Fari ek vaar in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | ફરી એક વાર

Featured Books
Categories
Share

ફરી એક વાર

ફરી એક વાર

એક લારીમાં વેચાતી લીલી મગફળી નજરે પડી ને મારું મન તો જે ભાગ્યું છે ... જે ભાગ્યું છે કે સીધું રૂડાબાપાના ખેતરે! હવે ક્યાં આ વડોદરા શહેર ને ક્યાં અમરેલી જિલ્લામાં મારા ગામની સીમમાં આવેલું રૂડાબાપાનું ખેતર? ઓરું તો ન જ કહેવાયને? પણ મનને તો શું દૂર ને શું નજીક? એ તો ઘોડે ચડીને ઉપડે ને ભલું હોય તો વાયરાની હારોહાર ઉપડે! મનને ક્યાં ટિકિટ ફડાવવી પડે છે કે ક્યાં ધક્કામુક્કી સહન કરવી પડે છે!

મારું મન તો ઉપડ્યું. રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના થોડાક છોડવા ખેંચ્યા હોય તો? ને એ છોડવામાંથી મગફળીના ડોડવા તોડી તોડીને ખિસ્સામાં ભર્યાં હોય તો? ને એ ડોડવામાંથી કુમળા કુમળા દાણા મોઢામાં મૂક્યા હોય તો? અહાહા! એવી મજા આવે એવી મજા આવે! મન તો માંડ્યું મજા લેવા. પણ બિચારી જીભલડીને શું સમજવું? ને જ્યાં સુધી જીભલડીણા ચટાકા પૂરા ન થાય ત્યાં સુધી મનની મજા પણ અધૂરી જ રહી જાય ને? એટલે મારું મન ચડ્યું કજિયે!

મન કજિયે ચડ્યું તો એવું ચડ્યું કે ગમે તે થાય પણ આ મોસમમાં નાનીધારી જાવું જ છે. ને રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના છોડવા ખેંચવા જ છે. ને એ પણ છાનામના! કોઈ જુએ નહી તેમ! પછી છોડવાને બાથમાં લઈને ખેતરની વાડ પાસેથી નીકળતી નેળમાં સંતાઈને બેસી જાવું છે! પછી તો મગફળીના ડોડવા તોડી તોડી ને ખિસ્સાં ભરી લેવાં છે! ને પછી તો ચાલતાં ચાલતાં મગફળી ખાવાની મજા લેવી છે, લેવી છે ને લેવી છે! પચીસ વર્ષો પહેલાં આવી જ રીતે રૂડાબાપાના ખેતરની મગફળી ખાવાની મજા લેતો હતો ને હવે પણ એ જ રીતે ફરી એક વખત મજા લેવી છે!

મેં મારા મનને સમજાવ્યું કે ‘ભાઈ મનજી, બહુ આઘાપાછા થવામાં મજા નથી. રજા બગાડવી પોસાય તેમ નથી. બસભાડાં વધ્યા છે. માટે છાનુંમાનું બેસી રહે.’ મન તો સાલું એવું ને કે મનાવ્યું માની પણ જાય. એટલે માની ગયું.

પરંતુ બીજા દિવસે મેં ફરીથી એક લારીમાં લીલી મગફળી જોઈ. મારું મન ફરીથી કજિયે ચડ્યું. આ વખત સાલા મનડાએ વધારે ધમપછાડા કર્યાં. મેં ફરીથી એને સમજાવ્યું. નવામાં નવી ફિલ્મની લાલચ આપી. મન ફરીથી માની ગયું.

આમ ને આમ પૂરા ચાર દિવસો સુધી ચાલ્યું. છેવટે પાંચમાં દિવસે વહેલી સવારે થેલામાં કપડાં નાખીને હું તો નીકળી પડ્યો મારા ગામ તરફની બસ પકડવા.

જ્યારે રાશવા દી રહ્યો ત્યારે ત્યારે હું ઈંગોરાળા ગામને પાદર ઉતાર્યો. હવે દોઢ ગાઉ ચાલવાનું હતું. પચીસ વર્ષો પહેલાં આ જ સમયે હું, કાળીદાસ અને નાથો ઈંગોરાળાને નિશાળેથી છૂટીને નાનીધારી ગામનો રસ્તો પકડતા. દોઢ ગાઉના એ રસ્તાના એકે એક વળાંક, એકે એક ઝાડ ને એકે એક ટેકરી મારા માની તિજોરીમાં કિમંતી દસ્તાવેજોની માફક સચવાઈને પડ્યાં હતાં.વળી રસ્તામાં આવતું રૂડાબાપાનું ખેતર તો અણમોલ ખજાનો હતો.

