ACHANAK in Gujarati Film Reviews by Kishor Shah books and stories PDF | ACHANAK

Featured Books
Categories
Share

ACHANAK

અચાનક (૧૯૭૩)

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુલઝારે ફોર્મ્યુલા ફિલ્મોનો ચીલો ચાતરીને ઘણી ફિલ્મો આપી છે. અચાનક એમાંની એક ફિલ્મ છે. અહીં ફરજોની ટક્કરની વાત છે. સૈનિકની ફરજ અને નાગરીકની ફરજ. કાયદાની ફરજ અને ડૉકટરની ફરજ. આ ફરજોની કશ્મકશના વાતાવરણમાં ફિલ્મ ગતિ કરે છે. ફરજોની કશ્મકશ ઉપરાંત પતિ-પત્ની વચ્ચેના સંબંધોના સતત બદલાતા સ્વરૂપ પણ ગુંથાયા છે. આ સાથે માનવીના અગોચર મનના વલણોની વાત કંડારાઇ છે. આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે સારી એવી ચર્ચા થઇ હતી.

કલાકારો : વિનોદ ખન્ના-લીલી ચક્રબોર્તી-ઓમ શીવપુરી-ઇફતખાર-ફરીદા જલાલ-અસરાની-કેસ્ટો મુખર્જી

સ્ટોરી : કે.એ. અબ્બાસ

આર્ટ ડિરેકટર : અજીત બેનર્જી

ફોટોગ્રાફી : કે. વૈંકુઠ

સંગીત : વસંત દેસાઇ

લેખન-દિગ્દર્શન : ગુલઝાર

હૉસ્પિટલના ઑપરેશન થીયેટરમાં મરણોન્મુખ ઘાયલ મેજર રણજીત ખન્નાને લાવવામાં આવે છે. એ પોલીસની ગોળીથી ઘાયલ થયો છે. એના હૃદયને ગંભીર ઇજા પહોંચી છે. ડૉકટરો એ એના જીવવાની આશા છોડી દીધી છે. છતાં પોતાની ફરજના ભાગ રૂપે દદર્ીનો જીવ બચાવવા ડૉકટર ચૌધરી (ઓમ શીવપુરી) ઑપરેશન કરવાનું નક્કી કરે છે. પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ ગુપ્તાને રણજીત જીવી જાય એવી ઇચ્છા છે. એ ડૉ. ચૌધરીને રણજીતનો જીવ બચાવવા સતત તાકીદ કર્યા કરે છે. ડૉ. ચૌધરીને આ બાબત વધુ પડતી લાગે છે. તેઓ એસ.પી. ગુપ્તા સાથે રણજીત બાબત વાતચીત કરે છે.

રણજીતને બે ખૂનના આરોપસર ફાંસીની સજા થઇ છે. જો એ હૉસ્પિટલમાં મરણ પામે તો ફાંસીની સજાનો કશો અર્થ રહેતો નથી. જો એ જીવી જાય તો જ એને ફાંસી આપી શકાય. એસ.પી. એ જીવી જાય અને ફાંસીના માચડે લટકે એવું ઇચ્છે છે. ડૉ. ચૌધરી એમને કહે છે : જે માણસ યુદ્ધના મેદાન પર શત્રુઓનો સંહાર કરે એને વીર ચક્ર મળે અને એ જ માણસ ખૂન કરે તો ફાંસી ! જગતના આ ન્યાય સાથે ડૉ. ચૌધરી સહમત નથી. મેજર રણજીત બચી જાય એમાં કર્નલ બક્ષી (ઇફ્તખાર)ને પણ ઊંડો રસ છે. તેઓ કોર્ટના આ ચૂકાદા સામે હાઇકોર્ટમાં જવાના છે.

