સર્જકની પ્રેરણા
આલિશાન બેડરૂમ. તેને કલાત્મક બનાવતાં દિવાલ પરનાં રાજા રવિ વર્માનાં પેઈન્ટીંગ. છતને ભવ્યતા બક્ષતું વિશાળ કાચનું ઝુમ્મર. શાહી ઠાઠનો આભાસ કરાવતો રજવાડી પલંગ. ખૂણાઓની શોભા વધારતી બેનમૂન શિલ્પકૃતિઓ. આખા રૂમને સમાવતી લાલ જાજમ. વિવિધ રંગોના પ્રકાશથી ઝળહળતો રૂમ.
એકાએક રૂમમાં અંધકાર છવાઈ ગયો... થોડી ક્ષણો બાદ ઝાંખો પ્રકાશ પ્રગટ થયો. ધૂંધળી રોશનીમાં બે અસ્પષ્ટ માનવઆકૃતિ નજરે પડી. જેમ જેમ અજવાળું વધતું ગયું તેમ તેમ માનવદેહ સ્પષ્ટ થતા ગયાં.
રાજા રવિ વર્માનાં પેઈન્ટીંગની જીવંત પ્રતિકૃતિ સમાન એક યુવતી દ્રષ્ટીગોચર થઈ. પલંગ પર સુતેલી યુવતીનું શરીર ફક્ત સફેદ પારદર્શક ઓઢણીથી ઢંકાયેલું હતું. નગ્નતા હંમેશા કામુક અને બિભસ્ત જ નથી હોતી, કલાત્મક અને શૃંગારીક પણ હોય છે – આ વાત નિઃવસ્ત્ર દેખાતી યુવતી માટે એકદમ બંધબેસતી હતી. પરંતુ રૂમમાં બીજું કોણ હતું?
એક યુવક! બરાબર પલંગની સામે ઊભો હતો. સુંદર દેહ સૌષ્ઠવ અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતો યુવક આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. તે એકીટશે યુવતીને નિહાળતો હાથમાં પીંછી પકડીને કંઈક વિચારતો હતો. તેની આજુબાજુ વિવિધ રંગો વિખરાયેલાં પડ્યાં હતાં. યુવક તેની સામેના અલૌકિક સૌન્દર્યને કેનવાસ પર ઊતારવા આતુર હતો.
આખરે પીંછી અને કેનવાસનું મિલન શરું થયું. યુવકની નશીલી આંખો ક્યારેક યુવતી તરફ તો ક્યારેક કેનવાસ પર ફરતી હતી. ઓચિંતાની પવનની જોરદાર લહેર રૂમમાં ફરી વળી, યુવતીનાં શરીરથી ઓઢણી અળગી થઈ ગઈ અને.....
સર્જક સફાળો ઊંઘમાંથી ઊઠીને પથારીમાં બેસી ગયો. એલાર્મ રણકી રહ્યો હતો. તેને એલાર્મ પર બહુ ગુસ્સો આવ્યો, પણ શું થાય...! ઝડપથી નિત્યક્રમ પુરો કરીને તૈયાર થઈ ગયો સંતાન હોસ્પિટલની સ્પર્મ બેંકમાં સ્પર્મ ડોનેટ કરવા માટે. લગભગ બે વરસથી સર્જક ત્યાં મહિને એક-બે વાર જતો. તે નિઃસંતાન દંપતિનાં ચહેરા પર ખુશી જોવા માંગતો હતો. આ માટે બીજા યુવકોની જેમ તે પૈસા લેતો નહી, તેથી હોસ્પિટલનો સ્ટાફ પણ સર્જકને સારી ઓળખતો થઈ ગયો હતો. ડોક્ટરો, નર્સ તથા અન્ય સ્ટાફ હંમેશા તેમની પાસે પોતાના ચહેરા દોરાવતા.
હોસ્પિટલથી ઘરે આવીને સર્જક તેનાં પેઈન્ટીંગનાં પ્રદર્શન માટે ચિત્રો તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયો.
‘માસી, આજે રાતે ખાવાનું બનાવવા ધક્કો ખાતા નહી. હું બહાર જમવાનો છું. ક્યારેક તો તમને આરામ મળવો જોઈએ ને?’
સર્જકનાં મકાનને ઘર કહેવા લાયક બનાવનાર માસી જ હતાં. બંને સમયની રસોઈ, કપડાં, વાસણ, સાફ-સફાઈ બધું જ માસી કરતાં. સર્જક ફક્ત તેનાં બેડરૂમ કમ સ્ટ્યુડીઓની સફાઈ જાતે કરતો, એટલી માસીને શાંતિ હતી.
