(સાહિત્યકાર શ્રી ઉમિયાશંકર ઠાકર લિખિત)
બાલ નાટિકાઓ
સંપાદકીય
માતા પિતા અને શિક્ષકોએ બાળકોના સંસ્કાર ઘડતર માટે વિનય, વિવેક, આચાર વિચાર, નીતિ નિયમો, સંપ સહકાર, એકતાની ભાવના, દેશને માટે કંઇક કરી છૂટવાની તમન્ના તેઓના દિલમાં જગાવવા પ્રયત્ન જરૂર કરવો જોઇએ. પણ આજે ઘરે ઘરમાં ટી.વી. મોબઇલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે આવવાથી બાળકો તેમાં જ રચ્યા પચ્યા રહે છે. જો તેનો પોતાના જીવનને ઉન્નત બનાવવા માટે ઉપયોગ કરી, કંઇક નવું હાંસલ કરે તો જીવન સુખ, શાંતિ અને સંતોષભર્યું બનાવી રહે. નહિ તો પછી તે સાધનોનો ખરાબ ઉપયોગ કરી, ખોટી સંગતે ચઢી, જીવન બરબાદ બનાવી રહે તેવું ન બને તે માટે માતા પિતાએ અને શિક્ષકોએ તેઓને સારા ઘડતર અને સાચા રસ્તે દોરવા સારા પુસ્તકોના વાંચનની બાળકોમાં ભૂખ ટેવ હવે જગાડવી જ રહી.
મેં ખેડા જિલ્લાના અને આણંદ શહેરના ખ્યાત જૂની પેઢીના કવિ, લેખક અને બાળ સાહિત્યકાર ઉમિયાશંકર ઠાકરના પાંચ ભાગમાં બાલ કાવ્ય સંગ્રહો સન - ૨૦૦૭માં પ્રકાશિત કર્યા હતા. તે પુસ્તિકાઓ બાળકો અને નવોદિત સર્જકોને ખૂબ ઉપયોગી બની હતી. અને તેઓ તરફથી ઘણો સારો આવકાર મળ્યો હતો.
આજે તે જ બાળસાહિત્યકાર ઉમિયાશંકર ઠાકરના ૫૦- ૬૦ વર્ષ પૂર્વે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી બાલ નાટિકાઓ, બાલ સંવાદો અને બાલ વાર્તાલાપો પ્રસારિત થયેલા તેનું મેં સંપાદન કરી, બાલ ગ્રંથાવલી શ્રેણી અંતર્ગત પ્રકાશિત કરી, પિતૃઋણ અદા કર્યાનો આનંદ અનુભવું છું.
બાળકો ઉપરોક્ત પુસ્તિકાઓ વાંચે, વિચારે અને આચરણમાં મૂકી, પોતાનું જીવન ઘડતર સંસ્કાર અને વિકાસ કરી, જીવન ઉન્નત બનાવી, સારા નાગરિક બની, અન્યને મદદરૂપ થઇ જીવન સાર્થક બનાવે તેવી અંતરની ઇચ્છા.
જગદીશ ઉ. ઠાકર
૩૩ કૃષ્ણ હા.સોસાયટી
૨૨ગામ વિદ્યાલય પાછળ
વલ્લભવિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
ફોન.નં. - (૦૨૬૯૨) ૨૩૪૮૩૩
લેખકનો પરિચય
જગદીશ ઉ. ઠાકર (સ્.છ)
જ.તા. ૨૭ - ૧ - ૧૯૪૧
કવિ, લેખક, લઘુકથાકાર
સાહિત્ય સર્જન
૧. ગંગતરંગ (કાવ્ય સંગ્રહ)
૨. શ્રદ્ધાંજલિ (સ્વ.પૂ.પિતાશ્રીને)
૩. પુષ્પાંજલિ (શ્લોકો, પ્રાર્થનાઓ)
૪. અધ્યાંજલિ (ભક્તિ કાવ્ય ગીતો)
૫. સ્નેહાંજલિ (ચિંતન ભાવનાત્મક લેખો)
૬. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ સંસ્થા પરિચય
૭. ગાયત્રી ગીત સાગર (ભજન કિર્તનો)
૮. સ્મરણાંજલિકા (નિત્યપાઠ)
૯. લઘુકથા સંગ્રહ મૌન
૧૦. વાર્તા સંગ્રહ કલ્પના મૂર્તિ
૧૧. ચારિત્ર્ય મહિમા
બાલ સાહિત્ય ગ્રંથાવલિ અંતર્ગત
બાળકાવ્ય સંગ્રહ
૧. મધનાં ટીપાં
૨. ઉડતા ફુગ્ગા
૩. મોરનાં પીંછાં
૪. વાદલડી સાથે વાતલડી
૫. ગરવાં ગીત
૬. બાળ નાટિકાઓ
૭. બાળ સંવાદ
૮. બાળ વાર્તાલાપ
૯. દેવોની દુનિયા
અનુક્રમણિકા
૧. સૌમાં સૌનું કલ્યાણ
૨. ધર્મની પરબ
૩. દુઃખિયાંની વહારે
૪. રાંકનાં રતન
૫. જહાંગીરી ન્યાય
અનુક્રમણિકા
૧ : સૌમાં સૌનું કલ્યાણ
પાત્રો :- ૧. જ્યોતિબેન, ૨. ગજેન્દ્ર, ૩. અતુલ
સ્થાન :- દીવાનખાનું સમયઃ- સવારના ૯ - ૦૦ કલાકે
જ્યોતિ બહેન બારી આગળ બેસી ગાય છે.
સૌનું કરો કલ્યાણ, દયાળું પ્રભુઃ સૌનું કરો કલ્યાણ (ટેક)
નરનારી પશુ પક્ષીની સાથે જંતુ જીવનું તમામઃ દયાળું પ્રભુ...
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે, સૌનું ચાહો કલ્યાણ દયાળું પ્રભુ...
ગજેન્દ્ર :-
અરે ભાઇ અતુલ કેવું મધુરું આ ગીત ગવાયું? કેવી ઉત્તમ એમાં ભાવનાઓ છે? એ કોણ ગાતું હતું?
અતુલ :-
અરે ગજેન્દ્ર, તને એ અવાજેય ના ઓળખાયો કે શું? એ તો પેલાં આપણાં જ્યોતિબહેન ગાતાં હતાં. એમને ગીત ગાવાં ખૂબ જ ગમે છે.
ગજેન્દ્ર :- સારું છે ભાઇ, એવી ઊંચી ભાવનાથી જ ઉત્તમ કામો થાય. કહ્યું છે ને કે - ‘ભાવના તેવી સિદ્ધિ’ ભાવના જ ફળે છે.
અતુલ :- વાત તો સાચી છે. જુઓને ભાઇ, આપણા ગાંધી બાપુનો જ દાખલો લઇએ. બાપુજી સદાય પોતાના દેશનાં નાનાં મોટાં સર્વ માનવોના કલ્યાણના જ વિચારો કરતા હતા. કલ્યાણને માટે તો એમણે કેટલાંય દુઃખો વેઠ્યાં હતાં ને ભારે તપશ્ચર્યા કરી હતી.
ગજેન્દ્ર :- પિતાજી ય આવું જ કહેતાં હતાં. ‘ગાંધીજી તે ગાંધીજી જ હતા.’ (ચપટી વગાડતી ને દોડતી જ્યોતિ આવે છે.)
જ્યોતિ :- અતુલભાઇ, કોની વાતો ચાલે છે?
અતુલ :- એ તો આપણા ગાંધી બાપુની કલ્યાણ ભાવનાની.
જ્યોતિ :- બાપુજી તો કલ્યાણ મૂર્તિ જ હતા.
કલ્યાણ ચાહતા સૌનું, બાપુજી નિજ અંતરે,
જાતિ કે ભેદ ભાવે ના, સાચા સંત હતા ખરે!
અસ્પૃશ્યો, મુસ્લિમો સાથે, ખ્રિસ્તીઓને ભૂલ્યા નહિં;
વહાવી પ્રેમની ગંગા, કલ્યાણ સર્વનું કરી.
વહાવી પ્રેમની ગંગા, કલ્યાણ સર્વનું કરી.
અતુલ :- હા, તેમને તો એકલું પોતાના દેશનું જ કલ્યાણ કરવું હતું એવું ન હતું. એ તો પોતાના દેશનું અને સારી દુનિયાનું સુખ અને શ્રેય ઇચ્છતા હતા.
ગજેન્દ્ર :- વાત તો ખરી, પણ એ કેવી રીતે? એવો કોઇ દાખલો છે?
અતુલ :- ભાઇ ગજેન્દ્ર, તું દાખલાની વાત કરે છે? બાપુજીની કલ્યાણ ભાવનામાં તો ઘણા બધા દાખલા આપી શકાય. એમના સદ્ગુણો અને વર્તન જ કલ્યાણમયી ભાવનાથી ભરેલું હતું. એમની સાદાઇ, સમયપાલન, સચ્ચાઇ, નિયમિતતા, કરકસર, દેશપ્રેમ, વિશ્વપ્રેમ વગેરે જોઇને આપણને એમના તરફ પૂજ્યભાવ પેદા થાય જ.
ગજેન્દ્ર :- અતુલભાઇ, વાત તો સાચી છે, પણ ભાઇ, જરા વધારે સમજાવો તો સારું.
અતુલ :- એક નાનકડી પેન્સિલ ખોવાયાનું બાપુજીને દુઃખ થયેલું, અરે! ટુવાલ ન મળ્યાનું પણ દુઃખ થયું હતું. રાષ્ટ્રની કોઇ ચીજ નકામી જાય એમાં રાષ્ટ્રનું કલ્યાણ નથી. દેશનું દ્રવ્ય ખોટી રીતે ખર્ચાય તે પણ તેમને ન હોતું ગમતું. રોગી દર્દીની ઇચ્છા પૂરી કરવામાં ને એને સંતોષવામાં બંન્નેનું કલ્યાણ માનતા હતા.
ગજેન્દ્ર :- એ કેવી રીતે ભાઇ? એની કંઇ વાર્તા કે દાખલો કહો તો મઝા પડે.
અતુલ :- ગજેન્દ્ર, તું ય ખરો છે ને? ચાલ ત્યારે એની એક ટૂંકી વાત જ કહી નાખું. દિલ્હીથી લગભગ પંદરેક માઇલ દૂર એક બાઇ માંદી હતી. આજ મારું, કાલ મરું જેવી તેની સ્થિતિ હતી. પણ એને બાપુજીના છેલ્લા દર્શન કરવાની ઇચ્છા હતી. દર્શન વિના એ દુઃખી હતી. બાપુજી દિલ્હી આવ્યા બીરલાજી એમને મળ્યા. પેલી દુઃખી બાઇની ઇચ્છા એમણે બાપુજીને જણાવી. શિયાળો પૂર બહારમાં ચાલતો હતો. કડકડતી ઠંડી હતી. મકાનમાંથી બહાર નીકળવાનું મન ન થાય. એવી સ્થિતિ હતી. વળી રેલ્વે ગાડી ઉપડવાને ઝાઝો સમય પણ ન હતો. હવે શું થાય?
ગજેન્દ્ર :- તે પછી શું થયું? બાપુજી ચાલ્યા ગયા હશે? એમને તો કેટલાં બધાં કામો હોય? કહે છે કે મૂળે તો એ મૂઠી હાડકાંના સૂકલકડી શરીરવાળા હતા, અને ઠંડી? પછી શું થાય?
અતુલ :- ના, ગજેન્દ્ર ના. બાપુજીને તો એ ઠંડીનીય પડી ન હતી. શરીરનીય પડી ન હતી. એમના હૈયામાં એ દર્દીને શાન્તિ આપવાની કલ્યાણ ભાવના વસી. દર્દીના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ કે સુખ, કર્તવ્ય કે શાન્તિ છે એવું એમણે તે વખતે માન્યું અને બાપુજી તો તરત જ મોટરકાર દ્વારા જવાને ઉપડી ગયા!
