Kartavy in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | કર્તવ્ય

Featured Books
Categories
Share

કર્તવ્ય

**કર્તવ્ય**

આજે તો સુગંધાનો હરખ સમાતો જ નહોતો. અરીસા સામે ભાગ્યે જ ઊભી રહેતી સુગંધા આજે ક્યારની અડીંગો જમાવીને ઊભી હતી. સપ્રમાણ દેહ, ગૌરવર્ણ, ૫ ફૂટ ૩ ઈંચની ઊંચાઈ, કથ્થઈ આંખો, આછા સોનેરી ગોઠણ સુધી લંબાતા કેશુ, તીખું નાક અને ગુલાબની પાંદડી જેવા હોઠની સામ્રાજ્ઞી એવી સુગંધા આજે ચપોચપ પહેરેલા ગુલાબી રંગના ચૂડીદાર-કુર્તા અને ડાર્ક ગુલાબી રંગની ફૂલોની ડિઝાઈન વાળી ઓઢણી સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

“બા, જુઓ હવે આ છોકરીને મોડું થાય છે...?? મને પાંચ વાગ્યામાં ઉઠાડી દીધી ને હવે બેનબા અરીસા સામેથી હટવાનું નામ જ નથી લેતાં....” નિરૂપમાબેન મીઠો છણકો કરતાં બોલ્યા.

“વહુ, તમે પણ હું....?? જુવાન છોડી છે તો થોડી તયાર બયાર તો થાય કે નંઈ...???” જમનાબા આંખ મિચકારતા બોલ્યા.

પોતાની જાતમાં જ ખોવાઈ ગયેલી સુગંધાને આસપાસ પોતાની મમ્મી અને દાદીમાની હાજરીનું ભાન થતાં થોડી ખચકાઈને બોલી, “યુ નો, આજે મારા માટે મોટામાં મોટો દિવસ છે. આજે અમારી કૉલેજમાં વાર્તાનો સેમિનાર છે અને એના મુખ્ય વક્તા તરીકે મશહુર નોવેલિસ્ટ કમ ગ્રેટ સોશિયલ વર્કર શ્રીમતી. કેતકી કેવલ ઈનામદાર પધારવાના છે.... માય ફેવરિટ કે. કે. ઈ. મેમ... એટલે જરા ફાઈનલ ટચ અપ તો બનતા હૈ ના....??” માતાને વીંટળાઈને ચૂમી ભરતા સુગંધા બોલી અને બોલતી વખતે એના ડાબા ગાલમાં પડતું ખંજન આજે જાણે વધારે ઊંડુ બની ગયેલું લાગતું હતું.

“એ તો બધું ઠીક પણ યાદ છે ને તને ગઈકાલે રાત્રે કહેલી વાત...?? જો તારા ભણવાનું આ છેલ્લું વરસ છે અને તારા દાદીમાની ઈચ્છા છે કે, એમની હયાતિમાં તું પરણીને ઠરીઠામ ......”

વચ્ચે અટકાવતાં સુગંધા બોલી, “ઓહ મમ્મી!! નો નોટ અગેઈન... મને હજી વિચારવાનો સમય આપ. બટ, નાઉ મને બહુ જ મોડું થાય છે. કે. કે. ઈ. મેમ આવી જશે અને હું એમનો એક પણ શબ્દ મીસ કરવા માંગતી નથી સો, ફોર નાઉ બાય.. બાય.. એન્ડ જેશ્રીકૃષ્ણ ટુ બોથ ઓફ યુ...”

******************

“મમ્મી.. દાદી.... ક્યાં છો તમે બંને...??? આ જુઓ તો ખરાં, મને કેવો ખજાનો મળ્યો છે..??” સેમિનારમાંથી પરત આવતાંવેત જ હરખાતા હૈયે સુગંધા બોલી.

“હું થ્યું બકા..?? લાય બતાય એવું તે હું મલી ગ્યું વળી તને...??” જમનાબા બોલ્યા.

“ઓ દાદીમા... મારા દાદીમા... મને સ્વર્ગ મળી ગયું સ્વર્ગ.....”

“હેં.... સરગ...??? એટલે...??”

