Ankhona Mrugjal in Gujarati Short Stories by Neha Raval books and stories PDF | આંખોના મૃગજળ

Featured Books
Categories
Share

આંખોના મૃગજળ

................................ આંખો ના મૃગજળ ......................

દરિયો! પળે પળે બદલાતો છતાં ત્યાં નો ત્યાજ ..., કયારેક ભરતી, ક્યારેક ઓટ! તો પણ કાયમી કિનારો તો ખરો જ ! હરેક પળે નવી લહેરો ઉઠતી અને વિખરાતી ...છતાં પાણીતો એનું એજ ! દરિયા જેટલી વિશાળતા અને ઊંડાણ બીજે ક્યાં હશે? એના ઊંડાણમાં પણ કેટલા રહસ્યો હશે? વિશાલની આંખોની જેમ ! ઉફ્ફ , ફરી પાછી વિચાર શ્રુંખલા ત્યાં જ આવીને અટકી ,અને પૂર્વાના ચહેરા પર સહજ સ્મિત આવી ગયું .

વિશાલ – આ એક નામમાં જ એની દુનિયા સમાઈ જતી . જ્યારે પણ પૂર્વા વિશાલની સાથે દરિયા કિનારે આવતી ત્યારે હમેશા એને કહેતી.....”દરિયા કિનારે આવી ને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કોનામાં ખોવાઈ જાઉં? તારી આંખોના ઊંડાણમાં કે આ દરિયામાં?” અને વિશાલ હમેશાની જેમ હસીને એના ગાલ પર ટપલી મારીને કહેતો, ”જ્યાં પણ ખોવાવ ને, મેડમ .....પાછા તો અહી મારી પાસે જ આવવાનું છે ! સમજી ને ....!” અને પૂર્વા ફરી પાછી એની ભૂખરી રમતિયાળ આંખોમાં થોડી વાર તાકી રહેતી અને પછી એમાં પોતાનો ચહેરો જોઈ નજર ઢાળી દેતી.

પૂર્વા અને વિશાલ ઘણી વાર આજ કિનારે આથમતો સૂર્ય જોવા આવતા. શહેરથી થોડે દુર આવેલો આ દરિયા કિનારો રજાના દિવસો સિવાય ખાસ ભીડ-ભાડ વાળો ના રહેતો. એટલેજ વિશાલને ખુબ ગમતો. એ હમેશા કહેતો.... “હું તને એવી જગ્યા એ લઇ જવું પસંદ કરું જ્યાં મારા સિવાય તું બીજું કઈ જ ન જોઈ શકે ! ખુદ ને પણ નહિ.” અને પૂર્વા કહેતી, “ તો તો તારે તારી આંખો પણ બંધ કરી દેવી પડશે કારણ કે જયારે પણ હું એમાં જોઇશ , હું ખુદ ને તો જોઈ જ લઈશ.” પૂર્વા ને દરિયા કિનારે બેસીને દરિયાને જોયા કરવું ખુબ જ ગમતું .દરિયાના ઉછળતા મોજાનો અવાજ , ભીની રેતીમાં પડતા પગલા , દરિયાની ખારી હવા , કિનારાના નારીયેળીના ઝાડ અને..........બધું જ ! દરિયા વિષે બધું જ પૂર્વાને ખુબ જ ગમતું. અને કિનારે બેસી કલાકો સુધી દરિયાને નિહાળ્યા કરવો, એમાં ખોવાઈ જવું એને અજબ ખુશી આપતું હતું .વિશાલ આ વાત સારી રીતે જાણતો હતો. તેથી જ તો ......એ અને પૂર્વા બીજે કશે જવા કરતા આ દરિયા કિનારે જવું ખુબ પસંદ કરતા.

