Nishti - 25 in Gujarati Fiction Stories by Pankaj Pandya books and stories PDF | નિષ્ટિ - ૨૫

Featured Books
Categories
Share

નિષ્ટિ - ૨૫

નિષ્ટિ

૨૫. તારા રૂપની પૂનમનો પાગલ...

‘પપ્પા.... હું શું કહું છું? હવે કોલેજનું પાંચમું સેમેસ્ટર શરુ થઇ ગયું છે.... પહેલાં કરતાં વધુ ભાર રહે છે... હું હવેથી કોલેજ બાઈક લઈને જાઉં?’ ગુણવંતભાઈ ભગવાનની પૂજા અર્ચના કરીને ઊઠ્યા એટલે નિશીથે ધીરે રહીને પ્રસ્તાવ મૂક્યો...

‘પેટ્રોલના ભાવ ખબર છેને?’

‘હા.. પપ્પા... એવું હોય તો હું અઠવાડિયામાં બે કે ત્રણ વાર જ લઇ જઈશ...’ નિશીથ ગભરાયો..

નિશીથના મુખારવિંદ પરની ગભરાટ જોઇને ગુણવંતભાઈ હસી પડ્યા...

‘અરે હું તો બસ એમ જ... મજાક કરતો હતો....... તું તારે રોજ બાઈક લઇ જજે કોલેજમાં.... પણ એક વાતનું ધ્યાન રાખજે.... ભણવામાંથી ધ્યાન ના હટવું જોઈએ...’

‘ગોડ પ્રોમિસ..... થેંક યુ પપ્પા...’ નિશીથ એના પપ્પાને ભેટી પડ્યો..

નિશીથનાં મમ્મીએ બાપ બેટા વચ્ચેનો સંવાદ સાંભળી હરખાતાં હરખાતાં ત્રણેય માટે થાળી તૈયાર કરી અને ત્રણે જણ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયાં... નિશીથના કોલેજ ગયા પછી એના મમ્મી પપ્પાને કશું કામ નહોતું રહેતું... છતાં નિશીથના નીકળતાં પહેલાં સાથે જ જમી લેવાનો નિત્યક્રમ બનાવ્યો હતો.

નિશીથ ફટાફટ જમીને મમ્મી પપ્પાને ‘જેશ્રી કૃષ્ણ’ કહી બાઈક સ્ટાર્ટ કરી કોલેજ જવા રવાના થયો... નિયત સ્થળે ક્રિષા પણ વાત જોતી ઊભી હતી. ક્રિષા બાઈક પર બેસીને બાઈક સ્ટાર્ટ કરતાં જ નિશીથે શરુ કર્યું...

‘આજે તો જબરદસ્ત દાવ થઇ ગયો..’

‘શું થયું એવું?’

‘તને કહું તો ખરો.... પણ પછી તું નકામી ચિંતા કરે...’

‘તું નહિ કહે તો પણ ટેન્શન થશે એના કરતા કહી જ દેને...’

‘ઓકે... મારી મમ્મીને ખબર છે કે આપણા બંને વચ્ચે ઘણું બધું રંધાઈ રહ્યું છે..’

‘ઓહ.. માય ગોડ.... કેવી રીતે????? કોણે કહ્યું હશે એમને????? હવે શું થશે????’

‘મારી મમ્મીને જ શું.... મને ખાતરી છે કે તારા ઘરે પણ બધાંને ખબર જ છે’

ક્રિષાને થયું કે એણે તો ગયા રવિવારે સુરત ગઈ ત્યારે મમ્મી પપ્પાને વાત કરી જ છે પણ એ તો કહેતા હતા કે તેઓ બહુ જલ્દીથી અમદાવાદ આવશે અને નિશીથના મમ્મી પપ્પાને મળીને બધી વાત કરશે.. તો પછી એમણે મારી જાણ બહાર નિશીથના ઘરે ફોન નહિ કર્યો હોયને? ક્રિષાએ એના મમ્મી પપ્પાની આગળ નીશીથનું જે સચોટ વર્ણન કરેલું અને આમેય એમને ક્રિષા પર પૂરો વિશ્વાસ હતો એટલે તેઓ નિશીથની યોગ્યતા વિષે સંપૂર્ણ આશ્વસ્ત હતાં.

