Tran Hath no Prem - 21 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Trun haath noprem ch 21

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

Trun haath noprem ch 21

ત્રણ હાથનો પ્રેમ

પ્રકરણ ૨૧

લેખકઃ શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562


સ્વદેશ સુદર્શના અને મોહિત ત્રણે ઉંડા આઘાતમાં સરી પડયા હોય તેવું લાગ્યું. તેઓને પોતાની આંખો ઉપર વિશ્વાસ જ ન હોતો આવતો કે સામે ઉભેલ વ્યક્તિ ખરેખર રાજકુમાર ગુપ્તાજી હતા કે તેમના જેવા જ ચહેરા વાળી કોઈ અન્ય વ્યકિત. રાજકુમાર ગુપ્તાજી જ સામે ઉભા છે તેવું તેમના માનવા જ નહોતુ આવતું.

સુદર્શનાને આખા શરિરમાં જાણે લ્હાય પ્રસરી ગઈ હોઈ તેવી અનુભુતી થઈ રહી હતી. એક તરફ તે કાળઝાળ થઈ રહી હતી. તો બીજી બાજુ તેની આંખમાંથી આંસુ ની ઘાર વહી રહી હતી આટલો મોટો વિશ્વાસઘાત? અને તેય આટલી નજદીકના સંબંધવાળી વ્યક્તિ તરફથી પોતાના પપ્પાના ખાસ મિત્ર તરફથી? સુદર્શના નું મન ઘૃણા થી ભરાઈ આવ્યું.

તેણે રાજમોહન કાકા પાસેથી સાંભળ્યુ હતુ કે જગમોહન અને રાજકુમાર ગુપ્તા તેમના કોલેજ કાળના સમય થી મિત્રો હતા. જગમોહનનો ધંધાકિય સિતારો ચડતો ગયો હતો પણ સામે તેમના વકિલ મિત્રની વકીલાત બહુ ચાલતી ન હતી. જગમોહને સામે ચાલીને પોતાના જુના મિત્રનો હાથ પકડયો હતો અને પોતાના ધંધાકિય કામોના કાયદાકિય સલાહકાર તરીકે તેમને પોતાની કંપનીમાં રોક્યા હતા. જગમોહનની જેમ જેમ ચડતી થઈ અને કંપનીઓનો વ્યાપ વધતો ગયો તેમ તેમ રજાકુમાર ગુપ્તાની પણ ચડતી થતી ગઈ. એક સાધારણ વકીલમાંથી તેઓ એક પ્રતિષ્ઠિત કાયદાની કંપનીના માલીક બન્યા અને જગમોહનની ઓળખાણ ને લીધે બીજી ઘણી કંપનીઓનું કાયદાકીય કામ પણ તેમને મળવા લાગ્યુ. આજે તેઓ જે કાંઈ પણ છે તે તેના પપ્પાને કારણે જ છે અને તોય મિત્ર બનીને પીઠમાં પાછળથી ખંજર હુલાવ્યું.?

“et tu Brutus?”

રોમના વિખ્યાત વિશ્વવિજયી સમ્રાટ જુલીયસ સિઝરને જયારે તેના પરમ મિત્ર અને વિશ્વશનીય માર્કસ બ્રુટસે ખંજર હુલાવી દીધુ હતુ ત્યાર ના ઉપરના અંતીમ શબ્દો સુદર્શનાના હોઠ ઉપર આવી ગયા.

તેના પપ્પા રાજકુમાર ગુપ્તા ઉપર કેટકેટલો વિશ્વાસ રાખતા હતા. રાધામાસી કહેતા હતા સુદર્શનાનું નામ પણ ગુપ્તાજીએ જ સૂચવ્યું હતુ અને તેના પપ્પાએ તરત જ સ્વીકારી લીધુ હતું. તેના પપ્પાએ બનાવેલુ વિલ પણ ગુપ્તાજીએ જ સૂચવેલુ અને બનાવેલુ હતું.

સુદર્શના નું મગજ કામ કરતુ ન હતુ. શા માટે? હવે શા માટે ગુપ્તાજીએ આવુ કર્યું? અને તેય છેવટના પાટલે બેસી તેની હત્યાનો પ્રયાસ?