--------------------
સાંજના સમયે, લોકોની ભીડભાડથી દૂર, સર્જક દરિયાકિનારે કુદરતને કેનવાસ પર ઊતરવા મથી રહ્યો હતો. તલ્લીન બનીને, સાગરને કાગળમાં સમાવતો, ખુશ થતો, આજુબાજુનાં સૌન્દર્યને માણી રહ્યો હતો. ‘કોઈપણ કલાકાર જો અનુભૂતિ કરી શકે તો જ અનુભવને પોતાનાં માધ્યમમાં ઢાળી શકે.’ - એવું સર્જકનું દ્રઢપણે માનવું હતું. પેઈન્ટીંગ લગભગ પુરું થવા આવ્યું હશે ત્યાં જ તેની નજર કેનવાસને બદલે દરિયાકિનારે અટકી ગઈ. દરિયાની રેતીમાં, ખુલ્લા પગે ચાલતી, ભીની રેતીનાં સ્પર્શથી રોમાંચીત થતી, સુંદર યુવતી પર નજર સ્થિર થઈ ગઈ. પણ તે યુવતી સર્જક તરફ નહી પરંતુ તેનાથી દૂર જઈ રહી હતી. થોડીવારમાં તો અદ્રશ્ય પણ થઈ ગઈ. સર્જક રાતે જોયેલાં સપનાંની જેમ બાઘો બનીને ઊભો રહયો. આકૃતિ મળી પણ તેની ઓળખ ન મળી, સપનામાં પણ અને હકીકતમાં પણ.
રાતે ફરી સપનું આવવાની આશાએ ઊંઘી ગયો, પરંતુ નિરાશા સાથે જાગવું પડ્યું. આજે ઉપડ્યો ગાર્ડનમાં, ત્યાનાં રંગોને પોતાનાં હાથે રંગવા માટે. રંગોની માયાજાળમાં ગૂંચવાયો હતો ત્યાં જ પાયલનો મીઠો રણકાર તેનાં કાને પડ્યો. અવાજની દિશામાં નજર દોડાવી પણ એટલી વારમાં તો પાયલવાળી યુવતી દૂર નીકળી ગઈ. પણ ધૂંધળો અણસાર સર્જકની આંખોમાં કેદ થઈ ગયો.
‘કાલે દરિયાકિનારે કદાચ આ યુવતી જ હતી.’ સર્જક ધીમેથી બબડ્યો.
તે અડધું ઉપરાંતનું કામ બહાર રહીને કરતો, જયારે ફાઈનલ ફીનીશીંગ ઘરે આવીને કરતો.
‘ન્યુડ પેઈન્ટીંગ પ્રદર્શનમાં મૂકવું છે પણ લાગે છે કે કલ્પનાનો જ સહારો લેવો પડશે. વાસ્તવિક યુવતી તો.... શક્ય નથી! રાજા રવિ વર્મા ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હતા કે સુગંધા જેવી સ્ત્રી તેના માટે પ્રેરણાદાયી બની મહાન સર્જન માટે, મારું ભાગ્ય પણ કાશ આવું ભાગ્યશાળી હોત તો....!’ મનમાં અફસોસ સાથે પથારીમાં આડો પડ્યો. થોડીવારમાં તો ઊંઘી ગયો.
સવારે ઊઠીને મોર્નીંગ વોક માટે નીકળી પડ્યો. થોડે દૂર ગયો હશે ત્યાં જ તેની સાવ નજીકથી, નજર સામે જ, ગાર્ડનવાળી યુવતીને પસાર થતાં જોઈ. આ વખતે ધૂંધળો ચહેરો સ્પષ્ટ થયો. પણ તેની આંખોને વધારે લાભ મળ્યો નહી. તે દોડતી ઘણે દૂર પહોચી ગઈ.
‘ફરી પાછી એ જ યુવતી! આ એક સંયોગ છે કે મારો ભ્રમ.... જે હોય તે....’ મોબાઈલમાં ગીત સાંભળતો ચાલવા લાગ્યો.
ઘરે પહોચ્યો ત્યાં માસી આવી ગયાં હતાં. તેનાં માટે સવારનો નાસ્તો બનાવતાં હતાં.
‘માસી આજે બપોરે હું બૂક લેવા જવાનો છું, મોડું થશે, મારી રાહ જોતા નહી, ખાવાનું બનાવીને તમારું ટીફીન લઈને જતાં રહેજો. હું તો આવીને જમીશ.’
બુકની ખરીદી કરવા ક્રોસવર્ડમાં પહોચી ગયો. હજી તો અંદર દાખલ થયો ત્યાં તો ચોંકી ઉઠ્યો. આંખો ચોળી, માથા પર એક હળવી ટપલી મારીને ખાતરી કરી કે તે જે જોઈ રહ્યો છે તે ભ્રમ નથી, પણ હકિકત છે. પેલી યુવતી પણ બૂક લેવા આવી હતી. આજે તો બિલકુલ સામે જ ઊભી હતી.
‘હેલો, પ્લીઝ એક મિનીટ તમારી પેન આપશો?’ યુવતીએ સર્જકની સામે જોઈને કહ્યું.
‘કોણ હું?’ સર્જકે ખાતરી કરી કે તેને જ બોલાવે છે કે બીજાને!
‘હા, પેન પ્લીઝ.’
‘સ્યોર, કેમ નહી?’ પેન આપતાં સર્જકે ચહેરો નીરખવાની કિંમત વસૂલી લીધી.
‘થેન્ક યુ...’
‘ઓહ! વેલકમ...’ સર્જક તો તૈયાર જ હતો.
