Ajab Prem Kahani - 4 in Gujarati Love Stories by Hiral Raythatha books and stories PDF | અજબ પ્રેમ કહાની પાર્ટ-૪

Featured Books
Categories
Share

અજબ પ્રેમ કહાની પાર્ટ-૪

અજબ પ્રેમ કહાની

પાર્ટ – ૪

શીતલ રાયઠઠ્ઠા

નીરવને હવે તેનુ ઘર ખાઇ જવા દોડતુ હોય તેવો એહસાસ થતો હતો.જ્યારે તે ઘરે આવે ત્યારે મીરા અને દીપુના સાથ થી તેને જે મજા આવતી હતી તેની ખોટ હવે તેને સાલતી હતી.એક તો મીરા ઘરે હતી નહી અને ઉપરથી કામવાળી બાઇ પણ આવતી ન હતી તેનાથી નીરવ બહુ કંટાળી ગયો હતો.દરરોજ બહારનુ ખાવાથી તેની હેલ્થ પર અસર થતી હતી અને ઘરે તેને રસોઇ બનાવતા આવડતુ ન હતુ તેનાથી તે હેરાન પરેશાન થઇ ગયો હતો. તેને હવે કાશ્મીરા અને દીપુની કમી નો એહસાસ થવા લાગ્યો હતો.તેને હવે પોતાની ભુલ સમજાવા લાગી હતી કે જ્યારે તે અવાર નવાર કાશ્મીરા પર વિના કારણે ગુસ્સે થતો એ બધુ ખોટુ હતુ પણ હજુ તેને દિલમા એક ખુણે આશા હતી કે કાશ્મીરા અને દીપુને જ્યારે તેના ગુસ્સે થવાનુ કારણ સમજાઇ જશે ત્યારે તે ફરી તેની જીંદગીમા પરત આવશે અને મીરા તેને પહેલાની જેમ જ પ્રેમ કરશે.