ગજેન્દ્ર :- શું કહે છે? એવા! ઉંમરે પહોંચેલા ઘરડા અને અશક્ત જેવા બાપુએ એવી હિંમત કરી?
અતુલ :- હા, હા, દોડતી મોટરે બાપુજી તો બીરલાજીની સાથે દર્દી બાઇના ઘરે પહોંચી ગયા! બાઇને મળ્યા, કેમ, જ્યોતિ, તનેય આ વાતની ખબર છે ને?
જ્યોતિ :- હા, બરાબર છે. આ વાત તો હું ય જાણું છું. એકવાર તો એ બાઇએ સાચું જ ના માંન્યું. મારા જેવી રોગી અને ગરીબ બાઇને તે વળી બાપુજી ક્યાંથી મળવા આવે? પણ આંખો ઉઘાડીને, ભારતના એ તારણહારને જોતાં જ દર્દી બાઇના આનંદનો પાર જ ન રહ્યો. એની આંખમાંથી હરખનાં આંસુ વહેવા માંડ્યાં. એ ગળગળી થઇ ગઇ. બાપુના મિલનથી એના સુખનો પાર ના રહ્યો. બાપુજીએ બાઇને આનંદમાં જોઇને ખૂબ જ ખુશ થયા. બાઇના એ સુખ કલ્યાણમાં બાપુજીએ પોતાનું કલ્યાણ, સુખ, આનંદ માન્યું.
ગજેન્દ્ર :- ખરું છે. આપણા સાધુ, સંતો , ભક્તો, મહાત્માઓએ તો એવો ઉપદેશ જ આપેલો છે કે સૌના કલ્યાણમાં આપણે તો આવી જ જઇએ ને?
જ્યોતિ :- હાસ્તો, પડોશી સુખી તો આપણે સુખી, નહિં તો કંઇ લૂંટફાટ થાય ને ઇર્ષા અદેખાઇ વધી જાય. મારા મારી થાય ને અશાન્તિ વધે. તેથી જ મહાત્માઓ કહેતા હતા. ને કે બીજાંને ખવડાવીને ખાઓ, સૌ કોઇના કલ્યાણના જ વિચારો કરો. જેવા વિચાર કરશો તેવા આચાર થશે. સારા વિચારોથી કલ્યાણ થવાનું જ છે એ નક્કી છે.
ગજેન્દ્ર :- વાત તો બરાબર છે. આપણા સામુદાયિક કાર્યોમાં પણ મને તો એ જ ભાવના લાગે છે. કેમ ખરું કે નહિં, જ્યોતિબહેન?
જ્યોતિ :- હા, તમારી કહેવી વાત સાચી છે. આપણે ત્યાં સામુદાયિક કાર્યો હજારો વર્ષોથી થતાં આવે છે. સામુદાયિક કાર્ય એટલે જ યજ્ઞ. સમૂહમાં સર્વ કામ કરે અને સર્વનું કલ્યાણ સધાય એવી મહાન ભાવના એમાં છે. જોયું ને, બાપુજીએ તો એવા કેટલાય પ્રકારના યજ્ઞો, કાર્યો કર્યા છે. પ્રાર્થનાયજ્ઞ, કાંતણયજ્ઞ, ખાદીયજ્ઞ, સેવાયજ્ઞ, આઝાદીયજ્ઞ. અરે! એમનું આખું જીવન યજ્ઞમય જ હતું ને? એક સરખા વિચારનાં આંદોલનો સમૂહમાં થાય તેની અસર ખૂબ જ સરસ અને ઝડપી થાય છે.
(ગાય છે. સવૈયા છંદ)
વિચારનાં આંદોલન કેરી,
પ્રતિભા પડતી જગમાં હે;
પરકલ્યાણે આશિષ મળતી,
હૈયે સુખ મળે ત્યાં હે;
સંત મહાત્મા કેરાં કાર્યો,
આત્મવત સૌ ગણી થાતાં,
‘ઉરેન્દ્ર’ આબાદી સૌ સાથે,
સ્વર્ગ સુખે રાતાં માતાં!
અતુલ :- જ્યોતિબહેન, તેં ખરું કહ્યું. હુલ્લડો વખતે તો આખલીમાં મુસ્લિમોની વચ્ચે બાપુજી એકલાં ગયા હતા! તેમણે પોતાના પ્રાણનીય પરવાહ કરી ન હતી. એ અભયની મૂર્તિ બની ગયા હતા. એ સૌનાં દુઃખમાં હમદર્દી દાખવી અને સૌનાં મન જીતી લઇને એમને સુખ આપને કલ્યાણ સાધ્યું હતું.
ગજેન્દ્ર :- અતુલભાઇ, બાપુજીએ તો ભારે કરી! કેવા ભલા બાપુજી?
જ્યોતિ :- અરે! એમનાથી તો દેશ બાંધવોનું કે જીવમાત્રનું દુઃખ જોઇ શકાતું ન હતું. દક્ષિણ આફ્રિકામા ગિરમિટિયા મજૂરોની વહારે એ ધાયા હતા. અંગ્રેજોનાં ખોટા અને અવર્ણ્ય દુઃખો વહોરી લીધાં હતાં. ચંપારણ્યમાં ગળીનાં ખેતરોમાં કામ કરતાં મજૂરોનાં દુઃખોને દૂર કરીનેય તેમણે તેમનું કલ્યાણ સાધ્યું હતું. ગરીબોને માટે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. શું ગણીયે ને શું ના ગણાવીએ?
ગજેન્દ્ર :- ખરે જ, બાપુ તો બાપુ જ હતા. મહામાનવ હતા.
અતુલ :- અરે ભાઇ, એથીય વધારે! એ તો મહામાનવ નહિં, પણ દેવી શક્તિવાળા દેવપુરુષ હતા. સૌના શરીરમાં એક પરમાત્માને જ એ જોતા હતા. આખુ વિશ્વ એ પ્રભુનો જ પરિવાર છે એમ એ માનતા હતા. જન સેવામાં જ પ્રભુ સેવા છે. એવું એ માનતા હતા. બીજાનું કલ્યાણ કરવામાં એ પોતાનું કલ્યાણ, સુખ કે આનંદ માનતા હતા. એ તો ઉન્નત જીવન જીવી ગયા.
જ્યોતિ :- અતુલભાઇ, તમે સાચું જ કહ્યું. મારું અંતર પણ એ કલ્યાણમૂર્તિની આવી વાતો સાંભળીને કલ્યાણ ભાવનાથી છલકાઇ જાય છે. ચાલો ત્યારે ગાઇએ (ત્રણેય ગીત ગાય છે.)
(રાગ ધન્યાશ્રી)
સૌનું કર્યું કલ્યાણ, એ બાપુજીએ,
સૌનું કર્યું કલ્યાણ, (ટેક)
સંત ઇસુને બુદ્ધ જિનેશ્વર,
સાથે બાપુ મહાનઃ એ બાપુજીએ...
નિજરૂપ સૌને માની અંતરિયે,
વર્તીને સાચવી શાનઃ એ બાપુજીએ...
સૌનું સારું ભલું કરો કો
કલ્યાણ તેનું તું જાણઃ એ બાપુજીએ...
‘ઉરેન્દ્ર’ ઉપર નમન કરતાં કહે
કરો સૌનું કલ્યાણ : એ બાપુજીએ...
અનુક્રમણિકા
૨ : ધર્મની પરબ
પ્રવેશ પહેલો
સ્થળ :- ગામડાનો રસ્તો
સમય :- ઉનાળાની સાંજના છે. (મગનલાલ અને વિનયચંદ્ર નજીકના ગામમાં ગયેલા, ત્યાંથી પાછા ફરતાં વડ પાસે આવતા જણાય છે.)
મગનલાલ :- અરે! વિનય, વાતમાં ને વાતમાં વખત તો ન જણાયો. ગામે ય હવે બહુ દૂર નથી. અહીં ચાર રસ્તા ભેગા તો થાય છે, પણ અહીંયાં કોઇ જળાશય નથી દેખાતું તેનું કેમ?
વિનય :- આ હો! જળાશય ન હોય એમ તો બને નહિં, જોઉં જોઇએ. (આમ તેમ નજર કરીને ઊંચા ઊંચા થઇને તે ચારેય બાજુએ જુએ છે.)
મગનલાલ :- કૂવો તો દેખાયો. એ તો ઠીક, પણ તરસ લાગી છે તેનું શું? અને કૂવામાંથી પાણીય કેવી રીતે કાઢવું?
વિનય :- વાત તો ખરી છે. આપણા દાદા કહેતા હતા કે ‘દોરી લોટો ને છરી, તેની મુસાફરી ખરી.’ મુસાફરીમાં આવાં સાધન સાથે હોય તો કેવાં સરસ કામમાં આવે? પણ આપણા બાપ દાદાઓ એકલા કૂવા કરાવીને જ કાંઇ બેસી રહ્યા નથી. જોયો આ વડ ત્યાં પરબ જેવું દેખાય છે. આપણે ત્યાં જ જઇએ. ત્યાં શીતલ છાયા મળશે ને પરબનું ઠંડું પાણી પીવાને મળશે.
મગન :- હા...હા...બહુ સરસ - પાણી પીશું, મઝા કરીશું, હૈયે ટાઢક ભરશું. રામજી કેરાં રટણ કરીને, રામ પ્રભુને વરશું, ભૈયા રામ પ્રભુને વરશું. (બંન્ને ઉતાવળા ઉતાવળા વડ આગળ આવે છે. પરબનું પાણી પીએ છે ને શીતળ છાયામાં બેસે છે. ઉપરથી કોયલનો અવાજ સંભળાય છે.)
પ્રવેશ બીજો
સ્થળ :- છાયાવાળો વડ ને પરબનું સ્થાન.
સમયઃ- સાંજના છ વાગ્યા પછીનો. (વડ નીચે વિનય અને મગન બેઠા છે. કૃષ્ણદાસ, સુશીલા ત્યાં આવે છે.)
કૃષ્ણદાસ :- જોયું જોયું હવે, ધરમ, ધરમ ને ધરમ! જેમાં ને તેમાં ધરમ! મને તો ધરમ જેવું કાંઇ લાગતું નથી. આ તો ધરમની પાછલ ઢોંગ? સાચા ધરમને તો કોઇ સમજતું નથી, ને વાતો કરે છે. અલકમલકની.
સુશીલા :- મોટાભાઇ, એમ કેમ બોલો છો? એ ધર્મ છે તો જ સૌને સુખ શાન્તિ છે. ધર્મ ન પળાતો હોય તો તો દુઃખમાં જ સડવું પડે ને જીવનમાં કાંઇ મઝા ન રહે.
કૃષ્ણદાસ :- જોયો, જોયો હવે, તમારો ધરમ.
સુશીલા :- મોટાભાઇ, એ ધર્મ હવે તમને થોડી જ વારમાં સમજાશે. તમે મોટા રહ્યા એટલે મારાથી, તમને વધારે ન કહેવાય, પણ આ તો પેલા નાસ્તિક જેવી વાત થઇ.(બંન્ને પરબ પાસે આવે છે.)
કૃષ્ણદાસ :- એ પરબવાળા, પાણી લાવને. (પરબવાળા પાણી લાવે છે. બધાં પીએ છે ને છાયામાં બેસે છે. વિનયચંદ્ર વાત ઉપાડે છે.)
વિનય :- દુનિયામાં ધર્મની જ બલિહારી છે. સૌ સૌના ધર્મ ન સમજે તો આફતના ઓળા ઉતરે. (કૃષ્ણદાસ અને સુશીલા આ સાંભળતાં હતાં.)
