અંજામ—૩૨
( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- બાપુનાં ફાર્મહાઉસનાં ડ્રોઇંગ-રૂમમાં અચાનક ધમાચકડી મચી જાય છે. કોઇ કંઇ સમજે એ પહેલા રેવા વીજય ઉપર જમ્પ મારી દે છે...જ્યારે બીજીબાજુ પહાડ જેવો વીરજી ગેહલોત ઉપર ખાબકી પડે છે. એ હડબડાહટમાં ગેહલોતની ગનમાંથી ગોળી વછૂટીને બાપુના પગના પહોંચામાં વાગી જાય છે...હવે આગળ વાંચો..)
પરિસ્થિતી પળે-પળે ગંભીર રુપ ધારણ કરી રહી હતી. બે ખૂંનખાર જીવ આપસમાં જીવન-મરણની બાજી ખેલી રહ્યા હતા. કોણ કોને માત આપશે એ નક્કી થતું ન હતું. ઘડીભરમાં વીજયનું પલડુ ભારે થતું હતુ તો ઘડીકમાં એવું લાગતુ હતુ કે રેવા વીજયને માત કરી નાંખશે....વીજયના આખા શરીરે ઠેક-ઠેકાણે રેવાએ તેના પંજાના અણીદાર નખ માર્યા હતા. ખાસ તો તેની છાતી અને બાંહો ઉપર ભયંકર ઉઝરડા પડયા હતા. એ ઉઝરડામાંથી લોહી ઝમતુ હતુ જેના કારણે વીજયનો દેખાવ ભયંકર લાગતો હતો. જાણે કોઇકે હાથમાં બ્લેડ પકડી વીજયના શરીર ઉપર આડા-ઉભા વાર કરી ઘસરકા પાડયા હોય એવો દિદાર થયો હતો. મહા-મુસીબતે વીજય રેવાના પંજાને પોતાના મોંઢાથી દુર રાખી રહયો હતો નહિતર તેના મોંઢે પણ રેવાએ બાચકા ભર્યા હોત....તેમ છતા રેવાએ હજુ પણ વીજયનો જમણો હાથ તેના મોંઢામાંથી છુટ્ટો કર્યો નહોતો. ઉલટાનો તે તેના જડબાની ભીંસ વધાર્યે જતો હતો જેના લીધે વીજયના હાથમાં ઉંડે સુધી તેના અણીયાળા દાંત ખૂંપી ગયા હતા. વીજયને એ હાથમાં લ્હાય બળતી હતી..... જાણે કોઇએ બળ કરીને હાથમાં લોંખડના ખીલા ઠોકી દીધા હોય અને પછી એ ખીલાને ભારે બેરહમીથી ખેંચવામાં આવ્યા હોય ત્યારે જે હદય વલોવી નાંખે એવી પીડા ઉદ્દભવે એવી જ પીડા અત્યારે વીજયને થતી હતી. રેવાની નાગચૂડમાંથી બચવા તે પોતાના હાથની ભીંસ રેવાના ગળા પર વધાર્યે જતો હતો.... આ સમયે જો કોઇએ તેમને જોયા હોત તો એ પણ શ્વાસ થંભાવીને બે-ઘડી સ્તબ્ધ બની જાત..
