Anjaam Chapter-29 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | અંજામ—૨૯

Featured Books
Categories
Share

અંજામ—૨૯

અંજામ—૨૯

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- વીજય, રીતુ તેમજ ગેહલોત યેનકેન પ્રકારે બાપુનાં ફાર્મ-હાઉસમાં દાખલ થવામાં સફળ થાય છે. જોકે એ જ સમયે બાપુ પણ ત્યાં આવી પહોંચે છે...હવે આગળ વાંચો...)

પોતાના ખુદનાં હદયનાં થડકારા વીજય સાંભળી શકતો હતો. બપોરની સૂસ્ત ગરમીમાં તે અને રીતુ સાવધાનીથી દબાતા પગલે ફાર્મ-હાઉસની વચ્ચો-વચ બનેલા બંગલા તરફ આગળ વધી રહયા હતા. અચાનક ક્યાંકથી કોઇ પ્રગટ થશે એવો ડર તેમને સતાવી રહ્યો હતો. પાર્કિગ લોટથી બંગલો ખાસ્સો દુર હતો. ત્યાં સુધી પહોંચવામાં જો કોઇ અચાનક વચ્ચે આવી ચડયુ તો તેમનો ખેલ ત્યાંજ વીખેરાઇ જવાનો હતો. અને એવુ કંઇ ન થાય તે માટે તેઓ ફાર્મમાં ઉગાડેલા ઝાડવાઓની ઓથે લપાતા-છૂપાતા આગળ વધતા હતા...સૂર્યના આકરા કિરણો ઝાડનાં પાંદડાઓ વીંધી ચાંદરડા રૂપે તેમના શરીર ઉપર પથરાઇ ઉઠયા હતા...બરાબર તે જ સમયે ગેહલોતે જીપને ફાર્મના ગેટમાંથી અંદર લઇ પાર્કિંગ પ્લોટમાં લાવીને ખડી કરી હતી. તે દુવીધા અનુભવી રહયો હતો કે જીપને અહી જ મુકવી કે પછી ડાયરેકટ સીધી બંગલા સુધી લઇ જવી...બંગલા સુધી જીપને લઇ જવામાં જોખમ હતુ એ તેને સમજાતુ હતુ. જીપનો અવાજ સાંભળીને બાપુના માણસો જરૂર સાબદા થઇ જાય તેમ હતુ....અને હાલની પરિસ્થિતીમાં તેને એ પાલવે તેમ નહોતું. આખરે જીપને ત્યાં જ રહેવા દેવાનો નિર્ણય તેણે લીધો. જીપને બંધ કરી તે નીચે ઉતર્યો....વીજયની જેમ તેને પણ આશ્વર્ય થતુ હતુ કે હજુ સુધી કેમ કોઇનો સામનો થયો નહી....!!!

જો કે તેમાં આશ્વર્ય કરતા નિયતી વધુ કામ કરતી હતી ફાર્મ હાઉસના તમામ માણસો અત્યારે એ બંગલાની અંદર એકઠા થયા હતા....ખુદ બાપુ અને ડો.ભૈરવસીંહ હજુ હમણા જ ત્યાં આવી પહોંચ્યા હતા. પેલા કુતરા રેવાને બંગલાના ડ્રોઇંગરૂમમાંથી ઉપર પહેલા માળે જતા દાદરની ગ્રીલ સાથે બાંધી દેવાયો હતો એટલે તે છાનો ઘુરકાટ કરતો દાદરના પગથીયે બેસી ગયો હતો....જો તેને છુટ્ટો રખાયો હોત તો પરિસ્થિતીએ અલગ મોડ લીધો હોત....પરંતુ વીરજી હવે રેવાને છુટ્ટો મુકવાના મુડમાં નહોતો. વીરજી જાણતો હતો કે રેવાને કારણે જ મોન્ટી ફરી તેમની ગીરફ્તમાં આવ્યો હતો પણ સાથો-સાથ તેણે મોન્ટીને ખુબ જ ખરાબ રીતે ઘાયલ કર્યો હતો. મોન્ટીનું મોત એ લોકોને સ્વીકાર્ય હતુ પરંતુ ઘાયલ આદમી તેમના માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે એ વાતથી તે ભલી-ભાંતી વાકેફ હતો....એ તો ગનીમત હતુ કે બાપુ તેમની સાથે ડો.ભૈરવસીંહને લેતા આવ્યા હતા નહિતર મોન્ટીને સારવાર માટે કોઇકના દવાખાને લઇ જવો પડયો હોત અને તો ઘણા નવા પ્રશ્નો ઉભા થયા હોત....અત્યારે એ બંગલાના નાનકડા છતા આલીશાન ડ્રોઇંગરૂમમાં ખૂંખાર માણસોનો જાણે મેળાવડો જામ્યો હતો.

