Shabdavkash - Ank - 5 in Gujarati Magazine by Shabdavkash books and stories PDF | શબ્દાવકાશ -અંક ૫

Featured Books
Categories
Share

શબ્દાવકાશ -અંક ૫

અનુક્રમણિકા

૧. તંત્રી સ્થાનેથી : અહા, વેકેશન..! : નિમિષ વોરા

૨. લેખ : સુખ વહેંચો દુઃખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ) : ભુપેન્દ્રસિંહ રાઓલ

૩. હરતાં ફરતાં: પ્રભુ-ભોજન [ખ્રિસ્તી રીતરીવાજ] :નીવારોઝીન રાજકુમાર

૪. કટાક્ષ-કથા : તોફાની બાળક : મુકુલ જાની.

૫. પત્રનો પટારો : પત્ર લખ્યો ભગવાનને : દિનેશ વેદ

૬. અવનવું : કહાં ગયે વો તેરહ દિન : અશ્વિન મજીઠીયા

૭. લલિત નિબંધ : કમળવન : હરીશ મહુવાકર

૮. પ્રાસંગિક : પુસ્તક પ્રેમ : જાહ્નવી અંતાણી.

૯. ધારાવાહિક વાર્તા : મિ. લોર્ડ [પ્રકરણ ૫] : ઈરફાન સાથિયા


આહા! વેકેશન

આહાહા, હજુ તો મે મહિનાની શરૂઆત છે અને એપ્રિલ અંતથી જ ગરમીનો પારો તેન્દુલકરની જેમ તેના આગલા બધા રેકોર્ડ તોડવા લાગ્યો છે. “શું ગરમી છે બોસ, આ વખતે તો ભુક્કા બોલાવી દીધા.” લગભગ દર ઉનાળે આપણે આપણા જ મુખે આ વાક્ય બોલીએ છીએ. પણ ઉનાળો પોતાનું કામ કરે જાય છે. હશે, ‘હાથનાં કર્યાં હૈયે વાગે’ જેવો ઘાટ છે, એટલે આપણે કુદરતને દોષ આપી શકીએ તેમ નથી તેથી જ કાકા સાહેબ કાલેલકરની જેમ આપણે પણ ઉનાળો અને ગરમીને પણ હસતા મુખે અપનાવ્યે જ છુટકો.

ઉનાળો કંઈ ફક્ત ગરમી જ લઈને થોડી આવે છે, એ બાળકોની સહુથી પ્રિય એવા વેકેશનને પણ લઈને આવે છે. જો કે આટલા મોટા ભારત દેશમાં વેકેશન પણ અલગ અલગ સમયે પડતું હોય છે, જેમકે આપણે અહી પશ્ચિમ ભારતમાં મે-જુનની આસાપાસ વેકેશન હોય છે તો કાશ્મીર બાજુ સમર વેકેશન માત્ર દસ દિવસનું હોય છે, અને ત્યા ઠંડીને લીધે ખુબ લાંબુ( ડીસેમ્બર મધ્યથી ફેબ્રુઅરી અંત સુધી) શિયાળુ વેકેશન હોય છે. તો દક્ષીણ ભારત જ્યાં સુરજ દાદા હમેશાં કોપાયમાન હોય છે ત્યાં છેક એપ્રિલ પહેલા અઠવાડિયાથી જુન મધ્ય સુધી વેકેશન હોય છે. હશે હવે, આપણે તો માત્ર ગુજરાત અને ગુજરાતના વેકેશનથી કામ.

હું ક્યારેય એવા કોઈ બાળકને મળ્યો નથી જેને ગરમીના કારણે રમવાનું મન ના હોય. બાળકો ગરમીપ્રૂફ હોય છે. આપણું બાળપણ યાદ કરો તો ખ્યાલ આવશે કે બપોરે ગમે તેટલા પહેરા ગોઠવ્યા હોય આપણે તો એ બધા ચક્રવ્યુહને ભેદીને ભરબપોરે મિત્રો જોડે રખડપટ્ટીએ નીકળી જ જતાં. પણ જયારે આપણે એક પેરેન્ટ્સના રોલમાં આવીએ એટલે આપણે પણ ચક્રવ્યૂહ ગોઠવવામાં લાગી જઈએ છીએ (જોકે બાળકો હજુ પણ એ ભેદી જ લે છે).

વેકેશનમાં સારામાં સારી જો કોઈ પ્રવૃત્તિ હોય તો કોઈ પણ હિલ સ્ટેશન પર રખડવા નીકળી પડવું.. યસ, રખડવા. બહુ મોંઘા પેકેજની ગોઠવણ કે જેટલી જગ્યા કુદરતે બનાવી છે એ બધું જોઈ લેવાની લાલસા છોડી માત્ર અને માત્ર નિજાનંદ ખાતર ભટકવું. જ્યાં મજા આવે ત્યાં ધૂણી ધખાવી આરામથી બેસી જવું જ્યાં મજા ના આવે ત્યાંથી એક પણ સેલ્ફી લીધા વિના નીકળી જવું (પ.પૂજ્ય દીપિકાદેવી એ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાનીમાં’ કહ્યું છે તેમ “જીતના ભી ટ્રાય કરલો લાઈફમેં કુછના કુછ તો છુટેગા હી, તો જહાં હૈ વહીં કા મઝા લેતે હૈ ના....”)

વેકેશનમાં ફરવા જવા વિષે તો અસંખ્ય પુસ્તકો લખાયેલા છે અને સહુ વાંચકો પણ જાણે છે કે ફરવું શા માટે જરૂરી છે. સાવ જ સરળ મુદ્દા લખીએ તો ફેમીલી સાથે ક્વોલીટી સમય વિતાવવા, પોતાના સતત બીઝી રહેલા સીડ્યુલમાંથી થોડો સમય કાઢી રિલેક્ષ થવા, પોતાના માટે સમય કાઢવા, યાદો તાજી કરવા અને નવી યાદો બનાવવા, પાર્ટનરને વધુને વધુ સમજવા (અરે લાઈફ પાર્ટનર જ હોય ને, બીઝનેસનો પાર્ટનર તો પહેલેથી જ સમજાયો હોય એ એટલો કોમ્પ્લીકેટેડ થોડી હોય), પ્રકૃતિ પાસે નવી નવી વસ્તુ જાણવા, વિવિધ પ્રદેશોનો ભૂગોળ, ઈતિહાસ સમજવા જેવા કેટલાય કારણો છે વેકેશનમાં સમય કાઢી ફરવા જવાના. તો આ વખતે તમે ક્યાં જશો ફરવા?

જો આપણું ખિસ્સું દર ઉનાળે વેકેશનમાં જવાની ના પાડે તો બાળકોના ફેવરીટ કાર્ટૂન કે મોબાઈલ ગેમ્સને છોડી તેમની સાથે બપોરના સમયે ઇન્ડોર-ગેમ્સ રમી શકાય, બાળકોની કે તમારી ઓલ ટાઇમ ફેવરીટ મુવીઝ જોઈ શકાય, તેની સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના ગતકડાં કરી શકાય (ભલેને આપણી બેસ્ટ વસ્તુ, વેસ્ટ બની જતી), ફ્રીઝમાંથી બરફના ગાંગડા લઇ તેને ક્રશ કરી શરબત નાખી બરફના ગોળા બનાવી શકાય.. કેટકેટલી પ્રવૃતિઓ છે. તમે થાકી જશો પણ છોકરાઓ નહિ થાકે.

અત્યારે જયારે હવે શિક્ષણ ખુબ મોંઘુ થયું છે, માતા-પિતા બંને પર કમાવવાની જવાબદારી આવી છે ત્યારે મોટાભાગના દંપતીએ માત્ર એક જ સંતાનની પોલીસી અપનાવી છે, આમ જોતાં તેમાં કંઈ જ ખોટું નથી ઉલટું દેશ અને આબાદી માટે પણ ઘણું સારું છે, પરંતુ જો માં બાપ પાસે સંતાનને આપવા માટે પુરતો સમય ના હોય તો એ બાળક ક્યારેક એકલવાયું બની જાય, તેને પ્રોબ્લેમ્સ કે ખુશી શેર કરતાં ના આવડે, હમેશા ગુમસુમ રહે, ચીડિયો થઇ જાય, ટીમ સ્પીરીટ ના વિકસે, વિગેરે જેવા કેટલાક પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થઇ શકે, તો આનો પણ રસ્તો છે. વેકેશનમાં અમુક દિવસે દુર કે નજીકના ગામમાં રહેતા પિત્રાઈ ભાઈ બહેનોને આપણા ઘરે બોલાવી અને થોડા દિવસો તેમના ઘરે આપણા બાળકના ધામા નાખી તેને ઉપર જણાવેલા બધાય પ્રોબ્લેમ્સથી દુર રાખી શકીએ. સાથે તેનામાં કુટુંબ-ભાવના વિકસશે એ સહુથી મોટો લાભ.

વેકેશનમાં હજુ એક મસ્ત આદત પાળી શકીએ અને તે છે પુસ્તક (કે હવે ઈ-બૂક) વાંચન. હવે પુસ્તક વાંચન વિષે તો આ અંકમાં આપણા જાહ્નવી બહેને ‘પુસ્તક પ્રેમ’ નામના એમના લેખમાં ખુબ જ સરસ છણાવટ કરી છે તેથી હું કશું જ લખતો નથી.

સાથે જ ગયા અંકમાં આપણે નીવારોઝીનબહેનની કલમે વાંચ્યું કે બાળકનો જન્મ થતાં જ ખ્રીસ્તી સમાજમાં કઈ રીતે ‘બાપ્તિસમા’ની વિધિ થાય છે, હવે, આ અંકમાં બીજી એક વિધિ ‘પ્રભુભોજનના સંસ્કાર’ વિષે જાણીશું.

ભુપેન્દ્રસિંહ રાઓલની કલમે આપણી આસપાસ રહેલી ‘વિષાક્ત વ્યક્તિઓ’ વિષે ઘણી રસપ્રદ માહિતી જાણીશું અને ઈરફાનભાઈની કલમે ગયા અંકમાં ઘણા વાંચકોને રડાવી ગયેલી આપણા સહુની પ્રિય નવલકથા ‘મી.લોર્ડ’ તો ખરીજ..

સાથે, મુકુલભાઈ જાની એક કટાક્ષિકા ‘તોફાની બાળક’ લઈને આપ સહુના મુખ પર હાસ્ય ફેલાવવા હાજર છે. દિનેશભાઈ વેદે ‘ભગવાનને પત્ર’ લખીને એમની કલમનો પરચો બતાવ્યો છે.

દરેક અંકમાં કંઇક નવી જ માહિતી પીરસતા અશ્વિનભાઈએ આ વખતે પણ એ પ્રથા કાયમ રાખી ‘અવનવું- કહાં ગયે વો તેરહ દિન ?’ લઈને આપણી સમક્ષ હાજર છે. છેલ્લે, હરીશ મહુવાકરભાઈ એક લલિત નિબંધ ‘કમળવન’ દ્વારા આપણે એક અલગ જ દુનિયામાં લઇ જશે.

તો આ ફુલટુ ગરમીમાં અંગ્રેજી મહિનાના પાંચમાં મહિનામાં ઠંડક પીરસતો એવો આ શબ્દાવકાશનો પાંચમો અંક પ્રગટ કરતાં અમે ખુશી વ્યક્ત કરીએ છીએ, વાંચકોનો પ્રતિભાવ અને તેમના આર્ટીકલ્સ પણ આપણા સહુના એવા આ શબ્દાવકાશ ગ્રુપમાં હંમેશ આવકાર્ય છે.