“દાદી સ્વર્ગ એટલે કે. કે. ઈ. મેમ દ્વારા લખાયેલ ઉપન્યાસ અને એ પણ એમના સિગ્નેચર સાથે. ઓ.. દાદી.. આ મારા માટે કોઈ ખજાનાથી કમ થોડી જ છે..?? શું લખે છે કેતકીમેમ કહેવું પડે બાકી...!! હું તો એ જ નક્કી નથી કરી શક્તી કે, એમની કલમમાં વધુ તાકત છે કે એમની વાણીમાં...??? અરે!! આજે તો જલસો જ પડી ગયો. આજે એમણે વૃધ્ધાશ્રમ પર લખેલી બુક ‘સ્વર્ગ’નું વિમોચન કર્યુ ને સાથે સાથે એની અંદરના લખાણની છણાવટ પર કરી. ઈટ’સ સો વંડર ફૂલ..... યા..........” મમ્મી અને દાદીને અપલક નયને તાક્તા મૂકીને સુગંધાએ પોતાના રૂમ તરફ જવા પ્રયાણ કર્યુ અને જતાં જતાં ટહૂકો કરતી ગઈ,

“અને હાં.... મમ્મી આવતીકાલે તો મને આજ કરતાં પણ વહેલી ઉઠાડજે. બીકોઝ, આવતીકાલે કે. કે. ઈ. મેમના સાસુજીના નામે બનેલા ‘કાંતાબેન હરિભાઈ ઈનામદાર મેમોરિયલ સ્વધામ વૃધ્ધાશ્રમ’નો વાર્ષિકોત્સવ છે અને એ ફંકશનમાં અમારી કૉલેજનું ગ્રુપ પણ પરફોર્મ કરવાનું છે અને યુ કાન્ટ બિલીવ કે, એ ગ્રુપની લીડર કેતકીમેમે મને બનાવી છે. વાઉ... વોટ અ ગ્રેટ ચાન્સ ફોર મી...... યી..પી...પી...”

“બા....આ છોકરી ક્યાંક ગાંડી ન થઈ જાયતો સારું ઓ’લી લેખિકા પાછળ.” નિરુપમાબહેને ચિંતાતુર સ્વરમાં કહ્યું.

“અરે!! વહુ બેટા, આ તો બધા જુવાનીના ઊભરા છે એમાં ગભરાવા જેવું કશુંયે ના હોય. હાલ હવે મારા મંદિરે જવાનો ટેમ થઈ ગયો છે. હું જાઉં છું તારે, જેશીક્રષ્ન.” સાસુ-વહુ ઓછા અને માં-દીકરી વધારે એવા સુમધુર સંબંધો ધરાવતી આ બંને સ્ત્રીઓ જોકે સુગંધાના વહેવારથી ચિંતાતુર તો હતી જ પણ જમાનાના પાધેલ એવા જમનાબા દેખાવ નહોતા દેતા.

*************************

“આ તું હું બોલે છે છોડી.....????”

“જો દીકરા, તું અમારી એક ની એક દીકરી છે અને.....અને તું.. તું.. આવો નિર્ણય.... કેમ.....?????”

“જો સુગંધા, મારી વાત માન..... આવા બધા ભાષણ-બાષણ તો ખાલી સાંભળવા માટે હોય એનો આમ જીવનમાં અમલ કરવાનો ન હોય.......”

“ખબર નંઈ ઓ’લી કૈકેયીએ હું ભૂરકી છાંટી દીધી છે આ છોડી પર…?? હે!! મારા પરભુ તું જ કાંઈ રસ્તો હુજાડ..... મારા વા’લા......”

વારાફરતી ઘરના તમામ સભ્યોએ સુગંધાને મનાવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા, પણ સુગંધા...... એતો ટસની મસ ન થઈ. પોતાના છેલ્લા વર્ષનું ભણતર કોરાણે મૂકીને તે વૃધ્ધાશ્રમની વાટે ચાલી નીકળવા તત્પર બની હતી. કેતકી ઈનામદારની સચોટ વાણી અને વૃદ્ધોની સેવા-ચાકરી અને જાળવણી અંગેની જલદ શૈલી સુગંધાના હ્રદય સોંસરવી ઉતરી ગઈ હતી અને એટલે જ એણે તમામ સુખ-સુવિધાઓ ત્યાગીને પૂરા હ્રદય, મન અને શ્રદ્ધાથી વૃદ્ધોની સેવા કરવા માટે ભણતરના બલિદાનની સાથે સાથે આજીવન કુંવારા રહેવાનો માર્ગ પણ અપનાવવાનો નિર્ણય લીધો હતો. એક્ની એક દીકરીના આવા પગલાથી દિગ:મૂઢ બનેલા નિરૂપમાબેન અને નવિનભાઈએ ફરી પાછી એક વખત સુગંધાને સમજાવવાની મથામણ કરી.