કૃષ્ણદાસ :- જોયો ભાઇ, હવે તમારો ધરમ એ ધરમને બરમનું કાંઇ નહિં. મૂર્તિપૂજાને પૂજાપાઠ એ તે કાંઇ ધરમ છે?
વિનય :- માફ કરજો, ભાઇ, હું તમને ઓળખતો નથી પણ આપણા પૂર્વજોએ ધર્મનો અર્થ બહુ બહોળો કર્યો છે. ધર્મ એટલે ફરજ. ધર્મ એટલે સત્ય, દયા ને પવિત્રતા. ધર્મ એટલે પરોપકાર ધર્મ એટલે ઇશ્વરમાં સાચી શ્રદ્ધા, ધર્મ એટલે બીજાને અડચણ તો ન જ થાય, પણ તેને સગવડ કરી આપવી તે વગેરે.
કૃષ્ણદાસ :- વાહ, ભાઇ વાહ, તમે તો ખૂબ કહી નાખ્યું. ધર્મનું મોટું ભાષણ કર્યું! પણ એ કોણ સમજે છે ને આચરે છે?
સુશીલા :- મોટાભાઇ, એ ભાઇ ખરું કહે છે. લોકો ધર્મ ન સમજ્યા હોત તો આ તાપમાં આપણું શું થાત? આ સખત તાપના સમયમાં આપણને અત્યારે પાણી પીવાનું મળ્યું તે ક્યાંથી મળત? (સુશીલાનું બોલવું સાંભળીને કૃષ્ણદાસને પોતાની ભૂલ સમજાઇ પણ એ મમતની ખાતર બોલ્યા...)
કૃષ્ણદાસ :- પરબ ન હોત તો ઘેર જઇને પાણી પીવત. જરા મોડું થાય એટલું જ કે બીજું કાંઇ? પણ બીજી બાબતોનું શું?
વિનય :- એ બહેન સાચું કહે છે. પરબનો ગુણ તો અમારા આ મગનભાઇને જ પૂછો ને. એમને ખૂબ તરસ લાગી હતી. તે આ પરબના પાણીએ જ ઠંડા પાડ્યા. અને હાં, બીજી વાત : અવિનય ન થતો હોય તો હું બે શબ્દો કહું?
કૃષ્ણદાસ :- એમાં અવિનય શાનો? કહો કહો હું સાંભળવાને તૈયાર છું.
વિનય :- આપણા લોકો રસ્તામાં ગોળ ગોળ ઊંચા ચોતરા કરાવે છે. જતો આવતો ખેડૂત કે ખભે ઉંચકી આવતો મુસાફર. તેનો બોજો ચોતરા ઉપર ઊંભાં ઊભાં મૂકીને આરામ લેઇ શકે ને. કોઇ ચઢાવનાર ન હોય તો પણ તે તેને ખભે માથે લેઇ શકે. આ પરબ છે. કહો તેનાથી આપણ સર્વને કેટલો સંતોષ મળ્યો, ને સુખ થયું? આપણા બાપ દાદાનાં કામોમાં બીજાંને મદદરૂપ થવાનો જ હેતુ હતો. એ સર્વના આત્માને એક જ ગણે છે અને એ વાત પણ સાચી છે. મારા તમારામાં અને સર્વ કોઇમાં જો આવો આત્મભાવ સમજાય તો પછી લડાઇ ઝઘડા થાય જ કેવી રીતે? સૌ ધર્મમાં સાચું કર્તવ્ય અને સરળતાના માર્ગો જ બતાવ્યા છે. હિંદુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, શીખ વગેરે એક જ સર્જનહાર પિતાના બાળકો છીએ. પછી એકબીજાને સૌએ મદદ કરવી એ સૌ સૌનો ધર્મ છે. અને આમ થાય એટલે બધાંને સુખ શાન્તિ મળે એ સીધીસટ ને ચોક્ખીચટ બાબત છે.
સુશીલા :- મોટાભાઇ, એ ભાઇનું કહેવું હવે તો તમે સમજી ગયા હશો. બા તમારી પાસે આપણા પેલા અડાળામાં પાણીનાં ને અનાજનાં કૂંડાં મૂકાવે છે તે કોને માટે? તે જાણો છો? એકલાં માણસોને જ મદદ કરવાનું નથી કહેતો, પણ પ્રાણી માત્ર, જીવજંતુ વગેરેને મદદ કરવાનું કહે છે. એ કૂંડાં ઉપર દરરોજ કેટલાંય ચકલાં, કબૂતર, કાબર ને ખિસકોલીઓ, હોલાં ને પોપટ આવે છે ને કિલકિલાટ કરતાં ઉડી જાય છે. તેમનો આનંદ જોઇને મનેય ખૂબ આનંદ થાય છે.
કૃષ્ણદાસ :- સુશીલા, તારું કહેવું તો સાચું છે પણ આ મૂર્તિપૂજા ને પૂજાપાઠનું શું એ હું એ ભાઇને પૂછતો હતો.
વિનય :- એ વાતને જરા ટૂંકમાં કહી દઉં. મૂર્તિપૂજાનો વિષય અતિશય ગૂઢ રહસ્યથી ભરેલો છે. કેટલાક કહે છે કે પથરાની તે વળી પૂજા શી કરવી? પણ આમ સમજવામાં જ ભૂલ છે. પૂજનારા કાંઇ પથરાને પૂજતાં નથી. પણ એ ઇશ્વરના રૂપની જે કલ્પના છે તે મૂર્તિમાં પોતાનો ભાવ અને શ્રદ્ધા રાખીને તેને પૂજે છે. ગમે ત્યાં પડેલા સામાન્ય પથ્થરને કેમ કોઇ પૂજતું નથી?
સુશીલા :- (વિનયને) ભાઇ, તમારું નામ કહેશો? તમારી વાત ખરી છે. ઠીક થયું તે તમે મળ્યા. હવે મોટાભાઇ બરાબર સમજી જવાના!
વિનય :- બહેન, મારું નામ વિનય.
સુશીલા :- મોટાભાઇ, આ વિનયચંદ્રને જે પૂછવું હોય તે પૂછી લેજો. વાત મુદ્દાની ને સમજવા જેવી જરૂરની છે.
કૃષ્ણદાસ :- હા, સાચી વાત છે. તે વાતને ના પણ કેવી રીતે કહેવાય? વિનયચંદ્ર, બીજુ કાંઇ કહેશો કે?
વિનય :- હા, પૂજાપાઠથી માણસ પોતાની વૃત્તિઓને એક સ્થળે રાખીને એક ચિત્તે વિચાર કરતો થઇ શકે છે. આનાથી મન શાન્ત થાય છે. વાતાવરણ પવિત્ર બને છે. ને વળી સાથે સાથે ઇશ્વર પ્રત્યેની પૂજ્ય બુદ્ધિમાં વધારો થાય છે. ને આત્મા તરફ વૃત્તિ વળે છે. કેટલાક લોકોને હમણાં હમણાં આવી બાબતો તરફ અણગમો થતો જાય છે. પણ પોતે જાતે તે સંબંધે વિચાર કર્યો નથી તે જે બાબતમાં પોતે અજ્ઞાન છે તેમાં માથું મારે છે! કક્કો શીખતું બાળક કહે કે આ અંગ્રેજી અક્ષરો લખનાર કેવા મૂર્ખ હશે? એમાં ક કે ઢ તો દેખાતો નથી. આ બાબત સાંભળીને જેમ આપણને હસવું આવે છે. તેવું જ ઉપરની બાબતોનું છે. એ બાબતોનો રસપૂર્વક અભ્યાસ કરવાથી ને સાધુ પુરુષના સમાગમથી આપણા ધર્મની ગૂઢ બાબતો આપણને સમજાવા માંડશે અને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં પૂરેપૂરું સમજાઇ જશે.
કૃષ્ણદાસ :- વિનયચંદ્ર, તમારું કહેવું સાચું તો લાગે છે. ખરેખર, વાત વિચારવા જેવી જ છે. અને મારે તે સંબંધે વિચાર પણ કરવો જોઇએ.
વિનય :- અમારે જવાની જરા ઉતાવળ છે. અને આ બાબતમાં હજુ મારેય ઘણું જાણવાનું બાકી જ છે. નહિ તો આપણે આ સંબંધે થોડી વધારે વાતો કરત.
સુશીલા :- વિનયચંદ્ર, તમે આટલું કહ્યું તે કાંઇ ઓછું નથી. આજનું અમારું ફરવાનું સફળ થયું. દેશમાં અત્યારે સાચો ધર્મ સમજાવનારાની જ ખાસ જરૂર છે. (વિનયચંદ્ર અને મગનભાઇ જવાને ઊઠે છે. સુશીલા અને કૃષ્ણદાસ તેમને ‘જય જય’ કરે છે.) સુશીલા ગાય છે.
ધર્મ છે સુખનો સાર,
જગતમાં, ધર્મ છે સુખનો સાર;
ધર્મનો જય જયકાર,
જગતમાં, ધર્મનો જય જયકાર.
અનુક્રમણિકા
૩ : દુઃખિયાંની વહારે
પ્રવેશ પહેલો
સ્થળ :- ખેડૂતોના રહેઠાણ, ખેડૂતો, સ્ત્રીઓ, બાળકો વગેરે
પાત્રો :- રાજ્યના અધિકારી, પ્રધાન, ચોપદાર, મુખી, રાવણીઆ, તલાટી, લશ્કરી માણસો વગેરે.
પ્રધાન :- લખુભા, તમારું નામ કે?
લખુભા :- જી સરકાર.
પ્રધાન :- તમે વેરો કેમ નથી ભર્યો?
લખુભા :- સરકાર, પાક્યું નથી ને કરવેરો ક્યાંથી ભરીએ?
પ્રધાન :- તમે કર વેરો નહિ જ ભરોને?
લખુભા :- ના, સરકાર, વેરો ભરાય એમ જ નથી.
પ્રધાન :- તમે રાજ્યનું ને રાજ્ય આજ્ઞાનું અપમાન કરો છો. (સિપાઇઓ તરફ જોઇને) સિપાઇઓ એમને બાંધી લો. (બાંધીને લઇ જાય છે.)
પ્રધાન :- અલ્યા, આમાં હડમતશા કોણ?
હડમત :- મારું નામ, સરકાર.
પ્રધાન :- અલ્યા, હડમત, તું ક્યારનો સરકાર થઇ ગયો? ઠીક છે, ઠીક છે. ચાલો રાજ્યનો કર આપી દો, નહિ તો, આ લખુભાના જેવા હાલ થશે.
હડમત :- હું સરકાર શાનો બાપ? સરકાર, સરકાર તો બાપા તમે, તે પ્રજાને આમ રંજાડો છો. પ્રજાને રંજાડે, દુઃખ દે, એનું કહ્યું ન સાંભળે તે સરકાર. ઘરમાં ખાવાનું નથી ને કર ક્યાંથી આપું?
પ્રધાન :- ચાલો, એનેય બાંધી લો. એ અહીં નહિ માને. એ તો દરબારમાં જ માનશે. (સિપાઇઓ એને બાંધીને લઇ જાય છે.)
પ્રધાન :- આમાં વાઘજી કોણ?
વાઘજી :- હું છું, મા બાપ. મારો શો ગુનો છે?
પ્રધાન :- અલ્યા વાઘજી, કેમ કોઇ કાંઇ માનતા નથી? રાજ્યનો કર આપ્યા વિના તે કાંઇ છુટકો થવાનો છે? માની જાઓ ને કર આપી દો.
વાઘજી :- હાં સરકાર, હવે સમજાયું. આ તો પેટ બળ્યું, પોટલે પાટણ બળ્યું લાગે છે. વરસાદનો છાંટો છે નહિં, અને હે...