શબ્દવકાશ ટીમ વતી
-નિમિષ વોરા


સુખ વહેંચો દુઃખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ)

હું એક કંપનીમાં જોબ કરતો હતો. ત્યાં એક સહ કર્મચારી હતા જે મારી સાથે કામ કરતા હતા. અમારી જોબ રાતના સાત વાગ્યાથી શરુ થતી તે સવારે સાત વાગે પૂરી થતી. સાંજે લગભગ પોણા સાતે અમે બધા હાજર થઈ જતાં અને અમારા સુપરવાઈઝર કોને કયા મશીન પર કે કયું કામ કરવાનું છે તે ફાળવી દેતાં. અમારા આ મિત્ર સાંજે સાત વાગ્યાથી જ ફરિયાદ કરવાનું શરુ કરી દેતા. એમને એકેય મશીન કે એકેય કામ કદી સારું લાગતું જ નહિ. કામ કરવામાં પણ ચોરી અને ફરિયાદ આખી રાત કરતા. અમને એકવાર જમવાનો અને એકવાર કોફી બ્રેક પિસ્તાલીસ પિસ્તાલીસ મીનીટનો મળતો.બંને બ્રેકમાં પાંચ વર્ષમાં એક પણ બ્રેક એવો નહિ ગયો હોય કે એમણે કોઈને કોઈ વિષે ફરિયાદ ન કરી હોય. એમની ફરિયાદોના વિષયો અને વ્યક્તિઓ વિવિધ રહેતાં. વેધર હોય, દેશ હોય, વ્યક્તિઓ હોય, એમના મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય કે ખુદ એમની પત્ની કે બાળકો હોય દરેક વિષે એમને ફરિયાદ જ હોય. એમના બાળકો, પત્ની કે ભાઈઓ વિષે ફરિયાદ એવી કરુણતાથી કરે કે તમે સાંભળનાર એમના દુઃખે દુઃખી થઈ જાઓ. આપણે પોતે એમના દુખડા સાંભળી ઉદાસીની ગર્તામાં ફેંકાઈ જઈએ કે જલદી એમાંથી બહાર પણ આવી ન શકીએ.

દરેકને આવા વિષાક્ત વ્યક્તિઓનો, વર્કપ્લેસ કે પોતાના સમાજમાં કે સગા સંબંધીઓમાં અનુભવ થતો જ હશે. નકારાત્મકતા ક્યારેક જરૂરી હોય છે પણ સતત આવા નેગેટીવ વ્યક્તિઓ આપણું જીવવું હરામ કરી નાખે તે આપણને સમજ પણ પડે નહિ. હું હમણાં બે મહિના ભારતમાં રહ્યો. એક સંબંધી નિયમિત સવારે ઘેર આવે એમના દીકરા અને વહુ વિષે ફરિયાદ કરી એને ગાળો દઈ બે કલાક બેસી પછી જાય. જાય ત્યારે એમના મુખ પર કોઈ ઉદાસી હોય નહિ, આનંદિત લાગે. આપણે દુઃખી થઈ જઈએ કે કેટલાં દુઃખ આ લોકો વેઠી રહ્યા છે? બીજા એક સંબંધી આવે તેમનું પણ એવું, તેમની પત્ની આગળ એમનું ચાલે નહિ. પત્ની માબાપ જોડે સંબંધ રાખવા દે નહિ. એમાં મોટો વાંક એમનાં અણઘડ માબાપનો વધુ હતો. આ ભાઈ પણ જ્યારે આવે ત્યારે આંસુડા વહાવે. આપણે દુઃખી થઈ જઈએ પણ તે ભાઈ થોડીવાર પછી એકદમ ખુશખુશાલ હોય. હું અને મારા ભાઈ પ્રદીપસિંહ બંને હ્યુમન બિહેવ્યર વિષે સારો એવો અભ્યાસ કરવામાં રસ ધરાવીએ. મેં તો ઇવલૂશનરી સાયકોલોજી પર એક પુસ્તક પણ લખ્યું છે. આ લોકોના ગયા પછી મારા ભાઈ કહે ભાઈ દુઃખી ના થઈ જતા આ લોકો ટોક્સિક પીપલ છે. એમના તમામ(sorrow-સોરો) દુઃખ, હતાશાઓ, ઉદાસીનતા, નકારાત્મક લાગણીઓ બધું આપણે માથે નાખી જુઓ કેવા ખુશ થઈને ચાલ્યા જાય છે?

ટોક્સિક લોકોની એક ખૂબી એ હોય છે કે તેઓ આપણને અપસેટ કરી પોતે ખુશખુશાલ થઈ ચાલ્યા જતા હોય છે. આવા વિષાક્ત લોકો હમેશાં ફરિયાદ જ કરતાં હોય છે. પોતાને એટલા બધા દુઃખી બતાવે કે એમને હર્ષાન્વિત કરવામાં આપણી તમામ શક્તિ વપરાઈ જાય. ટૂંકમાં એમને રાહત આપવામાં આપણે પોતે દુઃખી જઈએ. મેજર ડીપ્રેશન અને બાયપોલર ડીસઓર્ડર જેવી માનસિક બીમારી ધરાવતા લોકો આવા ટોક્સિક હોવાની સંભાવના વધુ હોય છે. પોતાના દુખડા વધુ પડતા ગાનારથી ચેતતા રહેવું.

આપણીપાસે કાયમ ફરિયાદ કરતા, એમની સાથે તમામ ખોટું થઈ રહ્યું છે તેવું કહેતા હોય, એજ વ્યક્તિ તમને છોડીને જતી વખતે આનંદિત જણાતા હોય. તેવી વ્યક્તિઓ આસપાસ હોય તો સમજી લેવું ટોક્સિક પીપલ છે. આમ તો તમે ઓળખી જાઓ તો એમનાથી દૂર થઈ જાઓ પણ આવા લોકો તમારી સાથે જ કામ કરતા હોય કે કોઈ સગા સંબંધી જ હોય તો એમનાથી દૂર થવું મૂશ્કેલ તો ઠીક નામુમકીન છે. દાખલા તરીકે અંગત મિત્ર કે પત્ની કે પતિ કે ભાઈ બહેન જ આવી ટોક્સિક હોય તો? શક્ય હોય તો એમની માનસિક સારવાર કરાવો અથવા તમે પોતે જ ટ્રેઈન થઈ જાવ કે તેમની વાતો ઇગ્નોર કરો.

તમે બીજાની વર્તણુક બદલી ન શકો, પણ તમારી તો બદલી શકો. તમે આવા વિષાક્ત લોકોને સુધારી ન શકો તો પોતે જ એમના પ્રત્યે સુધરી જાઓ તે બહેતર છે.

ભારતમાં દુઃખનું બહુ મહત્વ છે. કુંતીએ દુખ માંગેલું કારણ દુ:ખમાં પ્રભુ સાંભરે. દુ:ખમાં કોણ યાદ આવે? પ્રભુને યાદ કરવા, વારંવાર યાદ કરો માટે દુખ માંગેલું? મતલબ તો સ્વાર્થ જ થયો ને? સુખમાં પ્રભુ યાદ આવતો નથી એટલાં કમજોર ને સ્વાર્થી છીએ? સુખ-દુખ બાબતે મારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. નિયમ તો સરખો જ હોય ને? એકમાં એક વત્તા એક બે થાય તો બીજામાં એક વત્તા એક શૂન્ય કઈ રીતે થાય? લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા? માટે હું ક્યારેય મારા દુ:ખડા કોઈની આગળ શેઅર કરતો નથી. મારા દુઃખોથી બીજાને શું મતલબ? એ તેના ગાણા ગાવા માંડશે. તમારી સુખની ક્ષણો વહેચો દુ:ખની નહિ.

સુખ વહેંચો તો તમારી સાથે બીજા પણ આનંદિત થશે. પણ દુઃખ વહેચશો તો તમને રાહત થઈ જશે પણ સામેવાળો નાહક દુઃખી થઈ જશે. દુખ વહેંચી રાહત મેળવી સામેવાળાને દુઃખી કરશો તો તમે ટોક્સિક પીપલ છો યાદ રાખજો. તકલીફમાં મદદ મેળવવા કોઈને કહેવું અને દુ:ખમાં રાહત મેળવવા તેના ગીતો ગાવા તે અલગ વસ્તુ છે.

-ભુપેન્દ્રસિંહ રાઓલ

પ્રભુ ભોજન સંસ્કાર

મિત્રો, આ શ્રેણીમાં આપણે ખ્રિસ્તી ધર્મના થોડાક સામાન્ય રીત-રીવાજોની વાતો કરી રહ્યા છીએ પાછલા અંકમાં બેપ્ટીઝમ-સંસ્કારની વાત કરી. આ ધર્મમાં આવો જ એક બીજો પણ એક સંસ્કાર છે, જેને 'પ્રભુભોજન' કહેવામાં આવે છે. આવો તેના વિષયે થોડી વાત જાણીએ.

બાળક ૪ વરસનું થાય એટલે શાળાની સાથે સન્ડે સ્કૂલમાં પણ જતું થાય…એ રીતે આધ્યાત્મિક વિકાસ કે ઇશ્વરને સમજવાનો પ્રયત્ન થાય. આ શિક્ષણ લગભગ બાળક યુવાન થાય ત્યાં શુધી, ૧૭ કે ૧૮ વરસ સુધી ચાલે.

એક આડવાત જે મુખ્ય પણ છે, પ્રભુ ઇસુના મૃત્યુના આગલા દિવસે એટલે કે ગુરુવારે સાંજે એમણે શિષ્યોને બોલાવી એમના પગ ધોયા,એટલે એમ કે આપણે પણ એકબીજાને માફ કરવા જોઇએ,અને પછી રોટલી તોડીને આપી અને કહ્યુ કે, “આ મારું શરીર છે ….હું કાલે તમારી સાથે નહિ હોઉ તો તમે એ મારી યાદગીરીરુપે ખાઓ, ને એવી જ રીતે દ્રાક્ષારસનો પ્યાલો આપી કીધું, આ પીઓ. આ મારું લોહી છે, જે તમારા માટે વહાવવામાં આવશે એ મારી યાદગીરીરુપે પીઓ.” આને લાસ્ટ સપર, છેલ્લા ભોજન તરીકે યાદ કરવામાં આવે છે…!!

સન્ડેસ્કુલમાં અભ્યાસ કર્યા બાદ યુવાનવયે, ૧૮ વરસ વરસે (આજકાલ કેટલાક ચર્ચ ૧૨થી ૧૫ વરસે પણ આ સંસ્કાર પળાવે છે) એટલે ૬ મહિના પાસ્ટર પાસેથી ઉચ્ચ શિક્ષણ મેળવે. ઇશ્વરના આગમનથી મરણ સુધીની વાતો ઉંડાણથી સમજે, અને અંતે એક નાનકડી પરિક્ષા પછી એમને ચર્ચનાં પૂર્ણ સભાસદ તરીકે સ્વિકારવામાં આવે. (જનોઇ કે દિક્ષા જેવું જ) અને પછી જ્યારે એ જુવાન કમાતો થાય ત્યારે પોતાની આવકમાંથી દાન આપતો થાય. આ રિવાજ કે આ પ્રસંગને અતિ ગંભીર રીતે જોવામાં આવે છે. આખા ચર્ચની સામે માતાપિતા પોતાના જુવાન દિકરા-દિકરીઓને ઇશ્વરને સોંપે છે, ને અનેક ઉભરાતી, સહર્ષ ઉભરાતી આંખોની હું સાક્ષી છું. પોતાના બાળકને ઈશ્વરના આશ્રયમાં સોંપવાથી એક સુરક્ષિતતા આવતી હશે. પણ આ સંસ્કાર માટે દરેક માબાપ રાહ જોતા હોય છે . આ એક મોટો આશીર્વાદ છે.

