એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 8
વ્રજેશ દવે “વેદ”
સવારનો સુરજ ઊગે એથીય ઘણા વહેલા પાંચેય જણા ગિરનાર પર્વતની તળેટી પર આવી પહોંચ્યાં. પાંચ વાગવાનો સમય હતો. તળેટીમાં થોડી ઘણી ચહલ પહલ હતી. સુરજ ઊગતા પહેલાંના અંધારામાં જ પર્વત પર ચઢાણ શરૂ કરવાવાળા 25 30 જણા અને સ્થાનિક દુકાનદારો સિવાય પર્વત પૂરેપૂરો નિંદ્રાધીન હતો.
સૌએ વજનમાં ખૂબ જ હલકા વસ્ત્રો પહેર્યા હતા. શક્ય એટલો ઓછો સમાન લીધો હતો. મોબાઈલ, ઇયરપીસ ઉપરાંત રૂમાલ, નેપકિન સિવાય ખાસ કાંઇ જ સાથે ન હતું.
રસ્તામાં ભૂખ અને તરસ પણ લાગશે જ. પણ કશું જ સાથે નહીં લેવાની દીપેનની સૂચનાઓનું દિલથી પાલન કરેલું, સૌએ.
તળેટીમાં દુકાનદાર લાકડીઓ પણ રાખતા હતા. જેમ જેમ ઉપર ચડતા જઈએ તેમ તેમ થાક વધતો જાય અને શક્તિ ઘટતી જાય, ત્યારે લાકડીના ટેકે શરીરને થોડો સહારો મળી જાય અને ફરી આગળ જઈ શકાય.
પરંતુ કોઈએ લાકડી પણ ના લીધી. બસ ખાલી હાથે જ ઉપર ચડવા લાગ્યા.
નીરજા, જીત અને વ્યોમાને કોઈ જ અંદાજ ન હતો કે આ પર્વત કેટલો ઊંચો છે? કેટલા પગથિયાં ચડવાના છે? ઉપર શું શું જોવા મળશે? કેવા કેવા અનુભવો થશે? કેટલો સમય લાગશે? કેટલી તકલીફો પડશે?
આ બધી જ વાતથી અજાણ ત્રણેય ચડવા લાગ્યા, ઉત્સાહ અને રોમાંચના આનંદ સાથે.
દીપેન અને જયા પણ એવું જ ઇચ્છતા હતા. જો આ બધી બાબતોનો બાળકોને અંદાજ હોય તો તેઓ હિમ્મત જ હારી જાય. કદાચ પહાડ પર ચડવાનું પણ માંડી વાળે. માટે જ બધું ગુપ્ત રાખેલું અને અંધારામાં જ ચડવાનું શરૂ કરાવી દીધું. જેથી પર્વતની ઊંચાઈનો ખ્યાલ પણ ના આવે અને જ્યારે સુરજ ઊગશે, અજવાળું થશે ત્યારે તો લગભગ મોટાભાગની મંજલ કાપી પણ લીધી હશે.
બધું જ બરાબર ધાર્યા પ્રમાણે જ શરૂ થયું, ગિરનાર પર્વત ચડવાનું અભિયાન ચાલુ થઈ ગયું.
ગિરનાર પર્વત, જેની પર્વતમાળાઓ હિમાલયની પર્વતમાળાઓથી પણ જૂની હોવાનું મનાય છે. ઊંચાઈ 3383 ફૂટ. હિન્દુ અને જૈન આસ્થાનું કેન્દ્ર બિંદુ.
અહીં અનેક જૈન મંદિરો આવેલા છે, તો ભવનાથ મહાદેવનું શિવ મંદિર પણ છે. માતા અંબાજી અને ગુરુ દત્તાત્રેયનું મંદિર પણ. બ્રાહ્મી લિપિમાં લખાયેલ સમ્રાટ અશોકનો શિલાલેખ પણ છે. ગિરનારની ટોચે ગુરુ દત્તાત્રેયની પાદુકા છે, જ્યાં પહોંચવા માટે 10000 હજાર જેટલા પગથિયાનું ચઢાણ પૂરું કરવું પડે છે.