વીરજી અને વીરા મોન્ટીને ખેતરોમાંથી મહા-મેહનતે ઉંચકીને અહી લાવ્યા હતા અને તેને ડ્રોઇંગરૂમના મુલાયમ ગાલીચા ઉપર સુવડાવ્યો હતો...મોન્ટીના પગની પીંડીમાંથી ચામડીનું મોટુ છોતરું ઉખડીને નીચે લબડી રહયુ હતુ. તેના પગની નસો બહુ ખરાબ રીતે ખેંચાઇને ટુટી હતી. રેવાએ તેના તીક્ષ્ણ દાંતને ચામડીમાં લોંખડના હુંક ભરાવીને ખેંચ્યા હોય એવી રીતે બળ કરીને તેનું ઝડબુ ખેંચ્યુ હતુ જેના કારણે પીંડીમાંથી ચામડી સહીત માંસનો લોચો નીકળી આવ્યો હતો.....એ ઘાવમાંથી અત્યારે લોહી નીકળીને ગાલીચામાં ફેલાતુ હતુ. જેના લીધે મોન્ટીની હાલત પ્રતિક્ષણ બગડતી જતી હતી. ઘાવના કારણે તેના શરીરમાંથી લોહી ઝડપથી ઓછુ થઇ રહયુ હતુ જેના કારણે તેને આંચકીઓ આવવી શરૂ થઇ હતી અને તાવ ભરાવાથી શરીર ધગધગી ઉઠયુ હતુ. તે મૃત્યુની કગાર ઉપર આવી ચુકયો હતો....બરાબર એજ સમયે બાપુ અને ડો.ભૈરવસીંહે ડ્રોઇંગરૂમમાં કદમ રાખ્યા હતા....ડો.ભૈરવસીંહ આવતાવેંત પોતાના કામે વળગ્યા હતા. પોતાની સાથે લાવેલા ડોકટરી સામાનમાંથી તરેહ-તરેહની વસ્તુઓ કાઢી તેમણે મોન્ટીની સારવાર શરૂ કરી....એ સમય દરમ્યાન બાપુએ વીરજી અને વીરા ઉપર નજર નાંખી હતી. એ નજરમાં ગુસ્સો હતો.... પેલી છોકરી રીતુ તેમના હાથમાંથી છટકી ગઇ તેનો ઠપકો હતો. વીરજી અને વીરાથી બાપુની નજરનું તેજ જીરવાયુ નહી એટલે તેમણે નીચી નજર ઢાળી નત મસ્તક ઉભા રહી ગયા હતા... ફોરચ્યુનરનો ડ્રાઇવર જેન્તી ડોકટરની મદદમાં લાગ્યો હતો. જાણે તમામ કાર્ય યાંત્રીકપણે થઇ રહયા હોય એવો માહોલ સર્જાયો હતો.