અહિં વાત એટલા માટે ગંભીર છે કે બાઈબલ પ્રમાણે ઇસુએ એમના મરણની આગલી સાંજે એમના શિષ્યો સાથે ભોજનનું આયોજન કર્યું હતું અને ભોજન પહેલા એમણે શિષ્યોના પગ ધોયા અહીં પગ ધોવાની વાત આપણને નમ્ર બનતા શીખવે છે. આપણા વિરોધીઓ સામે પણ નમ્ર રહેવાથી, સારા મનથી એમને માફ કરવાથી સકારાત્મક પરિણામ આવે છે. ઈસુએ એકબીજાને માફી આપવાનો સંદેશ આપ્યો એમ જ આ સંસ્કાર પાળ્યા પછી દરેકે એકબીજાને ખરા મનથી માફ કરવા પડે, ને સામેથી હાથ મેળવવા કે સમાધાન કરવા જવું પડે. અમે નાના હતા ત્યારે કેટલાક કુંટુંબોના ઝઘડાઓ આ સંસ્કાર પછી સુલ્ઝાતા જોયા છે. ભાઈઓ એકમેકને ગળે મળે અને એમના પરિવારો એક થાય એ જોવાનું બહુ ખુબ ગમતું. એ રીતે આ બહુ જ મહત્વનો સંસ્કાર ગણાય છે. આત્માશુદ્ધિ કહી શકાય. આ સંસ્કાર પાળતી વખતે કે પહેલા મનને તૈયાર કરવું પડે. જેમની સાથે સમસ્યા હોય એમના ચહેરા નજર સામે તરે અને એમને મનોમન માફ કર્યા પછી જ આ સંસ્કારનું મહત્વ અને ગંભીરતા જળવાય છે.

હા, જો કોઇને માફ કરવા મનથી તૈયાર ન હોય એવા કેટલાય લોકો વર્ષો સુધી પ્રભુભોજન નથી લેતા. અસામાજિક સંબંધો ધરાવતા લોકો, મનથી શુધ્ધ ન હોય તેવા લોકો સામાન્ય રીતે આ સંસ્કાર નથી પાળતા. બીનખ્રિસ્તી યુવક સાથે પરણેલી સ્ત્રીઓ ને લગ્ન પછી પ્રભુભોજન લેવાનો બિલકુલ અધિકાર નથી કારણ એ એ યુવકના ઘરની સભ્ય ગણાય છે. બીનખ્રિસ્તી કુટુંબમાંથી પરણીને આવેલી સ્ત્રીઓ આ સંસ્કારમાં ભાગ લઇ શકે છે પણ એ પણ ૬ મહિનાના શિક્ષણ અને પરિક્ષા પછી લાયક જ ગણાય છે. આખા વિશ્વમાં દર મહિનાના પહેલા રવિવારે આ સંસ્કાર પાળવામાં આવે છે, અડધી ચમચી જેટલો દ્રાક્ષનો રસ એટલે કે વાઈન અને એક પ્રકારની વેફર જેવી લાગતી ચિપ્સ પાસ્ટરના હાથે આપવામાં આવે છે. આ સંસ્કાર તાલીમ પામેલા પાદરી સિવાય કોઈ પળાવી શકતા નથી. સામાન્ય બ્રેડના ટુકડા પણ ચાલે બોટલમાંથી બહાર પ્યાલામાં કાઢેલો રસ અને વાટકામાં કાઢેલી બ્રેડ તે જ વખતે ચર્ચ પછી મુખ્ય સભ્યો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, પાછી સંગ્રહી કે સાચવીને રખાતી નથી અને જમીન પર ઢળવા જેવા કિસ્સામાં કપડાથી સાફ કરી એ કપડાને એ જ સ્થળે બાળી નાખવામાં આવે છે. આ વાઈન અને બ્રેડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તે દિવસે સામાન્ય રવિવાર કરતા ચર્ચમાં વધુ લોકો જોવા મળે. પૂર્ણસભાસદ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ચર્ચમાં પ્રભુભોજન લઈ શકે છે. અને અંતે એક અતિ મહત્વની વાત, પૂર્ણસભાસદપણું લગ્ન કરવા માટે અતિ આવશ્યક છે એટલે આ સંસ્કાર ન લેતા હોય તેવા જુવાનોના લગ્ન ચર્ચમાં નથી થતાં, છે ને જોરદાર વાત.
એટલે કે ચર્ચના સભ્ય હોવું અત્યંત જરુરી છે.
હવે પછી લગ્ન વિષે જાણીશું.

-નીવારોઝીન રાજકુમાર


તોફાની બાળક

આશરે ૪૫-૫૦ વરસ પહેલાંની વાત છે. ગાયનેક હોસ્પીટલનું દ્રશ્ય છે. લેબર રૂમમાં ટેબલ એક સ્ત્રી પીડાથી ચીસો પાડી રહી છે, નર્સ એના કપાળ પર હાથ ફેરવી સાંત્વના આપી રહી છે. ડૉક્ટર તપાસીને કહે છે, “બસ, હવે તૈયારી જ છે, વધુમાં વધુ દશથી પંદર મિનિટમાં નોર્મલ ડીલીવરી થઈજ સમજો.”

લેબર રૂમમાં હાજર આયા, પીડાથી કંરાજી રહેલા પેશન્ટનેને રાહત આપવા, એનું ધ્યાન પીડાથી બીજે દોરવા કહે છે, “બહેન, ચિંતા ના કરો. જો જો તમને પૂનમના ચાંદ જેવો રૂપાળો દીકરો આવશે, ને હું બક્ષીસ લઈશ પૂરા ૨૧ રૂપિયા..આપશોને?”

અને કોણ જાણે શું થયું કે અચાનક, લેબર પેઈન સાવ બંધ! ડૉક્ટર નવાઈ પામી ગયા, આવું તો એમણે એમની કારકિર્દીમાં ક્યારેય પણ જોયેલું નહીં! પછી પંદર મિનિટ તો શું પણ અરધી કલાક થઈ, કલાક થઈ, ચાર કલાક થઈ તો પણ ના લેબર પેઈન કે ના થાય ડિલીવરી! છેવટે કંટાળીને ડૉક્ટરે સિઝેરિયનનો નિર્ણય લીધો. બહાર આવેલું બાળક રડ્યું પછી, પહેલાં આયા સામે એક તીરછી નજર નાખી!

ડૉક્ટર હજુ માથું ખજવાળતા હતા, સાવ નોર્મલ ડીલીવરીની તૈયારી હતીને અચાનક આ બધું શું અને કેમ બની ગયું એ સમજાતું નહોતું!

ત્રણ-ચાર વરસ પછીનો સમય. એક સ્ત્રી બાલમંદીરમાં ટીચરને પોતાના દીકરાની પ્રગતી અંગે પૂછી રહી છે. ટીચર જણાવે છે કે આમ તો બધું બરાબર છે, પણ પણ તમારો બાબલો રિસાળ બહુ છે, નાની નાની વાતે રિસાઈને ખૂણામાં અદબ પલાઠી વાળી બેસી જાય છે. એટલે સુધી કે ગઈ કાલે નાસ્તામાં ને બાજુવાળા કરતાં એક ખારીશીંગનો દાણો ઓછો આવ્યો હશે તો એ વાતે રિસાઈને ખૂણામાં બેસી ગયેલો..!

.

આઠ-દસ વર્ષ પછી...
શેરીમાં બાળકો લખોટીથી રમી રહ્યા છે, આ બાળક એક બાજુ ઊભો છે એને કોઇ રમાડતું નથી, અચાનક માતા ઘરમાંથી બહાર આવે છે, પોતાના દીકરાને રમાડવામાં નથી આવતો એ જાણી નારાજ થાય છે ને રમી રહેલાં બાળકોને ખખડાવી નાખે છે. એક બાળક હિંમત કરીને આગળ આવે છે ને મક્કમતાથી જણાવે છે કે, ગમે તે થાય, અમે તમારી દીકરાને નહીંજ રમાડીએ, એને અમારી સાથે વાતે વાતે વાંધો પડે છે, એ પોતાના જાત જાતના નિયમો બનાવી કાઢે છે ને પછી એનું ધાર્યું ના થાય એટલે “ આ મારી સામે સાજીસ છે, એમ કહીને રમતના મેદાનની વચ્ચે ધરણા પર બેસી જાય છે!”

.

બાવીસ તેવીસ વર્ષ પછી.
લગ્ન મંડપમાં હાહાકાર મચી ગયો. આજ સુધી કોઇએ આવું જોયું નહોતું. આજ સુધી કદી એવું બન્યું નહોતું કે વરરાજાના જૂતાં ચોરાઈ જાય અને આવડો મોટો ઈશ્યૂ કરવામાં આવે! જેવા સાળીએ જૂતાં પરત આપવાના બદલામાં રૂપિયા ૧૦૧ માગ્યા એવા વરરાજા બાજોઠ પરથી સટ્ટાક દઈને ઊભા થઈ ગયા, લાલપીળા થઈ ગયા, “ આ ભ્રષ્ટાચાર છે, એ કોઇ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે, કોઇ પોલીસને બોલાવો.. આ અન્યાય કોઇ સંજોગોમાં નહીં ચલાવી લેવાય…” એમ કહી મંડપની વચ્ચોવચ પલાઠી મારીને બેસી ગયા! છેવટે સાળીએ જૂતા પરત આપ્યાને સાથે લેખિતમાં માફીનામું આપ્યું કે ભવિષ્યમાં ક્યારેય તે આવો ભ્રષ્ટાચાર નહીં કરે, ત્યારે વરરાજા માન્યા ને પરણવા બેઠા!

ફૂલોથી સજાવેલી સેજ પર દુલ્હન બેઠી છે. થોડીવારમાં રૂમમાં એનો સાજન દાખલ થાય છે, દુલ્હનની બાજુમાં આવીને બેસે છે. હળવેથી દુલ્હનનો ઘુંઘટ ખોલવાની કોશિશ કરે છે. દુલ્હન લાડ કરતાં કહે છે, “એમ ને એમ કાંઇ ઘુંઘટ નહીં ખુલે…બોલો મારા માટે શું લાવ્યા છો? ડાયમંડનો સેટ કે નેકલેશ?” બસ થઈ રહ્યું…પુરુષ સટાક દઈને ઊભો થઈ ગયો, “ હદ છે…અહીં પણ રિશ્વત? નહી ચલાવી લેવાય કોઇ સંજોગોમાં નહીં!” એમ બોલતાં રૂમની બહાર નીકળી ગયો. દુલ્હન બિચારીને એમ કે મઝાક કરે છે, હમણાં આવશે, એમ રાહ જોતાં જોતાં ક્યારે એની આંખ લાગી ગઈ એની ખબર ના રહી! સવારે ઊઠીને જોયું છે એનો સજનો રૂમના દરવાજા આગળ હજુ પણ ધરણાની મુદ્રામાં બેઠો હતો!

૨૦૧૪-૧૫ નો સમય, એક ઘરમાં એક વૃદ્ધ ટીવી પર સમાચાર જોઇ રહ્યા છે. પચાસ વરસ સુધી એક સફળ ગાયનેક તરીકે પ્રેક્ટીસ કર્યા પછી હવે દીકરો હોસ્પીટલ સંભાળે છે, પોતે નિવૃત છે એટલે હવે ટીવીમાં સમાચાર જોવા સિવાય ખાસ કોઇ કામ નથી બચ્યું!

સમાચાર જોતાં જોતાં એક સમાચાર જોઇને અચાનક મુંઝાઈ જાય છે. એને લાગે છે કે આ વાતને અને ભૂતકાળને કોઇ અનુસંધાન છે. માથુ ખજવાળતાં ખજવાળતાં અચાનક કંઇક યાદ આવે છેને મોટેથી બોલી ઊઠે છે, “ અરે હા, એજ..આતો એજ…હવે સમજાયું..તે દિવસે પેલી આયાએ બક્ષીસ માગી એટલે એના વિરોધમાં એ બાળક માં ના પેટમાં ધરણા પર બેસી ગયેલું ને નોર્મલ થવાના આરે પહોંચી ગયેલી ડિલીવરીનું સિઝેરિયન કરવું પડેલું..!”

-મુકુલ જાની


પત્ર લખ્યો ભગવાનને

પ્રતિ,
ભગવાન. .