આવા ઉત્તુંગ પર્વત ગિરનારને આંબવા માટે નીરજા,જીત અને વ્યોમા નીકળી પડ્યા, જેને પર્વતની ઊંચાઈ કે તેના લાંબા માર્ગનો જરા પણ અંદાજ નથી. દીપેન અને જયા પણ તેની સાથે સાથે આગળ વધવા લાગ્યા. બધું જ પ્લાન પ્રમાણે ચાલી રહયું હતું.
પર્વતને દૂરથી જોવો અને પર્વત પર ચડીને તેની ઊંચાઈને સ્પર્શવું એ બંને સાવ અલગ વાત ! અત્યાર સુધી અનેક જગ્યાએ પહાડને જોયો હતો ફિલ્મોમાં, ટીવીમાં, ફોટાઓમાં, ક્યારેક દૂરથી સાવ સાચો તો ક્યારેક સાવ નજદીકથી પણ સાવ ખોટો. પરંતુ, ક્યારેય પહાડ ચડવાનો પ્રયાસ પણ નહોતો કરેલો, એવા ત્રણેય બાળકો ભરપૂર ઉત્સાહથી છલકાતા અને ખુશ થતાં ચડવા લાગ્યા, અજાણ્યા ગિરનાર પર્વત પર. પહેલો અનુભવ, રોમાંચ અને વિસ્મયના અજવાળા લઈને.
દીપેન અને જયા આ અગાઉ પણ એક વખત ગિરનાર પર્વતની ચડાઈ કરી ચૂક્યા હતા. એટલે તેમને તેમના રસ્તાની અને મંઝીલની પૂરેપુરી ખબર હતી. ગાઢ અંધકારમાં શિયાળાની શરૂઆતના દિવસોની, તન અને મન બંનેને ગમતી ઠંડીને હાથ પગમાં ભરીને સૌ ચડવા લાગ્યા.
શરૂઆતમાં થોડા પગથિયાં ચડવાનું અને થોડું ચાલવાનું સાથે સાથે ચાલતું રહ્યું. ધીરે ધીરે પર્વતનો રસ્તો તેની ઊંચાઈ તરફ વધવા લાગ્યો. સૌના પગ પણ ઊંચાઈ પામવા લાગ્યા.
ગણ્યા ગાંઠયા પગરવ સિવાય આખો રસ્તો મૌન હતો. મૌન પણ તેની ઊંચાઈ તરફ ગતિમાન હતું.
લગભગ 2 માઈલ ચડ્યા બાદ મંદિરો દેખાવા લાગ્યા. અંધકાર હજુ પણ હતો, સૂર્યોદય થોડો દૂર હતો. આછા અજવાસમાં દેખાતા મંદિરોની આકૃતિઓ દિવ્ય લાગતી હતી.
આ મંદિરો દિગંબર જૈન મંદિરો હતા. સુંદર મંદિરો. ભગવાન બાહુબલી, ભગવાન નેમિનાથ અને ભગવાન પાર્શ્વનાથના મંદિરો. બાજુમાં જ રાજુલમતીની ગુફા.
વહેલી પરોઢના અંધારામાં દેખાતી મંદિરોની ભવ્યતા આંખને ગમે તેવી હતી. સૌએ મંદિરો જોયા. બાળકોને પણ ગમ્યા. મંદિરના પ્રભુ હજી જાગ્યા ન હતા એટલે તેને સૂતા છોડી સૌ આગળ વધ્યા.
ધીરે ધીરે અંધારું ભાગતું હતું. આછો ઉજાસ પગરવ કરવા લાગ્યો. ધીરે ધીરે પહાડ, રસ્તાઓ, અને કપાઈ ચૂકેલો પંથ, બાકી રહેલો માર્ગ વગેરે દેખાવા લાગ્યા.
