|| 12 ||
પ્રકરણ 11 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ રાજકોટના વિશ્વ વિખ્યાત સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે ઝોનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન જોવા માટે પ્રતિક, આદિત્ય, અભિષેક અને રાહુલ પોતાની સાઇકલમાં જાય છે. પ્રતિકનું સ્વિમિંગ કોમ્પિટિશન જોવા આવવાનું મુખ્ય કારણ તો આરતીને જોવાનું હોય છે. આરતી પ્રતિકને આદિત્યને બતાવવા ઇશારાથી કહે છે તેથી પ્રતિક આદિત્ય તરફ ઈશારો કરે છે, જ્યાં આદિત્ય સાથે રાહુલ અને અભિષેક વાતો કરી રહ્યા હોય છે. આરતી રાહુલને આદિત્ય સમજી લે છે. સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થવાના બસ થોડા સમય પહેલા જ આદિત્યના ઘરેથી તેના પિતાનો ફોન આવે છે. આથી આદિત્ય કોમ્પિટિશન જોયા વિના જ નીકળી જાય છે. દિયા આ સ્વિમિંગ કોમ્પિટિશન જીતી લે છે. મેં આગળ કહ્યા મુજબ આરતી રાહુલને આદિત્ય સમજી બેઠી હોય છે. જેને દિયા આદિત્ય વિશે પૂછતાં આરતી રાહુલને આદિત્ય તરીકે બતાવે છે, જે ખરેખરમાં આરતીની પણ અસમંજસનો એક ભાગ છે. હવે પ્રકરણ 11 ના આંતમાં આદિત્ય પ્રતિકને દિયાને મળવાનું અને દિયાને જોવાનું કહેતા તેઓ બંને દિયાને જોવા કોમ્પિટિશનના બીજા દિવસે સ્કૂલના રિસેસ દરમિયાન ગર્લ્સના ક્લાસ રૂમ બહાર આવેલા પગથિયાં પર પહોંચી ગયા હોય છે. હવે શું આદિત્ય દિયાને જોઈ શકશે કે કેમ ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
*****
“આયવી ? દેખાય છે કોઈ જો ને ભાઈ જલ્દી“, પગથિયાં પર દિયાને જોવા માટે છુપાયેલા આદિત્યએ પ્રતિકને પૂછ્યું.
“ઊભો તો રે એલા તું, દેખાય એટલે કહીશ તને તું મોજ કર“, પહેલા બેન્ચમાં બેઠેલી આરતીના ચશ્મા તેની હેર સ્ટાઈલ અને તેના ચહેરાની સુંદરતામાં ખોવાયેલા પ્રતિકે આદિત્યને કહ્યું.
હકીકતમાં તો પ્રતિક આરતીને જ જોયા કરતો હતો. કારણ કે તેને દિયાને જોવાની કોઈ જ ઉતાવળ નહોતી. પ્રતિક આરતી કરતાં ઊંચાઈમાં બહુ જ નાનો હતો. આરતી ઊંચી હતી. નાનકડા ફ્રેમલેસ ચશ્મા અને પફ વાળીને વાળ ઓળેલા રાખતી. સ્કૂલના નિયમોથી બંધાઈને તેને તેલ નાખવું પડતું હતું. પરંતુ કેટલું ખબર છે ? માત્ર દેખાવમાં ચમક લાગે એટલું. કારણ કે જો કોઈ વિધ્યાર્થી તેલ નાખીને ના આવે તો તેમણે પાંચ રૂપિયા ‘ગૌ દાન એ મહા દાન છે’ આવું સૂત્ર લખેલી એક કાચની પેટી જેમાં ગાયનો ફોટો દોરેલો હતો તેમાં નાખવાના હતા. આ કર્ય પાછળ સ્કૂલનો હેતુ દંડ નો દંડ વસુલાઇ જાય અને ફરજિયાત દાન પણ થઈ જાય તેવો હતો. આરતી દેખાવે બહુ રૂપાળી ન હતી. આમ છતાં પહેલી નજરમાં જ કોઈ પણ છોકરાને ગમી જાય એવી લાગતી હતી. આ તરફ અમારો પ્રતિક બિચારો એટલો નીચો કે માંડ તેના હોઠ સુધી પ્રતિકનું માથું પહોંચતું હતું. આમ છતાં દોસ્ત પ્રેમ એટલે પ્રેમ ને ? એમાં નાત જાત ઊંચ નીચના ભેદભાવને અવકાશ નથી.