તેને પૂછવાનું મન થયું કે દરિયાકિનારે, ગાર્ડનમાં અને કાલે મોર્નીંગ વોકમાં તમે જ હતાં, પણ ત્યાં તો યુવતી જતી રહી.
ઘરે પરત ફરતાં, સર્જકને એ યુવતીનો ચહેરો મગજમાં સતત ઘૂમરાયા કર્યો. રાતે ફરી બે-ત્રણ દિવસ પહેલાં જોયેલું સપનું આવ્યું... જોરદાર પવનની લહેર... ચહેરા પરથી ઓઢણી સરકી ગઈ... ફરી સર્જક ઊંઘમાંથી જાગી ગયો, પણ આ વખતે ચહેરો ન જોવાનો અફસોસ થયો નહી.
‘મળી ગઈ મને મારી ન્યુડ મોડેલ, મારા પેઈન્ટીંગ માટે ‘ ખુશ થતો બબડ્યો.
‘ક્રોસવર્ડમાં મળી, પણ એ કોણ છે? એનું સરનામું? એ તૈયાર થશે?’ પોતાને જ મનમાં પ્રશ્નો ઘેરી વળતાં નિરાશ થઇ ગયો.
--------------------
અઠવાડીયું પસાર થયું પણ યુવતી મળી નહી. દરરોજ સર્જકને થતું કે આજે તો મળશે જ પણ આશા નિરાશામાં ફેરવાઈ જતી. ઉદાસ ચહેરે દરિયાકિનારે બેઠો હતો. દૂરથી પેલી યુવતી આવતી દેખાતાં જ સર્જકની આંખોમાં ચમક આવી ગઈ. ઉદાસી ભૂતકાળ બની ગઈ. આ વખતે તેની તરફ જ આવી રહી હતી.
‘અરે! તમે, ઓળખ્યો મને... ક્રોસવર્ડ... પેન!’ સર્જકે યાદ અપાવતાં કહ્યું.
‘હા, યાદ આવી ગયું.’ યુવતીએ હસીને જવાબ આપ્યો.
‘મેં આની પહેલાં પણ તમને અહી જોયા હતાં, તમને પણ દરીયો ગમતો લાગે છે?’ સર્જકે રાહ જોયા વગર જ વાતચીત શરૂ કરી દિધી.
‘હા, મને દરીયાકીનારો બહુ જ ગમે છે, લાગે છે તમને પણ...’યુવતીએ વાતચીત આગળ ધપાવી.
આવી ઘણી બધી વાતો ચાલતી રહી. સર્જકે તેમના વિશે લગભગ બધી જ વાતો કરી... એકલો જ છે... ફાઈન આર્ટસમાં કરેલા અભ્યાસ વિશે... પોતાનાં પેઈન્ટીંગ બાબતે... પ્રદર્શન યોજવા અંગે... પેલી યુવતી સાંભળતી રહી.
‘હવે આપણે પાછાં ફરવું જોઈએ.’ યુવતીએ ચાલતા ચાલતા અટકીને કહ્યું.
‘જેવી તમારી મરજી. પણ તમે તો હજી સુધી તમારું નામ પણ મને કહ્યું નથી.’
‘પ્રેરણા...’
‘જો કાલે તમારે અહી આવવાનું થાય તો ફરી મળીશું, હું તો કાલે આવીશ.’ એમ કહીને સર્જકે જણાવી પણ દિધું અને પૂછી પણ લીધું.’
‘મળીશું...’ યુવતી પણ ચાલાક હતી.
‘બાય ધ વે, તમે ક્યાં રહો છો?’ સર્જકે સમય જોઈને પૂછી લીધું.
‘હું તમને મારા નામથી વિશેષ વધારે કંઈ પણ કહીશ નહી... અને તમારી પાસેથી અપેક્ષા રાખું કે તમે પણ મને કંઈ પૂછશો નહી. બાકી ફરી મળીશું નહી.’
‘ઓ.કે. કાલે મળીએ.’ સર્જકે જવાબ આપી દીધો.
--------------------
મળવાનો વણથભ્યો સીલસીલો ચાલુ થઇ ગયો. સર્જક પ્રેરણા વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતો પણ તે બહુ વધારે પ્રશ્ન પૂછવાની હિંમત કરતો નહી. તેણે ધીરજ ધરવાનું નક્કી કર્યું. પ્રેરણા જેટલી વાતો કરતી તેનાથી સંતોષ માનતો. સમય પસાર થતો ગયો તેમ બંને વચ્ચે નિકટતા પણ વધતી ગઈ. સર્જકે ઘણી અલગ-અલગ મુદ્રાઓમાં પ્રેરણાને કેનવાસ પર કંડારી લીધી. સર્જકની પીંછીમાં એક અલગ જ તાજગી વર્તાવા લાગી.
‘પ્રેરણા, કોઈપણ કલાકાર માટે પ્રેરણામૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે.’
‘તારી પ્રેરણામૂર્તિ કોણ છે?’
‘અત્યાર સુધી તલાશ હતી તેની, પણ પ્રેરણા મળી તો પ્રેરણામૂર્તિની તલાશ પણ જાણે કે પૂરી થઈ ગઈ.’ પીંછીથી રંગોનાં લસરકાં મારતાં સર્જકે જવાબ આપ્યો. થોડીવાર માટે બંને ચુપ થઈ ગયાં.
