Prempatra in Gujarati Letter by Sultan Singh books and stories PDF | પ્રેમપત્ર... (letter to love)

Featured Books
Categories
Share

પ્રેમપત્ર... (letter to love)

Sultan Singh

raosultansingh@gmail.com

સંબોધન તમને ગમે એ,

તમારા કરેલા પ્રશ્નોના મારી પાસે કદાચ કોઈ જવાબ નથી. શા માટે? કેમ? અને ક્યારે? એની પણ મારી પાસે કોઈ ચોક્કસ ખાતરી નથી પણ મારે થોડીક વાતો તમારી સાથે જરૂરી કરવી છે.

પ્રથમ વખતે અચાનક એ દિવસે અંધેરી સ્ટેશન પાસેની કપડાની દુકાનમાંથી બહાર નીકળતી વખતે આપણે સામસામે આવતા અથડાયા હતા. હું પડતા પડતા માંડ બચી હતી અથવા અચાનક તમે મને પડતા પડતા પકડી લીધી હતી. તમને ખબર હશે એમજ એ સરકતો હાથ અને અનુભવાયેલો સ્પર્શ એ સમયની લાગણીઓ દર્શાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આપણે એ દિવસે નાની અમથી ઓળખાણ કરેલી સુનંદા મેં મારું નામ કહ્યું પણ તમે ત્યારે માત્ર સ્મિત આપ્યું. હું હજુય કંઇક વિચારમાં હતી, પ્રથમવાર કોઈએ મને એટલા માનથી બોલાવી જેટલું એક પુરૂષે સ્ત્રીને ખરેખર માન આપવું જોઈએ અને પછી મને ચા પીવા બાજુની કીટલી પર આમંત્રણ પણ આપ્યું. હું કઈ પણ વિચારીને ના કહી દઉં એ પહેલા મારી લાગણીઓનો ધોધ મને તમારી સાથે દોરી ગયો. એ નાની હોટલના ટેબલ ખુરશી પર બેસી આપણે એ દિવસે જ્યાં ચા પીધી એ જગ્યા. હા એજ... અજેય ઘણી વાર ત્યાં હું જઈ આવું છું, લાંબો લાંબો સમય ત્યાં બેસીને ચા પીધા કરું છું ક્યારેક ચાર કપ તો ક્યારેક પાંચ પણ થઇ જાય છે. પણ, જો એ જગ્યા ના મળે તો હું ત્યાંથી નીકળી જાઉં છું મને ત્યાં સિવાય ક્યાંય બેસવું નથી ગમતું. ઘણી વખત એવું લાગે છે જાણે મારી દુનિયા એ ટેબલ ખુરશીના ઘેરાવામાં બંધાઈ પડી છે પણ... મારી આંખો જાણે એ વાત માની નથી શક્તિ બસ તમારા આવવાની આ આંખો એ ટેબલના સહારે મંડાઈને રાહ જોયા કરે છે.