ખેતર તો પાધર થયાં ને વા રૂપ ખાવા અન્ન,
કર વેરા ક્યાંથી ભરે, સૂકાં છે સૌ જન!
હે...એ...ઘાસ ન મળતું ઢોરને, ને તૂટ્યા મન અભિલાસ,
હે...એ...કરવેરામાં શું ભરે, ચૂલામાંની રા...ખ!
ડુંગર :- અલ્યા, ચૂલામાંથી ય હવે તો રાખોડી આવી રહી. પછી ચૂલામાંથી ય શું ભરવાનો હતો?
પ્રધાન :- તમારું નામ ડુંગર કે? તમે શું કહો છો?
ડુંગર :- સરકાર, જાણી બુઝીને શું પૂછો છો? રૈયતના ઉપર તો રહેમ નજર રાખવી જોઇએ. એના દુઃખની વહારે ધાવું જોઇએ. સત્તાનો સારો ઉપયોગ કરવો જોઇએ. પણ આ તો કીડી ઉપર કટક જેવું થાય છે, ભા!
પ્રધાન :- (સામે ઉભેલાઓને) અલ્યા, તમે બધા શું કહો છો? કેમ તમે તો કર વેરો ભરો છો ને? (વારા ફરતી એક એક જણ બોલે છે.)
એક ખેડૂત :- ના, અમારાથી વેરો નહિ ભરાય.
બીજો ખેડૂત :- સરકાર, મા બાપે અમને આવા દખના દહાડામાં મદદ કરવી જોઇએ. અમ જેવાં દુઃખિયાંની પાસે પૈસા ક્યાંથી હોય?
ત્રીજો ખેડૂત :- અમે બધાય કર આપી શકવાના નથી.
ચોથો ખેડૂત :- આ લપ ટળે તો સારું.
(સિપાઇ આગળ આવે છે. પ્રધાન તરફથી સંજ્ઞા થતાં એને મારે છે. એ રડે છે. આજુબાજુનાં બાળકોય રડે છે.)
પ્રધાન :- ચાલો, લઇ લો બધાને, ભીમદેવ મહારાજની પાસે. (રડતા ખેડૂતોને બાંધીને સિપાઇઓ લઇ જાય છે. પ્રધાન, મુખી વગેરે જાય છે.) (પડદો પડે છે.)
પ્રવેશ બીજો
સ્થળ :- પાટણનો રાજમહેલ.
પાત્રો :- રડતા કકળતા ખેડૂતો, મૂળરાજ કુમાર, સિપાઇઓ વગેરે.
એક ખેડત :- અલ્યા, જો મૂળરાજકુમાર આવે છે, બહુ દયાળુ છે. હાં, આપણે ખેડૂતો એમને આપણી દખની કથની કહીશું?
બીજો ખેડૂત :- હા કહીએ.
ત્રીજો ખેડૂત :- તો ચાલો (ગાતા ગાતા પ્રવેશ કરે છે.)
ચાલો, ચાલો, સૌ આજ,
ચાલો, ચાલો, સૌ આજ.
વીતક કથની કહેવા કાજે, મૂળરાજની પાસ. ચાલો...
કુંવર દેવ દયાળું દીસે,
હૈયામાં બહુ ભાવ, (૨)
દુઃખિયાં તો બીજું શું કરશે?
એ કરે આપણી વ્હાર. ચાલો....
મૂળરાજ :- (રડતા ને બોલતા ખેડૂતોને જોઇને) કેમ કાકા, રડો છો? શું દુઃખ છે તમારે?
લખુભા :- કુંવરજી મહારાજ, આ આભ ફાટ્યું છે ત્યાં હવે થીંગડું ક્યાં દઇએ? મેઘ બાપો આવ્યો નથી. અમારે ખાવાના સાંસા છે ને અમારાથી કર આપી શકાતો નથી. તેથી અમને આંહી ઢોરની પેઠે બાંધીને હાંકી આણ્યા છે!
વાઘજી :- હા, કુંવરજી, હવે તો હદ થઇ!
હે...એ...રૂઠ્યો મેઘો બાપજીને અમલ ચૂકે આઅમલદાર.
હે...એ...ગતમત ગઇ શાહુકારની લોપાયો લોકા ચાર.
મૂળરાજ :- કાંઇ વાંધો નહિ, તમને અહીં કોણ લાવ્યું?
હડમત :- (દુહો) પ્રધાન બાપો લાવિયા, હાંકી ઢોરની જેમ. હે...એ...મોટા પણ નાના થયા! ભૂલી રાજની રહેમ.
મૂળરાજ :- પ્રધાનજી, તમને બીજું કહેતા હતા કે?
હડમત :- હા, કુંવરજી, ભીમદેવ મહારાજના કહેવાથી અમને પકડી લાવ્યા લાગે છે.
મૂળરાજ :- તમો કોઇ ગભરાશો નહિં, કારણ કે -
હે...એ...ધીરજનું અહીં કામ છે.
સૌ શિરે ભગવાન,
હે...એ...એ સૌનું સારું કરે,
જગનો પાલનહાર.
(મૂળરાજકુમાર જાય છે. પડદો પડે છે.)
પ્રવેશ ત્રીજો
સ્થળ :- રાજ્ય દરબાર
પાત્રો :- દરબારીઓ (રાજાજી આવે છે.)
ભીમદેવ :- અરે વીરચંદ, હમણાં આપણા ચોગાનમાં ઘોડાની રમત કોણ રમતું હતું? ઘોડો ખેલાવનાર ઇનામ આપવાને લાયક છે.
વીરચંદ :- મહારાજ, એ ઘોડો ખેલાવનાર તો આપણા મૂળરાજકુંવર હતા. શો મઝાનો સરસ એ ઘોડો ખેલાવી જાણે છે!
ભીમદેવ :- તો વીરચંદ, જાઓ, બોલાવી લાવો કુમારને.
વીરચંદ :- જુઓ, સરકાર, કુમાર આ બાજુ જ આવે છે! બોલાવી લાવું એમને. (વીરચંદ જાય છે. કુમારને લઇને હાજર થાય છે.)
કુમાર :- પિતાજી, મને કેમ બોલાવ્યો? હું આપને જ મળવા આવતો હતો. કહો, આપની શી આજ્ઞા છે? પછી મારે આપની આગળ એક ખૂબ જ જરૂરી બાબત રજૂ કરવાની છે.
ભીમદેવ :- હમણાં આપણા ચોગાનમાં ઘોડો કોણ ખેલાવતું હતું?
કુમાર :- પિતાજી, એ તો હું હતો. પ્રભાતના પહોરમાં જરા કસરત કરતો હતો. શું આપને એ ન રુચ્યું?
ભીમદેવ :- કેમ ન રુચે દીકરા? તું તો ઘોડો ખેલાવવામાં હવે ખૂબ જે પાવરધો થઇ ગયો છે! હું તારા ઉપર ખુશ થયો છું.
કુમાર :- પિતાજી, એ બધો આપનો જ પ્રતાપ અને પ્રભાવ છે. આપે અશ્વપાલને મને ન સોંપ્યો હોત તો હું એ કળા ક્યાંથી શીખી શક્યો હોત?
ભીમદેવ :- કુમાર હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ઇનામ તરીકે તારે જ માગવાની ઇચ્છા હોય તે માગી લે.
કુમાર :- પિતાજી, મારે શાની ખોટ છે? મારે હવે શાની ભૂખ છે? આપના આશીર્વાદ છે, એટલે મારે બધુંય છે.
ભીમદેવ :- ના કુમાર, એમ ન ચાલે કાંઇક તો માગી લે.
કુમાર :- પિતાજી મારે -
ઘોડાનું કામ નથી
હાથીનું નામ નથી
નથી મારે પૈસાનું કામ...અને
વૈભવનો શોખ નથી,
વસ્ત્રોનો મોહ નથી.
મારે મન તુચ્છ છે તમામ....પણ
નવલી છે વાત ઉરે,
દુઃખીયાંને કાજે સ્ફુરે
આપો તો માગું હું આજ...
પિતાજી, આપો તો માગું હું આજ (૨)
ભીમદેવ :- વહાલા કુમાર, ખુશીથી માગ. માગ માગે તે આપું. હું ખૂબ જ તારા પર પ્રસન્ન છું.
કુમાર :- પિતાજી, બીચારી રાંકડી ને દુઃખી પ્રજા ટળવળે છે. એ ખેડૂતોને ખાવાને ધાન નથી ને પહેરવાને પૂરા કપડાં નથી. પછી એ બીચારા રાજ્યનો કર, આપણા નોકરોને કેવી રીતે આપી શકે? એમનો એ વેરો માફ કરો, એટલે મને મોટું ઇનામ મળી ગયું માનીશ.
ભીમદેવ :- કુમાર, હું ખેડૂતોનો કર માફ કરું છું.
કુમાર :- તો પિતાજી, એ લોકોને બંધન મુક્ત કરો અને એમનાં સ્ત્રી બાળકોને ભેગા થવા દો. પ્રજાના આશીર્વાદથી જ આપણે ઉજળા.
ભીમદેવ :- વીરચંદ, પ્રધાનજીને કહો, સૌને છૂટા કરો. એ સર્વેનો રાજ્ય કર માફ. (વીરચંદ જાય છે.) (થોડીવારે પાછળથી અવાજ આવે છે.)
કુમારનો જય હો! આપણે હવે છૂટ્યા. ચાલો, ચાલો, ઘર ભેગા થઇએ. (સૌ જાય છે અને પડદો પડે છે.)
પ્રવેશ ચોથો
સ્થળ :- ભીમદેવ મહારાજનો દરબાર
પાત્રો :- ખેડૂતો, ભીમદેવ, પ્રધાન, મુખી વગેરે.
ભીમદેવ :- કેમ બધા આવ્યા છો? મઝામાં તો છો ને? બધા ખુશખુશાલ દેખાઓ છો!
લખુભા :- મહારાજ, આપની કૃપાથી સૌ સારાં વાનાં થયાં છે. આ વર્ષે મેઘરાજાની મહેર થઇ છે ને ખૂબ અનાજ પાક્યું છે. અમે ગઇ સાલનો અને આ વર્ષનો રાજ્ય કરવેરો આપવાને આવ્યા છીએ.
ભીમદેવ :- સારું, પણ ગઇ સાલનો કર મારાથી ન લેવાય. એ કર તો મેં માફ કર્યો છે.
વાઘજી :- મહારાજ -
સુણો વિનંતી આવાર,
રાજાજી, સુણો વિનંતી આવાર (૨)
અમ દુઃખો તણો નહિ પાર,
રાજાજી, સુણો વિનંતી આવાર (૨)
મૂળરાજકુંવર દેવ થયાનું (૨)
દુઃખ હૈયે અપાર, રાજાજી...(૨)
પાલક કુમાર વિણ ચેન ન પડતું (૨)
અમ શિરે છે ઉપકાર ભાર, રાજાજી...(૨)
પ્રભો! કુમારના મરણનું દુઃખ તો ઘણુંય થાય છે. પણ શું કરીએ? કુમાર તે કુમાર જ હતા. ભીડના ભાગિયા હતા. અમે તો આપની પ્રજા. અમે કર આપવા લાયક છીએ, આપ કર લેવા લાયક છો. કર તો બેય વર્ષનો લેવો જ પડશે.
ભીમદેવ :- માફ કરેલો કર હું લેઉં જ નહિં.
ડુંગર :- મહારાજ, કર તો લેવો જ જોઇએ.
ભીમદેવ :- ના, ભાઇ ના, તમે કહેનારા કહી રહ્યા. મારાથી એ કરને લઇને તિજોરીમાં મૂકી શકાય જ નહિં. વ્હાલા મૂળરાજને આપેલું વચન એમ મિથ્યા ન થાય. (એક ઘરડો ખેડૂત આગળ આવે છે.)
