યુગ નથી બદલતો, યુગ પ્રત્યેની માનસિકતા બદલાય છે
ભારતીય કાલગણા અનુસાર સૃષ્ટીની ઉત્પતિથી વિનાશ સુધીના સમયને એક બમ્હ્યુગ(કલ્પ) તરીકે ઓળખવામાં આવે છે. સૃષ્ટિની ઉત્પતિ થયાને આશરે ૧, ૯૭, ૨૯, ૪૯, ૧૧૭ વર્ષ થયા હોવાનું મનાઈ રહ્યું છે. હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા અનુસાર (વૈદિક કે સનાતન ધર્મ મુજબ) સૃષ્ટિનો સમયગાળો ચાર યુગો ૧) સતયુગ, ૨)ત્રેતાયુગ, ૩)દ્વાપરયુગ અને ૪)કળિયુગમાં વહેચાયેલો છે.સતયુગમાં શિવ, ત્રેતાયુગમાં રામ, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ અને હવે કળિયુગમાં બુદ્ધ ભગવાન કેન્દ્ર સ્થાને રહેલ છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર સતયુગ એ પ્રથમ અને આદર્શ યુગ ગણાતો. આ યુગનો સમયગાળો ૧૭, ૨૮, ૦૦૦ વર્ષનો હતો. ધાર્મિક માન્યતા અનુસાર આ યુગનો માનવ પોતાના ચારે પુરુષાર્થ ૧)ધર્મ, ૨)અર્થ, ૩)કામ અને ૪)મોક્ષને સારી રીતે અનુસરી શકતો હતો. આ યુગમાં કોઈ જ પ્રકારના દુર્ગુણો ન હતા પરીણામે સ્ત્રી પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે અને સારી રીતે પાળી શકતા હતા.
સતયુગ પછીનો બીજો યુગ એટલે ત્રેતાયુગ. આ યુગનો સમયગાળો ૧૨, ૯૬, ૦૦૦ વર્ષનો હતો. આ યુગના લોકો ત્રણ પુરુષાર્થ ૧)ધર્મ, ૨)અર્થ અને ૩) કામમાં વધુ પ્રવુત રહેતા હતા. અહિ ચોથો પુરુષાર્થ મોક્ષનું મહત્વ અમુક અંશે ઘટી જાય છે.
દ્વાપરયુગ એ હિંદુ ધર્મ પ્રમાણે ચાર યુગોમાનો ત્રીજો યુગ છે. આ યુગનો સમયગાળો ૮, ૬૪, ૦૦૦ વર્ષનો હતો. આ યુગ ત્રેતાયુગ અને કળિયુગની વચ્ચે આવે છે. આ યુગમાં બે પુરુષાર્થ ૧)અર્થ અને ૨)સત્યમાં પ્રવૃત રહે છે. પણ અહી ધર્મનું મહત્વ થોડું ઘટી જાય છે. અને કામનું મહત્વ અમુક અંશે વધી જાય છે.
છેલ્લે આવે છે કળિયુગ. જે હાલ ચાલી રહ્યો છે. આ યુગનો સમયગાળો ૪, ૩૨, ૦૦૦ વર્ષનો મનાય છે. આ યુગમાં માણસ કામને જ સર્વસ્વ માને છે. પરિણામે અહી ધર્મ, અર્થ સત્ય અને મોક્ષની મહત્વતા ઘટી જાય છે.
સતયુગમાં દેવો અને દાનવો વચ્ચે લડાઈ હતી. ત્રેતાયુગમાં રામ અને રાવણ વચ્ચે લડાઈ હતી. દ્વાપરયુગમાં બે પરિવાર કૌરવો અને પાંડવો વચ્ચે લડાઈ હતી. જયારે આજે કળિયુગમાં માણસની લડાઈ માત્ર પોતાની જાત સાથેની, પોતાની ખામી સાથેની, પોતાના ભય સાથેની અને પોતાના અસ્તિત્વ સાથેની છે. સતયુગમાં યુગને આધીન માણસ હતો, જયારે આજે કળિયુગમાં માણસને આધીન યુગ છે.