********************************************************

વીજય અને રીતુએ જીપનો અવાજ સાંભળ્યો હતો અને અનુમાન લગાવ્યુ હતુ કે ગેહલોત સાહેબ ફાર્મમાં આવી ચુકયા છે. આગળ શું કરવાનું છે તેનો કોઇ નક્કર પ્લાન તેઓએ બનાવ્યો નહોતો. પરિસ્થિતી પ્રમાણે વર્તવાનું તેઓએ આપસમાં નક્કી કર્યુ હતુ એટલે વીજયને ગેહલોતની ફીકર નહોતી.... તેને ફક્ત મોન્ટીની ફીકર હતી.ચાર-ચાર જીગરી મિત્રો ગુમાવ્યા બાદ હવે તે મોન્ટીને ગુમાવા માંગતો નહોતો.... તેણે ચાલ તેજ કરી અને ઝડપથી તેઓ બંગલાના મુખ્ય દ્વાર નજીક પહોંચ્યા.

બે માળ ચણેલી એ બંગલી અને બંગલીની આસ-પાસ સર્જાયેલી સૃષ્ટી ખરેખર અદ્દભુત દેખાતી હતી. જો કયારેક અમસ્તા જ વીજયને અહી રોકાવા મળ્યુ હોત તો તેણે આ સૃષ્ટી સર્જનારને ધન્યવાદ આપ્યા હોત....પરંતુ અત્યારે તે અહી કંઇક અલગ જ ઇરાદાઓ સાથે આવ્યો હતો. તેણે રીતુનો મુલાયમ હાથ થોડો સખ્તાઇથી પકડયો અને બંને બંગલાના મુખ્ય દરવાજાની દિવાલ સાથે સાવધાનીથી ચીપકાઇને ઉભા રહયા.... બંગલાનું મુખ્યબારણુ અધખુલ્લું હતુ અને તેમાંથી કોઇકની વાતચીતોનો અવાજ બહાર સુધી સંભળાતો હતો....વીજય કે રીતુ બંનેમાંથી કોઇ એ વાતનો મતલબ સમજી શકતા નહોતા. તેમના કાને ખાલી અવાજો અફળાતા હતા....

“ વીજય....મને બીક લાગે....” રીતુએ વીજયની રુક્ષ હથેળીમાં ઝકડાયેલો પોતાનો હાથ દબાવતા કહયુ. આ ભયાવહ સ્થિતીમાં તેને ખરેખર ડર લાગતો હતો. પંચાલબાપુ અને તેના ખૂંખાર માણસોના હાથમાં જો તેઓ આવ્યા તો પછી તેમની શું હાલત થશે એ વીચારી-વીચારીને ધ્રુજી રહી હતી....અને હાં, એ બધાથી પણ ભયાનક તો પેલો પિન્થર ડોગ રેવા હતો. રીતુની આંખોમાં ડરનો ઓછાયો તરવરતો હતો....વીજય ધીરે રહીને રીતુ તરફ ફર્યો અને તેણે રીતુની અનુપમ આંખોમાં ઝાંકયુ....પછી હળવે રહીને તેણે પોતાનું માથુ નમાવ્યુ અને રીતુના કપાળે એક આછેરું ચુંબન કર્યુ.

“ “ ડર તો હવે એ લોકોને લાગશે રીતુ....!! આપણે બંને સાથે મળીને આ લોકોને નશ્યત કરીશું .મોતનો ખૌફ શું હોય છે એ હવે તેમને ખબર પડશે. બહુ રીબાવ્યા છે આપણને આ લોકોએ...હવે એમનો વારો છે રીતુ.....તું તારા દિલમાંથી ગભરાહટ અને બીકના સ્થાને પ્રતિશોધની અગ્ની પ્રગટાવ એટલે તારો ડર આપોઆપ ખતમ થઇ જાશે....” જુસ્સાભેર વીજય બોલ્યો. “અને હવે હું પણ છુ ને તારી સાથે....”

