છે તારો? કહેવું પડે ભાઈ.‘ અને આંખમાં પાણી સાથે રોશનશેઠે રસિકભાઈ ને મનની વાત કહી જ દીધી, ‘રસિક, આ હોસ્પિટલ સરસ છે, સ્ટાફ પણ ખુબ વિવેકી છે, બધું જ સરસ છે, પણ મને અહીં એકલતા લાગે છે. તું મારા પુત્ર સાહિલને કહે ને કે એ દર રોજ થોડો સમય કાઢીને મારી પાસે અર્ધો કલાક બેસે.’
‘જરૂર કહીશ,’ રસિકભાઈએ પોતાના દોસ્ત રોશનશેઠને સાંત્વન આપ્યું. જ્યારે રસિકભાઈએ સાહિલને આ વાત કહી ત્યારે સાહિલે માત્ર એમને આટલું જ કહ્યું, ‘ રસિક અંકલ, હું જ્યારે નાનો હતો, ત્યારે મને પપ્પાના સાથની ખુબ જરૂરત હતી. ત્યારે પપ્પાને મારા માટે સમય નહોતો, હવે મારી પાસે પપ્પા માટે સમય નથી, . હિસાબ એકદમ ચોખ્ખો છે. એમણે નાનપણમાં મને આયા વડે ઊછેર્યો, હવે હું એમને ઘડપણમાં નર્સ વડે સાચવું. માટે તમે પાસે બેસવાની વાત ન કરશો, એ સિવાય કહો તે કરવા તૈયાર છું’
નિહાલને લઈને કુંદનલાલના મગજમાં સેંકડો વિચારો આવતાં અને શમી જતાં હતાં. કેમ કે એમને ઘરમાં બોલવાની સ્વતંત્રતા નહોતી. નિહાલ બારમામાં આવ્યો અને ઘરમાં જાણે ‘બોર્ડની એક્ઝામ’ નામનું સુનામી વાવાઝોડું આવ્યું. સુનામી તો થોડા સમયમાં શમી ગયું હતું, પણ આ વાવાઝોડું તો આખું વર્ષ ચાલ્યું. દીપા અનિલ તરફથી ઘરમાં ટી.વી., રેડિયો,વીડીયો અરે મોટેથી બોલવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી. નિહાલને વાંચવામાં ડીસ્ટર્બ ન થવું જોઈએ. નિહાલને ખાવામાં પણ રીસ્ટ્રીક્શન લાદવામાં આવ્યું. બહારનું નહીં ખાવાનું – તબિયત બગડે, ભાત નહીં ખાવાના – ઊંઘ આવે, કોઈના ઘરે કે પાર્ટીમાં નહીં જવાનું – ટાઈમ બગડે. બસ – વાંચો વાંચો અને વાંચો જ. આ બધી પાબંદીઓથી નિહાલ અંદરથી સખત રીતે ત્રાસી ગયો હતો, પણ મમ્મી – પપ્પા આગળ.. No Arguments. કુંદનલાલ તો બિચારા બને ત્યાં સુધી પોતાની રૂમમાં જ પૂરાઈ રહેતાં. સાંજે ગાર્ડનમાં જતાં તે રાત્રે જ ઘરે આવતાં.
એમ ને એમ પરીક્ષાઓ આવી અને પતી પણ ગઈ. નિહાલની સાથે સાથે કુંદનલલને પણ હાશ થઈ. પણ દીપા અનિલ? ‘જોઈએ રીઝલ્ટ કેવું આવે છે’ કહીને નિરાંતની અને આનંદની પળોને પણ ચૂંથી કાઢતાં. એક દિવસ આવ્યો જ્યારે રીઝલ્ટ હતું. દીપા અનિલ ખુબ જ ટેંશનમાં હતાં. બન્નેના હાર્ટબીટ્સ માપો તો એબનોર્મલ આવે અને બ્લડપ્રેશર માપો તો હાઈ આવે. સમય થયો એટલે નિહાલ સ્કુલમાં રીઝલ્ટ લેવા ગયો. કુંદનલાલ નિહાલને ગીફ્ટ આપવા એનો ફેવરીટ પિયાનો લેવા ગયાં. આવીને એમને પિયાનો પલંગ નીચે છુપાવી દીધો કે જેથી નિહાલને સરપ્રાઈઝ આપી શકે. પિયાનો જોઈને નિહાલ કેવો ખુશ થશે એ વિચારે કુંદનલાલના હોઠ પર સ્મિત આવી ગયું.
