Prem.. Prem.. Prem.. in Gujarati Magazine by Gopali Buch books and stories PDF | પ્રેમ....પ્રેમ....પ્રેમ !

Featured Books
Categories
Share

પ્રેમ....પ્રેમ....પ્રેમ !

પ્રેમ !

શબ્દ સાંભળતા જ મોગરાની માદક સુગંધ મનને તરબતર કરી જાય અને ગુલાબના મખમલી સ્પર્શનો અહેસાસ રોમરોમમા જંકૃત થવા લાગે.મન જાણે લીલીછમ કૂંજગલીમા લટાર મારવા નીકળી પડે અને લાલ,પીળા,કેસરી ગુલમહોરનો ગુલમહોરી અહેસાસ સમગ્ર અસ્તિત્વને પ્રકૃતિ સાથે ઓતપ્રોત કરી નાખે.હા,એ જ પ્રેમ.

યાદ આવે કૃષ્ણનુ મોરપિચ્છ, અધર ધરેલી,વિંધાઈને પોલી થઈ ચુકેલી સૂરમયી વાંસળી,યમુનાનો કાંઠો અને વાસંતી વનરાઈઓમા ઘેલી થઈ કાન્હા માટે દોડતી બહાવરી રાધા.

યાદ આવે અંતિમપ્રયાણે પણ મનોમન રાધા વિરહમા ઘૂટાતા,વેદનાના વલોપાત વચ્ચે વહાલી રાધિકાની વિદાય માંગતા કૃષ્ણ. અને વલોવાઈ જતી વેદના સાથે કૃષ્ણને મનોમન અંતિમપ્રયાણની અનુમતી આપતી પ્રેમમૂર્તિ રાધા.

પ્રેમ ચાહે શેક્સપિયરના રોમિયો-જૂલિયેટ કરે કે કાલિદાસના દુષ્યંત-શકુંતલા.ચાહે લૈલા-મજનુનો પ્રેમ હોય કે પછી ગલીના કોઈ એક ખુણે દુપટ્ટામા ચહેરો સંતાડતી ,પ્રેમીના આગમનની રાહ જોતી આજની આધુનિક નવયૌવનાનો હોય.પ્રેમની અનુભૂતિ સાર્વજનિક હોય છે.

પ્રેમ પ્લેટૉનિક પણ હોઈ શકે.બસ કોઈ એક પાત્રને દિવ્યતાની હદ સુધી ચાહવું ,કે ઈરોટીક પણ હોય.લોહીઝાણ થઈને,તુટીને ચાહવું,જનુનથી ચાહવુ અને એના માટે સ્વયંને અતિક્રમી જઈને પોતાના પ્રેમ માટે કશુ પણ કરી જવું. એ પણ પ્રેમ જ તો છે.

આજના ટૅક્નોસેવી યુગમા વૉટ્સ અપ કે ફૅસબુકમા પ્રિયપાત્રનો મેસેજ બ્લિન્ક થતાં જ આંખમા ચમક આવે,ચહેરા ઉપર મુસ્કાન આવીને ગોઠવાઈ જાય અને વારંવાર કાન અને આંખ મોબાઈલ તરફ દોડી જાય,કોઈ સ્પેશિયલ સેટ કરેલી મોબાઈલ ટ્યુનનો અવાજ કાનથી લઈને સમગ્ર ચેતાતંત્રને ધમરોળી નાખે ,જંજોડી નાખે એ પણ પ્રેમ જ છે .

બળબળતી બપોરે પ્રિયજનની યાદ આંધીની જેમ ઘેરી વળે અને કાલિદાસ રચિત મેઘદુતમ ના યક્ષની જેમ મન વ્યાકુળ બને, આસપાસ યાદોના કાળા ડિબાંગ વાદળ રચાય ,ભરઊનાળે અષાઢી અનુભવ થાય અને મન આપ્તજન સુધી પહોચવા અધીરું થાય એ પ્રેમ નથી તો શું છે ?

કોઈની યાદ માત્રથી મન કેસૂડે ભિંજાય એ પ્રેમ છે.ગુલાલની છોળૉ વચ્ચે કોઈ ગમતીલો ચહેરો દેખાય એ પ્રેમ છે. ભીડમા પણ કોઈ એકનજરે ઓળખાઈ જાય એ પ્રેમ છે.