“ ઓહ વીજય....” રીતુએ પોતાનું માથુ વીજયની છાતી ઉપર ઢાળ્યુ. વીજયના શબ્દોથી તેના રોમ-રોમમાં હળવાશ છવાઇ હતી અને તેના જીગરમાં એક અનેરો ઉત્સાહ પ્રગટયો હતો. સાથો-સાથ એક અપરાધભાવ પણ જાગ્યો હતો કે તેના પાતાના કારણે જ આ ભયાનક દાસ્તાન સર્જાઇ હતી. જો હવે અહી સુધી પહોંચ્યા બાદ તે ડરશે કે પીછેહઠ કરશે તો ભવિષયમાં કયારેય ફરીવાર પોતાના કૃત્યોનું પ્રાયશ્ચિત કરવાનો આવો સુનેહરો મોકો મળશે નહી. તેણે મન મક્કમ કર્યુ અને આવનારી ક્ષણોનો સામનો કરવા સજ્જ થઇ. “ તું સાથે છે તો મને કોઇ પરવાહ નથી. ચાલ, આ લોકોને એમની ઓકાત દેખાડી દઇએ...” જુસ્સાભેર તે બોલી... વીજયને તે ગમ્યુ. તેણે હસીને રીતુને પોતાની બાંહોમાં દબાવી અને પછી તેને છોડી ફરી દરવાજા તરફ ચાલ્યો...

બરાબર એ જ સમયે ગેહલોત પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તે શૈતાનસીંહને જીપમાં બરાબર બાંધીને ત્યાં જ મુકતો આવ્યો હતો જેથી તે કોઇ ઉપાધી ન સર્જે....ગેહલોતે વીજય અને રીતુને બંગલાના વિશાળ દરવાજા પાસે દિવાલે ચીપકાઇને ઉભેલા જોયા અને તે ચુપકીદીથી તેમની તરફ ચાલ્યો....તેને આશ્વર્ય તો જરૂર થયુ હતુ કે તેઓ બંગલાની પાછળ તરફથી આવવા જોઇતા હતા પરંતુ અત્યારે એ બધી બાબતો વિચારવાનો સમય નહોતો એટલે ગેહલોત સીધો જ વીજય પાસે પહોંચ્યો....

“ તમે બંને અહી શું કરો છો....?” ગેહલોતે ધીમા અવાજે હોઠ હલાવ્યા. વીજય અને રીતુએ ચોંકીને પાછળ જોયુ. ગેહલોતને જોઇને તેમને હાશ થઇ.

