Vasvaso in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | વસવસો

Featured Books
Categories
Share

વસવસો

** વસવસો **

વૈશાખ મહિનાની ખરી બપોરી વેળા. ધોમ ધખતો તડકો અને પાર વગરની ગર્દી. આખું બસ-સ્ટેશન જાણે માનવ મહેરામણથી ઊભરાઈ રહ્યું હતું. ખાસ્સી એવી વારથી બસની રાહ જોઈને ઊભેલા અને ત્રીસીએ પહોંચેલા ધીરજનું મોઢું તાપ અને અકળામણને કારણે તામ્રવર્ણુ થઈ ગયું હતું.

“કાકા, હજુ કેટલી વાર લાગસે બસ આવતા...?? આજે બહુ મોડી છે નઈં..??” પોતાની બાજુના બાંકડે બેઠેલા અને બીડીના કશ ઉપર કશ લઈ રહેલા અંદાજે પોણો સો વર્ષના વયો વૃધ્ધને ધીરજે પૂછ્યું.

“હેં.... મુ કે ચે’તો...?? કુ રો ચે’તો...??” (મને કે’શ?? શું કે’શ??) હથેળીની છાજલી કરતાં એ વડીલ પોતાની માતૃભાષામાં બોલ્યા.

વાતચીતનો દોર પડતો મૂકીને ધીરજે ‘પૂછતાછ’ની બારીતરફ જવા પગ ઉપાડ્યા ત્યાંતો સામેથી આવી રહેલી ‘રાધાપર કેશવગઢ રાધાપર’ શટલ બસને જોતાં એને હાશકારો થયો.

પણ એ હાશકારો તોફાન પહેલાંની શાંતિ જેવો પૂરવાર થયો. ધક્કા-મૂક્કી, બૈરાઓની હાય-વોય, છોકરડાંઓની કલબલ, વૃધ્ધોના સિસકારા અને યુવાનોના ધસારાની સાથે પળવારમાં બસ ખીચો ખીચ ભરાઈ ગઈ.

“હાલો...!!! બેસવાની જગ્યા તો મળી. બાકી આજનો તો દિવસ જ ખરાબ છે. બાપુની કટકટને કારણે પહેલા ઘરેથી નીકળવાનું મોડું થયું પછી આ બસ મોડી પડી ને રોજની જેમ બારી પાસે બેસવાએ ન મલ્યું. કંટાળો છે ને કાંઈ..!!” ધીરજ મનોમન બબડયો.

“ટિકિટ.... ટિકિટ... લે ભઈલા તારી શેલ્લા ‘ટોપની ટિકિટ.” ટિકીટ આપતા કંડકટર બોલ્યો, “ભઈલા સૂટ્ટા પૈસા આલજે હોં.”

“બસ હમધાયને છૂટ્ટા પૈસા જ જોઈએ છીએ. શું મારે ત્યાં ચિલ્લરનું ઝાડ ઉગ્યું છે કે, રોજ તોડી તોડીને વાપરું હં..ઉં..” હોઠે આવેલા શબ્દોને હૈયે દાબી દઈને છૂટ્ટા પૈસા હોવા છતાં ધીરજ બોલ્યો, “આજે નથી પચાણભા, ખાલી દહ દહની નોટું જ છે.”

“ભલે ભઈલા, તું તારે ઉતરતી વઈખતે યાદ કરીને લઈ લેજે હોં..!!” કંડકટર પચાણભાઈ આત્મીયતાથી બોલ્યા.

પોતાની ચાલાકી પર મંદ મંદ મુસ્કુરાતો ધીરજ હાશકારો અનુભવવા લાગ્યો. આમેય પચાણભાઈ ક્યાં નવા કે અજાણ્યા હતા એના માટે..?? આ તો રોજનું હતું. લગભગ બે-ચાર દિવસે એક વખત સાચી કે ખોટી રીતે છૂટ્ટા પૈસા માટે ધીરજ અને પચાણભાઈ વચ્ચે વાર્તાલાપ થતો અને એમાં જ બંને વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ હતી.