“જો બેટા, તું તારું કર્તવ્ય નિભાવવાની વાત કરશ તો એ તું લગ્ન પછી પણ નિભાવી શકીશ. વારે તહેવારે વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની સેવા કરી શકીશ અને હા.... સૌથી મોટી વાત કે, ઘરમાં તારા વડીલો હશે એમની સેવા દ્વારા પણ તું અનેરો આનંદ અને કર્તવ્ય પરાયણતાનો ભાવ મેળવી શકીશ.”

“સુગંધા દીકરા, તું તારું કર્તવ્ય સુપેરે નિભાવી શકે એ માટે તું અમને અમારા કર્તવ્યથી કેમ વંચિત રાખી શકે..?? દુનિયામાં કન્યાદાનથી ઉત્તમ કોઈ જ દાન નથી તો તારા મમ્મી-પપ્પાને તું આ દાનથી વચિંત કેમ રાખી શકે......??” નવિનભાઈ ગળગળા સાદે બોલ્યા.

“જુઓ મમ્મી-પપ્પા, આ મારો આખરી અને અફર નિર્ણય છે અને આ નિર્ણયને હવે કોઈ પણ બદલી શક્શે નહીં. કેતકીમેમના એક એક શબ્દ, એક એક વાક્ય મારા હ્રદયમાં હમેંશ માટે અંકિત થઈ ગયા છે માટે હવે બીજી કોઈ પણ વાત કે ઘટનાનો કોઈ અવકાશ જ નથી રહેતો.” ઉપસ્થિત તમામને વિસ્ફારિત નયને તાક્તા મૂકીને સુગંધા ઘરનો ઊંબરો તો વળોટી ગઈ અને સાથે સાથે શું કરવું ને શું કરવું ની અવઢવ પણ પાછળ મૂક્તી ગઈ.

************

ઘરમાં આજે વાતાવરણ ફરી પાછું તંગ બનેલું જણાતું હતું. સુગંધા લગભગ ત્રીજા વિશ્વ યુધ્ધની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું હતું.

“ઓ... ફ... ઓ... તમે લોકો મારી પાછળ શું કામ પડી ગયા છો??? મેં કીધું ને કે આવતીકાલે હું મારો સામાન લઈને ‘સ્વધામ વૃધ્ધાશ્રમ’ માં હમેંશા હમેંશાને માટે જઈ રહી છું. ત્યાં રહીને હું સેવાશ્રમ શરૂ કરવાની છું. તો પછી આ છોકરાને.....”

“સુગંધા, તારા માથા ઉપરથી આ ભૂત ક્યારે ઉતરશે બેટા, લગ્નની ઉંમર વીતી જાય પછી....??? જો બેટા, તું છોકરાને એકવાર મળી તો લે, વાત તો કરી લે, એને તારો તો નિર્ણય સંભળાવી લે પછી તારે જે કરવું હોય તે.....”

“મારે કોઈને મળવુંએ નથી ને કાંઈ કહેવુંએ નથી, તું એ લોકોને ફોન કરીને ના કહી દે જે કે અહિંયા આવીને ધરમ ધક્કો ખાવાની કોઈ જરૂરત નથી. મારું ડિસીઝન ફાઈનલ છે. અને હાં...અત્યારે હું મેમની ઓફિસે જાઉં છું. મારે થોડા પેપરવર્ક ક્મ્પ્લીટ કરવાના છે. જેશ્રીકૃષ્ણ..” નિરૂપમાબેનની આંખોમાં આસું મૂકીને સુગંધા સડસડાટ દાદરો ઉતરી ગઈ.

***************************

“આવો આવો... બા... આને પોતાનું ઘર જ સમજો. અહિંયા તમે શાતિંથી રહી શક્શો. તમને ચિંતા કરવાની જરૂર નથી. અહિંયા તમને કોઈ તકલીફ નહીં પહોંચાડે. મમ્મી... દાદીમા.... બહાર આવો તો....” સુગંધાએ બૂમ પાડતાં કહ્યું.

