સખૈયો
સ્નેહા પટેલ
sneha_het@yahoo.co.in
જસ્ટ હેપનિંગ
સખૈયા, આજે વળી એક નવો વિચાર મનોપદેશમાં ફરતો હતો 'આખરે હું કોણ છું ?', ને એ પછી તો જાતજાતના વિચાર-તરંગોની ભરતી ઓટ આવતી ગઈ, ચાલ તારી સાથે એ વહેંચી લઉં નહીં તો મને ચેન નહીં પડે.
'મારી સામાન્ય સમજ પ્રમાણે તો , 'હું એટલે કર્તા, કર્તા એટલે કર્મ કરનારી વ્યક્તિ'. કર્મ - ઇગોસેંન્ટ્રીક ! જો હું મારી મરજી પ્રમાણે કર્મ કરતી હોઉં તો મને દરેક કર્મમાંથી જોઇતો આનંદ કેમ નથી મળતો સખા? મને ખુશી મળે એવા કર્મ ના હોય તો મારે કોઇ જ કર્મ નથી કરવું - 'ધ ડુઅર' નથી બનવું, કારણ હું તો કંઈ જ કર્મ કર્યા વિના - અકર્મી રહીને પણ તને યાદ કરીને ખુશ થઈ શકું છું. મારી એ ખુશીને શાશ્વતપણાની સીમા સુધી માણી શકું છું.
ઘણી વખત લોકો એવા અર્થહીન અને વેરઝેરની પતાવટ - ખોટો આડંબર બતાવવો જેવી પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે ત્યારે એમ થાય કે આપણે માનવીઓ કશું જ કર્મ ના કરીએ તો પણ દુનિયામાં ઘણા 'નેગેટીવ વેવ્સ' ઉદભવતા ઓછા થઈ જશે.
હું જ્યારે ચૂપચાપ બેસીને અકર્મી રહીને મારી ચેતનાના પેટાળમાં ઉતરું છું ત્યારે મને તારો ભેટો થઈ જાય છે. મનમાં આ ક્રિયા હું જ કરું છું એવું કોઇ કેન્દ્ર બિંદુ નથી ઉદભવતું. બધું જ સાવ ખાલી ખમ અને હળ્વાશથી ભરપૂર લાગે છે. હળ્વાશના એ તરંગો પર હું તરતી તરતી તારી સમીપે પહોંચી જાઉં છું અને ચેતનાના પેટાળમાં તારી વાંસળીના સૂરો ગુંજી ઉઠે છે. તારા મોરપીચ્છની મખમલી સુંવાળપ માંહ્યલાને ભીતર - બહાર- સર્વત્ર જગ્યાએ મને અમીર બનાવી મૂકે છે. મનની આ અમીરાત મારા મનની અંદર જ છુપાયેલી છે, કસ્તૂરી મૃગ જેવી હાલત છે મારી નહીં ?
જો કે હું અકર્મી બની જાઉં તો તારી આરતી - પ્રસાદ - પૂજા એ બધું કોણ કરશે ? કદાચ સાવ અકર્મી બની જવું શક્ય નથી કારણ મારી ચેતના ઉપરાંત હું જે ભૌતિક જગતમાં શ્વસું છું ત્યાં અમુક ક્રિયાઓ -વિશેષ કર્મ જરુરી છે. હું કશું જ ના કરતી હોવું ત્યારે પણ મારા શ્વાસોછ્વાસ તો ચાલે જ છે, રુધિર એની ગતિ પકડી જ રાખે છે. એ બધું એની જાતે થયા જ કરે છે - 'જસ્ટ હેપનિંગ'. તારી મરજીને આધીન. કારણ એમાં મારી મરજી કે તાકાત ક્શું જ કામ નથી કરતું. હું ઇચ્છું તો પણ મારા શ્વાસની પ્રક્રિયા બંધ કરીને જીવી ના શકું.
અમુક કર્મ વિશેષ કર્મ કહેવાતા હોય છે.
કર્તા બન્યાં વિના અકર્મી બનીને કર્મ કરવાનું હોય કે કોઇ વિશેષ ધ્યેય સાથે વિકર્મી બનીને કોઇ કર્મ કરવાનું હોય - એ જે હોય એ પણ મારું અંતિમ ધ્યેય તો તું જ છે મને તો એટલી જ સમજ પડે છે.મારે યેન કેન પ્રકારેણ તારી સમીપે રહેવું છે, કારણ એ મારા જીવનની સૌથી મોટી જરુરિયાત છે. તને ચાહ્યાં વિના હું જીવિત નહીં રહી શકું એ વાત સો ટચના સોના જેવી સાચી હકીકત બાકી બધું ધૂળ !
આજે સવારે તું એક નવા વિચાર સાથે મને યાદ આવેલો. કહું ?
'આજે સવારે હું મારી ઓસરીમાં હીંચકા પર હિલ્લોળતી હતી અને મારા કેશ ગૂંથતી હતી ત્યાં જ અચાનક મારી નજર અંદરના વિશાળ મકાન પર પડી ને વિચારે ચડી ગઈ. આટલા મોટા ભવનની આવડી અમથી ઓસરી પણ એનું મહત્વ તો જુઓ ! ઓસરી વિના આ ભવ્ય મકાન કેવું વરવું લાગત ? ઓસરીમાં પગ મૂક્યા વિના ભવનમાં પ્રવેશ પણ શક્ય ના બને. ભવનનો મોહ હોય તો તમારે ઓસરીનું મહત્વ સ્વીકારવું જ પડે - એને નકારી ના જ શકાય. હેં વ્હાલા - મને તારી ઓસરી બનવાની તક આપીશ ?'