નરી આંખે આટલી નજીકથી પહાડને જોવાનો ત્રણેય બાળકોનો આ પહેલો જ અનુભવ હતો. ખૂબ જ રોમાંચિત થઈ ગયા. જીત તો નાચવા લાગ્યો. રસ્તાની એક તરફના ઊંચા ખડકને અડવા લાગ્યો. ભેંટવા લાગ્યો. હાથ મિલાવવાની પણ કોશિશ કરી જોઈ પહાડ સાથે, પણ પહાડનો મૂડ ન હતો. તેણે જીત તરફ હાથ ના લંબાવ્યો. તો ય તેને પહાડ ગમી ગયો. મજા પડી ગઈ.
વ્યોમાએ નીચેની દિશામાં નજર કરી. આછા અજવાળામાં પણ પસાર થઈ ચૂકેલી ખીણો અને વાંકા ચુકા રસ્તાઓ દેખાયા. તે વિસ્મય પામી ગઈ.
આટલી બધી ઊંચાઈ પર તે આવી પહોંચી હતી ! દૂર દેખાતી સુંદર પણ ખતરનાક ખીણો અને રસ્તાઓ તેને કહી રહ્યા હતા, કે તેણે પર્વતની ઊંચાઈને પ્રાપ્ત કરવાનો માર્ગ અડધો તો કાપી લીધો છે. પ્રાપ્ત કરેલી ઊંચાઈનો તેને આનંદ થયો. સાથે સાથે થોડો અહંકાર પણ,‘હું આકાશને આંબી શકું છું. ધરતી મારા પગ તળે છે. થોડી વારમાં તો આ ગર્વથી ઊંચો થયેલો પહાડ પણ મારા પગ તળે હશે.’ અને તે ખડખડાટ હસી પડી.
નીરજાએ એક નજર નીચે કરી. વિતી ગયેલો રસ્તો તેને આકર્ષી ના શક્યો. તેના મનને તો પર્વતની બાકી રહેલી ઊંચાઈ તેને પડકારી રહી હતી. તેણે ઉપર આસમાનમાં દ્રષ્ટિ કરી. હજુ ય પર્વત તો ખાસ્સો ઊંચો છે અને ચડવાનું પણ ઘણું બાકી છે.
ઊંચા ઊંચા ખડકો અને વાદળો વાતો કરતાં હતા. કેવા પાક્કા મિત્રો હશે તે? આ વાદળો પર્વતના ખડકોને સ્પર્શીને, અથડાઈને, રોકાઈને તો કયારેક તૂટીને પણ આગળ વહેવા લાગ્યા. તેણે બાકી બચેલી ઊંચાઈને પણ પામી લેવાનો નિર્ધાર કરી લીધો. તે ઝડપથી ચડવા લાગી.
“અરે, નીરજા. જરા ઊભી તો રહે.” ઝડપથી ચડતી નીરજાને થોભવા અને સૌની સાથે આગળ વધવા માટે જયાએ તેને રોકવા પ્રયાસ કર્યો. પણ, નીરજાના પગમાં કોઈ અજબનું જોમ આળોટતું હતું. તેણે જયાની વાત સાંભળી જ નહીં. તે આગળ વધી ગઈ, એકલી જ.
જીત અને વ્યોમા પણ તેની પાછળ દોડ્યા. ત્રણેય સાથે ચડવા લાગ્યા.
દીપેન અને જયા, તાજી આવેલી પાંખોથી ઉડતા પતંગિયાઓને જોઈ રહ્યા. તેઓ પણ ધીરે ધીરે આગળ વધવા લાગ્યા.
5000 જેટલા પગથિયાં ચડીને સૌ પહેલાં નીરજા અને થોડી વાર બાદ જીત અને વ્યોમા પહોંચી ગયા, અંબાજી માતાના મંદિરે. વિશ્રામ માટે અહીં સુંદર વ્યવસ્થા હતી. ઘણા લોકો અહીં સુધી ચડીને પરત ફરી જાય છે. પણ, આ પડાવ તો ગિરનાર પર્વતની મંઝિલનો રસ્તો અડધો જ કાપ્યાનો સંદેશ આપે છે.