ગેહલોતનો શ્વાસ મુંઝાવા લાગ્યો. બે ટનનો ભારેખમ પથ્થર તેના ઉપર પડયો હતો અને તેના શ્વાસોશ્વાસને અવરોધી રહયો હતો....કેમેય કરીને વીરજીના શરીર નીચેથી તે ચસકી શકતો નહોતો. વીરજીએ અજબ દાવ ખેલ્યો હતો. દુરથી જ તેણે ગેહલોતના હાથમાં ગન હતી એ નીચેની તરફ ઝુકતા જોઇ હતી એટલે તેણે ગેહલોત સાથે હાથો-હાથની લડાઇમાં ઉતરવા કરતા પોતાના ભારેખમ શરીરને ઉપયોગમાં લેવાનું વધારે મુનાસીબ માન્યુ હતુ. તે ભંયકર વેગે દોડયો અને કંઇપણ વિચાર્યા વગર પોતાના શરીરને તેણે ગેહલોત ઉપર રીતસરનું ફંગોળ્યુ જ હતું.....થોડીજ વારમાં તે ગેહલોત ઉપર છવાઇ ગયો હતો અને અત્યારે દાંત ભીંસીને તે ગેહલોતના શરીરને જાણે પીસી નાંખવા માંગતો હોય એમ જોર કરી રહયો હતો....તેના વજનથી ગેહલોતની છાતી જાણે ફાટી પડવા આવી હોય એમ ભીંસાઇ રહી હતી. તેના ફેફસાને કોઇક સાણસામાં પકડી ને દબાવી રહયુ હોય અને જાણે ફેફસા છાતી ચીરીને હમણા બહાર નીકળી પડશે એમ તેને લાગતુ માંડયુ હતુ.....વીરજીના ધક્કાથી તેના હાથમાં હતી એ ગન ઉછળીને દુર કયાંક પડી હતી.....તેના બંને હાથ ખુલ્લા હતા અને એ હાથેથી તે વીરજીના બંને ખભા પકડી તેને પોતાના ઉપરથી ઉંચો કરવાની ભરપુર કોશીષ કરી રહયો હતો પરંતુ વીરજીની ભારેખમ કાયા સહેજે હલતી નહોતી......ગેહલોતનો શ્વાસ ગુંગળાતો હતો. ફેફસા ઉપર આવેલા દબાણના કારણે તે પુરેપુરો શ્વાસ પણ લઇ શકતા નહોતો.....ગણતરીની મીનીટોમાં તે મોતના દરવાજે દસ્તક દેવા માંડયો હતો. બે-પાંચ મીનીટ વધુ.....અને તે મરી જવાનો હતો. એક પ્રાણી સહજ જીજીવીષાથી જ તે વીરજી સામે ઝઝૂમી રહયો હતો...તેના શ્વાસ ધીમે-ધીમે ડૂકતા જતા હતા. તેની છતીમાં ભયંકર મુંઝારો થતો હતો.....આંખોમાંથી પાણી નીકળી ગાલ ઉપર વહી રહયા હતા.... શરીરમાં દોડતું બધુ લોહી જાણે તેના ચહેરા તરફ ગતી કરતું હોય એમ ગેહલોતનો કથ્થઇ ચહેરો લાલઘુમ થઇ ઉઠયો હતો.... બંને હાથે વીરજીના ખભા ઉંચકવાનું બળ કરી-કરીને તે થાકી ચુક્યો હતો પરંતુ કુસ્તી ના મેદાનમાં એક પહેલવાન બીજા પહેલવાને પછાડીને તેની ઉપર સવાર થઇ પોતાના શરીરથી ભરડો લઇ લે એમ વીરજીએ ગેહલોતના શરીર ઉપર અજગર ભરડો લીધો હતો. તે જાણે દબાવીને જ ગેહલોતને મારી નાંખવા માંગતો હોય એમ પોતાના શરીરની સમગ્ર તાકાત નીચોવીને બળ કરી રહયો હતો.....
ગેહલોતના ગળામાંથી “ ઘ...ર...ર...ઘ....ર...ર....” એવો અવાજ નીકળતો હતો. પોતાનું મોત તેને ખુદની નજરો સમક્ષ નાંચતુ દેખાતુ હતુ....આખરી ઉપાય તરીકે તેણે પોતાના જમણા પગને ગોઠણેથી થોડોક વાળ્યો અને વીરજીના પેઢુમાં ભરાવ્યો સાથે જ તેણે જોર કરીને પડખુ ફરવાની કોશીષ કરી....તેનાથી વીરજીનું સંતુલન થોડુક ખોરવાયું અને તે ગેહલોતની ડાબી તરફ થોડો ઢળકયો....બસ, આ જ મોકો હતો જેમાં ગેહલોત પોતાનો દાવ ખેલી શકે. અત્યારે નહી તો કયારેય નહી એવી પરિસ્થિતી સર્જાઇ હતી અને ગેહલોતે સહેજે ભુલ ન કરી....પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી તેણે એક જોરદાર ઝટકો શરીરને આપ્યો અને તે ડાબી તરફ પડખું ફર્યો.....