પૂર્વાને ઘણીવાર નવાઈ લાગતી . હંમેશા મસ્તી કરતો, હસતો હસાવતો વિશાલ પોતાના દરિયા સાથેના મૌનને કઈ રીતે માણી શકતો હશે? પૂર્વા દરિયા કિનારે આવીને એવી ખોવાઈ જતી કે એની સાથે વિશાલ છે, એ પણ વિશાલે યાદ કરાવવું પડતું .અને છતાય પૂર્વાના આ ખોવાઈ જવાપણાને માણવા માટે વિશાલ આ દરિયા કિનારે પૂર્વા સાથે ઘણી વાર આવતો. બંન્ને કલાકો સુધી એક બીજાનો હાથ પકડી બેસી રહેતા ....ચાલતા ....ટહેલતા અને દરિયો માણતા. વિશેષ તો પૂર્વા સાંભળતી અને વિશાલ બોલતો. ક્યારેક પૂર્વાને ચીડવવા માટે વિશાલ કહેતો, “ મને તો આ દરિયાની ઈર્ષ્યા આવે છે. તું જેટલો એને જુએ છે , એનામાં ખોવાય છે એવું તો મને પણ નથી જોતી..!” અને પૂર્વા એના સમગ્ર વ્યક્તિત્વ થી હસી ઉઠતી. વિશાલની મીઠી ટકોરના જવાબમાં એની આંખમાં જોઈ એક સ્મિત આપતી અને વિશાલ........એની સાચી ખોટી ફરિયાદો સમેત પીગળી જતો. હાર સ્વીકારી લેતો ...જાણે કહેતો હોય...પૂર્વા , તું આમ જોઈશને તો હું બધુ જ હારી જઈશ , તારી આ સ્મિત ભરી નજર પર...

વિશાલ અને પૂર્વા , મિત્રતા ઉમરના એવા વળાંક પર આવી જયારે લાઈફ પાર્ટનર વિષે વિચારવાની જરૂર પડે. અને એ બંને પાસે બીજું કશું હતું જ નહિ -એક બીજા સિવાય..કે જે તેઓ વિચારી શકે. અભ્યાસ અર્થે આ શહેરમાં આવેલો વિશાલ પૂર્વાની જ સોસાઈટી માં ચાર વર્ષ રહ્યો. એ જ કોલેજ માં સાથે ભણતી પૂર્વા , મિત્રોનો સાથ અને પૂર્વાના પરિવારની હુંફમાં વિશાલને પોતાના પરિવાર ......પોતાના પિતાની કમી ખુબ ઓછી અનુભવાતી. પૂર્વા નો સહજ અને સરળ સ્વભાવ.....અને વિશાલ નો અલ્લડ મિજાજ અને મસ્તીખોરપણું --------જાણે એક બીજા માં ભળી બંનેને સંપૂર્ણ બનાવતું હતું, પૂર્વાના માતા પિતા પણ આ સંબંધ ને મુક સંમતિ આપી રહ્યા હતા.

વિશાલ ---ફરી એક વાર પૂર્વાના મનમાં આ નામ નો પડઘો પડ્યો અને એ ઉઠી. ઘર તરફ પાછા પડતા પગલામાં માત્ર પોતાનાજ પગલાની છાપ જોઈ એને અચાનક એકલતા ઘેરી વળી. વિશાલની ગેરહાજરીએ તીવ્રતાથી એના મનનો કબજો લઇ લીધો. એને ક્યાં કોઈ ફરિયાદ હતી ...વિશાલ સામે? એને તો માત્ર જવાબ જોઈતો હતો , કે શા માટે? શા માટે વિશાલ આજે એનાથી દુર છે? પણ પૂર્વાને પ્રશ્નો પૂછવાની આદત જ નથી. અરે....ક્યારેય મોડા પડવાનું કારણ પણ નથી પૂછ્યું પૂર્વા એ તો! ...પણ વિશાલને પણ તો આદત હતી.....વગર પૂછ્યે બધું કહી દેવાની! નાનામાં નાની વાત એ પૂર્વાને કહી દેતો. એ ભલે બાઈક માં પાડેલા પંક્ચરની હોય કે પછી શેવિંગ ક્રીમ ખલાસ થઇ જતા સાબુ ઘસી ને કરેલી દાઢી ની હોય.! અને પાછો પૂર્વાનો હાથ પોતાના ચહેરા પર ફેરવી પૂછતો પણ ખરો.., “જરા જો ને, સાબુ થી કરેલી દાઢી તને વાગે એવી તો નથી ને..!” અને એના ખડખડાટ હાસ્યમાં પૂર્વા ખોવાઈ જતી. આટલું બધું બોલવાવાળો .....કહેવાવાળો આમ અચાનક જતો રહે...? ઓહ વિશાલ...આમ કેમ કર્યું? પૂર્વાના આંસુ પૂછી રહ્યા ......પણ જવાબ ક્યાં? પૂર્વાને યાદ આવી ગયો એ અકસ્માત, જયારે એણે વિશાલને છેલ્લી વાર જોયો હતો , સ્પર્શ કર્યો હતો, અનુભવ્યો હતો. અને જ્યારે એ ભાનમાં આવી ત્યારે એને ખબર પડી હતી કે વિશાલ હવે એની પાસે ,એની સાથે ન હતો. વિશાલ ક્યાં છે? એ વિષે બીજા કોઈએ પણ ક્યાં એને સંતોષ થાય એવો જવાબ આપ્યો હતો? પૂર્વાના માતા પિતા, પૂર્વા અને વિશાલના મિત્રો , ....અરે હોસ્પિટલના ડોકટરો પણ એકજ વાત કરી રહ્યા હતા. “તું એક વાર ઠીક થઈ જા. બરાબર જોતી થઇ જા પછી વાત.” એ અકસ્માત માં થયેલી ગંભીર ઈજાને કારણે પૂર્વાની આંખોનું તેજ જતું રહ્યું હતું. ડોકટરોના પ્રયત્નો થી થોડાજ દિવસ માં પૂર્વા ફરી પાછી બધું જોઈ શકાતી હતી. પરંતુ જયારે એ અંધાર અવસ્થામાં પૂર્વા એ જે ક્ષણો વિતાવી ત્યારે એક જ વાતનો આઘાત એને રહી રહી ને થતો હતો...કે હવે એ વિશાલ ને ક્યારેય જોઈ નહિ શકે. પણ એને ક્યાં ખબર હતી કે ઠીક થઇ ગયા પછી પણ એની નજર વિશાલ ને જોવા તરસ્યા કરશે! એ આખી દુનિયાને જોઈ શકતી પરંતુ વિશાલ....એને ક્યાય ના દેખાતો.

