તું પોતાના લોકો માટે
પારકાની સલાહ ન લે!
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો,
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઇ નહીં કે અધિકાર પણ ગયો.
- મરીઝ
સંબંધો જુદી જુદી ધરી પર જીવાતા હોય છે. ઘણા સંબંધોના કોઇ કારણો નથી હોતા. સંબંધ એક એવું બંધન છે જેમાં જકડાઇ રહેવું માણસને ગમે છે. આ જ સંબંધોમાં જકડાયેલો માણસ ક્યારેક અકળાય પણ જાય છે. સાચા સંબંધો થોડાક અપ-ડાઉન્સ પછી પણ પાછા પોતાની ધરી પર આવી જતા હોય છે. જે સંબંધ પાછા પોતાની મૂળ જગ્યાએ ન આવે એ કદાચ સાચા હોતા નથી. દરેક સંબંધ સાચા જ હોય અને સારા જ રહે એવું જરૂરી નથી. કેટલાક સંબંધો ઘટાટોપ વૃક્ષો જેવા હોય છે, જે કાયમ રહે છે. અમુક સંબંધો બિલાડીના ટોપ જેવા હોયછે. એવા સંબંધો જન્મે છે અને મરે છે. ખીલે છે અને ખતમ થાય છે. ભલે થોડાક સમય માટે હોય પણ એ સંબંધ હોય ત્યારે જીવાતા પણ હોય છે. સાથે કામ કરતા લોકો નોકરી બદલે એટલે દૂર થઇ જતા હોય છે. પડોશી સાથેના ઘણા સંબંધો ઘર બદલવાની સાથે બદલી જતા હોય છે. અમુક સમય ટ્રેન કે બસમાં અપડાઉન પૂરતા મર્યાદીત હોય છે. ચાની કીટલી, પાનની દુકાન કે આપણા હેર ડ્રેસર સાથેના સંબંધો થોડીક ક્ષણ માટે સજીવન થઇ જતા હોય છે.
ઘરના કામવાળા સાથે કામ પૂરતો સંબંધ હોય છે. સલામ ભરતા વોચમેન અને ગાડી ચલાવતા ડ્રાઇવર સાથેના સંબંધ પણ થોડાક સમય માટે જીવાતો હોય છે. બોસનો પ્યુન સાથે અને પ્યુનનો બોસ સાથે ઓફિસ અવર્સ પૂરતો સંબંધ હોય છે. અમુક સમય દિલના હોય છે જ્યારે અુમને આપણે દિમાગથી આગળ વધવા દેતા નથી. દરેક રિલેશનની એક વેવલેન્થ હોય છે. આ લેન્થ કોઇની સાથે ટૂંકી તો કોઇની સાથે લાંબી હોય છે. આ લેન્થ સ્ટ્રેચ પણ થતી હોય રહે છે, ક્યારેક વધુ લોંગ થઇ જાય છે તો ક્યારેક શોર્ટ.
સંબંધો નિભાવવા એ એક કળા છે. બધાને આ કળા હસ્તગત નથી હોતી. સંબંધો નિભાવવામાં ઘણું બધું જતું કરવું પડે છે. જતુંકરવા માટે જીગર જોઇએ. અહંમને ઓગાળવો પડે. સંબંધોને જીવતા રાખવા માટે માણસે ક્યારેક મનથી થોડુંક મરવું પણ પડતું હોય છે. ક્યારેક સમ ખાવા પડે છે અને ક્યારેક ગમ ખાઇ જવો પડતો હોય છે. સંબંધોમાં કંઇ સાબિત કરવાનું હોતું નથી. સંબંધોને બસ સિદ્ધ અને સાર્થક કરવાના હોય છે. સંબંધો માટે સાધના કરવી પડે છે.
આપણે આપણા સંબંધો માટે કેટલા સજાગી હઇએ છીએ? સવાલ એ પણ થાય કે સંબંધો માટે સજાગ રહેવું પડે? સાચા સંબંધો તો એમ જ વહેતા રહેવા જોઇએ. વાત સાચી છે પણ ઘણી વખત સંબંધો સવાલ બનીને સામે આવે ત્યારે તેના જવાબ શોધવા પડે છે. સંબંધ સમસ્યા બનીને આવે ત્યારે સમાધાન શોધવું પડે છે. ક્યારેક હાજર થઇ જવું પડે છે અને ક્યારેક ગેરહાજર પણ થઇ જવું પડતું હોય છે. તેને તમારા હાજરી નથી ગમતી ને? કંઇ વાંધો નહીં, તારા ખાતર હું એની સામે નહીં આવું. દરેક સંબંધ સાથે રહીને જ નહીં, ઘણા સંબંભો દૂર રહીને પણ નિભાવવા પડતા હોય છે!
ઘણા સંબંધો લોહીના હોય છે. જે લોહીના નથી હોતા એ પાણી કે બીજા કોઇ પ્રવાહીના નથી રહેતા, એ બસ હોય છે કયો સંબંધ ચડે એ કહેવું અઘરું છે. સંબંધો કેવા છે એના ઉપર બધો આધાર રહેતો હોય છે. તેના કરતા પણ વધુ આધાર તો આપણે કેવા છીએ તેના ઉપર પણ રહેતો હોય છે. લોહીના સંબંધો ઘટ્ટ જ હોય છે એ જરૂરી નથી. લોહી પણ ક્યારેક પાતળું બની જતું હોય છે. મિત્ર માટે કરતા હોઇએ એટલું આપણા આપણા ભાઇ માટે કરતા હોઇએ છીએ? જરૂરી નથી કે ન જ કરતા હોઇએ. છેલ્લે તો એ જ કાઉન્ટ થતુંહોય છે કે આપણા એની સાથેના રિલેશન કેટલા ઇન્ટીમેટ છે.
