Supar Star - 4 in Gujarati Short Stories by Prashant Seta books and stories PDF | સુપર સ્ટાર - ભાગ ૪

Featured Books
Categories
Share

સુપર સ્ટાર - ભાગ ૪

સુપર સ્ટાર

ભાગ - ૪

પ્રશાંત સેતા

થોડીવારમાં અમારી કાર જુહુ તારા રોડ પરનાં એક વિશાળ બંગલો સામે આવીને ઊભી રહી. એ કહેવાઇ રહેલા મારા બંગલાની સામે પણ લોકોનાં ટોળાઓ જમા થયેલા હતા. સોનાલીએ મને કારમાંથી ઊતરવાની ના પાડી એટલીવારમાં જ મારા બોડીગાર્ડો આવી ગયા અને ગાડીનો દરવાજો ખોલી મને કવર કર્યો. કોઇ મારી નજીક ન આવી શકે એવી રીતે મને બંગલાના મુખ્ય દરવાજા સુધી પહોચાડ્યો. મારૂ ધ્યાન બંગલાની બહાર મારેલા મારબલનાં નેમપ્લેટ પર ગયું કે જેમા ફેન્સી અક્ષરોથી લખ્યુ હતું “Anwar Ali & Sonali Singh Ali” અને બંગલાનું નામ હતુ “Ali Villa”.

મને વિશ્વાસ આવતો ન હતો કે એ બંગલો મારો હતો.

દરવાજા પર જ ગન સાથે બંગલાનાં બે વોચમેન પણ હતા.

બંગલાની અંદર દાખલ થતાં જ મેં અંદાજો લગાડ્યો હતો કે એ બંગલો વીસ થી પચ્ચીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો હતો. આગળ મોટું ગાર્ડન હતું અને મધ્યમાં પાણીનો ફુવારો હતો અને એમા રંગ-બેરંગી લાઇટો થતી હતી. સોનાલી મારી સાથે જ હતી અને હું બંગલામાં પહેલી જ વાર પ્રવેશ્યો હોય એમ દરેક નાની-નાની વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એ બંગલો ઓછો અને ભવ્ય હોટલ વધારે લાગતી હતી. આંગણામાં લાંબા અને ઊચા બે પિલ્લરો હતા અને ઉપર અર્ધ ગોળાકાર શેપ આપેલો હતો. શરૂઆતથી જ ઇટાલીયન મારબલ શરુ થતો હતો. બંગલાનાં આંગણામાં એક BMW અને નામ ખબર ન પડે એવી એક સ્પોર્ટ કાર પડી હતી. અને બીજી બાજુ સ્પોર્ટ્સ બાઇક તેમજ ફેન્સી દેખાતી એવી મોંઘીદાટ સાઇકલ પણ પડી હતી. નાના બાળકોની ગાડી પણ હતી કે જે મારી બાળકીની હશે એવું લાગ્યું હતું. આજુ બાજુમાં ઘણા બધા રમકડા પણ પડ્યા હતા.

હું બંગલામાં પ્રવેશ્યો અને મારી ધારણા મુજબ અંદરની કામગીરી પણ સ્ટેટ ઓફ ધ આર્ટ્સ (કલ્પના બહારનું) હતી. આખા બંગલામાં ઇટાલિયન મારબલ હતો...અને બનાવવાવાળાએ એકદમ દિલથી બંગલો બનાવ્યો હતો...અંદર જતા જ સામેની દિવાલ પર મારો, સોનાલીનો અને મેં મારી બાળકીને તેડેલી છે તેવો મોટો પોસ્ટર સાઇઝનો ફોટો હતો કે જેની સમાન નાની કોપી મારા વોલેટમાં હતી.

