Dikaro to parki thapan kahevay in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | દિકરો તો પારકી થાપણ કહેવાય.

Featured Books
Categories
Share

દિકરો તો પારકી થાપણ કહેવાય.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

દિકરો તો પારકી થાપણ કહેવાય. પલ્લવી જે. મિસ્ત્રી.

ભારત દેશનું પાટનગર એવું દિલ્હી શહેર. સન ૨૦૧૨ નો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની એક કમનસીબ રાત્રી. ૨૩ વર્ષની એક વિધાર્થીની એના પુરુષ મિત્ર સાથે એક બસમા ચઢી. ચાલુ બસે ૫-૬ નરાધમો એ એના મિત્રને માર મારીને બસની બહાર ફેંકી દીધો અને એ છોકરી પર વારાફરતી પાશવી બળાત્કાર ગુજારીને માર મારીને એને પણ બસની બહાર ફેંકી દીધી. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી આ યુવતીને હોસ્પીટલમાં દાખલ કરવામા આવી. આ બાબતે પ્રજામાં પેલા બળાત્કારીઓ પ્રત્યે ગુસ્સો, ક્રોધ, નફરતની આગ પ્રજ્વળી ઊઠી. ઠેર ઠેર રેલીઓ યોજાઇ, દેખાવો થયા, સુત્રો પોકારાયા, ભાષણો થયા. ન્યૂઝ પેપર્સમાં પણ આ સમાચારો ખૂબ છપાયા અને ચર્ચાયા. ટી.વી. પર પણ ખૂબ ચર્ચાઓ થઈ. બળાત્કારને લગતા કાયદાઓ કડક બનાવવાની અને બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની માંગ ઊઠી. નેતાઓ અને સરકાર પણ આ બાબતે સફાળી જાગી ઊઠી અને લોકોની માંગણી પ્રત્યે ધ્યાન આપવાનું વચન આપ્યું.

આ બધું જોઇને, વાંચીને, સાંભળીને અને વિચારીને મને બળાત્કારીઓ પ્રત્યે ગુસ્સો, ક્રોધ, નફરતની

લાગણી જન્મી. પિડિતા પ્રત્યે દિલમા સહાનુભૂતિ, અનુકંપાની લાગણી જન્મી. મારી લાચારી એ આ લાગણીઓને કલ્પનામા ફેરવી. વિચાર આવ્યો. ‘જો ભારત દેશનાં સામાજીક માળખામાં આમૂળ પરિવર્તન થાય, રાજકીય ક્ષેત્રે કાયદામાં ધર-મૂળથી ફેરફાર થાય તો.....જે નવો કાયદો બને તે મારી કલ્પના પ્રમાણે નીચે મુજબનો હોય.

‘દિકરી ને જેમ ઘરકામ શીખવીને, દહેજ આપીને સાસરે મોકલવામા આવતી હતી. અદ્દલો અદ્દલ તેમ જ હવે છોકરાઓ ને ઘરકામ શીખવાડીને, દહેજ આપીને સાસરે મોકલવામા આવશે.’

હવે નવા કાયદા પ્રમાણે જે દ્રશ્યો રચાશે, તે નીચે મુજબના હશે. .......

દ્રશ્ય:૧:

ડૉક્ટર: [પરિણીત યુગલને]: બોલો, કેમ આવવું થયું?

પતિ: ડૉક્ટર સાહેબ, મારી વાઇફ પ્રેગનન્ટ છે, એટલે તપાસ કરાવવા આવ્યાં છીએ.

ડૉક્ટર:[તપાસ કર્યા પછી] : એવરીથીંગ ઇઝ ઓલરાઇટ. બધું નોર્મલ છે.

પતિ: સાહેબ, સોનોગ્રાફિ કરીને કહો ને કે બાળક છોકરો છે કે છોકરી.

ડૉક્ટર: સોરી. ‘જાતિ પરીક્ષણ’ એ કાયદાકીય રીતે ગુનો છે.

પતિ: સાહેબ, પ્લીઝ. અમારે બે ‘છોકરાં’ તો ઓલરેડી છે જ. જો આ ત્રીજો પણ છોકરો જ હોય તો એ અમને પોસાય તેમ નથી.

ડૉક્ટર: એટલે? ત્રીજો છોકરો હોય તો તમે ‘એબોર્શન’ કરાવશો?

પતિ: સાહેબ, છૂટકો જ નથી. આજના મોંઘવારીના જમાનામાં ત્રણ ત્રણ પથરા એટલે કે છોકરા કોને પોસાય? હા, દીકરી હોય તો વળી જુદી વાત. સાહેબ, જોઇ આપોને પ્લીઝ. તમે કહો એટલા રુપિયા આપવા તૈયાર છું.