વિશાલ માટેની પૃચ્છામાં સૌ તરફ થીપૂર્વાને એક સરખો જ જવાબ સંભળાતો......ગંભીર અકસ્માતમાં વિશાલ એને ત્યાજ ઘાયલ અવસ્થામાં મૂકીને ભાગી ગયો. શું આ શક્ય હતું? પૂર્વાનું મન આક્રંદ કરી ઉઠતું ...ના....મારો વિશાલ ક્યારેય એવું ન કરે. અરે , એ તો હમેશા કહેતો , “પૂર્વા , મને કઈ થઇ જશે એની ફિકર મને ક્યારેય નથી થતી, પણ એવું કઈ થઈ ગયું તો તું કેમ ની જીવી શકીશ.?” અને પછી ખડખડાટ હસીને બીજો જવાબ પણ એજ આપી દેતો ., “પણ તારે એવી ચિંતા કરવાની જરૂર નથી.આ બંદા માટે એક નહિ તો બીજી ........મળી જ જવાની છે ....” પૂર્વા મનમાં જ આ બધી વાતો ફરી ફરીને યાદ કરી, હજારો વખત એ સમય જીવી લેતી જયારે બંને સાથે હતા. એની દરેકે દરેક વાતમાંથી એ કૈક એવું શોધવા પ્રયત્ન કરતી જે એને વિશાલ સુધી પહોંચાડી શકે. શું એક અકસ્માત કારણ હોઈ શકે? કે વિશાલ એનાથી આમ દુર થઈ જાય? હા, એ અકસ્માતમાં સામેના વાહનસવારને પણ ગંભીર ઈજા થઇ હશે, કદાચ.....કોઈ નો જીવ પણ ગયો હોઈ શકે? પૂર્વા ના માતા પિતા અને મિત્રો બધા નું એવુજ કહેવું હતું ને ! સામેના વાહન ચાલકનું સ્થળ પર મૃત્યુ જોઈ વિશાલ ત્યાંથી ભાગી ગયો હતો. એમના સૌના કહેવા મુજબ તો પૂર્વાને પણ આસપાસના લોકો એ જ હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ કોઈ પણ એને વિશાલ વિષે કેમ કઈ કહેતા ના હતા? શક્ય છે કે વિશાલ પણ ઘાયલ થયો હોય? તો એની સાથે હોસ્પિટલમાં કેમ ના દેખાયો? જયારે આંખોમાં અંધારા અંજાઈ ગયા હતા ત્યારે પૂર્વા વિશાલના અવાજની એક માત્ર રોશની મેળવવા છટપટતી રહી હતી. થોડા દિવસો તો પૂર્વા એ એમજ વિશાલની રાહ જોવામાં વિતાવી દીધા. વિશાલનો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વમાં નથી’નો એકનો એક મેસેજ સંભળાવ્યા કરતો હતો.પૂર્વા એના રૂમ પર પણ આંટો મારી આવતી. એના સ્ટડી ટેબલ અને કબાટમાં ગોઠવેલા પુસ્તકો સિવાય બીજું કઈ જ ના મળ્યું. એના કોઈ કપડા ...કોઈ સામાન ...કોઈ નિશાની કઈ જ નહિ. અરે...થોડા જ દીવસો પહેલા વિશાલ નામનું વાવાઝોડું આ રૂમમાં રહેતું હશે એવો કોઈ જ અણસાર પણ નહિ. એના પાપાનો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વ માં નથી’ નો મેસેજ સંભળાવી રહ્યો. પૂર્વાના આગ્રહને માન આપીને એના પપ્પા વિશાલના પપ્પા જ્યાં રહેતા હતા એ ઘરે પણ જઈ આવ્યા. પરંતુ ત્યાં ન તો વિશાલની કોઈ ભાળ મળી ,ન એના પપ્પા! પાસ પડોશના લોકો ને મળીને માત્ર એટલી જ જાણકારી મેળવી શક્યા કે, અચાનક જ એના પપ્પા આ ઘર છોડીને બીજે ક્યાંક જતા રહ્યા છે. એ નવા ઘર વિષે પણ કોઈ ખબર ન મળી શકી. પૂર્વા એના મિત્રો ને પૂછી પૂછીને પણ થાકી ગઈ. સૌના મોઢે એકજ વાત હતી, “ પૂર્વા , જે તને મરવા માટે રસ્તા પર મૂકીને ભાગી ગયો એને ભૂલી જા.” કહેનાર માટે તો કેટલું સહેલું હતું. ‘ભૂલી જા’ કહેવું. ખરેખર તો એ બંનેના મિત્રો પણ પૂર્વા અને વિશાલના પ્રેમના સાક્ષી હતા., છતાં વિશાલ વિષે પૂર્વાના પ્રશ્નોના જવાબમાં સૌ નજર ઢાળી દેતા અને પૂર્વાને એકજ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતા , ભૂલી જા વિશાલ ને!