ઘરડો ખેડૂત :- મહારાજ! છેવટે મારું ઘરડાનું આટલું વેણ રાખો. અમે કર રાજ્યને નથી આપતા. એ કરમાંથી અમારા ભીડ ભંજક મૂળરાજ કુંવરનું નામ રહે તે માટે એક દેવાલય બંધાવજો, પણ કર તો લેવો જ પડશે. (બધાને પૂછે છે.) કેમ બધાને મંજૂર છે ને?
સૌ :- હા, હા, મંજૂર છે. મંજૂર છે. ખરો રસ્તો કાઢ્યો! કાકા, તમે હો!
ભીમદેવ :- તો પ્રજાજનો સાંભળો, તો તમારો ગયા વર્ષનો અને ચાલુ વર્ષનો કર લેવામાં આવશે ને તેમાંથી મૂળરાજકુંવરની યાદગીરી માટે ‘ત્રિપુરુષ પ્રાસાદ’ નામનું ભવ્ય મંદિર બંધાવાશે. કેમ, બરાબર છે ને? બધામાંથી એકે એકે વારા ફરતી -
એક :- બરાબર છે.
બીજો :- બરાબર છે.
ત્રીજો :- યોગ્ય છે.
ચોથો :- એ જ ઘટતું છે.
પાંચમો :- રાજાજી બરાબર કહે છે.
ડુંગર :- રાજાજી તો આવા જ
ઘરડો રામી :- વાહ, રાજાજી, વાહ!
કોઇ બોલ્યું :- મૂળરાજકુમારનો જય હો!
બીજું બોલ્યું :- ભીમદેવ મહારાજનો જય હો! (સર્વ જય ઝીલે છે.)
ભીમદેવ :- પ્રજાજનોનો જય હો!
(જયનાદ ઝીલાય છે. પડદો પડે છે.)
અનુક્રમણિકા
૪ : રાંકનાં રતન
પહેલું દૃશ્ય
પાત્રો :- દિનેશ, મા, આંધળો, રક્ષા, ધનપાલ, સુશીલા, રતનલાલ
સમય :- સવારનો, પક્ષીઓનો કલરવ સંભળાય છે. (તૂટેલા ખાટલા ઉપર ગોદડી છે. નીચે પાણીનો ઘડો છે. ફૂલડી પડી છે. વળગણીએ બે ચાર જૂનાં કપડાં લટકે છે. ચાર પાંચ ફાટેલાં પુસ્તકો પાટિયા ઉપર ગોઠલેવાં છે. સૂતેલી માતાનો દુઃખી અવાજ ખાટલામાંથી સંભળાય છે. નાની બહેન માતાને ઓશીકે બેસીને પાણીનાં પોતાં વાડકીમાં બોળીને મૂકે છે. ર્ચીી, પહેરણ અને ધોળી ટોપી પહેરેલો દિનેશ ચોપડી લઇને ગાતો ગાતો પ્રવેશે છે. (આવવાનો અવાજ થાય છે.)
દિનેશ : બા, હું દિનેશ, તને વંદન કરું છું. પ્રભુજીને પ્રાર્થું છું. (ગાય છે.)
ભૈરવ : નાનકડું તુજ બાળ,
પ્રભુ, હું, નાનકડું તુંજ બાળ (ટેક)
તોય શી દુઃખ જંજાળ?
ઘરડી માતા માંદી, અતિશે, ન મળે કંઇ આધાર! પ્રભુ...
ધ્રુવ બનુ, પ્રહલાદ બનું કે દેશનો રક્ષણહાર! પ્રભુ...
સત્ય, પૂજારી ગાંધી બનું કે ચીન શું યુદ્ધ લડનાર. પ્રભુ...
(દિનેશ ખાટલા ઉપર બેસે છે. માની સામે જુએ છે.)
રક્ષા : મોટાભાઇ, પાણીનાં પોતાં મૂક્યાં તોય, માડીનો તાવ તો હજી વધતો જાય છે. તલ મૂક્યા હોય તોય તતડી ઉઠે એવું શરીર ધીકે છે. પરીક્ષા પાસે આવે છે ને બાનું દર્દ વધતું જાય છે. પાસે પૈસા છે નહિ ને ડૉક્ટર દવાનું શું કરીશું? શું આપણે મા જેવી મા ખોવી પડશે? શું ગરીબાઇ એ ગુનો હશે? ભાઇ, માલદારોને ત્યાં તો ચણિયારે નાણું વટાય છે. અને આપણા જેવાંને એનાં દર્શનેય થતાં નથી!
દિનેશ : બહેન રક્ષા, મારી નાનલી બહેન, રડ નહિં. એમ કંટાળવાથી કંઇ ચાલશે? હિંમત ને ધીરજ રાખનારને બધુંય આવી મળે છે. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખનારને શું નથી મળતું? કહ્યું છે ને કે -
શ્રદ્ધા મહીં ઇશ્વર વસે,
શ્રદ્ધા થકી સર્વે હસે.
શ્રદ્ધા સકળનું મૂળ છે.
શ્રદ્ધા વિના સૌ ધૂળ છે.
એટલે બહેન તું બાની પાસે રહેજે. પાણી બાણી પાજે ને સેવા ચાકરી કરજે. માતા પિતાની સેવાથી તો બધાંય દુઃખોનો નાશ થયાનો ભક્ત પુંડરિકનો દાખલો છે જ. ગણપતિ મહારાજે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં, માત પિતાની પ્રદક્ષિણા કરીને જ જીત મેળવી હતી. શ્રવણે માત પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવીને કેવા સરસ આશીર્વાદ મેળવ્યા હતા. તેથી આજેય આપણે તેમને યાદ કરીએ છીએ ને. જો કંઇક મજૂરી જેવું કામ મળે છે તો હું આ પ્યાલામાં બાને માટે દૂધ લઇને આવું છું.
(પિત્તળનો ઊભો પ્યાલો ગજવામાં ઘાલે છે. બાના તરફ જોઇને બા, હું જાઉં છું. તારા આશીર્વાદથી જ બધું ઠીક થઇ જશે, વંદન.
(માતાને નમે છે. મા અશક્ત હાથે દીકરાને આશીર્વાદ આપે છે.)
માતા : પ્રભુ મારો દિનેષ મારો લાલ, મારા હૈયાનો હાર. તને સોંપું છું. એની ઇચ્છાઓ પૂરી કરજે. મારી હાથ લાકડી સામું જોજે. એનું રખવાળું કરજે. અમારાં રાંકનું તો એ રતન છે. એના પિતા તો દેશને કાજે ગયા તે ગયા! પ્રભુ, આ ઝૂંપડા સામું જોજે! (દિનેશ ચોપડીઓ લઇને જાય છે. પડદો પડે છે.)
બીજું દૃશ્ય
સ્થળ :- રસ્તો (એક આંધળો લાકડીને ટેકે ટેકે ફાટ્યાં તૂટ્યાં કપડામાં ચાલતો આવે છે. દાઢી વધી ગઇ છે. હાથ આમ તેમ લંબાવે છે. ને ગાય છે.)
આંધળો :- (રાગ સવૈયા)
આંખોના ખાડા છે તોયે તેજ ન તેમાં હું ભાળું!
ઠીચુક ઠીચુક હું ચાલું ધીમે, સદાયનું છે અંધારું.
દીન પ્રીતકોમળતા દાખી દુઃખમાં પ્રભુજી દેજો સહાય,
પ્રમાદ ત્યાગી સેવા કરતાં પામો સર્વે પ્રભુનું વ્હાલ.
(થાંભલા સાથે અથડાય છે, પડે છે, વાગે છે. રડે છે. દિનેશ દોડતો ત્યાં આવે છે.)
દિનેશ : અરરર! (આંધળાને ઠીક કરતાં) સૂરકાકા, બુહ વાગ્યું? અરે! લોહી પણ નીકળ્યું છે ને? લાવો તમને પાટો બાંધી આપું (ગજવામાં રૂમાલ કાઢે છે, ફાડે છે, પાટો બાંધે છે.)
આંધળો : ભાઇ, ભગવાન તમારું ભલું કરશે, સગા ભાઇએ મને આંધળાને મારીને કાઢી મૂક્યો છે. ઘર જમીન પચાવી પાડ્યાં છે. આજકાલ કરતાં ત્રણ દિવસથી હું ભૂખ્યો છું. શરીરમાં શક્તિ નથી તોય શું કરું? કોણ જાણે એણે શું ય કર્યું તે આ આંખોના રતન ગયાં અને શરીરનાં જતન પણ હવે થઇ રહ્યાં? હવે તો આ દેહથી છૂટાય તો સારું. ભારતની ભોમકાનો એટલો ભાર તો ઓછો થાય. આજ કોઇ કોઇનું નથી. ધમાલ સિવાય કંઇ દેખાતું નથી. સૌને સૌને ધનને ટેકરે બેસવું છે. ને અમન ચમન કરવાં છે.
દિનેશ : (આંધળાનો હાથ ઝાલીને) કાકા, તમારું કહેવું ખરું છે. હવે તમે અહીં એક બાજુ આ નળ આગળ આવો. હું કંઇકથી તમારે માટે થોડા ચણા લાવું, ત્યાં સુધી તમે અહીંઆ બેસજો. (દિનેશના જવાનો અવાજ)
આંધળો : (હાંફતાં) કેટલો ભલો છે આ છોકરો! માનવતા સિવાયની દુનિયા ન જ ચાલે. ભગવાન! ભગવાન! હરિ! હરિ! રામનાં રખેવાળાં! એ કરે તે ખરું. (ચણા લઇને દિનેશ આવે છે.)
દિનેશ : લ્યો કાકા, ખાઓ ચણા પોચા છે. તે ખાજો ને આ નળનું પાણી પીજો. (પ્રેક્ષકોને) ઘેર મા અને બહેન રાહ જોતાં હશે. બિચારાં એય ભૂખ્યાં છે. ને હું ય ભૂખ્યો છું. આ મજૂરીના માંડ પાંચ આના મળ્યા. તેમાં પેલા શેઠે બે આની જૂની આપી. મેં માન્યું કે એ પાંચ નવા પૈસા છે. ચણાવાળાએ એ ના લીધા. પેલા ડોશીમાનો એક આનો વધારે આવ્યો છે. તે તેમને એ જ જગ્યાએ, એ વખતે ઊભા રહીને પાછો આપવો જોઇએ. એમનું ઘર મેં જોયું નથી. એ તો ઠીક થયું તે છૂટા પાંચ નયા પૈસા હતા, નહિ તો દુકાળમાં અધિકમાસ જ થાય ને! પૈસાદારના લોભનેય ક્યાં થોભ છે? ભગવાન સૌને સદ્બૂદ્ધિ આપે. ખરી મહેનતનું મળે તે જ ખરું. શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે. હરિ, હરિ : (પડદો પડે છે.)
ત્રીજું દૃશ્ય
સ્થળ :- રસ્તો (રસ્તા ઉપર દિનેશ ચાલે છે. નીચે ડબી પડેલી જુએ છે. ડબીને હાથમાં લે છે. ઉઘાડીને જુએ છે. ઝાડ ઉપર કોયલ કૂહૂ બોલે છે.)