‘પ્રેરણા, હું તારૂં એક ન્યુડ પેઈન્ટીંગ દોરવા માંગુ છું... તું તૈયાર છો એ માટે?’ સર્જકે ઓચિંતાનો પ્રશ્ન પૂછ્યો, જે કેટલાંય દિવસોથી પૂછવાનો પ્રયત્ન કરતો હતો. પણ હિમ્મત હારી જતો હતો. આજે તો દ્રઢ નિશ્ચય કર્યો ત્યારે શક્ય બન્યું.
પ્રેરણા કંઈ બોલી નહી. વિચારતી રહી. સર્જકને થયું કે હમણાં ગુસ્સે થઈને જતી રહેશે કાં તો પછી ગાલ પર એક તમાચો મારશે. એટલે એણે જ ચૂપકીદી તોડીને પોતે જોયેલાં સપનાની વાત કરી અને તે સપનાને હકિકત બનાવવાની, તે પેઈન્ટીંગને પ્રદર્શનમાં મૂકવાની, પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી.
‘પણ...’ પ્રેરણા કઈ બોલવા જાય તે પહેલાં જ સર્જકે તેને અટકાવી.
‘તારો ચહેરો જ ખુલ્લો રહેશે, બાકી તો તારો વસ્ત્રહીન દેહ, ઓઢણીથી ઢંકાયેલો જ રહેશે, પછી તને શું વાંધો છે? મહેરબાની કરીને ના નહી કહેતી. મારા વિશે તું કઈ ખોટી ધારણા બાંધતી નહી... હું તારો ગેરફાયદો ઊઠાવા નથી માંગતો... જો તને મારા પર વિશ્વાસ ના હોય તો...?’
‘હું કાલે જવાબ આપીશ.’ પ્રેરણા સમય માંગીને જતી રહી.
સર્જક માટે તો રાત પસાર કરવી ભારે થઈ પડી. સવારે ઉઠીને તેણે પેઈન્ટીંગ માટેની બધી જ તૈયારીઓ કરી લીધી. આવશે કે નહી આવે તે વિચારમાં જ સૂરજ મધ્યાહને પહોંચી ગયો. પ્રેરણા તેના સમય પ્રમાણે આવી ગઈ. ગંભીર હતી. સર્જક બિલકુલ ચૂપ હતો. તેણે ના સાંભળવાની તૈયારી રાખી હતી ત્યાં જ પ્રેરણા બોલી,
‘હવે તું બહાર જઈશ, હું બોલવું પછી અંદર આવજે.’
થોડીવાર બાદ અંદરથી અવાજ આવ્યો,
‘સર્જક, કમ ઈન...’
સર્જક ચૂપચાપ અંદર ગયો, પણ સ્ટ્યુડીઓમાં પગ મૂકતાં જ તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. બંધ આંખોએ જોયેલા સ્વપ્નને ખુલ્લી આંખોથી નિહાળતા સ્તબ્ધ થઈ ગયો. પ્રેરણા બિલકુલ એ જ અદાથી પલંગ પર ગોઠવાઈ ગઈ હતી જેનું વર્ણન સર્જકે કાલે કર્યું હતું.
‘સર્જક, શું થયું?’ પ્રેરણાએ આંખો ઝુકાવીને પૂછ્યું.
સર્જકે ધ્રુજતા હાથે અને ધડકતા હ્રદયે, મનને સ્થિર રાખી, પ્રેરણા પાસે જઈને તેના ચહેરા અને હાથ-પગને એક ચોક્કસ મુદ્રામાં ગોઠવ્યા. પછી આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરતાં, પોતાનાં સર્જનને યાદગાર બનાવવાની શરૂઆત કરી. બહાર વરસાદ વરસતો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પણ સર્જકનાં કપાળ પર પ્રસ્વેદ-બિંદુઓ સ્પષ્ટ દેખાતાં હતાં.
કલાકાર તરીકે સર્જક આવેશથી સૌન્દર્યને કેનવાસ પર ઊતરવા મગ્ન બની ગયો હતો, પણ એક યુવાન પુરૂષ તરીકે ખૂબ સંયમથી પોતાની જાતને કાબૂમાં રાખી હતી. લગભગ ત્રણ કલાક જેટલા સમય બાદ પ્રેરણાને આરામ મળ્યો. પણ સર્જક હજી પેઈન્ટીંગમાં મશગૂલ હતો. પ્રેરણાની ઉત્સુકતા વધી ગઈ સર્જકના સર્જનને જોવાની... જયારે પેઈન્ટીંગ જોયું તો બસ જોતી જ રહી ગઈ. પોતે સુંદર છે તેની ખબર હતી પણ આટલી બધી પોતે સુંદર છે તેની પ્રતીતિ જાણે કે આજે સર્જકે તેને કરાવી હોય તેવું લાગ્યું. તેની આંખમાં હર્ષના અશ્રુ ઉભરાઈ આવ્યાં.