સંબંધો જાળવવા માટે માણસે દિલની વાત સાંભળવી જોઇએ. દિમાગ વચ્ચે આવે ત્યારે ગણતરીઓ શરૂ થઇ જતી હોય છે. એક યુવાનની વાત છે. એના ભાઇને એક વખત તેની મદદની જરૂર પડી. ભાઇને વાત કરી. તેણે તરત જ હા કે ના ન પાડી. યુવાને તેના મિત્રની સલાહ લીધી કે મારે મારા ભાઇને મદદ કરવી જોઇએ કે નહીં? એક મિત્રએ કહ્યું કે મને તો મારા ભાઇ સાથે બહુ બનતું નથી. એ એના રસ્તે છે અને હું મારા રસ્તે. હું તો તેને મદદ કરીને ઘણી વખત પસ્તાયો પણ છું. કોઇ કોઇનું નથી. સગો ભાઇ હોય તો પણ શું! એ યુવાને બીજા મિત્રને પણ આ જ વાત વિશે પૂછ્યું. એ મિત્રએ કહ્યું કે ભાઇથી વિશેષ બીજું શું હોય? ભાઇને મદદની જરૂર હોય ત્યારે આપણે એની સાથે ઊભા ન રહીએ તો કોણ ઊભું રહેવાનું છે? તારા ભાઇ માટે તો તારે જે કંઇ થાય એ બધું કરી છૂટવું જોઇએ
.
બંને મિત્રોની સલાહ પછી યુવાન તો કન્ફ્યુઝ થઇ ગયો. કોની વાત માનવી? અાખરે તેણે આ બંનેની વાત પત્નીને કરી અને કહ્યું કે હું નક્કી કરી શકતો નથી કે હું શું કરું? પત્નીએ માત્ર એટલું જ કહ્યું કે પોતાના લોકોને મદદ કરવા માટે તું પારકાની સલાહ શા માટે લે છે? તું જ નક્કી કરને કે તારે શું કરવું છે? દરેક સંબંધ અલગ અલગ સ્તરે જીવતા હોય છે. એ બધાને એક જ નિયમ લાગુ કરી ન શકાય. ભાઇ તારો છે. તું નક્કી કર કે તારે શું કરવું છે!
તમારા લોકો માટે કંઇ કરવાનું હોય ત્યારે તમે તમારી રીતે નિર્ણય લ્યો છો કે પછી બીજાના આધારે નક્કી કરો છો? કોઇ વ્યક્તિ તો એ જ સલાહ આપશે, જેવો અનુભવ એને થયો હોય. તમારે તમારા અનુભવ અને ઇચ્છા મુજબ વર્તવાનું હોય છે. કોઇ મિત્ર ભાઇથી વિશેષ હોય શકે પણ એ ભા નથી હોતો એ તો મિત્ર જ હોય છે. સંબંધોમાં સલાહ લઇને ચાલવું યોગ્ય નથી હોતું. એ તો આપણે જ નક્કી કરવું પડે.
એક યુવાન પોતાની પત્નીથી છુપાવીને તેના મિત્રને મદદ કરતો હતો. યુવાનના બીજા મિત્રએ તેને પૂછ્યું કે તને એવું નથી લાગતું કે તું પત્ની સાથે ચીટ કરે છે. યુવાને કહ્યું કે પત્ની ઉપર મને પ્રેમ છે. મિત્રને મદદ કરું એ એને ગમતું નથી. મિત્ર સાથે મારે સંબં છે. મારી પત્નીને એની સાથે લગાવ નથી. હું મારા સંબંધ મારા લેવલે જીવું છું. પત્ની મારો મારા મિત્ર સાથેના સંબંધ સમજી શકતી નથી એમાં વાંક મારો નથી. જાહેર રાખી શકાય તેવા કેટલા સંબંધો ખાનગીમાં જીવાતા હોય છે?
આપણે ઘણી વખત તો નક્કી કરી શકતા કે હું જે કહું છું એ સાચું છે કે ખોટું? એ ન સમજાય ત્યારે પણ છેલ્લે તો દિલ કહે એમ જ આપણે કરતા હોઇએ છીએ. આખરે તો દિલથી જીવાતા સંબંધો જ સાચા હોય છે. સંબંધોમાં સલાહ લેવાની ન હોય, એને તો બસ જીવી લેવાના હોય છે.
છેલ્લો સીન:
તમે ક્યારે અને કેવી રીતે મરશો તે નક્કી કરી શકો નહીં, પરંતુ કેવી રીતે જીવવું એ તમે જરૂર નક્કી કરી શકો. -જોન બેઇઝ
('દિવ્ય ભાસ્કર', કળશ પૂર્તિ, તા. 14 ઓકટોબર 2015, બુધવાર. 'ચિંતનની પળે’ કોલમ)