દિનેશ :- આહ! આ શું પડ્યું છે? ડબી છે ને? જોઉ જોઇએ એમાં શું છે? હેં વીંટી અને આ શું, હીરો જડેલો છે ને! સાચો હશે કે ખોટો? વીંટી કોની હશે? એનો માલિક બિચારો શોધતો હશે! કેટલો બધો દુઃખી થતો હશે? મારી નાની પેન્સિલ ખોવાતાં અને ગાંધી બાપુની ટુકડો પેન્સિલ ખોવાતાં કેવું કેવું થઇ ગયું હતું! તો આ તો હીરાની વીંટી! લાવ, જસ ઝીણવટથી જોઉ તો ખરું, ડબીમાં કંઇ નામ નિશાન મળે છે!...હાં છે, છે! ઝવેરી ધનપાલ તેજપાલ, કુબેર મેન્શન, અલકાપુરી ૧ (હસીને, નવાઇ પામીને) વાહ, પ્રભુ વાહ! તું કેટલો બધો દયાળું છે. વીંટી વેચનાર ઝવેરીનું નામ ઠામ તો મળ્યું. ચાલ હવે ત્યાં જ જાઉં. એમને જ પૂછું. એમણે આ વીંટી કોને વેચી છે. તે એ જ કહેશે. માલિકનો પત્તો જરૂર મળી જશે. પણ બા બહેનનું શું? હું ઘેર કેટલો મોડો પહોંચીશ? ચાલને ઘરે જ જાઉં! ના, ના, મારાથી એમ કેમ થાય? બિચારો વીંટીનો માલિક કેટલો બધો દુઃખી થતો હશે? એને ત્યાં તો શોધખોળ થઇ રહી હશે. શું વીંટીના માલિકને એની વીંટી જલદી પહોંચાડવાની મારી ફરજ નથી? છે જ પારકાનું કામ પહેલું કરવામાં જ માણસાઇ છે, એવું બાએ કહ્યું હતું. ચાલ જીવ, વાર, શાને કરું? ધનપાળ શેઠનેય હું ક્યાં નથી ઓળખતો? (જાય છે. ધનપાળ શેઠને મળે છે.)
દિનેશ : શેઠ સાહેબ, જરા કહેશો? આ ડબી મને જડી છે. માલ તમારી દુકાનનો લાગે છે. એમાં હીરાની વીંટી છે તમે એ કોને વેચી તે જરા કહેશો? બહુ વાર નહિ લાગે, ધર્મનું કામ છે.
ધનપાળ : હેં? શું કહે છે? તને ડબી જડી છે? હા, હા, લાવ તો. (ડબી હાથમાં લઇને ચપટી વગાડીને) શાબાશ, આ વીંટી તો રતનલાલ અમુલખરાય શેઠ હમણાં જ લેઇ ગયા.
દિનેશ : વારું, શેઠજી, એ ક્યાં રહે છે? તે મને કહેશો? મારે એમને વીંટી સોંપવી છે.
ધનપાલ : એ તો બહુ સરસ. તું તો બહુ પ્રામાણિક લાગે છે? ચાલ મારી સાથે. હું એમની હવેલી બતાવું. તું હમણાં શું કરે છે, ભાઇ? (ચાલતાં વાતો કરે છે.)
દિનેશ : શેઠ સાહેબ, જુઓને. આમ તો મારી સ્થિતિ સારી નથી. પિતાજી દેશને કાજે ખપી ગયા. બા બિચારી ખૂબ જ માંદી રહે છે. દવાના પૈસા નથી. વખત મળે ક્યાંક મજૂરી કરી લઉં છું. અભ્યાસ ચાલુ છે. મ્યુનિસિપાલિટીના દીવાએ જઇને વાંચું છું. બહેન નાની છે. પેટનો ખાડો પૂરવાને ય પહોંચાતું નથી.
ધનપાળ : પણ, અરે! આ તારા હાથની ચામડી ધોળી ધોળી કેમ થઇ ગઇ છે?
દિનેશ : શેઠજી, એ તો એક દિવસ પાડોશીના ઘરમાં આગ લાગી હતી. તેમનો નાનો બાબો ઘરમાં રહી ગયો હતો. તેનાં માતા પિતાની કારમી ચીસો સાંભળીને હું કચ્છ ભીડીને એ ઘરમાં કૂદ્યો. અને એમના બાબાને બળતામાંથી લેઇને બહાર આવતાં મને અગ્નિદેવની એ પ્રસાદી મળેલી છે.
ધનપાળ : એમ છે? (થાબડે છે.) તું તો ખરેખરો સેવાભાવી લાગે છે. કાંઇ નહિં. બધું થઇ રહેશે. મારે તારા જેવા પ્રામાણિકની જરૂર છે. તું વિદેશ ભણવા જાય ખરો કે? હાં, હાં, એ બધું પછીથી જોઇશું. લે જો પેલી શેઠની હવેલી આવી મને તું આવતીકાલે દુકાને મળજે. હાં, જરૂર મળજે જ મળજે. (ધનપાળ જાય છે. દિનેશ વંદન કરે છે. પડદો પડે છે.)
ચોથું દૃશ્ય
સ્થળ :- શેઠની હવેલી, બગીચામાં ટેબલ ખુરશીઓ ગોઠલેલાં છે. ઝાડ ઉપર પક્ષીઓનો મધુરરવ થતો રહે છે. શેઠ રતનલાલ પ્રવેશે છે.
રતનલાલ : સુશીલા, દીકરી સુશીલા : હાંક મારે છે.
સુશીલા : હો પપ્પાજી, આવી પહોંચ્યા? હું તમારી જ રાહ જોતી હતી. ગઇ કાલે કહ્યું’તું એ વીંટી લાવ્યા કે?
રતનલાલ : હાં, હાં, બેટી, વીંટી તો લાવ્યો છું. ખાસ એ બાજુએ જ ગયો ને ઠીક ઠીક ખર્ચ કરી નાખ્યું. લેવી તો વજનદાર, સારી વીંટી લેવી. (વીંટી કાઢવા ખિસ્સામાં હાથ નાખે છે. ચીઢાય છે. ખેસ આમ તેમ ફેંકે છે. ખિસ્સાં ચાર ચાર વખત તપાસ્યાં પણ ડબીમાં મૂકેલી વીંટી ના મળી. સુશીલા જોઇ રહી છે. શેઠનું મોં જોવા જેવું થઇ ગયું છે. હતાશ થાય છે.)
સુશીલા : પપ્પાજી, એ તો હું જાણતી હતી કે તમે શું કરશો? વીંટી લાવવાનું આ ખરું નાટક કર્યું તમે?
રતનલાલ : આજ સવારથી જ દશા બેઠી છે. રસ્તામાં કેળાંની છાલ પર પગ પડ્યો ને લપસી પણ પડ્યો હતો. સારું થયું કે આજુબાજુના લોકો આવીને મને બેઠો કર્યો. પાણી પીવડાવ્યું. ઉભો કરી, પૂછતાછ કરી કે દાદા વાગ્યું તો નથી ને? ભગવાનનો પ્હાડ કે કોઇ હાડકું ભાંગ્યું નથી. નહિ તો બે માસનો ખાટલો થાય. હીરાની વીંટી ડબીમાં મૂકીને મે ગજવામાં મૂકી હતી. લપસ્યો ત્યાં પડી ગઇ લાગે છે.
સુશીલા : હેં! પપ્પાજી, ખરું કહો છો? હવે શું થશે? જો કોઇના હાથમાં ગઇ તો સમજવું કે હીરાની મોંઘી વીંટી ગઇ જાણવીને? સોનું સંઘરવું ય હવે તો ઠીક નથી. અત્યારે ચીન સાથેની કટોકટી ચાલે છે અને વળી સોનું ખોવાય એ તો અપશુકનની જ ખાણ ને? (દિનેશ આવે છે, વંદન કરે છે.)
દિનેશ : રતનલાલ શેઠ આપનું નામ? (રતનલાલ દિનેશ તરફ જુએ છે. એને ઓળખે છે.)
રતનલાલ : (મનમાં) આ તો પેલો જ છોકરો? સવારે મજૂરીમાં જેને મેં ભૂલથી જૂની બે આની આપી હતી તે ના,ના, કેમ શું છે? તારે વળી? કેમ આવ્યો છે?
દિનેશ : તમારી કોઇ ચીજ કે વસ્તુ ખોવાય છે?
શેઠ સુશીલા : હા, હા, ખોવાય છે. એક ડબી કે જેમાં વીંટી મૂકી હતી તે. ક્યારની ય અમે શોધીએ છીએ. આકાશ પાતાળ એક કરી નાખ્યું તોંય જડી નથી. તને જડી છે, ભાઇ?
દિનેશ : હા, જી, મને ડબી સાથે આ વીંટી રસ્તામાંથી જડી છે. ડબીમાં ઝવેરીનું નામ હતું તેને આધારે ઝવેરી પાસે ગયો. તેમણે મને, તમે આ વીંટી આજે જ ખરીદી છે. એમ કહ્યું એટલે હું તમને આપવાને માટે આવ્યો છું. લ્યો, આ હોય તમારી વીંટી?
શેઠ : હા,હા, એ જ, એ જ મેં ખરીદેલી વીંટી ને ડબી જડી ખરી. મારો બાપલો હાજરાહજૂર છે. ભાઇ, તારું નામ શું?
શેઠ : દિનેશ? વાહ, સુંદર નામ છે. ને સુંદર તારું કામ છે. તારા ઉપર ખૂબ જ ખૂશ થયો છું. તારી જગ્યાએ બીજાને મળી હોત તો કદાચ આપવા ના આવત? પણ....તારી પ્રામાણિકતા...! તારે જે જોઇએ તે માગી લે.
દિનેશ : વીંટી મને જડી ને એના ખરા માલિકને પહોંચતી કરી, એમાં મેં કંઇ જ વધારે કર્યું નથી. એ તો મારી ફરજ. શ્રમ વિના સિદ્ધિ નથી. હું તો બાપુજીની અને સંત વિનોબાજીની વિચારસરણીને અનુસરવા માગું છું. સ્વાશ્રયથી જે મળે તે જ ખરું. એમાં જ પ્રભુ રાજી રહે.
શેઠ : ભાઇ, એ તો તારો આદર્શ છે. સારા સંસ્કાર! પણ આ કામ જેવું તેવું નથી. વળી તારી સાધારણ સ્થિતિ છે. તેં ધાર્યું હોત તો તેં જ રાખી લીધી હોત તો કોણ જાણવાનું હતું? તારી ઉદારતા, સચ્ચાઇ અને નીતિ રીતિ જોઇને આજે મનેય સાચી વસ્તુ સમજાઇ છે. આજથી તું મારો આ બાબતમાં ગુરું છે. એટલે ગુરું દક્ષિણામાં તો કંઇક તું માગ જ.
દિનેશ : ગુરું બહું તો કંઇ નહિં, પણ આ બે આની બદલી આપો અને આજથી પ્રતિજ્ઞા કરો કે હવેથી કોઇને આવું ખોટું નાણું નહિ આપો. સાથે એ પણ કહું છું કે આપ જેવા શેઠે સૈનિક ફાળામાં કંઇક દાન કરશો. એ જ મારી બક્ષિશ.
શેઠ : શાબાશ, વીરલા, શાબાશ. તારું કહેવું સાચું છે. આ લે તેર નયા પૈસા. અને આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે હવે એવું જૂનું નાણું કોઇને નહિ આપુ. ખોટી રીતે પૈસા નહિ મેળવું અને બીજાને તેમ કરવાનું કહેતો રહીશ. સૈનિક ફાળામાં જરૂર મદદ કરીશ. પણ તું કાંઇ ચિંતામાં હોય અને ઉતાવળમાં હોય તેમ લાગે છે.
દિનેશ : મારી મા માંદી છે. એને માટે હું દૂધ લેવા નીકળ્યો હતો. દવા માટે મારી પાસે પૈસા નથી. એટલું શું કરીએ? મારી મા મરી જશે! શું અમે ભાઇ બહેન મા વિનાનાં થઇશું? શું અમે રઝળી જઇશું? (આંખમાંથી અશ્રુ ટપકે છે.)
શેઠ : ના,ના, ભગવાન સૌનો બેલી છે રક્ષક છે. આપણે તારે ત્યાં જ જઇએ છીએ. આજથી હવે તમારે ત્રણેય આ ઘરે જ રહેવાનું, તમારાથી થાય તે કામ કરવાનું કેમ ખરું ને સુશીલા?