પ્રેમના સંદર્ભ જુદા હોઈ શકે ,પ્રેમની અનુભૂતિ એક સરખી જ હોય છે. અફાટ ખારા રણમા પ્રેમ મીઠી વિરડીની શિતળતા આપે છે.પ્રેમની એક આગવી ભાષા છે.મૌન અભિવ્યક્તિ છે.આંખો દ્વારા હ્રદય સુધી વિસ્તરતા ભાવનુ એક અલાયદુ વૈશ્વિક સૌદર્ય છે.

પ્રેમ - બ્રહ્માંડનુ સર્જન થયુ ત્યારથી અનુભવાતો શબ્દ.વિસ્તૃત અર્થમા વ્યાપક શબ્દ.અનંત, અવિચળ,અખિલેશ,એકત્વ એટલે પ્રેમત્વ.પ્રેમના પ્રકાર જુદા હોઈ શકે,અભિવ્યક્તિ અલગ હોઈ શકે,પણ, પ્રેમ ક્યારેય અલગ ન હોઈ શકે.હોય પણ ક્યાંથી ?પ્રેમ એટલે જ ઐક્યભાવ.ચાહે પ્લેટોનીક ,ચાહે ઈરોટીક....પ્રેમ વર્તમાનમા જીવે છે માટે વર્તમાનને માણી લેવો.એમા કશુ જ ખોટું નથી.કશુ અસભ્ય કે અસાંસ્કૃતિક નથી.

પ્રેમત્વ-કામત્વની વાતો ભારતિય સંસ્કૃતિમા આજે ભલે ગમે તે ફલક પર ચર્ચાતી હોય ,પણ,આપણી જ સંસ્કૃતિમા કામદેવના કામબાણથી વિવશ થતા શિવજી છે અને મેનકાથી તપભંગ થતા વિશ્વામિત્ર છે.વસંતથી વિંધાઈને મૃત્યું સન્મુખ થતા પાંડુરાજા પણ છે.વસંતનો જાદુ કોઈને પણ છોડતો નથી.પૌરાણિક ભારતિય સાહિત્યમા શૃંગારપ્રચુર,કામપ્રચુર વર્ણનો છે તો સ્થાપત્યમા પણ ભરપુર શૃંગારરસ વૈવિધ્ય જોવા મળે છે.

હા,સમયાંતરે જે ફેરફાર આવ્યા એ સ્વીકાર્ય કે દેહ લાલિત્યનુ દેહ પ્રદર્શનમા રુપાંતર થયું,શૃંગારરસ બીભત્સરસમા ફેરવાયો.ઠીક છે.એ ક્યારે અને કેમ થયું એની મથામણમા નહી ઊતરીએ.પણ હા,વાત જ્યારે પ્રેમની જ છે તો વસંતની સાથે થોડી વાતો વેલેન્ટાઈનની પણ કરીએ તો ખોટુ નથી.જે રીતે આપણી સંસ્કૃતિમા પ્રેમ તત્વ સવિષેશ મહત્વ ધરાવે છે એવી જ રીતે પશ્ચીમી દેશો પણ પ્રેમત્વ ઉજવે છે.હા,ઊજવણીની રીત અલગ હોઈ શકે,પણ વિષય તો એક જ છે !

પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રેમદીન એટલે વૅલૅન્ટાઈન ડૅ-૧૪ ફેબ્રુઆરી- ત્યાં એક પારંપારિક દિવસ તરીકે ઊજવાય છે.જે દિવસે પ્રેમ કરનારા લોકો પોતે જેને ચાહે છે એનો સ્વીકાર કરે છે.અને પ્રેમ જેવી કોમળ લાગણી અભિવ્યક્ત કરવા ફુલ્,ચોકલેટ,કાર્ડ કે કોઈ ગિફટનો સહારો લેછે.આમતો ખ્રિસ્તી ધર્મમા શહિદ થયેલા સંત વૅલૅન્ટાઈનના નામ પરથી વૅલૅન્ટાઈન ડે તરીકે પ્રચલીત છે.