વિસાવદરીયા નદીણા વહેતાં વહેણમાં મારા પગ ઝબોળીને મેં બાકી રહેલી સફર પગપાળા શરૂ કરી. રસ્તાની તબિયત પર હજુ વરસાદની અસર જણાતી હતી. પણ મારે તો તકલીફની મજા લેવી હતી. તેથી રસ્તાની વિરુદ્ધ મારે કોઈ ફરિયાદ નહોતી. ખેતરોની લીલાશ પીવાથી મારી આંખો લીલા લીલા નશાથી ઘેરાવા લાગી. આમથી તેમ ઊડતાં પતંગિયાં જોઈને મને લાગ્યું કે મારા બાળપણના ગુજરી ગયેલા દિવસો રંગબેરંગી પતંગિયાંની નાતમાં જન્મીને મારી જ સામે ઊડી રહ્યાં છે! વડલા, પીપળા ને આંબા તો વહાલા લાગે પણ વાતના બાવળિયા પણ વહાલા લાગવા માંડ્યા.

હાથલિયા થોરની વાડામાંથી ફરરર કરતાં તેતર ઊડ્યાં ને મારી બી જવાની ઈચ્છા પૂરી થઈ. બોરડીના એક ઝાળામાથી એક સસલું દોડી ગયું ને મને ફરીથી મજા આવી ગઈ.મેં ફરીથી વતનના ડુંગરા જોયા. ફરીથી ખેડૂતોના હાકલા સાંભળ્યા. ફરીથી અંધારિયો કેડો પાર કર્યો ને ફરીથી જોયું રૂડાબાપાનું ખેતર!

હું ઊભો રહી ગયો. આંખો ભરી ભરીને રૂડાબાપાનું ખેતર જોયું. ખેતર મગફળીના છોડવાથી ભર્યું ભર્યું હતું. મેં આસપાસ નજર કરી. કોઈ આવતું નહોતું. કોઈ જાતું નહોતું. માંનેમાં થયું કે મારું એક ઠેકડો ને ઠેકી જાઉં વાડ! ખેંચી લઉં થોડા છોડવા ને બેસી જાઉં સંતાઈને નેળડીમાં! મગફળીના ડોડવાથી ભરી લઊ ખિસ્સાં!

હું રૂડાબાપાના ખેતરની વાડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો મારામાં રહેલો ચાલીસ વર્ષોની ઉમરનો માણસ એના તમામ ડહાપણ સાથે મારું જ આડફળું બાંધીને ઊભો રહી ગયો હતો!

હું વાડ પાસેથી પાછો ફર્યો. મને ડર લાગ્યો કે કોઈ આવી જાશે ને મને જોઈ જાશે તો શું કહેશે? કહેશે કે: ‘ભલા માણસ, આ ઉમરે ને આવી ચોરી? અરે! ગામમાં જઈને માંગી હોત તો બે મુઠ્ઠી માંડવી આપવાની કોણ ના પાડત?’

એ જ ઘડીએ મેં દૂરથી આવતાં બળદગાડાની ધડબડાટી સાંભળી. મારે ભારે હૈયે ગામ તરફ પગલાં ભરવાં પડ્યાં. જતાં જતાં રૂડાબાપાના ખેતર તરફ નજર નાખતો રહ્યો. પચીસ વર્ષો પહેલાના અતિતનો એક ટૂકડો ફરીથી જીવી જવાની મારી ઇચ્છા મનમાં જ રહી ગઈ.

અને બીજે દિવસે રૂડાબાપાની ડેલી હતી. ડેલીપછી ફળિયું હતું. ફળિયા પછી પગથિયાં ને પગથિયાં પછી ઓસરી હતી. ઓસરીમાં ઢોલિયો હતો ને ઢોલિયે મને બેસાડાવામાં આવ્યો હતો. મારી સામે પૂનમના ચંદ્રમા સમી થાળી હતી અને થાળીમાં હતા છલોછલ લીલી મગફળીના ડોડવા!

રૂડાબાપા બોલ્યા: ‘ખા દીકરા ખા. પેટભરીને ખા. શહેરમાં માંડવી તો મળતી હશે પણ આવી મીઠી નહી મળતી હોય.’

ત્યાં તો દુલો બોલ્યો: ‘બાપા, શહેરમાં તો આને મગફળી કહેવાય. માંડવી કહો તો કોઈ નો સમજે.’ ઓસરીમાં બેઠેલાં બધાં હસ્યાં. હું પણ હસ્યો. મને વડોદરાનો માંડવી દરવાજો સાંભરી આવ્યો.

મેં કહ્યું : ‘ તમે પણ ખાવા લાગો. મારાથી આટલી બધી નહિ ખવાય.’

‘અમારે તો રોજનું થયું. તમે ખાવ.’ છોકરાઓ સામટા બોલી ઊઠ્યા.

પછી તો મારી આંગળીઓ અને મારું મોંઢું કામે લાગી ગયાં. ફોફાનો ઢગલો થવા લાગ્યો. જીભનો ચટાકો પૂરો થવાથી જીભ રાજી થઈ. મનનો કજિયો ભાંગવાથી મન રાજી થયું.

મનનો એ રાજીપો પૂરો થાય તે પહેલાં તો રૂડાબાપાએ મને પૂછ્યું: ‘કેમ દીકરા? લીલી માંડવી ખાવાની મજા આવે છેને?’

‘મજા તો આવે જ ને.’ મેં કહ્યું.

‘બહુ મહા આવે છે?’