‘કેમ શું થયું? બકરી બે થઇ ગઈ ને?’ નિશીથે ચૂપ થઈ ગયેલી ક્રિષાનું ધ્યાન ભંગ કર્યું.

‘બે... બે..... સોરી હે..હે???? મને એ તો કહે કે એમને કઈ રીતે ખબર પડી???’ ક્રિષા હજુ વિચારોમાં જ ખોવાયેલ હતી...

‘શાની ખબર?’

‘એ જ કે.... આપણા બંનેની વચ્ચે....’

‘ઘણું બધું રંધાઈ રહ્યું છે.... એમ જ ને?’

જે વાત માટે નિશીથ શરુઆત નહિ કરી શકે એ વાત માટે નિશીથે પોતાને જ બેકફૂટ પર કઈ રીતે મૂકી દીધી એ ક્રિષા માટે કોયડા સમાન હતું..

‘હા.. હા... એમ જ’

‘સિમ્પલ.... મારું ઘર અહી અમદાવાદમાં છે ને તારું ઘર સુરતમાં... આપણા બંનેનાં ઘરની વચ્ચે કેટલાં બધાં ઘર અને હોટલો આવેલી હશે? એ દરેકનાં રસોડામાં સવાર સાંજ કંઈ ને કંઈ તો રંધાતું જ હોયને?’

‘ઓહ.... યુ...’

આજે પ્રથમ પિરીયડ ભટ્ટ સાહેબનો હતો.. તેઓ ટેકનોલોજીકલ ઉપરાંત મોરાલીટી પર પણ જ્ઞાન આપતા રહેતા. આજે તેમણે બધા જ સ્ટુડંટસને એક વાક્ય બોર્ડ પર લખવા જણાવ્યું કે જેને તેઓ અનુસરતા હોય... નિશીથનો વારો આવતાં તેણે લખ્યું...

‘I Do It On Time’ – હું બધા જ કામ સમયસર કરું છું..

પિરીયડ સમાપ્ત થતાં પ્રોફેસર ક્લાસ છોડીને ચાલ્યા ગયા... ક્રિષાએ તક ઝડપી લઈને બોર્ડ સુધી પહોંચી હાથમાં ચોક લીધો અને નિશીથે લખેલ વન લાઈનરના બધા શબ્દોના પહેલા અક્ષરો પર ચોક વડે કુંડાળા કરી દીધા... જે સ્પષ્ટ વંચાતું હતું.. IDIOT... [I Do It On Time] સમગ્ર ક્લાસમાં હાસ્યનું હુલ્લડ ફરી વળ્યું... નિશીથ ધૂઆંપૂઆં થઇ ગયો. ...

રીસેસ દરમ્યાન નારાજ નિશીથ કેન્ટીનમાં એક ખૂણા પર આવેલ ખુરશી પર નિરાશ વદને બેઠો હતો અને ક્રિષા ત્યાં જઈ પહોંચી. નિશીથે એને જોઇને અવળી દિશામાં મ્હોં ફેરવી લીધું.

‘હેલો... સ્વીટ હાર્ટ’ ક્રિષાએ મસ્કા પોલીશ ચાલુ કરી...

‘હું તો ઇડીયટ છું ને?’ નિશીથનો વેધક પ્રશ્ન

‘હા.. એ તો છે જ ને....’ ક્રિષા આંખ ઉલાળીને બોલી

‘શું કહ્યું??? હું ઈડિયટ છું એમ?’

‘હા એક નહિ સાડી સત્તર વાર ઈડિયટ... ઈડિયટ.. ઈડિયટ..’

‘ઠીક છે..’ કહી નિશીથે ફરી મ્હોં ફેરવી લીધું. પણ ક્રિષા એમ છોડે એવી થોડી હતી.... એણે ચાલું રાખ્યું..