પોતે તેના કામ પાછળ અને જોબ પાછળ કેમ આટલો બીઝી રહેતો તેનુ કારણ તેણે મીરાને જાણવા દીધુ ન હતુ કેમ કે તે મીરાને સરપ્રાઇઝ આપવા ઇચ્છતો હતો પણ મીરાને સરપ્રાઇઝ આપવામા વાત અહી સુધી આવીને ઉભી રહેશે તેનો તેણે ક્યારેય વિચાર સુધ્ધા કર્યો ન હતો. હવે નીરવે માત્ર તેના ધ્યેય તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનુ નક્કી કર્યુ.એક મહિના બાદ જ તેની એનિવર્સરી આવવાની હતી ત્યારે તે મીરાને સરપ્રાઇઝ આપવા માંગતો હતો અને તેના માટે તેણે દિવસ રાત એક કરી કામ કરવાનુ શરૂ કરી દીધુ.તેને એક ખુણે એ આશા હજુ જીવતી રાખી હતી કે તેનુ સરપ્રાઇઝ જોઇ કાશ્મીરા દોડતી આવી તેને ગળે લગાડી લેશે અને તેને માફ પણ કરી જ દેશે. કાશ્મીરા અને અજય બન્ને કોલેજકાળમા ક્લોઝ ફ્રેન્ડ હતા.બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી.કાશ્મીરાના પપ્પાએ અજયને કાશ્મીરા સાથે બધુ બન્યાની જાણ કરી અને સાથે સાથે કાશ્મીરાને આ દુઃખમાંથી બહાર નીકળવા મદદરૂપ બનવા કહ્યુ.અજયે પણ કાશ્મીરાના પપ્પાને દિલાસો આપતા કહ્યુ કે તે કાશ્મીરાને જરૂરથી હેલ્પ કરશે. હવે અજય એકાંતરે બે દિવસે કાશ્મીરાને મળવા તેના ઘરે આવતો.એક દિવસ રવિવારે અજયે કાશ્મીરાને જરા બહાર ફરવા આવવાનો આગ્રહ કર્યો.પહેલા તો કાશ્મીરાએ ના કહી પણ અજયની જીદના કારણે છેલ્લે તે તેની સાથે જવા રેડી થઇ.બન્ને જણા દીપુને લઇને ગાર્ડનમા ગયા.દીપુ પણ તે દિવસે ગાર્ડનમા ફરવા આવતા ખુબ ખુશ દેખાતો હતો.ગાર્ડનમા ફર્યા બાદ અજયના આગ્રહવશ બન્ને સાથે ડિનર કરવા ત્યાની ફેમસ “હોટેલ આશિયાના” મા ગયા. નીરવ પણ ઘણા સમયથી ટિફિનનુ જમીને કંટાળ્યો હતો આથી તે દિવસે તે પણ “હોટેલ આશિયાના”માં ડિનર માટે પહોંચ્યો.ત્યાં જતા જ તેની નજર દીપુ પર પડી.દીપુને જોતા જ તે ભાવુક બની ગયો અને તે દીપુને મળવા અને કાશ્મીરા સાથે વાત કરવા જતો જ હતો ત્યાં તેની નજર કાશ્મીરાની બાજુમા બેઠેલા અજય પર પડી.કાશ્મીરાને અજય સાથે બેઠેલી જોઇ તેના તો હોંશ ઉડી ગયા.તેને બહુ દુઃખ પણ થયુ અને કાશ્મીરા પર ગુસ્સો ચડી ગયો.તે ત્યાંથી જમ્યા વિના જ ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તામા તેને અજય અને કાશ્મીરા બન્ને સાથે બાજુમા બેસી હાસ્ય સાથે વાતો કરી રહ્યા હતા,તે જ દ્રશ્ય દેખાઇ રહ્યુ હતુ.તે કાશ્મીરાને કેટલો પ્રેમ કરતો હતો અને ફક્ત હજુ તો મીરાને ગયે ૧૫ દિવસ પણ થયા નહી અને તે આ રીતે પરપુરૂષ સાથે હોટેલમા બેસી મજાક મસ્તી કરતી હતી તે જોઇ નીરવ અંદરથી ભાંગી પડ્યો.આખી રાત તેને ઉંઘ ન આવી.બેડ પર આમથી તેમ પડખા ફેરવતા તેણે રાત્રી પસાર કરી.તેની છેલ્લી આશા કે કાશ્મીરા તેને મળનારા સરપ્રાઇઝ જોઇ પોતાની પાસે દોડી આવશે અને માંફી માંગશે તે પણ ખોટી પડતી જણાવા લાગી.

