Gharbayelo Chitkaar - 6 in Gujarati Love Stories by Ravi Yadav books and stories PDF | ધરબાયેલો ચિત્કાર ભાગ - ૬

Featured Books
Categories
Share

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૬

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 6

ઇશાન ધીમે-ધીમે સદીયા તરફ આગળ વધી રહ્યો હતો. તે એની જાતે જ ખેંચાઈ રહ્યો હતો અને સદીયા પણ જાણે કશું જાણતી જ નાં હોય અને તેને કશી ખબર જ નાં પડતી હોય તે રીતે ચુપચાપ ઉભી રહી હતી. ત્યાં જ અચાનક ગાડીઓના હોર્નનાં કારણે બંનેનું ધ્યાન તૂટ્યું અને ઈશાને પાછળ નજર કરી તો ધ્યાનમાં આવ્યું કે તે પોતે પોતાની ગાડી તો રોડની વચ્ચે જ ઉભી રાખીને આવી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અચાનક જ આમ ધ્યાનભંગ થતા ઇશાન ભગવાનનો આભાર માનવા લાગ્યો અને મનોમન બોલતો ગયો કે તે આજે કોઈ આડું કામ કરતા બચાવી લીધો અને પોતાની ગાડી એક બાજુ રાખીને સદીયાને બોલાવી અને સદીયા ચુપચાપ આવીને ગાડીમાં બેસી ગઈ.

બહારથી નાહીને આવ્યા હોવાના કારણે ગાડી અંદરથી થોડી પાણીવાળી થઇ હતી પરંતુ એની સાથે ધરતીની એ ખુશ્બુ પણ આવી રહી હતી જેથી વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું હતું. સદીયા પોતાના વાળ ધીમે ધીમે હલાવી રહી હતી જેથી જલ્દી સુકાઈ જાય પરંતુ અજાણતાથી એ વાળમાંથી ઉડતું પાણી સીધું જ ઇશાનના ચેહરાને સ્પર્શી જતું હતું અને ઇશાન હસતો હસતો ગાડી ચલાવ્યે જતો હતો. સદીયા હવે થોડું થોડું ધ્રુજવા લાગી હતી અને લાગી રહ્યું હતું કે હવે તેને ઠંડી ચડી હશે એટલે ઈશાને તરત જ ગાડીના બંને કાચ બંધ કરી દીધા અને એસીમાંથી ગરમ હવા શરુ કરી જેથી સદીયાને રાહત મળે. થોડે આગળ જતા અચાનક જ ઈશાને ગાડી એક રેસ્ટોરેન્ટ સામે ઉભી રાખી દીધી. અને સીધો જ બહાર નીકળી ગયો. સદીયા હજુ કઈ વિચારે તે પહેલા તો તેણે સદીયા જ્યાં બેઠી હતી તે દરવાજો પણ ખોલી નાખ્યો અને બહાર આવવા કહ્યું.

એકદમ પ્રશ્ન કરતા ભાવે સદીયા બોલી, "કેમ અહિયાં ઉભી રાખી ? જલ્દી ઘરે જવું છે આપણે."

"અરે જઈશું આપણે, પણ પહેલા અહિયાંના ભજીયા ખાવા છે. અહિયાં બનતા ગરમાગરમ ભજીયા ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હું તમને ખવડાવું." ,ઇશાન બિન્દાસ્ત રીતે બોલ્યો.

"હા યાર ! આમ તો ભૂખ લાગી છે, ચાલો ચાલો આપણે ખાઈએ"

થોડીવારમાં જ ઇશાન અને સદીયા બંને ટેબલ પર ગોઠવાઈ ગયા. ઈશાને ૨ પ્લેટ ભજીયા ઓર્ડર કરી અને આડી-અવળી વાતોએ બંને વળગ્યા. અચાનક જ સદીયાનું ધ્યાન બાજુમાં બેઠેલા એક ભાઈના હાથમાં રહેલા છાપા પર ગયું જેમાં ગોધરામાં કોઈક મોટા મંદિરનું ઉદ્ઘાટનના સમાચાર હતા. એ વાંચીને અચાનક જ સદીયાની નજર ત્યાં જ સ્થિર થઇ ગઈ. ઇશાન તો હજુ પણ પોતાના મૂડમાં વાતો કર્યે જ જતો હતો ત્યાં જ તેણે નોટીસ કર્યું કે સદીયા તેની વાત સાંભળી રહી નથી તેથી તેણે સદીયાનો હાથ પકડીને હલાવ્યો જેથી સદીયાએ ઇશાન તરફ જોયું અને પછી તરત જ નીચું મોઢું કરીને આંખો બંધ કરી ગઈ અને તેના ગાલ પર અશ્રુધારા વહી ગઈ.