“ અંદર જવાની ફીરાકમાં છીએ....” વીજય બોલ્યો

“ અંદર શું પરિસ્થિતી છે....? કોઇ દેખાય છે...?” ગેહલોતે રીતુની પાછળથી આગળ દરવાજા તરફ જતા પુછયું અને પછી સાવધીની વર્તતા તેણે બારણામાંથી બંગલાના ડ્રોઇંગરૂમમાં નજર નાંખી...ડ્રોઇંગરૂમમાં ઘણાબધા વ્યક્તિઓ હતા છતા એકદમ ચુપકીદી છવાયેલી હતી. ગેહલોતે પહેલા બાપુને જોયા....તે એક નજરમાં જ સમજી ગયો હતો કે એ જ વિષ્ણુસીંહ પંચાલ હોવા જોઇએ. પુરો છ-ફુટ ઉંચો પડછંદ દેહ, ચાલમાં છલકતો રૂઆબ, ભરાવદાર સખ્ત ચહેરો અને એવા જ કડક હાવભાવ.... તેમણે સીલ્કનું ક્રીમ કલરનું લાંબુ પહેરણ અને સફેદ ઝગ ચોરણી પહેરેલી હતી. પગમાં ચમચમાતી મોજડી હતી અને તેઓ ડ્રોઇંગરૂમની મધ્યેથી બારણા સુધી ચહલ-કદમી કરી રહયા હતા. ગેહલોતે ધ્યાનથી તેમને નીરખ્યા...વારે-વારે તેઓ મુખ્ય દરવાજા સુધી આવીને ફરી પાછા અંદર ચાલતા જતા હતા....એમની સીવાય ત્યાં હાજર હતા તેમાંથી કોઇ જ કંઇ બોલતું નહોતુ એ ગેહલોતે બરોબર નોંધ્યુ હતુ.... તેણે ડ્ઇંગરૂમની મધ્યમાં નજર કરી. ત્યાં કોઇક સુતું હતુ અને તે સુતેલી વ્યક્તિ ઉપર બીજા બે માણસો ઝળુંબી રહયા હતા. (એ સુતેલી વ્યક્તિ મોન્ટી હતો જેની ડો.ભૈરવસીંહ અને જેનતી સુશ્રુતા કરી રહયા હતા.) તેમની પાછળ બીજા બે આદમીઓ (વીરજી અને વીરા) અદબ વાળીને ખામોશ ઉભા હતા. તેમની પાછળ દાદર હતો અને દાદરની રેલીંગ સાથે એક કુતરો બંધાયેલો ગેહલોત જોઇ શકતો હતો....ગેહલોતે બે-પાંચ સેકન્ડમાં જ સમગ્ર દ્રશ્યનો જાયજો મેળવી લીધો હતો અને દરવાજેથી તે હટયો.

“ વીજય...અંદર કુલ પાંચ વ્યક્તિઓ છે અને એક કુતરો છે...” ગેહલોતે વીજય સમક્ષ ફરતા કહયુ.

“ તો હવે...? શું કરવુ છે...કોઇ પ્લાન....?”

“ એ કુતરો બહુ ખતરનાક છે ગેહલોત સાહેબ....એનું પહેલા કંઇક વિચારજો....” રીતુ બોલી.

“ તે બંધાયેલો છે એટલે હાલ પુરતો તેના તરફથી કોઇ ખતરો નથી....મને લાગે છેકે આપણે જેની જરૂર છે એ તમામ વ્યક્તિઓ અત્યારે અંદર હાજર છે. એટલે વધુ સમય બગાડયા વગર યા-હોમ કરીને હલ્લો બોલી દઇએ...”

“ પણ તેઓ પાંચ છે અને આપણે ફકત ત્રણ.... કેવી રીતે હેન્ડલ કરીશું.....?” વીજયે પુછયુ.

વીજયની વાત વિચારવા જેવી હતી. આવેશમાં આવીને જો તેઓ કોઇ ગલત કદમ ઉઠાવી લે તો તેનું પરીણામ બહુ ખતરનામ આવી શકે તેમ હતું એટલે ફરીવાર તેઓ વિચારમાં પડયા.

“ ગેહલોત સાહેબ....એક આઇડિયા છે....!!” અચાનક વીજયને કંઇક સુઝયું.

“ શું....?”

“ એના માટે તમારે મને તમારી ગન આપવી પડશે.....”

“ ઓ.કે....પણ તું કરવા શું ધારે છે.....?” ગેહલોતે પુછયું.

“ આ બધામાં બાપુ જ સૌથી મહત્વના છે. જો તેઓ આપણી ગિરફ્તમાં આવી જાય તો બીજાઓ જખ મારીને આપણે કહીશું તેમ કરશે...” વીજય બોલ્યો.