એ સાથે જ તેણે વીરજીના બંને ખભા નીચે ભરાવેલા પોતાના હાથ બહાર કાઢયા અને બંને હાથે તેણે વીરજીના બે કાન પકડી ભારે ઝનુનપુર્વક આમળી નાંખ્યા.....રાડ ફાટી પડી વીરજીના મોંઢામાંથી.... કોઇએ તેના કાન ચહેરા પરથી સમૂળગા ઉખડી નાંખ્યા હોય એવી પીડા તેને થઇ અને એક ઝટકા સાથે તેણે ગેહલોતના શરીર ઉપર પોતાની પકડ ઢીલી કરી....માથુ ઝટકાવી વીરજીએ ગેહલોતના હાથ કાન ઉપર થી છોડાવવા મથામણ કરી પરંતુ ગેહલોતે એટલી જોરથી દબાવીને તેના કાન પકડયા હતા કે વીરજી જેવા ખડતલ માણસને પણ આંખે અંધારા આવી ગયા હતા....એ દરમ્યાન જ ગેહલોતે સુતા-સુતા જ વીરજીના પેઢુમાં કસ-કસાવીને લાત ઠપકારી....પ્રહાર એટલો જોરદાર હતો કે બે-ક્ષણ માટે વીરજી બેવડ વળી ગયો. દર્દના બેવડા આઘાતથી આપો-આપ તેની આંખો માં આંસુ ઉભરાઇ આવ્યા....આજ દિન સુધી તેણે કયારેય કોઇના હાથનો માર નહોતો ખાધો. હંમેશા તેણે લોકોને ઠમઠોર્યા જ હતા. આજે પહેલો એવો મોકો હતો કે તે પોતે રક્ષણાત્મક સ્થિતીમાં આવ્યો હતો અને તેની સામે ઉભેલો પાંત્રીસ વર્ષનો એક યુવાન અફસર તેને ભારે પડી રહયો હતો.....તેને જેટલુ વાગ્યુ હતુ એના કરતા પણ વધુ પીડા તેને એ વાતની થતી હતી કે કોઇ તેના પર પણ હાવી થઇ શકે છે.....! તેનું ચાલ્યુ હોત તો તેણે અત્યારે જ ગેહલોતને કાચો ચાવી નાંખ્યો હોત.
પણ ગેહલોત હવે ભુલ કરે એ વાતમાં માલ નહોતો. મોતના દરવાજે દસ્તક દઇને તે બહાર નીકળ્યો હતો. તે જાણતો હતો કે જો હવે વીરજીને એકપણ મોકો મળશે તો પછી તેનો ખેલ ખલાસ થઇ જશે.....અને એટલે જ તે ભારે ઝનૂનપૂર્વક વીરજીના કાન આમળી રહયો હતો અને સાથો-સાથ પગ ઉછાળીને તેના પેટમાં પ્રહાર કરતો હતો...“ આહ.....” ફરીવાર ચીખ્યો વીરજી. ગેહલોતે તેના નખ વીરજીના કાની પાછળના ભાગે ખૂંતાવ્યા. ત્યાંથી લોહીની સરવાણી ફૂટી.....લોહી રગડીને વીરજીની ગરદન ઉપર ફેલાયુ એ સાથે જ ગેહલોતે એ કર્યુ જેની કલ્પના તેણે પોતે પણ નહોતી કરી...કાન પકડીને તેણે વીરજીને નજીક ખેંચ્યો...જેવુ વીરજીનું માથુ તેના મોઢા નજીક આવ્યુ કે તેણે ભોલર મરચા જેવા વીરજીના મોટા નાકને પોતાના મોઢામાં લઇને જોરદાર બટકું ભર્યુ...ગેહલોતના તીખા અણીયાળા દાંત વીરજીના મોટા નાક ઉપર કોઇ જંગી કરવતની જેમ ખૂપ્યા...ઝનૂનની એ પરાકાષ્ઠા હતી. આવુ આજસુધી કોઇએ વિચાર્યુ પણ નહી હોય. ગેહલોતને જાણે હિસ્ટિરીયા ઉપડયો હોય એમ તેણે વીરજીનું નાક કરડી ખાધુ હતું...વીરજી ભયાનક દર્દના મહાસાગરમાં ડૂબી રહ્યો હતો. તેના હાથ અને પગ બન્ને છૂટા હતા તેમછતા તે નીઃસહાય બની ગયો હતો કારણકે તે સ્વ-બચાવમાં સહેજ પણ હલતો એ સાથેજ ભયાનક દર્દનું એક લખલખું તેના શરીરમાંથી પસાર થઇ જતું હતુ...ગેહલોત જાણે પાગલ થઇ ગયો હોય એમ વીરજીના કાન અને નાકને નાંખોચી રહયો હતો. તેના મોઢામાં વીરજીનું નાક હતુ અને હવે દાંત ખૂંપવાથી તેમાથી લોહી નિગળવાનું શરુ થયુ હતું...તેના મોઢામાં લોહીની ખારાશ છવાણી..બે ખૂંખાર માણસો જાણે આપસમાં દુનિયાના અંત સુધી લડવા માંગતા હોય તેમ ભયાનક રીતે ઉલઝી પડયા હતા.
