Hello Sakhi ri... Ank - 12 in Gujarati Magazine by Hello Sakhiri books and stories PDF | હેલ્લો સખીરી અંકઃ ૧૨

Featured Books
Categories
Share

હેલ્લો સખીરી અંકઃ ૧૨

અંકઃ ૧૨ મે, ૨૦૧૬.

હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક..

“ સખીરી કરે સખા સરાહના”

સંપાદનઃ કુંજલ પ્રદીપ છાયા


અનુક્રમણીકાઃ-
૧ આહ્વાનઃ કુંજલ પ્રદીપ છાયા૨
હેય! વ્હોટસેપ?: ગોપાલી બુચ
૩ લૉ પંડિતઃ શ્ર્લોકા પંડિત૪ મોઘમ હસવું શાને!: પલ્લવી મિસ્ત્રી
૫ યોગ સુયોગઃ આરતી માંડલિયા

૬ અનુભૂતિઃ લતા કાનુંગા
૭ સાતમી ઈન્દ્રીયઃ કલ્પના દેસાઈ

આહ્વાનઃ કુંજલ પ્રદીપ છાયા

પુરુષ, પુરુષત્વ અને પુરુષાર્થની સરાહના હેલ્લો સખીરી સંગે!

અહોભાગ્ય ધન ઘડી ‘હેલ્લો સખીરી’માં સખાગણને આજે પ્રાધાન્ય! શરૂઆતથી જ એવી વાતો મળતી આવી કે ફકત સ્ત્રીઓ માટે જ છે આ મેગેઝિન? શું ફોટોઝ વિનાનું ફકત લખાણ વાંચવું ગમશે? ‘ના રે હો, આ તો કેવું બોરિંગ લાગે!’ એવી અનેક તર્કવિતર્ક સાથે સતત એક વર્ષથી ધૂનકીની જેમ ચાલતા પ્રવાહને અવરોધીને ‘સખા સરાહના’ કરવાની ગુસ્તાખી કરીએ તો કેવું? સખીરી ગૃપમાં વાત કરી અને વાર્ષિક અંકનાં વધામણાં સાથે પુરુષત્વને વધાવાની પહેલ પણ સૌએ સહર્ષ સ્વીકારી!

એક વર્ષ. માસિક સામાયિક એટલે બાર અંક. બારેય અંકનો ભિન્ન મિજાજ અને નોખી પ્રતિકૃતિ. જુદાજુદા અનુભવોની સરસ મજાની સફર. કઈંક કેટલાય પ્રશ્નો અને એકોએક અંક સાથે થતી ચર્ચાઓની વણજાર અને પ્રગટ થયા બાદ સૌનાં અભિપ્રાયો; સૂચનો અને એક-એક ડાઉન્લોડ/કોમેન્ટસ સાથે શેર લોહી ચડે! એકલપંથે નહીં. કે પછી એકલવાયું પણ નથી આ હેલ્લો સખીરી. એની વ્યાપકતા આજે સાબિત કરવી રહી. સખીઓ તો સંગે છે જ અને રહેશે તો સખા સંગ પણ કેમ નહિં?

જાણવા અને માણવા જેવો એક વિષય કે શું વિચારે છે સખીઓ પુરુષો વિશે. એમની વિચારસરણી તથ્ય અને તટસ્થ છે ખરી? શું ખૂટે છે? ક્યાં ઉણપ છે સરખામણીમાં? જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ બંને ઈશ્વરદત્ત સમોવડિયાં પડખાં. તો ભેદ શો? અને ભેદ હોય પણ શાંને?

સ્ત્રીની નજરે પુરુષવર્ગ વિશેનાં વિચારો વાંચવાની મજા પડે એવું છે. સદીઓથી ચાલતા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી કાયમ બીજાં નંબરે જ હોય છે. હકીકત નકારી શકાય એમ છે જ નહીં કે સ્ત્રી અને પુરુષ બંને સમોવડિયાં પડખાં છે. ઈશ્વરે બનાવેલ સૃષ્ટીમાં નવર્સજનનાં નિર્માણની વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હશે ત્યારે એકબીજાનાં પુરક એવા નર અને માદા પ્રજાતિની રચનાની વિચારસરણી ખૂબ સમજીવિચારીને કરી હશે. પ્રાકૃતિક રીતે, શારીરિકપણે અને સ્વાભાવિક દ્રષ્ટીએ બંન્ને તદ્દન ભિન્ન છતાંય જાણે પરસ્પર અવિભાજ્ય! જેને કુદરતે જ સમાન દરજ્જો આપ્યો છે એવા નર-નારીને આપણે ખુદ ‘માણસજાતિ’ ઘણાં તફાવતો અને ભેદભાવ ભર્યા દ્રષ્ટીકોણથી જોતા થઈ ગયાં છીએ. આદિકાળમાં જીવતો માનવ સમુદાય જ્યારે સમજણ પામીને સમાજ વ્યવસ્થા અને લગ્નવ્યવસ્થામાં પરોવાયો ત્યારથી સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનાં ધોરણો ખોરવાયા. સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતાનો થપ્પો એટલી હદ સુધી ઘાટી શાહિ વડે મરાયો હશે કે અનંતકાળથી આજ દિવસ સુધી એની છાપ ઝાંખી થવાનું નામ નથી લેતી. એક સમયે અબૂધ અને અભણ ગણાતો સ્ત્રી વર્ગ આજે ઉચ્ચ શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે તાલિમ લઈ જાતને સબળ બનાવી છે. સાચાખોટાની પરખ કરવા જાતને ઘડી છે. એવા લાખો દાખલા હશે કે સ્ત્રીએ મર્દાના ત્રાસ સહન કરીને બળી મરવાનું પસંદ કર્યું હોય! એવા કરોડો બનાવ હશે જ્યાં નાના કે મોટા ભાઈને ભણાવવા સારું થઈને દિકરીનાં ભણતરને રુંધ્યું હોય!

પણ.. પણ.. પણ.. એ યુગ હવે ઘણો પાછળ રહી ગયો છે. એકવીસમી સદીનાં સાંપ્રત સમયમાં હમસફર બનીને જીવન ધપાવવાનું અને એકસાથે કદમ મીલાવીને ચાલવાનું છે. સત્તાધિકાર કે આધિપત્ય ભાવને બદલે સ્વીકૃત લાગણી અને સમજણપૂર્વકની દુનિયાદારી નિભાવવી રહી. આધૂનિકતા સાથે સાક્ષરતાને લીધે આ માનસિકતાને પ્રબળ વેગ મળ્યો જ છે. ટૂંકમાં, બંને પલડાં સરખાં! બરાબરને?

સખીરી.. સંગે સખાગણની સરાહનાની મુદ્દાસર ચર્ચા કરીએ.