“ યુ આર રાઇટ....તારી વાત યોગ્ય છે. પણ એ કામ હું કરીશ....” ગેહલોત બોલ્યો અને તેણે પાછળ ખોસેલી તેની ઇમ્પોર્ટેડ ગન હાથમાં લીધી. વીજય કંઇક કહે એ પહેલા તો તેણે ધડામ કરતો બંગલાનો મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો અને ઝડપથી દોડતો તે અંદર પ્રવેશ્યો....બરાબર એ જ સમયે બાપુ ચહલ-કદમી કરતા દરવાજાની નજીક આવ્યા હતા. તેમણે નજર ઉઠાવીને ધડાકા સાથે ઉઘડેલા બારણા તરફ જોયુ અને તેઓ કંઇ સમજે-વિચારે એ પહેલા તો ગેહલોતે તેમની તરફ ધસી જઇ બાપુના કપાળની બરાબર વચ્ચે ગન ઠેરવી દીધી. બે જ સેકન્ડમાં એ દ્રશ્ય ભજવાયુ હતુ. ક્ષણના ચોથા ભાગમાં બંગલાના ડ્રોઇંગરૂમની વચ્ચોવચ જાણે વીજળી ત્રાટકી હોય એવો ખળભળાટ મચી ગયો. કોઇ કંઇ સમજે એ પહેલા બાપુ ગેહલોતની ગન પોઇન્ટ ઉપર આવી ગયા હતા. વીરજી અને વીરા સ્તબ્ધ બની જોઇ રહયા, જ્યારે ડોકટરે એક નજર ઉઠાવી ઉપર જોયુ અને ફરી પોતાના કામે લાગ્યા. તેમને જાણે આ બાબતોથી કોઇ ફરક પડતો ન હોય તેમ સાવ નિર્લેપ રહી પોતાનું કામ ચાલુ રાખ્યુ....

“ કોણ છે તું.....? આ શું બેવકુફી છે....?” રૂઆબદાર અવાજે બાપુએ ગેહલોતને પુછયુ. ખરેખર તો તેઓ ક્ષણભર માટે આઘાત પામી ગયા હતા. સાવ અચાનક જ કોઇક આવીને તમારા કપાળે ગન ટેકવે તો ગમે તેવો ફોલાદી માણસ પણ ઘડીભર માટે સહમી જાય. બાપુની નજરમાં પણ એવો ખૌફ છવાયો હતો પરંતુ તેઓ તરત સ્વસ્થ થયા હતા. તેઓ આનાથી પણ ભયંકર પરિસ્થિતીમાંથી આ પહેલા પણ પસાર થઇ ચુકયા હતા. ઘાટ-ઘાટના પાણી તેમણે પીધા હતા. આસાનીથી હાર માની લેવાનું તેમના લોહીમાં નહોતું.

“ કહીશ....એ પણ કહીશ....પણ પહેલા તમે આગળ વધો અને સામેના સોફામાં બેસો. હાં, પણ બીજી કોઇ ચાલાકી કરવાનું વીચારતા પણ નહિ નહીતર આ ગન તમારી સગી નહી થાય....” ઘેરા અવાજે ગેહલોતે કહયુ. બાપુ પાસે તેની વાત માન્યા સીવાય છુટકો નહોતો. તેઓ એ જ પોઝીશનમાં પાછા પગલે સોફા સુધી આવ્યા અને તેના પર બેઠા. તરત ગેહલોત સોફાને ગોળ ફરીને પાછળ ગયો અને બાપુની ખોપરી ઉપર ગન ટેકવી અને પછી બુમ પાડી....” વીજય....” એટલે વીજય અને રીતુ અંદર કમરામાં ધસી આવ્યા. રીતુને અહી જોતા જ બાપુ સમગ્ર માઝરો સમજી ગયા.

“ ઓહ....તો આ છોકરી તમને અહી લઇ આવી....!!” તેઓ ઠંડા અવાજે બોલ્યા. પરંતુ તેમના એ શબ્દો સાંભળવા વીજય કે રીતુ બંને રોકાયા નહી. તેઓ નીચે ગાલીચામાં સુવડાવેલા મોન્ટી તરફ ધસ્યા.