બાપુ અને વીરા બન્નેએ આ લોહીયાળ રમત નિહાળી હતી. એક તરફ વીજય અને રેવા લડી રહયા હતા તો બીજી બાજુ ગેહલોત અને વીરજી જીવન-મરણનો જંગ ખેલી રહયા હતા. એ લડાઇ જોઇને તેમના જેવા કઠણ હદયના માણસો પણ સ્તબ્ધ બની ગયા હતા. આવી પરિસ્થિતીમાં શું કરી શકાય એ ગતાગમ તેમને પડતી નહોતી....સેકન્ડો એ સ્તબ્ધતામાં વીતી અને આખરે બાપુને અચાનક ભાન થયું કે તેમણે કઇંકતો કરવું જોઇએ...તેમણે વીરા સામું જોયુ અને ઇશારાથી કશુંક કહ્યું...વીરા એ ઇશારો સમજ્યો અને ઉભો થઇ વીરજી અને ગેહલોતની દિશામાં ચાલ્યો...ગેહલોત અને વીરજી ભયંકર રીતે આપસમાં ઉલઝી આળોટી રહયા હતા...વીરાએ નજીક જઇ તેમને જોયા અને તેને વીરજીની સ્થિતી જોઇ અરેરાટી ઉપજી.
બાપુથી ખરેખર ઉભા થવાય તેમ નહોતું. તેમના પગનો પંજો કઇંક વિચિત્ર રીતે ભાંગ્યો હતો. ગેહલોતની એક જ ગોળી તેમના માટે પ્રાણઘાતક નીવડી હતી. પંજાના હાડકામાં મલ્ટીપલ ફ્રેકચર થયું હતું જેના કારણે તેઓ ઉભા પણ થઇ શકવાની સ્થિતીમાં નહોતા. નિઃસહાય દ્રષ્ટીએ પોતાના આલીશાન ડ્રોઇંગરુમના સોફામાં પડયા-પડયા સામે ચાલી રહેલી જીવ સટોસટની જંગ નીહાળી રહયાં હતા.
વીરા સૌથી પહેલા ગેહલોત ઉપર નમ્યો અને તેની બંધ મુઠ્ઠીઓ ઉપર પોતાનો હાથ ભીડાવ્યો. પછી જોર કરીને ગેહલોતના હાથને વીરજીના કાનેથી દુર કરવાની કોશીશ કરી....તેની એ ચેષ્ટાથી વીરજીના કાન ભયંકર રીતે ખેંચાયા અને તેના મોઢામાંથી “ બ્ર....બ્ર....બ્ર....” જેવા વિચિત્ર ઉદગારો નિકળ્યા. પણ વીરા એટલેથી રોકાયો નહી...તેનામાં તાકાતની કોઇ કમી નહોતી. બળ કરીને તેણે ગેહલોતના હાથોમાંથી વીરજીના કાન છોડાવ્યા અને તેને પાછળ બાજુ ખેંચ્યો...કઇંક વીચીત્ર સ્થિતીમાં ગેહલોત વીરજી સાથે જોડાયેલો રહયો. વીરા તેના હાથ પકડીને તેને પાછળ ખેંચી રહયો હતો અને વીરજીનું નાક હજુ પણ ગેહલોતના મોં માં જ હતુ...ધ્રુણા ઉપજે એવું એ દ્રશ્ય હતુ છતા એ દ્રશ્ય ત્યા ભજવાઇ રહ્યુ હતુ. ચંદ મીનીટો એ જ સ્થિતીમાં વીતી.....અને અચાનક ગેહલોતને ઉબકો આવ્યો...પરિસ્થિતીનું ભાન થતાજ તેને હકીકત સમજાઇ હતી અને તેના મોંમાં ફેલાયેલા વીરજીના લોહીને કારણે તેને ઉલટી જેવુ થયું...તેને વીરજીનુ નાક છોડી દીધું...એ સાથેજ તે પાછળ તરફ ધકેલાયો. આ એક સહજ પ્રતિક્રિયા હતી પરંતુ તે વીરા ઉપર ખાબક્યો હતો....કઇંપણ વિચાર્યા વગર તે ઝડપથી વીરા તરફ ફર્યો અને ભારે જનૂન-પૂર્વક પોતાનું માથું તેણે વીરાના મોઢા ઉપર દઇ માર્યુ...અચાનક થયેલા હલ્લાથી વીરા હડબડાયો અને તેના હાથમાંથી ગેહલોતના હાથ છુટી ગયા...ગેહલોતે સહેજે ચૂક ન કરી...તેણે પગ ઉઠાવ્યો અને વીરાના મર્મ-સ્થળ ઉપર જોરથી પ્રહાર કર્યો.....” ઓ માં રે....” કહેતો વીરા પોતાના મર્મ ભાગને બે હાથે દબાવતો ત્યાં જ બેસી પડયો....ગેહલોત સરખો ઉભો થયો અને સૌથી પહેલા પોતાની ગન તેણે શોધી લીધી.