અચાનક મારા જીવનમાં એક વિચિત્ર વંટોળ જાણે આવી ચઢ્યું હોય એવી એ સમયની લાગણીઓ હતી. દિલના સૂકાભઠ્ઠ રણમાં કદાચ પ્રથમ વખત વડલો ઘેરાઈ આવ્યા હતા. હું એજ કામના કરવા માંગતી હતી કે આ વરસાદ એક વાર વરસી જાય અને હું એમાં ભીંજાઈ જાઉં પણ... એ અશક્ય હતું કેમ કરીને એ મારે કહેવું એ મને સમજાતું ના હતું. અચાનક જાણે એ સુકા રણમાં ચાલતા ગરમીના હાહાકારમાં એક ઠંડી લહેર અડકતા અનુભવાય એવો આનંદ થઇ આવેલો તમારા એ ટકરાવ માત્રથી. પણ મારા માટે એ લહેર પણ મૃગજળ જેવીજ હતી કદાચ રણમાં રહેતા લોકો જેમ મૃગજળના જળથી ટેવાઈ એમ હું પણ ટેવાઈ ચૂકી હતી. તેમ છતાં મને એ મૃગજળ પાછળ દોડવાની ઈચ્છા થઇ આવી શા માટે હું ના દોડી, મારે એમાં ખોબા ભરી લેવા જોઈતા હતા પણ... મારા જીવનનો સુકો પટ એ પાણીને મારી નજીક પણ નહીં જ આવવા દે હું એક રેતાળ વંટોળ જેવી બની ચૂકી છું મારું જીવન ધૂળની ડમરી સિવાય કઈ આપી શકે એવું નથી કદાચ એટલે તમને કઈજ કહેતા પહેલા મારી સ્વરપેટી બંધાઈ ગઈ હશે. આપણે એ અંધેરી સ્ટેશનની મુલાકાત બાદ પણ લગભગ ચારેક વાર મળ્યા તમારા ઇશારા પણ મને સમજી જવાતા હતા, તમારી આંખો હું સમજી શકતી હતી, કદાચ, એક માત્ર વ્યક્તિ જેણે મને અહેસાસ કરાવ્યો કે શું સુંદરતા હોય છે લાગણીઓની અને શું એની પવિત્રતા હોય છે. અદભુત એ દિવસ, એ પળ અને... અને... મારા જીવનમાં તમે... પણ... બસ કદાચ હવે આપણે એક બીજાને ભૂલી જઈશું, ના એ કેમ બને આપણે કોશિશ કરવી પડશે, હા એજ... એ... ખુબજ જરૂરી છે. છૂટકોજ નથી એના વગર કદાચ મારો અને તમારો આ ટૂંકો સાથ યાદગાર બની રહે એજ ઉચિત છે એને આગળ વધારતા કાળા પડછાયા સિવાય કઈ પામી શકાવાનું નથી.

“પ્રેમ...” કદી મેં જોયો નથી, અનુભવ્યો નથી કે સમજી પણ શકાયો નથી એવો શબ્દ છે આ. મારા માટે કદાચ પણ તેમ છતાંય જ્યારે તમારો સાથ માણ્યો એટલે જ મને ખબર પડી કે કદાચ પ્રેમ આવો હશે. પણ આટલો નિર્મળ હોઈ શકે એની મેં જીવન ભર કલ્પના પણ નહોતી કરી, કરીશ પણ નઈ, અને સાચું કહું તો હું એને હકદાર પણ નથી. હું મારા જીવનના કાળા પડછાયા તમારા જીવન પર નહી પડવા દઉં. કદાચ તમે છેલ્લી મુલાકાતમાં જે કહ્યું એ મારી અસલિયત જાણ્યા વગર કરેલો નિર્ણય હશે પણ હું તો બધું જાણું છું એ કેવી રીતે એનો સ્વીકાર કરી શકું. કેવી રીતે... એક વેશ્યા... અને તમે... મારાથી કઈ કહેવાય એવું નથી... બસ આટલું વાંચ્યા પછી મને ભૂલી જશો એજ ઠીક રહેશે તેમ છતાંય હજુ કોઈ જિજ્ઞાસા હોય તો આગળ વાંચજો...

એ દિવસ મારા માટે સૃષ્ટિનો સૌથી આનંદનો અને અમૂલ્ય દિવસ હતો અને કદાચ એની યાદો આજે એટલીજ ભયાનક પણ. મને એ પળે પળ યાદ છે એ હોટેલ, એ ટેબલ, અને એ મીણબત્તીનું આછું અજવાળું... આમતો મારા માટે આવા રંગો કઈ નવા નથી પણ આજે પ્રથમ વખત હું ત્યાં મારા દિલના અવાજે આવી હતી બસ એની ખુશી હતી. મને પ્રથમ વખત મારી સામે ગોઠવાયેલી બે આંખોમાં હવસ નઈ પણ લાગણીઓનો વહેતો ધોધ દેખાતો હતો. મારું દિલ આજે પ્રથમ વખત આટલું જોર જોરથી ધડકતું હતું. આજે પ્રથમ વખતે મને મારા શરીરના નીચોડાઈ જવાની બીક સતાવતી ના હતી. અને એમાંય એ વખત તો કદાચ મારા નીકળતા છેલ્લા શ્વાસ સમયે પણ મને યાદ રહેશે... તમે જમતા જમતા મારી સામે નજર નાખતા હતા મારૂ મન કેટલાય તર્ક કરતું પણ મારું દિલ તમારી આંખોની પારદર્શકતા જોઈ શાંત બની જતું હતું. તમે સીધાસાદા હતા એ હું જાણતી હતી પણ હું કેમ તમને ફસાવતી હતી એ મને નથી સમજાતું મને કોઈના જીવન સાથે રમત રમવાનો કોઈ હક નથી તેમ છતાં શા માટે...? ભલે તમે મારા વિષે કઈ ના જાણો પણ હું તો... પણ, કેમ હું મારા દિલના અરમાનો સામે હારી જતી હતી, તમારો સાથ મને મીઠો લાગતો હતો. મારું મન બધી હકીકત કઈ દેવા તડપતું હતું... હું કહી દેવા માગતી હતી પણ...