સર્જકે પાસે આવીને પ્રેરણા સમક્ષ બંધ આંખોએ હાથ ધર્યો. પ્રેરણાએ જોયું તો હાથમાં તેનાં કપડાં હતાં, જે પહેરવાના બાકી હતાં. સર્જક મોં ફેરવીને બહાર નીકળી ગયો. પ્રેરણાને આવા ચારિત્ર્યવાન સર્જકની પ્રેરણામૂર્તિ હોવા બદલ ગર્વ થયો.
--------------------
પ્રદર્શનની તારીખ સાવ નજીક આવી ગઈ. બધાં જ પેઈન્ટીંગ તૈયાર હતાં. ખુશીની પળોમાં પણ તે થોડો ઉદાસ દેખાતો હતો તેનું કારણ હતી પ્રેરણા.
‘હવે હું તને તારા પ્રદર્શન પછી જ મળીશ. કારણ નહી પૂછતો. બેસ્ટ ઓફ લક.’ સર્જકને પ્રેરણાના છેલ્લી મૂલાકાત વખતના શબ્દો યાદ આવી ગયાં.
પ્રદર્શનનો દિવસ આવી ગયો. બધાં જ ચિત્રો લોકોને ખૂબ જ પસંદ પડ્યાં, ઘણી સારી કિંમતે વેચાઈ ગયાં, પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રેરણાવાળું પેઈન્ટીંગ. જેનું નામ સર્જકે રાખ્યું હતું – ‘સર્જકની પ્રેરણા’. એને વેચવાની સર્જકે ના કહી બધાંને. પત્રકારોએ અને લોકોએ સર્જકની પ્રેરણા કોણ છે તેનાં વિશે ઘણી પૂછપરછ કરી પણ તેણે જવાબ આપવાનું ટાળ્યું. ફક્ત એટલું બોલ્યો કે મારી પ્રેરણા કાલ્પનિક નથી, એ મારી હકિકત છે. સર્જક માટે ઘણો યાદગાર દિવસ રહ્યો.સર્જક પ્રદર્શનની બધી વાતો પ્રેરણાને કહેવા માટે તત્પર હતો પણ પ્રેરણા મળવા આવી નહી.
બે દિવસ, ચાર દિવસ, અઠવાડિયું... એમ મહિનો થઈ ગયો પણ તેનાં કોઈ સમાચાર મળ્યાં નહી. સર્જક તો પાગલ જેવો થઈ ગયો. તે દરરોજ સાંજે દરિયાકિનારે જઈને બેસતો અને ઉદાસ થઈને પાછો ફરતો. તેનાં માટે દિવસો અસહ્ય બનવા લાગ્યાં. પ્રેરણાને કેનવાસ પર જોઈને, યાદ કરીને, ગમગીન થઈ જતો.
--------------------
છ મહિના વીતી ગયાં. સર્જક બહારથી સ્વસ્થ દેખાવા લાગ્યો, પણ અંદરથી તો વેરવિખર જ હતો. પ્રેરણા ગયાં પછી પહેલી વાર તે સંતાન હોસ્પિટલમાં ગયો. સ્પર્મ ડોનેટ કરીને બહાર નીકળતો જ હતો ત્યાં તેની નજર સામેથી પ્રેરણા પસાર થઈ. તેનાં નામની બૂમ પાડતો દોડ્યો પણ ટ્રાફિકને લીધે અટવાઈ ગયો. એટલીવારમાં તો પ્રેરણા દેખાતી બંધ થઈ ગઈ. રૂઝાયેલો ઘા ફરી પાછો તાજો થઈ ગયો.
‘એનો મતલબ એમ કે પ્રેરણા આ શહેરમાં જ છે. હવે હું એને શોધીને જ જંપીશ.’ પાછા ફરતાં સર્જકે મનમાં નક્કી કર્યું.
હોસ્પિટલની બહાર નીકળતાં જ તેની નજર ફૂટપાથ પર પડેલી નવજાત રડતી બાળકી પર પડી.
‘કોઈ મૂકીને જતું રહ્યું લાગે છે. માણસો પણ કેવા નિર્દય થાય છે.’ સર્જકને બહુ ગુસ્સો આવ્યો.
તેણે ચોકીદારને પૂછ્યું પણ, કોઈપણ પ્રકારની માહિતી મળી નહી. બાળકીને પોલીસ સ્ટેશનમાં કાં તો પછી અનાથાશ્રમમાં સોંપવાનું વિચારીને સર્જક તેને ઘરે લઈ ગયો.
ઘરે જઈને બાળકીનો ફૂલ જેવો નિર્દોષને માસૂમ ચહેરો ફૂરસદથી નિહાળતાં, પોલીસ સ્ટેશને જવાં માટે સર્જકનો જીવ ન ચાલ્યો.
‘આને હું મોટી કરીશ. મારી જેમ અનાથ બનીને મોટી નહી થાય. એનાં નામ પાછળ મારૂં નામ લખાવીશ.’ સર્જકના અંતરાત્માનો એ અવાજ હતો. જાણે કે ઈશ્વરનો સંકેત હોય તેમ તેને જીવવાનો ધ્યેય મળી ગયો. તેને અનાથ હોવાના દર્દનો અહેસાસ હતો.