કાશ્મીરા હવે ધીમે ધીમે બધુ ભુલી રહી હતી.તેને પોતાને હવે પોતાની લાઇફ એન્જોય કરવી ગમતી હતી.લગ્ન બાદ તેની લાઇફ માત્ર નીરવમા જ રહેલી હતી.તેણે હંમેશા નીરવને ખુશ રાખવામા જ પોતાની ખુશી માની હતી પરંતુ હવે તે પોતાની લાઇફ પોતાની રીતે જીવી રહી હતી.મિત્રો સાથે ક્લબમા જવુ,પોતાના ઘરે કીટ્ટી પાર્ટી યોજવી,દીપુને લઇ ફરવા જવુ જેવા કાર્યોમા તેને હવે મજા આવવા લાગી હતી.તેને હવે સમજાવા લાગ્યુ હતુ કે તેણે નીરવ સાથે આટલો સમય તેની ખુશી માટે પોતાની ખુશી ભુલી ગઇ તે ખરેખર ખોટુ જ કર્યુ હતુ. એક દિવસ અજય અને કાશ્મીરા બન્ને ગાર્ડનમા બેઠા હતા ત્યારે અજયે હિંમત કરી કાશ્મીરાને કહ્યુ ,”કાશ્મીરા તું ક્યાં સુધી તારો અને નીરવનો સબંધ આ રીતે રાખશે?તારી પણ એક અલગ લાઇફ છે.તુ આ રીતે તારી અને દીપુ તથા નીરવ ત્રણેયની જીંદગી બરબાદ કરે છે.તારે આ બાબતે કોઇ યોગ્ય નિર્ણય લેવો જ પડશે.તું એક કામ કર કે તું નીરવને માફ કરી દે અને તેની લાઇફમા ફરી પહેલાની માફક જતી રહે અથવા તારા અને નીરવના સબંધને પુર્ણવિરામ આપી દે.કાશ્મીરા તું મારા આ સુજાવથી હેરાન ન થઇ જા પણ મારુ માનવુ છે કે આ રીતે તારા અને નીરવના સબંધને લાંબો સમય ખેંચવો એ મારા મતે યોગ્ય નથી. કાશ્મીરા શુન્ય બની આ બધુ સાંભળતી રહે.એ સમયે તો તે કાંઇ બોલી ન શકી.તે પણ મુંઝવણમા મુકાઇ ગઇ કે હવે શું કરવું?તેને તો એમ હતુ કે નીરવ તેને મનાવવા આવશે તો તે માની જશે અને તેની સાથે જતી રહેશે પણ આટ્લો એક માસ જેટલો સમય વિતવા આવ્યો પણ એક વખત પણ નીરવ મનાવવા પણ ન આવ્યો કે ન તેનો કૉલ આવ્યો. કાશ્મીરાએ રાત્રે અજયની વાત પર ખુબ વિચાર્યુ. તેની વાત પર આત્મચિંતન કર્યુ.તેને થયુ કે નીરવ અને તેના સબંધનો અંત લઇ આવવો એ જ યોગ્ય રહેશે.કેમ કે નીરવને જ કદાચ આ સબંધ રાખવો યોગ્ય લાગતો નહી હોય તેથી જ તે એક વાર પણ મળવા આવ્યો નથી. બીજે દિવસે સવારે તે દીપુને તેના મમ્મી પપ્પા પાસે મુકી જરા કામ છે તેવુ બહાનુ કરી બહાર જતી રહી.તે નીરવના મિત્ર અને વ્યવસાયે વકીલ તેવા નયન દેસાઇને મળી અને તેણે ડાઇવૉર્સના પેપર્સ તૈયાર કરવા વકીલ નયન દેસાઇને કહ્યુ.નયનભાઇ પણ બન્નેને જાણતા હતા અને ઘણી વખત નીરવના ઘરે પણ આવી ચુક્યા હતા.તેઓ પણ આ વાત જાણી બહુ હેરાન થયા.

તેમણે કાશ્મીરાને સમજાવવા પ્રયત્ન કર્યો પણ કાશ્મીરા એક ની બે થવા તૈયાર જ ન હતી.તેણે પોતાનો અંતિમ નિર્ણય જણાવી દીધો કે તે નીરવ સાથે રહેવા ઇચ્છતી નથી.નયનભાઇએ પણ હાર માની તેને બે દિવસ બાદ આવી જવા કહ્યુ. કાશ્મીરાના ગયા બાદ તરત જ નયનભાઇએ નીરવને ફોન જોડ્યો અને તેને મળવા આવવા કહ્યુ.તે સમયે નીરવ કામમા વ્યસ્ત હોવાના કારણે રાત્રે બન્નેએ સાથે ડિનર લેતા મીટીંગ કરવાનુ નક્કી કર્યુ.રાત્રે બન્ને આલીશાન “હોટેલ આશિયાના મા જ ગયા.નીરવને અગાઉ કાશ્મીરા અને અજય સાથે હતા તે યાદ આવી ગયુ પણ હાલ તે કાંઇ પણ વિચાર્યા વિના અંદર જતો રહ્યો. નીરવે ડિનર માટે ઓર્ડર આપ્યો અને બાદમા નયનભાઇએ તેને બધી વાત જણાવી અને કહ્યુ કે “તુ જે કરે છે તે ખોટુ છે.તારા અને કાશ્મીરા વચ્ચે તુ તારો ઇગો લઇ આવે છે તે યોગ્ય નથી.તમારા બન્નેનો સબંધ અંત પર આવી પહોચ્યો છે અને હજુ તુ તારા ઇગોને પકડીને બેઠો છે તે ગેરવાજબી છે.એક કામ કર તુ કાશ્મીરાને મનાવી લે.”

