Maa no potani dikari ne patra in Gujarati Letter by Asha Ashish Shah books and stories PDF | માં નો પોતાની દિકરી ને પત્ર

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

માં નો પોતાની દિકરી ને પત્ર

આશા આશિષ શાહ,

ભુજ – કચ્છ ૩૭૦૦૦૧

૭ મી એપ્રિલ, ૨૦૧૬

મારી વ્હાલી દીકરી,

ભુજ થી લિખિતન તારી મમ્માના જયશ્રીકૃષ્ણ વાંચજે. આ પત્ર મળશે ત્યારે તને નવાઈ તો જરૂર લાગશે કે, આજે જ્યારે વિડિયો કોલ અને વેબકેમની જબરજસ્ત સુવિધા છે જેના દ્વારા તમે સામે બેસીને વાતો કરી રહ્યા હોય એવું લાગે એવા આધુનિક અને યાંત્રિક યુગમાં મારી મમ્મા મને પત્ર લખી રહી છે..??? પણ….. દીકરા, ક્યારેક જે વાત કહેવા માટે શબ્દોને જીવ્હા સાથે સંતાકૂકડી રમવી પડે છે એ વાત, એ લાગણી આપણે પત્ર દ્વારા સુપેરે આલેખી શકીએ છીએ. જે વાત માટે હૈયાથી હોઠ સુધીનું અંતર કાપવું અઘરું પડી જાય છે એ વાત લાગણી નીતરતાં અક્ષરો દ્વારા ઝડપથી કહેવાઈ જાય છે. એટલે જ આજે મેં મારા મનની લાગણીઓને તારી સમક્ષ મૂકવા માટે પત્રનો સધિયારો લીધો છે.

દીક્કુ, તને તો યાદ જ હશે કે, ઘરનાં વડીલ સભ્યોના વિરોધના વંટોળ વચ્ચે પણ મેં અને તારા પપ્પાએ અડગ રહીને તને બે મહિના પહેલા ઉચ્ચશિક્ષણ માટે આપણાં ઘર અને શહેરથી દૂર હૉસ્ટેલમાં રહીને ભણવા મોકલાવી. બારમાં ધોરણ સુધીના અભ્યાસમાં હમેંશા અવ્વલ આવનારી મારી લાડકડીને પૂરા જોમ અને જુસ્સા સાથે પ્રગતિનો પંથ કાપવા હ્રદય ઉપર પથ્થર મૂકીને પહેલી વાર મારાથી અડગી કરી છે ત્યારે ભીંત ફાડીને ઊગી નીકળતા પીપળાની જેમ મારા ભાવવિશ્વમાં આજે યાદો ઊગી નીકળી છે.

બેટા, તારો જન્મ એ મારા માટે પણ બીજા જન્મ સમાન જ તો હતો. તને પામીને જ તો હું પૂર્ણ સ્ત્રીત્વને પામી શકી. તારા જન્મનો પ્રસંગ આજે પણ મારા મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોને લઈ આવે છે અને અશ્રુથી ધૂંધળી બનેલી મારી આંખોમાં સત્તર વર્ષ પહેલાનું એ દ્રશ્ય તરવરી ઉઠેછે. નવજાત, ગોરી-ગોરી નાનકડી ઢીંગલી, મારા હાડ-માંસમાંથી જ સિંચાયેલ મારો પોતાનો જ અંશ... નવ-નવ મહિનાથી તારા આગમનની કરેલી કલ્પના, તારા પ્રથમ સ્પર્શ સાથે મારા હ્રદયમાં ઊર્મિઓના પ્રચંડ પૂરને છલકાવતી ગઈ અને વીસ વર્ષની મુગ્ધાને ‘મમ્મા’ નો દરજ્જો આપતી ગઈ.