‘માસી કેવું કહેવાય કે સંતાન હોસ્પિટલમાં નિઃસંતાન લોકો સંતાન માટે આવે છે અને જેને સંતાન છે તે તરછોડીને નિઃસંતાન બની જતા રહે છે.’ સર્જકે માસીને બધી વાત કરતા કહ્યું.
‘કેવી ફૂલ જેવી દીકરી છે.’ માસીએ બાળકીને હાથમાં લેતાં કહ્યું.
‘અભણ અને પછાત સમાજનાં લોકો જ દીકરીને તરછોડે છે એવું નથી. શિક્ષિત અને મોભાદાર વર્ગમાં પણ આવું બને છે, જે બહાર નથી આવતું. આ કોઈ એવી જ બાળકી લાગે છે. માસી તમે અહી મારે સાથે જ રહેવા માટે આવી જાવ. મારાથી એકલા આનો ઉછેર કરવાનું બહું જ મુશ્કેલ છે. આવશોને તમે?’ સર્જકે માસીને પોતાનો નિર્યણ જણાવતાં પ્રશ્ન પૂછ્યો.
‘ઠીક છે બેટા, જો તું આવું પવિત્ર કામ કરતો હોય તો હું તને જરૂર સાથ આપીશ.’
માસીએ કહ્યું તે પ્રમાણેની બધી જ જરૂરી વસ્તુઓ સર્જક તુરત જ લઈ આવ્યો.
સર્જકે બાળકીનું નામ રાખ્યું... પરી. ધીમે ધીમે સર્જકનું મન પરીમાં પરોવાઈ ગયું. ફરી ચિત્રો દોરવા લાગ્યો. પરી પણ સર્જક તથા માસીના હાથે મોટી થવા લાગી. પ્રેરણાને શોધવાનાં નિષ્ફળ પ્રયત્નો ચાલું જ હતાં.
સર્જકને લાગ્યું કે માસીને તેની યુવાન દીકરીની ચિંતા રહે છે. તેથી માસીના મનની વાત જાણવા પૂછ્યું, ‘માસી, તમારી દીકરીને પણ અહી સાથે બોલાવી લો ને. તેને એકલાં રહેવાની જરૂર શું છે?’
‘એ ના કહે છે. એનું કહેવું છે કે લોકો ખોટી વાતો કરશે.’
‘એને હું સમજાવીશ. સમાજથી હું ડરતો નથી.’ સર્જકે માસીને વિશ્વાસ અપાવતાં કહ્યું.
--------------------
સર્જક બપોરે માસીના ઘરે ગયો. બારણે ટકોર મારી. અંદરથી અવાજ આવ્યો,
‘કોણ...?’
‘હું... સર્જક’
બારણું ખુલતાં જ સામે ઊભેલી યુવતીને જોઈને સર્જકની આંખો સામે અંધારૂ છવાઈ ગયું. પોતાની જાતને મહાપ્રયત્ને સંભાળી.
‘પ્રેરણા તું...?’ તેનો અવાજ ફાટી ગયો.
‘પ્રેરણા નહી... ચાહના. આવો અંદર, હું તમને ઓળખું છું.’
‘પ્રેરણા આવો મજાક યોગ્ય નથી. હું કેટલાં દિવસોથી તને શોધું છું.’ સર્જકની આંખો ભીની થઈ ગઈ.
‘માફ કરજો. હું કઈ સમજી નહી. આપણે તો ક્યારેય મળ્યા પણ નથી. આ તો હું તમને માં ને લીધે ઓળખું છું.’ ચાહના બોલી.
‘ઠીક છે. તું મારી ઘરે માસીની સાથે રહેવા કેમ નથી આવતી? માસી તારી કેટલી ચિંતા કરે છે!’ સર્જકે વાત બદલતાં કહ્યું.
‘તમને લોકો પૂછશે તો શું કહેશો?’
‘એ બધાંને હું જવાબ આપી દઈશ.’
આવી ઘણી બધી ચર્ચાઓ અને દલીલોને અંતે ચાહનાએ હાર માનીને આવવાની તૈયારી દેખાડી.
--------------------
બીજે દિવસે સવારે ચાહના સર્જકના ઘરે આવી ગઈ. માસી ખુશ થઈ ગયાં. ચાહના તો પરીને જોઈને ખુદ બાળક બની ગઈ. ખોળામાં લઈને તેને રમાડવા લાગી.
માસી સાંજે શાકભાજી લેવા ગયાં, પરી પારણામાં ઊંઘતી હતી, ચાહના ડાયરીમાં કંઈક લખતી હતી, ત્યાં જ સર્જકે આવીને તેનો હાથ પકડીને પોતાના રૂમમાં લઇ ગયો. પ્રેરણાવાળું પેઈન્ટીંગ દેખાડીને પૂછ્યું,
‘બોલ કે તું પ્રેરણા નહી ચાહના છે.’
‘આ હું નથી. હું તો તમને રૂબરૂ પહેલાં મળી પણ નથી. બની શકે કે સંયોગાવત્ અમારો ચહેરો સરખો હોય, પણ એથી હું ચાહના મટીને પ્રેરણા થઈ નથી જતી.’ ચાહનાનો અવાજ થોડો ઊંચો થઈ ગયો.