અજયને માનવામા ન આવે તેવી વાત અચાનક નયનભાઇએ કરી દીધી.તેણે ક્યારેય આ રીતે વિચાર્યુ ન હતુ.તેણે તો મીરા માટે ભવ્ય સરપ્રાઇઝ પ્લાન કરી રાખી હતી કે એક વીક બાદ તેની એનિવર્સરી આવ્યે તે મીરા પાસે સામે ચાલી જશે અને તેની માંફી માંગશે અને તેને ફરી પોતાની લાઇફમા પહેલાની જેમ જ લઇ આવશે પણ તેની ઇચ્છા મુજબ તો કાંઇ થયુ નહી.હજુ તો એનિવર્સરીને એક વીકની વાર હતી અને કાશ્મીરાએ તેને ડાઇવોર્સ આપવા સુધી વિચારી લીધુ. હવે શું કરવુ તે વિચારે નીરવ ચડી ગયો.જેમ તેમ કરીને મને-કમને તેણે ડિનર પતાવ્યુ.નયનભાઇ તો ડિનર બાદ જતા રહ્યા પણ નીરવ વિચાર કરતો રહ્યો.અંતે તે એ નિર્ણય પર આવ્યો કે ભલે મીરા તેને ડાઇવોર્સ આપી દે પણ તે તો હજુ પણ તેને પહેલાની જેમ જ ચાહે છે અને ચાહતો પણ રહેશે જ.માટે તેણે તો હજુ વાત આટલે સુધી પહોંચી ગઇ છતા પણ તેની લગ્નની એનિવર્સરીની પાર્ટી માટે તૈયારી ચાલુ રાખી. બે દિવસ બાદ નયનભાઇએ કાશ્મીરાને બોલાવી અને સમજાવવા પ્રયત્ન કર્યો પણ જ્યારે તે માની નહી ત્યારે નયનભાઇએ તેને ડાઇવોર્સ પેપર આપ્યા.કાશ્મીરાએ કોઇ પણ જાતના ડર કે દુઃખ વિના તે પેપર્સ પર સાઇન કરી દીધી અને કહ્યુ કે નયનભાઇ હવે નીરવને જલ્દી આ પેપર્સ મોકલો અને મને આ બંધનમાંથી આઝાદી અપાવો.હવે હું પણ આઝાદી ઇચ્છુ છું અને નીરવને પણ આઝાદ કરવા માંગુ છું.આટલુ કહી તે તો જતી રહી. નયનભાઇએ નીરવને કૉલ જોડ્યો અને ઓફિસ બોલાવ્યો.નીરવ ઓફિસ આવતા જ નયનભાઇએ તેને ડાઇવોર્સ પેપર્સ આપ્યા.અને હજુ એક વખત નયનભાઇએ નીરવને કાશ્મીરા સાથે મળવા અને બન્ને વચ્ચે રહેલી ગેરસમજણને દુર કરવા કહ્યુ.પણ નીરવની તો હાલત જ ખરાબ હતી.તે પોતાના હોંશમા ન હતો.તે પોતે મુક બની અને ડાઇવોર્સ પેપર્સ લઇ જતો રહ્યો.નયનભાઇએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે તો જતો જ રહ્યો.મોડી રાત સુધી તે બધુ વિચાર કરતો રહ્યો.તેની હાલત પાગલ જેવી થઇ ગઇ હોય તેમ તેને એહસાસ થવા લાગ્યો. બીજે દિવસે સવારે ૧૦ વાગ્યે તે ડાઇવોર્સ પેપર્સ લઇ નયનભાઇની ઓફિસે આવ્યો.તેણે ત્યાં જ નયનભાઇની સામે પેપર્સ પર પોતાની સાઇન કરી દીધી અને પેપર્સ નયનભાઇને આપતા જ તેની આંખમાંથી આંસુ સરી પડ્યા.