“હા, આવી એય આદિ જો સેકન્ડ બેન્ચમાં પેલી લાંબી અને સાદા ચશ્માવાળી છોકરી દેખાયને એનું નામ દિયા“, પ્રતિકે દિયા તરફ ઈશારો કરતાં પ્રતિકને કહ્યું.
આટલું પ્રતિકના કહેવાની સાથે જ હું આગના ભડકામાં તમે દસ રૂપિયાવાળી લવિંગ્યાની કોથળીમાંથી એક ટેટો લાલ કલરનો મસ્ત વાટ કાઢ્યા વગર ફેંકો અને કેમ ઓચિંતાનો ભડકીને ફૂટે. બસ આજ રીતે હું મડદું બેઠું થાય એમ ઊભો થયો અને જોવા લાગ્યો. સ્ટોરીમાં ટ્વિસ્ટ એ હતો કે હું જેને જોઈ રહ્યો હતો એ દિયા નહીં કાવ્યા સોમૈયા હતી. હવે હું મારી જિંદગીમાં પહેલી વાર છોકરીઓના ક્લાસરૂમ પાસે આવી રીતે જોવા આવેલો. આથી આપણે કોઈને ઓળખતા તો હોય નહીં. આથી આવું બનેલું. કારણ સામાન્ય રીતે એવું હતું કે પ્રતિકે જેમ કહ્યું એમ બીજી બેન્ચમાં બે છોકરીઓ હતી બંનેના ચશ્મા સાવ સાદા હતા. હું ભડકીને ઊભો થયો એનું કારણ એવું નહોતું કે કાવ્યા ખૂબસુરત હતી. દિલથી ખૂબસૂરત હશે એની ના નથી અને આમ પણ મારૂ માનો ને દોસ્ત તો એક પ્રાઈવેટ સલાહ આપુંને તો કદાચ તમારું બ્રેકઅપ થઈ ગયું હોય, તમે કોઈને પ્રેમ કરતાં હોય કે ના કરતાં હોય પણ એક સત્ય હકીકત તો તમારે સ્વીકારવી જ રહી કે ‘છોકરીઓ દિલથી બહુ જ સુંદર હોય છે’. મને તો એવું લાગે છે કે તેમનો જન્મ જ દિલની સુંદરતા માટે થયો છે પછી તે કોઈ પણ હોય રોજ સવારે મસ્ત નીંદર માણતી વખતે તેમાંથી ઉઠાડતા મમ્મીથી માંડીને રોજ સોસાયટી સાફ કરવા આવતા કામવાળા માસી સુધી. દરેક સ્ત્રી જાતિ જ દિલથી બહુ સુંદર હોય છે. એક મિનિટ આપણે ક્યાં હતા ? હા તો હું પ્રતિકના કહેવાથી ઊભો થયો પણ મેં દિયાની જગ્યાએ જોઈ કાવ્યાને અને હું કાવ્યાને દિયા સમજીને ફટાફટ પગથિયાં ઉતરીને નીચે મારા ક્લાસમાં જતો રહ્યો. ખબર નહીં કેમ મને એમ થયું કે યાર આવી સાવ છોકરી છે દિયા ? મારા મગજમાં શું આપણે ટી વી માં સ્વિમિંગ ચેમ્પિયનશીપ જોતાં હોઈએ તો ભૂરી ભૂરી ગર્લ્સ હોય ને એવી ઇમેજ એક સ્વિમરની બંધાયેલી હતી. આ ખરેખર ખોટું કહેવાય જે મારામાં હતું, ખરેખરમાં છે ને ટેલેન્ટ મહત્વનો છે, રૂપ તો તમે જવાન છો ત્યાં સુધી પણ તમારો ટેલેન્ટ તમને બધાથી અલગ તારવે છે અને હંમેશા કોઈના રૂપથી વધુ ટેલેન્ટની પૂજા થવી જોઈએ.
“શું યાર આદિ તને આટલી મસ્ત છોકરી બતાવી અને તું છે કે હુહ.. એમનેમ મને કીધા વગર જ નીચે આવતો રહ્યો! થેન્ક ગોડ કોઈ ટીચર ઉપર નહોતા આવ્યા બાકી તને ખબર છે હું આ પહેલા પણ ઘણી વાર લેવાઈ ગયો છું અને આજે તો મારા પેરેન્ટ્સને જ બોલાવવા પડત એવી સજા થવાની હતી.“, પ્રતિકે છોકરીઓના ક્લાસના માળ પરથી નીચે ઉતરી અમારા ક્લાસમાં આવીને કહ્યું. ક્લાસમાં અમે બે જ હતા. આથી પર્સનલ વાતો થવી શક્ય હતી.