અચાનક જ સુદર્શના આ મગજની ભૂલભૂલામણી માંથી બહાર આવી. તેના કાનો એ સ્વદેશના કણસવાના અને ઉભા થવાના પ્રયાસમાં થતી પિડાના અવાજ ને સાંભળ્યો. તેણે ઝડપથી પોતાની જાતને સંભાળી લીધી. સ્વદેશને પણ મૂઢ માર વાગ્યો છે તે તેના ધ્યાન બહાર જ જતુ રહ્યું હતું. રાજકુમાર ગુપ્તાની ઉપસ્થિતી અને સ્વદેશની હાલત નિહાળી તેના મુખ ઉપર દ્રઢ નિશ્ચયની રેખાઓ તરી આવી. તેણે ફરી પાછી પિસ્તોલ રાજકુમાર ગુપ્તા સામે સ્થિર કરી અને આંખના ખૂણામાંથી સ્વદેશ સામે જોયું.

સ્વદેશને બીજી કોઈ મોટી ઈજા થઈ ન હતી પણ પેટમાં, મોઢા ઉપર અને પડખામાં ગડદા પાટુ ના મારથી તેનુ શરિર તૂટતુ હતુ. હોઠ અને નાકમાંથી નીકળેલુ લોહી હવે જામી ગયુ હતું. આંખોની આગળ કાળા ધબ્બા થઈ ગયા હતા. તે પોતાના બંને હાથો, જમીન ઉપર સ્થિર કરી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ તેને આવુ કરતા પિડા થતી હતી તે ચોખ્ખું દેખાતું હતું.

સુદર્શનાએ પાસે ઉભેલા મોહિતને આદેશ આપ્યો. ‘‘મોહિત તુ જલ્દી બહાર જા અને આપણી ગાડીમાંથી પાણી ની બોટલ,ગ્લાસ અને ગ્લુકોઝ નું પેકેટ લેતો આવ. પાછળ ડીકી ખોલજે તેમા દોરડાનું ગુંચળુ પડયુ હશે તે પણ લેતો આવ. ઝડપથી જા’’

એક અક્ષર પણ બોલ્યા વગર મોહિત બહાર દોડી ગયો. સુદર્શના એ ચારેબાજુ નજર ફેરવી ગુપ્તાજી ના ચારે ગુંડા સુદર્શનાનું ચંડિકા જેવુ રૂપ જોઈને થરથરી ગયા હતા. તેમના માં ના જ એક ગુંડાની હથેળી વિંધાતા તેમણે જોઈ હતી. તેમના બોસ ના ખભાની હાલત પણ તેમની નજર સામેજ હતી. એટલે તેઓ ચૂપચાપ દિવાલ સાથે અઢેલી ને આંખો નિચે કરી ને ઉભા હતા.

સુદર્શનાની નજર રાધામાસી ઉપર ગઈ. તેઓ તેમની વ્હીલચેરમાં છટપટાઈ રહ્યા હતા મોઢા ઉપર પટ્ટી ચોટાડી હોવાથી તે કશું બોલી શકતા ન હતા. પણ તેમના મોઢા ઉપર ક્રોધની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેઓ પોતાના બંધાયેલા હાથ પગ ને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

પોતાની જગ્યા ઉપર થી જ ઉભા ઉભા અને આંખો રાજકુમાર ગુપ્તા ઉપર સ્થિર રાખી તેણે રાધાબેનને ક્હયું. ‘‘માસી, ચિંતા ન કરો. બે પાંચ મિનીટમાં જ તમને મુક્ત કરૂ છું. તમારી આવી હાલત કરવા બદલ હું ગુપ્તાજીને ક્યારેય માફ નહી કરૂ. થોડી રાહ જૂવો’’

આ દરમ્યાન મોહિત પાણી, ગ્લુકોઝ, દોરડા વિ. લઈને આવી ગયો. સુદર્શના એ પિસ્તોલ મોહિતના હાથમાં આપી’’ ગુપ્તાજી ની સામે તાકી રાખજે. કોઈ પણ પ્રકારની ચાલાકી કરે તો બેફિકર ઘોડો દબાવી દેજે’’ આવુ કહેતા તેણે ગુપ્તાજી સામે જોયુ. ગુપ્તાજીની હાલત સ્વદેશ કરતા પણ ખરાબ હતી. સ્વદેશને તો બહારથી થયેલા પ્રહારનો મુઢ માર હતો જયારે ગુપ્તાજીના તો ખભામાં ગોળી વાગી હતી અને અત્યાર સુધીમાં લોહી પણ વહેતુ રહ્યુ હતુ. તેમણે પોતાના હાથથી ખભાના ઘા ને દબાવી રાખ્યો હતો. પણ ગોળી વાગવાની પીડા અને લોહી નીકળી જવાથી તેમના શરિરમાં પણ અશક્તિ આવી ગઈ હતી. પગ શરિરનો ભાગ ઉચકવામાં અસમર્થ હોય તેમ લડખડાઈ રહ્યા હતા. આંખો મિચાંઈ ગઈ હતી અને પાછળની દિવાલનો ટેકો લઈ લીધો હતો.