સોનાલીએ મને અમારા પહેલા માળે આવેલા બેડરૂમમાં જઇ ફ્રેશ થવાનું કહ્યું, પરંતુ એને મારા હાવભાવ પરથી અંદાજો આવી ગયો હતો કે મને બેડરૂમની ખબર જ ન હતી તેથી તે પણ મારી સાથે પહેલા માળ પર આવી. પહેલા માળ પર છ થી પણ વધારે રૂમો હતા જેમાથી એક અમારી બાળકીનો હતો, એક અમારો બેડરૂમ હતો અને બાકીનાંની ત્યારે ખબર પડી નહી, ગેસ્ટ રૂમો હોઇ શકે..!! સોનાલીનાં કહેવા મુજબ મારી બાળકી સુઇ ગઇ હતી. ઘરમાં ટોટલ દસ નોકરો હતા જેમાં બે આયાઓ હતી. આયાઓ ફૂલ ટાઇમ મારી બાળકીનું ધ્યાન રાખતી. એ સિવાય ચાર ડ્રાઇવરો હતા અને બે ફૂલટાઇમ વોચમેન પણ હતા. મારી જિંદગી એકદમ વૈભવશાળી હતી.

બેડરૂમમાં અંદર જતાની સાથે જ હું દંગ રહી ગયો હતો. પંદરસો સ્ક્વેર ફૂટનો તો માત્ર બેડરૂમ હશે કે જેમા સામેની દિવાલ પર જ દિવાલ સાઇઝ નો વોર્ડરોબ હતો....રૂમની મધ્યમાં મેગા સાઇઝનો બેડ હતો અને એક બાજુ દિવાલ સાઇઝની બારી હતી અને બીજી બાજુ વોલપેપરથી ઢંકાયેલી દિવાલ હતી..

મેં મારો વોર્ડ્રરોબ ખોલ્યો અને હું દંગ રહી ગયો હતો. મોંઘા અને સ્ટાઇલીશ કપડાઓ ટાંગેલા હતા. આશરે ૫0 થી પણ વધારે અલગ અલગ જાતના તો ખાલી સુટ જ હતા. બીજા ટાંગેલા કપડાઓ હતા એ અલગ તેમજ આખા વોર્ડ્રરોબનાં ખાનાંઓ કપડાઓથી જ ભરેલા હતા. ચાલીસ જાતના સ્પ્રે કપડાની નીચેનાં ખાનામાં પડેલા હતા. અને ત્રીસથી પણ વધારે જોડી શુઝ અને ચપ્પલ વોર્ડ્રોરોબના નીચેના છેલ્લા ખાનામાં હતા. દિવાલ સાઇઝનો એક ખુણાથી બીજા ખુણા સુધીનો વોર્ડ્રરોબ મેં મારી જિંદગીમાં ટીવી પર જ જોયેલો હતો. મને વિશ્વાસ આવતો ન હતો કે આ બધા કપડા ડિઝાઇનર હતા અને કોઇ મોટા ડિઝાઇનરે ડીઝાઇન કરેલા હતા. વોર્ડરોબની અંદર જ કોસ્મેટીકનો તો એક વિભાગ જ અલગ હતો..!! અલગ-અલગ જાતના હેર જેલ, શેવિંગ ક્રીમ, ફોમ્સ અને ફેરનેસ ક્રીમનાં ઢગલા પડ્યા હતા. મોઘી દાટ દેખાતી એવી પંદર વીસ કાંડા ઘડીયાલો પણ પડેલી હતી.

સોનાલી બાજુમાં જ ઊભી હતી. મારા મોઢા પરના હાવ ભાવ નિહાળી રહી હતી. એણે જણાવ્યું કે આ તો ખાલી બેડરૂમમાં બનાવેલો વોર્ડરોબ હતો. બાકી એક આખો રૂમ જ મારા વોર્ડરોબ માટે ફાળવેલો હતો કે જે પહેલા માળે જ હતો. સોનાલીએ જણાવ્યુ કે મારી પાસે સાડા ચાર હઝારથી પણ વધારે ડીઝાઇનર કપડાઓ હતા અને નોન- ડીઝાઇનર હતા એ અલગ..!! પાંચસોથી પણ વધારે શુઝની જોડીઓ હતી તેમજ ગણી ન શકાય એટલા સ્પ્રે અને કોસ્મેટીક આઇટમો હતી. કાંડા ઘડિયાળો પણ દોઢસો થી બસો હતી.