ડૉક્ટર:નહી. ‘જાતિ પરીક્ષણ’ કરી આપવું એટલે રુપિયા ૫૦ હજારનો દંડ અને ૬ માસની કેદની સજા. અને ‘એબોર્શન’ કરી આપવું એટલે રુપિયા ૧ લાખનો દંડ અને ૧ વર્ષની પાકી કેદની સજા. મારું મેડીકલ સર્ટિફિકેટ પણ ઝૂંટવાઇ જાય. હું એવાં કામ કરતો નથી, સોરી.

તમે જોયું દોસ્તો? કાયદો કડક થાય અને બદલાઇને દિકરાને બદલે દિકરીના તરફેણમા થઈ જાય તો શું પરિણામ આવે? કેવો હશે એ દિવસ જ્યારે દિકરીના બદલે દિકરો સાસરે જતો હશે? પછી તો ‘જમ જેવો જમાઇ’ને બદલે ‘દારોગા જેવી દિકરી’ બોલાતું થાય. ‘જમાઇ દસમો ગ્રહ’ ના બદલે ‘દિકરી દસમો ગ્રહ’ કહેવાતું થાય. ‘દિકરીની મા રાણી ને ઘડપણમાં ભરે પાણી’ કહેવતના બદલે, ‘દિકરાનો બાપ દાસ અને કાયમ રહે ઉદાસ’ એવુ એવુ કહેવાતું થાય. અને જો આમ થાય તો.....

દિકરો: પપ્પા, હું બી.કોમ. મા ફર્સ્ટ ક્લાસ પાસ થયો.

પપ્પા: વાહ મારા દિકરા. હવે તારા માટે છોકરી જોવા માંડવું પડશે.

દિકરો: પપ્પા, મારે આગળ ભણવું છે. માસ્ટર્સ કરવું છે.

પપ્પા: બેટા, છોકરાની જાતને વળી વધારે ભણવાનું શું? છેવટે તો તારે સાસરે જઈને ઘર જ સંભાળવાનું છે ને? એના કરતાં હવે તું ઘરકામ- કચરા-પોતાં-વાસણ- કપડાં અને રસોઇ બનાવતા બરાબર શીખી જા. જેથી મારે તારા સાસરીયાઓ તરફ્થી સાંભળવું ના પડે કે.’ આના પપ્પાએ એને કંઇ જ શીખવાડ્યું નથી.’

જો ભારત દેશનો સિનારીયો બદલાય અને સમાજ ‘પુરુષ-પ્રધાન’ ના બદલે ‘સ્ત્રી-પ્રધાન’ બને તો સમાચારો કંઇ આવા પ્રસારીત થાય...

‘પુરુષો માટે દિલ્હી-મુંબઈ-ચૈન્નઈ.. જેવા શહેરો સલામત રહ્યાં નથી. લેઈટ નાઇટ ક્લબોમાં પાર્ટી કરીને કે લાસ્ટ શો મા ફિલ્મ જોઇને નીડરતાથી ઘરે આવતા પુરુષો હવે રાત્રે ૧૦ વાગ્યા પછી એકલાં નીકળવાની હિમ્મત કરી શકતાં નથી. ૨૦ થી ૩૫ વર્ષના પુરુષો સ્ત્રીઓના શિકાર બની રહ્યા છે. પુરુષોની છેડતી, વિનયભંગના કિસ્સા વધી રહ્યા છે. બળાત્કાર, હત્યા વગેરેના ગુનામાં જેના પર કેસ ચાલે છે, એમાંના માત્ર ૧૦% ગુનેગારોને જ સજા થાય છે. બાકીના ૯૦% તો અપૂરતી પોલીસ તપાસ અને પુરાવાના અભાવને લીધે છૂટી જાય છે. ગયા વર્ષે ૧૩૦૩૧ સ્ત્રીઓની પુરુષોના બળાત્કાર, વિનયભંગ, શારીરિક છેડતી અને હત્યાના આરોપસર ધરપકડ થઈ છે. પણ એ શું કામનું? જે સાક્ષીઓ પોલીસ સ્ટેશનમાં બયાન આપે છે તે ડરના લીધે કોર્ટમા ફરી જાય છે, અને ગુનેગારો છૂટી જાય છે. આવા બયાનો સીધાં કોર્ટમા જ લેવાવાં જોઇએ અને આવા કેસનો ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’મા જ નીકાલ લાવવો જોઇએ. તો જ પુરુષો પર થતા અત્યાચાર ઘટશે.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા ઘણી ઓછી હોવાને લીધે ગુનાઓ તો બનવાના જ. પણ આ બાબતે સમાજ અને ખુદ પુરુષો જાગ્રુત થશે તો જ ગુનાઓ ઓછા થશે. પુરુષોએ ‘સ્વરક્ષણ’ના પાઠ શીખવા પડશે. પુરુષોએ, સ્ત્રીઓની મનોવ્રુત્તિ બહેકાવે એવા ટુંકા-ફેશનેબલ-સેક્સી વસ્ત્રો પહેરવાનાં બંધ કરવા જોઇએ. અને મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું ટાળવું જોઇએ.