સુદર્શના સ્વદેશ પાસે ગઈ તેણે તેને પાણી ભરેલા આખા ગ્લાસમાં ગ્લુકોઝ નાખી પિડવડાવી દીધું. ગ્લુગોઝ / શર્કરા પેટમાં જતાજ એક બે મિનીટમાં સ્વદેશના શરિરમાં ધીમી ગતી એ શક્તિનો સંચાર થવા માંડયો. ‘‘સારૂ લાગે છે?’’ કહીને સુદર્શનાએ તેને બીજો અડધો ગ્લાસ ગ્લુકોઝ વાળા પાણીનો પિવડાવી દીધો. સ્વદેશે થોડી જ વારમાં આંખો પૂરેપૂરી ખોલી નાખી તે પોતાને હવે સ્વસ્થ અનુભવવા લાગ્યો હતો. તેની શારિરીક પીડા પણ ઓછી થવા લાગી હતી. તેણે ઉભા થવાનો પ્રયાસ કર્યો જેમા સુદર્શના એ તેને ટેકો આપ્યો. એકવાર ઉભા થયા પછી તેણે પોતાના આખા શરિરને કોઈ પક્ષી ખંખેરે, તેમ ખંખેર્યુ, જાણે બધી પીડા ખંખેરી નાખતો હોય.

સુદર્શનાએ મોહિતને કહ્યું ‘‘મોહિત હવે રાધામાસીને છોડી નાખ’’ મોહિત તુરત જ દોડતો ગયો અને તેણે સૌ પહેલા રાધાબેન ના મોઢા ઉપરથી ગુંદર ની પટ્ટી દૂર કરી. ગુંદરવાળી પટ્ટી દૂર કરવામાં રાધાબેનથી સિસકારો નિકળી ગયો. પછી મોહિતે તેમના હાથ પગના બંધનો દૂર કર્યા. વસુદેવના હાથમાંથી જન્માષ્ટમી ની રાતે અચાનક બેડીઓ તૂટી જતા તેમણે જે હાશકારો અનુભવ્યો હશે તેવોજ હાશકારો રાધાબેનના ચહેરા ઉપર આવ્યો.

તેઓ વ્હીલચેરમાંથી ઉભા થવા જતા હતા પણ સુદર્શનાએ તેમને રોક્યા ‘‘રાધામાસી, તમે જયાં છો ત્યાં જ બેસી રહો, નીચે લોહી, પાણી વિ. પડેલા છે. તમે લપસી પડશો તો વધારે આફત થાશે. મોહિત તુ એમની જોડે જ રહેજે એમને ઉભા થવા ના દઈશ’’

‘‘ભલે’’ કહીને મોહિત વ્હીલ ચેર પાછળ ઉભો રહી ગયો. સુદર્શનાની પિસ્તોલ હજુ મોહિતના હાથમાં જ હતી. તેણે મોહિતને સૂચના આપી ‘‘તુ અહીંથી બધા ઉપર નજર રાખજે, ગુપ્તાજી કે તેમના મવાલીઓ કોઈ ચાલાકી કરે તો બેફિકર પિસ્તોલનો ઉપયોગ કરજે’’ મોહિતે સંમતિમાં માથુ હલાવ્યું.

સુદર્શના અને સ્વદેશ ગુપ્તાજી પાસે ગયા. તેણે હજી આંખો મિચેલી જ રાખી હતી. સ્વદેશે તેનો સાજો ખભો હલબલાવ્યો, આટલા હલનચલન થી પણ તેના બીજા ખભામાં પીડાનો ઝટકો આવ્યો અને તેના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. તેણે આંખો ખોલીતો સામે સુદર્શના અને સ્વદેશને જોયા.

તેણે ભયભીત અને આજીજી ભર્યા સ્વરે કહ્યું ‘‘મને તરત જ હોસ્પિટલમાં લઈ જાવ, નહિતર વધારે લોહી વહી જવાથી અને ગોળીને કારણે ચેપ લાગશે તો હું જીવતો નહી બચું, પ્લીઝ’’

સ્વદેશ પોતાના મોઢા ઉપર ખોટી ક્રુરતા ધારણ કરી ને કહ્યું ‘‘કેમ? તમને તમારો જીવ બહુ વહાલો છે? બીજાના જીવ લેતા તો તમને જરાય વાંધો ન હોતો આવતો’’ આ કહેતી વખતે તેના ઉપર બબ્બે વખત ચાકુ થી પ્રાણઘાતક હુમલો કરનાર વ્યક્તિ તેની આંખો સમક્ષ તરી ગઈ.