ઘણા મનોમંથન બાદ આજ તો તને પત્ર લખવા બેઠો છું. ઘણું કહેવું છે, ઘણું પુછવુ છે. આમ તો મારી જીંદગી મા સમજણ આવી ત્યારથી જ તુ જોડાયેલો છે. મારી સ્વર્ગસ્થ મમ્મીના ધાર્મિક સ્વભાવની મારાં પર અંકિત થયેલી છબીને લીધે મારાં મન મસ્તક પર સદા તું છવાયેલો જ રહ્યો છે. પરંતુ અત્યારે જીવનના આ તબ્બકે મારી તારા પ્રત્યેની આસ્થા કદાચ ડગી ગઇ છે, અને તારા હોવા વિશે મારો અતુટ વિશ્ર્વાસ પણ તુટી ગયો છે. પરંતુ આવું થયું કેમ? કારણ નથી જાણવું તારે?

આજ સુધી જીવનમાં ઘણા તડકા છાયા જોયાં. નાનપણમાં બાળસહજ આનંદ માણ્યો, મમ્મીની અમૃત સમી મમતા માણી. હા, પપ્પાના પ્રેમમાં જરા ઓટ રહેતી પણ કદી ફરીયાદ નથી કરી તને. ગરીબી તો સદા સાથે જ રહી છતાં અભાવમાં પણ તારા હોવા વિશે મન ડગ્યું નહીં. કદાચ મારી મમ્મીએ સિંચેલા ધાર્મિક સંસ્કાર હશે કે મારા મનમાં રહેલી તારા પ્રત્યેની આસ્થા. વિધાર્થી અવસ્થામાં પૈસાના અભાવે ઉચ્ચ અભ્યાસની ઇચ્છા અને કાબેલીયત હોવા છતાં ભણતરને રામરામ કરી નોકરીની રાહ પકડી પણ છતાં તારા પ્રત્યેની આસ્થા ડગી નહી. સમય જતાં ભાગીદારીમાં ધંધો શરું કર્યો તેમાં પણ તને નફામાં 1% નો કાયદેસર ભાગીદાર રાખ્યો જ હતો.

અહી પણ તારા પર વિશ્વાસ કાયમ જ હતો. ધંધામાં નુકશાન અને કૌટુંબિક કારણોસર 2 નાનાં નાનાં બાળકોને પત્નીની જવાબદારી સાથે જયારે હું ‘બેઘર’ થઇ ગયો ત્યારે મનોમન થોડો ગુસ્સો કર્યો તારા પર, છતાં આસ્થા અને ભરોસો કાયમ જ હતો. સમય જતાં ફરી ધંધામાં પગભર થયો અને પોતાની તાકાત પર માલિકીની દુકાન લીધી અને પછી પોતાનું ઘર. કેટલીક વખત માણસ સુખમાં તને ભુલી જાય છે, પરંતુ મે કયારેય તને વિસાર્યો નથી. જયારે પણ મારી સફળતાનો ઉલ્લેખ થાય ત્યારે મે હંમેશા મારી જાત કરતાં તને વધુ યશ આપ્યો છે. "મહેનત મારી પણ ક્રૃપા તો ભગવાન ની" એમ જ માન્યું છે. જીંદગીમાં ફરી ઠરીઠામ થયો બસ હવે તો સ્વર્ગ હાથવેંતમાં જ લાગી રહ્યું હતું.

પણ અચાનક આ શું થયું મારી જીંદગીમાં?

એક અવિસ્મરણીય બનાવ બની ગયો મારી જીંદગીમાં અને મારી આખી વિચારધારા જ બદલાઇ ગઇ. મારો બાઇક એક્સીડેન્ટ થયો. જમણા પઞના ઘુંટણમાં મેજર ક્રેક આવી. એક ડૉક્ટરના ખોટાં નિર્ણયને કારણે 3 અઠવાડિયા ભયંકર શારીરિક પીડા સહન કરવી પડી અને કિંમતી સમયને પૈસા બરબાદ થયાં એ જુદા. પછી બીજાં ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા અને અચાનક મેજર સર્જરીનો નિર્ણય લેવાયો. બસ આ ઘડીએ જ તારાં હોવા કે ન હોવા વિશે મારાં મનમાં અવઢવ શરું થઇ ગઇ. સારવાર પાછળ બધીજ બચત વપરાઈ ગઇ, અને ઓપરેશન પછી થયો તારા વિશે અલગ દ્રષ્ટિકોણથી વિચારવાનો દૌર, નકારાત્મકતા નો દૌર, શારીરિક પીડા, 6 મહિનાનો રિકવરી પિરીયડ, દવાઓનો ખર્ચો, ધંધામાં નુકશાન ઉપરાંત પરિવારની ચિંતા. મારી જગ્યાએ કોઈ પણ હોય તો આવું જ વિચારે ને ભગવાન? ઓપરેશનના ત્રીજા જ દિવસે ડ્રેસીંગ કરતી વખતે અસહ્ય પીડાથી મારાથી સિસકારો નિકળી ગયો. ત્યારે ડૉકટર જે ઓર્થોપેડીક સર્જન હતાં એમણે જે શબ્દો કહ્યા ત્યારે મારી તારી પ્રત્યેની થોડીઘણી આસ્થા રહી ગઇ હતી તે પણ ઓસરી ગઇ. એમણે કહ્યું "ભાઇ દુખશે તો ખરા જ, કરેલા કર્મની પીડા તો ભોગવવી જ પડે છે”.

અરેરે... આ શું બોલી ગયા ડૉકટર? એ તો ગયા, મારું મન ચકરાવે ચડી ગયું. 'મે શું ખરાબ કર્મ કર્યા છે? જાણતાં અજાણતાં કોઇનું બુરુ નથી કર્યું તુ જાણે છે ને ભગવાન? મને તો ઠીક મારી પત્ની અને બાળકોને પણ સજા? આ તારો કયાનો ન્યાય?' ઘણીવાર રાત્રે પીડા ને કારણે ઉંઘ ઉડી જાય ત્યારે ઝાંખા પ્રકાશમાં મારી પથારી સામેની દિવાલ પર લટકતી તારી છબી સામે જોઇ મનોમન તારી સાથે ઝગડી લઉ છું. 'મારી સાથે જ કેમ આવું થયુ? હું જ કેમ?' હવે તો મને આ દુનિયામાં તારા હોવા ઉપર જ શંકા છે, મારી જગ્યાએ બીજો કોઇ હોય તો પણ આમજ વિચારે ને? પરંતુ ખબર કાઢવા આવેલા કોઈ વડીલના મારા માથા પર હાથ ફેરવતી વખતે બોલાયેલા શબ્દો ઘુમરાયા કરે છે.”આપકા તકદીર અચ્છા હે, ભગવાનને બચા લિયા. એક્સીડેન્ટ કે વક્ત આપકે પીછે ટેમ્પોવાલેને સહી સમય પે બ્રેક લગાયા".

અંહી મારું મન ઘડિયાળના લોલકની જેમ ફરી ઘુમરાય છે.મગજ ચકરાવે ચડી જાય છે. મારી સાથે હજી વધુ બુરુ થઇ શકે એમ હતું? સાચ્ચે જ તે મને બચાવ્યો? હે ભગવાન તું છે કે નહી? હોય તો તારી હાજરીનો અહેસાસ કરાવ. મને તારી પાસેથી કંઇજ નથી જોઇતુ, ફક્ત મારાં મનમાં ઉઠેલી શંકાનું સમાધાન કર. મારી તારા પ્રત્યેની આસ્થા ડગી ગઇ છે, મારા માટે તારું અસ્તિત્વ કસોટીની એરણ પર છે, મનમાં ગાઢ અંધકાર છવાયેલો છે.બસ એકવાર તારી હાજરીની પ્રતીતિ કરાવી મનમાં તારા પ્રત્યે શ્રધ્ધાની જયોત જગાવી દે. વધુ શું લખું?

તારા પ્રત્યુતરની રાહ જોઉં છુ. મારા પત્રનો જવાબ દઇશ ને?
-દિનેશ વેદ


કહાં ગયે વો તેરહ દિન

ઉપર આપેલું કેલેન્ડર જુઓ. આમાં કંઇક વિચિત્ર લાગે છે તમને?
જુઓ ધ્યાનથી જુઓ.
અમુક તારીખ ગાયબ થઇ ગયેલી લાગે છે ને?
હા, ઇન ફેક્ટ, ૧૧ દિવસ તો તેમાં દેખાતા જ નથી.
૩જી તારીખથી ૧૩મી તારીખ ક્યાં ગઈ?
કંઇક ભૂલ થઇ ગઈ હોય એવું લાગે છે, નહીં?
કે પછી કોઈક મજાક કરી રહ્યું હોય તોય કહેવાય નહીં.

તો, ના ભાઈ ના,
આ કોઈ મજાક નથી, કે નથી કોઈ ભૂલ પણ.

.

હા,આપણા હિંદુ કેલેન્ડરમાં ય આવું કોઈક વાર થાય છે, કે ક્યારેક એક જ તિથી બે દિવસ ચાલતી હોય, કે પછી કોઈક એક તિથિનો સાવ ક્ષય જ થઇ ગયો હોય, એટલે કે તે તિથી ગાયબ થઇ જાય. ત્રીજ પછી બીજે દિવસે સીધી પાંચમ હોય, કે પછી બે એકાદશી હોય ને પછી સીધી તેરસ હોય.

તો તમે કહેશો કે, 'હા યાર..એકાદ તિથી સુધી તો વાત ઠીક છે, પણ આ તો સીધા અગિયાર દિવસ? ૧૧ તારીખો સીધી જ હવામાં ઓગળી જાય? કેલેન્ડરમાં આખો મહિનો ફક્ત ૧૯ જ દિવસનો જ દેખાય, ને તો ય એમ જ સમજવાનું, કે આ કોઈ મજાક કે ભૂલ નથી? સાવ ટાઢા પહોરના ગપ્પા જેવી જ વાત લાગે છે આ તો..!'
.
પણ તોયે..
હું તો એમજ કહીશ, કે આ સાવ સાવ સાચું જ છે. આ મહિનો ફક્ત ૧૯ દિવસનો જ હતો.
.
ચોંકી ગયા ને? ખુરશી પર ટટ્ટાર બેસી ગયા ને?
તો સાહેબ.. જો માનવામાં ન આવતું હોય, તો ગૂગલમાં જઈને સપ્ટેમ્બર ૧૭૫૨ સર્ચ કરો.
અને જો ત્યાં ન જવું હોય, તો હું જે કંઈ કહું છું, તે મારી વાત પર વિશ્વાસ રાખીને વાંચજો.
ફિકર ન કરતા, આ જે કંઈ પણ તમે હવે આગળ વાંચશો, તે સો ટકા સાચું જ હશે, કારણ સપ્ટેમ્બર ૧૭૫૨માં આવું થયું જ હતું.
.
આ વરસથી ઇંગ્લેન્ડ અને તેની બધી અમેરિકન વસાહતો [કોલોનીઓ]એ 'જુલીયન' કેલેન્ડર મુકીને 'ગ્રેગ્રિયન' કેલેન્ડર જ વાપરવાનું નક્કી કર્યું હતું, કારણ ગ્રેગરીયન કેલેન્ડર, જુલીયન કેલેન્ડર કરતા વધુ ચોક્કસ હતું. પણ હા, સાથે સાથે તે જુલીયન કેલેન્ડર કરતા ૧૧ દિવસ આગળ પણ હતું.
.
આ જુલીયન કેલેન્ડર પ્રખ્યાત સમ્રાટ જુલિયસ સીઝર દ્વારા ઈશુ ખ્રિસ્તના જન્મના ૪૫ વર્ષ પહેલા શરુ કરેલું.
અને પછી, બધા આ જ કેલેન્ડરને અનુસરતા રહ્યા..તે છેક મધ્યકાલીન સમય સુધી આમ જ રહ્યું.

આ મધ્યકાલીન સમય સુધીમાં માનવીએ ખાસ્સી એવી પ્રગતિ કરી લીધી હતી, તો તે સમયના ગણિતજ્ઞો અને ખગોળશાસ્ત્રીઓના ધ્યાનમાં એક વાત આવી, કે આ જુલીયન કેલેન્ડર એકદમ ચોક્કસપણે સૌર-વર્ષો સાથે મેચ થતું નહોતું.

