rajula shah
rds_369@yahoo.co.in
તૃષા,
ઓળખે છે મને? કદાચ નહીં. હું તારી અંદર જ વસુ છું, તારો જ ભાગ છું. ખેર, મને ઓળખતા લોકોને ઘણો સમય લાગે છે. પણ તું તો મને ઓળખે જ છો. બસ ભુલી ગઈ છો થોડા સમયથી. તું પણ ફરીથી ઓળખી જાઇશ. પણ આજે તને મારી યાદફરીથી આપવાનુ એક કારણ છે એટલે આજ તને એક કાગળ લખું છું. ધ્યાનથી વાંચજે હો ને..!
તૃષા, હું ઘણા સમયથી જોઉં છુ તને. તું કઈક બદલાયેલી છો આજકાલ. પહેલા તો તું મારો અવાજ સાંભળતી હતી, મને અનુસરતી હતી અને મારી જોડે કેટલિયે વાતો કરતી હતી. યાદ છે તને? તે જ્યારે પહેલો અક્ષર તારી ડાયરીમાં પાડ્યો હતો એ ક્ષણ? અચાનક જ કોઇ કારણ વગર વરસતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા જોર જોરથી હસી પડવાની ક્ષણ? ને ક્યારેક હકડેઠઠ ભીડ વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી પડવાની ક્ષણ? તું પળે પળ મારી સાથે જીવતી હતી. તું મારામય હતી. દિલનાં અવાજને અનુસરવાની તારી દોસ્તની સલાહ તે રગેરગમાં ઊતારી હતી. યાદ છે તને?
પણ તૃષા આજકાલ હું જોઉં છું તને. તે તારા કાન જાણે સજ્જ્ડ રીતે બંધ કરી દીધા છે. હું કેટલિયે વાતો તને કહું છુ, સાદ પાડું છુ પણ તે જાણે મને ના સાંભળવાની ઠાની લીધી છે. તું મને ધીમે ધીમે નફરત કરવા લાગી છે. હું જાણુ છુ કે તારા જિવનમાં બનેલી એ ઘટના માટે તું મને જવાબદાર ઠેરવે છે અને એવું ધારી બેઠી છો કે તે આજ સુધી મારી વાત સાંભળી ને મોટી મુર્ખતા કરી છે. પણ દિકરા, હું તને એ જ સમજાવા માંગુ છુ કે તું વિચારે છે એ સાચુ નથી. તને લાગેલા આઘાતનો એક પ્રત્યાઘાત છે બસ...
હા, હું માનુ છુ કે તું અત્યારે ઘોર અંધકાર વચ્ચે છો. દિશાહીન છો. શું કરવું એની કોઇ સમજ પડતી નથી. જીવન વ્યર્થ લાગે છે. જીવવાની જિજવિષા સુકાઈ રહી છે. જિવનનો મોટો હિસ્સો તે ખોયો છે. તારી અંદર આક્રોશ છે જે ધીમે ધીમે ઉપેક્ષિતતા બનતી જાય છે. તું મશીન બનતી જાય છે. તું કોણ છો, તારુ અસ્તિત્વ શું છે એ જ તું ભુલી ચુકી છો. તને પોતાને એક સજા આપી રહી છો. તને લાગે છે કે દિલથી જીવવાની સજા મલી છે તને. તને પિડીત રહેવામા એક જાતની ફાવટ આવવા લાગી છે. પણ દોસ્ત, આ સાચો રસ્તો નથી. તું એ વિચાર કે અત્યાર સુધી જીવનમાં તને જે કાંઈ મળ્યુ છે એની સામે છેલ્લા થોડા સમયમાં તે જે ગુમાવ્યુ છે એ કેટલું છે? વધારે છે? ઓછું છે? કે સાવ નહિવત છે? જિંદગી તને જ્યારે તોલમાપ લઈને ખુશી કે દુ:ખ આપવા બેઠી છે ત્યારે તું જિંદગી ને ત્રાજવાના પલ્લે મુકીને માપી જો. આજે કદાચ તારી પાસે હસવાનું કોઈ કારણ નથી પણ અત્યાર સુધી તને ખડખડાટ હસવાના કેટ્લા કારણો મળ્યા છે એ જો. અને બની શકે કે ભવિષ્યમાં તું જ કોઇની મુસ્કુરાહટનુ કારણ બનવાની હો ! આજે કદાચ તું એટલી નિરાશ છો કે તને તારુ ભવિષ્ય જ અંધકારમય દેખાય છે પણ તું એ વિચાર કે તુ બીજા કેટલા લોકોનુ ભવિષ્ય બનવા હજુ સક્ષમ છો? મુશ્કેલીઓ, કસોટીઓ, નિરાશા, દુ:ખ આ બધી નેગેટિવિટી જિંદગીનો જ એક ભાગ છે એટલુ તો તું પણ જાણે છે તો આજ એ બધાને તું તારી આખી જિંદગી કેમ બનવા દે છે?