ત્રણેય જણાએ વિશ્રામ કરવાનું અને દીપેન અને જયા આવે ત્યાં સુધી તેમની પ્રતિક્ષા કરવાનું નક્કી કરી લીધું. બેસી ગયા, એક મોટા ઓટલા પર. સાથે બેસીને તેઓની નજર અલગ અલગ આકાશને નિરખવા લાગી.
થોડીક દુકાનોના નામ વાંચવા મળ્યા. હજુ તો ખૂબ જ વહેલી સવાર હતી એટલે તેમાંની કોઈક જ દુકાન ખૂલી હતી. જેમાં ગરમ ગરમ ચા બની રહી હતી. વહેલા ચડી ગયેલા મુસાફરો ચાનો સ્વાદ માણી રહ્યા હતા. બહુ જ થોડા લોકોની હાજરી હતી.
સવારનો સુરજ હવે ઊગી રહ્યો હતો. ચહલ પહલ વધવા લાગી. માતાજીનાં મંદિરનો ઘંટનાદ સંભળાયો. ત્રણેય જણા મંદિરમાં જઈ, દર્શન કરીને પરત આવી બેસી ગયા, એ જ ઓટલા પર.
પવન વહેતો હતો. સમય પણ. બંને મંદ મંદ હતા. દીપેન અને જયાની પ્રતિક્ષામાં સમય ખૂબ ધીમે ધીમે ગતિ કરતો હોય તેવું લાગ્યું.
પ્રતિક્ષા. પ્રતિક્ષાનો સમય કેમ હંમેશા લાંબો હોતો હશે?
થોડી વારમાં બીજી બે ત્રણ દુકાનો પણ ખૂલી ગઈ. તેમાં ઠંડા પીણાં, જ્યુસ, લીંબુ શરબત, થોડો નાસ્તો, ગરમ ભજીયા અને ગાંઠિયા મળવા લાગ્યા. ચા સાથે નાસ્તાના વિકલ્પો પણ મળવા લાગ્યા. લોકો ચાની દુકાન છોડી પેલી દુકાનો તરફ જવા લાગ્યા.
જીત પ્રતિક્ષાથી કંટાળ્યો. ચંચળ બની ગયો. ઓટલા પરથી ઊઠીને ચાલવા લાગ્યો, ચારે તરફ નજર કરવા લાગ્યો.
પહાડને, ખીણને, વહેતા પવનને, આકાશને, વાદળોને, સૂરજના પ્રકાશને, સવારની લાલીને, તે માણવા લાગ્યો. જાણે બધું જ પોતાનામાં એકસાથે સમાવી લેવું હોય તેમ તે આ તમામને નજર દ્વારા મનમાં ઉતારી રહ્યો હતો.
નીરજા અને વ્યોમા શાંત ચિત્તે પર્વતની ઊંચાઈને, ઠંડા મધુર પવનને માણતા બેસી રહ્યા. બંને મૌન હતા. પણ, બંનેની આંખો એકબીજા સાથે વાતો કરતી હતી. અત્યાર સુધી માણેલા આનંદ અને રોમાંચને અભિવ્યક્ત કરતી હતી.
શરીરનો થાક હવે ગાયબ થઈ ગયો હતો. ઊંચાઈ અને શિયાળાને કારણે વાતાવરણમાં ઠંડીનો પ્રભાવ વર્તાવા લાગ્યો. સુરજ ઊગી તો ગયો હતો, પણ કાળા વાદળો વચ્ચે શરમાઈને સંતાઈ ગયો હતો. એટલે જ સૂરજના હોવાનો ખાસ પ્રભાવ ઠંડી પર નહોતો પડતો.
બંને કિશોર મન અને તનને આ ઠંડીનો સ્પર્શ આહ્લાદક લાગ્યો. ગમવા લાગ્યો. મીઠો લાગવા માંડ્યો.
દીપેન અને જયા પણ આવી પહોંચ્યા.