નયનભાઇએ તેને હિંમત આપી અને પોતાની જાતને સંભાળવા કહ્યુ.તેણે નીરવને કહ્યુ કે થોડી લીગલ કાર્યવાહી પુરી થયે તમે બન્ને એકબીજાથી હંમેશાને માટે અલગ થઇ જશો.આઇ એમ સોરી દોસ્ત કે તારી સાથે આ દુઃખદ ઘટના બની ગઇ પણ હવે કન્ટ્રોલ યોરસેલ્ફ.એમ કહી તે જરા બહાર નીકળ્યા. નયનભાઇના બહાર નીકળતા જ નીરવ પોતાનો સેલ્ફ કન્ટ્રોલ ગુમાવી બેઠો અને આજે નીરવના રૂપમા એક પતિ,એક પિતા અને એક પ્રેમી બધી રીતે તેની હાર થઇ હોય તેવો એહસાસ થતા તે રડી પડ્યો.તેને એ પણ ભાન ન રહ્યુ કે હાલ તે વકીલની ઓફિસમા છે.તે રડતો હતો ત્યાં પાછળથી ઓચિંતા જ કોઇ તેની પીઠ પર હાથ પસવાર્યો.નીરવે જોયુ તો દીપુ તેનો સન હતો.તેને જોઇને તે હતપ્રભ બની તેને ગળે લગાડી રડી પડ્યો.દીપુ પણ ઘણા સમયથી પપ્પાને મળ્યો ન હોઇ તે પણ તેને ભેટી પડ્યો અને બન્ને પિતાપુત્ર એકબીજાને ગળે લગાડી પ્રેમ કરતા રહ્યા. “નીરવ,કેવુ અઘરૂ લાગે જ્યારે તમને કોઇ ઇગ્નોર કરે છે ત્યારે?કોઇ તમારુ પોતાનુ તમને નાની નાની વાતમા ગુસ્સો કરે અને તમારી ફીલીન્ગ્સને કોઇ કીડી કે મકૉડાને દાબી દે તે રીતે મીટાવી દે ત્યારે કેવુ ફીલ થાય છે નીરવ?આજે તને માત્ર તને આટલા દિવસમા જ અઘરૂ લાગી ગયુ,જ્યારે આવુ તો હું છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સહન કરતી આવતી હતી અને તું તો બસ આટલા દિવસોમાં થાકી ગયો?હું તો એમ સમજતી હતી કે તું બહુ બહાદુર છે.મારા ગયા પછી તે મને એક વાર પણ મનાવવાની કોશિષ ન કરી ત્યારે મને એમ હતુ કે મારા જવાથી તને તારી લાઇફમા કોઇ ફર્ક પડ્યો નથી.તો પછી આજે તારી આંખમા આંસુ કઇ રીતે આવ્યા? નીરવ બસ કાશ્મીરાને જોતો રહ્યો.તે બોલતી ગઇ અને નીરવ સાંભળતો રહ્યો.તેને આજે એ ફીલ થયુ કે ભલે આજે કાશ્મીરા બોલતી અને તે તેને સાંભળે રાખે.તે કાશ્મીરાની નજીક ગયો અને તેનો હાથ પકડી તેની માંફી માંગી અને કહ્યુ , “મીરા તને હર્ટ કરવાની મારી કોઇ ગણતરી ન હતી.હું તો બસ તને ખુશ રાખવા ઇચ્છતો હતો અને આપણી આ એનિવર્સરી પર તને એક મોટી સરપ્રાઇઝ આપવા ઇચ્છતો હતો બસ તેના માટે આટલી ભાગ દોડ અને કામના ટેન્શનમા હોવાથી ઘણી વખત તને મારાથી ખીજાઇ જવાતુ અને ગુસ્સે થઇ જવાતુ હતુ.