શારીરિક રીતેઃ નાજુક સ્ત્રીને વેલની ડાળી સાથે સરખાવાય છે જ્યારે પડછંદ પુરુષને ઘટાદાર વૃક્ષનાં થડ સમો. સ્ત્રી કરતાં એક પુરુષ જેટલો શારીરિકપણે સશક્ત હોય એમાં બે મત નથી. એનો બાંધો કદકાઠી એનાં પરિશ્રમની તરફેણમાં છે. જ્યારે સ્ત્રી તુલ્નાત્મક રીતે ઓછી તાકાતવાન હોય. જે કુદરતી છે. એને સ્વીકારવું રહ્યું. આ અંકમાં મોઘમ હાસ્ય સાથે પુરુષનાં દેખાવ ને કામનું નિરૂપણ થયું છે જે વાંચવાની મૌજ પડે એવું છે.

કૌટૂંબિક મોભીઃ ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો. એ વાર્તાનું નવું વર્જન આ અંકમાં સ-રસ રીતે આલેખાયેલ છે. પુરાતનકાળમાં પુરુષવર્ગ બહારનું કામ અને સ્ત્રીએ ઘરકામ સંભાળીને સંસાર વસાવ્યો ત્યારે અર્થોપાજન નરજાતિને ફાળે આવ્યું અને મોભી પદ એમને ફાળે ગયું. પપ્પા કે દાદા ઘરે આવી જાય એટલે બાળકોનું કિલકિલાટ અને મહિલાઓનો કકળાટ શાંત થઈ જાય. દબદબો ખરો પણ એક આમન્યા જાળવવાનો એક પ્રયત્ન પણ ખરો!

સ્વાભાવિક લાક્ષણીકતાઃ સ્ત્રી એટલે રોતલ ને પુરુષ કઠોર હ્રદયનો! એક સનાતન માન્યતા ચાલી આવે છે. કદાચ એ સાચું પણ છે. પ્રાકૃતિક રીતે બંનેનો સ્વભાવ વિરોધાભાષી છે. તેમ છતાંય કહેવાય છે ને કે જણનું મન નારિયેળ જેવું છે બહારની કાચળી ખરબચડી અને પડળને તોડીયે એટલે નરમ મલાઈ જેવું. રોઈરસળીને સ્ત્રી હળવી થઈ શકે પણ માણસ પોતાનું દુખડું ક્યાં રોવે? એને રડવું પોસાય એમ પણ નથી કેમ કે એ તો મોભી કે વટવૃક્ષની છાપ કથળે એ કેમ પાલવે?

ના જી, એ તદ્દન ઉદ્ધત કે અહમી નથી. છતાંય એનું સ્વાભાવીક વલણ જ એવું છે; કડક મિજાજી. આકરું થવું કે સખત થવું જ રહ્યું. જેથી એની વગ રહે. બાલીશ કે નિર્બળ જણ શોભે ખરો? નિડરતા હોય કે ધીરજ ભઈસા’બ એમની સરખામણી કરાય?

પુરુષાર્થ અને પુરુષત્વઃ ગુજરાતી શબ્દકોષમાં શોધીએ તો આ અર્થ મળેઃ “ગુહ્ય કર્મથી સંસાર ચલાવવાનું બળ.” જે ખરેખર સચોટ જ છે. પુરુષાર્થનું માપદંડ કે એની મર્દાનગી ફકત સ્ત્રી સાથેનાં શારીરિક સંબંધ થકી જ નહીં. બ્લકે એની મક્કમ માનસિકતા, સામાજિક વગ અને વ્યવહારિક કાર્યદક્ષતા કે વ્યવસાયિક સફળતા સાથે સંકળાયેલ છે.

“કાર્યે સુ દાસી, ભોજે સુ માતા; શૈયે સુ રંભા..” પ્રિયધર્મ પત્નીનાં શ્રેષ્ઠ લક્ષણો દર્શાવતી ગૃહલક્ષ્મી હોય, પિતૃત્વને ઓપ આપતાં બાળકો, કુબેરના ધનવૈભવ સમો કારોબાર અને રાજકાજમાં ધમધમતી પ્રતિષ્ઠા મળે એટલે

ચાલો, એક બીજો સરસ પ્રશ્ન ઉપાડીએ. સ્ત્રીની નજરે પુરુષવર્ગ.

કેવો વ્યક્તિ જોઈએ એક સ્ત્રીને?

પપ્પા કે ભાઈ જેવો હન્સબન્ડ જોઈએ. ઘરમાં કે પરિવારમાં સૂડી વચ્ચે સોપારી બનીને જીવતો નહીં! બલ્કે કોઈપણ મુશ્કેલીમાં અડીખમ રહે એવો અડીયલ નહી. જોહૂકમી નહીં બલ્કે મૈત્રી સાથે સહજ અને એક સમાન હકાધિકાર આપે એવો. કામેશ્વરની છબી અને શ્રી હરિ કે પૂર્ણપુરુષોત્તમ નારાયણ જેવો મહામાનવ એક સ્ત્રીનો આદર્શ હોય. લખણે લાડકા કેમ પાલવે? ‘હિ મસ્ટ બી ડિસન્ટ એન્ડ ડેશિંગ.’ એક સ્ત્રી માટે એનો પુરુષ એક હીરો હોય. પછી ભલેને એ એનાં દાદા, પિતા, ભાઈ, પતિ કેમ ન હોય.

સખીઓને ભાઈ જેવા ભાઈબંધ અને ભાઈબંધ જેવા ભાઈઓ મળે તો બીજું જોઈએ જ શું?

અંકઃ ૧૨માં આ વખતે હંમેશ જેવું નથી. ઘણાંખરા નવતર પ્રયોગ છે. હાસ્યલેખ પ્રથમવાર સામેલ થયેલ છે. ‘ફિટનેશ દિવા’ સમાં સખીનું યોગાસન પ્રત્યે ધ્યાનદોરવણી છે. લો પંડિત કાયમી કટારમાં પુરુષવર્ગને લગ્નભંગ સામે કઈ રીતે પ્રોટેક્શન મળે એની જોગવાઈ સમજાવાયી છે. એક સખીએ પોતાનાં શિક્ષકની જડ માનસિક વલણ સામે કઈ રીતે બળવો પોકારીને અભ્યાસ કર્યો એ વાંચવું મોજ પડે એવું છે.

‘હેલ્લો સખીરી’નાં વાર્ષિક ઉત્સવમાં માતૃભારતી એપનાં પ્રણેતા સંસ્કૃતિનો સમન્વય ટેકનોલોજી સાથે કઈ રીતે આદર્યો એની સાફલ્યગાથા વાંચવાની મજા આવશે.

મૂડી, મિજાજી, હેન્ડસમ, હન્ક! દોસ્તારો સાથે ચિલ્લ કરતો બાઈકિંગ/ રાઈડિંગ/ હેન્ગાઉટ કરતો યુવાન! પ્રેમી અને પરાક્રમી પણ! પ્રમાણીક, જવાબદાર; જનૂની અને જક્કી ખરો!

એકમેક વિના જેને ન ચાલે. બંને પૂરક અને અરસપરસ સમાન! સખાગણને સમર્પિત અંક વાંચવાનું આહ્વાન.