એટલે ૧૫૮૨માં પોપ ગ્રેગરી-૮માં અને તેમના ગણિતજ્ઞો અને ખગોળશાસ્ત્રીઓએ એક નવું કેલેન્ડર બનાવ્યું, જેનું નામ રાખ્યું ગ્રેગરીયન ન્યુ સ્ટાઈલ [N.S.] કેલેન્ડર.

આ કેલેન્ડરને સૌ પ્રથમ રોમન કેથલિક દેશોએ જ અપનાવ્યું [કારણ પોપ ગ્રેગરી રોમન કેથલિકના વરિષ્ઠ ધર્મગુરુ હતા.] અને બાકીના બીજા દેશોએ તેની પર ધ્યાન ન આપ્યું. ઇંગ્લેન્ડ અને તેની અમેરિકન કોલોનીઓ પણ આમાંથી બાકાત નહોતી.

પણ ૨૦૦ વર્ષ પછી... તેમને પણ પોતાની આ ભૂલ સમજાઈ, એટલે પછી તેમણે પણ જુલીયન મુકીને ગ્રેગરીયન કેલેન્ડર અપનાવી લેવાનું નક્કી તો કર્યું, પણ છેક ૨૦૦ વર્ષ પછી.

અને આ ૨૦૦ વર્ષમાં આ ગ્રેગરીયન કેલેન્ડર તો પેલા જુના જમાનાનાં જુલીયન કેલેન્ડર કરતા ૧૧ દિવસ આગળ નીકળી ગયું હતું, એટલે તેમની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો, સિવાય કે કોઈ પણ એક રાતે સીધેસીધો આ ફરકનો ગાળો ગપચાવીને, રાતોરાત ૧૧ દિવસ આગળ નીકળી આવવું.

.

હેહેહેહે..!
તો કલ્પના કરો ત્યાંની પ્રજાની, કે તેઓ બુધવાર બીજી સપ્ટેમ્બરની રાતે સુતા, અને જાગ્યા ગુરુવારે ૧૪મી સપ્ટેમ્બરે સવારે. જો થઇ છે મજા.. !

કેટકેટલાય લોકો, કે જેમનો જન્મદિવસ ૩જી સપ્ટેમ્બર થી ૧૩મી સપ્ટેંબર વચ્ચે આવતો હતો તેઓને તો પોતાનો જન્મદિવસ મનાવવાનો મોકો જ ન મળ્યો.
તો આ છે વિશિષ્ઠતા સપ્ટેમ્બર ૧૭૫૨ની.

.

બટ વેઇટ.. જરા ખમો યાર..!!
૧૭૫૨ના વર્ષનો આ મામલો અહીં જ ખતમ નથી થતો. હજી પણ થોડી વિચિત્રતા તમને જણાવવાની બાકી છે.

બધા સપ્ટેમ્બરો કરતા ૧૭૫૨નો સપ્ટેમ્બર સહુથી ટૂંકો હોવાને કારણે, વર્ષ ૧૭૫૨ બધા વર્ષોમાં સહુથી ટૂંકું વર્ષ હોવુ જોઇએ, રાઇટ?
પણ એવું નથી. બલકે, ૧૭૫૧નું વર્ષ જે છે, તે બધા વરસો કરતા ટુંકુ સાબીત થયું.
પણ આવું કેવી રીતે?
તો વાત એમ હતી..
કે જુલીયન કેલેન્ડરમાં ૨૪મી માર્ચે વર્ષ પૂરું થઇને નવું વર્ષ ૨૫ માર્ચે શરુ થતું, જયારે ગ્રેગરીયન કેલેન્ડરમાં વરસ ૧લી જાન્યુઆરીએ શરુ થઈને ૩૧ ડીસેમ્બરે પૂરું થતું.

એટલે જયારે ઇંગ્લેન્ડ અને તેની વસાહતોએ પોતાનું કેલેન્ડર બદલવાનું નક્કી કર્યું, તો તેમનું ૧૭૫૧નું વરસ ૨૫ માર્ચે શરુ તો કર્યું, પણ તે પૂરું કરવું પડ્યું ૩૧ ડિસેમ્બરે. કારણ ૧ જાન્યુઆરીએ તો ગ્રેગરીયન કેલેન્ડરનું નવું વર્ષ શરુ થઇ જતું હતું.
.
તો હવે આ નીચેની હકીકતો પર એક નજર કરો:

-૩૧ ડીસેમ્બર ૧૭૫૦ પછીનો બીજો દિવસ ૧ જાન્યુઆરી ૧૭૫૦ હતો. [કારણ જુલીયન કેલેન્ડરમાં નવું વરસ જાન્યુઆરીમાં શરુ નહોતું થતું.]

.

-૨૪ માર્ચ ૧૭૫૦ પછીનો બીજો દિવસ ૨૫ માર્ચ ૧૭૫૧ હતો [કારણ જુલીયન કેલેન્ડરના હિસાબે તેમનું વરસ બદલાઈ ગયું અને નવું વરસ શરુ થયું.]

.

-૩૧ ડીસેમ્બર ૧૭૫૧ પછીનો દિવસ ૧ જાન્યુઆરી ૧૭૫૨ હતો [કારણ આ દિવસથી તેઓએ જુલીયન છોડીને હવે ગ્રેગરીયન કેલેન્ડર અપનાવી લીધું]

.

-આ ૧૭૫૨ના વર્ષમાં ૨ સપ્ટેમ્બર પછીનો દિવસ ૧૪ સપ્ટેમ્બર હતો. [૧૧ દિવસ ગપચાવી માર્યા]

.

-૩૧ ડીસેમ્બર ૧૭૫૨ પછીનો દિવસ ૧ જાન્યુઆરી ૧૭૫૩નો હતો.

.

આમ ૧૭૫૧નુ વર્ષ, ૨૫ માર્ચના દિવસે શરુ થઈને ૩૧ ડીસેમ્બરે પૂરું થઇ ગયું. એટલે સમજોને કે..
જાન્યુઆરીના ૩૧, ફેબૃઅરીના ૨૮ અને માર્ચના ૨૪ દિવસ, આમ કુલ [૩૧+૨૮+૨૫=૮૪] ચોર્યાસી દિવસ ઓછા હતા, આ વરસ ૧૭૫૧માં.
એટલે કે ફક્ત ૨૮૧ દિવસોનું જ આ વર્ષ હતું.

.

તો છે ને આ બધી ગજબની વાતો..?
૧૯ દિવસનો મહિનો, ને ૨૮૧ દિવસનું વરસ..!
કમાલ કહેવાય નહીં..?
.
-અશ્વિન મજીઠિયા


કમળવન

તળાવનો લગભગ વીશથી પચ્ચીશ ટકા હિસ્સો કમળવને હસ્તગત કરી લીધો છે. પશ્ચિમી ભાગ પર એ લહેરાય. તળાવ એટલે આ ગંગાજળિયા તળાવ. ભાવનગર શહેર મધ્યેનુ નાનુ શુ તળાવ. હૃદય છે એ શહેરનું. હૃદયના હૃદયમાં તે આ કમળવન !

માથું ઊંચકેલા અનેક કમળનો પથરાયેલો વિસ્તાર નજરે ચડે તળાવના કિનારે ઊભા રહો ત્યારે. ઘડીભર એવુ લાગે કે બાળછત્રીઓનું લીલેરું ઝૂંડ જાણે વરસાદમાં મ્હાલવા નીકળ્યું ! પાંદડીઓની માયા અનેરી. મોટાભાગની સૂરજમુખી પણ કેટલીક આળસી. બીડી રાખી છે ખુદની જાતને. વળ ખાઇ ગયેલું દોરડું હોય તેમ તેની પાંદડી છે. ખુલવુ નથી એને. કોઈ અર્ધખુલ્લા-ઊંબરાની વચ્ચોવચ ઊભા હોય એમ લાગે. આ સર્વને મુકુટ પહેરાવે તેના ગુલાબી ફૂલ. એકસામટા ખીલી આવ્યા છે. સપ્તાહ પહેલા થોડા હતા- એકલ દોકલ પણ પછી ‘કારવા બનતા ગયા’. પૂર્ણ ખીલેલા, અર્ધ ઉઘડેલા, ઉઘડવા મથતા, લીલી કળી રૂપે ને કળી બનવા તરફ પ્રયાણ કરતા ડુંગળીના ફૂલ જેવી કળીઓ યહાં-વહાં આંખોમાં સમાય.

તળાવ કિનારેથી નીકળ્યો નથી કે આમણે ભૂરકી છાંટી નથી. ખીલો થઇ જાય પગ. દિલ ફરફરી રહે. દિમાગમાં બત્તી જ બત્તી ને સરવાળે બત્રીસે કોઠે દીવા જ દીવા. સવારે વહેલી કે મોડે, સાંજે, બપોરે નીકળો, ચાહે ત્યારે નીકળો નજરિયા હટે નહિ. હઠીલા છે – હૃદયમાં સમાઈ જવાની હઠ લઈને એ ખીલ્યા છે. જુએ એના હૃદયમાં એમનું ઉતરાણ. Earth has not anyhing to show more fair:/ Dull would he be of soul who could pass by/ A sight so touching in its majesty. વર્ડ્ઝવર્થ ભલે લંડન માટે લખે. મારા શહેર માટેય તે લાગુ પડે પણ અટાણે આ નજારો જ નજરમાં.

કમળને જોઉં ને વ્હાલી તોરુ દત્ત ન યાદ આવે બને ખરું ? જુઓને કેવી અદભૂત કહાની એમણે સરજી છે! Flora- પુષ્પા એ ઉદ્યાન દેવી છે. એક વખતે Love- સ્નેહા એમની પાસે ગઈ, જવું પડ્યું એમને. જવાનું કારણ ઉદ્યાનમાં બે જણી Rose અને Lily વચ્ચે જામી પડેલી. બેય બાખડી પડેલા. સામ્રાજ્યમાં સુલેહ, શાંતિ જળવાઈ રહે એટલા સારું સ્નેહા ને પુષ્પા પાસે જવું પડ્યું. આ Rose અને Lily બેય પોતપોતાની રીતે ગુણગાન ગવડાવીને, અન્ય ફૂલોને પોતાના પક્ષમાં લઈને, ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવીને સ્વયંને આ ઉદ્યાનની મહારાણી સ્થાપિત કરવા સારું ધમપછાડા આદરેલા ! રીતિઓ એવી અપનાવી કે કવિઓને રોક્યા-સ્તુતિ અર્થે, ગાથાપ્રબંધન હેતુએ. એ મુજબ Rose ગમે તે કરે પણ Lily જેવી ઊંચાઈ કાંઇ ન મેળવી શકે. Juno- યુનો દેવી એમની યુવાની કાળમાં અપ્રતીમ શોભાવંત લાગતા હતા તેવી દેખાય છે આ Lily. ચાહે તે કરો Rose ના ચહેરા બહારની વાત છે આ. વળી Rose ના મળતિયાઓએ Lily નું મૂળ જ કાપી નાખ્યું. એમણે વાતો ફેલાવી. Lilyને વળી શોભા છે એમ ? હવે તમે કહો ઉદ્યાનમાં આમ બે ફૂલ લડી પડે એ કંઇ સારું તો ન જ કહેવાય ને ! ફૂલજ્ઞાતિના ઊભા બે ફાંટીયા પડી ગયા – એક Rose તરફે ને બીજો Lily તરફે. સ્નેહા કંટાળી ગઈ આ બેયના ઉપદ્રવથી. આવા સમયે લાંબાગાળાનો નિર્ણય કરવો પડે. કાયમી હલ લાવવો પડે એથી એણે પુષ્પાદેવીને અરજ કરી. હે દેવી, મારા ઉદ્યાનમાં એવું ફૂલ મને આપો જે નિર્વિવાદ રાણી તરીકે સ્થાપિત થાય. પુષ્પાદેવીને આ પળોજણ ન ગમે એ સ્વાભાવિક છે. એમનેય ગડમથલ કરવી પડેને! એમની વારે આવતા સ્નેહા સૂચન કરે છે : એવું ફૂલ આપો જે આંખોને Rose જેવું મિષ્ટ અને યુવાનીમાં Lily જેવું ગર્વિષ્ટ હોય.

