અભિશાપ - ભાગ 2
"દુર રહેજે મારાથી નહીતર હું બૂમાબૂમ કરી મૂકીસ" શારદાએ જોરથી બુમ પાડી.
"કર, બુમાબુમ કર. અહિયાં તારી બુમોને સાંભળનારું કોઈ નથી" નવઘણે આગળ આવતા કહ્યું. નવઘણના શબ્દોમાં તથ્ય પણ હતું. એકતરફ વીજળીનો ગરજાટ તો બીજી તરફ વાયરા અને વરસાદનો અવાજ. શારદાનો અવાજ આવામાં ક્યાં દબાઈ જાય એ કોઈને ખબર પડે એમ નહતું.
"દુર રહે મારાથી, દુર રહે. પાસે નહિ આવતો" કહેતી શારદા પાછા પગે ચાલવા લાગી, તેણીએ પોતાની નજર નવઘણ તરફ જ રાખી હતી. નવઘણ પણ તેની તરફ આવવા લાગ્યો અને બોલવા લાગ્યો, "ભાગવાનો વ્યર્થ પ્રયત્ન કરમાં, અહિયાં તને બચાવવા વાળું કોઈ નહિ આવે. જેટલો તું મને સાથ આપીશ એટલી તકલીફ ઓછી પડશે તને"
"હે ભગવાન, રક્ષા કરો મારી" બોલીને શારદાએ દોટ મૂકી. પવનની દિશા પણ તેની વિરુદ્ધમાં હતી અને તેના કપડા પણ ભીંજાઈને ભારે થઇ ગયા હતા જેથી તે વધુ ગતિથી દોડી નહતી શક્તિ. તે જાણતી હતી કે તે નવઘણની સરખામણીમાં દોડવામાં પાછળ જ રહી જશે પરંતુ તેને બીજો કોઈ વિકલ્પ પણ નહતો દેખાતો. નવઘણે પણ તેની પાછળ દોટ મૂકી. થોડીક જ ક્ષણોમાં તેને શારદાને દબોચી લીધી. તેને શારદાને કમરેથી પકડીને ઘાસના ઢગલા પર પછાડી. શારદા ઉભી થવા ગઈ ત્યાં જ નવઘણ તેની માથે પડ્યો અને જકડી લીધી.
"છોડ મને, જવા દે. મેં તારું શું બગાડ્યું છે?" શારદાના અવાજમાં હવે આજીજી હતી. તેનો અવાજ ધીમો પડી ગયો હતો. તેની જાણતી હતી કે બળથી તો તે કોઈ શરતે નવઘણના હાથમાંથી છૂટી નહિ શકે એટલે તેને નવઘણની દીકરીના સમ આપીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ નવઘણ તો વાસનામાં આંધળો થઇ ગયો હતો. તેને તો ફક્ત શારદાનો રૂપ નીતરતો દેહ જ દેખાતો હતો, અને તેમાય તે આજે તો તેણીનો એ દેહ તેની બાહુપાસ માં હતો પછી તેને કોણ રોકી શકે? વર્ષોથી જે તકની તે રાહ જોતો હતો તે તકનો તે પૂરેપુરો ફાયદો ઉઠાવવા માંગતો હતો.
"નવઘણ છોડ મને, ભગવાનનો ડર રાખ. મારી સગાઇ થઇ ગઈ છે. મને જવા દે" શારદાએ એ બધા જ પ્રયત્નો કર્યા જે તેને યાદ આવતા હતા પરંતુ આજે વરસાદમાં પલળેલા તેના શરીરે નવઘણને વાસનામાં ગાંડો કરી નાખ્યો હતો. તેને પોતાનું બધું બળ એકઠું કરીને નવઘણને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ પચીસ વર્ષનો જુવાનજોધ છોકરો અને એ પણ શરીરે પાચકપૂરો, તેની જગ્યાએથી હલ્યો પણ નહિ. અંતે શારદાની આજીજી હવે વેદનાની ચિચિયારીમાં ફેરવાઈ ગઈ હતી. તેણીના કપડા એક પછી એક ઘાસના ઢગલાની બાજુમાં ઉડવા લાગ્યા હતા. શારદાના નિર્વસ્ત્ર શરીરને જોઇને નવઘણ ભાન ભૂલી બેઠો હતો સાથે સાથે માણસાઈની હદ પણ. તે ભૂખ્યા વરુની જેમ એ સત્તર વર્ષની નિસહાય છોકરી પર તૂટી પડ્યો. મુસળધાર વરસતા વરસાદ અને વીજળીના ગરજાટમાં શારદાની ચિખો સાંભળનારું કોઈ નહતું, તેની ચિખો દબાઈ ગઈ હતી.
જાણે બધા પોતપોતાનું કામ કરીને નીકળી ગયા હોય તેમ વરસાદે વરસવાનું બંધ કરી દીધું હતું, પવન શાંત પડી ગયો હતો અને નવઘણ પણ અદ્રશ્ય થઇ ગયો હતો. ઘણા સમય સુધી શારદા ઘાસના ઢગલા પર નિર્વસ્ત્ર બેસી રહી. બધું શાંત પડી ગયું હતું અને શારદા પાસે વધ્યું હતું ફક્ત દુખ, વેદના અને કદાચ ક્યારેય પાટા પર ન ચડનારી માનસિક સ્થિતિ. તેણી ભાનમાં આવી ત્યારે પોતાના વસ્ત્રો પહેર્યા અને પછી નીચે બેસીને જોર જોરથી રડવા લાગી. તેનું આક્રંદ એટલું દર્દનાક હતું કે વાદળો પણ જાણે એ સમજીને દુર જતા રહ્યા કે તેઓએ એક નિસહાય છોકરીની મદદ નહિ કરીને પાપ કર્યું હતું. શારદા ફાટેલા તૂટેલા કપડામાં પોતાના ઘરે પહોચી.