લો પંડિતઃ શ્ર્લોકા પંડિતshlokapandit@gmail.com

હિંદુ લગ્ન ધારો-૧૯૫૫ ની કલમ-૯

આ વખતે મને એવું સુચન હતું કે કશુંક પુરુષપ્રધાન કાયદા વિષે લખવું. અઘરું છે પુરુષપ્રધાન કાયદાઓ વિષે લખવું કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન છે એટલે કાયદાઓ સ્ત્રીપ્રધાન જ બને છે. આમપણ પુરુષને સહન ઓછું કરવાનું આવતું હોય છે એટલે ન્યાયિક મદદ સ્ત્રી તરફી વધુ છે તેમછતાં અમુક વિષય એવા છે જેમાં કાયદાએ પુરુષને પણ મદદ કરી છે.

સામાન્ય રીતે હિંસાનો ભોગ સ્ત્રીને વધુ પ્રમાણમાં બનવું પડતું હોય છે પણ પુરુષનું શું? ૧૦૦%માંથી ૭૦% હિંસાનો ભોગ સ્ત્રીઓ બને છે અને તેથી જ સ્ત્રી તરફે વિશેષ ધ્યાન અપાયું છે. આજ જે વિષય ઉપર વાત કરીશું તે છે હિંદુ લગ્ન ધારા -૧૯૫૫ ની કલમ-૯ કે જેમાં લગ્નજીવનના હક્કોના પુન:સ્થાપન વિષે વાત કરવામાં આવી છે.

જય અને રીચાના લગ્ન ધામધુમથી લેવાયા. બંને કુટુંબ ખુબ જ ખુશ હતા કે આંખ ઠરે એવું જોડું છે. લગ્ન પછી ધીમે ધીમે સમય જતો ગયો અને જય અને રીચા પોતાના નવા જીવનમાં સેટ થવાની કોશિશ કરતા ગયા પણ રીચાનો સ્વભાવ કૈક અલગ હતો. દરેક વખતે તેને અભાવ રહેતો, ઘરના બધા સાથે પણ જગડો કરતી હતી પણ બધાને એવું લાગતું કે નવું નવું છે એટલે સમયતો જશે જ અને એક દિવસ અચાનક રીચા હું મારા પિયર જાઉં છું એમ કહીને પોતાનો સામાન ભરીને નીકળી ગઈ.

આ બાજુ બધા જ સભ્યો ચિંતામાં આવી ગયાકે અમારો કઈ વાંક નથી, તેને કશું જ ઓછું આવવા નથી દીધું તેમ છતાં એ જતી રહી અને જતાજતા કહેતી ગઈકે હવે તો મને કોર્ટમાં મળજો. એટલે જયએ તેના એક મિત્ર કે જે વકીલ છે તેને ફોન કરીને મળવા બોલાવ્યો અને જે હકીકત હતી તે બધી જ જણાવી. ઘરમાં બધા એટલે પણ ચિંતામાં હતાકે રીચા કઈ આડું અવળું પગલું ભરે અથવા પોલીસમાં ફરિયાદ કરે અને અમને બધાને જેલ ભેગા કરે તો શું કરવાનું એટલે જયના મિત્ર કે જે વકીલ હતા તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે કાયદો સ્ત્રીને વધારે રક્ષણ આપે છે પરંતુ આપણી પાસે કોઈ જ રસ્તો નથી એવું પણ નથી. આ સમયે આપણે હિંદુ મેરેજ એક્ટ ની કલમ -૯ પ્રમાણે આગળ વધી શકીએ. કલમ-૯ માં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે પતિ અથવા પત્ની કોઈ પણ વ્યવસ્થિત કારણ વગર દામ્પત્યજીવનના હક્કો પુરા કરી દે તો કલમ-૯ હેઠળ લગ્નજીવનના હક્કોના પુન:સ્થાપનનું હુકમનામું માંગી શકાય.

આ કલમ પતિ અથવા પત્ની બંનેને લાગુ પડે છે પણ સામાન્ય રીતે આ કલમનો ઉપયોગ પુરુષ પક્ષે વધારે કરવામાં આવે છે. જ્યારે કલમ-૯ હેઠળ પીટીશન ફાઈલ કરવામાં આવે એટલે સામાપક્ષે પણ પોતાનો જવાબ રજુ કરવાનો મોકો આપવામાં આવે છે અને તેમાં જો સામા પક્ષે લગ્નજીવનના હક્કોનાં પુન:સ્થાપન માટે તૈયાર થાય તો બંનેની સંમતિ થી હુકમનામું મળે અને નહિ તો પછી શરતો ને આધીન હુકમનામું મેળવી શકાય છે.

આટલું સાંભળીને જયનાં પપ્પાએ કહ્યું કે અમારે મન તો રીચા પણ દીકરી સમાન જ છે અને અમે તો હજુ પણ જો એ આવવા તૈયાર હોય તો એને સ્વીકારવા તૈયાર જ છીએ. જય નો પણ એ જ સુર હતોકે કદાચ આટલા સમયમાં એ કુટુંબ સાથે યોગ્ય રીતે હળીમળી શકી નાં હોય તો એક તક તો આપવી જ રહી. આમ, સર્વાનુમતે વકીલની સલાહ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યુંકે ફેમીલી કોર્ટમાં હિંદુ મેરેજ એક્ટની કલમ-૯ હેઠળ પીટીશન દાખલ કરવામાં આવે અને પછી રિચાને પણ સાંભળવામાં આવે કે એને શું કરવું છે. જો એ આવવા તૈયાર હોય તો ઘીના ઠામમાં ઘી પડશે અને ના આવવા તૈયાર હોય તો આગળ કાયદો શું કરે છે તે જોવું રહ્યું.

વકીલની વાત સાંભળી એક રીતે તો બધાને થોડી હાશ થઇ કે આપણા સગા-સંબંધીઓ આપણને જે રીતે ડરાવતા હતાકે કાયદો ફક્ત સ્ત્રીલક્ષી જ છે અને તમે બધા તો જેલભેગા થશો એવું પણ નથી. કાયદાએ પુરુષને પણ ધ્યાનમાં રાખ્યો જ છે પણ કાયદાનો દુરુપયોગ નાં થાય તે ખાસ જોવું રહ્યું. સામાન્ય રીતે પુરુષ તરફે જ્યારે પત્નીને સીધી રીતે છુટ્ટી કરવી નાં હોય અથવા તો ભરણપોષણની રકમનાં ભરવી હોય ત્યારે આ કલમ-૯ ઢાલ તરીકે વાપરવામાં આવે છે.


મોઘમ હસવું શાને!: પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રીpallavimistri@yahoo.com


પુરુષોનાં દેખાવ અને પગાર કેવા જુઓ તો!

ભારતમાં પ્રોફેસરો માટે ‘ભુલકણા’ શબ્દ અને એને લગતી એક જોક બહુ જ પ્રચલિત છે.

એક ભુલકણા પ્રોફેસરને એમની પત્ની બજારમા મળી ગઈ, તો એને જોઇને માથું ખંજવાળીને પ્રોફેસર બોલ્યા, ‘માફ કરજો મેડમ, મને અત્યારે તમારું નામ નથી યાદ આવતું, પણ મેં તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે.’ એ મેડમ પત્નીએ એના ભુલકણા પ્રોફેસર પતિને માફ કર્યા કે નહી તે જાણવા નથી મળ્યું. પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર એંડ્રુએ પુરુષોના દેખાવ અને એમના પગાર વિશે જે રસપ્રદ સંશોધન કર્યું છે તે જાણીને ઘણા દેખાવડા પુરુષો પ્રસન્ન થયા છે.

ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી ખાતે ઇકોનોમિક્સના ભૂતપૂર્વ પ્રોફેસર એંડ્રુ લેહ અને યુનિવર્સિટી મેલબોર્નના જેફ બોર્લેન્ડે એક રસપ્રદ સંશોધન કર્યું છે, તે એ છે કે, ‘સામાન્ય કરતા દેખાવડા પુરુષો ૨૨% વધુ કમાણી કરે છે.’ આ પ્રોફેસરે મહિલાઓ માટે કહ્યું કે, ’દેખાવડા પુરુષોની ૨૨% વધુ કમાણીવાળું ગણિત દેખાવડી મહિલાઓ માટે કામ કરતું નથી.’

પર્સનલી મારું માનવું છે કે, ‘મહિલાઓ માટે માત્ર દેખાવનું ગણિત જ નહીં, કોઇ પણ ગણિત કામ કરતું નથી. અરે! માત્ર ગણિત જ શું કામ, મહિલાઓ માટે તો કોઇ પણ શાસ્ત્ર [ઇતિહાસ- ભૂગોળ-નાગરિક] અને કોઇ પણ શસ્ત્ર [શામ-દામ-દંડ-ભેદ] કામ નથી કરતાં. એટલે જ કોઇક ડાહ્યા માણસે કહ્યું છે કે, ‘પુરુષોને તમે પ્રેમ નહી કરશો તો ચાલશે, તમે માત્ર એમને સમજો. પરંતુ સ્ત્રીઓને તમે માત્ર પ્રેમ કરો, સમજવાની કોશિષ ક્યારેય કરશો નહીં.’

પંદર વર્ષના લગ્ન જીવન પછી એક સ્ત્રીએ એના પતિને પૂછ્યું, ‘હું કેવી લાગું છું તેનુ વર્ણન તમે મને જોઇને કરો.’ આ સાંભળીને પતિ આશ્ચર્યથી અને અપલક નેત્રે એની પત્નીને તાકી રહ્યો અને પછી એકશ્વાસે બોલી ગયો,’ ‘ABCDEFGHIJK…’ પત્ની પહેલાં તો નવાઇથી એને જોઇ રહી, પછી બોલી, ‘તમે કહેવા શું માંગો છો?’ પતિ બોલ્યો,’ Adorable, Beautiful, Cute, Delightful, Elegant, Fashionable, Great, Hot.’ પત્ની પતિના જવાબથી અત્યંત ખુશ થઈ અને બોલી, ‘અને IJK શું?’ પતિ બોલ્યો, ‘I am Just Kidding.’ [આ શબ્દો પછી એ દ્રશ્ય પરથી પર્દો પડી ગયો એટલે પછીથી સંસાર નામના સ્ટેજ પર કયું દ્રશ્ય ભજવાયું તે જાણી શકાયું નહીં. પરંતુ જે કંઇ હશે તે કરુણ જ હશે એમ કલ્પના કરવાથી જાણી શકાય છે.]

બધી સ્ત્રીઓ કંઇ સુંદર લાગતી નથી હોતી. પણ બધી જ સ્ત્રીઓને સુંદર દેખાવાનું ગમે છે, તે હકીકત નિર્વિવાદપણે સત્ય અને સ્વીકાર્ય છે, કેમ કે પુરુષોને સુંદર સ્ત્રીઓ જોવી વિશેષ ગમે છે. વિદ્વાનોના મત મુજબ માત્ર ૧૦% સ્ત્રીઓ જ, ‘ના કજરે કી ધાર, ના મોતીઓં કે હાર, ના કોઇ કિયા શિંગાર ફિર ભી કિતની સુંદર હો.(મધુબાલા ટાઇપ)’ એવી સુંદર Natural Beauty એટલેકે નૈસર્ગિકરુપે સુંદર હોય છે. બાકીની ૯૦% સ્ત્રીઓ તો જાતમહેનતે સુંદર બનેલી હોય છે. એમને આ કામમાં બ્યુટીપાર્લરવાલા ખાસ મદદ કરે છે. આ કળામાં માહેર બ્યુટીપાર્લરવાળા સ્રીઓ પર એવી તો કમાલ કરે છે કે, મેકઅપ બાદ તમે તમારી જ સ્ત્રીને પણ ના ઓળખી શકો. એક બ્યુટીપાર્લરની બહાર બોર્ડ લગાવ્યું હતું, ’અમારે ત્યાંથી નીકળતી સુંદર યુવતિને જોઇને સીટી મારશો નહી, કેમ કે એ તમારી દાદીમા પણ હોય શકે છે.’

પ્રોફેસર એંન્ડ્રુ કહે છે કે, ‘પુરુષોના દેખાવની અસર ૨૨% વધુ કમાણીમા દેખાય છે, તે શ્રમિક શ્રેણીના કામદારોથી લઈને ઉચ્ચ પગાર ધોરણ ધરાવતી પ્રોફેશનલ કારકિર્દી જેવી તમામ પ્રકારની નોકરીમા થાય છે. અહીં મને ફિલ્મજગતની એક અભિનેત્રી યાદ આવે છે, જે પોતાના ડ્રાયવર તરીકે દેખાવડા અને યુવાન વ્યક્તિને જ પસંદ કરે છે.

પ્રોફેસરના સર્વેમાં ભલે જાહેર થયું હોય કે ‘સ્ત્રીઓના સુંદર દેખાવની અસર એમની કમાણી પર નથી થતી.’ પણ એની અસર પુરુષોની કમાણી પર ડાયરેક્ટ અથવા ઇન્ડાયરેક્ટ થાય જ છે અને તે પણ નેગેટીવ અસર થાય છે. જો સુંદર દેખાવાનો પ્રયત્ન પુરુષની પોતાની સ્ત્રીએ એટલે કે એની પત્નીએ કર્યો હોય તો એ સૌંદર્ય પ્રસાધનોની ખરીદીને કારણે પતિને એની ખરાબ અસર થાય છે. અને જો એવો પ્રયત્ન બીજાની પત્નીએ કર્યો હોય તો એનું ધ્યાન પોતાની તરફ દોરવા, એને રાજી કરવા Flowers, Cards, Perfume, Jewelry-- જેવી ભેટ આપવી, ફરવા લઈ જવી, ડિનર પર લઈ જવી, વગેરેમા પુરુષની કમાણી ઉપર એની નેગેટીવ અસર થાય છે.

એક ક્લબના સ્વીમીંગપુલના સાઇડના ચેંજીંગ રુમમા મોબાઇલની રીંગ વાગે છે. ત્યાં હાજર ત્રણ-ચાર પુરુષોમાથી એક જણ મોબાઇલ ઉપાડે છે.

-હલ્લો, મોલમા છું, સામસંગનો મોબાઇલ સરસ છે, ફક્ત ૫૦ હજારનો છે, લઇ લઊં?

-હા, લઈ લે ને.