પ્રેમનો ઈકરારી દિવસ.આપણી વસંતપંચમીની જેમ જ કદાચ. આપણે તો એક દિવસ નહી આખેઆખી વસંત ઊજવીએ છીએ .મને ક્યારેક થાય કે શુ વાંધો જો આપણે પણ આ એક વધારાનો દિવસ ઉજવીએ તો ? એક દિવસનો છોછ શા માટે ?પ્રેમદિવસ ઊજવવામા વળી પૂર્વ શું કે પશ્ચિમ શું ?પાડોશીના ઘરમા શીરાની સુગંધ આવે તો પણ આપણી દાઢ સળકે છે તો આ તો આખેઆખા પ્રેમના ધબકારાં જીલવાની વાત છે.છપ્પનની છાતી જોઇએ એના માટે.એક હાથમાથી બીજા હાથમા ફુલ આપી દીધાં જેટલું સરળ નથી.અને હા,આપણે

આ દિવસ જો ઊજવી નાખીએ તો આપણે પશ્ચિમી સંસ્કૃતિ નથી અપનાવતા.આતો આપણી જ સંસ્કૃતિએ જગતને આપેલું વરદાન છે.

એક વાત સાચી કે પ્રેમમા જે ઠહેરાવ,ઊંડાણ,ધીરજ,સ્થીરતા જોઈએ. એને આસપાસની હવામાથી જુદા તારવી શ્વાસમા ખેંચી લેવાની આવડત કદાચ આજની ચોયણી જેવા જીન્સ,બાવડાં દેખાય એવા ટુંકા ટીશર્ટ વીથ સ્પાઈસ કટ હેરવાળી પેઢીમા ન હોય એવું બને.એમની આછકલાઈ કદાચ રાજકારણી રમતોમા માહિર ટોળકીઓને વિરોધનો વિષય પુરો પાડી શકે એમ બનતુ હોય.પણ એટલે થોડા ઉગી નીકળેલા બાવળ માટે કાંઈ આખેઆખો લીલોતરો મોલ વાઢી ન લેવાય.

પ્રેમમા જરુર છે સમજદારીની,ધિરજની,પરસ્પરના વિશ્વાસની,સમયની,પોતાના પ્રેમને ભરપુર ચાહવાની.પ્રિયજનને એ અહેસાસ કરાવવો જરુરી છે કે ,

"અહેસાસે મુહોબતકે લીએ બસ ઇતના હી કાફી હે,

તેરે બગૈર ભી હમ તેરે હી રહેતે હે...." (અજ્ઞાત)

વૅલૅન્ટાઈન ડૅ હોય કે વસંત,વૉટ્સઍપમા આવતો કોઈ મેસેજ નથી કે ગમ્યો તો સેવ કર્યો અને ન ગમે તો ફોરવર્ડ કર્યો કે ડીલિટ કર્યો.આતો ઈશ્કની ઈબાદત છે.ઈશ્વરના આશિર્વાદ છે.હ્રદયમાથી ઝરતો ધગધગતો લાવા છે જે કોઈ પ્રેમી /પ્રેમિકાની નજરના અમી ઝરણે ઉકળતો હોવા છતા ટાઢક બક્ષે છે. ખુશનસીબ હે વો જીનકો હે મીલી યે બહાર જીંદગીમે..

અને એટલે જ જેને પ્રેમ કરીએ એને ખુલ્લા મને,મોકળા મને,દિલ ફાડીને ,કચકચાવીને કહી દેવુ કે, "હું તને ચાહું છુ,પ્રેમ કરુ છુ તને.અને એ કહેવા મને સમય ,સ્થળ કે સરહદના કોઈ સિમાડા નડતા નથી".

એકવાર કોઈકને દિલ ખોલીને ચાહી તો જુવો,પછી જુવો જીવનનો મિજાજ,જીવતરની ખુમારી !કોઈનો પ્રેમ આપણને આપણા હોવાપણાનો અહેસાસ કરાવે છે.હું જીવંત છુ એ અનુભવ કરાવે છે.જીવવુ અને જીવંત હોવુ એ બન્ને વચ્ચે ફરક છે મિત્રો.

પ્રેમની તિવ્રતા ભલભલા ભડવીરોને પણ શ્રીફળી મૃદુતા આપી જાય છે.પ્રેમમા વહી જવુ,સાનભાન ભુલી જવુ કે પ્રિયતમને સમપિત ભાવે ચાહવા એ બહુ જ સહજ છે .

કવિ શોભિત દેસાઈ કહે છે,

"તું અચાનક ફૂલને સ્પર્શે અને એક આખા શહેર પર રેશમ પડે,

હું કોઈ શમણુ અવ્યવહારું બનુ ને તને પણ રાત આખી કમ પડે."