અચાનક તમે ખિસ્સામાંથી કંઇક કાઢ્યું એ લાલ ડબી મેં ઘણી વાર જોયેલી હતી એમાં લોકો કદાચ વીંટી લાવતા પણ મારા માટે કોઈએ એવું કઈ કદી લાવ્યું ના હતું. મળતું તો બસ મારી મહેનતનું ફળ કેટલીક હવસના કુંડામાં ભીંજાયેલી કાગળની નોટ, અશ્લીલ શબ્દો અને એમની હવસ ભરી નઝરો. હું કઈ બોલું એ પહેલા તમે એ રીંગ મારી આંગળીમાં પહેરાવી દીધી. કદાચ મારે ઘણું બધું કહેવું હતું પણ એ ડાયમંડની ચમક મારા શબ્દો પર એવો પ્રકાશ ફેંકી ગઈ કે હું કઇ બોલી ના શકી. તમે મને અચાનક લગ્ન માટે પ્રપોઝ કર્યું અને છેલ્લે મારી મુશ્કેલી વધારવા મારા વગર ના જીવી શકવાની વાત કરી... મારે કેમ સ્વીકારવું એ પ્રશ્ન મને તડપાવતો હતો એટલે જ મેં ત્યાંથી ચાલતી પકડી અને પછી જવાબ આપવા કહ્યું. કેવી રીતે એમ કહી દેતી કે હું તમારા લાયક નથી, મારી જીભ પણ કઈ રીતે ઉપડે. તમારી સામે બોલવું મારા માટે અશક્ય હતું પણ તમારી જીંદગી બગાડું એટલો અધિકાર મને નથી.

વધુ લખવાનો સમય નથી હું બધું છોડીને જઈ રહી છું મારી સચ્ચાઈ કહ્યા વગર જઈશ તો તમને જીવનમાં કેટલાક પ્રશ્નો કાંટાની જેમ ચુભતા રહેશે અને વેદના ઉપજાવસે પણ, મારા ગયા પછી કે મારા હોતા તમને દુખી કરવા હું નથી માગતી. મારી હકીકત કદાચ તમને દિલના સોસરવી નીકળશે પણ મારે કહેવું પડશે... મારા સ્વમાનની કે મારા અસ્તિત્વની કોઈ કીમત નથી, જેને તમે જીવન સંગીની તરીકે સ્વીકારવા રાજી હતા એ કેટલાના બિસ્તરો સજાવી ચુકેલી છે. મારી લાજની કીમત માત્ર ૧૦૦૦ રૂપિયા જેટલી જ છે આ સંસાર મને રાત માણવા પુરતી કાબેલ સમજે છે. અને આ સમાજ મારા પડછાયા પાડવા માત્રથી પણ તમને સુખ ચેનથી જીવવા નહિ દે. અને મને પહેલી વખત પ્રેમની ભાષા સમજાવનાર વ્યક્તિનું જીવન મારાથી કેમ બરબાદ કરી શકાય... હું જઇ રહી છું દુનિયાથી દૂર... તમે હમેશાં ખુશ રહો એટલીજ આશા...

મને સાચે જ પ્રેમ કર્યો હોય તો કોઈદી મારી પાછળ એક પણ આંસુ ના સરવા હું વિનંતી કરું છું. તમે હમેશાં ખુશ રહો એટલેજ હું જઈ રહી છું એટલે તમે મને આ દુનિયા છોડ્યા પછી પણ નિરાશ નઈ કરો એવી અપેક્ષા...

મારા જીવનની અંતિમ ક્ષણે પણ જો કોઈ ચહેરા પર ખુશી જોવાની દિલમાં ઝંખના હશે તો એ ચહેરો માત્ર ને માત્ર તમારો હશે...

તમે સ્વીકારેલી પણ દુનિયાએ ધીક્કારેલી,

સુનંદા.