“ મોન્ટી....મોન્ટી...” રીતુ ગોઠણભેર બેસતા બોલી ઉઠી. અચાનક તેની આંખોમાં આંસુ ઉભરાયા હતા. મોન્ટીનું શરીર તાવથી ધગધગી રહયુ હતુ અને વારે વારે તેને આંચકીઓ આવતી હતી. “ ડોકટર....શું થયુ છે આને....?” તેણે ડો.ભૈરવસીંહને મોન્ટીની સારવાર કરતા જોઇને પુછયુ. એ સમય દરમ્યાન ભૈરવસીંહે પોતાનું કામ પુરુ કર્યુ હતુ. તેમણે મોન્ટીના ઘાવને પાટામાં બરાબર બાંધ્યો હતો. પીંડીની ઉખડી ગયેલી ચામડીને ફરી તેની જગ્યાએ ગોઠવી તેના ઉપર કોટનનો પાટો બાંધી દીધો હતો. કંઇક ઇન્જેકશનનો પણ તેમણે મોન્ટીને માર્યા હતા..

“ આને જીવતો રાખવો હોય તો તરત મારા કિલનિકમાં શિફ્ટ કરવો પડશે. રેવાએ બહુ ખરાબ રીતે તેની ચામડી ફાડી ખાધી છે એટલે ફરજીયાતપણે સ્ટીચીઝ લેવા પડશે....અને ધનુરના ઇન્જેકશનો પણ મારવા પડશે. તાવ વધતો જાય છે તેની સારવાર પણ કરવી પડશે.” ડો.ભૈરવસંહે બાપુ તરફ જાઇને કહયુ. અહી શું માહોલ સર્જારો હતો તેની જાણે તેમને કોઇ પરવા જ ન હોય એવા સુરમાં તેઓ બોલ્યા હતા. તેમને ફક્ત પોતાના દર્દીની ચીંતા સતાવતી હતી. ડોકટર એકદમ રુક્ષ માણસ હતો. બાપુને કયારેક તો આવી પરિસ્થિતનો સામનો કરવાનો આવશે તેનો પુરેપુરો અંદાઝ તેમને હતો.

“ તો કરો ડોકટર....એમાં હવે તમારે કોઇની મંજુરી લેવાની જરૂર નથી....” વીજય બોલી ઉઠયો. મોન્ટીને નજરો સમક્ષ જોઇને તેને ન સમજાય તેવી ખુશી થતી હતી. ઘણા મિત્રોને તેણે ગુમાવ્યા હતા પરંતુ મોન્ટીને હવે તે કોઇપણ સંજોગોમાં ગુમાવવા માંગતો નહોતો...વીજયની વાત સાંભળીને પણ ભૈરવસીંહ ત્યાંથી હટયા નહોતા. તેઓ સતત બાપુ તરફ જોઇ રહયા હતા. તેમને બાપુની મંજુરીની જરૂર હતી. એ સિવાય તેઓ જરાપણ આગળ વધવાના નહોતા....વિષ્ણુસીંહ બાપુએ ભૈરવસીંહના ચશ્માવાળા ચહેરા તરફ નજર કરી. એક હળવો નિશ્વાસ નાંખ્યો અને આંખોથી જ મંજુરી આપી....

“ રાહ કોની જુઓ છો ડોકટર....જલ્દીથી આને સારવાર મળે એવી વ્યવસ્થા કરો....” ગેહલોતે સખ્ત અવાજે કહયુ. જો કે બાપુની પરવાનગ મળી ગઇ હતી એટલે ડોકટર એ જ કરવાનો હતો.

“ આને ઉઠાવીને ફોરચ્યુનરમાં સુવડાવવો પડશે...” ડોકટર બોલ્યા. “ અને આ જેન્તીને મારે સાથે લઇ જવો પડશે. ગાડી ચલાવવા માટે તેની જરૂર પડશે...”

“ તમારા ડ્રાઇવરની સાથે આ છોકરી પણ આવશે. તમને સાવ એકલા મુકી શકાય નહી...” વીજયે રીતુ તરફ હાથ લંબાવતા કહયુ.