ઇશાન હજુ કશું સમજે તે પહેલા તો સદીયા બંને હાથ વડે પોતાના ચેહરાને ઢાંકીને રડવા લાગી અને ઇશાન એમને એમ જોતો રહ્યો. તેને સમજ નહોતી પડી રહી કે એવું તો શું થયું કે તેને રડવું આવી ગયું.

"શું થયું સદીયા ? કેમ અચાનક રડવા લાગી ?"

થોડીવાર સુધી રડી લીધા બાદ સદીયા થોડી વ્યવસ્થિત થઈને બોલી, "તમે હમણા ઓફીસથી નીકળતી વખતે બોલી રહ્યા હતા ને કે તારા ઘરે ફોન કરીને કહી દેજે કે ચિંતા નાં કરે, તું ઘરે પહોચી જઈશ એમ, પરંતુ ચિંતા તો હોય જો કોઈ મારા ઘરમાં રહેતું હોય. હું એકલી જ છું. મારી ચિંતા કરવાવાળું કોઈ જ નથી."

ઇશાન આ સાંભળીને થોડો સીરીયસ થઇ ગયો અને ટટ્ટાર બેસી ગયો.

તો શું ? તમે અના..... ? ઇશાનની જીભ અટકી ગઈ.

નહિ, અનાથ હતી નહિ પરંતુ માણસાઈની હત્યાની સાથે મારા માં-બાપની પણ તે દિવસે હત્યા થઇ ગઈ. કુદરતની એ થપાટને કારણે હું આ દુનિયામાં સાવ એકલી થઇ ગઈ.

"એટલે ?"

===***===***===

એટલે એમ કે ૧૪ વર્ષ પહેલાની એ ગોઝારી ઘટનામાં મારા માતાપિતાનો ભોગ લેવાયો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે અયોધ્યાથી નીકળેલી રામસેવકની ભરેલી હિન્દુઓની ટ્રેનને ગોધરા પાસે કેટલાક મુસ્લિમોના ટોળાએ આગ લગાડી. જેમાં જીવતે જીવતા ૫૮ યાત્રીઓ મૃત્યુ પામ્યા. મુસ્લિમો તો નહિ પરંતુ એ હેવાનો હતા જેનો કોઈ ધર્મ નહોતો. તે દિવસે જ્યારે રાત્રે અડધી બળેલી લાશો, જેમાં હવે ફક્ત હાડકાઓ જ બચ્યા હતા અને તેની સાથે ચોટેલા માંસના લોચાઓવાળા એ શરીર જ્યારે અમદાવાદ પહોચ્યા અને ત્યાંથી બીજા દિવસે સવારથી એ કોમી રમખાણોની શરૂઆત થઇ ગઈ. હિંદુ-મુસ્લિમો વચ્ચેના એ કોમી હુલ્લડોમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. હિંદુ અને મુસ્લિમની એ લડાઈમાં જે લોકો કોઈ દિવસ એકબીજાને કોઈ દિવસ મળ્યા પણ નહોતા, એકબીજા જોડે કોઈ ઓળખાણ પણ નહોતી એ લોકો પણ એકબીજાના કટ્ટર દુશ્મન બની બેઠા હતા. જો કે હું નથી માનતી કે એ લોકો હિંદુ અને મુસ્લિમ હતા. એ લોકો રાક્ષસ હતા જેનો કોઈ જ ધર્મ નાં હોય. કારણ કે રામ કે રહીમ કોઈ પણ પોતાના ધર્મના લોકોને એમ નથી શીખડાવતા કે લોકોની હત્યાઓ કરો, બળાત્કાર કરીને રહેસી નાખો, એકબીજાના લોહીના દુશ્મન બની જાઓ. રામને ભજવાથી કે રહીમની દુવા કરવાથી તો માણસમાં માણસાઈ જાગે છે નહિ કે એકબીજા પ્રત્યેની ઘૃણા.

