જવતલ
“કેટલા થ્યા?” મેં પુછ્યુ.
“વીસ રૂપીયા” રીક્શા વાળાએ મારા રૂમ થી સ્ટેશન સુધીનું ભાડુ જણાવ્યુ.
કોલેજમાં શનિ-રવિની રજા હતી એટલે હું ઘરે જઇ રહ્યો હતો. રાજકોટ થી મારું ગામ દ્વારકા લગભગ અઢીસો કિલોમીટર દુર. ગામ થી નજીક બે જ મોટા શહેરો જામનગર અને રાજકોટ. જામનગરની સરખામણીએ ભણવા માટે રાજકોટમાં ઘણા સારા વિકલ્પો.
ટીકીટ બારીએ થી ટીકીટ લઇ હું પ્લેટફોર્મ પર ગયો. શિયાળો પુરબહારમાં જામ્યો હતો. હાજા ગગળાવી દે એવી ઠંડી હતી. ટ્રેન આવવાને હજી થોડી વાર હતી. “ચાય પીયો ચાય”, “સાય્બ ચા પીસો?” એક નાનો બાળક ચા વેચી રહ્યો હતો. સ્કુલે જઇ ભણવાની ઉંમર હતી એની પણ ગરીબી નામની મજબુરીએ કાગજ-કલમને બદલે ચા ની કીટલી થમાવી દીધી હશે એના હાથમાં. ફાટેલા કપડા હતા એના પણ ઠંડીયે કદાચ ગરીબોના સરનામે નઇ જતી હોય. મેં ચા લીધી, ઘુંટડો ભર્યો શરીરમાં થોડી ગરમી વળી. ચા પીધી એટલામાં ટ્રેન આવી. સદભાગ્યે ટ્રેન ખાલી હતી, ભીડ સામાન્ય હતી. હું ઓછી ભીડ વાળા એક ડબ્બામાં ચડ્યો. થોડીજ વારમાં વ્હીશલ વાગી અને ધીમી ગતિએ ટ્રેન ઊપડી. ફક્ત બે જ દિવસ માટે ઘરે જતો હતો એટલે સામાનના નામે માત્ર એક નાનકડી બેગ જ હતી એ ગોઠવી હું મારી જગ્યાએ બેઠો. થોડીજ વારમાં ખંઢેરી શ્ટેશન આવ્યું. ખંઢેરી શ્ટેશન ગયા પછી હું ટ્રેનના દરવાજે ઉભવા ગયો. ઠંડી તો ભયંકર હતીજ પણ ટ્રેનના દરવાજે ઉભવાની એક અલગજ મજા છે. નજર સામે ખુલ્લું આકાશ, ખેતરો, કોઇ નદીનો પુલ, એકાદ શહેરની ચકાચોંધ તો એકાદ ગામના ઘરોમાં બળતા દિવા, ખેતરે થી બળદ ગાડાં માં મોજ થી દુહા લલકારતો ઘર તરફ જતો ખેડુત ને પોતાના માળા તરફ પાછા ફરતા કિલકીલાટ કરતા પંખીઓ અને સમી સાંજે ઢળતો સુરજ આ તમામ દ્રશ્યો કોઇ ફિલ્મના સીનની જેમ એક પછી એક પસાર થતા જાતા હતા. જોકે ટ્રેનના દરવાજે ઉભવુ જોખમી તો છે જ પણ તોયે હું નિસફિકર પ્રક્રુતીને માણતો ઉભો હતો. પડધરી શ્ટેશન આવ્યું. ફક્ત બે મીનીટ માટે જ ટ્રેન ઉભી રહી અને વ્હીશલ વાગી. હજી ટ્રેન ઉપડવાની તૈયારી માંજ હતી એટલામાં એક વ્રુધ માજી મારા ડબ્બામાં ચડ્યા. દુબળું પાતળું શરીર, ચહેરા પર કરચલી ઓ, લગભગ સફેદ થઇ ગયેલા વાળ અને એકદમ મેલી ગંધાતી સાળી પહેરી હતી. એમના બંન્ને હાથમાં વજનદાર થેલાઓ હતા. ટ્રેન સ્હેજ આગળ વધી હસે ત્યાં એ માજીએ થેલા માંથી થોડા પડીકાઓ હાથમાં લીધા. “ખારી શીંગ” “ચણાની દાળ” “પીપર” માજી માંડ બોલી શકતા હતા. આખા ડબ્બામાં ચક્કર લગાવી માજી મારી પાસે આવી નીચે બેઠા. થોડા થાકેલા અને નીરાશ જણાતા હતા. આંખમાં જળજળીયા દેખાતા હતા.