આ ઘર હતું કે મહેલ એ જ મને સમજાતું ન હતુ. અને હું અનવર હતો કે રાજા અનવર!

પછી સોનાલીએ મને ફ્રેશ થઇ ને નીચે આવવા કહ્યુ પણ એ પહેલા મારે સોનાલીને અમુક સવાલો પુછવા હતા.

“સોનાલી,..તુ મને કહી શકીશ કે મારી અને સુપ્રિયાની વચ્ચે શું ચાલી રહ્યુ છે?”

“એ આવી હતી તને મળવા?” તેણે શંકાથી પુછ્યું

મેં હકારમાં માથું હલાવ્યું

“શી ઇસ અ રીયલ બીચ આઇ ટેલ યુ...(એક નંબરની કુતરી છે)” સોનાલીએ દાંત કચરતા કહ્યું

એ સમયે મને કશી ખબર ન હતી કે સોનાલી સાથે મારે સારૂ ચાલતું હતુ કે નહી એટલે હું ચુપ રહ્યો.

“શું કહેતી હતી એ નાગીન?” સોનાલીએ અવાજમાં એક કડવાશથી કહ્યું

પછી મેં એને જણાવ્યું કે સુપ્રિયાનાં કહેવા મુજબ હું અને સોનાલી અલગ થઇ જવાના હતા અને હું સુપ્રિયા સાથે લગ્ન કરવાનો હતો. સુપ્રિયાને મારી પર્સનલ સેક્રેટરી રાખવી એ સોનાલીની ઇચ્છા વિરુધ્ધ હતું.

“એની વાત એકદમ સાચી છે. ખબર નહી પણ એ ડાયને તારા પર શું જાદુ કર્યુ છે કે તું મને છોડીને એ બે ટકાની સેક્રેટરી સાથે સેટલ થવા માંગે છે. આઇ લવ યુ અ લોટ. હું તને કેટલા સમયથી સમજાવું છું કે એ છોકરી સાથે સંબંધો તોડી નાખ અને એનાથી દૂર રહેવાનું રાખ પણ એને બદલે તુ મને છોડી દેવા માંગે છે” સોનાલીએ નિરાશાથી કહ્યું

હું ચુપ રહ્યો.

“....પેલા એ તને પ્રેમ કરતી હતી, તારો સમય સારો ન હતો એટલે તને છોડી ઇમરાન સાથે ચાલી ગઇ હતી અને હવે જ્યારે તારો સમય આવ્યો તો પાછી તારી સાથે આવી ગઇ. પોતાના મંગેતરને પણ મરાવી નાખ્યો અને એનો બધો જ દોષ તારા માથે આવ્યો પણ હવે એ ડાયન શું ઇચ્છે છે એ જ સમજમાં નથી આવતું...” સોનાલીએ નિસાસો નાંખતા કહ્યું

“શુ?” હુ ચોંકી ગયો અને મેં આશ્ચર્યથી પુછ્યું “ઇમરાનને સુપ્રિયાએ મરાવ્યો છે? પણ શા માટે?”

“હાં. ઇમરાને સગાઇ તોડી નાખી એટલે બદલો લેવા.. અને એમા તને ફસાવી દિધો. . પણ કોઇ આ હકીકત જાણતું નથી. કોઇ સચોટ પુરવાના અભાવે કશું થઇ શકે એમ ન હતુ. પણ હવે થશે. સુપ્રિયા જેલના સળીયાની પાછળ જશે જ! અને તું પણ ઇમરાનનાં કેશમાં બેગુનાહ સાબિત થઇશ જ! તું ચિંતા છોડી દે. તારા પર લાગેલો ઇમરાનને મારી નાખવાનો દોષ હું કાઢી ને જ રહીશ” સોનાલીએ અવાજમાં એક આત્મવિશ્વાસથી કહ્યુ

“એટલે? કેવી રીતે? હું કશું સમજ્યો નહી..!!”