દીકરા, આશાની ઊજળી કિનાર સાથે હું જે ભાવવિશ્ર્વમાં વિહરી રહી હતી ત્યાં આજે પણ અગણિત દ્રશ્યો ઊર્મિઓના મોજા પર સવાર થઈને યાદો બનીને મારા મનોઆકાશમાં ચમકી રહ્યાં છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે... જાણ્યાં છે... અનુભવ્યા છે... તને પહેલી વાર સ્તનપાન કરાવતી વખતે તારી નાજૂક આંગળીઓ અને તારા ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ, એ રોમાંચ, તારો પહેલો ફૂટેલો દાંત, તારું ભરાયેલું પહેલું ડગલું, તારા મુખેથી બોલાયેલો પહેલો શબ્દ, તારી શાળાનો પ્રથમ દિવસ, તારું હાસ્ય, તારું રૂદન, તારી કાલીઘેલી ભાષા… આજે પણ મારા શ્વાસે શ્વાસમાં જીવંત બનીને ધડકી રહ્યાં છે.

બેટા, અત્યાર સુધી તું તારા પપ્પાના છત્ર અને મારા પાલવની છાયામાં જ રહેવા ટેવાયેલી હતી. ઘરની અંદર તું દરેકે દરેક સભ્યના સ્વભાવ અને ગમા-અણગમાથી પૂર્ણતા પરિચિત હતી. પણ હવે તારે એક અજાણી જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ સાથે રહેવાનું છે, નવા સંબધો વિકસાવવાના છે. પરંતુ... અહીં એ યાદ રાખવું ઘટે કે, અત્યારે તું તારા જીવનના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છો, અને એ છે... બાળપણ અને યુવાની વચ્ચેની સેતુ સમાન અવસ્થા એટલે ‘કિશોરાવસ્થા’ અથવા ‘ટીનએજ’. જીવનની આ અવસ્થા દરમ્યાન વ્યક્તિનું મન હરહમેંશ કંઈક નવું પામવાની જિજ્ઞાસા સેવતું રહે છે અને એ જિજ્ઞાસા, એ કુતુહલતા સંતોષવા માટે કયારેક ન કરવાનું કરી બેસતા હોય છે. નવા સંબધોની આંટીઘૂટીમાં પોતાની જાતને ખોઈ બેસતા હોય છે. દીક્કા, સંબંધો બાંધવા તો બહુ સહેલા હોય છે પણ એને નિભાવવા બહુ જ અઘરા હોય છે. સંબંધોનું સૌંદર્ય જળવાય તો જ ગુલમહોરની જેમ તે જીવનના તાપમાં અંતરને ઠંડક અર્પી શકે છે. અત્યાર સુધી તો તું અમારી સાથે હતી એટલે તેં તારા જીવનમાં ભરેલા દરેકે દરેક ડગલાની હું સાક્ષી રહી હતી પરંતુ હવે તું ત્યાં એકલી છો એટલે હું તને આટલું તો જરૂર કહીશ કે, હવે પછી તારા જીવનમાં આવનારા તમામે સંબંધોને ઓળખી એનું બરાબર મૂલ્ય સમજી તેને નિભાવતાં જરૂર શીખજે. પછી તે લોહીના સંબંધો હોય કે લાગણીના, મિત્રતાના સંબંધ હોય કે વિજાતીય આકર્ષણના... બેટા, દરેકે દરેક સંબંધની ગરિમા જાળવતાં જરૂર શીખજે.

મારી લાડલી, મેં અને તારા પપ્પાએ તો ક્યારેય તું દીકરીની જાત છો એટલે અમૂક વસ્તુ તારાથી થાય ને અમૂક ન થાય એવો ભેદભાવ નથી કર્યો. હર હમેંશ તને પુત્ર સમોવડી સમજીને તારા સ્વપ્નોને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે તને અત્યાર સુધીમાં તેં માંગેલું કે ઈચ્છેલું બધું જ મળ્યું છે પણ હવે તારા જીવનની ગાડીએ અલગ પાટા ઉપર દોડવાનું શરૂ કર્યુ છે એટલે બની શકે કે, શરૂ શરૂમાં તું જે ધાર એમાં તને ૧૦૦% સફળતા કદાચ ન પણ મળે, બની શકે કે તને કયારેક નિષ્ફળતાનો પણ સ્વાદ ચાખવો પડે પણ... દીકરી, પોતાની જાત ઉપર સંપૂર્ણ આત્મ વિશ્વાસ રાખીને જો તું આગળ વધીશ તો પરાજયને પણ વિજયમાં અવશ્ય પલટાવી શકીશ. કંઈક નવું શીખવાની ધગશ, ઉત્સાહ જ વ્યક્તિને આગળ લઈ આવે છે. પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખીને પોતાના અનુભવોને રચનાત્મક કાર્યમાં વાપરવાથી પોતાની જાતને દયામણી બનવાથી અચૂક બચાવી શકાય છે.