પુરાણોમાં યુગો વિશે ઘણું લખાયેલ છે. મહર્ષિ વેદવ્યાસે શ્રીમદ ભાગવત પુરાણમાં કળીયુગના લક્ષણોનું વર્ણન આ મુજબ કર્યું છે –
વેદવ્યાસે લખ્યું છે કે કળિયુગમાં ધર્મ, સહનશીલતા, સત્ય, દયા, માનવીનું આયુષ્ય તથા શારીરિક અને માનસિક ક્ષમતા રોજબરોજ ઘટતી જશે. ફકતને ફક્ત ધનથી જ માણસનો મોભો જળવાય રહેશે અને તે જ વ્યક્તિ બુદ્ધિશાળી કે શક્તિશાળી ગણાશે. સ્ત્રી અને પુરુષ વચ્ચે માત્ર ‘કામ’ સંબંધ વધુ મહત્વનો રહેશે. લાગણીનો સંબંધ ગૌણ બની જાશે. માણસની જાતી તેના બાહ્ય દેખાવથી જ નક્કી થશે. જે અસત્ય ઉચ્ચારવામાં ચતુર હશે તે વિદ્વાન ગણાશે. જે બોલવામાં હોશિયાર અને ધનવાન હશે તે સર્વ જગ્યાએ પ્રગતિ કરી શકશે. ધર્મ અને સત્યનું આચરણ માત્રને માત્ર પ્રસિદ્ધિ મેળવવા કરાશે. પૃથ્વી સ્વાર્થી લોકોથી ઉભરાતી રહેશે. કળીયુગના અંતે માનવીનું આયુષ્ય સાવ અલ્પ જોવા મળશે.લોકો વૃદ્ધોનો ત્યાગ કરશે. અનાદર વધશે. પરિવારના લોકો નાની રકમ માટે અંદરો અંદર જગડશે. માટે લોહીના સંબંધોનો અંત આવશે. જે ધર્મના નિયમોને પાળવામાં સક્ષમ ન હોય તેવા પાખંડી ગુરુઓ ધર્મગુરુ બનશે. જે મનુષ્ય પાસે ધન નહિ હોય તેને સમાજ તરછોડસે. પછી ભલે તે વિદ્વાન અને સદાચારી કેમ ન હોય.....
ઉપરોક્ત તમામ લક્ષણો જો કળિયુગના છે તો શા માટે તેમાના અમુક લક્ષણો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં પણ જોવા મળે છે?
જેમકે કળિયુગમાં આપણે જેને ‘લવ મેરેજ’ કહીએ છીએ સતયુગમાં તેને ‘ગાંધર્વવિવાહ’ તરીકે ઓળખવામાં આવતા હતા. શકુંતલા અને દુષ્યંતના વિવાહ ગાંધર્વવિવાહ જ હતા. કળિયુગનો માનવી જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યા વિના લગ્ન કરે છે. તો શકુંતલા અને દુષ્યંતે પણ ક્યાં જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યો હતો?
કળિયુગમાં માણસ દારૂનું સેવન કરે છે તો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં પણ મદિરાપાન થતુ જ હતું. કળિયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષને હવસખોરો તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષોને દાનવ તરીકે ઓળખવામાં આવતા હતા. કળિયુગમાં દેહનો વ્યાપાર કરનાર સ્ત્રીને વૈશ્ય તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં તેને નર્તકી કે અપ્સરા તરીકે ઓળખવામાં આવતી હતી. રંભા, ઉર્વશી અને મેનકા જેવી અપ્સરાઓ તેના જ ઉદાહરણો છે. કળિયુગમાં કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય પોતાની પ્રથમ પ્રેમિકા સાથે માત્ર મિત્રતાનો સંબંધ રાખે તો પણ સમાજ તેને ખરાબ દ્રષ્ટિથી જોવે છે. જયારે ત્રેતાયુગમાં તો રાજા દશરથની ચાર પત્ની હતી તથા દ્વાપરયુગમાં કૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં તેનું નામ તો રાધા સાથે જ જોડાયેલ છે. પુરાણોમાં કૃષ્ણની કુલ ત્રણ પત્ની અને ૧૬૦૦ પટરાની હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. કળિયુગમાં પતિ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરે છે તો ત્રેતાયુગમાં પણ રામે સીતાના ચરિત્ર પર શંકા કરી હતી અને માટે જ સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. કળિયુગમાં પુરુષ પોતાની શારીરિક ભૂખની તૃપ્તિ માટે પ્રેમનું નાટક કરી સ્ત્રીના ચરિત્ર સાથે રમત રમે છે. સતયુગમાં પણ ઇન્દ્રએ વિશ્વામિત્રનું રૂપ લઇ અહલ્યાના ચરિત્ર સાથે રમત રમી હતી. કળિયુગમાં મિલકત અને સતાને લીધે જ પરિવારનો સંપ તૂટે છે તો ત્રેતાયુગમાં પણ સતાને લીધે જ રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. કળિયુગમાં ભાઈ પોતાના અંગત સ્વાર્થ ખાતર બહેનનો નિસ્વાર્થ પ્રેમ ભૂલી હંમેશને માટે બહેન સાથેનો સંબંધ તોડે છે તો દ્વાપરયુગમાં પણ કંસે પોતાના અંગત સ્વાર્થ ખાતર સગી બહેનના સંતાનોને જન્મતાની સાથે જ મારી નાખ્યા હતા. કળિયુગમાં કોઈ સ્ત્રી કુવારી જ માતા બને છે તો તે બદનામીના ડરથી પોતાના જ બાળકનો ત્યાગ કરે છે. તો સતયુગમાં મેનકાએ પણ વિશ્વામીત્રથી રહેલ ગર્ભને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હતો.
