એક તરફી પ્રેમ
આજે નિત્યા ખૂબજ ખુશ હતી. એ ખુશી તેના ચહેરા પર સ્મિત સ્વરૂપે છલકાતી હતી. ઉનાળાની લાંબી રજઓ બાદ આજે કોલેજ ફરીથી શરૂ થઇ હતી. સવારથી જ એ સાજ-સણગાર સજીરહી હતી. બ્લેક કુર્તી અને વ્હાઇટ લેગીંસ પહેરેલી નિત્યા કોઇ કામણગારી સ્ત્રી લાગી રહી હતી. નિત્યાની ખુશીનું મુખ્ય કારણ હતુ મલય. મલય અને નિત્યા સાથેજ અભ્યાસ કરતા હતા. સારા મિત્રો હતા. આજ ઘણા લાંબા સમય પછી પોતે મલયને નિહાળી શકશે એ વાતથી નિત્યા ખૂબજ ઉત્સાહિત હતી. મલયનુ ઘર બાજુના ગામમા હતુ જ્યારે નિત્યાનો બંગ્લોવ કોલેજથી નજીક જ હતો. નિત્યા બધાની પહેલાજ કોલેજે પહોંચી ગઇ હતી. એટલામાં સામેથી ચાલ્યા આવતા મલયને જોઇ નિત્યા તેની આંખો માંથી વહીજતા હર્ષાદને રોકી ન શકી. તે સતત મલયને નિહાળતીજ રહી જાણે કોઇ ભક્ત તેના ભગવાનને સાક્ષાત નિહાળતો હોય તેમ. નિત્યા છેલ્લા એકાદ વર્ષથી મલયના એક તરફી પ્રેમમાં હતી. આ વાત મલય પણ સારી રીતે જાણતો હતો.
મલય એક મધ્યમ પરિવારનો ખૂબજ દેખાવડો અને સ્માર્ટ યુવક હતો. તે ભણવામાં પણ ખૂબજ હોંશીયાર હતો. સાથે તે એક સારો માણસ પણ હતો. તે હંમેશા તેમના મિત્રોની અને અન્ય લોકોની મદદે દોડી જતો. સામે પક્ષે નિત્યા નારણદાસ ઝવેરીની એક માત્ર પુત્રી હતી. શહેરના સોની બજારમા નારણદાસ ઝવેરીનો મોટ્ટો શો-રૂમ હતો. નિત્યા ફેરી ટેઇલની કોઇ પરી જેટલીજ સુંદર હતી પણ સ્વભાવની થોડી જીદ્દી હતી. કોલેજના મોટા ભાગના છોકરાઓ નિત્યાને ચાહતા પણ નિત્યા જેનું નામ એતો મલયને ક્યારનુંય પોતાનુ દિલ દઇ બેઠી હતી. એવુ નહોતુ કે મલયને નિત્યા માટે લાગણી નહોતી, મલય પણ અંદર-અંદર નિત્યાને જંખતો હતો પરંતુ આર્થિક અસમાનતા અને અભ્યાસને કારણે મલય ક્યારેય નિત્યા તરફ ધ્યાન આપતો નહી. પરંતુ નિત્યા પણ બહુ જીદ્દી હતી તેણે નક્કી કરી લીધુ હતું કે તે એક દિવસ મલયને પોતાનો કરીને જ રહેશે. તેતો અભ્યાસના બહાને વારે તહેવારે પહોંચી જતી મલયનો સાથ માણવા. મલય પણ તેને નિ:સંકોચ શીખવતો. પણ એવુ ન્હોતુ કે તે માત્ર નિત્યાને જ શીખવતો પણ તેના સ્વભાવ મુજબ જે પણ તેની પાસે શીખવા આવે તે બધાને સારી રીતે શીખવતો.