સપનાની મુલાકાતમા પન અવ્યવહારુ થઈ વહી જવાની વાતમા જરા પણ અતિશયોક્તી નથી લાગતી.પ્રેમનો અહેસાસ જ એવો ફુલગુલાબી છે કે સમયનો માપદંડ હમેશાં ટુંકો જ પડે.

પ્રેમ અખિલ બ્ર્હમાંડનુ અમાપ-ગૂઢ તત્વ છે ,હદથી અનહદ તરફની ગતિ છે. કવિ હરીન્દ્ર દવે લખે છે ,"અનહદમા રહીને પ્રેમને ઉચ્ચારતો કરો,દાવો કરો છો શેનો આ હદમા સમાઈને."

પ્રેમ નામે શબ્દથી જેને છોછ ઉત્પન્ન થાય છે તેમને માટે પ્રણયોર્મી કાવયોના પ્રણેતા રમેશ પારેખનો એક શેર યાદ કરવા જેવો

,"શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ ઉજ્જડ રહી ગયું કોને ખબર?"

આ ક્યાક સ્પેશ્યલી ફોર મી જ હતો એવી વસમી વેદનાનો અહેસાસ ન થાય માટે જ પ્રેમ નામે એક અવસર વધાવી લેવો.

"મે પી આયા,મે પી આયા ,મે પી આયા,મે પ્રેમકા પ્યાલા પી આયા"કેટલી લિજ્જત ભરી છે આ કબુલાતમા !પ્રેમ ઐક્ય આપે છે,હ્રદય ગણગણે છે,અને પ્રેમ પ્યાલો પણ ઘોળાય ઘોળાય અને પ્રેમના નશામા એકરસ થાય છે.ત્યારે શબ્દો નીકળી જ જાય છે,

"મુજે તુજમે ઘોલ દે તો મેરે યાર બાત બન જાની".એકવાર આ પ્રેમરસ રગ રગમા વહેતો થાય પછી જીવતરમા બત્રીસ કોઠે દીવા જ દીવા છે.

જીવન આખુ "લહુ મુહ લગ ગયા....."જેવો સ્વાદ વળગેલો રહે છે.

પ્રેમનો એક અલગ જ વૈભવ છે .અલગ ખુમારી છે."વો નહી મેરા મગર ,ઉનસે મુહોબત હે તો હે,યે અગર રસ્મો રિવાજોસે બગાવત હે તો હે "દિપ્તી મિશ્રાના આ શેરમા પ્રણયની દિવાનગી વ્યક્ત થઈ છે.હદ બહારનો પ્રેમ,દિવાનગી તરફ લઈ જતો પ્રેમ,પ્રેમ માટે બધુ જ ફના કરવાની ભાવના પ્રેમને જીવનભર સદાબહાર રાખે છે.પ્રેમને ક્યારેય ઉમરનો કાટ લાગતો જ નથી.અને ભિતરનો ટહુકો કહી ઊઠે છે,

‘ તાઊમ્ર તુજ પર લુટાવી ચાહ્યો તને.

હતી હદ જે બધી વટાવી ચાહ્યો તને,”

પ્રેમનુ એક બીજુ પણ પાસુ છે- વિરહ-જુદાઈ-વિયોગ.અગ્નિ સમાન દાહક સ્વરુપ.પ્રિયજનના ભિતરને છિન્ન-ભિન્ન કરી નાખે,વિહવળ કરી નાખે.જુદા થવાની વાત જ હ્રદયમા ચણચણાટી ઉભી કરી જાય.માણસ આખે આખો ચિરાય જાય.ધોરી નસો ફાટી જવાની તીવ્રતમ વેદના આ વિયોગમા રહેલી છે.પણ ત્યા જ પ્રેમ પરિપક્વ થાય છે.ઘૂંટાય છે.

અંતે ઘૂંટાઈ ઘૂંટાઈને પ્રેમ દૈવત્વ તરફ ગતિ કરે છે.પ્રેમ સ્વયં શક્તિ સ્વરુપ થઈ જાય છે.ત્યારે પ્રેમ શિવશક્તિ સ્વરુપ ધારણ કરે છે અને પ્રેમી અર્ધનારીનટેશ્વર રુપને પામે છે.દેહ સ્વરુપથી પર થઈ પ્રેમ દેવસ્વરુપ તરફ પ્રયાણ કરે છે.અને એજ પ્રેમ સાફ્લ્ય છે.

ગોપાલી બુચ.

gopalibuch@gmail.com