‘લાગે છે કે હું પાગલ થઈ જઈશ.’ સર્જક ફસડાઈને જમીન પર બેસી ગયો.
--------------------
પરીને તો જાણે માતા-પિતા અને દાદીનો પ્રેમ મળતો હોય તેવું લાગવા માંડ્યું. બાળકને બીજું શું હોય? એ તો લાગણી અને પ્રેમની પરિભાષા સમજે. બીજા છ મહિના પસાર થઇ ગયાં.
‘માસી, મને લાગે છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ.’
‘તારા ધ્યાનમાં કોઈ છોકરી છે?’
‘હા, તમે પણ ઓળખો છો.’
‘કોણ?’
‘ચાહના’ સર્જકે માસીના ચહેરા સામે જોઈને કહ્યું.
‘ના, બેટા! એ શક્ય નથી.’ માસીએ નજર ફેરવતાં કહ્યું.
‘કેમ? હું ચાહનાને લાયક નથી.’
‘એવું નથી, પણ ચાહનાનું નસીબ એટલું બધું સારૂં નથી કે તારા જેવો વર મળે.’
‘તો શું એનામાં કોઈ ખોટ છે?’
‘બેટા, ચાહના વિધવા છે. આ વાતને ત્રણ વરસ થયાં. મેં તો એને ઘણી સમજાવી, પણ એ બીજાં લગ્ન માટે તૈયાર નથી.’ માસીથી ડૂસકું ભરાઈ ગયું. સર્જકે માસીની માનસિક હાલત સમજીને વધુ વાત ન કરી. પણ તેનું ધ્યાન ગયું કે ચાહના વાતચીત સંભાળતી હતી. બંનેની નજર મળી. ચાહના અંદર ચાલી ગઈ. સર્જક તેની પાછળ ગયો.
‘આજે સાંજે દરિયાકિનારે હું તારી રાહ જોઈશ.’ આટલું બોલી બહાર નીકળી ગયો.
--------------------
સાંજે સર્જક દરિયાકિનારે બેસીને તેનાં જીવનમાં થયેલી ઉથલ-પાથલને વિચારી રહ્યો હતો. ત્યાં ચાહના આવી પહોંચી.
‘મને અહી બોલવાનું કારણ?’ આવીને ચાહનાએ પ્રશ્ન કર્યો.
‘મારી સાથે લગ્ન બાબતે તારો જવાબ જાણવો છે.’
‘માં એ તમને વાત તો કરી.’
‘તું વિધવા છો તો શું થયું? બીજા લગ્ન કરવાનો તને અધિકાર છે.’
‘તમે તો પ્રેરણાને...’ ચાહના અટકી ગઈ.
‘જેમ તારો એક ભૂતકાળ છે એમ મારો પણ એ ભૂતકાળ છે. હવે હું ભવિષ્યની વાત કરૂ છું.’
‘કુદરતે મને વિધવા બનાવી. બાકી છૂટાછેડા નિશ્ચિત જ હતાં.’
‘કેમ?’
‘હું થેલેસીમિયા માઇનર છું, એ વાત મારી સાસરીવાળાથી સહન ન થઈ. એમને લાગ્યું કે મેં લગ્ન પહેલાં આ વાત છૂપાવી હતી.’
‘હકિકત શું હતી?’ સર્જક ગંભીર થઈ ગયો.
‘મને પણ ક્યાં ખબર હતી! એ તો જયારે મારા સારાં દિવસો જતાં હતાં ત્યારે ટેસ્ટ કરાવ્યા એટલે ખબર પડી.’
‘તારૂ બાળક?’
‘એબોર્શન કરાવ્યું. દીકરી હતી...’ ચાહનાની આંખો ભીની થઈ ગઈ.
‘વાહ! સરસ...’ સર્જકે કટાક્ષ કરતાં કહ્યું.
‘હવે પછી લગ્નની વાત ઉચ્ચારીશ નહી. હું એકલી ખુશ છું.’
‘હું લગ્ન કરીશ તો તારી સાથે જ... બાકી હું પણ એકલો જ ખૂશ છું.’
‘કેમ? મારો ચહેરો પ્રેરણા જેવો છે એટલે?’
‘તારો ચહેરો પ્રેરણા જેવો છે એટલે નહી પણ તું જ મારી પ્રેરણા છો એટલે.’
‘ફરી પાછી એ જ વાત. હું ચાહના...”
‘બસ હવે ક્યાં સુધી આ નાટક કરીશ મારી સાથે. તું ચાહના છો પણ સાથે સાથે મારી પ્રેરણા પણ તું જ છો!’
‘કોણે કહ્યું તને આવું ખોટું?’
‘હું બધું જાણી ગયો છું પ્રેરણા. એકદિવસ હું જયારે તારા રૂમમાં આવ્યો ત્યારે તારા પગનાં પાયલ, ઓઢણી અને આપણી મૂલાકાતો વિશે લખેલી ડાયરી મારા હાથે લાગી ગઈ હતી.’
‘હા, હું જ પ્રેરણા છું.’ ચાહનાની આંખોમાંથી આંસુ ધસી આવ્યાં.