તે દિવસે હું સવારે હજુ મારા રૂમમાં સુઈ રહી હતી અને અચાનક જ કોલાહલ શરુ થયો અને મેં ફટાફટ ઉભી થઈને બારણાની તિરાડમાંથી જોયું તો એક મોટું ટોળું તલવાર અને બીજા ધારદાર હથીયારો સાથે અમારા ઘરમાં ઘુસી ગયું હતું. ફળિયામાં પડેલી વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા હતા અને એ લોકોના ચેહરા પર એટલી ક્રુરતા હતી કે એનાથી ડરીને હું લપાઈને પલંગની નીચે વસ્તુની આડશ કરીને સંતાઈ ગઈ હતી. ત્યાં જ મારી અમ્મીની ચીસો અને અબ્બુની ત્રાડો સંભળાઈ. થોડીવાર થઈને ત્યાં અબ્બુની એક ભયાનક ચીસ સાંભળી અને થોડીવાર બાદ તે ચીસ શાંત થઇ ગઈ. અમ્મીના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને સાથે તે પણ કણસી રહી હતી પરંતુ હજુ તે નરાધમો જોરજોરથી અવાજો કરી રહ્યા હતા, ચિક્કાર ગાળો બોલી રહ્યા હતા અને હુરીયાઓ કરી રહ્યા હતા એટલે હું ડરનાં કારણે ત્યાં જ સંતાઈ રહી હતી. થોડીવારે અમ્મીનો અવાજ આવતો પણ બંધ થઇ ગયો અને લાગ્યું કે ઘરમાં હવે કોઈ છે જ નહિ એવું ધારીને હું હળવેથી રૂમની બહાર નીકળી અને જોયું તો લોહીથી તરબોળાયેલી અબ્બુની લાશ ત્યાં પડી હતી. છાતી પર તલવારનો એ ઘા ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. હું ત્યાં જ અબ્બુ પાસે ફસડાઈ પડી અને અચાનક જ બાજુમાં ધ્યાન ગયું તો જોયું કે અમ્મી સાવ નિર્વસ્ત્ર અને નિષ્પ્રાણ થઈને પડી હતી. એ પાપીઓએ મારી અમ્મીનો બળાત્કાર કરીને મારી અમ્મીને પણ રહેસી નાખી હતી.

શું વાંક હતો અમારો ? અમે તો કોઈને ઓળખતા પણ નહોતા. શું વાંક હતો એ રામસેવક યાત્રીઓનો ? જેઓને જીવતા ટ્રેઈનમાં સળગાવી દેવામાં આવ્યા. ધર્મના નામ પર કરેલો આ નરસંહાર શું કોઈના ગ્રંથમાં લખાયેલો હતો ? માત્ર હિંદુ અને મુસ્લિમ આ ધર્મના નામ જ દેખાયા આ લોકોને ? શું માણસાઈની કોઈ કિંમત જ નાં રહી ? લોહીના બદલામાં લોહી વહાવીને બંને ધર્મના લોકોએ શું હાસિલ કરી લીધું ? અરે એ તો ઠીક પણ કમ સે કમ નાના બાળકો અને મહિલાઓનો તો વિચાર કર્યો હોત. તેઓના હૃદયમાં સહેજ પણ દયા નાં આવી ? એ ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ મર્યા એ ૨૨૩ લોકો તો સાવ એવા હતા કે જેઓ ખોવાઈ જ ગયા હતા. શું એ લોકો મૃત્યુ પામ્યા પછી પણ હિંદુ અને મુસ્લિમ રહ્યા હતા કે તેઓના મૃત્યુના આંકડામાં પણ આવા બાયફર્કેશન આપવા પડ્યા ? આટલી ક્રુરતાથી હત્યાઓ કરીને કોનું ભલું થયું ? શું તે સમયે તે લોકોની માણસાઈ મરી ગઈ હતી ? અને આજે જ્યારે એટલા વર્ષો પછી બધાય એ ઘટનાને યાદ કરીને રડે છે, તેની યાદમાં મૌન પાળે છે એ બધું જોઇને હસવું આવે છે અને પછી ચિક્કાર રડવું આવે છે.