ડૉ. ચૌધરી રણજીતનું ઑપરેશન કરે છે. ઑપરેશન પછી પણ રણજીતની હાલત ગંભીર છે. એસ.પી. રણજીતની હાલત પૂછે છે ત્યારે ડૉ. ચૌધરી કહે છે કે એ એક કલાક માંડ જીવશે. એસ.પી. નિરાશ થાય છે. રણજીતનું પ્રથમ ઑપરેશન સફળ થાય છે. રણજીત ભાનમાં આવતો જાય છે. એ બબડે છે ‘‘પુષ્પા...પુષ્પા.’’

રણજીત અને પુષ્પાનું દાંપત્ય જીવન સુખી હતું. રણજીત જ્યારે ડ્યુટી પર હોય ત્યારે એને પત્ર લખવાનો કે વાંચવાનો સમય ન રહેતો. બન્ને જણ ટેપ રેકોર્ડરની ટેપ પર પોતાનો અવાજ પત્ર રૂપે મોકલતા. રણજીત કર્નલ બક્ષીના હાથ નીચે ટ્રેનીંગ લેતો. કર્નલ બક્ષીની પુત્રી પુષ્પા જ રણજીતની પત્ની હતી. લશ્કરના નિયમો અને શિસ્તમાં કર્નલ બક્ષી બાંધછોડ ન કરતા. રણજીત ફરજ પર પુષ્પાનો અવાજ સાંભળવા ટેપ રેકોર્ડર વગાડે અથવા પત્ર વાંચે ત્યારે કર્નલ બક્ષી એને કડક શિક્ષા પણ કરતા. આ બધું હોવા છતાં રણજીત બહાદૂર સૈનીક હોવાને નાતે કર્નલ બક્ષીને રણજીત માટે માન હતું અને એની ઇજ્જત પણ કરતા.

સૈનિક હોવાથી રણજીત શરાબથી પણ દૂર ન્હોતો. પાંચ-છ પેગ એ આરામથી પી શક્તો. રણજીત-પુષ્પાના લગ્ન જીવનમાં શરાબની ભુમિકા પણ સેતુ જેવી હતી. એનો સિદ્ધાંત હતો કે ફોજી હોય એ શરાબ તો પીએ જ. પુષ્પાએ આ સિદ્ધાંત સ્વીકાર્યો હતો. પડોશી દેશ સાથે યુદ્ધ જાહેર થયું. રણજીતે આ યુદ્ધમાં અપ્રતિમ બહાદૂરી દેખાડી. સરકારે વીર ચક્ર આપીને એનું સન્માન કર્યું. એને બે દિવસની રજા મળી. એ ઘરે આવ્યો. પુષ્પા ઘરે ન્હોતી. કામવાળીએ કહ્યું કે પુષ્પા રણજીતના ખાસ મિત્ર પ્રકાશ સાથે માછલી પકડવા ગઇ છે. રણજીત તળાવ કિનારે ગયો. એણે પુષ્પા અને પ્રકાશને એકમેકની બાહુમાં જોયા. તેમને બોટ હાઉસમાં જતા જોયા. રણજીતને આઘાત લાગ્યો. પુષ્પાને વીર ચક્ર બતવવાનો ઉત્સાહ ઓસરી ગયો. પુષ્પાએ એના વસ્ત્રો કબાટમાંથી કાઢ્યા ત્યારે પ્રકાશનો ફોટો સરી પડ્યો. રણજીતે એ ફોટાના ઝીણા ઝીણા ટુકડા કરી બારી બહાર ફેંકી દીધા. રાત્રે શયનખંડમાં પણ આ બનાવના પડધા ઝગડો કર્યા વિના પડ્યા.

બીજા દિવસે રણજીત અને પ્રકાશ તળાવે એના બોટ હાઉસ પર ગયા. પ્રકાશે એની ગેરહાજરીમાં પુષ્પા સાથે કેટલું ફર્યો અને કેટલી ફિલ્મો જોઇ એની વાત કરી. ઉશ્કેરાયેલા રણજીતના મનમાં સૈનિકનું ઝનૂન સવાર થતાં એણે પ્રકાશનું ખૂન કરી નાખ્યું. રાત્રે ઘરે આવી સૂતેલી પુષ્પા પર હાથ ફેરવીને પ્રેમ કરતાં કરતાં એનું પણ ગળું દબાવી મારી નાખી. પોલીસને ફોન કરી ખૂનની કબૂલાત કરી. સંપૂર્ણ લશ્કરી વસ્ત્રોમાં સજ્જ થઇ, પુષ્પાનું મસ્તક ખોળામાં લઇ એના પર હાથ પસવારતો પલંગ પર બેઠો રહ્યો. પોલીસ આવી. રણજીતની ધરપકડ થઇ.