થોડો વિરામ કરી સૌ આગળ ચાલવા લાગ્યા. ઘણા લોકો માટે ગિરનાર પર્વતની ચડાઈ અહીં પૂરી થઈ જતી હતી. તેઓ અહીં થી આગળ નથી જતાં.
પણ અહીંથી આગળ હજુ પણ બે પર્વતમાળાના બિંદુઓ ઊંચાઈ પર ઊભા છે. ત્યાં સુધીની યાત્રા વધુ રોમાંચકારી છે. અહીંથી આગળની ચડાઈ થોડી અલગ પ્રકારની છે. લગભગ અંગ્રેજી V આકારનો યાત્રાનો માર્ગ. પહેલાં પગથીયાઓ ઉતરતા જવાનું અને એક બિંદુ બાદ ફરીથી ઉપર ચડતા જવાનું. બંને સ્થિતિમાં રોમાંચ હતો, તદ્દન ભિન્ન ભિન્ન.
સૌએ યાત્રાના આગળના માર્ગને આંખથી જોઈ લીધો, તપાસી લીધો, માપી લીધો અને મનોમન પામી પણ લીધો.
જ્યારે કોઈ પણ માર્ગ મનથી પામી લેવાય, તો તનથી પામવો ખૂબ સરળ થઈ જાય છે. સૌએ તેમ જ કર્યું. ચાલી નીકળ્યા મનથી જીતેલા માર્ગ પર.
પગથિયાં ઉતરતા જવાનું હતું. વ્યોમા અને નીરજા ધીરે ધીરે ઉતરવા લાગ્યા. આસપાસના દ્રશ્યોને, સૌંદર્યને, નજરભરીને પીતા ગયા, માણતા ગયા.
જીતને ફટાફટ રસ્તો કાપીને મંઝિલ પર પહોંચવાની ઉતાવળ હોય તેમ, આસપાસ કશું જ જોયા વિના બસ આગળ વધવા લાગ્યો. પહાડનું, આકાશનું, વાદળનું, હવાનું સૌંદર્ય તેને ક્ષુલ્લક લાગ્યું. પહાડને શકય તેટલું વહેલું જીતી લેવું, એ જ એને મન પ્રિય હતું.
દીપેન અને જયા ખૂબ જ આરામથી આગળ વધવા લાગ્યા. વર્ષો પછીનું આવું એકાંત, સંગાથ અને સાનિંધ્ય મળ્યા હતા, એકબીજાના. એક એક પળની અનુભૂતિને સ્પર્શવા લાગ્યા. નીચે તરફ લઈ જતાં પગથિયાં, ખુલ્લો રસ્તો, ઠંડુ વાતાવરણ, ઠંડી પણ માદક હવા અને એકબીજાનો હાથ.
ગુમાવેલી શક્તિ જાણે પરત મેળવી રહ્યા હોય, તેવું અનુભવવા લાગ્યા. યાત્રાનો બધો થાક ઓગળી જતો લાગ્યો.
સૌ હવે એ સ્થળ પર આવી ગયા કે જ્યાંથી હવે ફરી ચડાઈ શરૂ થતી હતી. પગથિયાં હવે ફરીને ઊંચાઈ તરફ લઈ જતાં હતા. નીચે ઉતરવાનું અને ફરી ચડવાનું. પર્વતોનું પણ જિંદગી જેવું છે, યાર !
સૌ ચડવા લાગ્યા, અલગ અલગ ગતિથી, લયથી. આ ચડાણ થોડું કપરું હતું. થોડા પગથિયાં ચડતાં જ થાક લાગતો હતો. તરસ પણ. થોડા પગથિયાં ચડતા, ફરી રોકાઈ જતાં, પાણી પીતા અને ફરી ચડવા લાગતા.
માણસોની સંખ્યા વધવા લાગી. જે લોકો વહેલા ચડી ગયા હતા તેઓ પરત ફરી રહ્યા હતા. પરત ફરતા લોકોના મુખ પર કોઈક અલગ જ ભાવ હતો. યાત્રા પૂરી કર્યાનો સંતોષ છલકાતો હતો.