“શું છે પણ એલા ? આવી છોકરી હોય ? આમાં તું કે હું કોઈ છોકરીની સામે નથી જોતો, આમાં કેમ જોવું મારે? હવે આવી છોકરી સપનામાં આવે તો પણ મને બીક લાગે કે કદાચ મારાથી કઈક ભૂલ થશે તો પણ ક્યાંક જાપટ મારી લેશે. છોકરી નહીં પણ કોઈ ગર્લ્સ હોસ્ટેલની મેડમ હોય એવો ચહેરો છે આ દિયાનો.“, મેં પ્રતિકને કાવ્યાને જોઈને તેનું દિયા તરીકે વર્ણન કરતાં કહ્યું.
“હશે ભાઈ તું કે એમ. આમ પણ તારી સાથે માથાકૂટ કરીને ફાયદો નથી. તારે લેખક બનવું છે અને પાછું એન્જિનિયર પણ. અમે તારી જેમ મલ્ટીટેલેંટેડ નથી. આથી જે મળે એમાં આનંદ લેવાનો થાય. અમે તારી આટલી જ સેવા કરી શકીએ બાકીની સેવાઓ માટે તો ભાઈ ‘જે ભોલેનાથ’ હો હવે મને નો કેતો“, પ્રતિકે સાવ અર્થ અનર્થ વગરનો એન્જિનિયર અને લેખક જેવા ભારે ભરખમ શબ્દનો ઉપયોગ કરતો સંવાદ મને ફટકાર્યો.
“એક મિનિટ હવે આમાં મારા લેખક અને એન્જિનિયર બનવાને આ દિયાવાળી વાત સાથે શું સંબંધ ? હું જાણી શકું?“, મેં પ્રતિકને મને તેની વાતમાં કઈ જ ના સમજતા પૂછ્યું.
“તું રેવા દે ને ભાઈ તું સાચો બસ મૂક ને (બેલ પડતાં) જો રિસેસ પણ પૂરો થઈ ગ્યો. સારું હાલ પછી વાત કરીએ“, પ્રતિકે જેમ તેમ કરીને પોતાની વાત ઉડાવતા આંખો મિચતા મિચતા હવામાં હાથ જોડતા કહ્યું. ત્યારબાદ તે પોતાની જગ્યાએ અને હું મારી જગ્યાએ જઈને બેસી ગયો.
*****
(થોડા દિવસ પછી)
દિયા સ્કૂલેથી ઘરે આવી અને જોયું તો ઘરની બહાર ઘરે કોઈ આવ્યું હોય એમ એક સફેદ કાર પડી હતી. દિયાને પણ આશ્ચર્ય થયું. કારણ કે ક્યારેય આવી કાર તો ભાગ્યે જ જોવા મળે. એવામાં દિયાનું ધ્યાન કારની પાછળની તરફ લખેલા અક્ષરો પર પડ્યું જેમાં લખ્યું હતું JOSHI’S અને તે તરત જ કારને ઓળખી ગઈ. કારણ કે આ કાર પોતાના કાકાની હતી. દિયા ખુશ થઈ કે તેના સગા કાકા અમદાવાદથી તેના ઘરે આવ્યા હતા. દિયા અંદર આવી તો તેના મમ્મી અને કાકી રસોડામાં પૂરી તળી રહ્યા હતા અને ઘરના બધા પુરુષો જેમ કે કાકા, પપ્પા હોલમાં બેઠા હતા અને ભાઈ માધવ અને તેના કાકાનો દીકરો રાજન પોતાના પિતાના મોબાઇલમાં ગેમ્સ રમી રહ્યા હતા. દિયાએ પોતાના શુઝ ઘરની બહાર રહેલા ‘શુ-હાઉસ’ માં ઉતાર્યા અને ત્યારબાદ તરત જ ઘરમાં જઈને પોતાના કાકીને પાછળથી બથ ભરી લીધી.
“શું વાત છે કાકી ઓચિંતાના આજે ઘરે તમે અને કાકા વાહ!“, કડાઈમાં ઉકળી રહેલા તેલના પરપોટા સાથે ફૂલીને બની રહેલી ગરમા ગરમ પુરીનું બટકું ચાખતા દિયાએ તેના કાકીને કહ્યું.