કોર્ટમાં કેસ ચાલ્યો. રણજીતે ગુના કબૂલ કર્યા. કોર્ટે એને ફાંસીની સજા સુણાવી. રણજીતે કોર્ટને વિનંતી કરી કે ફાંસી આપતાં પહેલાં એક વખત ઘરે જઇ પુષ્પાના ભટકતા આત્માની શાંતિ માટે એને પ્રાર્થના કરવી છે. કોર્ટે આ વાત મંજુર રાખી. પોલીસ પહેરા હેઠળ રણજીત પોતાના ઘરે ગયો. ઘરે પત્રો આવ્યા હતા. એની માસીનો એક પત્ર સતનાપુરથી આવ્યો હતો. માસીએ એને ઉછેરી મોટો કર્યો હતો. માસીને આ ખૂન બાબતની જાણ ન્હોતી. એ ગામવાળાઓને બતાવવા માગતી હતી કે ભાણેજો હવે લશ્કરમાં મેજર થયો છે. માસીએ એને યુનિફોર્મર્ પહેરીની ગામમાં આવવાનું લખ્યું હતું. રણજીત બેડરૂમમાં ગયો. બિછાના પર આડો પડી તકીયાઓ પસવારતો રહ્યો. તકીયા નીચેથી એને પુષ્પાનું મંગળસૂત્ર મળ્યું. એ પુષ્પા સાથેની પળોમાં ખોવાઇ ગયો.

એક વખત શયનખંડમાં વાતો વાતોમાં પહેલું કોણ મરે એની ચર્ચા થઇ. રણજીતે કહ્યું કે જો મોરચા પર એ મરણ પામે તો એની અંતિમ વિધી ત્યાં પણ થઇ શકે. પુષ્પાએ કહ્યું કે એને આગનો બહુ ડર લાગે છે. જો એ મરી જાય તો એને અગ્નિદાહ ન આપતા. એના દેહને દફન કરજો. રણજીતે કહ્યું કે તેઓ હિંદુ હોવાથી આમ ન કરી શકે. એ પુષ્પાને અગ્નિદાહ આપ્યા પછી એના અસ્થિ ગંગામાં પધરાવશે. પુષ્પાને એ મંજૂર ન્હોતું. એણે પોતાની લાશ દફન કરીને એનું મંગળસૂત્ર ગંગામાં પધરાવવાની વાત કરી. રણજીતને આ વાતો યાદ આવતાં રડી પડ્યો. શયનખંડ બહાર પોલીસનો પહેરો હતો એટલે રણજીત મંગળસૂત્ર લઇ બારીમાંથી ભાગી ગયો.

રણજીત ભાગી જતાં પોલીસની શોધખોળ શરૂ થઇ ગઇ. રણજીત શહેરથી દૂર જંગલમાં છુપાયો. પોલીસ કૂતરાઓ સાથે પાછળ પડી. રણજીતે બધાને હંફાવ્યા. એને પુષ્પાનું મંગળસૂત્ર નદીમાં પધરાવવું હતું. રણજીત થાક્યો હતો. નદી દૂર હતી. એ આગળ વધતો રહ્યો અને કૂતરા એનો પીછો કરતા રહ્યા. એવો સમય આવ્યો કે રણજીત થાકથી ફસડાઇ પડ્યો. એના હાથમાંનું મંગળસૂત્ર એને નદી સુધી પહોંચવા મજબૂર કરતું રહ્યું. આખરે રણજીત શરણે ન આવતાં પોલીસે ગોળીબાર કર્યો. રણજીતને છાતીમાં ગોળી વાગી. એને હૉસ્પિટલમાં ખસેડાયો. હૉસ્પિટલમાં એને જીવાડવા ચાલીસ દિવસમાં ચાર ઑપરેશન કરાયા. ડૉ. ચૌધરી ઉપરાંત ડૉ. કૈલાશ(અસરાની) અને નર્સ રાધા (ફરીદા જલાલ) સાથે એના મીઠા સંબંધો બંધાયા. રાધાને એણે બહેન માની.