“એટલે એમ કે ઇમરાનને મારવાનો કોંટ્રાક્ટ જેણે લીધો હતો એ માણસ દુબઇમાં છે અને એને મળવા જ હું ગઇ હતી. એ બરાબરનો ફસાઇ ગયો છે અને ડરી ગયો છે. નાનો મોટો કોંટ્રાક્ટ કિલર છે. એ અહીંયા આવવા તૈયાર છે અને કોર્ટમાં ગવાહી પણ આપશે કે સુપ્રિયાએ જ ઇમરાનને મારવાનો કોટ્રાંક્ટ આપેલો હતો. અને મારી પાસે વિડીયો ક્લિપ પણ આવી જશે જેમાં સુપ્રિયા અને પેલા કોંટ્રાક્ટ કિલરની મુલાકાતો રેકોર્ડ થયેલી છે. એક ક્લિપમાં તો સુપ્રિયા એને પૈસા આપતી પણ દેખાય છે....”

સોનાલીની વાત સાંભળીને મારી તો આંખોનાં ડોળા જ બહાર આવી ગયા હતા.

“આ બધી વાત તને ખબર છે....ખેર, હું તારી નીચે રાહ જોવ છું” સોનાલીએ કહ્યું અને જતી રહી “વધારે ચર્ચાઓ નીચે કરશું”

હું મારા મેગા બેડ પર થોડીવાર લંબાયો. મને કશું જ સમજાતું ન હતું. સુપ્રિયા સાચી હતી કે સોનાલી..!! મારી યાદશક્તિ પાછી આવવી ખુબ જ જરૂરી હતી. અને જો આમ ને આમ જ ચાલશે અને મારા મગજને ખુબ જ દબાણ આવશે તો હું ગાંડો થઇ જઇશ એ વાત સો ટકાની હતી.

થોડીવાર પછી બાથરૂમમાં જઇ ફ્રેશ થયો. બાથરૂમમાં રાખેલો નાઇટ શુટ પહેરીને હું નીચે હોલમાં ગયો. નીચે ટીવી પર મારી જ કોઇ ફિલ્મ ચેનલ પર આવી રહી હતી. હું આવી જ આહલાદક લાઇફ જીવવા માંગતો હતો. આ જીવન જ જીવવાનો મારો એક માત્ર ઉદ્દેશ હતો પણ મારા નસીબ કેટલા ખરાબ હતા કે મને કશું યાદ જ ન હતું..!!

સોનાલીએ મને ચાલતા તમામ પ્રોજેકટો વિશે વાત કરી કે જે અડધાથી વધારે માહિતીઓ સુપ્રિયાએ અગાઊથી જ મને આપી દિધી હતી. થોડી માહિતીઓ કે જે સુપ્રિયા આપી શકી ન હતી જેમ કે કોઇ પ્રખ્યાત ઇંડીયન ઓથરની બુક પરથી મારૂ પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવવાનું હતું... તેમજ એક સેક્સ કોમેડી ફિલ્મનું પણ નિર્માણ કરવાનું હતું.

રાત્રીનાં નવ વાગી ગયા હતા અને સામે ટીવીની ચેનલ ચેન્જ થતા સમાચારમાં પણ મારો જ ઉલ્લેખ થઇ રહ્યો હતો કે મને કોઇ વિચિત્ર ડિસઓર્ડર (માનસિક અસમતુલન) થઇ ગયો હતો કે જેમાં હું અમુક સમયની ઘટનાઓ ભુલી ગયો હતો. આ સમાચાર બહાર આવ્યા મને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે. અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં સોનાલીને અલગ બાબતોને લઇને પચાસથી પણ વધારે ફોન આવી ગયા હતા..!! પ્રોડ્યુસરોના ફોન...બિઝનેસ પાર્ટનરોનાં ફોન...મિડીયાવાળાઓનાં ફોન...નજીકનાં લોકોનાં ફોન...