સ્નેહાદેવીની મૂંઝવણ હવે સ્પષ્ટ થાય છે : ફૂલ આપું પણ કેવા રંગનું ? ગુલાબી લાલ હોય એવું આપું ? સ્નેહાને એ પ્રસ્તાવ ગમ્યો. કારણ કે ગુલાબી નહિ પણ લાલ હોય તેવું ગુલાબી રંગનું ફૂલ સારું લાગશે. પણ મન માનતું નથી. વળી સૂચન કરે છે. ના ગુલાબી લાલ નહિ પણ Lily સરીખું શ્વેત આપો. મનુષ્યના મનડા જો ડગી જાય તો રાજા-રાણીનાય ડગી જાય. અરે દેવતાનાય ડગી ગયાના અનેકાનેક દાખલા આપણી સામે છે. તે વળી આવડા આ સ્નેહાદેવી કઈ વિસાતમાં ? એટલે તરત જ નિર્ણય ફેરવી તોળે ને સમાધાન સાધતા નવો પ્રસ્તાવ મૂકે છે : ‘એવું કરોને કે બેયનું મિશ્રણ થાય. ગુલાબી લાલ પણ હોય Rose જેવુ પણ શુભ અને ગર્વિષ્ટ હો Lily જેવું.’ આખરે સ્નેહાદેવીએ નવસર્જન કર્યું ને સ્નેહાને ઈચ્છિત ફૂલ આપી દીધું – કમળ. Rose અને Lily નું મિશ્રણ. ઝઘડા ખતમ. ખેલ ખતમ. કમળ નિર્વિવાદ રાણીપદ શોભાવે ઉદ્યાનમાં.

તોરુબહેને આમ જન્મ કરાવ્યો કમળનો. યુવાવસ્થાના ઉંબરે એમણે અદભૂત, અકલ્પનીય સર્જનશક્તિનો પરિચય આપ્યો આ કમલપુષ્પના કાવ્યથી. કેટલીય વખત ભણાવ્યું ને કેટલીય વખત મનમાં આવ્યા કરે. હવે તમે કહો આ કમળવન જોઉં ને તોરુબેન સાંભરે કે નહિ ?

કમળવન તળાવને વિરોધાભાસ રચી આપે. આ બાજુ લીલો ભાગ, કમળ વિનાનો ખૂલ્લો ભાગ, નીલો, આકાશને ઝીલતો. કમળવન નજીક નાનકડો ટાપુ. વસતી સભર મોટાભાગે સર્પગ્રીવ અને બતકા, બે મોટી પેણ સાઈઝ અને રંગથી જુદી પડે. મોટે ભાગે ધ્યાનસ્થ હોય. કાગડા અને ટીટોડી ભૂલા પડે એમાં પણ ખ્યાલ આવતા ભૂલ સુધારી લે. ટ્રી ગાર્ડ પર કોઈ સર્પગ્રીવ પાંખને સૂકવે-હલાવી હલાવીને. આજુબાજુના પંખીઓનું ગંતવ્ય હોય એમ આ ટાપુએ પહોંચે. બીજી બાજુના ભાગે સ્થિરતા. બિલ્ડીંગની બીજી જાત -પડછાયા હલબલે પાણીમાં. વૃક્ષોની ડાળીઓ જુએ નિજ પ્રતિબિંબ સ્થિર સપાટીમાં. ઊંડેના માછલા કોઈ વખતે હયાતીના દાખલા આપણને આપીને જતા રહે. ગંગાદેરી સ્વયંના ભૂતકાળમાં સરી પડવા ક્યારનીય ખાબકેલી હોય આ બધાની સંગતમાં. તળાવની કમળવન બાજુએ રીક્ષા અને કારનો ખડકલો જામેલો છે. લોકોની આવનજાવન વધી રહી છે. ચા-પાનની લારીઓ ખૂલી છે ને ગાંઠિયા શાક-પૂરી બની રહ્યા છે નાની નાની રેસ્ટોરાંમાં. સામાપક્ષે મોતીબાગ રોડની દુકાનોની આંખો અને હોઠ હજુ બંધ છે. બિઝનેસ સેન્ટરની બહુમાળી ઈમારત ચૂપ છે હજુ. જીલ્લા પંચાયત, ટાઉન હોલ અને સાગર કોમ્પ્લેક્ષ શાંતિને સંગત આપતા ઊભા છે.

નજર આમતેમ ઊડે ને પૂન: મંડાય કમળવન ઉપર : કેટલાક કમળોએ સન્યાસ લઇ લીધો છે. પોતાની પાંદડીઓને ફેલાવી રાખી છે જળસપાટી પરે. એ પરવારી ચૂક્યા છે એમની ફરજોથી એથી એમને કશું જાણે અડતું ન હોય તેમ લાગે ! પણ ભલા સંસારમાં હો તે કશું અડે નહિ એવું થોડું બને ! બતકાઓ આવી હલાવી જાય. સર્પગ્રીવ એમની ઉપર ચાલે ! કોઈ બતક સ્થિર થઇ બેસે ને ભોજન મળ્યે રવાના થાય પણ કમળપાંદડીઓને હલાવતા જાય. નીચેની માછલીઓ એમને ગલગલીયા અચૂક કરાવી જતી હશે કે કો’ સાપ જરાક ઘસાઈને જતો હશે જ ને ! ખબર નહિ આ કમળવન નીજની નીચે શું સંઘરીને બેઠું હશે ? કોઈ રાજકુમારી, કોઈ કન્યા-મત્સ્ય કન્યા, કે કોઈ જળ રાણી પ્રગટ થાયે તો ?

જુઓને કૃષ્ણએ કમળવનમાં કૂદકો લગાવ્યો તો કેવા નાગરાણી પ્રગટ થયા ! ‘જળકમળ છાંડી જા ને બાળા.’ સુંદરતા સાથે જોખમ પણ ભેટમાં મળે જ છે તેનો આ દાખલો કે નહિ ? ખેર, જે હો તે પણ અત્યારેય નાગદમન કરતા કૃષ્ણ ચિદાકાશમાં ઊઘડી આવ્યા. નાગરાણીની વિનંતી, કૃષ્ણની એ જોખમ સામે લડવાની તૈયારી ને આખરે નાગસંહાર. આપણી સ્થિતિય ક્યાં ઓછી છે કૃષ્ણ કરતા ! ફરક માત્ર જીતનો રહે છે સંસારસમા ફણીધર સામે લડવામાં.

કૃષ્ણ-કમળ સ્મરણમાં વધુ સ્મરણ ઉમેરાય મારા ગામ ભાદ્રોડની નવરાત્રીનું. કમળ નર્તન કરાવતું હોવું જોઈએ અન્યથા એમ બને નહિ. રાસ-ગરબાની રમઝટ પછી સ્ત્રી-પુરુષ વૃંદ થાકે ને બેસી પડે. એ પછી શરૂ થાય નવો ખેલ. નાચવાનું, ગરબા, રાસ લેવાનું જેમને ન ફાવે તેઓ મેદાનમાં આવે. નવરાત્રી હો ને નાચો નહિ, બઘડાટીનો આનંદ ન લો તો ‘યે બાત કૂછ હજમ નહિ હુઈ’ લાગે. એટલે મારી જેવા નહિ નાચણીયા પુરુષો કેડિયા પહેરણથી સજ્જ એક વર્તુળ બનાવે. ડાબો પગ આગળ લઇ જાય ને જમણો સ્થિર. પછી શરીરને આગળ નમાવી તાળી પડે ને શરીર ઊંચું કરી મૂળ મુદ્રામાં આવે ને હાથને હવામાં ઉછાળે. ડાબો પગ હોય તેમ સ્થિર જ રહે. આવા વર્તન-આવર્તનમાં ભળે એમનું ગીત : ‘કૃષ્ણની વાડીમાં કમળ ખીલીયા રે લોલ’. ને બધા પણ ખીલતા રહે. મને એ રીતનો ખીલવાનો અનુભવ છે.

કૃષ્ણ અને મોરપીંછ તો ભગવાન બુદ્ધ અને કમળ. એકમેવની પહેચાન. શ્વેતકમલધારી ભગવાન બુદ્ધનું ચિત્ર મનમાં કાયમી છે. સરોજીની નાયડુએ એમને મા સરસ્વતીની જેમ કમળ પર બિરાજીત કર્યા છે. એમનું :To a Buddha Seated on a Lotus રૂપકડા કાવ્યનો નમૂનો ખરો પરંતુ આપણને તો કમળ અને બુદ્ધમાં રસ. તેઓ કહે છે : ‘And all our moments are / A session of the Infinite.’ બોધિ ધર્મમાં આઠ પ્રતિકો મંગળ ગણાવાયા છે તેમાંનું સૌથી પ્રચલિત પ્રતિક આ કમળ. એના મૂળ કાદવમાં પરંતુ બાહ્ય ઉર્ધ્વગામી વિકાસ કરે બોધિવાદ આ વાત સમજાવે છે: કાદવરૂપી સંસારમાં ખૂંપેલા આપણા આત્માને બહાર લાવવાનો છે ને સૂરજની રોશની પામવાની છે. બોધિવાદ ભલે જે ગણે તે, ભલે તેના રંગો વિવિધ પ્રતિક બને, અર્થો અલગ અલગ; પણ શ્વેત, ગુલાબી, લાલ કે ભૂરું, મારે મન કમળ એટલે કે એક જ અર્થ – સૌંદર્યમૂલક.

ભાલ પ્રદેશમાં આવેલી ભડીયાદ ગામની ગેબનશા પીરની દરગાહ પાછળ રહેલા તળાવમાં કેટલાય કમળ જોયેલા. તળાવ સુકાઈ ગયેલું પણ કમળ ભીના હતા-લીલા હતા. અમારે સારું ફળ લઈને ઊભેલા. દીકરા રિહાનને લઇ ઉતર્યો હતો તળાવમાં. મજાનું એક તોડી સુંઘવા લાગેલો. પછી બીજાને પામવા જાય, ત્રીજું, ચોથું એમ કેટલાયને એણે ‘સ્પર્શ’ કરી લીધો. મરક મરક થતો જાય. એને હાથમાં કમળ લઇ ઊભેલો જોઈ હું પણ મરક મરક ! મેં એક ફળ તોડ્યું ને એને આપ્યું. એને સ્પષ્ટ નહોતું શું કરવું તે. મેં કહ્યું, ‘ખાઈ જા.’ એની આંખો ને ભાવ આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. અવઢવ વ્યક્ત કરતા હતા. મેં એ દૂર કરવા સ્વયં ‘Lotus Eater’ બની ગયો. બીજું તોડી એને આપ્યું ત્યારે એણે ખાધું. ટેનીસનની જેમ અમારે સ્પેઇન જવાની જરૂર ન પડી. નાવિકો કમળ ખાઈને ઉન્નત અવસ્થામાં સરી પડે છે ને બાહ્ય જગતથી અલગ થઇ જાય છે. અલબત્ત કમળને જોઇને કે ખાઈનેય આ અવસ્થા મનસ્થ, હૃદયસ્થ થાય જ. જેમ એ નાવિકોને એમ આપણને: ‘And taste, to him the gushing of the wave, / Far away did seem to mourn and rave’.

લ્યો, આ ગેબનશા પીરની પ્રસાદી જ ને ! એ આ દરગાહ પૂરતી સીમિત નથી. તમે પણ લેજો જ્યાં મળે ત્યાંથી.