‘‘પ્લીઝ, પ્લીઝ, મારી ભૂલ થઈ ગઈ, પણ પહેલા મને ડોક્ટર પાસે લઈ જાવ’’ ગુપ્તાજી એ કાકલુદી કરતા કહ્યું.

‘‘સ્વદેશની વાત સાચી છે. તમને મારા ઉપર જેનુ નામ પણ તમે જ સૂચવ્યુ હતું. પ્રાણઘાતક હુમલો કરતા જરાય વિચાર કે કંપારી નહોતી આવી? તમને તે વખતે તમારા એ મિત્રની યાદ ન આવી જેના થકી તમે આર્થિક અને સામાજીક રીતે આટલા સધ્ધર થયા છો. તમને અમારા પ્રત્યે જો કોઈ લાગણી ન હોય તો હવે મને પણ તમારા પ્રત્યે કોઈ જ લાગણી નથી’’

ગુપ્તાજી ની આંખમાં આંસુ આવી ગયા ‘‘મને માફ કરી દે બેટા, મારી ભૂલ થઈ ગઈ’’

‘‘બેટા’’ શબ્દ સાંભળતા જ સુદર્શનાનો ક્રોધ સીમા વટાવી ગયો. ‘‘ખબરદાર, જો મને બેટા કહી છે તો’’ મારો કાર એક્સિડંટ કરાવતી વખતે તમને હું ‘‘બેટા’’ કે દીકરી નહોતી લાગી? આ તો સારૂ થયુ કે ઈશ્વરની દયાથી હું બચી ગઈ. અને બચી ગઈ તોય હું ખંડિત તો થઈ જ ગઈને? મારો એક હાથ મે ગુમાવી દીધો’’ સુદર્શનાનો આક્રોશ વધતો જતો હતો. ‘‘તમને જરા પણ અણસાર છે કે એક યુવાન છોકરીનો એક હાથ ન હોય અને વિકલાંગ થઈ જાય તો એ પરિસ્થતી એના માટે મોત થી પણ બદતર છે. કોઈ તેનો હાથ ન પકડે ને જીવનભર એકલી જ રહે’’ તેનો અવાજ ક્રોધથી ધ્રૂજતો હતો.

સ્વદેશે તેના ખભા ઉપર હાથ મૂક્યો ને દબાવ્યો. જાણે કહેતો હોય કે ‘‘શાંત થઈ જા’’. થોડો ગળગળા સ્વરે સુદર્શના એ કહ્યુ ‘‘હું કદાચ વિશ્વની સહુથી વધારે નશીબદાર યુવતી છું કે મને જીવનસાથી તરીકે સ્વદેશ જેવો સાથી મળ્યો કે જણે મારી ખંડિત કાય સાથે પણ સ્વીકારી લીધી નહીંતર મારૂ શું થાત? સુદર્શના રીતસરની રડી પડી.

સ્વદેશે ફરી તેના ખભા ઉપર હાથ મુકી તેને સાંત્વના આપી. તે સહેજ શાંત થઈ એટલે તેણે ફરી મોઢા ઉપર કઠોરતા ધારણ કરી ગુપ્તાજી ને કહ્યું ‘‘જૂવો અમે તમારા જેવા સ્વાર્થી, લાલચી કે ખૂની નથી. હું હમણાં જ ડોકડરને બોલાવીશ પણ તે પહેલા તમારે મને બધી વિગતો જણાવવી પડશે. શા માટે, કઈ રીતે, કોની મદદથી વિ. બોલો મંજૂર છે?

ગુપ્તાજી એ તત્કાલ સંમતિ આપી. ‘‘મને બધુ મંજૂર છે, તમે પહેલા ડોકટરને બોલાવો’’

સ્વદેશે સુદર્શના સામે જોયું. સુદર્શના એ મૂક સંમતિ આપી એટલે તેણે પોતાનો સેલ ફોન કાઢયો. ‘‘પણ ડોકટરને જણાવતા પહેલા ગુન્હાનો કેસ છે એટલે ડોકટર પણ પોલીસને આગોતરા જાણ કર્યા વગર સારવાર નહિ કરે. હું ગોહિલ સાહેબને ફોન કરૂ છું.’’