‘તું કોઈ જેવો તેવો ઈડિયટ નથી...’

‘તો કેવો ઈડિયટ છું?’ નિશીથે નજર ફેરવ્યા વગર મ્હોં વકાસીને પૂછ્યું

‘યુ આર માય સ્વીટ સ્વીટ ઈન્ટેલીજન્ટ ઈડિયટ........ ઊર્ફે બ્રિલીયન્ટ બબૂચક’ ક્રિષા પોતાના જ સંવાદ પર આફરીન થઇ એની લાક્ષણિક અદામાં હસી પડી.

‘યુ શેતાન કી બચ્ચી!!!!!!’ નિશીથ હવે મૂડમાં આવી ગયો...

કેન્ટીનના મધ્યભાગમાં ક્રિષાની ખાસ બહેનપણી પૂજા ઊભી હતી... એની તરફ નજર પડતાં ક્રિષાએ એને પોતાની તરફ આવવા ઈશારો કર્યો... એ જ વખતે નિશીથનો દોસ્ત રાહુલ પણ કેન્ટીનમાં પ્રવેશ્યો..

ગોરો વાન... ઊંચું અને ખડતલ શરીર.... માંજરી આંખો..... જોતાં જ ગમી જાય એવો..... બસ એક જ તકલીફ હતી એને. એ બોલવામાં જરા હક્લાતો હતો.... એ જેટલો દેખાવડો હતો .. ભણવામાં એટલો જ હોશિયાર હતો. શાળાકીય શિક્ષણ દરમ્યાન ક્લાસમાં હંમેશાં અવ્વલ રહેલો રાહુલ કોલેજમાં પણ પ્રોફેસર્સને પોતાની હોશિયારીથી અચંબિત કરી રહ્યો હતો. પણ એક વાતનું એને દુખ હતું... ક્લાસમાં બધા એને હકલો કહીને ખીજવતા અને કદીક ટપલીદાવ પણ રમી લેતા. રાહુલના જ ક્લાસમાં ભણતી પૂજા..... સંગેમરમરમાંથી ઘડી કાઢી હોય એટલી સુંદર.. રાહુલ મનોમન એને ખૂબ ચાહતો હતો. પણ પૂજા રાહુલને હકલો કહેવા વાળી ક્લબમાં સામેલ હતી. અને એ કારણે રાહુલે પણ આ ઉપનામ સ્વીકારી લીધું હતું...

રાહુલ અચાનક પૂજાની નજીક આવ્યો અને બે હાથ ફેલાવી પૂજાને પ્રેમ માટે પ્રસ્તાવિત કરવા લાગ્યો...... ‘ત..ત..ત..તારી..... આંખનો અફીણી... ત..ત..ત..તારા..... બોલનો બંધાણી.... તારા... ત ત ત તારા.. રૂપની પ્પૂનમનો પાગલ...હ.હ.હ.હ. હકલો....’

‘ સટ્ટાક....... સટ્ટાક...... સટ્ટાક...... ‘ રાહુલના અચાનક હુમલાથી હેબતાઈ ગયેલી પૂજાએ ત્રણ તમાચા એના ગાલ પર રસીદ કરી દીધા. સમગ્ર કેન્ટીનમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કંઈ બોલ્યું નહિ અને બધા ત્યાંથી વિખેરાઈ ગયા..

એક દિવસ બપોરના સમયે પૂજા કોલેજના કમ્પાઉન્ડમાંથી પસાર થતી હતી અને એ જે ગૃપમાં બેસતી હતી તે જ ગૃપનો એક છોકરો યશ લાગ જોઇને પૂજાની છેડતી કરવાની કોશિશ કરવા લાગ્યો. પૂજાએ એને લાફો ઝીંકવા માટે હાથ ઉગામ્યો તો એણે કસીને હાથ પકડી લીધો.... એટલામાં ના જાણે ક્યાંથી રાહુલ ત્યાં આવી પહોચ્યો...