-અને હા, એક ડાયમંડ સેટ ગમ્યો છે. ૨ લાખનો છે, લઈ લઊં?

-જે જોઇતું હોય તે લઇ લે.

-થેંક્સ ડીયર. બાય બાય.

મોબાઇલ પાછો મૂકતા એ પુરુષ પૂછે છે, ‘આ મોબાઇલ કોનો છે?’

પ્રોફેસર એંડ્રુના સર્વેમા ભલે એ વાત પુરવાર નથી થતી કે ‘સુંદર દેખાતી મહિલાઓને પણ વેતન વધારે મળતું હોય છે.’ પણ એ પોતે પર્સનલી માને છે કે એ વાત સાચી છે. સુંદર મહિલાઓ સૌના-ખાસ કરીને પુરુષોના આકર્ષણનું કેંન્દ્ર બને છે. ઘણા પુરુષો માને છે, કે ‘મહિલાઓમા સુંદરતાની સાથેસાથે બુધ્ધિમતા એટલે કે ‘Beauty with Brain.’ ભાગ્યે જ જોવા મળે છે.’ પણ આજકાલ સુંદર યુવાન મહિલાઓ જે રીતે દેખાવડા કરતાં પણ ધનવાન પુરુષોને લગ્ન માટે પસંદ કરે છે, તે જોતાં લાગે છે, કે યુવતિઓમાં પોતાની બ્યુટીની વેલ્યુ સમજવાની અને એને યોગ્ય રીતે વટાવવા જેટલી બુધ્ધિમતા તો છે જ. જ્યારે સુંદર સ્ત્રીઓને જોઇને ઘણા પુરુષો જે બબૂચકવેડા કરે છે, તે જોતાં એમની બુધ્ધિમતા કે વિવેકબુધ્ધિ પર શક થયા વગર રહેતો નથી.

સુંદર સ્ત્રીને જોઇને જ્યારે કોઇ પુરુષ ગીત ગાય,

‘સુંદર હો ઐસી તુમ જંહા ચલો એક્બાર.... રાહોમે ગલીઓમે ખીલે બસંતબહાર... કી ઇંન્સા ક્યા, દેવતા ક્યા સભી કો તુમ સે પ્યાર....’

હે સુજ્ઞજનો, જરા વિચારો, કે જેના એકવાર ચાલવાથી ‘બસંત-બહાર’ આવતી હોય તો ભારત-સરકાર એને વિકાસખાતામા જ ઉંચા પગારે ભરતી ના કરી દે? પછી તો દુકાળગ્રસ્ત વિસ્તારમા એને મોકલે ને એ ય ને બધે લીલાલ્હેર લીલાલ્હેર! થોડી બુધ્ધિ ઠેકાણે રાખીને જો ગાતા પહેલા વિચારે તો ખ્યાલ આવે કે અત્યારે જે તું ગાઇ રહ્યો છે, ‘સભી કો તુમ સે પ્યાર..’ તે એવું સાચ્ચે જ જો થાય તો તું પાગલ થઈ જાય કે નહિં? પણ લગ્ન પહેલાં સ્ત્રીને જોઇને પુરુષ જે ખીલે છે, જે ખીલે છે.. ‘વચનેષુ કિં દરિદ્રતા?’ ‘બોલવામા વળી શી કંજુસી?’ અને લગ્ન પછી...?

પત્ની: લગ્ન પહેલાંતો તમે બહુ વચનો આપેલા. તારા માટે આકાશમાંથી ચાંદ-તારા લઈ આવું. અને હવે ગલીને નાકેથી બટેટા મંગાવુ છું તો ય લાવી આપતા નથી.

પતિ: તેં કોઇ માછીમારને જાળમાં સપડાયેલી માછલીને દાણા નાંખતો જોયો છે?

પ્રોફેસર એંન્ડ્રુનો સર્વે ભલે ગમે તે તારણ કાઢે. પણ માનવ સહજ સ્વભાવ કહે છે કે, દેખાવડા પુરુષોની જેમ જ દેખાવડી સ્ત્રીઓને પણ નોકરી જલ્દી મળે છે, પગાર સારો મળે છે, બોનસ વધુ મળે છે, પ્રમોશન પણ ફટાફટ મળે છે, એટલું જ નહીં પણ સુંદર સ્ત્રીઓને જીવનસાથી પણ જલ્દી અને સારો મળે છે.



યોગ સુયોગઃ આરતી માંડલિયા
aartiman97@gmail.com

ટીન એજ એટલે જીવન નો પ્રથમ એવો તબક્કો જે અનેક વિસ્મયો, સવાલો, પડકારો અને પરિવર્તનો બધું એકસાથે લઈને આવે છે.

છોકરો હોય કે છોકરી; ઉમર ના આ તબક્કામાં એમને સારા અને સાચા માર્ગદર્શન ની જરૂર હોય છે. હોર્મોન્સ ને લીધે થતા શારીરિક ફેરફારો અને એ શારીરિક ફેરફારોને લઈને ઉદભવતા સવાલો, સમસ્યાઓ કે કુતૂહલ ને જો યોગ્ય રીતે સમજી ને સુલજાવી ન શકે તો માનસિક અસર પણ થઇ શકે જેવા કે મૂડ સ્વીંગ, લઘુતાગ્રંથી, આંતરમુખીપણું વગેરે..

ઉપરાંત આ સમય એમના ભવિષ્ય ના ઘડતર માટે પણ એટલો જ મહત્વ નો છે કઈ લાઈન લેવી,ક્યાં ફિલ્ડ માં કેરીઅર બનાવવું,કઈ કોલેજ કે ક્લાસ માં જવું; જેવા અનેક મોરચે એમને લડવાનું હોય છે આપણી જ મુગ્ધાવસ્થા યાદ કરીએ તો પણ સમજી શકાશે. થોડા વર્ષો પહેલા આટલી જાગ્રુતતા ન્હોતી, શરમ- સંકોચ ને લીધે વડીલો ને સવાલો પણ પૂછી ના શકાતા. આજે જયારે લીબર્ટી અને ઓપનનેસ વધી છે, લોકો ખુલીને ચર્ચા કરતા થયા છે ત્યારે આપણે આપણા ટીનએજ સંતાનો ને વધુ સારી રીતે સમજાવીને એમની સમસ્યા હળવી કરી શકીએ.

ઉંમરના નાજુક વળાંક માં સામે આવતા આવા પડકારો માં આજે સૌથી મોટો, બળજબરીથી મહત્વનો બની ગયેલો અને અનિવાર્ય એવો ઇવલ છે મોબાઈલ! અઢળક એપ્સ, ગેમ્સ,સોશિઅલ સાઈટસ અને ટેક્ષ્ટીન્ગ માં મોટાભાગ નો સમય ગાળીને નાની ઉમરમાં જ સ્ટ્રેસ, ડીપ્રેશન અને શોર્ટ ટેમ્પરથી ઘેરાય જાય છે. આવા સમયમાં એમને ફોકસ્ડ, બેલેન્સડ અને શાંત રાખવા યોગા અને કસરત બહુ હેલ્પ કરી શકે. અહી કેટલાક આસનો અને કસરતો સૂચવું જે કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં ડગ માંડતા દરેકને મન અને મગજ શાંત રાખવામાં તેમજ તાણરહિત રહેવામાં મદદરૂપ થશે.