‘હા..હા. બહુ મજા આવે છે.’

‘તુ ખોટું બોલે છે. ‘

‘એમાં ખોટું શા માટે બોલવાનું? ખરેખર બહુ મજા આવે છે.’

‘ના.. ના... સાવ ખોટી વાત.’ રૂડાબાપા જાણે હઠે ચડ્યા. ‘તુ ભલે કહે કે બહુ મજા આવે છે. પણ એવી મજા તો નહિ જ આવતી હોય.’

‘કેવી મજા?’ મને હવે રૂડાબાપાની બીક લાગવા માંડી.

‘જેવી મજા મારા ખેતરની વાડ કૂદીને ખાવાની મજા આવતી હતી એવી.’

ને મારા હાથ અટકી ગયાં. હાથમાંથી મગફળીના ડોડવા પડી ગયાં. મોઢામાં મૂકેલા દાણાને કમને ચાવી ગયો અને કડવો ઘૂંટડો ઉતારતો હોઉં તેમ ગળે ઉતારી ગયો.રૂડાબાપાનો એ ઢોલિયો જો ઊડનખટોલો હોત તો હું ઘડીનોય વિલંબ કર્યાં વગર ઊડી જાત!

‘કેમ જવાબ નથી દેતો દીકરા? હું ખોટું કહું છું? ઇંગોરાળાની નિશાળેથી પાછા ફરતી વખતે તુ, કાળીદાસ અને નાથો મારા ખેતરમાં નહોતા ખાબકતા? અરે! હું મારી સગી આંખે તમને જોતો હતો! તમને કેવી મજા આવતી હતી તે મારાથી અસ્તુ નથી.’

પચીસ વર્ષો જૂના ગુના મને સતાવવા લાગ્યાં. હું જેનો ગુનેગાર હતો તે રૂડાબાપા મારી જ સામે હતા અને હું જે ખાઈ રહ્યો હતો તે મગફળી પણ એમની જ હતી! શરમનો માર્યો હું થાળીમાં પડેલી મગફળીને જોઈ રહ્યો.

‘દીકરા, તારે આમાં શરમાવાની જરૂર નથી. એનું જ નામ બાળપણ! બાળપણમાં ખાધાચીજ ચોરીને જ ખાવાની મજા આવે. ભગવાન જેવાં ભગવાને પણ માખણ ચોરીને જ ખાધુતુને? ગોકુળ છોડ્યા પછી એને ફુરસદ મળીતી?’

રૂડાબાપાના શબ્દોએ મારી શરમ દૂર કરી. મેં કહ્યું:’ બાપા, તમે અમને જોતાં હતા તો પછી રોકતા કેમ નહોતા?’

‘લે કર્ય વાત! છોકરા બે છોડવા ખેંચીને થોડીક માંડવી ખાતા હોય તો એણે રોકવાના હોય? હા, જો તમે માંડવી વેચવા માટે ચોરતા હોત તો જરૂર સોટાવાળી કરત. પણ હું તો તમારા આવવાના ટાણે જાણી જોઈને સંતાઈ જાતોતો. તમને એમ કે અમને કોઈ જોતું નથી. તમને ચોરીને માંડવી ખાવામાં મજા પડતીતી. એ જોઈને મનેય મજા આવતીતી. પછી રંગમાં ભંગ પાડવાનો મતલબ ખરો?’

રૂડાબાપાની હળવાશે મને પણ હળવો કરી દીધો. ‘બસ હવે નહિ ખવાય.’ એવું કહીને મેં હાથ ખંખેર્યા તો રૂડાબાપાએ મારો હાથ પકડીને કહ્યું કે ‘આટલી પૂરી ન કરે તો તને મારા સમ છે.’

મેં ફરીથી મગફળી ખાવાનું શરૂ કર્યું. રૂડાબાપાના શબ્દો મારા મનમાં રમતે ચડ્યા હતા.

મને થયું કે માત્ર કાનુડાને જ નહિ કેટલાય માણસોને પોતપોતાનું ગોકુળ અને ભાવતું માખણ છોડીને જવાબદારીઓ અને મજબુરીઓથી ભરેલા મથુરાની વાત પકડવી પડે છે!

પરંતુ હું કેટલો નસીબદાર હતો કે આજે ફરીથી મારા ગોકુળમાં આવી શક્યો હતો!

‘પણ મારા સવાલનો જવાબ હજી બાકી છે. દીકરા સાચું કહે . ત્યારે આવતીતી એવી મજા અત્યારે આવે છે? રૂડાબાપાએ પોતાનો એ સવાલ ફરી દોહરાવ્યો.

મારાથો મુક્તપણે હસી પડાયું. ‘બાપા, એ મજા તો મજા હતી. હવે એવી મજા તો ન જ આવેને!’ મારાથી બોલાઈ ગયું.

મારા એ જવાબ પર બધાં ખળખળ વહેતાં ઝરણા જેવું હસી પડ્યાં.

લીલી મગફળી મીઠી તો હતી જ. પછી એ વધારે મીઠી લાગવા માંડી.

[સમાપ્ત]