‘એય યશ... શું કરી રહ્યો છે તું?’ રાહુલ ગુસ્સાથી ધગધગી રહ્યો હતો’

‘એ હકલા... ચલ હટ અહી થી... તું વચ્ચે ના પડતો...’

‘લે વચ્ચે પડ્યો... શું કરી લઈશ તું?’

‘શું કરી લઈશ? બોલ્યો પાછો... મૈ જો કર સકતા હૂં વો તૂ સોચ ભી નહિ સકતા..... તુઝે ઇતના ઔર ઐસે મારુંગા કિ તૂ શૌચ ભી નહિ સકેગા...’

રાહુલ બોલવામાં ક્યાં માનતો હતો? એણે યશની બરાબરની ધોલાઈ કરી... છેવટે યશે ત્યાંથી ભાગી જવું પડ્યું. રાહુલ પણ ત્યાંથી ચાલતી પકડવા જતો હતો તો પૂજાએ તેને રોકીને બાહોમાં જકડી લીધો. તેની આંખોમાં અશ્રુઓની ધારા વહી રહી હતી અને બસ એ બોલ્યે જતી હતી... ‘સોરી રાહુલ..... આઈ લવ યુ.....’ રાહુલ પણ ગણગણી રહ્યો હતો... ‘ત..ત..ત..તારી..... આંખનો અફીણી... ત..ત..ત..તારા..... બોલનો બંધાણી.... તારા... ત ત ત તારા.. રૂપની પ્પૂનમનો પાગલ...હ.હ.હ.હ. હકલો....’ બંને જણા પલભર માટે અલગ થયા અને પછી બમણા જોરથી એકબીજાને વળગી પડ્યા...

નિશીથ અને ક્રિષાને પણ ઝઘડાની ખબર પડતાં તેઓ ત્યાં આવી પહોચ્યાં. પણ અહી તો માહોલ ધાર્યા કરતાં વિપરીત હતો. તેમણે બંનેને અભિનંદન આપ્યા અને આઈસ્ક્રીમ પાર્ટીની માગણી કરી જે વિના દલીલે પૂર્ણ કરવામાં આવી..

બધા મિત્રો ટોળે વળીને બેઠા હતા ને કોઈએ રવિવારે પીકનીક પર જવાનો પ્રસ્તાવ મૂક્યો.. જે સૌએ સહર્ષ સ્વીકારી લીધો... એ પછીના રવિવારની સવારે મસ્તી ભર્યા માહોલમાં થનગનતા યુવાન હૈયાઓને સમાવીને એક મિની બસ અમદાવાદ નજીક આવેલા એક પ્રખ્યાત પીકનીક સ્થળે જવાના રસ્તે દોડી રહી હતી. નિશીથની બાજુની સીટ પર ગોઠવાયેલી ક્રિષાએ અચાનક પ્રશ્ન કર્યો....

‘નિશીથ.... તને ઘણા સમયથી એક પ્રશ્ન પૂછવાનું વિચારતી હતી... પણ તું સાથે હોય ત્યારે બીજી વાતોમાં એ ભુલાઈ જતું હતું.....’

‘હા... તો શું છે એનું? હવે પૂછી નાખ..’

‘હવે તું મારી સાથે કેટલી મસ્તી અને વાતો કર્યા કરે છે? પહેલાં તું કેટલો શરમાળ હતો? આઈ જસ્ટ કાન્ટ બીલીવ યુ વેર સચ અ મોડેસ્ટ પર્સન..’

‘યુ આર રાઈટ.... આઈ એમ ઓલ્વેઝ અ મોડેસ્ટ પર્સન’

‘હમમમ’

‘હું રોજ સવારે ઊઠવાથી માંડીને બધાં જ કામ.. એ ભલેને પછી.... બ્રશ કરવાનું હોય.... ન્હાવાનું હોય..... જમવાનું હોય.. કે એવું કંઈ પણ કામ હોય... બધા કરતાં મોડો જ હોઉં..... આઈ એમ વેરી મોડેસ્ટ વન..’