“તારા પપ્પા અને કાકા માધવ અને રાજનની જનોઈનું નક્કી કરે છે એટલે કાકી અને કાકાને અચાનક અમદાવાદથી તેડાવ્યા છે.“, દિયાના મમ્મીએ દિયાને તેના કાકા કાકીના આવવાનું કારણ જણાવતા કહ્યું.
“જનોઈ? ક્યારે નક્કી કર્યું?“, દિયાએ તેના મમ્મીને જનોઈની તારીખ પૂછતાં કહ્યું.
“એ તો તારા પપ્પાને પૂછી લે કારણ કે તારા પપ્પા અને કાકાએ જ બધુ નક્કી કર્યું છે.“, દિયાના મમ્મીએ દિયાને કહ્યું.
“ઓકે ચાલો હું એમને જ પૂછી લવ છું“, દિયાએ પોતાના પિતા પાસે જતાં જતાં જવાબ આપ્યો.
“કેમ છો કાકા? મજામાં?“, ડ્રોઈંગરૂમમાં આવતાની સાથે જ દિયાએ અમદાવાદથી આવતા તેના કાકાને પૂછ્યું.
“હા, બેટા એકદમ મજામાં તું ક્યારે આવી સ્કૂલેથી?“, દિયાના કાકાએ દિયાને પૂછ્યું.
“હા, એક્ઝામ આવી રહી છે તો તેની તૈયારીઓ ચાલે છે. હા, મહુર્ત પ્રમાણે ક્યારની તારીખ આવી છે જનોઈની?“, દિયાએ તેના કાકાને એક્ઝામ વિશે વાત કરીને જનોઈની તારીખ વિશે પૂછતાં કહ્યું.
“24 25 તારીખનું તારા પપ્પા નક્કી કરે છે. કારણ કે આના સિવાય બીજી કોઈ તારીખે મહુર્ત સારું નથી આવતું અને પછી દૂર દૂર સુધી એક પણ તારીખે સારા મહુર્ત નથી આવતા એવું છે.“, દિયાના કાકાએ જનોઈ વિશે વાત કરતાં કહ્યું.
“પણ કાકા, મારે 25 સુધી તો એક્ઝામ છે તો એક્ઝામ તો સ્કીપ નહીં થાય તો શું મારે રોજ પરીક્ષા આપવા સ્પેશિયલ સ્કૂલે જવું પડશે ? ઓહ શીટ પપ્પા આમ ના કરાય.“, દિયાએ તેના પપ્પાને પરીક્ષાની તારીખ વખતે જનોઈની તારીખ આવતા પડતી મુશ્કેલી વિશે કહ્યું.
“બેટા, એમાં એવું છે કે પછી કોઈ મહુર્ત સારા નથી આવતા, આ માટે 24 25 તારીખનું જનોઈનું આયોજન કરેલું છે. હા, અને આમ પણ તારું કોઈ ખાસ કામ નહીં હોય તને મૂકવા પણ ગાડી આવશે અને તેડવા પણ. અમે તારા માટે ખાસ કોઈને કહી દેશું તારા તેડવા મૂકવા માટે. તારે પરીક્ષા આપવા જવાની પ્રિલિમ્સ છે તો માર્કસ ગમે તેટલા આવે કોઈ ચિંતા જેવુ નથી. તું નિશ્ચિંત થઈને એક્ઝામ આપ. બસ, જનોઈ એન્જોય કરજે. હેપ્પી ? નાવ ગીવ મી સ્માઇલ.“, દિયાના પિતાએ દિયાને જનોઈ વિશે વાત કરતાં કહ્યું અને તેના પિતાના કહેતા જ દિયાએ એકદમ લાઇટ સ્માઇલ પણ આપી.
દીકરી અને પિતાનો સંબંધ ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. આપણે ત્યાં તમે કોઈ પણ કુટુંબમાં જોવા જશો તો તમને આ સંબંધ વચ્ચેનો પ્રેમ તમને જોવા મળશે. હંમેશા પિતાને દીકરા કરતાં દીકરી જ વધુ વ્હાલી હોય છે. મારે કોઈ સગી બેન નથી પણ હા, કઝીન બહેનો છે તો મને પ્રેમ એમની પાસેથી પણ મળી રહે છે. વ્હાલ અને વાત્સલ્યની પ્રેરણા મુર્તિ એટલે દીકરી. દિયા આવી દીકરીઓમાંથી જ એક હતી. પિતાની લાડલી. ફાઇનલી એક્ઝામ અને જનોઈ સાથે રાખવામા આવી હતી. દરરોજ દિયા સ્કૂલેથી આવે તો ઘરમાં બસ જનોઈની જ વાતો ચાલતી. એક્ઝામ પર પણ ભણવાનો કે પ્રસંગનો કોઈ સરખો સ્વાદ રહ્યો નહીં. પરિણામે જનોઈ અને પ્રિલિમ એક્ઝામ બંને પૂરું તો થઈ ગયું પણ હવે એક દિવસ સ્કૂલમાં...