હા, ઘણું મુશ્કેલ છે. જિંદગીના ઘાવ પર રુમાલ ઢાંકીને આગળ વધવું. છાતીફાડ હિંમત જોઇએ પડ્યા પછી ફરીથી બેઠા થવામા, બેઠા થઈને પાછુ લડવામા. ને તારામા એટલુ સત્વ તો છે જ કે તું આ હિંમત બતાવી શકે. તું પથ્થરમાથી પણ પાણી કાઢી શકે એમ છો. તું કેટ કેટલી મુશ્કેલીઓ પાર પાડીને આજ અહીં પહોંચી છો. તારુ અસ્તિત્વ કેટલું વિરાટ છે તૃષા અને તું આજ આમ સઘળું હારીને બેઠી છો? તું ભુલી ગઈ છો કે તારી અંદર શું ખજાનો ભર્યો છે. તારા આજ ખોખલા બનેલા આત્મવિશ્વાસની પાછળ લડાઈનું એક તેજ તરાર્ર કિરણ છુપાઈને બેઠુ છે જે હું જોઇ શકુ છુ પણ તું નહીં. તું તારી એક કાંકરી હટાવ અને જો કે એ એક છિદ્રમાથી તારી જિંદગીનો આખો સુરજ કેવો પ્રકાશે છે. તૃષા તું જાણતી નથી હજુ કે તું ધારે તો તુ શું શું કરી શકે ! તું કેટલી કાબિલ વ્યકતિ છો એની હજુ તને ખબર નથી. તારી પરખ મને છે. તું મારામાં ફરીથી વિશ્વાસ મુકી જો અને જો કે તું કેટલી ઉંચાઈ આંબી શકે એમ છો !
તૃષા તું તો કેટલું વાંચે છે. વાંચીને સમજે છે. કેટલાયે લોકોની જિંદગી તે સંવારી છે. તો આજ જ્યારે તારી સમજદારીની તને જ જરુર પડી છે ત્યારે કેમ પાછી પડે છે? તું તો મારી સિંહણ છો ને? તું આમ બીકણ થઈ જા એમ ના પોષાય મને. તારી ત્રાડ સાંભળવી છે મારે.
એક વાત હંમેશા યાદ રાખજે. બીબાઢાળ, દિલના અવાજને ભુલીને જિવવાવાળા તને ઘણા મળી રહેશે. અને તને એ લોકો ખુબ જ સુખી પણ દેખાતા હશે. પણ જો તું એ લોકોની અંદર ઝાંખીને જોઇશ તો તને એમના અધુરાપણાનો સાગર દેખાશે. જિવન એ કોઇ ૧૦ થી ૬ ના ઓફિસ ટાઇમ માં ફેલાયેલો કંટાળાજનક દિવસ કે થાકીને લોટપોટ થયેલી રાત નથી. તું આજ શ્રેય અને પ્રેયની પસંદગી વચ્ચે અટવાયેલી છો ત્યારે તું એક વાત યાદ રાખજે કે દિલથી જિવાયેલી એક ક્ષણ આખી જિંદગીને સાર્થક કરી દે છે જ્યારે દિલના અવાજને દબાવીને ગાળેલું આખુ જિવન અફસોસના એક ઢગલા સિવાય કશું જ નથી હોતું. તું તારો અવાજ સાંભળ અને એને બુલંદ બનાવ. જિવન એક ઉત્સવ છે અને એ ઉત્સવ છે એવું તને ત્યારે જ સમજાશે જ્યારે તું દિલથી જીવીશ.ત્યારે જ તું જીવન ઉજવી શકીશ.
અને આ બધું તો તું જાણે જ છે. સમજે છે. તે જ તો કહેલી આ બધી વાતો છે. પણ અત્યારે એ બધું તારી અંદર ક્યાંક ઊંડે ઉંડે દબાય ગયું છે. એટલે આજ તને હું બધું પાછુ યાદ કરાવું છુ. તારી અંદર ચેતના જગાડું છુ. તું તારી જાતને ફંફોસી જો, આ બધું તને ક્યાંક તારી અંદર જ મળી રહેશે.
બસ એક વાત યાદ રાખજે કે તારાથી હું છુ અને મારાથી તું છો. એકબીજા વગર આપણું અસ્તિત્વ જ નથી. એટલે મારી ઝાંસીની રાણી તૃષાજી, ફટાક કરતી ઉભી થા, તડાક દઈને દિવાલો તોડી નાખ, તારો ખજાનો તું ખોલ અને તારા દિલને, તારા આત્માને યાનિ કી મને પુન: જીવિત કર. અને પછી જો તારા જીવનમાં કેવી વસંત ખીલે છે અને તારી ખુશ્બુ કેટલી ઉંચાઈને આંબે છે.. !
અને છેલ્લે તારી જ લખેલી એક અછંદાસ કવિતા તને પાછી યાદ અપાવું છું...
દરેક ઘટના મને તોડે છે,
મારે છે, ફોડે છે
સતત ગુંચવી નાખે છે
ને છતાયે દરેક ઘટનાનાં અંતમા
હું ફિનિક્સ પંખીની જેમ
રાખમાથી પુન: જન્મ લઉં છુ...
ફંફોસી જો તૃષા, ઉંડે ઉંડે ફંફોસી જો.. જરુર કઈક મળશે તને...!
તારો અંતરાત્મા.