-વોર્મઅપ-

* સવારે થોડા વહેલા ઉઠી ૧૫થી ૨૦ મિનીટ ચાલો કે સાયકલિંગ કરો કે સ્વીમીંગ કરો અથવા દોરડા કૂદો.

- સ્ટ્રેચિંગ-

*કાર્ડીઓ એકસરસાઈઝ પતાવી થોડીવાર રેસ્ટ કરો શ્વાસ નોર્મલ થાય પછી સ્ટ્રેચિંગ કરો. બંને હાથ આગળ સીધા કરી આંગળા લોક કરો અને હાથ ને હથેળીઓ ઉપર તરફ રહે એ રીતે ઉપર તરફ ખેચો. આનાથી પગ, પીઠ, હાથ અને ગરદન ના સ્નાયુઓ રિલેક્ષ થશે.

*હવે બંને હાથ ને લોક જ રાખી ને વારાફરતી ડાબી અને જમણી સાઇડ બેન્ડ થાવ એટલે કમરના સ્નાયુઓ રિલેક્ષ થશે.

*હવે ઊંડો શ્વાસ લઈને બંને હાથ ફરી ઉપર કરો અને શ્વાસ છોડતા છોડતા નીચે તરફ વળો,ઘૂંટણથી પગ વાળ્યા વગર નીચે તરફ નમતા જાઓ આવું ૪થી ૫ વાર કરો.

*ત્યારબાદ બન્ને હાથ ને પાછળ કમર પર રાખી દો આંગળા નીચે તરફ રહે તેમ પંજાઓ થી કમર ને સપોર્ટ આપી શ્વાસ લેતા પાછળ તરફ બેન્ડ વળો. આવું ૨-૩ વાર કરો.

-પીલાટે અને આસનો -

*મેટ પર સીધા સુઈને પગ વાળી દો બંને હાથ ચેસ્ટના લેવલમાં ઉપર તરફ જોઈન્ટ કરી ઉપરનું બોડી અપ કરો, ગરદન ને ઝાટકો ના લાગે એ રીતે ખભા અને એબ્સ થી અપ થાવ નજર આકાશ તરફ અને અપ થાવ ત્યારે શ્વાસ છોડો. આ અપરબોડી ક્રંચ ના ૧૫ ૧૫નાં ૩ સેટ કરો ૧૦ સેકંડ ના ઈન્ટરવલ સાથે.

*હવે સીધા સુઈ બંને પગને સીધા ૯૦ ડીગ્રી ઉંચા કરો અને ફરી નીચે લાવો પણ જમીનને અડાડયા વગર ફરીથી ઉપર લાવો. આ રીતે ૧૫ -૧૫ના ૩ સેટ ૧૦ સેકંડના ઈન્ટરવલ સાથે લેગ રેઈસના કરો. લેગ ઉપર લો ત્યારે શ્વાસ છોડો અને નીચે લો ત્યારે શ્વાસ લો.

*નૌકાસન.

મેટ પર સીધા સુઈ ને બંને હાથ ને ઉપર તરફ કરો અને બંને પગ ને પણ ઉપર લઈલો ઘૂંટણ સીધા રાખીને. શરીર ને એક નાવ જેવી પોજીશન માં સેટ કરી ૧૫ સેકંડ હોલ્ડ કરો. ૩ થી ૫ વાર નૌકાસન ૧૦ સેકંડ ના ઈન્ટરવલ સાથે કરી શકાય.

-ફાયદા -

*ઉપર જણાવ્યા મુજબ કસરતો કરવાથી ટીનેજેર્સ ને ઘણાં ફાયદા થાય છે.

૧. શારીરિક તેમજ માનસિક થાક દુર થાય છે અને સ્ફુર્તી આવે છે.

૨. ભણતર નું દબાણ અને કંટાળો દુર થાય, યાદશક્તિ વધે,આત્મવિશ્વાસ વધે અને કોન્સન્ટ્રેશન પાવર વધે.

* શારીરિક ફેરફારો ને લીધે અનુભવાતી મુંજવણ હળવી થાય અને પોઝીટીવીટી વધે.


અનુભૂતિઃ લતા કાનુંગા


શાળા જીવનની યાદો:

હું શાળામાં ભણતી ત્યારે P.T. માં પાસ થવુ ફરજિયાત હતું. આમ તો ખાનગી શાળા હતી પણ 1 P.T. શિક્ષકની ફરજિયાત સરકારી…શિક્ષણ વિભાગ માંથી નિમણૂંક થતી. અમારી શાળા ગુજરાતી મીડિયમ ની હતી. વસઈમાં ત્યારે એક જ ગુજરાતી મીડિયમ ની શાળા હતી. 25% વસ્તી જ ગુજરાતીઓની.શાળાના P.T. શિક્ષક ને 1 સરકારી. સરકારી શિક્ષક મરાઠી હતા. એમનુ નામ સિંદે. P.T. ના પિરિયડ માં ખાસ કઈ કરાવે નહી. પાછા દારુ પીતા, અને વાત વાત માં ગાળો બોલે. અમને ખુબ ગુસ્સો આવે પણ કઈ કરી ન શકીએ.
હુ ત્યારે 10 માં ધોરણમા હતી.
એક વાર P.T.ના પિરિયડ માં અમે ગ્રાઉન્ડ માં બધા લાઈન માં ઉભા હતા, એટલામાં એમના કોઈ ઓળખીતા આવ્યા એટલે તેઓ એની સાથે ગપાટા મારતા ઉભા રહયા. એટલે સ્વાભાવિક રીતે અમે બધા પણ વાતો કરવા લાગ્યા. 45 છોકરા છોકરીઓ ભેગા વાતો કરે તો કેટલો બધો ગણગણાટ થાય..! છેક પિરિયડ પુરો થવા આવ્યો ત્યારે સિંદેસરના ઓળખીતા ગયા.
બસ આવી બન્યુ.

…ખુબ ગુસ્સે ભરાયા ને એમાંથી ગાળ બોલ્યા... મારુ મગજ છટકયુ જ હતુ ને પાછા બોલ્યા તમારા માબાપ આવુ શિખવે છે.? અલબત્ત મરાઠી માં.
મારો પિતો ગયો….મે સામે જ કહયુ…શુ તમારા માબાપે તમને ગાળો શિખવી છે..?
બસ થઈ રહ્યુ. ..કહે…એટલુ બધુ અભિમાન હોય તો કાલથી પિરિયડ ન ભરતી….
હુ એ જ સેકંડે લાઈન માંથી બહાર નીકળી ને મેં કહયુ. ..કાલથી શુ કામ અત્યાર થી જ નહિ ભરુ.

ત્યારથી પિરિયડ ભરવાનો બંધ કર્યો. એમના પિરિયડ માં કાં તો શાળા ની ગેલેરીમાં ઉભી રહી નીચે ઉભા હોય એની સાથે વાતો કરુ કાં તો બીજા કલાસ માં જઈ ને પિરિયડ ભરુ. સ્કુલ માં આમે અમારુ રાજ ચાલતુ ને બધા શિક્ષકો સાથે બનતુ પણ સારુ.