‘પણ તે ડાયરીમાં એ નથી લખ્યું કે તારે આવું શા માટે કરવું પડ્યું?’ સર્જકના ગળે પણ ડૂમો ભરાઈ ગયો.
‘સર્જક, મેં શરૂઆત કરી હતી મારા સ્વાર્થ ખાતર. મને પહેલેથી જ લખવાનો બહુ શોખ છે. સફળ લેખિકા બનવું એ મારૂં લક્ષ્ય છે, મારૂં સપનું છે. મેં ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે, પણ ક્યારેય પ્રકાશિત કરી નથી. ઘણાં સમયથી હું એક એવી નવલકથા લખવા માંગતી હતી કે જેને પ્રકાશિત કરી શકાય. મારે એવી વાર્તા લખવી હતી કે જેનો નાયક એક પ્રતિભાવાન ઊગતો ચિત્રકાર હોય. આથી વાર્તાને વધારે વાસ્તવિક બનાવા હું એક એવાં ચિત્રકારની શોધમાં હતી જેની બારીક માહિતી મારી પાસે હોય. મારા મગજમાં વિચાર આવ્યો તારો. હું માંને કારણે તને જાણતી હતી. તારા ચારિત્ર્ય પર મને પૂરો વિશ્વાસ હતો. એટલે તો હું તને દરિયાકિનારે, ગાર્ડનમાં, મોર્નીગ વોકમાં, ક્રોસવર્ડમાં મળી અને તારૂ ધ્યાન મારા તરફ ખેચ્યું. જેથી હું તારી નજીક આવી શકું. જો હું મારી સાચી ઓળખાણ આપું તો કદાચ, વાસ્તવિકતાની નજીક નહી પહોંચી શકું એવો મને ડર હતો. મારે કોઈ પણ જાતની કચાશ ન’તી રાખવી.’
‘પરંતુ પ્રેરણા બનીને હું પણ તારી તરફ ખેંચાતી ગઈ. આમ પણ હું તારી જેમ રાજા રવિ વર્માની મોટી પ્રશંસક છું. તને પૂરી રીતે જાણ્યા બાદ મને પણ સુગંધાની જેમ કેનવાસ પર ઉતરવાની ઈચ્છા થઈ. આ બધું થયા પછી મને લાગ્યું કે ખોટું થાય છે. હું મારી જાતને પ્રેરણા માનવા લાગી હતી, તું તો મારી વાર્તાનો નાયક હતો જ પણ સાથે સાથે જાણ્યે અજાણ્યે હું પણ એક વાર્તાનું પાત્ર બની ગઈ. પરંતુ મને પછી ભાન થયું કે હું તો ચાહના છું, જે વિધવા છે, થેલેસીમિયા માઇનર છે, તારે ત્યાં કામ કરનાર સ્ત્રીની દીકરી છે. બસ મને લાગ્યું કે મારે તારૂં જીવન બરબાદ કરવું જોઈએ નહી અને હું તારાથી દૂર થઇ ગઈ. હું તારી જીંદગી ખરાબ કરવા ન’તી માંગતી, પણ ભાગ્યએ આપણને ફરી પરી દ્વારા આમને સામને લાવી દિધાં.’ ચાહનાએ પોતાની જાતને હળવી અનુભવી.
‘પણ સંતાન હોસ્પિટલમાં તું શું કામ આવી હતી?’
‘મારે બીજા લગ્ન કરવાની ઈચ્છા હતી નહી. પણ હું માં બનવા ઈચ્છતી હતી અને એ પણ તારા સંતાનની. એટલે તપાસ કરવા આવી હતી કે એ કઈ રીતે શક્ય બને? અને મને ખબર હતી કે તું સ્પર્મ ડોનેટ કરે છે. એટલે જો એ શક્ય હોત તો હું તૈયાર હતી તારા બાળકની માં બનવા, તારી સાથે લગ્ન વગર. પણ એ લોકો તૈયાર ન થયા.’
‘પ્રેરણા, તને પણ ખબર છે અને મને પણ કે આપણે બંને એકબીજા માટે જ સર્જાયા છીએ. હવે બધું જાણ્યા પછી દૂર શું કામ રહેવાનું? મારા માટે તું સત્ય છો, બીજી બધી બાબતો ગૌણ છે. થેલેસીમિયા માઇનર કોઈ રોગ નથી, તે એક પરિસ્થિતિ જ છે. અમિતાભ બચ્ચન પણ માઇનર છે... પણ હું એક દીકરીનો પિતા છું એ જાણ્યા બાદ મારી સાથે લગ્ન કરીશ? પરી નામ છે મારી દીકરીનું...’
‘મારે પણ એક દીકરી છે અને તેનું નામ પણ પરી છે.’ ચાહના આટલું બોલતાં શરમાઈ ગઈ. સર્જકને તેનો જવાબ મળી ગયો.
--------------------
ચાહનાની નવલકથાને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. “સર્જકની પ્રેરણા’ એ પેઈન્ટીંગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યું. જયારે પરી માતા-પિતાની ખુશીની સાક્ષી બની. ઉજ્જવળ ભવિષ્ય તેનું, રાહ જોઈ રહ્યું હતું.