“નીરવ તુ મને મોટો મહેલ ગિફ્ટમા ન આપે તો મને ચાલી જાત.મે તને ઘણી વખત સમજાવવાની કોશિષ કરી હતી કે મારે મન તુ અને તારો પ્રેમ જ મહત્વના છે,બાકી ઐશ આરામ અને પૈસો મારા માટે ગૌણ છે.તારા પ્રેમના સહારે તો હું આખી જીંદગી નાના ફ્લેટમા પણ ગુજારી શકુ તેમ છું,તો પછી શું કામ તે સુરતના હાઇ-ફાઇ વિસ્તારમા મારા નામે બંગલો બનાવ્યો??? નીરવ આ જાણી સ્તબ્ધ બની ગયો કે કાશ્મીરાને તો તેના સરપ્રાઇઝની પહેલેથી જ ખબર છે કે તે એનિવર્સરી પર તેને બંગલો ગિફ્ટ કરવાનો છે. “ડિયર આ બધુ તને કઇ રીતે ખબર પડી?હું તને આ સરપ્રાઇઝ આપી ખુશ કરવા ઇચ્છતો હતો અને તારી આંખોમા મારા પ્રત્યે પ્રેમ અને લાગણીની દોડતી લહેર જોવા ઇચ્છતો હતો અને આ બધુ તો તને પહેલેથી જ ખબર છે?અને ખબર તો છે છતા પણ તે મને ડાઇવોર્સ આપવાનુ નક્કી કરી લીધુ અને આ પેપર્સ તે મને મોકલાવ્યા? “હા મને બધી ખબર પડી કે જ્યારે મારી મુલાકાત આપણા પ્રોપર્ટીની તમામ ભાગદોડ સંભાળતા રાકેશભાઇ સાથે થઇ.તેણે મને કહ્યુ કે તે આ મૉટો બંગલો ખરીદ્યો છે અને હાલ તું તેના ફર્નિચર અને ઇન્ટીરીયર ડેકોરેશના બીઝી છે અને તેમણે મને એ પણ કહ્યુ કે એ આપણી લગ્નની તારીખે જ તેના પેપર્સ બનાવી મને ગિફ્ટ કરવા માંગે છે.તે દિવસે મને બધી ખબર પડી કે તું શા માટે આટલી ચિંતા અને ટેન્શનમા છે.તારી સાથે કામ કરતા કલીગ્સ સાથે પણ મે પછી મુલાકાત કરી અને બધી વાત જાણી ત્યારે મને બધી વાત સમજાઇ ગઇ.હું તે જ દિવસે દોડીને તારી પાસે આવવા ઇચ્છતી હતી પણ હું ન આવી કારણ કે મારે તને સમજાવવુ હતુ કે મારે મન પૈસો કે મોટૉ આલીશાન મહેલ મહત્વનો નથી,મારે મન તો બસ તારો પ્રેમ અને આપણા જીવનમા શાંતિ એ બે જ વસ્તુનુ મહત્વ છે.એટલે જ મે આ બધો પ્લાન કર્યો,જેમા અજય અને મિસ્ટર દેસાઇએ મારો સાથ આપ્યો અને આજે તને બધી સાચી વાતની સમજ પડી.હવે તું સમજ્યો કે આ ડાઇવોર્સ એ માત્ર તારી અક્કલ ઠેકાણે લાવવાનો એક નુસ્ખો હતો બાકી તારી મીરા તને છોડીને ક્યાંય જવાની નથી મારા બુધ્ધુ નીરવ.

કાશ્મીરાએ નીરવની આંખમાંથી આંસુ પોંછ્યા અને તેને ભેટી પડી.નીરવ પણ તેને ભેટી પડ્યો અને બન્ને રડી પડ્યા.નાનો દીપુ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા બન્ને વચ્ચે આવી તેના મમ્મી પપ્પાને ભેટી પડ્યો.બન્ને ખુશખુશાલ થઇ ગયા.કાશ્મીરાના મમ્મી પપ્પા પણ ત્યાં આવી ચુક્યા હતા.કાશ્મીરાએ તેની માંફી માંગી અને બન્ને તેના મમ્મી પપ્પાના આશિર્વાદ લઇ પોતાના ઘરે જવા રવાના થયા. નીરવને પોતાની ભુલ સમજાઇ જતા બન્નેએ લગ્ન એનિવર્સરી સાદાઇથી મનાવી ગરીબ બાળકોને અન્નદાન અને વસ્ત્રદાન કર્યુ અને વૃધ્ધાશ્રમ જઇ નિરાધાર માતા-પિતા સાથે સમય વ્યતિત કર્યો અને સાચી ખુશી બન્નેએ મેળવી..