- હરીશ મહુવાકર


પુસ્તક પ્રેમ

૨૩મી માર્ચ હમણાં ગઈ. એ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવામાં આવે છે. ફેસબુક, વોટ્સ એપ પર બધાએ ખુબ બધા સ્ટેટ્સ મૂકીને દિવસ મનાવ્યો. મેં પણ સ્ટેટ્સ મુક્યું જ હતું, ‘So, please, oh please, we beg, we pray, go throw your TV set away, and in its place you can install, a lovely bookcase on the wall.— Roald Dahl.....’ પરંતુ ખરેખર એ દિવસે આપણે કોઈએ એક પુસ્તક હાથમાં વાંચવા માટે લીધું???? લીધું હોય તો તો તમે એ દિવસ સાચી રીતે ઉજવ્યો.

અત્યારે આપણી પાસે સમય પસાર કરવા માટે ઘણા બધા સાધનો, માધ્યમો છે. બહાર ફરવા જવા આવવા માટેની સગવડો છે. એથી આપણે સમજીએ છીએ કે સમય પસાર કરવા માટે કોઈ પુસ્તક જેવા સહારાની જરૂર નથી પડતી. જો કે પુસ્તક પ્રત્યે પ્રેમ હોવો એટલે વાંચનનો શોખ હોવો, વાંચનની આદત હોવી..એના માટે ઉપરના બધાજ સાધનો માધ્યમો ઉપલબ્ધ હોય તો પણ પુસ્તક વાંચી શકાય. બસ, એમાં રસ હોવો જોઈએ. પુસ્તક જેવો સહારો બહુ સદભાગી વ્યક્તિ પામે છે. એક વ્યક્તિથી પણ વિશેષ પુસ્તક હુંફ પૂરી પાડે છે. પ્રકાર ગમે તે હોય બસ પુસ્તક પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. વાંચન માટેની એક ભૂખ હોવી જોઈએ શબ્દો માટે એક તૃષ્ણા હોવી જોઈએ.

પ્રેમ જોઇને નથી થતો એટલે પુસ્તક પ્રત્યેનો લગાવ પણ પ્રેમની જેમ સાહજિક હોય છે. પરંતુ માણસ ઘણી બધી આદત કે વ્યસનની ટેવ પાડે છે. એ રીતે પુસ્તક વાંચનની પણ ટેવ જરૂર પાડી જ શકાય. બાકી બહાના તો ઘણા આપી શકાય, કે જવાદો ને ટાઈમ જ નથી હોતો..અત્યારનું જીવન જ એવું દોડ્ધુપવાળું છે કે વાંચવા માટે ટાઈમ જ નથી મળતો.

અરે, એક વાત સુઝાડું?? તમે માત્ર એક દિવસ લાઈબ્રેરીમાં જઈને બેસો. તમને ગમશે. તમે પુસ્તક સાથે ઘનિષ્ટ મિત્રતા કેળવશો તો જીવનની કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમે જાતે જ લાવી શકશો. આ મારી ગેરંટી છે. તમે કોઈપણ વાણી બોલતા કે વર્તન આચરતા પહેલા એક વાર થોભી જશો.. અને પછી જે સ્ટેપ હશે એ ૧૦૦ ટકા તમારા આત્મવિશ્વાસને વધારનારું હશે. એ તમારા આત્માને સંતોષ આપનારું હશે.

હવે હું સમજુ છું કે આ ભાગદોડ જેવી જીંદગીમાં પુસ્તક શોધવું કે એના માટે સમય કાઢવો મુશ્કિલ હશે પરંતુ સમયને ડોનની જેમ પકડવો નામુમકીન તો નથી જ... એટલે તમારે તમારી જાતને તૈયાર કરવી હોય તો તમારા બધા જ શોખ વિકસાવો, પુરા કરો.. પણ સાથે સાથે તમારા સમયનો થોડોક ભાગ વાંચનની ટેવ ને વિકસાવવા માટે કરો. તમને જે ગમે તે.. અસંખ્ય વિષયો છે... એના અઢળક પુસ્તકો છે, ઉપાડો વાંચો, વિચારો, અને થોડુક મનન કરો. તમને ગમશે. ૨૪ કલાક ના દિવસમાંથી માત્ર શરૂઆતમાં ૨૪ મિનીટ ફાળવો. મનમાં નક્કી કરો તમારો ગમતો વિષય શોધો, વાર્તા, નિબંધ, સામાન્ય જ્ઞાનની જાણકારી આપતા પુસ્તકો. એમાં પણ વાર્તાના પણ પ્રકારો સાહસકથા, પ્રેમ કથા એવા અસંખ્ય વિષયોમાંથી તમને શું ગમે છે એ નક્કી કરી અને એક પુસ્તકાલયમાં જઈ અને મનગમતા વિષયનું એક પુસ્તક લઇ આવો. અને દિવસની માત્ર ૨૪ મિનીટ ફાળવો. તમને એ એક સાધના જેવું લાગશે. શરૂઆતમાં ટેવ નહિ હોય એટલે મન એકાગ્ર નહિ રહે પણ ધીમે ધીમે તમને ગમશે અને પછી તો એ સમયે આપોઆપ તમારો હાથ પુસ્તક લેવા માટે મજબુર થશે.

તમે સ્ત્રી હો તો દિવસનો બપોરનો સમય તમારા માટે ફાળવો. પરવારીને પુસ્તક સાથે બેસો. અચ્છા, તમે જોબ કરો છો??? કોઈ વાંધો નહિ... તમારે બ્રેક તો પડતા જ હશે. ત્યારે એક પુસ્તક સાથે રાખો અને વાંચો. અચ્છા બ્રેકમાં જમવાનું હોય છે ..તો શું તમે જોબ પર જતી આવતી વખતે કોઈ પણ વાહન માં જતા આવતા હો ત્યારે પુસ્તક સાથે રાખો. મજા આવશે. સમયનો સદુપયોગ થશે.નફામાં તમારું નોલેજ વધશે.

અઓહો, તમે પુરુષ છો?? વાંચવાનો સમય નથી મળતો, તમે પણ જોબ પર જતી આવતી વખતે પુસ્તકને તમારો સાથી બનાવી શકો છો. ઘરે આવીને દસ પંદર મિનીટ જો તમારા કોઈ વ્યસન માટે ફાળવતા હો તો ૨૦ મિનીટ પુસ્તક નો સાથ લેશો તો ચોક્કસ ટેન્શનો તમારાથી જોજનો દુર રહેશે. હું એવું નથી કહેતી હો કે માત્ર પુસ્તકો જ વાંચો બીજા બધા મોજશોખને તિલાંજલિ આપો. તમારા ૫-૫૦ મિત્રો અને ૧૦૦૦ ફેસુબુકના મિત્રોની સાથેસાથે આ એક અનોખો મિત્ર પાલવવો તમને ચોક્કસ પરવડશે. નફામાં તમે ફેશ રહેશો, મનગમતું વાંચશો એટલે, દવા—દારૂ(!)ની પણ જરૂર નહિ પડે.

આ શોખમાં બીજો એક ફાયદો શું છે ખબર છે?? તમે કોઈ પણ ઉમરના હો તો તમને તમારા લાયક પુસ્તક મળી રહેશે. બાળકો સાથે બાળક બની રહે એવા પુસ્તકો પણ ઉપલબ્ધ છેજ. અને યુવાનો માટે તો પુસ્તકોનું આખું એક વિશ્વ જ છે. જેમાં તમે ખુપી શકો. અને પ્રૌઢો માટે પણ એમના શોખ ને અનુરૂપ પુસ્તકો હોય જ છે. બસ એક કપડાની પસંદગી વખત કેવો મનગમતો કલર શોધીએ છીએ એમ જ તમારા મનને અનુરૂપ વિષય રંગ પસંદ કરો અને રંગાતા જાવ.

અને હવે તો આ વર્ચ્યુઅલ દુનિયામાં તો લાઈબ્રેરી પણ તમારી આંગળીના ટેરવે જ છે. એટલે તમે બહાના કાઢશો જ નહી. તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં તમે તમારી મનપસંદ એપ પર જાવ તો e-બૂક હાથવગી જ છે.

જીવન ખુબ ટૂંકું છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ એ ટૂંકું હોય કે લાંબુ, અઘરું હોય કે સહેલું, પુસ્તક તમારું હમસફર હશે... તો તમે તમારું જીવન એક સુંદર રંગોળીની જેમ કલરફૂલ બનાવી એને શોભાવી શકશો.

તમારા મારામાંથી ઘણાને આ વાંચતા પોતાના શાળાના દિવસો દરમ્યાન વકતૃત્વ સ્પર્ધામાં લીધેલ દિવસો યાદ આવ્યા હશે. ‘પુસ્તક તમારો મિત્ર’એના પર બોલ્યા પણ હશો. પરંતુ પુસ્તક સાથે મિત્રતા કેળવી હશે તો એની કીમત તમને સમય કરાવશે.

૨૩મી માર્ચે જો તમે વર્લ્ડ પુસ્તક ડે વિષે સ્ટેટ્સ મુક્યું હશે તો તમારા અંતરમનના ખૂણે ક્યાંક ને ક્યાંક પુસ્તક પ્રત્યે પ્રેમ છુપાયેલો જ હશે એને ઢંઢોળો અને વિકસાવો... એ પ્રેમ તમને ક્યારેય દગો નહિ આપે, હમેશા વફાદારી નિભાવશે... ભલે ને તમારી માશુકાએ નહિ નિભાવ્યો હોય તો પણ.

–જાહ્નવી અંતાણી

પ્રકરણ-૫

અચાનક ગમગીન બની ચુકેલા વાતાવરણ બાકીના ત્રણે મિત્રોનો અવાજ જાણે બેસી ગયો હતો. ભરતે ઝીલેલા કારમા કુઠારાઘાત માટે આશ્વાસન કઇ રીતે આપવું એ ત્રણેયમાં પ્રમાણમાં હોંશિયાર સુનિલને પણ સુઝતું નહોતું. ભરતને પાણીની બોટલ આપી ધરપત રાખવાથી વિશેષ કંઇ બોલી શક્યો નહિ. બે મિનિટ માટે જાણે શૂન્યાવકાશ સર્જાય ગયો હતો. પણ ચારેય મિત્રોની તંદ્રા અચાનક તુટી. દુરથી રેલાતો હેલોઝન લાઇટનો પ્રકાશ જેમ જેમ નજદીક આવતો ગયો, આંખોને આંજતો ગયો. દુરથી સંભળાતી ઘર્રાટી નજદીક આવતા કાનના પડદા હલાવી ગઇ. ચારેય મિત્રો જે બાંકડા પર બેઠા હતા તેની બિલકુલ પાસે આવીને એન્જીન બંધ થયું. એક અનોખી અદા સાથે તેને સાઇડ સ્ટેન્ડ ઉતાર્યુ અને ઘોડા પરથી ઉતરતો હોય તે રીતે બાઇક પરથી એક નવજુવાન ઉતર્યો. પાછળ સ્ટેન્ડમાં લટકાવેલી થેલીઓ છોડતા છોડતા બાંકડા તરફ નજર પડતા તરત એને બૂમ પાડી. "અરે સુનિલ, તું હજુ અંહિયા જ છે? ગામડે ગયો નથી?"

"ના સર, આજે મિત્રો ગામડેથી આવેલા હતા. એટલે બાબાના દર્શન કરવા લઇ આવ્યો હતો. પણ ડાયરેકટ બસનો સમય ચૂકી જતા હવે મોડેથી હાઇ-વે પર કોઇ પણ ટ્ર્ક કે ખટારો મળી જશે. હાઇ-વેથી અંદર પાંચ સાત કીલોમિટર ચાલી નાંખીશું." સુનિલે બહુ જ નમ્રતાભર્યો જવાબ આપ્યો.

"મિત્રો સાથે છે એટલે મજા આવશે નહિ? અચ્છા તમે હમણા અંહીયા જ છો ને?" બાઇક પરથી ઉતરેલા યુવાને સુનિલ તરફ નજર નાંખતા સવાલ કર્યો.