અમે જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા અને કોઇ સારા ડોક્ટરને બતાવવાની ચર્ચા કરી રહ્યા હતા. એટલામાં મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર ‘સ્વીટ હાર્ટ’ લખેલુ આવ્યું. સોનાલીનું ધ્યાન પણ સ્ક્રીન સામે ગયું. હું વિચારમાં પડી ગયો કે એ ફોન કોનો હશે? મેં ફોન ઊપાડ્યો અને ખબર પડી કે એ સુપ્રિયા હતી. એ છેડેથી સુપ્રિયાએ મારી તબિયતનાં સમાચાર પુછ્યા અને જણાવ્યું કે મને કશું યાદ આવ્યુ કે નહી અને એને જવાબમાં નિરાશા મળી હતી. મેં ટુંકમાં વાત પતાવી અને ફોન મુકી દિધો હતો જે સુપ્રિયાને થોડુ અજુગતુ લાગ્યુ હતું જ્યારે સોનાલીનાં ચહેરા પર ચમક આવી હતી. મેં હવે વિચારી લીધું હતુ કે સોનાલી મારી પત્ની છે અને હું સોનાલી સાથે જ રહેવા માંગતો હતો. સોનાલી મને દિલથી પ્રેમ કરતી હતી અને મને આ લેવલ સુધી પહોચાડવામાં સોનાલીનું મોટું યોગદાન હતું. સોનાલી જેવી પત્નિ કોઇ ભાગ્યશાળીને જ મળે..!! હું સોનાલી સાથે જ જીવવા માંગતો હતો એટલે સુપ્રિયાનો ફોન કાપી નાખ્યો હતો અને કદાચ નોકરીમાંથી પણ કાઢી મુકવાનું વિચાર્યું હતું.

જમીને અમે બેડરૂમમાં ગયા. સોનાલીએ મને દવા આપી.. હું માનસિક રીતે બહુ થાકી ગયો હોય એવું લાગતું હતું. હું બેડ પર લંબાયો અને સોનાલી ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઇ.

એટલીવારમાં સોનાલીનો મોબાઇલ વાગ્યો. મેસેજ હતો. મેં મોબાઇલ હાથમાં લિધો અને ચેક કર્યું - સર્વિસ પ્રોવાઇડરનો પ્રમોશનલ મેસેજ હતો. પણ એ મેસેજની નીચે બીજો એક મેસેજ હતો કે જેના મોકલનારનું નામ વાંચીને હું થોડો અસ્વસ્થ થઇ ગયો હતો – મોકલનાર બીજું કોઇ નહી પણ સુપ્રિયા પાટકર હતી..!! મેસેજ વાંચીને હું કોઇ મોટી મુશિબતમાં મુકાયો હોય એવું લાગતું હતું. મેસેજ કાંઇક એવો હતો ‘વોટ ઇસ ધ સ્ટેટસ ઓફ અનવર? આઇ બિલીવ એંન્ડ વિશ હી વુડ નેવર બી નોર્મલ (અનવરનું શું છે અત્યારે? હું માનું છું અને ઇચ્છું છુ કે અનવરની યાદશક્તિ ક્યારેય પાછી ન આવે). એના જવાબમાં સોનાલીએ લખ્યું હતું કે ‘સેમ હીયર’ એટલે કે ‘હું પણ એવું જ ઇચ્છું છું’. એ લોકોની મેસેજની આખી ચેઇન હું વાંચી ગયો અને બન્નેની અસલિયત બહાર આવી ગઇ હતી. એ મેસેજની ચેઇન પરથી એવું સાબિત થતું હતું કે એ બન્ને મળી મારી વિરૂધ્ધ કોઇ કાવતરૂં ઘડી રહ્યા હતા, કોઇ મોટી રમત રમી રહ્યા હતા. એ સમય દરમિયાન બન્નેમાંથી કોઇનો ભરોશો કરી શકાય એમ ન હતો. એ લોકોની મેસેજમાં વાતચીત દરમિયાન મને એ જાણવા મળ્યું હતું કે મને બધુ ભુલાઇ ગયું એની પાછળ એ બન્નેનો હાથ હતો. એ લોકો ઘણા મહિનાઓથી મને કશુંક ખવરાવી રહ્યા હતા કે જેના લીધે ધીરે-ધીરે મારી યાદશક્તિ જતી રહે..!! એ લોકો આવું શા માટે ઇચ્છતા હતા એ મને મેસેજ પરથી જાણવા ન મળ્યું પણ મને એટલો ખ્યાલ આવી ગયો હતો કે હું કોઇ મોટી મુશીબતમાં મુકાવાનો હતો. એ લોકોએ મને ઇમરાનનાં કેસમાં ફસાવવાનાં મોટા પાયે રચેલા ષડયંત્રમાં પુરે-પુરો ઘુસાડી દેવાનાં આરે પણ હતાં તેમજ મારૂ માનસિક સમતુલન ખોરવી નાખવાનાં નાપાક પ્રયાસો કરી રહ્યા હતા.