મંઝિલ તરફ જતાં લોકો, મંઝિલને પામીને પરત ફરતા લોકો. એક અદભૂત સંગમ હતો જુદા જુદા બે પ્રવાહોનો.
મંઝિલથી પરત ફરી રહેલા લોકોને જોઈને, મંઝિલ તરફ જતાં લોકો, તેઓના ચહેરાના ભાવને વાંચવાની કોશિશ કરતાં હતા. તો પરત ફરી રહેલા લોકો, મંઝિલ તરફ જતાં લોકોનો પાનો ચડવાતા હતા. તેઓના ઉત્સાહને પોષતા હતા.
“હજુ કેટલું ચડવાનું બાકી છે?” વ્યોમાએ સામેથી પરત ફરી રહેલા કોઈને પૂછી લીધું.
“બસ, થોડું જ બચ્યું છે. પાંચ-સાત મિનિટમાં તો ત્યાં પહોંચી જવાશે.” પેલી અજાણી વ્યક્તિએ વ્યોમા અને નીરજાના થાકેલા ચહેરા પર નવી આશા અને ઉત્સાહ ભરી દીધા.
નવા જોમ અને વિશ્વાસ સાથે બંને ફરી ઉપર ચડવા લાગ્યા.
જીત તો ખૂબ ઉપર ચડી ગયો. તેણે નીચે નજર કરી. વ્યોમા અને નીરજાનું ધ્યાન ખેંચવા બંને હાથ હવામાં લહેરાવ્યા. પણ તેઓનું ધ્યાન તો ડુંગરના સૌંદર્યને પીવામાં હતું.
પણ,દીપેન અને જયાએ તેને જોઈ લીધો. જવાબમાં તેઓએ પણ હાથ હલાવ્યા. જીત ખુશ થઈ ગયો. તેણે એક મંઝિલ પ્રાપ્ત કરી લીધી હતી તેનો તેને આનંદ હતો. હાથ હલાવી તે આનંદ વ્યક્ત કરી રહ્યો હતો. કોઈ તેના આ આનંદને અને પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિને જુએ, સ્વીકારે તેમ તે ઈચ્છતો હતો. એટલે જ દીપેન અને જયાના જવાબથી તે ખુશ થઈ ગયો. આગળની મંઝિલ તરફ આગળ વધી ગયો.
વ્યોમા અને નીરજા પણ ત્યાં પહોંચી ગયા. ઉપરથી તેણે આસપાસ નજર કરી. સમગ્ર પહાડને પોતાની એક નજરમાં સમાવવા માંગતી હોય તેમ, વિહંગાવલોકન કરી લીધું. એક ઊંડો શ્વાસ લઈને બેસી ગયા.
દૂર દૂર ફેલાયેલી પહાડીઓ, તેના પર ઉગેલ વૃક્ષો, ઊંડી ખીણો, પહાડને ચૂમવા ઝૂકેલું આકાશ, નજીકથી જ ઊડી જતાં પંખીઓ, વાદળો, ઠંડી હવા અને પરસેવાગ્રસ્ત શરીર. કશૂંક અનોખું અનુભવાતું હતું. અજાણ્યો પણ ગમતો રોમાંચ, રમી રહ્યો તન મન સાથે. મજા પડી રહી હતી.
થોડી જ ક્ષણોમાં ફરી તાજગી સાથે તેઓ ચાલવા લાગ્યા, જીતની પાછળ પાછળ, છેલ્લી પણ દૂર દેખાતી મંઝિલ તરફ. ફરી V આકારની યાત્રા.
આગળ જીત, પાછળ વ્યોમા- નીરજા, અને છેલ્લે દીપેન અને જયા.