સ્વદેશ ના મનમાં ક્યારનીય ચિંતા ઉદભવતી હતી, કે ઈન્સ્પેક્ટર ગોહિલ હજૂ સુધી તેમની પોલીસ પાર્ટી સાથે કેમ પહોચ્યા નથી. તેમની સાથે નક્કી થયેલ યોજના મુજબ તો તેમણે કયારનાય પોતાની પોલીસ પાર્ટી સાથે અહિ પહોચી આ ગુન્હેગારો ને રંગે હાથે પકડવાના હતા. તો તે ક્યા રહી ગયાં? હોલીવુડ વેસ્ટર્ન મુવીઝમાં ગોરા વસાહતી અને રેડ ઈન્ડીયન આદીવાસોઓ વચ્ચે યુધ્ધ સમાપ્ત થઈ જાય પછી જ દેખાતી સૈન્ય ની અશ્વસેના ની જેમ આપણે ત્યાં પણ પોલીસ જેમ છેલ્લે જ દેખાતી હોય છે, બોલીવુડ ની ફિલ્મોમાં એમ જ શું ગોહિલ સાહેબ છેલ્લે છેલ્લે પહુચશે?

તેણે ગોહિલ સાહેબનો નંબર જોડયો. રિંગો થોડી વાર વાગતી રહી, કંટાળીને સ્વદેશે ફોન કાપવા જતો હતો. ત્યાં જ ઈન્સ્પેકટર ગોહિલે ફોન ઉપાડયો. ‘‘હા સ્વદેશ બોલ’’

સ્વદેશ ચિડાયો ‘‘શું બોલુ સાહેબ? તમે ક્યારનાય અહિંઆ આવવાના હતા. તો ક્યા રહી ગયા? અહિંઆ તો છરાબાજી ને ગોળીબાર બધુ પતી ગયું’’

‘‘કેમ, કેમ શું થયું? ગોહિલે ચિંતાતુર સ્વરે પૂછયું.

‘‘અરે હું નશિબદાર કે બચી ગયો. નહીંતર તમે મારા ફોટા ઉપર ફુલ ચડાવતા હોત’’ સ્વદેશે રોષમાં કહ્યું. ‘‘તમારા ભરોસે રહીએ તો જીવથી જઈએ, શું નાસ્તા પાણી કરવા રોકાઈ ગયા હતા?’’ સ્વદેશના અવાજમાં ધાર આવી ગઈ હતી.

‘‘અરે શાંતિ, શાંતી, પહેલા મારી વાત સાંભળ અમે નિકળતા હતા ત્યાં જ પોલીસ કમિશ્નર સાહેબની કચેરીથી ફોન આવ્યો કે કાળુપુર રેલ્વે સ્ટેશન ઉપર બે આંતકીઓ ઘૂસી ગયા છે એવી ખબર મળી છે અને કોઈ ટ્રેનમાં બોંબ મુકી ઘડાકા કરવાના છે એટલે અમારે સૌએ બધા કામ પડતા મૂકી આખી પોલીસ પાર્ટીએ રેલ્વે સ્ટેશન જવુ અને આંતકીઓને તથા બોંબને પકડવા અને શોધવામાં લાગી જવું. સોરી, અમારે એટલે ત્યાં દોડવું પડયું.’’

‘‘તો પછી આંતકીઓ પકડાયા?’’ આવી પરિસ્થિતીમાં પણ સ્વદેશે પૂછી લીધું.

‘‘અરે ના ભાઈ ના, ખાલી અફવા હતી. કોઈ આંતકી કે બોંબ હતા જ નહીં. ફોકટ મહેનત માથે પડી પણ શું કરીએ ચેક તો કરવું જ પડે નહિંતર સેંકડો લોકોના જીવ જાય. પણ હવે બધુ પતી ગયુ છે થોડી વારમાંજ ત્યાં આવીએ છીએ. બોલ બીજુ કાંઈ?’’

‘‘મે સાહેબ તમને ખાસ ફોન એટલા માટે કર્યો હતો કે અહિઆ એક ગુનેગાર ને ગોળી વાગી છે. લોહી ઘણું વહી ગયુ છે. એટલે તાત્કાલી ડોકટરની જરૂરત છે હું અમારા ડોક્ટર જાની સાહેબને કહીને તબીબી વ્યવસ્થા કરાવુ છું પણ મારે તે પહેલા તમને જાણ કરવી પડે એટલે ફોન કર્યો’’ સ્વદેશે ચોખવટ કરી.

‘‘સારૂ કર્યું, ભલે એમને દાકતરી મદદ આપો પણ કયાંય જવા દેશો નહિ. એમ્બ્યુલંસ લઈ જતી હોય ને ભાગી જશે તો તમારી જવાબદારી રહેશે’’ ગોહિલે કાયદાકીય સ્થિતી સમજાવી.