અચાનક બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતા મેં મોબાઇલ પાછો મુકી દીધો. સોનાલીને અરીસા સામે ઊભા ઊભા વાળ લુછતા જોઇ હું મનોમન હસ્યો હતો. એ લોકોને એમ લાગતું હતું કે રમત એ લોકો રમી રહ્યા હતા અને એ લોકોનાં પ્લાન મુજબ બધું ચાલી રહ્યું હતુ, મને પાછુ હસવું આવતું હતું. પણ હકીકત એ હતી કે બધું મારા પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. હાં, હું કશું જ ભુલ્યો ન હતો. મને બધુ જ બરાબરથી યાદ હતું. આ મારા પ્લાનનો જ એક ભાગ હતો જે એ લોકોનાં ષડયંત્ર સામે લડવા માટેનું એક પગલું હતું. ખેર, એક દિવસમાં બધો પર્દાફાસ થઇ જશે.

હકીકત કાંઇક એવી હતી કે મારી કો-એક્ટ્રેસ મિત્તલ ચૌહાણ કે જેને મેં ફિલ્મ દુનિયામાં એન્ટ્રી અપાવી હતી અને એક સફળ અભિનેત્રી બનાવી હતી તેને એના વિશ્વાસપાત્ર સુત્રોથી ખબર પડી હતી કે મારી પત્નિ સોનાલી સિંઘ મને કોઇ નશિલી દવા ખવરાવીને ધીરે-ધીરે મારી નાખવા માંગતી હતી, તેમજ મારી તમામ સંપત્તી હડપ કરી જવા માંગતી હતી. ઇમરાનને એ બાબતની ખબર પડી હતી અને એટલે જ સોનાલીએ ઇમરાનને મરાવી નાખ્યો હતો અને સુપ્રિયા સાથે- હાથ મિલાવી લિધો હતો એમ બતાવીને કે અનવરે ઇમરાનને મરાવ્યો હતો. મારી સાથે બદલો લેવા સુપ્રિયાએ પણ હાથ લંબાવ્યો હતો કારણ કે સુપ્રિયા ઇમરાન સાથે ખુબ જ ખુશ હતી.