“ સબૂર....જ્યાં છો ત્યાં જ રહેજો નહીતર એક-એકને ભૂંજી નાખીશ....” તદ્દન ફિલ્મી સ્ટાઇલમાં તે બોલ્યો. તેનો દેખાવ ભયાનક લાગતો હતો. તેના મોંમાંથી લોહી નિગળીને દાઢી ઉપર રેળાતું હતુ....વીરજીના ભાર તળે દટાવાથી તેની પાંસળીઓમાં દુખાવો ઉઠતો હતો...માંડ-માંડ તે પોતાના પગ ઉપર ઉભો રહી શકતો હતો....પણ ગન હાથમાં આવવાથી તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો અને નવું જીવન મળ્યુ હોય એમ તે ટટ્ટાર ઉભો રહયો. તેણે કમરામાં નજર ઘુમાવી....વીરજી લોહી-લુહાણ હાલતમાં ફર્શ ઉપર આળોટી રહયો હતો. તે કદાચ શારીરીક અને માનસીક બન્ને રીતે ભાંગી ચૂકયો હતો..તેની બાજુમાં વીરા પોતાના બન્ને હાથોને પોતાનાજ પગ વચાળે દબાવી ગુંડલુ વળી અધૂકડો બેઠો હતો. તેની આંખોમા આપો-આપ આંસુ ઉભરાતા હતા...બીજી બાજુ રૂમની વચાળે પથરાયેલા સોફા ઉપર બાપુ કરાહતા પડયા હતા. તેમના ડાબા પગમાં હવે કદાચ જીંદગીભરની ખોડ રહેવાની હતી. તેમની હાલત શ્વણે-શ્વણ બગડતી જતી હતી...સૌથી ખતરનાક દ્રશ્ય તો સામેના સોફામાં ભજવાયુ હતું જ્યાં વીજય અને રેવા જીવ સટો-સટીનો જંગ ખેલી રહયા હતા.
ગેહલોતે વીજય તરફ નજર કરી અને તે સ્તબ્ધ બનીને જોઇ રહયો. તેને અહીથી વીજયની પીઠ દેખાતી હતી. તેના બન્ને પગ વચાળે રેવા દબાઇને પડયો હતો અને વીજય ભારે ઝનૂનથી તેનો ટોટો પીસી રહયો હતો...ગેહલોત દોડયો અને વીજયની નજીક પહોંચ્યો....પહેલા તેણે વીજયને અને પછી રેવા તરફ જોયુ, બે સેકન્ડ તે રોકાયો અને પછી વીજયને પીઠ પાછળથી પકડીને ખેંચ્યો.... “ છોડી દે તેને...એ જાનવર મરી ચૂકયુ છે.... છોડ તેને વીજય....” પણ વીજયે જાણે એ સાંભળ્યુ નહી. દાંત ભીંસીને હજુ પણ તે રેવાનું ગળુ તેના ડાબા હાથેથી ભીંસી રહયો હતો. તેનું સમગ્ર શરીર થર-થર ધ્રુજતુ હતું અને તેના મનમાં એક જ વીચાર રમતો હતો કે જો તે રેવાનું ગળુ છોડશે તો રેવા તેને ફાડી ખાશે....અને એટલે જ તેના શરીરની સમગ્ર તાકાત એકઠી કરીને કયારનો તે રેવાને ભીંસી રહયો હતો. એક ખતરનાક કાતીલ કુતરાને તેણે ફક્ત એક હાથે ભીંસીને મારી નાંખ્યો હતો એ તેના ઝનૂનની પરાકાષ્ઠા હતી. રેવાએ વીજયની ચુંગલમાંથી છુટવા ઘણી મથામણ કરી હતી પરંતુ વીજયનો હાથ જાણે ફાંસીનો ગાળીયો બનીને એક વખત તેના ગળે વિંટળાયો પછી તેના પ્રાણ લઇને જ જંપ્યો હતો... વીજયનો જમણો હાથ હજુપણ રેવાના જડબામાં ફસાયેલો હતો પણ તેની પકડ કયારની ઢીલી થઇ ગઇ હતી પરંતુ વીજયનું એ તરફ જાણે ધ્યાન ગયુ જ નહોતુ.... “ વીજય છોડ તેને....” ફરી વાર ગેહલોત ચિલ્લાયો અને તેણે જોર કરીને વીજયને પાછળની બાજુ ખેંચ્યો...