“ હું મોન્ટીની સાથે જઇશ....” રીતુ બોલી ઉઠી. તેને અત્યારે ફક્ત અને ફક્ત મોન્ટીની જ ચીંતા હતી. એ છોકરો મોતની કગાર ઉપર આવી ઉભો હતો. તેને છોડીને જવાનું રીતુ વિચારી પણ શકતી નહોતી.

આખરે વીજય અને જેન્તીએ સાવધાનીથી મોન્ટીને ઉંચક્યો અને ડ્રોઇંગરૂમની બહાર લઇ આવ્યા. બંગલાની પોર્ચમાં જ ફોરચ્યુનર ખડી હતી. જેન્તી પાસેથી ચાવી લઇને રીતુએ ગાડીનો સાઇડનો દરવાજો ખોલ્યો એટલે મોન્ટીને સીટ ઉપર સુવડાવવામાં આવ્યો.... રીતુ મોન્ટીની સીટમાં ગોઠવાઇ. તેણે મોન્ટીનું માથુ પોતાના ખોળામાં લીધુ અને ભારે હેતથી તેના વાળમાં હાથ પસવારવા લાગી. તેની આંખોમાં સતત આંસુઓ ઉભરાઇ રહયા હતા. ડો.ભૈરવસીંહ આગળની સીટમાં બેઠા એટલે જેન્તીએ તરત ડ્રાઇવરની સીટ સંભાળી અને ગાડી સ્ટાર્ટ કરી વેગથી ફાર્મ હાઉસની બહાર તરફ ભગાવી....

*****************************

વિષ્ણુસીંહ બાપુએ રચેલા અદ્દભૂત અને બેનમુન ફાર્મ હાઉસમાં અજબ ટેબ્લો રચાયો હતો.....હજુ હમણા જ મોન્ટીને લઇને ફોરચ્યુનર કાર ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી હતી. કોઇ કંઇ વીચારે એ પહેલા જ ઘણાબધા બનાવો ખુબ જ ઝડપથી ભજવાયા હતા.

ફાર્મના બંગલાના ડ્રોઇંગરૂમમાં પણ અજીબ સન્નાટો પ્રસરેલો હતો. બધા જાણે મીણના પુતળા હોય એમ સ્તબ્ધ બની ગયા હતા..... એકમાત્ર પેલો કુતરો ઘુરકાટ કરી રહયો હતો. એ જાનવરને કપરી સ્થિતિની જાણે ગંધ આવી ગઇ હોય એમ તેની આંખો બાપુ તરફ તકાયેલી હતી. તે ઘડીક બાપુ તરફ અને ઘડીક તેના માથે ગન તાકીને ઉભેલા ગેહલોત તરફ જોઇ લેતો હતો. અજાણ્યા માણસોને અચાનક અહી આવી ચડેલા જોઇને તેની રગોમાં દોડતા લોહીમાં તેજી ભળી હતી.... એવી જ હાલત કંઇલ વીરજી અને વીરાની હતી. પોતે અહી હાજર હોવા છતા કોઇ બે-બદામના માણસો તેના માલિક ઉપર હાથ નાંખે એ પરિસ્થિતિ તેમને ખુબ કઠતી હતી. કંઇક કરવા તેમની હથેળીઓ ઉઘાડ-બંધ થતી હતી પરંતુ બાપુના માથે તકાયેલી ગનને જોતા તેઓ સહમીને ખામોશ ઉભા રહી જતા હતા... રખેને તેમની કોઇ હરકતના કારણે પેલા માણસની આંગળી ગનના સ્ટ્રીગર ઉપર દબાઇ જાય તો બાપુના ત્યાં જ રામ-નામ સત્ય થઇ જાય.....

એ જ તંગ સ્થિતીમાં ક્ષણો વીતી....મીનીટો વીતી....

( ક્રમશઃ )