થોડા દિવસો સુધી હું એમને એમ જ ઘરમાં બેઠી રડતી રહી. ઘરમાં જે પણ પડ્યું હતું તે ખાઈને થોડા દિવસ ચલાવ્યું અને બસ અમ્મી અને અબ્બુની એ લાશ જોઇને રડતી રહી. થોડુંઘણું શાંત થતા જ હું અમ્મી અને અબ્બુની લાશ ત્યાં જ એમ ને એમ મુકીને ભાગી નીકળી. દુર જોયું તો એક સામાન ભરેલો ટ્રક ઉભો હતો તેમાં પાછળથી ચડી ગઈ અને સંતાઈને બેસી ગઈ. મારી જિંદગી હવે જાણે બમણી ગતિથી દોડવા લાગી હતી. અચાનક એવું લાગી રહ્યું હતું કે જાણે હું ૧૦ વર્ષ મોટી થઇ ગઈ હોઉં. દરેક માણસની નજરમાં એ ખૌફ દેખાઈ રહ્યો હતો. દરેક માણસની આંખમાં એ ભાવો જોવા લાગી હતી કે જે માણસની સાચી ઓળખાણ આપી શકે. ૪-૫ કલાક સુધી ટ્રક ચાલ્યો અને કોઈક હોટેલ પાસે ઉભો રહ્યો અને હોટેલમાંથી જમવાની આવતી મહેકથી હું ટ્રકમાંથી ઉતરીને હોટેલ પાસે ગઈ પરંતુ એક રૂપિયો પણ પાસે નહોતો જેના કારણે કાઉન્ટર પર બેસેલ માણસે મને હડસેલી મૂકી. અંતે બધા પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરવાનું નક્કી કર્યું.

૧૪ વર્ષની ઉમર થઇ જવાને કારણે મારામાં શારીરિક ફેરફારો થવા લાગ્યા હતા જેને કારણે ભીખ માંગતી ત્યારે પણ લોકોની નજર મારી ભૂખ, લાચારી અને બેબસીની જગ્યાએ મારા શરીર પર જતી. પરંતુ પેટ જ્યારે અંદરથી ચીસો પાડી રહ્યું હોય ત્યારે આવી બધી વાતો ગૌણ બની જતી હોય છે. એ દિવસે સમજાઈ ગયું હતું કે જો પૈસા પાસે નાં હોય તો દુનિયામાં કોઈ આપણું નથી હોતું. પૈસા વગર કશું જ થતું નથી.

આમ જ રસ્તે રઝળતી ભટકતી હું ભીખ માંગીને પેટ ભરી લેતી અને ગમે ત્યાં સુઈ જતી. એવામાં એક દિવસ કોઈ ભલા માણસ કાકાએ મારી પાસે આવીને પ્રેમથી માથે હાથ ફેરવીને કહ્યું કે, બેટા ચલ મારી સાથે હું તને ખાવાનું આપીશ, કપડા પહેરવા માટે આપીશ. મને એ માણસની આંખમાં સચ્ચાઈ દેખાઈ આવી અને હું તેની સાથે ચાલી નીકળી. અને અહિયાંથી થોડે જ દુર આવેલા અનાથાલયમાં આવીને રહી ગઈ. અહિયાં તે લોકોએ મને ખુબ સાચવી, મને ખાવાનું આપ્યું. તેના બદલામાં પણ હું અનાથાલયનું બધું જ કામ કરી લેતી અને નાના અનાથ બાળકોને પણ સાચવતી. મારી આ ખુમારી જોઇને એ કાકાએ પોતાની ઓળખાણથી એક સ્કુલમાં મારું એડમીશન કરાવી આપ્યું અને એ પ્રિન્સીપાલની મદદથી હું ભણી અને અવ્વલ આવવા લાગી. મારી આ લગન જોઇને સરકારી ગ્રાન્ટમાંથી મને સ્કોલરશીપરૂપે મદદ મળવા લાગી જે મારા માટે કોઈ આશીર્વાદથી કમ નહોતી. મેં મારી જિંદગીમાં નક્કી કરી નાખ્યું હતું કે હું ભણીગણીને ખુબ પૈસા કમાઈશ અને તેનાથી મારા જેવા એકલા ભટકતા બાળકોને હું ભણાવીશ અને સાચવીશ. જેથી મારા જેવું કોઈ બીજા બાળકોને નાં રઝળવું પડે.

ભણીગણીને હવે હું ડીગ્રી સાથે ક્યાય પણ જોબ કરી શકું એમ હતી જેથી મેં એક કંપનીમાં જોબ એપ્લાય કરી અને મારી જોબ શરુ થઇ ગઈ. શરૂઆતના ૮ મહિનાનો વર્કગ્રોથ જોઇને પણ કંપનીએ પગાર વધારાની જગ્યાએ માત્ર "વાહ વાહ" આપી જેથી કરીને એ જોબને લાત મારીને હું બીજી કંપનીમાં લાગી ગઈ. આમ મારા કામના પ્રમાણમાં જો કોઈ પગાર નાં આપતું તો ત્યાં જવાનું જ બંધ કરી દીધું અને એક પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં પણ જોબ કરવા લાગી. અંતે અત્યારે આ કંપનીમાં આવીને અટકી ગઈ છું. જોઈએ હવે કે તમારી કંપની મારી આ કેપેસીટીને કેટલીક સરાહી શકે છે. કારણ કે મારી જે કઈ સેલેરી આવે છે એમાંથી જરૂર પુરતી જ હું મારી પાસે રાખું છું બાકીની બધી જ સેલેરી હું અનાથાલયમાં આપી દઉં છું.