એવું પણ બની શકે કે, કદાચ તેં તારા મનોમસ્તિષ્કમાં અંકિત કરેલી સફળતા ન પણ મળે પરંતુ એનાથી હારી જઈને ક્યારેય જીવન નષ્ટ કરવાનું જેવું ખોટું પગલું ભરવાનો વિચાર સુધ્ધાં ન કરજે. ચડતી પડતી અને કસોટીઓ તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ રહે છે અને એમાંથી સાંગોપાંગ બહાર નીકળવું એ જ મોટી વાત છે. હતાશ વ્યક્તિના જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક તો હજારો નિરાશામાંથી પણ આશાનું એક કિરણ ચોક્કસ ઝબકે છે પરંતુ એના માટે જીવન હોવું પણ એટલું જ જરૂરી છે. સ્વજનો અને મિત્રો સામે પોતાના મનની વાત મૂકીને અને હતાશાને ખંખેરીને આગળ વધવામાં જ સમજદારી છે એ વાત હમેંશા યાદ રાખજે.

સમય અને સંજોગો કેટકેટલા પરિવર્તન લાવી દે છે નહિં...??? આજે એકવીસમી સદીમાં તમે લોકો બધી વાત જે નિખાલસતાથી કરી શકો છો તેવી વાત અમારા સમયમાં અમે કરી હોત તો અમને બેશરમનું બિરૂદ મળી જાત. ખેર, પરિવર્તન તો સંસારનો નિયમ છે અને એને અપનાવીને ચાલવામાં જ સાર છે અને તું અત્યારે જીવનના જે તબક્કામાંથી પસાર થઈ રહી છો એમાં હું તારી મમ્માની સાથે-સાથે તારી સારામાં સારી મિત્ર પણ બનવા માગું છું. અત્યાર સુધી તેં તારા જીવનમાં બનેલી તમામે તમામ સારી નરસી બાબતોને મારી સાથે વહેંચી છે એવી જ રીતે બકા!! આગળ પણ મને બેસ્ટ ફ્રેંડ બનાવીને તારા મનમાં ઉઠતાં તમામ સવાલો અને એના માટે તારા મગજમાં ઝબકેલા જવાબોને પણ મારી સાથે અવશ્ય ‘શેર’ કરજે.

જો દીકરા, મને ખબર છે કે, સ્પ્રિંગને જેટલી દબાવો એટલી વધુ ઉછળે એટલે હું તારી જાતને કોઈ એક કોચલામાં સંકોચાવાનું નથી કહેતી, તને તારી રીતે રહેવાની, જીવવાની, વિચારવાની અને આગળનું ભવિષ્ય પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અમે આપી જ છે પણ... બેટા સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે ફક્ત એક પાતળી ભેદરેખા જ આવેલી છે એટલે બંને વચ્ચેનું અંતર સમજદારી પૂર્વક જાળવી રાખવું પણ એટલું જ જરૂરી બને છે.

અને અંતમાં... બેટા, આવનારા આ પાંચેક વર્ષ દરમ્યાન તું અમારાથી દૂર રહીને પોતાનું નવજીવન શરૂ કરવા જઈ રહી છો ત્યારે તારા સૌ અરમાન પૂર્ણ થાય અને અનંતના આશિર્વાદ તારા ઉપર સદા વરસતા રહે અને તું હમેંશા ખીલતી રહે એવી અભ્યર્થના સહ,

તારી મમ્માનું વ્હાલ...