રણજીત સાજો થઇ ગયો. એનું ફાઇનલ ચેક-અપ પણ થઇ ગયું. તંદુરસ્ત રણજીતને એરેસ્ટ કરવા એસ.પી. ગુપ્તા જાતે આવ્યા. એસ.પી. ગુપ્તાએ રણજીતનો મુશ્કેલ કેસ હાથમાં લઇ એને બચાવવા ડૉ. ચૌધરીને પદ્‌મભૂષણનો ખિતાબ મળે એવા સંજોગોની વાત કરી. આ કેસ મેડિકલ ક્ષેત્રે ચમત્કાર ગણાયો અને એની મેડિકલ જર્નલોમાં ઘણી ચર્ચા થઇ. ડૉ. ચૌધરીએ ઊંડા રંજ સાથે આ વાતો સાંભળી. રણજીત એરેસ્ટ થતાં બધાના હૈયાં ભરાઇ આવ્યા. રાધા રડી પડી. હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં કર્નલ બક્ષી સજળ આંખે રણજીતને પોલીસ વાનમાં જતો જોઇ રહ્યા. હાઇકોર્ટમાં કરેલી એમની અપીલને હાઇકોર્ટે મંજુર ન કરી. કર્નલ બક્ષીને જમાઇ ઉપરાંત એક બહાદૂર સૈનિક ગુમાવ્યાનો અફસોસ થયો.

રણજીતને ફાંસી અપાઇ. ખિન્ન ડૉ. ચૌધરી એમની કેબીનમાં બેઠા છે. ત્યાં જ ઇમજર્ન્સી ઑપરેશન માટે એમને તેડું આવે છે. પોલીસે જેલની દિવાલ ઓળંગતા કોઇ કેદીને ગોળી મારી છે. દદર્ી બીઝનેસ ક્લાસનો છે. ડૉ. ચૌધરી ઉશ્કેરાઇ ગયા અને ડૉ. કૈલાશને કહ્યું : ઓહ નો, નો ગોડ...નો નો નો, પ્લીઝ નો. હાઉ લોંગ, હાઉ લોંગ ડૉકટર કબ તક કરતા રહુંગા મૈં. નો, આય ડોન્ટ વોન્ટ ટુ બી અ ડૉકટર. મુઝે પ્રેકટીસ નહીં કરની. મૈં લીખ દે રહા હું. રીઝાઇન દે રહા હું. તુમ જાઓ. પ્લીઝ ગેટ આઉટ. ક્યું, આખીર ક્યું બચાના ચાહતે હો ઉસે ? ફાંસી પે ચઢાને કે લીએ ? રાધા આવીને કહે છે કે ઑપરેશનની તૈયારી થઇ ગઇ છે. ડૉ. ચૌધરી એને પૂછે છે : જીંદા હૈ ? સાંસ ચલ રહી હૈ ? જબ તક સાંસ ચલતી હૈ એક ઇન્સાન કી.... આય નો, આય નો ડૉકટર, મૈં અપને ધરમ સે મજબૂર હું ઔર કાનૂન અપને ધરમ સે. ચલો હમ અપના ઑપરેશન ઔર વો અપના ઑપરેશન કરતે હૈ. ઑપરેશન થિયેટરની લાઇટના ઝગારામાં જગત સમાઇ જાય છે.

