અંકઃ ૧૩ મે, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..
જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!
વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
પુસ્તક્નું નામ : માતા-મહાતીર્થ
લેખક્નું નામ : રમણલાલ સોની
પ્રકાશક : સૌ.પ્રતિમા હેમંત મોદી, વિલે પાર્લે, મુંબઈ.
‘હેલ્લો સખીરી’ના વાચકોનો ખુબ ખુબ આભાર. આ મહીને ‘હેલ્લો સખીરી’ મેગેઝીન એક વર્ષનું થઇ રહ્યું છે ત્યારે, ‘હેલ્લો સખીરી’ની સંપાદક સખી કુંજલ પ્રદીપ છાયાને અને ટીમને ખુબ ખુબ અભિનંદન.
મે મહિનો કાળઝાળ ગરમીનો છે, પરંતુ આ મહિનામાં આપણી સૌની જિંદગીની શીતળ છાયા સમી ‘મા’નો મહિમા કરવા માટે એક દિવસ ઉજવાય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે એક દિવસ પુરતો નથી.... જિંદગી આખી એને સમર્પિત કરીએ તો પણ માતૃઋણ ચૂકવી શકીએ એમ નથી. એટલે આ વખતે મધર્સ ડે નિમિતે એક પુસ્તક વિષે આ વિભાગમાં લખવા માટે પસંદગી કરવાની આવી ત્યારે કોઈ એક મા-બાળક વિશેના પુસ્તકની પસંદગી કરવાને બદલે મેં ‘માતા-મહાતીર્થ’ પુસ્તક હાથમાં લીધું.
જેમાં લેખકશ્રીએ અસંખ્ય વિભૂતિએ પોતાની માતૃભક્તિની આરાધના કરી છે એવી કૃતિઓનું સંકલન કર્યું છે. કોઈએ કવિતા દ્વારા, કોઈએ લેખ દ્વારા, કોઈએ મા સાથેનો એક પ્રસંગ વર્ણવીને માનો મહિમા ગાયો છે. હવે મા કે મધર્સ ડે વિષે તો આપણે જાણીએ જ છીએ.. પરંતુ સાહિત્ય જગતના અને ફિલોસોફીના આદરણીય મા વિષે શું કહે છે એની વાત આજે અહી આલેખીશ.
લેખકશ્રી રમણલાલ સોની પોતાની વાતમાં કહે છે, “પ્રાચીન કાળથી આપણને એક દિવ્ય મંત્ર મળેલો છે કે आआ नो भद्रा: क्रतवो यन्तु विश्वतः| દશે દિશાઓની બારીઓ ખુલ્લી રાખો.
સારા વિચારો જ્યાંથી આવે ત્યાંથી આવવા દો.
તેમનો આદર કરો એ હિસાબે અહીં જગતભરના કવિઓ, દ્રષ્ટાઓ, માનુષીઓ એ જે માતાનું ગાન કર્યું છે, એ મહાસાગરમાં ડૂબકી મારી જે છીપલાં વીણ્યા છે એમાંથી આવડ્યું એ રીતે આ પુસ્તકરૂપી આભુષણ તૈયાર કર્યું છે.” તો ચાલો, વાંચીએ આ વિદ્વાનરૂપી મહાસાગરના છીપલાઓ પોતાના માતા વિષે શું કહે છે.
શરુઆતમાં લેખકે ગણેશજીનો માતૃમહિમા દર્શાવ્યો છે, ત્યાર પછી કવિ દલપતરામની કવિતા, મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળુ જ મા તું.” આ પંક્તિ તો આપણે સૌ સમજી જ ગયા. પરંતુ આ કાવ્યની એક પંક્તિ જે મને વધુ સ્પર્શી ગઈ,
“તથા આજ તારું હજી હેત એવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું!
- મહા હેતવાળી દયાળુ જ મા તું.” ----કેટલી સુંદર પંક્તિઓ, માનું હેત ગણિતમાં આવતું નથી, એની કોઈ ગણતરી હોઈ શકે જ નહિ.
ત્યારપછી કવિશ્રી નાન્હાલાલના કાવ્યનું રસપાન મને ગમ્યું. “દુ:ખ સુખ આવે રે તે સ્હેજો, માજીના ચરણકમળમાં રહેજો!
આ કાવ્યની એક અદભૂત પંક્તિ અહી દર્શાવાવનું ચૂકીશ નહિ. જે રીતે માનું વહાલ અગણિત છે એમ માની છાયા સવિશેષ છે.
“સુખડા તરતા રે રૂડા છે;
દુ:ખડા પાછળ રે ઊંડા છે:
માજીના ઊંડા રૂડા રે સંદેશ છે.”--- સુખ દુઃખ સહીને એમાં જે સંદેશ છુપાયેલો છે એ સમજો, એ આ પંક્તિમાં વ્યક્ત થાય છે. અને એટલે મા એ સહન કરવાનું કહે છે.
અમુક પ્રકરણોમાં દૈવિક પાત્રોની મા વિષે પણ લેખકશ્રી એ દર્શાવ્યું છે માતા કૌશલ્યા, માતા જસોદાના વિલાપનું કાવ્ય, શ્રવણની મા,નારદજીની મા,પ્રહલાદની મા,રાજા પરીક્ષિતની મા, વિષે પણ એક એક પ્રકરણ આલેખાયું છે. પરંતુ આ બધા વિષે આપણે સૌએ પુરાણોમાં વાંચ્યું છે.
