થું.....!
હું આ દુનિયામાં જન્મીને સડતા- ગંધાતા માણસોને જોઈ રહ્યો છું. એમના જીવન માત્ર અમુક સારી બનેલી ઘટનાઓની યાદોનો ઉકરડો બનીને રહી જતા હોય એવું મને લાગે છે. આ લોકો ચંદ્રકાંત બક્ષી કહે છે તેમ દિલ ફાડીને જીવી શકતા નથી. પોતાના જીવન નો મોટો ભાગ જ્યારે આપણે કામ કરવામાં વિતાવીએ છીએ ત્યારે આ બધી ફ્લોપ જિંદગીઓ તેઓ જે કામ કરે છે તેને ધીક્કારવામાં અને બળતરા કરી-કરીને દિવસ પસાર કરવામાં મશગુલ રહે છે. તેઓ આવા બોગસ કામની પાછળ બગાડેલા કલાકો અને દિવસો ની સાર્થકતા દર મહિનાને અંતે મળતા પગારની નોટોમાં જુએ છે. આ બધા માણસો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેતા ટોળામાં ભરાઈ રહેલા ઘેટાઓ છે. જ્યારે તેમની કહાની પૂછો તો તે પાંચ વાક્યોમાં ખતમ થઇ જાય છે. તેમને જ્યારે તેઓ ખુદ અજાણ છે એવી ફ્લોપ-લાઈફનું કારણ પૂછો ત્યારે છાતી ફુલાવીને કહે છે કે “સમાજમાં રહેવું હોય તો આવું બધું કરવું પડે...સમાજની નજરોમાં નીચે પડી જઈએ...તમે બધા મોટા થશો એટલે ઠેકાણે આવી જશો.”
એક યુવાન માટે આવા જવાબો સામે ગળા માંથી એક જ અવાજ નીકળવો જોઈએ: થું.....!
આ લોકોએ નથી સમજતા કે જે સમાજની નજરોમાં સારા દેખાવાની અને સૌને ખુશ રાખવાની તેઓ કોશિશ કરી રહ્યા છે તે સમાજ આંધળો છે, અને બહેરો પણ. કારણ કે એ આખો સમાજ તમારા જેવા બોગસ- બહેરાથી જ તો બન્યો છે! તે માત્ર તમને સુંઘે છે, અને તમારી સફળતાની સુગંધ પારખીને બળતરા, અને તમારી નિષ્ફળતાની વાસથી ખીલખીલાટ કરવા ટેવાયેલો છે. હું જ્યાં-જ્યાં નજર કરું છું ત્યા આવા ડરપોક મળે છે. બધા નથી હોતા પણ મેજોરીટી એમની જ છે. આ બધા જ તો વળી અડધા સળગેલા લાકડાની જેમ ધુમાડીયા બનીને સમાજનો માનસિક વિકાસ અટકાવી બેસે છે. આ લોકોની વાસી જીંદગી જ તેમને માટે તેમનું ખુદનું સર્જેલું સત્ય છે, એટલે આ બધા આવનારી પેઢીઓને- જનરેશનને એ માર્ગે દોરતા જાય છે. આ ગંધાતી પબ્લિક શોપિંગ કરવા જતા હોય તેમ છોકરી જોવા જાય છે, લગ્ન પછી કૃત્રિમ પ્રેમ જગાડે છે, પરણીને સ્થિર થાય છે, સંતાનોમાં છોકરો થાય ત્યારે પ્રોડક્શન અટકાવે છે, થોડા સારા કામ થાય તો ઠીક બાકી “કમાવામાં” જ બધું જાય છે. અને આ બધું જ જોઇને મારું હૃદય દુભાય છે.
સનાતન સત્ય કઈંક બીજું હશે પણ આ મારું સત્ય નથી જ. આ માણસોને હું ધિક્કારતો નથી, પણ પ્રેમતો નથી જ કરતો. તેમના દિમાગ તેમને ન ગમતા યંત્ર-વત કામો કરવામાં કાલ્પનિક રીતે સુખી થઇ રહ્યા છે. તેમના માટે સુખ એટલે સાંજે થાકીને ઘરે આવ્યા પછી જમીને સુઈ જવું અને રજાના દિવસોની રાહ જોવી. રજા મળ્યે કમાયેલા રૂપિયા ઉડાડીને બનતી મોજ કરી લેવી. પ્રેમ-પેશન-પરિવર્તન કશુજ નહિ! તમે વળી એક્સક્યુઝ આપો છો કે અમે કુટુંબ ને નિભાવ્યું છે! એતો જનાબ જંગલ નુ કુતરું પણ કરે છે. હા...તમે કર્યું તે રીતે કઈ ખોટું નથી પરંતુ જે અંદરની- ખુદની નાગાઈ છે તેને તો તમે લાઈફ-ટાઈમ છુપાવી જ છે. પોતાને ગમતું કામ કરવામાં ક્યારેક નિષ્ફળ થઈને ક્યારેક રસ્તે રઝળવું પડે તો સમાજમાં નાક કપાવાનું નુકસાન દેખાય છે. ક્યારેક અલગ રસ્તો અનુસરીને ભાગ્યમાં ભૂખ્યા રહેવાનું આવેતો જિંદગીની ખુવારી દેખાય છે.