વીજય એ ધક્કાથી પાછળ ખેંચાયો અને તેનો હાથ રેવાના ગળા ઉપરથી છુટી ગયો. ધક્કો લાગવાથી તે ભાનમાં આવ્યો. પહેલા તેણે પાછળ ફરીને ગેહલોત સામું જોયુ અને પછી સોફા ઉપર પડેલા રેવાને નીરખ્યો. રેવાની ગરદન એક બાજુ ઢળી ચુકી હતી. ગળાનો ટોટો પીસવાથી તેનું મોં ખુલ્યુ હતુ અને તેમાંથી તેની લાંબી જીભ દાંત વચાળેથી બહાર લટકી પડી હતી. તેના મોંઢામાંથી લોહી રીઝી સોફામાં પડતુ હતું....તેની કાળી ગોળ આંખો આઘાતથી ફેલાઇને પોપચામાંથી જાણે બહાર નીકળી હોય એમ ત્યાં સામે ઉભેલા વીજયના ચહેરા તરફ મંડાઇ હતી...એ દ્રશ્ય ખતરનાક હતું. બે-ઘડી તો વીજયને ડર લાગ્યો અને તેણે પોતાની નજરો રેવાના ચહેરા ઉપરથી હટાવી લીધી. તેના પેટમાં એ દ્રશ્ય જોઇને ચૂંથારો થવા માંડયો, તેને ખુદને જાણે વિશ્વાસ આવતો નહોતો કે તેણે આટલી ક્રુરતપૂર્વક એક બેજુબાન જાનવરને મારી નાંખ્યુ છે પણ એ સીવાય તેની પાસે બીજા કોઇ વિકલ્પ પણ નહોતા. જો તેણે રેવાનો સામનો ન કર્યો હોત તો અત્યારે રેવા તેના શરીરની મીજબાની માણી રહયો હોત.....
“ તું રાક્ષસ છે વીજય....” સ્તબ્ધ અવાજે ગેહલોત બોલ્યો. જે દ્રશ્ય વીજય જોઇ રહયો હતો એ જ દ્રશ્ય ગેહલોતે પણ જોઇ રહયો હતો. આ પહેલા આવુ દ્રશ્ય કયારેય તેણે જોયુ નહોતું એટલે એ પણ સ્તબ્ધ બની ગયો હતો. તે આગળ વધ્યો અને ગમે ત્યાંથી એક ચાદર શોધી લાવીને રેવાના શરીરને એ ચાદર નીચે ઢાંક્યુ.... આટલુ ભયાનક મોત તેનાથી જોવાતુ નહોતું.
“ તેણે મને મારી નાંખ્યો હોત...” જાણે સ્વગત બબડતો હોય એમ વીજય બોલ્યો અને નજીકના સોફામાં ફસડાઇ પડયો. તેના જમણા હાથના હાડકા સુધી રેવાના તીક્ષ્ણ દાંત ખૂંપી ગયા હતા. ત્યાંથી લોહી વહી રહયુ હતુ જે હાથ ઉપર વિંટળાયેલી સોફા મેટમાં પ્રસરી રહયુ હતુ. હળવે રહીને તેણે હાથ ઉપરથી સોફા-મેટને હટાવી....હાથની ચામડીના છોતરા ઉખડી ગયા હતા અને તેમાંથી અંદરનું માંસ બહાર ખેંચાઇ આવ્યુ હતુ. જે જગ્યાએ રેવાએ દાંત બેસોડયા હતા ત્યાંનું સફેદ હાડકુ સ્પષ્ટ બહાર દેખાતુ હતુ. વીજયને કમ-કમા આવી ગયા અને ફરીવાર તેણે મેટનો ચોખ્ખો હિસ્સો ઘાવ પર કસકસાવીને બાંધી દીધો....