અરવિંદના શ્રી માતાજી, મા આનંદમયી, મા શારદાદેવી, વિષે પણ આપણને સૌને અલગ અલગ પુસ્તક વાંચવા મળે જ છે.
હવે જે આપણા સમયમાં થઇ ગયેલા સાહિત્યકારો પોતાના મા વિષે શું કહે છે એ જાણવું આપણને સૌને ગમશે. જેમને વાંચીને આપણે સૌ મોટા થયા, જેમને વાંચીને જિંદગીની સરળતા સમજ્યા એવી વ્યક્તિઓની માતા કેવી હશે એવું કુતુહલ આપણા મનમાં સર્જાયા વગર રહે નહિ. તો ચાલો, આપણે શબ્દદેહે જે વ્યક્તિઓને ઓળખીએ છીએ એ પોતાની માતા વિષે શું કહે છે એ જોઈએ.
ઝવેરચંદ મેઘાણીની મા વિષેની જગજાહેર રચનાનો અહી ઉલ્લેખ ન હોત તો આ પુસ્તક હું અધૂરું જ ગણું, “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, પીધો કસુંબી નો રંગ, --હો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.” પણ લેખકે અહી એમની બીજી એક રચના દર્શાવીને મારું મન જીતી લીધું. મા પોતાના બાળકને કહે છે; “તારામાં આવડી લાલપ(લાલાશ) ક્યાંથી આવી? ત્યારે જવાબમાં મેઘાણીજી કહે છે, કે હું ને હરિ રમતા’તા ત્યારે હું ત્યાંથી લપસ્યો અને તે મને ઝીલી લીધો, તારા ઉરની લાલીએ મને લાલમલાલ કર્યો.” આ વાંચીને હું એક બાળક બની ગઈ, ને હું પણ લાલમલાલ થઇ ગઈ.
ત્યારપછી આપણા જાણીતા માનીતા લેખક શ્રી જોસેફ મેકવાનએ મા વિષે લખતા કહે છે, “ મા, હું ત્રણ વર્ષનો હતો ત્યારે ગુમાવી, પરંતુ માના ચહેરાની લકીર હું ભૂલ્યો નથી આજે પણ એના ચહેરા પરની દરેક રેખા એક ચિત્રકાર જેમ ચીતરી શકું છું.”
આપણા સાથે સવાયા ગુજરાતી થઇને રહ્યા એ ફાધર વાલેસ લખે છે, એ એમની માતાની બીમારીના દિવસોમાં ડોકટરના કહેવાથી એમની માતા સાથે રહેવા ગયા ત્યારે ડોક્ટર પણ આ પુત્ર-હાજરીની સારવારથી અચંબિત થઇ ગયા હતા કે માત્ર દીકરાની હાજરીને કારણે રોગમાં આટલો ઝડપી સુધારો થઇ શકે. માતાના સાજા થયા પછી એ ભારત પાછા આવ્યા ત્યારે ફાધર એમની સાથે હતા ત્યારે જ માએ એમને લખેલો પત્ર ઘરમાં પડ્યો હતો, અને એમાં લખ્યું હતું કે હવે હું ખુબ સંતોષ અને શાંતિથી મારા મરણને સ્વીકારીશ.
મકરંદ દવે, કોઈપણ સુજ્ઞ વાચક એક આદરભાવથી એમને ઓળખે છે. એક દૈવી આત્મા. એમના બા ઘણા વર્ષ બીમાર રહ્યા. એમની સેવામાં મકરન્દભાઈ ખડે પગે રહે, એ ફકીર આત્મા ગાંઠમાં કઈ ન હોય તો પણ માની ચાકરી માં કોઈ કસર ન રહેવા દેતા. એક વખત એ બીમાર હતા અને માની તબિયત બગડી, પોતાની બીમારી ભૂલીને માની સેવામાં લાગી ગયા.
ઈશ્વર પેટલીકરની “લોહીની સગાઇ” વાર્તાનો ઉલ્લેખ આ પુસ્તકમાં આંખ ભીંજવી ગયો. એક મા પોતાની ગાંડી દીકરી મંગુને પોતાની અવસ્થાને કારણે અને ગામમાં બીજી એક દીકરી પાગલના દવાખાનેથી સાજી થઈને આવી હોવાથી દવાખાને દાખલ કરવા તૈયાર થાય છે, અને મૂકી પણ આવે છે પરંતુ સંતાનનો વિયોગ મા માટે કેટલો દુઃખદાયક હોય છે કે બીજે જ દિવસે સવારે, એ મંગુની જમાતમાં ભળીને પાગલ થઇ જાય છે. આ છે માતૃમહિમા.
આવું તો વાંચવું ગમે એવું ખુબ છે આ પુસ્તકમાં.
‘માતા-મહાતીર્થ’ આ પુસ્તક નો આસ્વાદ મારા જેવા અનેક સંતાનો અને એની માતાઓને પ્રણામ સાથે સમર્પિત.