“પણ કેવી રીતે?”...... પૂર્વાના આ એક પ્રશ્નની સામે સૌ હારી જતા.

પૂર્વાને યાદ આવું ગયું જયારે સૌ મિત્રો સાથે એક વાર આ દરિયા કિનારે આવ્યા હતા. રજાનો દિવસ ના હોવાથી ઓછી ચહલ પહલ હતી. અને સૌ આંધળી ખિસકોલી રમ્યા હતા. વિશાલ પૂર્વાના હાથે જ જાણી જોઈ ને પકડાઈ જતો અને હસીને સ્વીકારી પણ લેતો કે એ બહાને મને સ્પર્શ તો કરે છે ! બધા મિત્રો ખુબ મજાક ઉડાવતા , પણ વિશાલને પૂર્વાનો એ સંકોચ પણ પૂર્વા જેટલોજ પસંદ હતો. છેલ્લી વાર જયારે પૂર્વાનો દાવ આવ્યો ત્યારે .....વિશાલ તો શું..કોઈ જ એની આસપાસ ન હતા એવું પૂર્વા ને લાગ્યું. કોઈ અવાજ નહિ, કોઈ ધમાલ મસ્તી નહિ ....અને થોડીક જ પળો માં પૂર્વા એ આંખનો પાટો ખોલી કાઢ્યો અને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. સૌ એ સાથે મળી ને નક્કી કર્યું હતું કે, કોઈ એ પોતાની હાજરી વર્તાવા દેવી નહિ , અને એમજ કર્યું ! પરંતુ એ થોડી ક્ષણોમાં પૂર્વાએ અનુભવેલી એકલતા , કોઈ પાસે ન હોવાનો ડર, ન જોઈ શકવાની શરત ......અને માત્ર થોડી જ પળો માં એ કેવી બેબાકળી થઇ ગઈ હતી. જયારે આજે તો એ બધાને જોઈ શકે છે , સૌ એની આસપાસ છે..પણ એજ નથી ,જેને એ જોવા માંગે છે, ફરી એક વાર પકડી લઇ ઓઉટ કરવા માંગે છે. તે દિવસે તો પૂર્વાની ભીની આંખ જોઈ વિશાલે કાન પકડી ને સોરી કહ્યું હતું. આજે ક્યા છે ..વિશાલ...?તને કઈ જ નહિ કહું , પ્લીઝ ....આજે તો આંખ પર પાટો પણ નથી , છતાં તું મને નથી દેખાતો. પૂર્વાનું મન પોકારી ઉઠતું, પણ કોઈ જવાબ ન મળતો.