જીત પહોંચી ગયો અંતિમ પડાવ પર. નીરજા અને વ્યોમા રોકાઈ ગયા થોડે દૂર, મંઝિલ થી. ખૂબ થાકી ગયા હતા. હજુ પણ 150 જેટલા પગથિયાં ચડવાના બાકી હતા. તે પણ સીધા અને કપરા ચઢાણના. થાક એટલો બધો હતો કે હવે 150 પગથિયાં ચઢવાની પણ તેનામાં હિમ્મત કે શક્તિ ના રહ્યા.
ત્યાં એક દીવાલ જેવુ બાંધકામ હતું. 20 ફૂટ જેટલી પહોળી અને 12 ફૂટ ઊંચી દીવાલ. તેનો ટેકો લઈને ઊભા રહી ગયા.
હવાની કોઈ ઠંડી લહેર સ્પર્શી ગઈ. હવા તરફ નજર કરી. આટલી મોટી દીવાલમાં એક બારી દેખાઈ. માત્ર બારી. દરવાજા વિનાની – ખુલ્લી બારી. બારીની પેલે પાર નજર કરી. ઠંડો પવન ત્યાંથી બારી વીંધીને આ તરફ ધસી આવ્યો. તિવ્ર પવન. અતિ તિવ્ર. તેઓ તેની ગતિને સહી ના શક્યા. બારી છોડી દીધી.
થાકેલા શરીરને આરામ મળવા લાગ્યો. પણ બાકી બચેલા માર્ગને કાપવાના વિચારથી જ મન થાકી ગયું. કેટલોય સમય ત્યાં જ વિતી ગયો. દીપેન અને જયા પણ આવી ગયા.
“વાહ, મજા પડી ગઈ.” જયાએ પોતાના ભાવ વ્યક્ત કર્યા.
“શેની મજા પડી ગઈ? તમને થાક નથી લાગતો. અમે તો લોથપોથ થઈ ગયા.” બંને એકસાથે બોલી ઉઠી.
“હા, શું મસ્ત થાક લાગ્યો છે! મજા પડી ગઈ.“ જયાએ સ્મિત પણ કર્યું.
“થાક ! અને એ ય મસ્ત? શું વાત કરો છો?” નીરજાએ અસહમતી વ્યક્ત કરી.
“હા, કેમ થાક મસ્ત ના હોઇ શકે?” જયા ખડખડાટ હસવા લાગી. તે આજે તોફાની મૂડમાં લાગતી હતી.
વ્યોમા થોડી ચિડાઇ ગઈ. આટલા બધા થાકમાં પણ મસ્તી અને હાસ્ય? પણ નીરજા સમજી ગઈ કે તેની મમ્મી આજે અલગ મૂડમાં છે. તે પણ વ્યોમા સામે જોઈને હસવા લાગી.
“બેટા, તને શું થયું છે?” ચૂપચાપ બેસેલી વ્યોમાને દીપેને પૂછ્યું.
“મને નથી સમજાતું કે આપણને થાક લાગે, તેમાં ‘મસ્ત’ હોવા જેવુ શું છે? થાક એ તો દૂ:ખની વાત છે, એટલે હસવા જેવી સ્થિતિ જ નથી બનતી. હું કેમ કરી હસું ? ના હું નહીં હસું.” વ્યોમા નારાજ થઈ ગઈ.
“હું સમજાવું, તને. કષ્ટ એ અનિવાર્ય છે. કોઈ પણ કામ કરો, કષ્ટ તો થવાનું જ છે. થાક પણ એક પ્રકારનું કષ્ટ જ છે. કષ્ટને સહજ સ્વીકારી લઈએ, તો તે કષ્ટ ન રહે. કષ્ટમાં કશુંક પામવાની ક્ષમતા હોય છે. જેના વડે પામી શકાય તે ‘મસ્ત’ જ હોય ને?” વ્યોમાને સમજાવતા સમજાવતા જયા પણ હસવા લાગી.
વ્યોમા પણ હસવા લાગી, છતાં પૂછી બેઠી,” આપના આ થાકમાં મસ્ત શું છે એ તો કહો?”