આજે પણ કંઇક આવોજ મોકો શોધીને તે કેન્ટીનમાં મલય સાથે કોફી પી રહી હતી હતી. નિત્યા આજે નક્કી કરીને જ આવી હતી કે મલયને દિલની વાત કહી દેવી. કોફીનો કપ નીચે મૂક્તા નિત્યાએ શરૂ કર્યુ
“મલય, છેલ્લા એક વર્ષથી આપણે બન્ને સાથે છીએ. સારા મિત્રો છીએ મને તારો સાથ હવે ગમવા લાગ્યો છે. તો શું આપણે જીવનભર સાથે ન રહી શક્યે?”
મલયે કશો જવાબ ન આપ્યો. કોફીના કપ માંથી નીકળતી ધુમ્રશેરને એ જોઇ રહ્યો હતો. તે વીચારોમાં ખોવાઇ ગયો હતો. “શું વીચારે છે અટલુ બધુ યાર? મારી સામેતો જો મલય કોલેજના જે છોકરાને હું પસંદ કરુ એ મારો હાથ પકડવા તૈયારછે અને એક તુ છે કે વીચારવા બેઠો છે.” નિત્યા એકજ શ્વાસમા બધુ બોલી ગઇ મલય હજુ કંઇક ગડમથલમા હતો. નિત્યા ઉદાસ થઇને ત્યાંથી ચાલી ગઇ હતી પણ હજુ મલયે કોફી પુરી કરી નહોતી. તે હજુ ત્યાંજ બેઠો હતો. મોબાઇલની રીગ વાગતાજ મલયની તંદ્રા તુટી. મોબાઇલની સ્ક્રીન પર નિત્યાનુ નામ ડિસપ્લે થતુ હતુ. “પ્લીઝ મલય થીંક ટ્વાઇસ એન્ડ આન્સર મી” નિત્યાનો મેસેજ હતો. આજની રાત્રે તે બરાબર ઉંઘી શક્યો નહોતો. તેને વારંવાર નિત્યાનો પ્રશ્ન જ કાનમા ગૂંજ્યા કરતો હતો. શું કરુ શું ના કરુની ગડમથલ ચાલતી હતી. એક તરફ નિત્યાનો પ્રેમ હતો તેની જીદ્દ હતી તો બીજી તરફ પોતાનુ કરીઅર હતુ તેને ડર હતો કે ક્યાંક ઇશ્કબાજીમા ધ્યેય હાસીલ નઇ થાય તો? સપના અધુરા રહીજાશે તો? મન અને મગજ વચ્ચે જોરદાર યુધ્ધ છેડાયુ હતુ. આજે પહેલી વાર બંન્નેની આંખોનો સરવાળો થયો હતો, લાગણીઓનો સરવાળો થયો હતો. પ્રેમના ગણિતમાં તો મલય કાચો હતો જ પણ આજે નિત્યા તેને ગમી ગઇ હતી. મગજ પર મન હાવી થઇ ગયુ હતુ. તે પોતે પણ નિત્યાને દિલ ફાડીને ચાહવા લાગ્યો હતો. આ વાત નિત્યાને કહેવાની ઇચ્છા મલયને થઇ આવી પરંતુ અડધી રાત્રે તેની ઉંઘ બગડશે એમ વીચારી તે અટકી ગયો. રાત્રે ક્યારે ઉંઘ આવીગઇ એ ખબર ના રહી. રાત્રે ઉંઘ પૂરી ન થઇ હોવાના લીધે સવારે સમય સર જાગી ના શક્યો. છેક બપોરે ઉંઘ ઉડી તેથી કોલેજે પણ ના જઇ શકયો. સવારે ઉઠીને જોયુ તો મોબાઇલ સ્વીચ્ડ ઓફ થઇગયો હતો. જલ્દી ચાર્જર લગાવી ફોન ઓન કર્યો તો નિત્યાના ઓગણત્રીસ મીસ્ડકોલ હતા. ત્યારે તેને સમજાયુ કે કોલેજેથી આવ્યા પછી તે ફોન સાઇલન્ટ મોડ માંથી કાઢવાનુ જ ભુલીગયો હતો. જાગ્યા પછી પણ તેને કોલેજ જઇ નિત્યા સમક્ષ પોતાના પ્રેમની રજુઆત કરવી હતી. પરંતુ પછીના દિવસેજ નિત્યાનો બર્થડે હોઇ ત્યારેજ તેને સરપ્રાઇઝ આપશે એમ વિચારી તે અટકી ગયો હતો. હવે એક-એક પળ કાઢવી તેના માટે મુશ્કેલ હતી. તે બીજા દિવસનો સુર્ય ઉગવાની રાહ જોતો હતો.