‘ઓહ... પન પરમેશ્વર... આપણી ઓળખાણની શરૂઆત તારી મસ્ત કવિતાથી થઇ.... તે તને કવિતાઓ વાંચવાનો ખૂબ શોખ હશે નહિ?’

‘મને કવિતા વાંચવાનો કે સંભાળવાનો જરા પણ શોખ નથી...’

ક્રિષા માટે આ જબરદસ્ત આંચકા સમાન હતું... ‘ તો તે બનાવેલી કવિતા તો કેટલી ચોટદાર હતી...’

‘એ તો નાનપણમાં જ ભણવામાં આવેલું કવિ દલપતરામનું એક સચોટ વાક્ય દિલમાં ઘર કરી ગયેલું હતું.. એટલે’

‘વાહ... કયું વાક્ય?’

‘એ જ કે કસ્તુરી મૃગ શું ફૂલડાંની સુગંધ સેવશે? એટલે મન થાય ત્યારે હું મારા માટે જાતે જ કવિતા બનાવી લઉં છું.’

‘ઓહો.... એટલે તું નાનપણથી જ કવિતા બનાવે છે?’

‘હા.. સંભાળવી છે તારે?’

‘હા.. હા.. કેમ નહિ?’

‘લે.. તો સંભાળ...

જવું કે ના જવુંની અસમંજસમાં અટવાતો રહ્યો...’

‘વાહ.. વાહ....’

‘જવું કે ના જવુંની અસમંજસમાં અટવાતો રહ્યો...’

‘હવે અટવાયેલો જ રહીશ કે આગળ પણ બોલીશ?’

‘તારે વચ્ચે બોલવું હોય તો નથી કહેવી કવિતા.’

‘સોરી.. સોરી... હવે વચ્ચે નહિ બોલું.... તું તારે આગળ ચલાવ’

‘જવું કે ના જવુંની અસમંજસમાં અટવાતો રહ્યો.....

ટોઇલેટ સાવ સામે જ હતું ને હું “તોય લેટ” પડ્યો’

‘બબૂચક... છી છી.. છી..’

‘આ મારી નાનપણની પઝલ-હઝલ હતી... નિશીથની આસપાસ બેઠેલાંઓ એ પણ થોડી ઝલક સાંભળી એટલે બધાના આગ્રહવશ નિશીથે સાર્વજનિક રીતે એ કવિતા રીપીટ કરી...

‘હું તો તને સાવ માસૂમ સમજતી હતી પણ તું તો સાવ જ બેશરમ નીકળ્યો’ ક્રિષાએ ગમ્મતભેર નિશીથ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો...

‘તે સાવજને વળી શરમ શેની?’ નિશીથ બેફિકરાઈથી હસી પડ્યો...

‘ઓહ.... યેટ અગેઇન...’ ક્રિષાએ ગર્વભેર નિશીથની છાતીમાં માથું ઢાળી દીધું. થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું..

‘માસૂમ તો હું છું જ પણ...’ નિશીથે મૌન તોડ્યું...

‘પણ... પણ શું નીશું?’

‘માસૂમિયત તો કૂટ કૂટ કર ભરી હૈ મુઝ મેં ભી... પર ઉસમેં વો બાત કહાં તેરે નૈન સી....’

‘ઓહ.. નીશું...’

પિકનિકનું સ્થળ આવી ગયું... બધાએ સૌપ્રથમ ઝીણી સેવ ભભરાવેલા બટાટા પૌવાની લિજ્જત માણી.. ટુર ઓર્ગેનાઈઝર રસોઈયાની ટીમ લઈને જ આવ્યો હતો.. બપોરે વનભોજનનું આયોજન હતું.