મારે એવી માનવજાત જોવી છે કે- જે સરહદો તોડીને પ્રેમ કરે, જે રીવાજો તોડીને આગળ વધે, જે સંઘર્ષ-સાહસને ચાહે, અને છાતી ઠોકી ને કહે કે “હું મારું ગમતું કામ કરીને પરિવાર ને ખવરાવું છું. હારું છું, પડું છું, પણ મારા આદર્શોને લાકડી બનાવીને જ વારંવાર ઉભો થાવ છું.” એવા માણસો કે જે પોતાના છેલ્લા શ્વાસ લેતી વખતે જ્યારે પોતાની મસળીને જીવેલી જિંદગીને યાદ કરે ત્યારે અફસોસ ના કરવા જોઈએ. જેમને પોતાના જીવેલા સુખ કરતા ઘસારાનો- દુઃખ નો વધુ રોમાંચ હોવો જોઈએ. જેને પોતાની છેલ્લી વિતાવેલી મીનીટનો પણ સારા ઉપયોગનો હિસાબ હોવો જોઈએ.જેઓ ખુશ હોય ગમે તે ભોગે! ફરી કહું છું- ગમે તે ભોગે.
હું જોઉં છું આવું જીવતા મહાન લોકોને, પરંતુ તેઓ મારી આંગળીનાં કાપાઓની અંદર ગણાય જાય છે. આવું જીવી ગયેલા પણ ઘણા છે પણ મારે આખો જમાનો જોવો છે! મને દિવસે દેખાતો સમાજ અને રાત્રે સપનામાં દેખાતો સમાજ અલગ છે. મારે પેલા સપનાઓમાં જીવવું છે. હું જીવીને દેખાડીશ. મારા પાત્રો એવું જીવી ને દેખાડશે. મારા પાત્રો કોઈ ફ્લોપ-બોગસ માણસો નથી પણ રીવાજો તોડીને આગળ આવેલા, ઘણા ભૂંસાઈ ગયેલા મારા સપનાના કિરદાર છે. હું કદાચ એવું કરવામાં ફ્લોપ થઈશ તો પણ ખુશ હોઈશ, કારણકે હું નિષ્ફળતાના પણ ઉત્સવ મનાવી જાણું છું.
હું ત્રેવીસ વરસનો એક યુવાન (સાચા અર્થમાં યુવાન) અને બળવાખોર લેખક છું. હજુ જેને માટે પોતાના સપનામાં દેખાતો સમાજ રચવાનું બાકી છે. મારું સ્વપ્ન ગાંડું છે એ મને ખબર છે...પણ તોયે એ તમને કહી શકું એટલી હિંમત છે ખરી! મારી આ કહાની આપણા આવા સમાજનું પ્રતિબિંબ છે. હા. હું આ પાત્રોનું પ્રતિબિંબ છું. મારા લખેલા આ બધા જ શબ્દોએ અત્યારના સમયનું પ્રતિબિંબ છે. મેં લખેલી ગાળો પણ અત્યારે બોલાતી ગાળો છે. અને મને આ બધું મારા રીડર દોસ્તને વંચાવીને કોઈ માનસિક નુકસાન કરતો હોઉં એવું લાગતું નથી. મેં મારો લેખક ધર્મ નિભાવ્યો છે. વાચક પોતે પોતાનો ધર્મ નિભાવે તેની અપેક્ષા રાખું છું. જો બધું યોગ્ય લાગે તો રાખજો, નહીતો યુવાન લોહીની નાદાનિયતમાં ખપાવી દેજો. જો યોગ્ય ના લાગે તો મારી આ બુક શાંતિથી મૂકી દેવી, યા તો બાળી નાખવી, યા તો ટીશ્યુ પેપર ની જેમ વાપરી લેવી. છેવટે વાંચક નો ધર્મ એક જ છે: પૈસા વસુલ કરવા.
ફરીથી...જય લિટરેચર.