સાસુ-વહુએ બહાર આવીને જોયું તો સુગંધા પોતાની સાથે એક ૭૦ થી ૭૫વર્ષની વૃધ્ધાને લઈ આવી હતી. ચિંથરેહાલ કપડાં, ગળામાં કાળો દોરો, આંખે તૂટેલા ચશ્મા અને હાથે વળી ગયેલી લાકડી સાથે એ વૃધ્ધા કાંપી રહ્યા હતા. પેટ જોતાં લાગતું હતું કે દિવસો સુધી એના પેટમાં કશું પડ્યું જ નથી.

“આ કોણ છે બેટા...??”

“મમ્મી, હું મેમની ઓફિસેથી આવતી’તી ત્યારે આ બા મને પાછળના રોડ પર મળ્યા. એ ખુલ્લામાં સૂતા’તા ને એમની પાછળ કૂતરા પડ્યા એટલે બિચારા બહુ જ ગભરાઈ ગયા છે કાંઈ બોલવાની સ્થિતિમાં ન જણાતાં હું એમને અહિંયા લઈ આવી. ચલો, જે કામની શરૂઆત કાલથી કરવાની હતી એનો શુભારંભ આજથી જ થઈ ગયો... થેંકસ મેમ...” આંખોમાં અનેરી ચમક સાથે સુગંધા બોલી.

સુગંધાની સાથે આવેલા એ વૃધ્ધાને નિરૂપમાબેને પ્રેમથી જમાડ્યા, જમનાબાએ પોતાના કપડા આપ્યા અને સુગંધાએ શાલ ઓઢાડીને એમને સ્વસ્થ કર્યા. કલાકેક બાદ એમના મોં પર શાંતિ અને સંતુષ્ટતાના ભાવ દેખાતા સુગંધાએ પ્રેમપૂર્વક એમને પૂછ્યું,

“બા, તમે કોણ છો..?? ક્યારથી આમ રસ્તા ઉપર રહોછો..?? શું તમારું આ દુનિયામાં કોઈ નથી...???”

“દીકરા, મારા માટે તો બધા છે આ દુનિયામાં પણ એમના માટે હું ક્યાં છું હવે આ દુનિયામાં...?? મારી હાજરી ‘એને’ નડતી’તી એટલે જ તો મારા સગ્ગા દીકરાએ મને.....” આગળના શબ્દો એ વૃધ્ધાના રૂદનમાં તણાઈ ગયા.

“એટલે.... એમ કે, તમારા ઘરના સભ્યોએ પોતાનું કર્તવ્ય ભૂલીને તમને આમ રસ્તે રઝળતાં કરી દીધા...??? ધીસ ઈઝ ટુ મચ... બટ નો પ્રોબ્લેમ, આમ પણ હું આવતીકાલથી ‘સ્વધામ વૃધ્ધાશ્રમ’ ખાતે સેવાશ્રમ શરૂ કરી જ રહી છું અને મેમને કહીને ત્યાં તમારા રહેવાની વ્યવસ્થા કરાવી દઉં છું... આઈ એમ શ્યોર કે મેમ ના નહીં જ પાડે... હું હમણાં જ એમને કૉલ કરીને પૂછી લઉં છું.”

“હલ્લો... મેમ... હું સુગંધા.......” ફોન ઉપર એ વૃધ્ધાની તમામ હકીકતથી કેતકી ઈનામદારને વાકેફ કરીને એમનું સ્થાન ‘સ્વધામ વૃધ્ધાશ્રમ’માં પાક્કું કર્યા બાદ કેતકી દ્વારા પૂછાયેલા આખરી પ્રશ્ર્નનો જવાબ મેળવવા સુગંધાએ મોબાઈલને સ્પીકર પર રાખીને એ વૃધ્ધાને સવાલ પૂછ્યો,

“બા... તમારું નામ.... મેમ તમારું નામ પૂછે છે.”

“મારું નામ કાંતા, કાંતા હરિભાઈ ઈનામદાર.....”

અને............ એ જવાબ સાંભળતા જ સામેની બાજુએ સોંપો પડી ગયો અને સુગંધાનો અવાજ ફાટી ગયો..... “શું...... કાંતાબેન યુ મીન કેતકી મેમના સા.... સુ.......????”

********************************* અસ્તુ ***********************************