"મળી આવી બેટા વિઠ્ઠલને?" પહેલા તેની માં એ તેણીની સામે જોયા વગર જ પૂછ્યું અને પછી તેનું ધ્યાન શારદા તરફ પડતા તેના હોશ ઉડી ગયા. તેઓ દોડીને શારદા પાસે ગયા અને પૂછવા લાગ્યા, "શું થયું દીકરા? આ તારા કપડા કેમ ફાટી ગયા?" જવાબમાં શારદા તેમના ખંભા પર માથું રાખીને જોર જોરથી રડવા લાગી. સામાન્યતઃ દરેક માં ને થાય એવો અણસાર શારદાની માં ને પણ થવા લાગ્યો કે હતો તેની દીકરી સાથે શું થયું હતું પરંતુ તે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે તેની દીકરી સાથે કાઈ ખરાબ ના થયું હોય. તેણીએ શારદાને અંદર કઈ જઈને બેસાડી અને ફરીથી પૂછ્યું, "શું થયું શારદા? તારી સાથે કોઈએ કાંઈ....." તેની માં વાક્ય પૂરું કરે એ પહેલા જ શારદા વધુ જોરથી રડવા લાગી. તેણીની માં ને હવે વિશ્વાસ આવી ગયો હતો કે તેની દીકરી સાથે બળાત્કાર થયો હતો. સારી વાત એ હતી કે સંધ્યા થઇ ગઈ હતી અને વરસાદના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા હતા જેથી તમાશા જોવા માટે ટોળું એકઠું નહતું થયું.
"હું વિઠ્ઠલને મળવા જતી હતી ત્યારે.....ત્યારે ઓલો નવઘણ......એને મારી સાથે......" શારદા તૂટક અવાજમાં બોલી રહી હતી, તે વાક્ય પૂરું જ નહોતી કરી શકતી. "તેણે મારા પર બળાત્કાર કર્યો માં, તેણે મને બરબાદ કરી નાખી. મેં તેનું શું બગાડ્યું હતું?" શારદાના પિતા અંદરના રૂમમાંથી બહાર આવ્યા અને વાતની જાણ થતા બાજુની દિવાલ પાસે નીચે બેસી ગયા અને બોલ્યા, "હે ભગવાન, હવે કોણ લગ્ન કરશે તારી સાથે?"
શારદાને આ શબ્દો તીરની જેમ લાગી રહ્યા હતા, તેણીને તેના પર થયેલા બળાત્કાર કરતા આ શબ્દો વધારે દુખ આપી રહ્યા હતા. શું છોકરીઓને જીવનમાં ફક્ત લગ્ન માટે જ જન્મ લેવાનો હોય છે? શું તેને કોઈ સુખ દૂખની અસર ના થાય? શું છોકરીઓ પર બળાત્કાર થાય એમાં તેમનો પોતાનો વાંક હોય છે? શું મારી પર બળાત્કાર થયો તો એમાં મારો વાંક હતો? શું સારું રૂપ હોવું કોઈ ગુનો છે? દુનિયાભરના પ્રશ્નો શારદાના મગજમાં ફરી રહ્યા હતા, જેના જવાબો કદાચ તે શોધવા માંગતી હતી. તે રાત્રે કોઈ સુઈ ના શક્યું. ના શારદા, ના તેની માં અને ના તેના પિતા. બધા આખીરાત એકબીજા સામે બેસી રહ્યા.
"તમે કોઈને કાઈ કહેતા નહિ" સવારે શારદાની માએ તેના પતિને કહ્યું. આપણે શારદાને થોડા દિવસ મારી બેનને ત્યાં મૂકી આવશું, થોડો સમય ત્યાં રહેશે તો બધું ભૂલી જશે.
"પણ વેવાઈને તો કેહવું જ પડશે, આપણે ખોટું બોલીને આ લગ્ન ના કરી શકીએ" તેના પિતા બોલ્યા, તે ભગવાનના માણસ. ખોટું બોલવામાં અને કોઈને છેતરવામાં બિલકુલ તેનો જીવ નાં ચાલે અને આજે તો વાત તેની દીકરીની હતી. તેઓ ભારે હૈયે દીકરી સાથે બનેલી આ ઘટનાને કહેવા તેના વેવાઈના ગામ નીકળ્યા. આખો દિવસ શારદાની માં અને તે પોતે વ્યાકુળ બનીને રાહ જોઈ રહ્યા હતા કે તેના પિતા શું સંદેશ લઇને આવશે. અંતે સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરમાં પ્રવેશે એ પહેલા જ તેની પત્નીએ પૂછી લીધું, "શું કહ્યું તેમણે? શારદાની સગાઇ રહેશે કે તૂટી જશે?
વીજળી ચમકી એટલે શારદાબેન ચમકીને ભાનમાં આવ્યા અને ઘડિયાળમાં જોયું તો બાર વાગ્યા હતા. કોણ કરશે લગ્ન તારી સાથે? એ પ્રશ્ન તેમના દિમાગમાં ફરી તાજો થયો એટલે તેઓએ તેમના સ્વર્ગસ્થ પતિના ફોટા તરફ જોયું અને નામ વાંચ્યું, "સ્વ. શ્રી વિઠ્ઠલદાસ જમનાદાસ....."
વિરાજગીરી ગોસાઈ