એમ કરતા વષઁ પુરુ થવા આવ્યુ. મને ગેલેરીમાં જુવે એટલે કહે ..હું તો આનુ નામ શાળાના પ્રમુખ પાસે મોકલીશ..હું ગેલેરીમાંથી જ બુમ પાડીને બોલી…લતા તો શાળા માં ઘણી છે. પ્રમુખ સાહેબની પાસે જાવ ત્યારે હું જ તમારી સાથે આવીશ…
એટલે થોડા દિવસ શાંતિથી ગયા. પછી કહે શિક્ષણ અધિકારી ને ફરિયાદ કરીશ.
મેં કહયુ. ..કયારે જવુ છે?..હું આવિશ ઓળખ માટે. આમ સામ સામે લડયા કરતા. તેઓ ઘડી ઘડી ધમકી આપતા કે લતાને પરીક્ષા માં બેસવા નહિ દઉ. એટલામાં વાર્ષિક પરીક્ષા આવી. એટલે એમણે કલાસમાં બોલાવી.
કહે….’પરીક્ષા આપવી છે.?’
મેં કહી દીધુ ‘તમારે લેવી છે? તો લો’….
પરીક્ષા તો આપી. પણ આખી શાળામાં ચચાઁ ચાલી. કેમ કે આખી શાળા માં બધાને અમારી બબાલ ની ખબર હતી. ખુદ પ્રિન્સિપાલને પણ ખબર હતી, પણ વચ્ચે નોતા પડતા. બીજા જે P.T. શિક્ષક હતા તેમણે સિંદેસર ને કહયુ પણ ખરુ. ‘તમે તો લતાની પરીક્ષા નોતા લેવાના ને’. શુ બોલે?..‘
ભલે પરીક્ષા લીધી પણ પાસ થાય તો ને.’

પરિણામ ને દિવસે મારી માકઁશિટ કલાસમાં ન મોકલી ને મોનિટર સાથે મને કહેવડાવયુ કે ઓફિસ માં આવી ને માફીપત્ર પર સહી કરે પછી જ માકઁશિટ મલશે.
મેં મોનિટર સાથે જ કહેવડાવયુ કે મારી માકઁશિટ કલાસમાં ભધા સાથે જ મળવી જોઈએ.
વધારે માથાકૂટ કરશે તો એમની પાસે માફી પત્ર લખાવીશ…મને ગાળો આપી છે. માનસિક દબાણ કર્યુ છે. એવુ લખી ને.
છેવટે પ્રિન્સિપાલે એમને કહયુ લતા નું પ્રમાણપત્ર એમ ન રોકી શકાય. જો નહિ આપો તો લતા ને એનો ભાઈ તમને છોડશે નહિ.
કેમ કે જયારે આ બબાલ ની શરુઆત થઈ ત્યારે જ હું ને મારા કલાકના થોડા છોકરા છોકરીઓ મોનિટર ને લઈ ને શાળાના દરેક વગઁમાં જઈને કહિ આવ્યા હતા કે સિંદેસર હવેથી કોઈને પણ ગાળ બોલે તો અમને કહેજો. અમે પાઠ ભણાવશુ. એટલે આખી શાળા ને શિક્ષકો પણ મારા પક્ષમાં હતા. બધા તમાશો જોતા હતા. છેવટે કલાસમાં જ માકઁશિટ મળી. 11 માં ધોરણમા તો P.T. હતુ નહિ પણ આખુ વર્ષ ધાક જમાવી રાખી. એ દિવસ પછી ગાળો બોલવાનુ ભુલી ગયા હતા.

હું નાનપણમા તોફાની હતી (અત્યારનું નહિ પુછવાનું)
શાળા જીવનમાં કરવાની બધી મસ્તી કરી છે. 7 ધોરણ સુધી કલાસમાં મોનિટર બનતી. પછી ના પાડું.
મોનિટર બનવાની. અમારા ધમાલિયા ગ્રુપને ગમે એવાને મોનિટર બનાવીએ. ચંદ્રકાંત નામના છોકરાને દર વર્ષે મોનિટર બનાવીએ. છેક 11 ધોરણ સુધી બનાવ્યો. હોશિયાર છોકરો હતો.. કલાસમાં કંઈ ઉધામા કરવાના હોય તો લિડરગીરી કરતા ફાવે એટલે પોતે છુટટા….

કલાસમાં 1 પંડયા અટક નો અટકચાળો છોકરો હતો. છોકરાઓની મશ્કરી કરવામાં એકકો. સાદા મસ્તી તોફાન હોય તો વાંધો ન આવે, પણ આ તો વિચિત્ર હતો. 8 ને 9 ધોરણમાં મેં માર્યો પણ હતો. 11માં વખતે વિણા નામની છોકરી સંજોગવશ બોરીવલીથી વસઈ ભણવા આવી. અમારા કલાસમાં હતી. પેલો નફફટ પંડયા એની પાછળ પડયો તે એટલી હદે વાત વણસી કે વિણા એક વાર કલાસમાં અમારી પાસે રોઈ પડી.

વિણાને સાંત્વના આપી.. પંડ્યાને કલાસમાં પુરી અમે 3 બહેનપણીઓએ ધીબેડી ને અધમૂવો કર્યો….. મોનિટરે ખુબ દરવાજો ખખડાવયો. તો એ અમે ન ખોલ્યો. આખરે એણે બારી માથી લાકડી નાખી ખોલ્યો ને વચ્ચે પડી પંડયા ને છોડાવ્યો. આમે શાળામાં ને ગામ માં હું દાદી જ કહેવાતી. ખોટુ સહન ન કરી શકુ. લોહી ઊકળી ઉઠે!



સાતમી ઈન્દ્રીયઃ કલ્પના દેસાઈ


ફાધર ચકાની વાર્તા!

એક હતો ચકો.

એક હતી ચકી.

ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો.

(આ વાર્તા વર્ષો જૂની હોવા છતાં; ટૂંકમાં જ જણાવી દીધું છે કે, ત્યારે પણ મોંઘવારી તો હતી જ! પરણેલાં ને એકલાં રહેવા છતાં કમાવા તો બન્નેએ જ જવું પડતું.)

ચકાચકીએ સાદીસીધી ખીચડી ખાઈને ખાસ્સી એવી બચત કરી પછી, બે બાળકો બસવાળો સંસાર શરૂ કર્યો. ચકાએ ચકીને કહ્યું, ‘હવે તું ઘરમાં રહીને બાળકોને સાચવ અને એમને મોટા કર.’

અહીંથી શરૂ થઈ ચકાચકીની અસલી કહાણી. ‘તું પણ નોકરી છોડી શકે, હું જ શું કામ ?’ ચકીએ સમાન હકની વાત કરી. ‘સમાજમાં કેવું દેખાય ?’ પ્રશ્ને વાત અટકી, પણ બાળકોના સંસ્કાર ને ભણતરની વાત આવતાં આખરે વાત પતી.