‘‘ભલે સાહેબ પણ જલ્દી આવી જાવ’’ કહીને તેણે ફોન કટ કર્યો.

સવારે તેણે જયારે રફિકના મિત્રને મળવા જવાનું સૌ ને કહ્યું હતુ તે ખોટુ હતુ. તે ખરેખર ઈન્સ્પેક્ટર ગોહિલને મળવા આવ્યો હતો અને બધી હકીકત જણાવી હતી. ગોહિલે સ્વદેશ નો મોબાઈલ ટ્રેકીંગ ઉપર નાખ્યો હતો અને તેઓ પહોંચે પછી ૧૦/૧૫ મિનીટમાં જ અંદર ઘસી જઈ ગુન્હેગારો ને રંગે હાથ પકડવાના હતા. પણ આંતકીઓ અને બોંબની અફવાએ તેમના આયોજન માં ફાચર મારી હતી. અને પોલીસની પરિસ્થિતી પણ સાચી હતી. બે અને બસ્સો, વચ્ચે બચાવવાની પસંદગી કરવાની હોય તો ચોક્કસ બસ્સો ને જ બચાવાય.

સ્વદેશે ડો.જાની ને ફોન કરી આવશ્યક સૂચનાઓ આપી કે એંબ્યુલંસ અને મેડિકલ ટીમને તાત્કાલીક મોકલવા. પોલીસને તેણે રીપોર્ટ આપી દીધો છે તે પણ જણાવી દીધું.

તે ગુપ્તાજી સામે ફર્યો ‘‘તમારા માટે ડોક્ટર આવે છે. પણ તમારી સારવાર ત્યારે જ કરવા દઈશ જો તમે અમને સાચી વાત જણાવી ને સહકાર આપશો’’

ગુપ્તાજી એ હકારમાં માથુ હલાવ્યું.

સ્વદેશે મોહિતને કહ્યું ‘‘મોહિત, આમના ઘા ઉપર પહેલા એક સ્વચ્છ રૂમાલ ગોઝની જેમ દબાવી તેના ઉપર બીજો રૂમાલ વિંટાળી ને કસકસાવીને બાંધી દે જેથી દબાણથી લોહી નિકળતું બંધ પડી જાય’’ મોહિતે તાત્કાલીક તેનો અમલ કર્યો અને ફરી વ્હીલ ચેર પાછળ જઈને ઉભો થઈ ગયો.

‘‘બોલો, ગુપ્તાજી’’ સુદર્શના એ વેધક સ્વરે કહ્યું

ગુપ્તાજી એ તૂટક સ્વરે શરૂ કર્યું. તેમનો અવાજ ભય અને પીડા થી ધ્રુજતો હતો. ‘‘મે આ બધુ પૈસા માટે કર્યુ છે. મારે પૈસાની સખત જરૂરત હતી.’’

સુદર્શનાએ માથું ધુણાવ્યું. ‘‘વિસ્તાર થી વાત કરો આ બધાની પાછળ ખાલી પૈસાની જરૂરીયાત જ હોય તેવુ મને નથી લાગતું’’

‘‘તારી વાત સાચી છે. પૈસાની જરૂરીયાત તો મુખ્ય આશય હતો જ પણ વર્ષો જુની મનના એક ખૂણામાં ધરબાયેલી ઈર્ષ્યા પણ કારણભૂત બની.

‘‘શાની ઈર્ષ્યા અને પૈસાની શું જરૂરીયાત હતી? સ્વદેશે પૂછયું, અને ગુપ્તાજીને બેસવા માટે ખુરશી આપી. ગુપ્તાજીની આંખોની સામે ભૂતકાળ તરી આવ્યો. તેમણે ધીરે સાદે શરૂ કર્યુ ‘‘હુ અને જગમોહન ગાઢ મિત્રો હતા સ્કૂલથી કોલજ કાળસુધી, પણ જગમોહન દરેક ક્ષેત્રમાં મારાથી હંમેશા આગળ જ રહેતો હતો. અભ્યાસ હોય કે રમતગમત કે ડિબેટીંગ દરેકમાં તે મારાથી આગળ રહેતો હતો. મે તેને કદીય જણાવ્યુ ન હતુ પણ મને હંમેશા તેની ઈર્ષ્યા થતી હતી. કોલેજ પૂરી કર્યા પછી તેને સારી નોકરી મળી ગઈ. મે પણ કાયદાનો અભ્યાસ પુરો કરી મારી પ્રેકટીસ શરૂ કરી. જગમોહન તેની નોકરીમાં અને પછી ધંધામાં પ્રગતિના સોપાનો ચડતો જતો હતો. જયારે મારી પ્રેક્ટીસમાં કાઈ ઠેકાણું પડતુ ન હતું. કોર્ટની બહાર બેસીને રોજની બે ચાર એફીડેવીટ લખવા કે એકાદ બે પાર્ટનરશીપના દસ્તાવેજ તૈયાર કરવાથી વધારે પ્રેક્ટીસ થતી ન હતી અને આર્થિક રીતે હું તુટતો જતો હતો. ત્યાં એક દિવસ મને કોર્ટમાં જગમોહન મળી ગયો મે તેને મારી પરિસ્થિતી સમજાવી અને મદદ માટે વિનંતી કરી. બીજા જ દિવસે તેણે મને તેની ઓફિસમાં બોલાવી તેની કંપનીઓના કાયદા ના કામો સોંપી દીધા અને સારી એવી ફી નક્કી કરી આપી. ધીમે ધીમે તેની બીજી કંપનીઓ તથા તેની ભલામણ થી તેના મિત્રોની કંપનીઓનું પણ કામ મને મળવા લાગ્યુ. મે મારી અલગ થી ગુપ્તા એન્ડ સન નામથી લો ફર્મ પણ ખોલી નાખી. મારી પણ આવક ધમધોકાર થવા લાગી’’