નિત્યાના જન્મ દિવસે મલય ગિફ્ટ સાથે હૈયામાં ઉભરાતી લાગણીઓ લઇને કોલેજ પહોંચી ગયો. મલયને તો જલ્દીથી પોતાના મનની વાત કરવી હતી. પોતાની લાગણીઓ નિત્યા સમક્ષ ઠાલવી દેવી હતી. કઇ દેવુ હતુ કે હા નિત્યા હું પણ તને એટલોજ પ્રેમ કરુ છુ. આખી કોલેજના કેમ્પસમાં ફરી વળવા છતાં નિત્યા ન મળી. મલયે ફોન કર્યો તો ફોન પણ સ્વીચ્ડ ઓફ હતો. વોટ્સએપમા તેનુ લાસ્ટસીન પણ ૨૪ કલાક પહેલાનુ બતાવતા હતા. નિત્યાની ફ્રેન્ડને પૂછતા તેણે એક પત્ર મલયના હાથમા આપ્યો. મલય પત્ર ખોલી ઝડપથી વાંચી ગયો. કંઇક આમ હતા પત્રના શબ્દો
“ વ્હાલા મલય મને એ વાતનુ દુ:ખ છે કે મારા જન્મ દિવસે હું સ્રુષ્ટિ પર નથી, તારી સાથે નથી. પણ છતા આ પત્ર રૂપે તો હું તારા હાથમા જ છુ અને આ શબ્દો વડે તને જોઇ શકુ છુ એ વાતની ખુશી પણ એટલીજ છે. જો મલય દુ:ખી ના થઇશ હો જો એક આંસુ પણ આ પત્ર પર પડવુ ના જોઇએ તને મારા સમ છે. હું પણ કેટલી નાદાન છુ નઇ? આ સ્રુષ્ટી પર નથી છતાં તને મારા સમ આપુ છુ. એટલુ યાદ રાખજે કે જીવતા તો સાથે ના રહી પણ હવે તો કાયમ તારી સાથેજ રહીશ તારા હ્યદયમા તારા એક એક શ્વાસમા. એક વાત પુછુ? તુ મને યાદ તો રાખીશને મલય? હું તને ન મેળવી શકી એમાં કદાચ મારી લાગણીઓ માંજ ક્યાંક ઓછપ હશે. મને તારાથી કોઇજ ફરીયાદ નથી. છેલ્લે એટલુજ કહીશ કે હંમેશા ખુશ રહેજે વ્હાલા. તારા ચહેરાની ખુશી મને ખુશી આપશે, શાંતી આપશે”
લિ.
તારી અને માત્ર તારીજ રહેવા ઇચ્છતી
નિત્યા.
પત્ર વાંચી મલય ખુબજ રડવા ઇચ્છતો હતો પણ આંસુઓને જાણે નિત્યાના સમની ખબર હોય તેમ એક પણ આંસુ એની આંખ માંથી નીકળી શક્યુ નહી પણ તેનુ હૈયુ ચોધાર આંસુએ રડતુ હતુ. બીજા દિવસે છાપામાં વાંચતા મલય જાણી શક્યો હતો કે નિત્યાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી અને નજીકમા મળેલી ચિઠ્ઠીમા લખ્યુ હતુ કે “ પરીક્ષામા ફેઇલ થવાના ડરથી આ પગલુ ભરુ છુ તેની પાછળ કોઇ જવાબદાર નથી.” આટલુ વાંચતા મલય સમક્ષ પ્રશ્નો તરવરી રહ્યા હતા કે કઇ પરીક્ષા? અને કોણ ફેઇલ થયુ?