થોડા દિવસો પછી. ચકાએ તો દાળ ને ચોખા લાવવાની ડબલ ડ્યૂટી કરવા માંડી. સ્વાભાવિક છે કે, એ થાકીને ઠૂસ થઈ જતો તેથી ઘરે આવીને સીધો સોફામાં પડતું મૂકતો. (બચતમાંથી એમણે વેલ–ફર્નિશ્ડ ફ્લૅટ વસાવેલો.) ચકલી અહોભાવથી ને પ્રેમથી હાથમાં પાણીનો ગ્લાસ લઈ હાજર થતી(!) ને લાડથી પૂછતી, ‘ચા મૂકી દઉ?’

‘રોજ રોજ શું પૂછવાનું ? મૂકી જ દેવાની ને.’ ચકાને એકના એક સવાલથી કંટાળો આવતો. ‘બાળકો ક્યાં છે?’ ઘરમાં શાંતિ જણાતાં એને યાદ આવતું.

‘તારી રાહ જોઈને હમણાં જ સૂઈ ગયાં.’ ચકી નિરાશ સ્વરે બોલતી. ચકાનો મૂડ આઉટ થઈ જતો. રજાના દિવસે ચકો, ચકી અને બાળકોને લઈને ફરવા જતો. આખો દિવસ આનંદના ગીતો ગાવામાં ચકાનો આખા અઠવાડિયાનો થાક ઉતરી જતો. બધાને ખૂબ મજા પડતી.

પગારમાં વધારો થતાં ચકાએ ટીવી વસાવ્યું. હવે ચકો રાત્રે ઘરે આવતો ત્યારે બાળકો સૂઈ નહોતાં જતાં. ચકી સાથે બેસીને સૌ ટીવી જોવાની મજા લેતાં. શરૂઆતના દિવસોમાં તો, ચકો ઘરમાં આવતો કે બાળકોમાંથી કોઈ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવતું, કોઈ ચા મૂકી દેતું ને મમ્મીને આનંદ થતો.‘મારા દિકા બૌ ડાહ્યા.’ પછીથી ચકો જાતે પાણી લઈને પીવા માંડ્યો અને ચાના નામનું એણે પાણી મૂકી દીધું!

ચકાચકીની જિંદગીમાં હવે ટીવીએ બહુ મોટો વળાંક લાવી દીધો. (કહાનીમેં ટ્વિસ્ટ!) ચકી સીરિયલો જોતી હોય કે બાળકો કાર્ટૂન જોતાં હોય, ત્યારે ચકાએ અવાજ નહીં કરવાનો એવો નિયમ થઈ ગયો. બીજો નિયમ તે, થાળી ઢાંકી હોય તે ચૂપચાપ જમીને ધોઈને મૂકી દેવાની! ચકાએ કંટાળીને બીજું ટીવી વસાવી લીધું. હવે એ નિરાંતે જમતી વખતે ક્રિકેટ કે સમાચાર જોઈ શકતો. (આના કરતાં જો ચકાએ પણ સીરિયલો જોવાની મજા લીધી હોત તો, એને ચકી ને બાળકો સાથે મજાનો સમય પસાર કરવા ના મળ્યો હોત? કેટલા બધા, વગર કામના ઝઘડાઓ ટળી ન ગયા હોત ? પણ ચકાને એવું બધું આવડ્યું નહીં અને એ નાહકના ખોટા ખર્ચાના ખાડામાં ઉતરી ગયો.)

પછી તો, રજાના દિવસોમાં પણ બધા ટીવીની સામે જ ચોંટી રહેતાં ને સાથે હરવાફરવા કે ખાવાપીવાની વાતો કોઈને યાદ આવતી નહીં. ટીવીના કલાકારો બધે ફરતાં, ખાતાંપીતાં ને આનંદ માણતાં તે જોઈને ચકાનો પરિવાર ખુશ થતો! ચકો પોતાના જેવા બીજા, એકલા પડી ગયેલા ચકાઓને ફોન કરીને કશેક મળવા બોલાવી લેતો ને પછી બધા ખાઈ–પીને, હસીમજાક કરીને છૂટા પડતા.

ટીવીએ બધાની જિંદગી સરસ ગોઠવી આપી હતી કે, અચાનક જ મોબાઈલ નામના વાવાઝોડાએ એમના માળાને ધ્રૂજાવી દીધો. ચકાની ઓફિસમાં દિવાળીની ગિફ્ટમાં બધાને મોબાઈલ મળ્યો. ચકો તો ખુશ થતો ઘરે આવ્યો. ચકી ને બાળકો પણ નવું રમકડું જોઈ ખુશ થયાં. બહુ વખતે બધાં બહાર ફરવા ને ખાવા ગયાં. ‘આપણે બહુ વખતે બધાં સાથે બહાર નીકળ્યાં, નહીં ?’ બધાંએ એકબીજાને કહ્યું. એમને લાગ્યું કે, ટીવીએ એમને એકબીજાથી દૂર કરી દીધાં તે ઘણું ખોટું થયું; પણ બસ, હવે વધારે દૂર નથી રહેવું. પાછાં પહેલાંની જેમ જ રહીએ. હવે ફરી રજામાં બહાર નીકળી પડવું, એવું નક્કી થયું.

પછી તો, રજાના દિવસોમાં ફરીથી ચકો પરિવાર ફરવા નીકળવા માંડ્યો ને મજા કરવા માંડ્યો. પણ, જ્યારથી મોબાઈલે ચકાના પરિવારની ખુશીમાં દખલ દેવા માંડી ત્યારથી.....? હસીમજાકની વાતો ચાલતી હોય ને બાળકો આઈસક્રીમ ખાતાં હોય ને ચકી, એની અચાનક જ મળી ગયેલી કોઈ સખી સાથે વાતે લાગી હોય કે ચકાનો મોબાઈલ ગાજી ઊઠતો અને ચકો વાતે લાગી પડતો. વાતમાં એ ભૂલી જતો કે, ચકી ને બાળકો એની સાથે છે, એની રાહ જુએ છે! પછી તો ચકાને ઘરનાં વગર ચાલતું પણ મોબાઈલ વગર ન ચાલતું! ચકો મોબાઈલ વગર શ્વાસ ન લેતો, તો પછી શ્વાસ મૂકવાની તો વાત જ ક્યાં ? ચકાને લાગતું કે, મોબાઈલ વગર એ અધૂરો છે. (જે પહેલાં ચકી વગર અધૂરો હતો!) એની જિંદગીમાં જો મોબાઈલ ન હોત તો? એને ધ્રૂજારી છૂટી જતી.

ચકીની સતત કચકચ અને બાળકોની જીદ આગળ નમતું જોખીને આખરે, ચકાએ બધાને મોબાઈલ લઈ આપ્યા. હવે બધા પોતપોતાનાં મોબાઈલમાં ખુશ છે, બીઝી છે. પણ હવે ફાધર્સ ડે પર ચકો, એના પરિવાર–એના બાળકો પાસેથી કોઈ સરસ ગિફ્ટની રાહ જુએ છે! ફાધર ચકાને ગિફ્ટમા શું મળશે? તમને શું લાગે છે?