રમેશ: હાય સુરેશ! મઝામાં?

સુરેશ: મઝામાં નહીં યાર, સજામાં છું.

રમેશ: કેમ કેમ? શું થયું?

સુરેશ: મારે બે દિકરા તો હતા જ. અને દિકરીની આશામાંને આશામાં આ ત્રીજો પથરો પાક્યો. એટલે કે ત્રીજો દિકરો જન્મ્યો. હું તો બરબાદ થઈ ગયો યાર.

રમેશ: અરરર! બહુ ખરાબ થયું આ તો. ચાલ હવે, ભગવાનને જે ગમ્યું તે ખરું.

સુરેશ: પણ મારા સાસરીઆઓ ને આ બિલકુલ ના ગમ્યું. બે દિકરા તો પહેલેથી જ હતા એટલે આમ પણ તેઓ મારાથી નારાજ હતા. હવે તો ‘કડવી કારેલી અને લીમડે ચઢી.’

રમેશ: ‘ઘેર ઘેર માટીના ચુલા’ બધાંને ત્યાં આ જ રામાયણ છે દોસ્ત.

સુરેશ: ઓફિસનું કામ, ઘરનું કામ, બહારનાં કામકાજ. હું તો હવે ખરેખર થાકી ગયો છું યાર.

રમેશ: સંસાર છે, ચાલ્યા કરે એ તો.

સુરેશ: એ સમજીને જ આ બધાં ઢસરડા કર્યે જાઉ છું. અત્યાર સુધીમા મારો પૂરો પગાર, બોનસ બધું એમને આપ્યું. પિયરથીય વારંવાર પૈસા લાવ્યો છું, પણ એ લોકો ધરાતાં જ નથી.

રમેશ: મન પર ના લે યાર, સૌ સારાં વાના થશે.

સુરેશ: યાર, આ ત્રીજા દિકરાને બદલે દિકરી આવી હોત ને તો સારું થાત. છોકરી ના જન્મ, ઉછેર, ભણતર, લગ્ન, ડીલીવરી... આ તમામ ખર્ચા સરકાર આપે છે. નોકરીમાં પણ છોકરીને વધારે તક મળે છે. વળી છોકરી પરણે ત્યારે જમાઇ દહેજ લાવે એનો કેટલો મોટો આધાર રહે.

રમેશ: વાત તો તારી સાચી છે, યાર. આપણા પુરુષોનો તો કંઇ જન્મારો છે. કેટલાંય પુરુષોએ સાસરીયાઓની દહેજની માંગણીથી તંગ આવી જઈ ને આપઘાત કર્યા છે. કેટલાય કોડીલા કુંવરો આ દહેજ નામના ખપ્પરમા હોમાઇ ગયા છે. આમ ને આમ ચાલતું રહેશે તો આપણું પુરુષોનું તો આવી બન્યુ સમજો.

સુરેશ: ગામડાંઓમા તો શહેર કરતાં પણ બદતર સ્થિતિ છે. ત્યાં તો દિકરાને જન્મતા વેંત ‘દૂધપીતા’[દૂધ ભરેલા વાસણમા ડૂબાડીને મારી નાખવામાં આવે] કરી દેવામા આવે છે. કાશ! મને પણ મારા મા-બાપે ‘દૂધપીતો’ કરી દીધો હોત તો મારે આ દિવસ તો ના જોવો પડત.

રમેશ: હિંમતથી કામ લે યાર. જો. આપણે સૌ ભેગાં થઇએ અને સરકાર ને આવેદન પત્ર આપીએ. જરુર પડી તો ઊપવાસ પર ઊતરીએ, સત્યાગ્રહ કરીએ, અહિંસક આંદોલન કરીએ. ‘દિકરો બચાઓ’ ઝુંબેશ કરીએ.

ચાલ, આપણે એ માટે નરેશ અને મહેશને મળીએ.

સુરેશ: હમણા તો મારે બજારમાંથી શાકભાજી અને કરીયાણું લઈને સીધા ઘરે જવું પડશે. ઘરનું બધું જ કામ કાજ બાકી છે. આમે ય વાઇફ અને સાસુ-સસરા મારા પર ચીઢાયેલાં રહે છે. મોડો પહોંચીશ તો મારા માથે માછલાં ધોશે. પછી કોઇક વાર ટાઇમ હશે તો મળીશું. બાય.

છોકરો પરણીને સાસરે જતો હશે ત્યારે એની બહેન વિદાય ગીત ગાશે:

‘‘ભઈલા રે... સાસરીએ જાતાં જોજે પાંપણ ના ભીંજાય...દિકરો તો પારકી થાપણ કહેવાય.’’ Name: Pallavi Jeetendra Mistry E mail: ‌‌‌‌‌‌‌‌‌‌‌‌