“દિયા, એક ક્વેસ્ચન પૂછું તને આદિત્ય કેવો લાગ્યો?“, આરતીએ દિયાને પૂછ્યું.
“સારો છે. હેન્ડસમ છે. રૂપાળો પણ છે. મારી જેમ બ્રાહ્મણ પણ છે. પણ તું આવું કેમ પૂછે છે?“, દિયાએ આરતીને આદિત્ય વિશે પ્રશ્ન પૂછવાનું કારણ પૂછ્યું.
“અરે હું જસ્ટ ચેક કરતી હતી કે તને કોઈ ગમે છે કે નહીં એમ?“, આરતીએ થોડા તોફાની અંદાજમાં દિયાને કહ્યું.
“એક્ચ્યુયલી આઈ હેવ ક્રશ ઓલરેડી“, દિયાએ પોતાના પ્રેમ વિશે વાત કરતાં કહ્યું.
“વોટ ?? કોણ છે ?? કે ને મને, આપણી સ્કૂલમાં જ છે કે બીજી સ્કૂલમાં છે?“, આરતીએ તરત જ ઉત્સુકતાથી પૂછ્યું.
“એમાં એવું છે કે હું અમદાવાદ ગઈ તી, મારા કાકાના ઘરે માધવની જનોઈ પછી તરત જ વેકેશનમાં, અમદાવાદમાં આપણી જેમ નથી ત્યાં સોસાયટીઓમાં મકાન સામે સામે હોય છે. તો મારા કાકાના ઘરની સામે એ છોકરનું મકાન છે. મને એનું નામ નથી ખબર પણ મને એ છોકરો બહુ ગમે છે. તેની જ્ઞાતિ શું છે? કઈ જ નથી ખબર. બસ મારા કાકા પાસે તો શું પાડોશી હોવાના કારણે તેના ઘરના લેંડલાઇન નંબર હતા. તે પણ મારી જેવડો જ છે. અમારી લવસ્ટોરીમાં ફન ફેક્ટર એટલું જ છે કે દરરોજ સવારે તેના મમ્મી પપ્પા તો ઓફિસ જતાં રહે છે અને તેની સ્કૂલનો ટાઈમ અગિયાર વાગ્યાનો હોય તો તે પહેલા ઘરમાં પોતે એકલો એકલો ઘરમાં ડાન્સ કરતો હોય અને અમારે ત્યાંથી બધુ જ ક્લિયર કટ દેખાતું હોય. બસ, જેવો તેનો ડાન્સ શરૂ થાય અને થોડો જોશમાં આવે કે તરત જ હું કોલ કરું એટલે તે હોમ થિયેટર સિસ્ટમ પુશ કરીને કોલ રિસીવ કરવા આવે ફોન પાસે પહોંચે એટલે તરત જ હું કટ કરી નાખું છું. એક વખત મારે તેનો અવાજ સાંભળવાની દિલથી ઈચ્છા હતી. મેં કોલ કર્યો, બિચારાએ રિસીવ પણ કર્યો અને હું? કઇં જ ના બોલી શકી.”, દિયાએ આરતીને કહ્યું અને પછી તેમની વચ્ચે નીરવ શાંતિ છવાઈ ગઈ.
મિત્રો, આ જે ફિલિંગ્સ છે ને આનું નામ જ ‘સ્પીચલેસ વર્ડ્સ’ છે. તમારે બોલવું છે. તમારે કોઈકને તમારા દિલની વાત શેર કરવી છે. પરંતુ બરાબર સમયે તમારું હ્રદય ખૂબ જ ગતિથી ધબકવા લાગે છે, હાથ પગ ધ્રૂજવા લાગે છે. હવે, શું આ અમદાવાદ રહેતો છોકરો દિયાની લવસ્ટોરીનું એક પાત્ર બનશે ? આદિત્ય અને દિયા ક્યારે મળશે ? હેત્વીનું કમબેક ક્યારે થશે ? આ બધા પ્રશ્નોના જવાબ માટે આવતા પ્રકરણમાં ફરી મળીશું, ત્યાં સુધી આવજો.