સુશીલા : હા, હા, એ ભાઇને હું તો સહાધ્યાયી સાથે ભણનારાં છીએ કેમ ખરું ને દિનેશ? અને ભારતનાં આવા સંતાનોથી જ ભારત ઉજળો રહેશે અને એમનાથી જ ભારતનો જયકાર થશે. (સુશીલા ગાય છે.)
રાગ : ભૂપાલી
ભારતનો જયકાર
સત્ય અને સેવામાં રાચે (૨)
જનહિત સાચવનાર...જગતમાં.
સર્વોદય લાવી આંગણિયે (૨)
જગતારક થાનાર...જગતમાં.
દશે દિશામાં ગુંજી ઊઠે (૨)
ભારત જય જયકાર...જગતમાં.
(પડદો પડે છે.)
પાંચમું દૃશ્ય
સ્થળ :- દિનેશનું રહેઠાણ (રક્ષા ખાટલા ઉપર બેઠી છે. સૂતેલી માનું માતું દબાવે છે.)
મા : બેટી રક્ષા, જો ને દિનેશ ના આવ્યો. મારાથી હવે રહેવાતું નથી. આંખે શરીરે દુઃખે છે. આ કાયાનો હંસલો હવે ચાલ્યો ગયો જાણજે. મારો દિનેશ મને નહિ મળે કે શું? બેટી, તમે બંન્ને સંપીને રહેજો. દેશભક્ત બનજો. ચીનનો સામનો કરજો ને સૌને ગમજો. હું જાઉં છું.
રક્ષા : બા, તું આમ કેમ બોલે છે? ભાઇ દૂધ લેવા ગયો છે. હવે આવતો હશે. (મોટરનો અવાજ આવે છે. દિનેશ, ડૉક્ટર, શેઠ, સુશીલા, દૂધ, દવા વગેરે સાથે પ્રવેશે છે.)
મા : હેં દિનેશ આવ્યો? બેટા! (બેભાન અવસ્થામાં બબડે છે.)
દિનેશ : હા, બા, આવ્યો. સાથે ડૉક્ટરને લાવ્યો છું. આ શેઠનો આભારી થઇને આવ્યો છું. હવે બા, તું જરૂર સાજી સમી થઇ જવાની.
મા : કોણ દિનેશ? મારો લાલ! હવે મને સારું લાગ્યું. મારું દુઃખેય ભાંગ્યું. હવું તું અહીંથી ક્યાંય ના જઇશ. હું ય હવે નહિ જાઉં. (મા હાથ ઊંચા કરે છે. ડૉક્ટર તપાસે છે. ઇન્જેક્શન આપે છે. મા ધીમે ધીમે ભાનમાં આવે છે.)
રક્ષા - સુશીલા ગાય છે.
સારંગ
અંક રતન ઝળકે,
જીવનમાં રાંક રતન જળકે. (ટેક)
માતાની સેવા, જનતાની સેવા (૨)
સદ્ગુણ ભાથે ભળે....જીવનમાં.
સત્ય, સુજનતા, શ્રમ તપ તેજે (૨)
પરિમલ પદ પમરે....જીવનમાં.
પંચશીલ ને શાસ્ત્ર વચનથી (૨)
ભારત દીપ ઝળકે....જીવનમાં.
રક્ષા : અરે! આ પેપ વેચનાર ફેરિયાની વાણી તો સાંભળો.
ફેરિયો : બોલે છે, દેશભક્ત દિનેશની ઝળકતી કારકીર્તિ. સરકારે આપેલો પદ્મશ્રીનો ઇલ્કાબ. વિદેશનું તેડું વાંચો. આજનું કેસરી.
અનુક્રમણિકા
૫ : જહાંગીરી ન્યાય
પાત્રો :- જયંતી અને જગત(ભાઇઓ), જમની (ધોબણ), રાવલો (ધોબીનો ભાઇ), જહાંગીર (બાદશાહ), દ્વારપાળ, નૂરજહાં (બેગમ), ઉપરાંત પ્રજાજનો, બાળકો વગેરે.
જયંતી અને જગત ફરવા નીકળ્યા છે. રસ્તામાં કોઇ ગીત ગાતું સંભળાય છે.
ન્યાયની જગ બલિહારી, હો માનવી!
ન્યાયની જગે બલિહારી...(ટેક)
એમાં ચેતન ચિનગારી, હો માનવી!
ન્યાયની દીસે બલિહારી...(ટેક)
ન્યાયમાંહ્ય ઇશ્વરી અંશ દયાનો ને ન્યાય કાજ થયા ભેખધારી,
ન્યાય કાજે બલિદાન દેવાયાં ને ન્યાયની વાત નિત્ય ન્યારી.
હો માનવી! ન્યાયની...
જયંતી : અરે, જગતભાઇ! વડોદરાનું આ લહેરીપુરા, કેમ ખરું ને?
જગત : હા ભાઇ, જયંતી, એ લહેરીપુરા.
જયંતી : અને આ પાસેનું ભવ્ય મકાન શેનું છે?
જગત : કેમ વળી? એ તો ન્યાયમંદિરનું મકાન છે.
જયંતી : ન્યાયમંદિર? શી વાતો કરો છો? હવે ન્યાયની ને ન્યાયમંદિરની ન્યાય ગયા ને મંદિર રહ્યાં!
જગત : ના રે ના, જયંતી! એમ તે કેમ કહેવાય? આપણું ભારત તો દૈવી ન્યાયથી ભરપૂર છે. આપણે અહીં ન્યાયી રાજાઓનો ય ક્યાં તોટો હતો?
જયંતી : એમ? તો ન્યાયી રાજાઓનાં થોડાંક નામ કહેશો જગતભાઇ?
જગત : હા, પુરાણકાળમાં તો ઘણા ન્યાયી રાજા થઇ ગયા. શિબિ, હરિશ્ચંદ્ર, દિલીપ, રામ, ભરત વગેરે. યોગરાજ, રાણી, મીનલદેવી, વીરધવલ અને વીર શિવાજીના ન્યાય પણ અજોડ હતા. નૌશેરવાં પણ ન્યાયી બાદશાહ થઇ ગયો. તે સિવાય અહમદશાહ, ફિરોજશાહ, તઘલખ, શેરશાહ ને હૈદરઅલી પણ ન્યાયી રાજકર્તાઓ થઇ ગયા. પણ જહાંગીરનો ન્યાય એટલે જહાંગીરી ન્યાય!
જયંતી : શું કહો છો, જગતભાઇ! પણ જહાંગીર તો ખૂબ મોજીલો હતો, ખૂબ જ લહેરી હતો. એવું કહેવાય છે ને, તેનું શું?
જગત : ભાઇ જયંતી, એ વાત ખરી છે. એ લહેરી તો હતો જ, પણ સાથે સાંભળ
(દૂહા સોરઠા)
હે...એ...કાશ્મીરની કુંજોમહીં, જહાંગીર કરતો લ્હેર,
છતાંય ન્યાયનાં કાર્યમાં, હતી ખુદાની મ્હેર.
જહાંગીર ન્યાય વદાય છે, બોલ અતિ અણમોલ,
ભૂતતણા ઇતિહાસમાં, કોઇ ન એની તોલ.
જયંતી : તો હે જગતભાઇ! એવો એ ન્યાયી બાદશાહ થઇ ગયો! એના ન્યાયની કોઇ ઇતિહાસ ગાથા કે કથા સંભળાવશો?
જગત : હા, હા, કેમ નહિ? મને તો એવી કથા વાર્તાઓ કહેવાનું ખૂબ જ ગમે છે. જો સાંભળો ત્યારે, જહાંગીરી ન્યાયની કથાઃ-
મુગલ સમ્રાટોમાં પુત્ર પ્રેમી પ્રથમ બાદશાહ બાબર થયો. પછી અકબર બાદશાહ તેને સુધારા માટે જાણીતો થયો, તેનો પુત્ર જહાંગીર દુનિયાને જીતનાર એ તેના નિષ્પક્ષ ન્યાય માટે પ્રખ્યાત થયો.
સમી સાંજનો સમય હતો. સૂર્યનારાયણ વાદળાંમાં સંતાકુકડી રમતા હતા. નદીનાં નીર ખળખળ અવાજ કરતાં વહેતાં હતાં. થોડે દૂર કિનારે બાદશાહ જહાંગીરનો મહેલ હતો. બેગમ નૂરજહાં મહેલની અટારીમાં બેઠી હતી. નૂરજહાં એટલે દુનિયાનું તેજ. અને ખરે જ એના નામ પ્રમાણે એ નૂરજહાં રૂપરૂપનો અંબાર ને તેજનો ભંડાર હતી. ગુણમાંય એ એવી. બાદશાહને રાજકાજમાં એ મંત્રી પ્રધાન તરીકે ખૂબ જ ઉપયોગી થઇ પડતી હતી. બાદશાહની એ માનીતી હતી.
એણે નદી કિનારે દૂર કંઇક ધોળા પક્ષી જેવું જોયું. નૂરજહાં શિકારની શોખીન પણ હતી. એણે બાંદીને બોલાવી ‘રસીદા, મારી બંદૂક લાવ તો...’ એ લાવી બેગમ સાહેબા...! કહેતાંક ને એણે તો કબાટમાં મૂકેલી બંદૂકને બેગમ સાહેબા પાસે હાજર કરી.
નૂરજહાંએ બંદૂક લીધી ને નિશાન તાક્યું. સનનન કરતી ગોળી છૂટી ને નદી કિનારે વાંકા વળેલા ધોબીને વાગી. લોહીની ધારા છૂટી ‘હે રામ!’ કરતો ધોબી ઢળી પડ્યો. ધોબીના રામ રમી ગયા. (વાજીંત્રોનો શોકાદર્શક અવાજ થાય છે.)
હવે બિચારી જમની ધોબણને માથે તો પતિનું અકાળ મૃત્યુ થવાથી, દુઃખનાં ઝાડ ઉગ્યાં છે.
જમની : શવાભાઇ, એ તો ગયા! હવે શું કરીશું?
શવો : જમનીભાભી, તમે જરાય ચિંતા કરશો નહીં. હું છું ને? અને બાદશાહ જહાંગીરનો ન્યાય તો જગજાહેર છે. પછી શો વાંધો છો? આપણે બાદશાહને ફરિયાદ કરીશું. બાદશાહ જરૂર ન્યાય આપશે.
જમના : ના, શવાભાઇ ના. બાદશાહ ન્યાયી હશે. પણ આ તો બાદશાહની વ્હાલી બેગમ નૂરજહાંએ જ મારા પતિનું ખૂન કર્યું છે. એટલે એ બેગમ સાહેબાની સામે જ ફરિયાદ કરવાની થશે. પછીથી બાદશાહ તે બેગમનું સાંભળશે કે આપણું ગરીબનું સાંભળશે?
શવો : અરે, એમ તે કાંઇ ધીરજ ખોવાની હશે? તમે શ્રદ્ધા રાખો. મને પૂરેપૂરી શ્રદ્ધા છે, કે બાદશાહ જહાંગીર તો બેગમ હોય કે રૈયતનું ગમે તે માણસ હોય. સૌનો એક સરખો ને અદલ ન્યાય કરે એવા છે. રાજા તો ઇશ્વરનો અવતાર મનાય છે. એમને મન સૌ સરખાં હોય છે.
જમના : શવાભાઇ, તમે સાચું કહો છો? શું બાદશાહ આપણું સાંભળશે? આ દુઃખિયાનો બેલી પ્રભુ છે. જુઓ, આ રાજમહેલને દરવાદે સોનાની સાંકળ લટકે છે.