સુદર્શના એ વચ્ચે પૂછયું ‘‘આવક સારી હતી તો પૈસાની શું જરૂરીયાત આવી પડી?’’

‘‘મારી ઈર્ષ્યા’’ ગુપ્તાજી એ કહ્યું ‘‘મારી આવક સારી હતી પણ જગમોહનની આવક મારા કરતા પચાસ ગણી વધારે હતી તે મને ખૂંચ્યા કરતું હતુ. એટલે તેની સમકક્ષ થવા મે જુદા જુદા ઉદ્યોગોમાં ખૂબ જ પૈસાનું રોકાણ કર્યું પણ મારા ખરાબ નશીબે એ જ વખતે માર્કેટમાં જબરજસ્ત મંદિ આવી અને મારા લાખો રૂપિયા ડુબી ગયા કે તેનું ધોવાણ થઈ ગયું. બીજી બાજુ મારા દિકરા અને વહુ સાથે ના અમારા સંબંધો ખૂબ જ વણસી ગયા. મે જે પ્રોપર્ટીઓ દિકરાના નામે ખરીદેલી જેમાં એક બંગલો, બે ફાર્મ હાઉસ અને બીજી જમીનો મારે તેને આપી દેવી પડી. એટલે હું બધી રીતે ખાલી થઈ ગયો. ત્યારે મારા એક શેર બ્રોકર મિત્રે મને શેરબજારમાં પ્રયત્ન કરવા કહ્યુ તે ખૂબ જ ઉંડો શેરબજાર નો અભ્યાસી હતો. તેના કહેવા મુજબ તેની સાથે મે કામ કરવા માંડયુ તો પહેલા ૮/૧૦ સોદામાં જ મને વીસ ત્રીસ લાખનો ફાયદો થયો. પણ સાથે કામ કરવાને કારણે મારે ૩૦% જેવો નફો મારે તેને કમીશન પેટે આપી દેવો પડતો હતો. એ મને ખટકતું હતુ એટલે મે તેને બાજુ કરી મૂકી જાતે સટ્ટો ખેલવો શરૂ કર્યો. શરૂઆતમાં એક બે નાની સફળતા મળી એટલે મે મોટા મોટા સટ્ટા ખેલવા શરૂ કર્યા અને ત્યારથી જ મારી પડતી થઈ.

‘‘શું નુકશાન થવા માંડયું?’’ સ્વદેશે પૂછયું.

‘‘હા, મે મુર્ખાઈ કરી ને એક સાથે ખનીજ તેલ, ચાંદી અને કોપરના મોટા મોટા સટ્ટા કર્યા. પણ મારા મિત્ર જેવો અભ્યાસ ન હોવાથી મારા બધા પાસા ઉંધા પડયા અને હું જબ્બર દેવામાં ઉતરી ગયો’’

‘‘કેટલુ દેવુ થઈ ગયુ?’’ સ્વદેસે પૂછયું.

‘‘લગભગ ત્રણ કરોડ જેટલુ’’ આંખો નીચી રાખીને ગુપ્તાજી એ કહ્યું.

‘‘હે, ત્રણ કરોડ?’’ સૌના મોઢામાંથી એક સાથે અવાજ આવ્યો.