આખરે બધું બોલીને સદિયાએ શાંતિથી બાજુમાં પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને નિરાતે શ્વાસ લીધો અને આંખ લુછી નાખી. ઇશાન હજુ પણ સદિયા સામે ગર્વભેર માનથી જોઈ રહ્યો હતો. તેની આ ખુમારી અને કામ કરવાની ધગશ, જીવનમાં કશુક કરી બતાવાની અને લોકોની મદદ કરવાની તૈયારી જોઇને ઇશાનને સેલ્યુટ કરવાનું મન થઇ ગયું. તરત જ તેણે સદીયાને પોતાનાથી બની શકે એટલી બધી જ મદદ કરવા માટે કહી દીધું અને એ સાંભળીને સદીયા ખુબ જ ખુશ થઇ ગઈ.

બંનેનું ધ્યાન હવે ટેબલ પર જતા જ જોયું તો ૨ પ્લેટ ભજીયાની ક્યારની આવી ગઈ હતી અને ભજિયું હાથમાં લીધું તો ખ્યાલ આવ્યો કે તે ઠરી ગયા હતા અને બંને એકબીજા સામે હસી પડ્યા અને ઈશાને ફરીવાર ૨ પ્લેટ ભજીયા ઓર્ડર કર્યા અને બંને ભરપેટ ખાઈને પછી ઘરે જવા નીકળી ગયા. સદીયાને ઘર સામે ડ્રોપ કરીને ઇશાન ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી ગયો.

===***===***===

ઘટા હજુ પણ હોસ્પિટલમાં એડમીટ જ હતી કારણ કે તેના મગજની હાલત હજુ બરાબર નહોતી. પરંતુ તે હાલતની પાછળ ૯૦% કારણ તો પોતાનો શંકાશીલ સ્વભાવ જ હતો જેના કારણે તે ઇશાન અને સંધ્યા વિષે વિચારી વિચારીને પાગલ જેવી થઇ ગઈ હતી. તેને હવે પાક્કો વિશ્વાસ બેસી ગયો હતો કે નક્કી આ બંને વચ્ચે કોઈ અફેયર છે જ. ઇશાન જ્યારે જ્યારે પણ તેને મળવા આવતો ત્યારે ઇશાનને જાણે ઇગ્નોર કરતી હોય એવું લાગતું. તે ઇશાન જોડે સરખી વાત નાં કરતી અને તેને કોઈને કોઈ વાતે સંભળાવ્યા કરતી જેના કારણે ઇશાન ખુબ જ દુખી થઇ જતો અને ગુસ્સો પણ આવતો પરંતુ ઘટાની આવી માનસિક પરિસ્થિતિ જોઇને પોતાની જાત પર કાબુ રાખીને તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી જતો.

તે હવે ઘટાથી કંટાળી ચુક્યો હતો. તેના આ સ્વભાવના કારણે હવે તે ઘટાની સાથે બોલવા પણ રાજી નહોતો કારણ કે ઘટાના આ ટોન્ટ અને શંકાના ઝેરના ઘુંટડા હવે તે વધારે પી શકે તેમ નહોતો. તે સતત એ જ વિચાર કરતો કે જો અત્યારથી આવું છે તો ભવિષ્યમાં શું શું થશે. એ વિચાર જ તેને ડગમગાવી જતો. એ જ કારણથી હવે તે નક્કી કરી ચુક્યો હતો કે તે ઘટાના સારા થઇ ગયા બાદ તેની સાથે સગાઇ તોડી નાખશે.

બીજે દિવસે અચાનક જ સવારે ઇશાન પર હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે "ઘટા રાતથી હોસ્પિટલમાં નથી. આખી હોસ્પિટલ ચેક કરી લીધી પરંતુ તેનો ક્યાય પત્તો નથી. તે ભાગી ગઈ છે." ઇશાનને ધ્રાસકો પડ્યો. થોડી જ વારમાં તે તૈયાર થઈને નીકળવા જતો હતો ત્યાં જ ફરી તેના મોબાઈલમાં એક એવી ઓડીઓ કલીપ આવી જે સાંભળીને ઇશાન ગુસ્સાથી ધુવાપુવા થઇ ગયો.

વધુ આવતા અંકે...