નિહાલ રીઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો સાવ ઊતરી ગયો હતો.ધાર્યા હતા ૯૦% અને આવ્યા ૬૫%. દીપા અનિલના તો જાણે બારે વહાણ ડૂબી ગયાં.ઘરમાં કોઈ સ્વજનનાં મૃત્યુ જેવું વાતાવરણ છવાઈ ગયું. નિહાલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કુંદનલાલે એને બાથમાં લઈને સાંત્વન આપ્યું. નિહાલ બોલ્યો, ‘દાદાજી, હવે મને મેડિકલમાં એડમિશન નહીં મળે.’ કુંદનલાલે એના માથે હાથ ફેરવતાંકહ્યું, ‘કંઈ નહીં બેટા, એ સિવાય પણ કેરિયર બનાવવા માટે ઘણી લાઈનો છે.’
આ સાંભળીને દીપા અનિલ બન્ને ઊકળી ઊઠ્યા, ‘તમારા લાડ પ્યારે જ એને બગાડ્યો છે. પપ્પા, આટલા ટકાએ તો એને આર્ટ્સમાંય એડમિશન નહીં મળે.’ ‘પણ અત્યારે તમે લોકો...’ કુંદનલાલ દીપા અનિલને કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ બન્ને બોલી ઊઠ્યા, ‘તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.’ આ સાંભળીને નિહાલ આંસુ લૂછતો પોતાની રૂમમાં જતો રહ્યો અને કુંદનલાલ ભગ્ન હ્રદયે પોતાની રૂમમાં જતાં રહ્યાં. અનિલ ઓફિસ ચાલ્યો ગયો અને ખાવાનું પણ રઝળી પડ્યું.
સાંજે દીપાએ કુંદનલાલને સાદ પાડીને બોલાવ્યા ત્યારે જ એ રૂમની બહાર આવ્યા. દીપાએ કહ્યું, ‘જુઓને પપ્પા, ક્યારની બોલાવું છું પણ નિહાલ જવાબ જ નથી આપતો. કેટલા બારણા ખખડાવ્યાં પણ દરવાજો જ નથી ખોલતો. આ સાંભળતાં જ કુંદનલાલને ધ્રાસ્કો પડ્યો. એમણે પણ નિહાલને જોર જોરથી બૂમો પાડી, બારણાં ખખડાવ્યાં પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. છેવટે અનિલને ઓફિસેથી બોલાવ્યો. એણે બારણાને ખુબ જોરથી ધક્કો માર્યો, આગળો તૂટી ગયો અને બારણા ખુલી ગયાં.
નિહાલની લાશ રૂમના પંખા પર લટકતી હતી. નિહાલને ભલે મેડિકલમાં એડમિશન ન મળ્યું પણ એણે તો સ્વર્ગની લાઈન પકડી લીધી હતી, હવે એના મમ્મી પપ્પાને એના એડમીશનનું કોઈ ટેન્શન નહોતું. દીપા અનિલ તો નિહાલની લાશ જોઈ ફસડાઈ પડ્યા અને આક્રંદ કરવા લાગ્યા.કુંદનલાલ એમની રૂમમાં જઈને પિયાનો લઈ આવ્યા, એમની આંખોમાંથી ટપકેલાં આંસુથી ગીફ્ટ પેપરનો લાલ રંગ રેલાઈ રહ્યો જે એમની આંખોમાં ફેલાઈ રહ્યો. એ ચિત્તભ્રમની દશામાં બબડ્યાં,’ જુઓ દીપા – અનિલ, તમારો ભાવિ ડૉક્ટર દીકરો કેવો શાંતિથી સૂતો છે. હવે તમને એનું કોઈ ટેંશન નથી.’ આ વખતે બે માંથી કોઈ બોલ્યું નહીં, ‘પપ્પા,તમે તો કશું બોલશો જ નહીં.’
(સંતાનોની કેરિયર માટે એમની પાછળ આદુ ખાઈને મચી પડતાં મા–બાપો ને આ લેખ એક ખાસ ભેટરૂપે)
Name: Pallavi Jeetendra Mistry
E mail: hasyapallav@hotmail.com