જમના : હા, જોઇએ. સાંકળ સરસ છે. પણ એનું વળી શું છે?
શવો : એ સાંકળને તો બાદશાહના ખાસ ખંડ સુધી લેઇ જવામાં આવે છે. એ ખંડમાં કેટલાય ઘંટ અને ઘંટડીઓ લટકાવેલાં છે. એ બધાયની સાથે એ સાંકળને એવી રીતે બાંધી છે કે બહારથી સાંકળ ખેચતાં એ બધાં ઘંટ ઘંટડીઓનો સુંદર મઝાનો અવાજ થાય. અને અવાજ થાય એટલે બાદશાહ જાણે કે કોઇ ન્યાય માગવા આવ્યું છે. એટલે હજાર કામ પડતાં મૂકીને બાદશાહ એને તરત જ અદલ ન્યાય આપે છે!
જમના : હેં શવાભાઇ, ખરું કહો છો? ના...ના...મારા સમ! એવું તે વળી હોતું હશે? મારી મશ્કરી તો નથી કરતા ને? મોટા મલકના બાદશાહ તે વળી આવી બાબતોમાં પડે ખરા?
શવો : જમનાભાભી, તમે કહેનારાં કહી રહ્યાં, એ સાંકળને હલાવનાર પશુ વગેરેને પણ જહાંગીર બાદશાહે ન્યાય આપ્યો છે તો શું મનખ જેવાં મનખ મારાં ભાભીને ન્યાય નહિ આપે? આપશે જ. તમે જરા હિંમતથી સાંકળ ખેંચોને.
જમના : ખેંચું ત્યારે! હે રામ.
જમનાએ સાંકળ ખેંચી અંદર ઘંટડીઓનો તાલબદ્ધ રણકાર થયો. અંદરથી જહાંગીરનો અવાજ આવે છે.
જહાંગીર : કોણ છો? મારી રૈયતમાંથી મને અત્યારે કોણે યાદ કર્યો? શી ફરિયાદ છે? દ્વારપાલ જાઓ ને એમને મારી નજર સમક્ષ, માનભેર હાજર કરો. જતાં દ્વારપાલના પગલાંનો અવાજ સંભળાય છે.
દ્વારપાળ : તમારે ફરિયાદ કરવાની છે? ન્યાય માગો છો? ચાલો મારી સાથે, બાદશાહ સલામત તમને હમણાં ને હમણાં અંદર બોલાવે છે.
શવલો અને બે બાળકો સાથે જમના બાદશાહના ખંડમાં ધ્રુજતાં પ્રવેશે છે.
દ્વારપાળ : ખુદાવંદ, આ બાઇને ફરિયાદ કરવાની છે.
બાદશાહ : બોલ, બાઇ, તારી શી ફરિયાદ છે? ગભરાઇશ નહિં.
જમના : નામવર, જહાંપનાહ, મારા બાદશાહ, મારું સર્વસ્વ લૂંટાઇ ગયું. હું ધોબણ છું. અમે નગરજનોના કપડાનાં મેલ ધોતા હતાં અને આપની કૃપાથી આનંદ કરતાં હતા. પણ મારા પતિનું અચાનક ખૂન થયું છે. હવે મારું અને આ બે બાળકોનું શું થશે? બાપુ, હદ થઇ આ ખોળિયું ટકશે નહિં.
જમના ખોળો પાથરીને બોર બોર જેવડાં આંસુ પાડતી, ડૂસકાં ભરતી, એક બાજુએ નીચે મુખે ઊભી રહી.
જહાંગીર : ગભરાઇશ નહિં, બાઇ, શાન્ત થા જરા માંડીને વાત કર, તારા પતિનું ખૂન કોણે કર્યું છે? તે તો જરા કહે, એટલે મને સમજણ પડે ને.
જમના : ખુદાવંદ, આલમપનાહ! હું શું તમને? મા બાપ રૂઠે ત્યાં મારું શું ગજું? ડુસકાં લેતાં બોલે છે. ગરીબપરવર, આ દુઃખિયારીની જીભ ઉપડતી નથી. પણ કહેવું પડે છે. બાદશાહ મારા, મારા ધણીને બેગમ સાહેબાએ વિના વાંકે, બંદૂકની ગોળી મારીને ગઇ કાલે સમી સાંજે, મારી નાખ્યો છે. હવે હું શું કરું? પ્રભુ, જે રસ્તો સુઝાડશે તે લઇશ. પણ આ બે બાળકો હવે આપ નામદારને સોંપુ છું. ધોબણે થરથરતે હાથે બાળકોને આગળ ધર્યાં.
જહાંગીર : એમ છે? શાન્ત થા. બેગમે નૂરજહાંએ ગોળીથી તારા ધણીનું ખૂન કર્યું?! રૈયત ઉપર ગોળી ચલાવવાનો કોઇ હક નથી. ઠીક છે. આવતી કાલે તું દરબારમાં આવજે. ત્યાં તને ખરેખરો ન્યાય મળશે. અને આજે તો આ લે, તમારા પોષણને માટે આ થેલીમાં સો સોનામહોરો આપું છું. ધોબણ થેલી લઇને બાળકો સાથે જાય.
બીજો દિવસ થયો છે. ધોબણનો ન્યાય સાંભળવાને માટે દરબારમાં જતા માણસોનો અવાજ સંભળાય છે.
શવો : અલ્યા, ઓઘડ, અમારા, મોતી, માઘા, કામુ, કાળું, કરસન, માલો બધા દરબારમાં. આજે તો બેગમનો ને જમના ભાભીનો ન્યાય થવાનો છે. દરબાર તરફ તો કંઇ કહેતાં માણસ માય નહિ એટલું બધું ઉમટ્યું છે. હેંડો, હેંડો જલદી કરો. જમનાભાભી ક્યારનાય પહોંચી ગયા છે.
દરબારમાં લોકોનો કોલાહલ સંભળાય છે. વાજીંત્રો વાગે છે. અહીં બેસો, જરા ખસોને. જરા જોજો, માફ કરજો. અરે સાંભળો તો ખરા ભાઇ જરા શાન્ત થાવ વગેરે.
પ્રજાજનોના અવાજો : જુઓ, જુઓ, ત્યાં બેગમ સાહેબાય આવી પહોંચ્યા છે. પેલા પડદા પાછળ કેવી અદાથી બેઠાં છે?
(૧) શી સુંદરતા છે?
(૨) ‘એ તો સમજ્યા ભાઇ, બેગમ આવે કે ના આવે, એનું નામ કાંઇ નહિં ગમે એટલું તો ય એ તો રાજા! રાજા, વાજાં ને વાંદરાં’ - કોઇનાય નહીં.
(૩) ‘ન્યાયનું ફારસ તો જોયું હવે. આ તો બધું બતાવવાનું. મરેલા ધોબીને તો કાંઇ બાદશાહ સાજો થોડો કરવાનો હતો?!’
(૪) ‘ઠીક છે, ભાઇ! જહાંગીરથી તે કાંઇ બેગમને શિક્ષા થવાની હતી! બેગમ તો બાદશાહનું નાક છે, નાક. અરે! બેગમના આગળ બાદશાહનું કાંઇ ચાલે જ નહિ ને!’
(૫) ‘પણ ભલા માણસ, જુઓ તો ખરા હવે. જહાંગીર ન્યાયી તો છે. ન્યાયને માટે એ બધું ય કરવા તૈયાર થાય એમ છે.’ ને બધે શાન્તિ ફેલાય છે.
જહાંગીર : પ્રધાનજી, પેલી ધોબણ બાઇને હાજર કરો. (પ્રધાન જાય છે અને ધોબણને હાજર કરે છે.)
ધોબણ : નામવર, વંદન કરું છું. આપની કૃપા યાચું છું.
જહાંગીર : બોલ બાઇ, તારી શી ફરિયાદ છે?
ધોબણ : ગરીબપરવર, હું ગરીબ ધોબણ છું. મારા પતિનું વિના વાંકે બેગમ સાહેબાએ પરમ દિવસે સાંજે ગોળી વડે ખૂન કર્યું છે. જો કે એ તો પ્રભુનું ધાર્યું જ થયું હશે.
જહાંગીર : વહાલી નૂરજહાં! શું આ વાત સાચી છે? શું તેં સાંજના ગોલી ચલાવી હતી?
નૂરજહાં : વહાલા બાદશાહ, હું અપરાધી છું. મેં ગુનો કર્યો છે. ગોળી મેં છોડી હતી.
જહાંગીર : (બંદૂક સાથે એકદમ ઊભો થઇને)
નૂરજહાં, શું તેં ખૂન કર્યું? શું તેં જ ગોળી ચલાવી? કોઇ પણ જગ્યાએ વસ્તીમાં શિકાર નહિં કરવાનું મારું ફરમાન છે. છતાં તેનો ભંગ કરીને તેં એક ગુનો કર્યો છે. અને બીજો ગુનો તેં ધોબણના પતિને વાંકવગર બંદૂકથી માર્યો છે. આથી તારા ગુના જોતાં હું ન્યાય ફરમાવું છું. કે ધોબણે તારા પતિ જહાંગીરનો આ બંદૂકથી જાન લેવો.
લે બાઇ, આ બંદૂક ને ચલાવ એ ગોળી મારા ઉપર.
લોકોમાં ખળભળાટ, ભય, અશાન્તિનો અવાજ ઊઠી રહે છે.
ધોબણ : આલમપનાહ, બાદશાહ, હું ખૂનનો બદલો ખૂનથી લેવા નથી આવી. મારો નમ્ર વિચાર તો એટલો જ હતો કે આ બાબતની ફક્ત આપને જાણ થાય. ન થવાનું નથી. સો મરજો, પણ સૌનો પાલનહાર ન મરજો. માફ કરો, ક્ષમા કરો બેગમસાહેબાને, મારી એટલી જ માંગણી છે.
જહાંગીર : ના...ના...એમ ન બને બાઇ. લે લે આ બંદૂક, મારે મન તો પ્રજાનાં સર્વ માણસો સરખાં છે. પછીથી એ ગરીબ હોય કે તવંગર હોય, સગાં હોય કે પરાયાં હોય. સર્વેને સરખો જ ન્યાય મળવો જોઇએ આ તો બાદશાહ જહાંગીરનો ન્યાય!
ધોબણ : ખુદાવંત, મને શા માટે નીચું જોવડાવો છો? બેગમસાહેબાએ કાંઇ જાણી જોઇને મારા પતિનું ખૂન કરવાને માટે ગોળી છોડી ન હતી. હું બે હાથ જોડીને, પગે પડીને, નમ્રતાથી આપની દયા માગું છું.
જહાંગીર : બાઇ, ધન્ય છે. તને. આજથી હું તને મારી બહેન ગણું છું. તમારા નિર્વાહને માટે મારા તરફથી જરૂરી નાણું મળ્યાં કરશે. તારા કહેવાથી, નૂરજહાંનો ગુનો માફ કરું છું. પણ મારું ફરમાન છે કે મારી પરવાનગી વિના હવેથી નૂરજહાંએ તેમજ કોઇ પણ પ્રજાજનો હથિયાર ધારણ ન કરવાં અને કોઇએ ય વસ્તીના વિસ્તારમાં શિકાર સરખો પણ ન કરવો.
શવલો :
બોલો, બોલો જય કહું (૨)
બાદશાહ જહાંગીરનો સહુ, (૨)
ન્યાયી રાજા આવો બીજો (૨)
થયો નથી હું કહું (૨) બોલો
ન્યાયી કેરા ન્યાય તણાં શાં
વખાણ કરવાં બહુ! (૨)
ધોબણ પણ સમજુ કેવી તે
એનોય જય ચહુ (૨) બોલો.
લોકનાદ : બાદશાહ જહાંગીરનો જય, ‘જહાંગીરી ન્યાય’ અમર હો!