દરરોજ ધીરજની મુસાફરી અંદાજે ૨૫ થી ૩૦ મિનિટની રહેતી એ દરમ્યાન એ બે-ચાર ઝોકાં અવશ્ય ખાઈ લેતો. આમેય જમીને નીકળ્યા બાદ આળસ તો આવે જ ને!! પळळણ આજે ધીરજનું મન બેચેન હતું. ઉપરથી ઠાંસો ઠાંસ ભરેલી બસ એને વધુ અકળાવી રહી હતી. પાછળની સીટ પર બેઠેલી વીસેક વર્ષની સ્ત્રીના હાથમાં રહેલ બાળક ક્યારનું વેં-વેં કરી રહ્યું હતું, સામેની સીટ પર બેઠેલા ‘પે’લા’ વયોવૃધ્ધ ઠોં-ઠોં કરીને બસના વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા હતા, પાછળની બાજુએ અડીંગો જમાવીને બેઠેલા કૉલેજીયનો ઠઠ્ઠા મશ્કરીમાંથી ઊંચા જ આવતા નહોતા અને આગળની સીટ પર બેઠેલી ‘મેમસાબ’ થોડી થોડી વારે પર્સમાંથી અરીસો કાઢીને પોતાના હોઠને રંગ્યા કરતી હતી. આ બધું જોઈને કંટાળાના ભાવ સાથે ધીરજે આંખો મીંચી લીધી.

ચિચરાટીના અવાજે ધીરજની ઝોકા યાત્રામાં વિક્ષેપ પાડ્યો. એણે આંખ ખોલીને જોયું તો બસ ઊભી હતી ને ‘રાધાપર’ આવી ગયું હતું. બાકી રહેલા પેસેંજરો ઉતરી રહ્યા હતા.

“હાલો ત્યારે બાકી રહેતા મારા ૩ રૂપિયા પચાણભા પાસે લઈને ઝડપથી પગ ઉપાડું હજુ તો ઘણાં કામ પતાવવાના બાકી છે દુકાને જતાં પહેલા.” ધીરજ ત્વરાએ પગ ઉપાડતાં મનોમન બબડ્યો.

“પચા...ણ..ભા, અ..રે..!! તમે કોણ છો...??? અને પચાણભા... એ ક્યાં ગ્યા..??? હું બસમાં બેઠો ત્યારે તો પચાણભા હતા ને..??” પચાણભાઈની જ્ગ્યાએ બીજા કંડકટરને નિહાળી ધીરજ આશ્ચ્રર્ય સાથેબોલી ઉઠયો.

“હા.. હા.. ઈતો એમને જરીક જવું પઈડ્યું એટલે...” પોતાના હિસાબમાં મગ્ન એવા બીજા કંડકટરે માથું ઊંચુ કર્યા વગર જ કહ્યું.

“પણ... એમની પાંહેથી મારે ૩ રૂપિયા લેવાના બાકી હતા. હારૂ તારે, તમે આપી દ્યો. મને તો મારા પૈસાથી કામને..!!” ધીરજ હાથ લંબાવતા બોલ્યો.

“જો ભાઈ, એમનો હિશાબ ઈ જાણે ને મારો હું.. હમજ્યો કે નહીં..?? તારા બાકી નીકળતાં પૈશા તો હવે ઈ આવે ને તારે એની પાહેથી જ લેજે ભઈલા.” બેફિકરાઈથી બોલતાં બોલતાં અને ધીરજના ખભ્ભે હાથ પસવારીને કંડકટરે ચાલતી પકડી.

ધીરજ અવાક્ થઈને એને જતાં જોઈ રહ્યો. “શું જમાનો આવી ગ્યો છે..?? હાલો માની લઈએ કે, મારી આંખ મિંચાઈ ગઈ પણ પચાણભાએ તો યાદ રાખવું જોઈએ કે નહિં...?? પૈસાનો સવાલ છે, મારી મહેનતની કમાણી છે, આવું તો કાંઈ હોતું હશે..???” મનોમન બબડતો ધીરજ બસ સ્ટેશનની બહાર આવી ગયો.