આ તો થઇ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં લખાયેલ વાતો.પણ આપણી દ્રષ્ટિએ સતયુગ અને કળિયુગની વ્યાખ્યા શું છે? સામાન્ય રીતે જ્યાં સત્ય, શીલ, સંસ્કાર, સહનશીલતા અને સંવેદના જેવા ગુણો જોવા મળે તેને સતયુગ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં અસત્ય, અધર્મ, અનાદર, અતિરેક જેવા અવગુણો જોવા મળતા હોય તેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. ટુકમાં જ્યાં ‘સત’ એ સતયુગ અને જ્યાં ‘કાળ’ એ કળયુગ. પરંતુ હકીકતમાં સતયુગમાં પણ કળિયુગના અમુક અવગુણો જોવા મળતા હતા અને આજે કળિયુગમાં પણ સતયુગના અમુક ગુણો જોવા મળે છે. તફાવત માત્ર એટલો જ છે કે આપણી અમુક પ્રકારની માનસિકતાને લીધે આપણે તેને જોઈ શકતા નથી. સતયુગ અને કળિયુગ પ્રત્યેની આવી ખોટી માનસિકતાને પ્રોત્સાહન આપવામાં મીડિયા સૌથી વધુ જવાબદાર છે. સમાજમાં જો કોઈ નાનો સરખો પણ ખરાબ બનાવ બને તો તેને ખુબ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. મહિનાઓ સુધી આ બનાવને મીડિયા જીવંત રાખે છે. પણ સારા બનાવને સંક્ષેપમાં બતાવે છે. પરિણામે માણસના મનમાં યુગો પ્રત્યેની ખોટી માનસિકતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. સમાજ પર હકારાત્મક બાબતોની અસર બહુ ઓછી થાય છે પણ નકારાત્મક બાબતોની અસર તો વાયુવેગે જ થાય છે. આમ છતાં મીડિયા સમાજને હકારાત્મક બાબતો દેખાડવાને બદલે નકારાત્મક બાબતો વધુ દેખાડે છે.
પાંડુરંગે વર્ષો પહેલા કળિયુગ અને સતયુગની વ્યાખ્યા આપી હતી કે સમાજમાં ૭૦% લોકો ટ્રેનના ડબ્બા જેવા છે. તે જાતે એક ડગલું પણ આગળ ચાલી શકતા નથી. બાકીના ૩૦% લોકો જ કસુક અલગ કરવાની ક્ષમતા ધરાવે છે. આમાંથી ૧૫% દેવ સમાન હોય છે અને બાકીના ૧૫% લોકો દાનવ જેવા હોય છે. જે સમયે સારા લોકો એકજુથ બને છે ત્યારે તેમની એક સામુહિક શક્તિ બને અને બાકીના ૭૦% લોકો તેમને અનુસરવા લાગે છે. આ સમયને સતયુગ ગણવો. અને જયારે સારા લોકો છુટાછવાયા થઇ જાય ત્યારે ખરાબ લોકો સ્વાભાવિક રીતે એકજુથ બની જાય છે અને બાકીના ૭૦% લોકો તેમને અનુસરે . આ સમય એટલે સતયુગ.
ખોટ તો એ છે કે આપણી માનસિકતા એટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે કે આપણે એવું જ માનવા લાગીયા છીએ કે આ કળિયુગમાં પવિત્રતા અને માનવતા રહી જ નથી. જે માણસ આપણને બહારથી પવિત્ર લાગે છે એ જ માણસ અંદરથી મલિન અને કપટી લાગે છે. આપણને ગ્રંથોમાં લખાયેલ હકારાત્મક બાબતો દેખાય છે પણ નકારાત્મક બાબતો દેખાતી જ નથી. પરંતુ એક વાત હમેશા યાદ રાખવી કે સિક્કાની બે બાજુ હોય છે.
હાલ ઘોર કળિયુગ નથી ચાલી રહ્યો પણ કળિયુગ પ્રત્યેની આપણી માનસિકતા ઘોર(જડ) બની ચુકી છે.
ધર્મિષ્ઠા પારેખ
૮૪૬૦૬૦૩૧૯૨