એ સમય દરમ્યાન ગેહલોતે પોતાનો ફોન કાઢી એક નંબર ડાયલ કર્યો..
“ હેલ્લો સર.... તમને પંચાલગઢ પહોંચતા કેટલો સમય લાગશે...?” ફોનમાં તેણે પુછયુ. સામેથી કંઇક કહેવાયુ એટલે ફરી વખત તે બોલ્યો. “ એમ્બ્યુલન્સની પણ જરૂર પડશે...જી...જી....ના...હાં....અહી ચાર જણ ઘાયલ થયા છે. એમને તાત્કાલીક સારવાર આપવી પડશે.....જી...જી...ઓ.કે. સર....” ગેહલોતે ફોન કાપ્યો.
“ વોટ ધ હેલ ઇઝ ધીસ....? તમે કોને ફોન કર્યો હતો....?” વીજયે ગેહલોતની તમામ વાતો સાંભળી હતી. ગેહલોત જે પ્રકારે ફોનમાં બોલી રહયો હતો એ વાતોનો મતલબ ન સમજી શકે એટલો વીજય નાદાન નહોતો. એટલે જ તે ઉકળી ઉઠયો હતો. ગેહલોતે ત્યાં ઉભા-ઉભા જ વીજય સામુ જોઇ સ્મિત વેર્યુ અને બોલ્યો....
“ મેં અત્યારે ડી.આઇ.જી.પંડયા સાહેબ સાથે વાત કરી. તેઓ પોલીસ ફોર્સ સાથે અહી આવી રહયા છે....”
“ પણ હાઉ ઇઝ પોસીબલ....? તમને તો સસ્પેન્ડ કરાયા છે ને....?” હેરાનીભર્યા અવાજે વીજયે પુછયુ.
“ હાં....સસ્પેન્ડ કરાયો હતો. પરંતુ તે દિવસે રાત્રે ફરી વખત પંડયા સાહેબનો સામેથી ફોન આવ્યો હતો અને મારુ સસ્પેન્શન તેમણે પાછુ ખેંચ્યુ હતુ.... હું અત્યારે ઓન-ડયુટી છું. અત્યારે શું-કામ....? તારી સાથે જોડયો ત્યારનો હું ડયુટી પર જ હતો....જો કે તું તો ફાયદામાં જ છે....”
“ કેવી રીતે....?”
“ એક પોલીસ અફસરની હાજરીમાં આ તમામ લોકોએ તેમનો ગુનો કબૂલ્યો છે એટલે સ્વાભાવીક છે કે તું બેગુનાહ ઠરે. હવે મારે તારી સચ્ચાઇનું પ્રમાણપત્ર બીજા પાસેથી મેળવવાની જરૂર નહી રહે કારણ કે અહી જે થયુ તેનો સાક્ષી હું ખુદ છું....”
“ ઓહ....” વીજય બોલ્યો. ગેહલોતની વાતોથી તેને રાહત અનુભવી હતી.
“પણ એક પ્રશ્ન તો ઉભો જ છે સાહેબ....”તે બોલ્યો. “ કે આ કત્લેઆમ કરી છે કોણે.....? અને તનો મકસદ શું હતો....?”
“વીજય.. આ કેસ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ મારી ગીરફ્તમાં છે.... હવે તેમને આમને-સામને બેસાડીએ એટલે દુધનું દુધ અને પાણીનું પાણી થઇ રહેશે....” ગેહલોત અજબ આત્મવિશ્વાસથી બોલ્યો.
“ ઓહ...પણ કયારે થશે એ બધુ....?”
“ આજે જ...આવતીકાલની રાહ બીલકુલ નથી જોવી....” ગેહલોત હસ્યો અને પોતાની છાતી ઉપર હાથ દબાવતા તે બાપુના સોફા તરફ ચાલ્યો. તેની છાતીમાં ભયંકર દર્દ થતુ હતુ છતા હવે તે ઢીલો પડવા માંગતો નહોતો.
(ક્રમશઃ)