હા, આ દેવુ ચૂકવવા મે અંડરવર્લ્ડ / માફિઆ પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા અને દેવુ ચૂકવ્યુ પણ હવે માફિઆવાળા મારી પાછળ પડી ગયા છે. મેં છ મહિના ની મુદત્ત માંગી છે. જો છ મહિનામાં મૂળ રકમ અને વ્યાજ ની નક્કી થયેલ રકમ થી દોઢી રકમ ના ચૂકવુ તો તેઓ મને મારી નાખવાની ધમકી આપેલ છે. મારી સામે એક જ વિકલ્પ હતો કે હું પરિખ ગ્રુપ ને હસ્તગત કરી લઉ તો જ આમાથી હું નિકળી શકું. વિલ મે જ બનાવેલુ છે કે જો રાજમોહન કે સુદર્શના ના હોય તો ગ્રુપ નો વહિવટ મારા અને રાધાબેન ઉપર આવે’’

‘‘પણ વિલ પ્રમાણે તો તમને મહિને એક લાખ જ રૂપિયા મળે તેમા શું થાય?’’

‘‘મારી પાસે બે ત્રણ વિકલ્પ હતા, હું કર્તા હર્તા હોઉ તો પરચેઝ, સેલ્સ વિ દરેક લેવડ દેવડ માં મારૂ કમીશન રાખી શકું અથવા રાજવીર જેવાને કંપની ની માલીકી સોપુ તો ઓછામાં ઓછા મને ૮ / ૧૦ કરોડ રૂપિયા મહેનતાણાના મળે. તો હું મારૂ દેવુ ચૂકવી શકુ અને માફિઆનો મને કોઈ ભય ન રહે. એટલે મે રફિકને સોપારી આપી પણ સુદર્શના બચી ગઈ. તુ અને સુદર્શના રફિકને મળવા જવાના હતા તેની મને જાણ થઈ એટલે મે રફિકને પતાવી દીધો. એ જ પ્રમાણે સલમાને પણ ખતમ કરી નાખી. હું સફળ ન થાવ તો માફિઓના હાથે મારૂ મોત નક્કી જ હતું એટલે મારે કોઈ પણ જુગાર ખેલવો જ પડે તેમ હતો. આજે પણ તું ડાયરી અને સીડી લઈ આવ પછી સુદર્શના ને ખતમ કરવાનો મારો બીજો પ્લાન તૈયાર જ હતો. પણ મારા બેડલક કે હું આજે પણ સફળ ન થયો.’’

‘‘એક મિનીટ, એક મિનીટ’’ સુદર્શનાએ અચાનક કાંઈક યાદ આવ્યુ હોય તેમ કહ્યું’’ હું અને સ્વદેશ રફિકને મળવા જવાના છીએ એની જાણ તો અમારા બંને સિવાય કોઈને ન હતી, તો તમને કંઈ રીતે જાણ થઈ?’’

અચાનક જ ગુપ્તાના મોઢા ઉપરથી ભયની છાયા જતી રહી, તેની આંખોમાં અને હોઠ ઉપર પિડા ને સ્થાને એક કુટિલ અને લુચ્ચુ હાસ્ય આવી ગયુ તે અચાનક જ ખડખડાટ હસી પડયો.

‘‘શરૂઆતમાં તો આ શતરંજનો બાદશાહ હું જ હતો, પણ અચાનક જ હું ત્રાંસી ચાલ ચાલતો, સામે વાળાના પ્યાદા ઉડાડતો ઉંટ બની ગયો. પણ આ રમતનો અસલી વઝીર તો કોઈ અન્ય જ બની ગયુ અને અત્યારે પણ તેજ વઝીર છે. તમે બંને હજુ બાળક છો, પાછળ ફરીને જૂવો’’

આશ્ચર્ય ચકિત થયેલા, બંને એ પાછળ ફરીને જોયુ તો ફરી એક વાર તેમના ઉપર જાણે વજ્રપાત થયો. મોઢા ઉપર કુટીલ અને ક્રુર મલકાટ સાથે રાધાબેન તેમની સામે પિસ્તોલ તાકી ને ઉભા હતા, તેમની આંખમાં ઈર્ષ્યા અને હિંસક ભાવ હતા. તેણે પિસ્તોલ સુદર્શના સામે ધરી ‘‘તું અને સ્વદેશ આ બાજુ ઉભા રહી જાવ, ગુપ્તાજી તમે મોહિતને લઈ બાજુમાં ખસી જાવ. બહુ થયુ, આજે આ બંને નો ખેલ ખલાસ કરી દઈએ, આજે જીવતા નહી જાવા દઉં’’

(ક્રમશઃ)

(વધુ રસીક ભાગ આવતા અંકે)