અચાનકમાં માત્ર બેકગ્રાઉન્ડ સંગીત જ છે. ગીતો નથી. સારું છે કે ગીતો નથી. ફિલ્મની ગતિ જળવાઇ રહે છે. હા, એક શોટમાં ફીમેલ વોઇસમાં ગાયેલું સુન મેરે બંધુ રે ગીત છે. એક શોટમાં એસ.ડી. બર્મનના સ્વરે સુન મેરે બંધુ રે ની કડી છે. બીજા એક સીનમાં કોઇ હોતા જીસ કો અપના ટયુનમાં ગુંજે છે. ફિલ્મમાં દો દૂની ચારના ગીતોનો અને ડટર્ી ડઝન ફિલ્મનો ઉલ્લેખ છે. સોલ્જરો ગાળ બોલે એ સહજ છે.

દિગ્દર્શન : ગુલઝારને ફિલ્મ ફ્લેશ-બેકમાં રજુ કરવાનો શોખ અથવા વળગણ છે. એમની લગભગ ફિલ્મો જેમ કે આંધી, મોસમ વગેરે ફ્લેશ-બેકમાં જ ગતિ કરતી હોય. અચાનકમાં તો હદ કરી નાખી છે. બે-ચાર મિનિટ ફિલ્મ ચાલે કે ફ્લેશ-બેક શરૂ થઇ જાય. ફ્લેશબેકની આ અવરજવરમાં પ્રેક્ષક પણ ક્યારેક થાકી જાય. અહીં ઍડીટીંગ અને કથા ચુસ્ત હોવાથી ફિલ્મ બચી જાય છે. ચેઇઝના સીન જરા લંબાઇ ગયા છે. ફાંસીની સજાની સુનવણી વખતે રણજીતનો હાથ ગળા પર ફરવો અને એનું ઉંચે જોવું સૂચક છે. દિવાલ પર ડેકોરેશન માટે તલવાર છરા ટાંગ્યા છે તો એનો ઉપયોગ પણ બતાવ્યો છે.

અચાનક ફિલ્મમાં વિનોદ ખન્નાને ભાગે સિંહફાળો આવ્યો છે. એના અભિનયમાં સૈનિકની સખતાઇ અને પ્રેમીની કુમાશ ભળે છે. ડૉ. ચૌધરીના પાત્રમાં ઓમ શીવપુરીની અદાકારી ધ્યાન ખેંચે એવી છે. એમની માનસિક મથામણ એમણે તાદૃશ કરી છે. અન્ય પાત્રો પણ એમની ભૂમિકા સહજતાથી નિભાવી જાય છે.

અચાનકમાં ઉપલી સપાટીએ ન દેખાતા આંતરિક દ્વંદ ઘણા છે. ડૉકટરની ફરજ અને કાયદા વચ્ચેનો દ્વંદ. ડૉકટર દદર્ીને બચાવે અને કાયદો દદર્ી બચી ગયા પછી એને ફાંસીએ ચઢાવે. કર્નલનો જમાઇ એની પુત્રીનો ખૂની હોવા છતાં કર્નલ એ બહાદૂર સૈનિક હોવાથી એને ફાંસીથી બચાવવાના પ્રયત્ન કરે. લગ્નેતર સંબંધોનો અગનખેલ ખેલતી નાયિકાને આગનો ડર લાગે છે. એ ડર એટલો ઊંડો છે કે એના મૃતદેહનો પણ અગ્નિદાહ ન થાય એવો આગ્રહ રાખે છે. રણજીત પણ પત્નીને પ્રેમ કરતાં કરતાં એનું ખૂન કરે. ખૂન કર્યા પછી પત્નીના આત્માની શાંતિ માટેના પ્રયત્ન કરે. આ બધા સૈદ્ધાંતિક અને માનસિક દ્વંદોને ખૂબ જ માવજતથી રજુ કરાયા છે. એ સમયે આ ફિલ્મની ચર્ચા ઘણી ચાલેલી. એક પણ ગીત ન હોવા છતાં ફિલ્મ સફળતાને વરી હતી.

-કિશોર શાહ kishorshah9999@gmail.com