સોનાલીને એવું લાગતુ રહેતુ હતુ કે મારી સાથે કામ કરતી તમામ અભિનેત્રીઓ સાથે મારે અફેર્સ રહેતા હતા અને હું સોનાલી સાથે ચીટીંગ કરતો હતો. એ બાબત પર હું એને સમજાવવાનાં પ્રયત્નો કરી કરીને થાકી ગયો હતો કે મારા કોઇ અભિનેત્રીઓ સાથે કોઇ પણ અફેર્સ નથી હોતા. મારી નાની બાળકીનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને હું સોનાલી સાથે બને એટલુ ટકાવી રાખવા માંગતો હતો, પણ મારી સહનશક્તિની ચરમસીમા આવી ગઇ હતી જ્યારે તેણે મારા મિત્ર ઇમરાનને મરાવી નાખ્યો. અને મને મોતને ઘાટ ઊતારી દેવાનું સોનાલીએ કાવતરૂ ઘડ્યું. હું સોનાલીને ખુબ જ પ્રેમ કરતો હતો પણ એ મારા પ્રેમને લાયક ન હતી. સોનાલીનાં ભુતકાળને ધ્યાનમાં રાખીએ તો તેના જેવી સ્ત્રી પાસેથી આવી જ આશા રાખી શકાય એમ હતું.

ખેર, મે મારા લોકો દ્વારા તમામ પુરાવાઓ એકઠા કરાવી લીધા હતા. સોનાલી અને સુપ્રિયાને હવે જેલમાં જતા કોઇ રોકી શકે તેમ ન હતું. અને મારો પ્લાન હતો હું કશું જાણતો જ ન હોય એમ હજુ થોડો સમય બધું ભુલી ગયો છુ એવુ નાટક કરવાનો અને પછી પાછો નોર્મલ જિંદગીમાં આવી જવાનો..!!. આવતી કાલે એક ટેલીફોન પર સુપ્રિયા અને સોનાલી વચ્ચે થયેલી વાતચિત પ્રકટ થશે જેમા બન્ને સુપર સ્ટાર અનવરને ધીમું ઝેર આપી મારી નાખવાનું કાવતરૂં ઘડતા સાબિત થશે. બીજી એક સીસીટીવી ફૂટેજ લીક થશે જેમાં સોનાલી કોઇ કોન્ટ્રાક્ટ કિલરને પૈસા આપતી દેખાશે અને તે કોન્ટ્રાક્ટ કિલરને સોનાલીએ ઇમરાનને મારી નાખવાની ખંડણી આપી હતી એનું મિડીયા સમક્ષ કબુલાત કરશે. સુપ્રિયા પાટકરને કાલે ખબર પડી જશે કે ઇમરાનનો સાચો ખુની કોણ હતો અને એ પણ કબુલાત કરી લેશે કે ટેલીફોન પર સોનાલી સાથે થયેલી વાત સાચી હતી અને સુપર સ્ટાર અનવરને મારી નાખવાનાં કાવતરામાં સોનાલીનો એણે સાથ આપ્યો હતો.

મેં ઘડીયાળમાં જોયું હતું. રાત્રીના બાર વાગવામાં એક મિનીટની વાર હતી. આવતી કાલે ત્રીજી એપ્રિલે સવારથી મિડીયામાં ખુલાસા ચાલુ થઇ જશે અને સવારમાં દસ વાગ્યા સુધીમાં આખા દેશમાં ન્યુઝ આવી જશે અને અગિયાર વાગ્યા સુધીમાં સોનાલી સિંઘ અલી અને સુપ્રિયા પાટકરની ધરપકડ પણ થઇ જશે. હું એક શાંત પ્રેક્ષકની જેમ બધો તમાશો જોતો રહીશ. આ હતો મારો માસ્ટર પ્લાન..!!

વિચારતાં વિચારતાં ક્યારે મને ઊંઘ ચડી ગઇ એની મને ખબર જ ન પડી. જ્યારે મારી ઊંઘ ઊડી હતી ત્યારે સવારે દસ વાગ્યા હતા અને સોનાલી આજુ બાજુમાં ક્યાય દેખાતી ન હતી. મેં નીચે આવીને જોયું તો સોનાલી ટીવી સામે બેઠી હતી અને પરસેવે રેબઝેબ હતી. સામે એક ન્યુઝ ચેનલ પર મારા ફોટાની આજુ-બાજુ સોનાલી અને સુપ્રિયાનો ક્લોઝ અપ ફોટો હતો. તેમજ બીજા એક ફોટામાં ઇમરાનની એક્સિડન્ટ સાઇડ પર ડેડ બોડી પણ બતાવતા હતા.