“શું થયું માજી?” મેં પુછ્યુ
“કાંઇ નઇ દિકરા” સાડીના છેડાથી આંખો લુછી માજીએ જવાબ આપ્યો.
“દિકરો કહો છો અને પાછા ખોટુ બોલો છો?”
“ના બેટા પણ મારે તો આ રોજનું છે”
“ આ ઉંમરે તમે કેમ ઢસરડા કરો છો?”
“કિશ્મત”
મને માજીની વાતો માં રસ પડતો હતો અને આમેય હું એકલો એકલો કંટાળતો હતો એટલે મેં વાત આગળ વધારી.
“કંઇક સમજાય એવુ બોલોને” મેં કીધુ
“ક્યારની આ લઇને નીકળી છું પણ સમ ખાવા પુરતુ એક પડીકુંય વેચાણુ નથી આજે” માજીએ ઉંડો ની:શ્વાસ નાખ્યો.
“લાવો મને એક શીંગ નુ પડીકું આપો” મેં મદદ કરવાના આસયે શીંગ ખરીદી
પછીનું સ્ટેશન આવવાને વાર હતી, શીંગનું પડીકું ખોલી શીંગ ખાતાખાતા મેં આગળ પુછ્યું
“કેમ માજી કોઇ દિકરા નથી?”
માજીની આંખમાં ફરી આંસુ ડોકાયા. મને મારી ભુલ સમજાણી. અજાણતા જ કોઇ દુ:ખતી નસ દબાઇ ગઇ હતી મારાથી.
મારી પાસે રહેલી પાણીની બોટલ માંથી મે માજીને પાણી આપ્યું. પાણી પીને માજી થોડા સ્વસ્થ થયા. આંસુ લુછી ગળુ ખંખેરી માજીએ મારી સામે જોયુ અને બોલ્યા
“તુ પુછસને કે આ ઉંમરે કેમ ઢસરડા કરો છો અને કોઇ દિકરા છે કે નઇ? તો સાંભળ”
“ ચૌદ વરહની હતી તેદિ લગન થયેલા. ભણવાની ઘણી ઇચ્છા હતી પણ ભણવાની ઉંમરે હાથ પીળા થઇ ગયેલા. સુખી પરીવાર હતો. આંય જાળીયા ગામ માં જ મારુ ઘર. બે ભેંહુ હતી, હું દરરોજ સવારે ભેંહુ દોતી અને શિવુના બાપુ દુધ વેસીઆવતા ગામ માં”
“શિવુ?” માજીને વચ્ચેથી અટકાવતા મેં પુછ્યુ.
“શિવાની, અમારી સ્હાત ખોટની દિકરી. ઘણી માનતાયુ કરી હયસે તયેં માતાજી એ દિકરી દીધી. શિવરાત્રીને દિ આવાતી એટલે શિવાની નામ રાયખુ. ઇ પછીતો ત્રણ વરહે માતાજીએ દિકરોય દિધોતો પણ...” માજી આગળ બોલી ન શક્યા. ગળે ડુમો બાજી ગ્યો.
“પણ શું?” માજી થોડા સ્વસ્થ થયા એટલે મેં પુછ્યુ.
“મારો કાનો જાજુ જીયવો નઇ. શિવુ દહ વરહની હયસે ત્યારે ને કાનો સ્હાત વરહનો. સવારનો ટેમ હતો ભેંહુ દોયને મેં પવાલી ભરી, ખબર નઇ કેમ પણ તેદિ ભેંહુએ દુધેય ઓસુ આપેલુ.” જાણે આજ કાલની ઘટના હોય એમ માજી બોલતા હતા.