“રૂપિયો છૂટ્ટો નથી જા... ધાણા દેવા હોય તો દે નહિંતર... નહિંતર શું.. તારે દેવા જ પડશે હમજ્યો...” ધીરજ તાડૂક્યો.

“નં’ઈ પડે શું નં’ઈ પડે..?? તારા છાબડામાં જ કાંઈ ગોટાળો છે. વજન કરતાં ઓછા કેલા દઈશ ને તો પોલીશવાળા પાંહે તારી ફરિયાદ કરીશ. હું જ એક છું જેને સહન કર્યા કરવાનું...?? એક તો મારા ત્રણ રૂપિયા... અને એમાં પાછી તું...” કેળા વેંચવાવાળી બાઈ સાથે તંત કરતાં ધીરજ બોલ્યો.

“ગરીબોંકી સુનો વો તુમ્હારી સુનેગા.....” ગીત લલકારતો અંધ ભિખારી ધીરજની સામે આવીને ઊભો રહી ગયો.

“ગરીબોંકી સુનો... હં...ઉં... તારા કરતાં તો વધારે હું.... મારા ત્રણ રૂપિયા.... કોને સંભળાવશ..?? કોઈ સાંભળવવાવાળું છે જ નહિં.... તને પૈસા જોઈએ છે ને તો લે....” ગુસ્સામાં બબડતાં ધીરજે પાંચ રૂપિયાનો સિક્કો એના વાટકામાં નાખીને રૂપિયા રૂપિયાના છ સિક્કા પડાવી લીધા.

ધીરજના મનોમસ્તિષ્ક પર પેલા ત્રણ રૂપિયા ન મળવાનો વસવસો એવો તો હાવી થઈ ગયો હતો કે, એના કારણે એણે કંઈ કેટલાયને ધક્કે ચડાવી દીધા. ક્યાંક લાઈનમાં વચ્ચે ઘૂસી ગયો તો ક્યાંક નજર ચોરાવી આગળ નીકળી ગયો. પોતાની દુકાને આવનાર ઘરાકોને પણ છેતર્યા તો એક દિવસ મંદિરે દર્શન કરવા ગયો ત્યારે પોતાની જૂની ચંપલની બદલી કોઈની નવી નક્કોર ચંપલ સાથે કરી આવ્યો.

એનું માનવું હતું કે, માંગીને કોઈ લે તો ત્રણ રૂપિયા શું ત્રણ હજાર પણ આપી દઉં પરંતુ એની મહેનતની કમાણી આમ કોઈ છેતરીને લઈ જાય એ એને મંજૂર નહોતું. અઠવાડિયા સુધી દરરોજ બસની મુસાફરી કરવા છતાં પણ પચાણભાઈના દર્શન દુર્લભ બનતાં ધીરજ એ ત્રણ રૂપિયા કાયમ માટે ખોઈ બેસવાના વસવસામાં હરોળી ગયો. એના શરીરમાં તાવે ભરડો લીધો. અશક્ત હાલતને કારણે વીસેક દિવસ સુધી ઘરમાં ભરાઈ રહ્યા બાદ આજે તે ફરી પાછો ભારે હૈયે બસ સ્ટેશન પહોંચ્યો.

“અરે...!! ભઈલા, ક્યાં ખોવાઈ ગ્યો’તો....??? છેલ્લા આઠેક દી’ થી તારી વાટ જોવું શું.”

ચિત પરિચિત અવાજ કાને પડતાં ધીરજે લટકી પડેલા ચહેરાને પાછળ ફરાવીને જોયું તો, એના હોઠે આવેલા શબ્દો હૈયે જ રહી ગયા, “પચાણભા.....”