નાસ્તો પતાવીને બધાએ નદી કિનારે આવેલા નાનકડા મંદિરમાં જઈને ભગવાનના દર્શન કર્યા અને પછી નદીમાં મસ્તી કરવા માટે ઉતાવળા થયેલું મિત્રોનું આખું ટોળું રીતસર નદી તરફ ભાગ્યું અને ફટાફટ સ્વીમીંગ કોશ્ચ્યુમ ધારણ કરીને સૌએ નદીના પાણીમાં ઝંપલાવ્યું.. છોકરીઓએ કિનારાના પાણીમાં છબછબીયાં કર્યા અને એકબીજા પર પાણી ઊછાળવાની મજા માણી તો છોકરાઓ બધા નદીની વચ્ચે ઊંડા પાણીમાં તરવા માટે પહોંચી ગયા... નદીના એક છેડેથી બીજા છેડે સુધી તરતાં તરતાં પહોચવાની હરીફાઈ પણ જામી... જમવાનું તૈયાર હતું અને દસ પંદર વખત ફરમાન મળ્યા પછી બધા માંડ નદીની બહાર નીકળ્યા.. બધાને ખૂબ જ મજા આવી હતી..

વનભોજન પણ એક સુખદ અનુભવ રહ્યો...... એક મસમોટા વડલાના ઝાડની નીચે બધાએ બેઠક જમાવી અને કુદરતી વાતાવરણમાં કુદરતી રીતે તૈયાર કરાયેલ ભોજન આરોગી સૌ આંગળાં ચાટતા રહી ગયા.. રાંધણ ગેસ પર બનતા ભોજન કરતાં ચૂલામાં લાકડાં પેટવી પકવવામાં આવતા ભોજનનો સ્વાદ શું ચીજ છે એનો નિશીથ જેવા ખૂબ ઓછા મિત્રોને અનુભવ હતો.

ભોજન આરોગ્યા પછી સૌએ અંતાક્ષરીની રમઝટ બોલાવી જે તકનો અમુક જણાએ આડકતરો લાભ લઇ લીધો અને દિલની વાત કહેવાનો મોકો ઝડપી લીધો.... નિશીથ અને અમૂક મિત્રો હજુ સવારે નદીમાં કરેલ સ્નાનથી તૃપ્ત થયા નહોતા... તેમણે એકબીજાને આંખનો ઈશારો કરી ત્યાંથી નદીમાં ન્હાવા માટે ચૂચાપ ચાલતી પકડી....

બધા મિત્રોએ ફટાફટ નદીમાં ઝંપલાવ્યું અને નદીના પ્રવાહમાં ધીંગા મસ્તી કરતા, ડૂબકીઓ લગાવતા, એકબીજા પર પાણી ઊછળતા તો કદી રેસ લગાવતા દૂર સુધી પહોંચી ગયા.. તો અહી વડલાના ઝાડ નીચે બાકી રહેલા મિત્રોમાં હજુ અંતાક્ષરીની રમઝટ બોલાઈ રહી હતી. બધાં મસ્તીભર્યાં ગીતો ગાવામાં વ્યસ્ત હતાં ને ન્હાવા ગયેલા મિત્રોમાંથી બે મિત્રો દોડતા આવ્યા.. બંને અવિરત હાંફી રહ્યા હતા.. તેમણે આવીને કહ્યું....

‘અમે બધા મિત્રો નદીની બહાર નીકળી ગયા પણ નિશીથનો પત્તો મળતો નથી.’

‘ઓહ... નો...’ બધા એક સાથે બોલી ઊઠ્યા.. અને હાંફળા ફાંફળા થઈને નદી કિનારા તરફ દોડ્યા.... ક્રિષાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો... એ ચિંતાગ્રસ્ત વદને મનોમન ભગવાનને હાથ જોડીને પ્રાર્થી રહી હતી.... બધા મિત્રો નદીમાં કૂદી પડીને નિશીથને શોધવા મથી રહ્યા હતા પણ ઘોર નિષ્ફળતા હાથ લાગી....

ક્રિષા હવે ચીસો પાડીને રડવા લાગી હતી... બધી છોકરીઓ એને શાંત પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી... પણ આ શું? અચાનક કંઈ એવું બન્યું કે ક્રિષાના ધબકારા વધી ગયા અને એ જોરથી ચીસ પાડી ઊઠી...

ક્રમશ:.......