“એ જ કે આપણે આટલા પરિશ્રમ બાદ એક પર્વતને આંબી શક્યા છીએ. તેની ઊંચાઈને પામવાના આનંદ સામે થાકનું કષ્ટ સાવ નગણ્ય છે. આ થાક વડે આપણે ઊંચાઈને પામ્યા છીએ, માટે આ થાક મસ્ત છે. કેમ ખરું કે નહીં?”
“ચાલો. મસ્ત થાક ઉતરી ગયો હોય તો હવે બાકી રહેલ થોડા પગથીયાને ચડીને, મંઝિલને હાથ વાગી કરી લઈએ.” દીપેન ચાલવા લાગ્યો અંતિમ પડાવ તરફ.
જયા, નીરજા, વ્યોમા પણ આગળ વધી ગયા.
સૌ ગિરનાર પર્વતની ઊંચામાં ઊંચી જગ્યા પર પહોંચી ગયા. આ ગુરુ દત્તાત્રેયની ચોટી તરીકે જાણીતું છે. ચારે તરફ ખૂબ જ ઊંડી ખીણો વ્યાપેલ હતી. દૂર દૂર પથરાયેલિ પહાડીઓ અને હરિયાળી એક અદભૂત દ્રશ્ય રચી રહયા હતા. તેના ચુંબકીય આકર્ષણથી બચવું અશક્ય જ હતું.
સૌએ પોતપોતાની નજર, તિવ્રતા અને તરસ પ્રમાણે કુદરતના આ સૌંદર્યને ભરપૂર માણ્યું. કેટલીય ક્ષણોને કાયમ માટે સાથે રાખવા, મોબાઇલના કેમેરામાં કેદ પણ કરી લીધી.
અહીં એકદમ તિવ્ર ખાંચા જેવા ખડક પર એક મોટો ઘંટ લટકતો હતો. તેની બરોબર નીચે, પાંચેક ફૂટના અંતરે ગુરુ દતાત્રેયના ચરણ હતા.
શ્રદ્ધાળુઓ પોતપોતાની શ્રધ્ધા અનુસાર ભક્તિ પ્રકટ કરતાં હતા. કોઈ મસ્તક નમાવીને તો કોઈ હાથ જોડીને, તો કોઈ ઘંટ વગાડીને. કદાચ કેટલાક લોકો આટલી લાંબી અને અઘરી યાત્રાની સફળતા માટે ઈશ્વરનો આભાર પણ માની રહ્યા હતા.
અહીં ભક્તિ અને કુદરતી સૌંદર્યના અદભૂત મિશ્રણનું દ્રશ્ય રચાયું હતું.
સૌએ આ ક્ષણોને ખૂબ માણી. મન તો સૌનું કરતું હતું કે અહીં જ રોકાઈ જઈએ. આ સ્થળને, આ ક્ષણોને, બસ હંમેશા માણતા રહીએ. પણ એ શક્ય ન હતું.
આખરે સૌ પરત ફરવા લાગ્યા. નીરજા પણ કમને ત્યાંથી પરત ફરી.
ફરી ફરીને તે સુંદર દ્રશ્યોને જોતી રહી. તેને લાગ્યું કે મન હજુ પણ તૃપ્ત નથી થયું. ઊલટાનું વધુ ભૂખ્યું, વધુ પ્યાસુ થયું છે. અદભૂત સૌંદર્યને માણવાની તિવ્રતા વધવા લાગી. એક અધૂરી પ્યાસ, અધુરપનો અજંપો સાથે લઈને તે ચાલી નીકળી.
મનના અને હ્રદયના કોઈ સલામત ખૂણે તેણે આ ક્ષણોને, ક્ષણના સૌંદર્યને, સૌંદર્યની પ્યાસને, પ્યાસની અધુરપને અને અધુરપની તિવ્રતાને સખત રીતે જડી દીધી. પ્રતિક્ષા કરવા લાગી કોઈ એવા ઉચિત સમયની કે જ્યારે આ બંધ ખૂણાને અને તેની લાગણીઓને તે પિગળાવી દેશે અને ધોધ બનીને વહાવશે.