“તેદિ બરોબર શિવુયે જાગી ગયેલી. કાનો ને એના બાપુ હજી સુતાતા. હું ને શિવુ તેદિ મહાદેવના દરશને ગ્યાતા. પાસા આવતાતા તો મને ચક્કર જેવુ લાયગુ તે હું તો યાં ને યાં હેઠે બેહી ગય. મારી નજર સામા કેટલાય ઘર પડી ગ્યા હયસે. મહાદેવનું મંદિર હતુ નોતુ થઇ ગ્યુ પણ શિવલીંગ ને કાંઇ નોતુ થ્યુ હો. પસે ખબર પડી કે આતો મુઓ ધરતીકંપ થ્યોસે. તે હુંતો શિવુ નો હાથ પકડી ને દોયડી મારા ઘર બાજુ પણ હું મોળી હતી અમારો માળો વીખાઇ ગ્યોતો. મારો કાનો ને એના બાપુ કાટમાળ હેઠે દબાય ગ્યતા. ભેંહુ ભામભરતીતી, પવાલી મા ભરેલુ દુધ ઢોળાઇ ગ્યુતુ અને લોઇના ખાબોચીયામાં ઇ દુધ ભળી ગ્યુતુ”
આટલુ બોલતા બોલતા માજી ચોધાર આંસુએ રડી પડ્યા. મેં માજીને ફરી પાણી આપ્યુ. પાણી પી માજી સ્વસ્થ થયા એટલે માજીએ આગળ વાત માંડી.
“પસી હુંને મારી છોડી નોંધારા થઇગ્યા, અમારાય ખાવાના ઠેકાણા નોતા તો ભેહુને તો શું ખવરાવીયે એટલે ઇનેય છોડી મુયકી.પણ મારી શિવુ તો હજી નાની હતી ઇને મારે ભણાવીતી, ઈના લગન કરવાતા એટલે ખેતરે મજુરી કરવા ગય પણ આજકાલ તો એક આવકમાં કેમ પુરુ થાય એટલે દિવસે મજુરી કરુ ને સાંજે જાળીયે થી રાજકોટ ને પાછી વળતી ટ્રેન માં રાજકોટ થી જાળીયે શિંગ-દાળ વેચુ.”
આટલુ બોલી માજી અટક્યા એટલે મેં પુછ્યુ
“શિવાની કેવડી થઇ?”
“પચ્ચી વરહ ની થઇ મારી દિકરી, હમણે જ કોલેજ પુરી કરી ને હવે આવતા વૈશાખ મહીને સ્હગાય કરવીસ”
એકલે હાથે દિકરીને કોલેજ સુધી ભણાવી એ માટે મને માજી પર માન થયુ અને એકની એક દિકરી ને સાસરે વડાવ્યા પછી માજીનું શું થાશે? એ પ્રશ્ન પણ મનોમન ઉદભવ્યો.
“બસ ઇ મારી શિવુળી ના લગન સારુ જ પૈસા ભેગા કરુ છુ પણ આજ એકેય પડીકુ નોતુ વેચાણુ એટલે દુ:ખી હતી દીકરા”
“આ લ્યો મારા તરફથી શિવાની બેન માટે” મારા પાકીટ માંથી સો-સો ની બે નોટ કાઢી મેં માજી તરફ લંબાવી. મારી સમે જોઇ માજી બોખુ હસ્યા અને પછી બોલ્યા “દીકરા આવી મદદ તો ઘણાય કરતાતા પણ આ શિવુ ના બાપુ ગુજરીગ્યા તેદિ નક્કી કયરુતુ કે સ્વમાનની રોટલી ખાઇશ ને હક્કની છાશ પીશ પણ કોય પાસે હાથ લાંબો નઇ કરુ.”
હું થોડો જંખવાયો. કાઢેલી નોટો ફરી ખીસ્સામાં મુકી. પણ કદાચ માજી મારી મનો સ્થિતિ પામી ગયા હશે.
“દીકરા તારે મદદ જ કરવી હોયને તો એક વાત માનીશ? મારી શિવુ ના લગન થાયને તેદી મારી શિવુનો જવતલ્યો થાજે નઇ તો એને એનો વીરો યાદ આવશે મારો કાનો યાદ આવશે” આટલું બોલતા માજીની આંખો ફરી ભીની થઇ. અમુક આંખો કદાચ સદાયને માટે ભીંજાયેલી જ રહેતી હશે.
“ચીંતા ના કરો માજી તમતમારે લગનની તૈયારી કરો શિવાની બહેના જવતલેય હોમીશ ને એના ઘરે પ્રસંગ હસે તેદિ મામેરાય કરીશ”
“સો વરહ નો થા દિકરા” માજીએ મારા ઓવારણા લીધા. એટલામાં જાળીયા શ્ટેશન આવ્યુ, માજીએ થેલાઓ હાથમાં લીધા અને ઉતર્યા. એટલામાં ટ્રેન ઉપડી ને દરવાજે ઉભો ઉભો હું સાક્શાત જગત જનની જગદંબા રુપી માજીને શ્ટેશન પર નત મસ્તક થઇને જોઇ રહ્યો.