"જી સર, અંહીયા જ છીએ" સુનિલે અદબભેર જવાબ આપ્યો.

"જરા આ થેલીયો જોજો ને. કુતરા ખેંચી ના પાડે" યુવાનનો આગ્રહ ભર્યો અવાજ પડઘાયો.

"સર, અમે અહી જ બેઠા છીએ. તમે ચિંતા ન કરશો" સુનિલનો જવાબ સાંભળતા પહેલાં જ કોથળીઓ પૈકી એક મોટી કોથળી લઇને બાકીની કોથળીઓ બાઇક પર જ મુકીને મંદિર પરિસર તરફ ચાલવા માંડ્યો.

"અરે સુનિલ આ તો એ જ છે ને? જે હમણા થોડીવાર પહેલા જ અહીથી ગયો હતો?" ત્રણમાંથી એક મિત્રનો સવાલ તૈયાર જ હતો.

"હા, એજ છે. અમારા સમીર શેઠ"

"પણ થોડીવાર પહેલા તો બ્લૂ કલરની બાઇક હતી ને? તો અત્યારે રેડ કેવી રીતે થઇ ગઇ? તારો શેઠીયો જાદૂગર તો નથી ને?" ભરતના ટીખળી સવાલથી એ સામાન્ય થયો હોવાનો હાશકારો ત્રણેય મિત્રોના મોઢા પર દેખાયો.

"મેં હમણા તો કીધું કે એની પાસે આવી તો પંદર બાઇક ગેરેજમાં પડી રહે છે. આ યામાહા આર-1 છે. એક હજાર સી.સી.ની આ બાઇકમાં ટવીન બ્રધર કંપનીનું સાઇલેન્સર અલગથી ફીટ કરવામાં આવેલુ છે એટલે તેનો અવાજ એમ્પલિફાયરની જેમ વધુ આવે છે" જ્ઞાનીબાબા સુનિલ કી જય હો. તરત જ નીચે બેઠેલા મિત્રએ ટીખળ કરી.

"ભાઇ મહેશ, ચાર વર્ષથી હું એમને ત્યાં નોકરી કરું છું. અને થોડો આપણો ઉત્સુક સ્વભાવ એટલે જાણકારી વધતી જાય છે. અને હું સુનિલબાબા બનતો જાઉં છું" સુનિલે મિત્રોને મસ્તીના મૂડમાં આવતા જોઇને ખુશી સાથે જવાબ આપ્યો.

"યાર ભુખ લાગી છે. આ તારા શેઠીયાની કોથળીઓમાં ખાવાનું જ ભરેલું હોય એવું લાગે છે. ચાલો એકાદ છોડી લાવીએ" બાકડાની નીચે બેઠેલો મહેશ જાણે સુંઘતો હોય તે રીતે બાઇક તરફ નજર કરીને ઉંડો શ્વાસ ખેચીને મજાક કરતો જઇને બોલ્યો.

"બિલાડીની નજરમાં છીછડાં જ હોય" સુનિલે પણ તરત હસીને પ્રત્યુતર વાળ્યો.

"હા એમા ખાવાનું જ છે. પણ સૌથી પહેલા સમીર શેઠ ભગવાનને ધરશે. પછી અંહી બેઠેલા તમામ ભિખારીઓમાં એક એક થેલી વહેંચશે"

"અંહી બેઠેલા તમામ ભિખારી...મતલબ આપણને પણ??" મહેશની ટકોર પર ચારેય મિત્રો ખડખડાટ હસી પડ્યા.

"હા,આપણને પણ...પણ આપણને માત્ર પુરી અને શાક મળશે. અસલ પકવાન તો ભગવાનને જે ભોગ ધરવા માટે કોથળી લઇ ગયા તેનામાં છે. શુદ્ધ ઘીની મીઠાઇયો અને ફળફળાદી." થોડો ઉંડો શ્વાસ લઇને મંદિર તરફ નજર કરતા જઇને સુનિલે ફરી બોલવાનું શરૂ કર્યું.

"મિ..લોર્ડ... આ તો તારો કેવો ન્યાય છે. તું તો બધુ જોવે છે,જાણે છે છતાંયે? આ તારા ચાર ભકતો તારી ભક્તિમાં લીન થઇને ભુખ્યા બેઠા છે. અને તું જાતજાતના વ્યંજનો અને ભાતભાતના પકવાન આરોગે છે?

વાહ રે મિ..લોર્ડ..તારો ન્યાય.." ભુખ્યા થયેલા મિત્રો સુનિલની વાત પર મરક મરક હસી પડ્યા. સુનિલે આગળ વાત ચાલુ રાખી.

"પણ એક વાત છે યારો, અહી છે એવા દેશમાં લાખો મંદીરો અને ધર્મસ્થળો ઉપર હજારો ટન ઘી,દુધ,પકવાનો,પૈસા,સોનું,ચાંદીનો ચઢાવો આવતો હોય છે. હવે રોજ એ કરોડો રૂપિયા,હજારો તોલા સોનું,ચાંદી, લાખો ટન જમવાનું પત્થરની મુર્તિઓ આગળ કે મૃત મહાત્માઓની કબર પર એટલે કે મજારને અર્પણ કરવામાં આવે છે. હવે આ બધું રોજ ભગવાન ઉપરથી આવીને લઇ જતા હશે? ભગવાન શું કરતા હશે આ બધી વસ્તુઓને? દરેક મંદિર,મસ્જિદની આગળ ભિખારીઓનો જમાવડો હોય છે.

મિ...લોર્ડ..બહાર તારા સર્જીત માનવો ભુખથી ટળવળે, ઠંડીથી ઠુંઠવાયને મરતા રહે અને તું અંદર આલિશાન મહેલો જેવા મંદિર-મસ્જિદોમાં ભોગ આરોગતો રહે એ તો કેવો ન્યાય છે તારો?"

"આધુનિક યુગના ભેખધારી બાબા સુનિલદેવની જય હો" ભરત,અને મહેશ વચ્ચે હાથ ઉછાળતા જઇને રમુજ સાથે બોલ્યા.

"પણ એક વાત છે મિત્રો.. મિ..લોર્ડ અન્યાય તો કરે જ છે. એ પણ ખાસ એક વર્ગ સાથે જ. આ એનું પક્ષપાતી વલણ મને બિલકુલ નથી પસંદ. જુઓ અમારા સમાજની વાત કરું. મોટા મુલ્લા-મૌલ્વીઓ બયાન કે કથા કરવા આવે. કથામાં બહુ મોટી મોટી વાતો હોય સાદગીની,ગરીબો માટે દયાભાવની, પણ તેઓ પોતે એ.સી.મોટરકાર સિવાય પ્રવાસ નથી કરતા. એમનો ઉતારો ગામના તવગંર શેઠને ત્યાં જ હોય છે. મેં તો કદી એમને સાદુ ભોજન આરોગતા નથી જોયા. એમના થાળમાં બત્રીસ ભોજન અને તેંત્રીસ પકવાનો હોય છે. અને કથા કરવા આવે ત્યારે માઇક હાથમાં આવતાવેંત જ,સાદગી અને ગરીબીની વાતો. અરે, ભાઇ ગરીબોનું કલ્યાણ કયાંથી થવાનું? મુલ્લા મહામુલી મહેમાનગતિ માણીને,મોટી મોટી ભેટ સોદાગો લઇને બધીજ દુઆઓ એ માલદારના ઘરે ઠાલવી આવે છે. "ખૂદા તુમ્હારે કારોબાર મે બરકત દે.તુમ્હારે રોજી-રોજગારમે બરકત દે. બાલ બચ્ચો કો સલામત રખ્ખે" એ ભરેલાનું ઘર જ ભરવા માટેની બધી દુઆઓ આપી દે. અને રીતસર જાણે સિફારિશ કરે છે તો પછી ઉપરવાળો પણ કયાંથી કંગાળોનુ સાંભળે? સબ જગહ રિશ્વત ચલતી હે ભાઇલોગ.. મિ..લોર્ડ કો ભી ખુશામત પ્યારી હે" કયારનો શાંત બેઠેલો સલીમ અચાનક સક્રીય થયો અને જાણે કે સડસડાટ બોલી ગયો. સલીમ જેવો ચુપ થયો કે તરત જ મહેશ અને ભરતે તાળીઓ વગાડવાનો અભિનય કર્યો. "મૌલ્વી સલીમ જિંદાબાદ" નો નારો લગાવતા હોય એમ હવામાં હાથ ઉછાળીને ડોળ કરવા લાગ્યા. ચારેય મિત્રો ભરત અને મહેશની આ રમુજી ચેષ્ઠાથી ખડખડાટ હસવા લાગ્યા.

સુનિલે હાસ્ય થોડું શાંત પડતા ટાપસી પુરાવી."પણ એક વાત તો છે યાર કાગડા બધે કાળા. હિંદુ હોય કે મુસલમાન, ગરીબ ભક્તોની હાલત બધે ખરાબ જ હોય છે. અને માલેતુજાર બંદાઓને લીલી વાડી જ હોય છે. પણ આ બધામાં મિ..લોર્ડ સૌની અદાલતમાં સૌથી વધુ નજર અંદાજ થાય છે મધ્યમ વર્ગ. હંમેશા સૌથી વધુ વેઠવાનું મધ્યમ વર્ગના ભાગે જ આવતું હોય છે. માલદાર વ્યક્તિને કોઇ સામાજીક વ્યવહાર સાચવવાની ગરજ હોતી નથી. અને ગરીબનું ગરીબીમાં ગણાઈ જાય છે. મધ્યમવર્ગી વ્યક્તિ ગાંઠને ખર્ચે ગમે તેવા વ્યવહાર સાચવતો હોય છે. ગરીબ માંગીને પણ ખાઈ શકે છે. માલદારની સદાય ઉભરાતી હાંડલીઓને કોઇ આવશ્યકતા રહેતી જ નથી. અને સ્વભિમાની મધ્યમવર્ગીય માણસ ન તો હાથ ફેલાવી શકે છે. ના તો જઠરાગ્નિ ઠારી શકે એટલી હાંડલીઓ ભરેલી હોય છે. બધી સરકારી સહાયો ગરીબો માટે હોય છે.મધ્યમવર્ગ માટે કોઇ સહાયો હોતી નથી" સુનિલબાબાનું ગળુ વધારે ગરમ થાય અને ભાષણમાં તણખા ઝરવા લાગે એના પહેલા મંદિરના પરિસરમાંથી ઝડપભેર ટટ્ટાર ચાલે નવજુવાન બાંકડા પાસે આવ્યો.

"સુનિલ...."-દુરથી અવાજ સંભળાતા સુનિલ અને ચારેય મિત્રો વચ્ચે ફરીથી પીન ડ્રોપ સાયલંસ જેવું વાતાવરણ સર્જાઈ ગયું..અને આઠેય કાનમાં સન્નાટો વિખેરતો અવાજ પડઘાયો- “સુનિલલલ..” [ક્રમશઃ]

-ઇરફાન સાથિયા

આ અંક આપને કેવો લાગ્યો?

તમારા અભિપ્રાયોની રાહમાં છીએ, ‘શબ્દાવકાશ’ એ તમારું પોતાનું મેગેઝીન છે.
અમારો સંપર્ક અમારી ટીમ દ્વારા કે ઈમેઈલ દ્વારા તમે કરી શકો છો.

હવે પછીના અંકોમાં આપ સહુ પણ આપના લેખ-વાર્તા વગેરે અમને મોકલી શકો છો. kathakadi.online@gmail.com, આ છે અમારી email-id. આપનું લેખન-કાર્ય આપ અમને અહીં ઈમેઇલ કરી શકો છો.
આવો લખીએ..
.

.
શબ્દવકાશ ટીમ વતી:
--ઈરફાન સાથીયા
--અજય પંચાલ
--જાહ્નવીબેન અંતાણી
--નીવારોઝીન રાજકુમાર-
-અશ્વિન મજીઠિયા
--નિમિષ વોરા