‘ઇમરાન સેખ હત્યા કેસમે સનસનીખેસ ખુલાસા. સુપર સ્ટાર અનવર અલી કી પત્નિ સોનાલી સિંઘ અલી જો કનેક્ટ ટુ પિપલ નામ કી અનવર અલી કી કંપની મેં કો-ઓંનર ભી હે ઊસને રચા થા ષડયંત્ર ઇમરાન કો મારને કા...’

“સુત્રો કે મુતાબિક સોનાલી સિંઘ અલીને રચી થી સાઝીશ ઇમરાન કો મારને કી... ઔર ઉસકે બાદ ઉસકે સુપર સ્ટાર પતિ અનવર અલી કો મોત કે ઘાટ ઊતારને કી....”

“ઇસ ખુલાસે મેં એક ઓર ખુલાસા યહ ભી હે કી અનવર કો મારને કી સાઝીશ મેં અનવર કી સેક્રેટરી સુપ્રિયા પાટકર ભી થી ભાગીદાર...”

એક પછી એક ખુલાસા સમાચારોમાં આવી રહ્યા હતા. ગઇ કાલે રાત્રે જ કેસને લગતા તમામ પુરાવાઓ મિડીયા અને પોલીસને પહોંચાડી દેવામાં આવ્યા હતા. સોનાલીએ મારી સામે જોયું, શરમ આવતી હતી. મારી આંખોથી આખો મેળવી શકે એમ ન હતી. એટલીવારમાં ઘરની બહાર થોડી ચળવળ થઇ અને મારા અંદાજા મુજબ પોલીસ સોનાલીની ધરપકડ કરવા આવી પહોંચી હતી. મિડીયાવાળાનો પણ જોરશોરમાં અવાજ આવી રહ્યો હતો.

આગલી બે જ મિનીટમાં મેઇન દરવાજા પરથી પોલીસનો કાફલો આવતો દેખાયો. સોનાલી ઊભી થઇ ગઇ અને મારી સામે દયામણા મોઢે જોયુ હતું કે હું તેની મદદે આવું, તેને માફ કરી દઉં અને તેને બચાવી લઉં, પણ મેં મોઢું ફેરવી લિધું હતું. પોલીસ ઇંસ્પેક્ટરે સોનાલીને એની સાથે જવા કહ્યું હતું અને આગળની તમામ કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપવા વિનંતી કરી હતી. મેં આખરીવાર સોનાલી સામે જોયું હતું. એ એજ સોનાલી હતી કે જેણે મને આ મુકામ પર પહોંચાડ્યો હતો, મારૂ સપનું પુરું કરાવ્યુ હતું અને મને સુપર સ્ટાર બનાવ્યો હતો. પણ શું થાય એણે કરેલા કર્મોનું ફળ તો એણે ભોગવવું જ રહ્યુ હતું.

સોનાલી પોલીસ કાફલા સાથે જતી રહી અને ઘરની બહાર નીકળતાં જ લાઇવ ન્યુઝ પર સોનાલીને પોલીસ વાનમાં બેસતી હોય તેવા વિડિયો આવવા માંડ્યા હતા. બીજી બાજું સુપ્રિયા પાટકરની પણ ધરપકડનાં ન્યુઝ આવવા માંડ્યા હતા.

હું સોફા પર બેઠો અને ટીવી બંધ કરી દીધું. ઉપર દીવાલ સામે જોયું અને વિચાર્યુ કે ફિલ્મ અભિનેતાની સાથે સાથે હું નેતા જેવી રમતો રમતા પણ શીખી ગયો હતો.....!!!

સમાપ્ત