હજુ થોડો ગુસ્સો કાઢી લઉં?: મને ખબર છે કે દિમાગ અને દિલથી બોખા માણસો મારી આ કહાનીને ચાવીને થુંકી નાખવાની ટ્રાય કરશે. વિરોધ કરશે અથવા તો “આ છોકરું કહેવાય” કહીને મારા સપનાઓ પર પોતાની મોટાઈ ઢાંકી દેશે. કેટલાક તો વળી “ગુજરાતી બુક લખી? તારું ઈંગ્લીશ ખરાબ છે? ઈંગ્લીશમાં લખે તો બધા વાંચશે! ઈલેક્ટ્રીકલ એન્જીનીયર બનીને આવી ચોપડીયું લખવા કરતા કોઈ ગવર્મેન્ટ જોબ કે પછી ધંધો કર તો મોટી કમાણી છે! અલ્યા...તારી જોબ ઉપર ફોકસ રાખ. તારું આ લખેલું કોઈ વાંચવાનું નથી! બકા...આ તું લખે છે એ લખવું સહેલું છે, એમ કઈ જીવાય નહી!” વાળી હવે જૂની થઇ ગયેલી શિખામણ આપશે! મને એ બધાની ફિકર નથી. મને આ બુક વાંચીને કેટલા વિચારતા થશે તેમની ફિકર છે. લેખકનો એ જ ધર્મ છે. મેં મારા સપનાઓ ને થોડા કાલ્પનિક પાત્રોમાં જીવાડી લીધા છે. મારો સંદેશ આ બુકના છેલ્લા પેજ સુધીમાં હું કહી દઈશ. બાકી બધું હું વાંચનાર પર છોડી દઉં છું. મને મારા પપ્પાએ એક દિવસ એમ જ કહી દીધેલું કે “તું લખે છે એ બરાબર છે, પણ તારે એ માણસ બનીને દેખાડવું પડશે.” તેમણે મને કહેલું-“પક્ષીની પાંખોની જેમ લેખક માટે વાંચક છે. એ લોકો જ તને ઉડવા દેશે અથવા તો પાડી દેશે.” હું એમની વાતને સાર્થક કરવા પાંખોને થોડી ફફડાવીશ. ઉડીશ. તમે મારી પાંખ બનજો. એટલીસ્ટ આ બુકના છેલ્લા પેજ સુધી મને ઉડવા દેજો. બાકી હું લડી લઈશ.
અને હા...અહી ઉપર મેં કહેલી દરેક વાતો મારા પાત્રો જીવી બતાવશે. મારી પ્રસ્તાવના બુકના છેલ્લા પેજ પર સાર્થક બનશે. આ બધી વાતોને માત્ર શબ્દો ન સમજતા. હું એક-એક શબ્દની જવાબદારી લઉં છું. જવાબ આપીશ તમને.
લી. જીતેશ દોંગા.
***********
ઉપર લખેલા બધા જ શબ્દો આજથી બે વરસ પહેલા એક રાત્રે ઊંઘ માંથી ઉઠીને લખેલા છે. મારી બુક વિશ્વમાનવની આ પ્રસ્તાવના છે. આજે અહી ફરીથી શેર કરી છે કારણકે માણસ બદલાઈ છે. હું ખુદ બદલાયો છું. વિશ્વમાનવ બુક તરીકે ખુબ જ સફળ થઇ. મારી પોતાની જર્ની બદલાઈ. હું અમદાવાદથી બહાર નીકળ્યો. બહારની દુનિયા જોઈ. માણસોની લાચારીઓ જોઈ. એક ઝુપડામાં મોટા થયેલા બાળકના અને એક સારી સ્થિતિમાં મોટા થતા બાળકના સપનાઓ જોયા.
ક્યાંક એક અહેસાસ થયો કે વોભી સચ થા, યે ભી સચ હે. અહી પ્રસ્તાવનામાં જે કઈ લખ્યું છે એ ખોટું નથી. હું આવું જ જીવી રહ્યો છું. ઘણું સાબિત પણ કરી બતાવ્યું છે. પરંતુ બધું જ અક્ષરશ: સાચું નથી કરી શક્યો.
કારણ? કારણકે સમય સાથે માણસ બદલાઈ છે. હું અલગ પરિસ્થિતિઓ માંથી પસાર થયો છું. બીજી દુનિયા મેં જોઈ છે. દરેક ફિલોસોફીને પરિસ્થિતિ મુજબ ઢળતી જોઈ છે, જન્મતી જોઈ છે, તૂટી જતી જોઈ છે.
દરેક વિચાર એ જીવંત ક્ષણ માટે સાર્થક હોય છે, પણ ભવિષ્યમાં સંપૂર્ણ સાચો ન પણ હોય.
માણસ બદલાઈ છે.