એણે ધારીને જોયું. લાગતા તો પચાણભાઈ જ હતા પણ એમનું શરીર વધારે નબળું પડી ગયું હતું, માથાના વાળમાં ઓછા દેખાઈ રહ્યા હતા, મોઢું વિલામણું અને આંખો ભિનાશવાળી ભાસતી હતી.

પોતાની સામે એકીટશે જોઈ રહેલા ધીરજને ઉદેશીને પચાણભાઈ બોલ્યા, “ભઈલા, આ લે તારા ત્રરેણ રૂપિયા... તે દી’ બાકી રહી ગ્યા’તા ને... તને દેવાના..”

“ઓહ..!! યાદ છે તમને એમ... તો પછી મારી મહેનતની કમાણીના પૈસા લઈને તે દી’ ઓચિંતાના.....”

“તે દી’ ની તો યાદ જ ન દેવડાવ ભઈલા...” આંખમાં આવેલા આસુંને ખાળતાં તેઓ બોલ્યા, “તે દી’ મને સમાચાર મલ્યા કે, મારી ઘરવાળી.... અને હું અધવચ્ચેથી ઉતરી ગયો. તે દી’ મારી હમધીયે સુધબુધ હણાઈ ગઈ’તી. આજે ઈ વાતને મહિનો થવા આયવ્યો પણ હજુએ જાણે કાલની વાત હોય એમ મને એની ચિત્તા ભડકે બળતી દેખાય શે. મેં આ નોકરીએ શોડી દીધી ને ગામ પણ.. આ તો હું તારા પૈશા આલવાના રહી ગ્યા’તા એટલે આઠ દી’ થી રોજ ઈંયા આવું શું. મારા વાલાએ મે’ર કરી ને તારો ભેટો આજે કરાવી દીધો નહિંતર તને પૈશા ન આલવાનો વશવશો મને શાંતિથી જીવવાય નો દે’ત...” ગળે બાઝેલા ડૂમાને નીચે ઉતારતા પચાણભાઈ માંડમાંડ બોલી શક્યા અને ધીરજને વિચારાધીન અવસ્થામાં મૂકીને લથડતી ચાલે ચાલવા લાગ્યા.

ધીરજ અવાક્ બનીને પચાણભાઈને સાંભળી રહ્યો. એની હથેળીને સ્પર્શી રહેલા એ રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા જાણે એની જાતને ધિક્કારી રહ્યા હતા. એ મૂક બનીને પચાણભાઈના ઓઝલ થઈ રહેલા પડછાયાને તાકી રહ્યો. થોડીવારે કળ વળતાં એ મનોમન બબડયો.

“હે ભગવાન...!!! મેં કેટલી મોટી ભૂલ કરી પચાણભાને હમજવામાં..?? અને ભૂલ ને કારણે બીજી કેટલીએ ભૂલો ઉપર ભૂલો કરી નાખી મેં.. ધિક્કાર છે મને, મેં તો પે’લા આંધળા ભિખારી સુધ્ધાંને પણ ન છોડ્યો. હે ભગવાન...!! આ શું થઈ ગ્યું મારાથી..?? પચાણભાએ તો મને ક્યારેય છેતર્યો જ નહોતો પણ એમના થકી છેતરાયાના ભાવે મેં કેટકેટલાયને છેતરી નાખ્યા. પચાણભાએ તો પોતાની બાજી સુધારી લીધી પણ હું તો મારી ભૂલોને... મારી કેદીયે માફ ન કરી શકાય એવી ભૂલોને કેદી’યે સુધારી નહિં હકું... આ શું થઈ ગ્યું મારાથી...????” પોતે કરેલી ભૂલોના વસવસામાં ધીરજ કંઈ કેટલીયે વાર સુધી બસ સટેશનના બાંકડે બેસી રહ્યો અને બાંકડાને પોતાના આસુંઓ વડે ભીંજવતો રહ્યો.

********************************** અસ્તુ ****************************************