એ ગોઝારા અકસ્માત ને બેમહિના થઇ ગયા. આ બે મહિનામાં પૂર્વા વિશાલના દરેક દોસ્તોને પૂછતી, પ્લીઝ..જે પણ ખબર હોય એ મને કહો ! એ કશે જતો રહ્યો છે? બીજી કોઈ તકલીફ છે? પોલીસ કેસથી ડરે છે? મને જણાવો પ્લીઝ..! પણ સૌ નીચી નજરથી એકજ વાત ગોખી રાખેલા જવાબની જેમ બોલતા, ‘વિશાલ અકસ્માત પછી પૂર્વાને ત્યા જ સ્થળ પર ગંભીર હાલતમાં મૂકી ભાગી ગયો.’ આ જવાબ પૂર્વા કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હતી. એનું મન ના કહી રહ્યું હતું. પૂર્વાના માતા પિતા પણ એને આજ સમજાવવાનો પ્રયત્ન કરતા , કે આજ હકીકત છે. પરંતુ મન ક્યાં કોઈ ની દલીલો આગળ ઝુકે છે?

આજે તો પૂર્વા મન મક્કમ કરી ઘર તરફ વળી. બસ! હવે એ જાતે જ જશે , વિશાલના રૂમ પર. એના મિત્રોને શોધશે , કોઈ સંબંધી ....કોઈ સગપણ ..કોઈ તો ભાળ મળશે વિશાલની! અને જો મળી જાય ને તો એ કઈ જ નહિ પૂછશે . ફક્ત વિશાલ છે...એજ એના માટે પુરતું છે. પૂર્વા વિશાલના રૂમ પર ગઈ .એના રૂમની એક ચાવી પૂર્વાના ઘરે અને બીજી મકાન માલિક મમતા આંટી પાસે રહેતી હતી. માયાળુ

અને ઓછાબોલા મમતા આંટી પણ વિશાલને ખુબ સારીરીતે જાણતા હતા, અને વિશાલ અને પૂર્વાના સંબંધને પણ. પૂર્વાએ ચાવી વડે રૂમ ખોલ્યો. એને યાદ આવ્યું ,...એક વાર આમજ રૂમ ખોલતા અચાનક જ અંદરથી વિશાલ આવીને એને વળગી પડ્યો હતો...અને પૂર્વથી ચીસ પડાઈ ગઈ હતી. વિશાલે મસ્તી કરવા જ મમતા આંટીને મનાવીને પોતાને રૂમમાં પૂરી દીધો હતો. પછી પૂર્વાને ફોન કરીને કહ્યું , “મારા સબમીશનની ફાઈલ રૂમમાં રહી ગઈ છે. પ્લીઇ......ઝ....લઇ આવી દે ને.” અને જેવો પૂર્વાએ રૂમ માં પગ મુક્યો .......વિંઝાતા પવનની જેમ વિશાલ આવીને એને વળગી પડ્યો હતો.. “આ..આ..............”પૂર્વની ચીસ સાંભળીને મમતા આંટી પણ આવી ગયા હતા.પછી તો વિશાલને પ્રેમ થી ટોક્યો પણ હતો કે શા માટે આને આમ પજવે છે? અને વિશાલ પાસે જવાબ હાજર જ હતો,”હું પજવીશ નહિ, તો મારી ગેરહાજરી માં એ મારા વિષે શું યાદ કરશે?” અનેએ .. સાચું જ તો કહેતો હતો.

વિશાલ.!....કાશ.......આજે પણ આમ દરવાજો ખોલતા જ એ પોતાને વળગી પડે..અને પોતાની ચીસ સાંભળી મમતા આંટી એને ખીજાવા માટે આવી જાય....! પૂર્વા આવાજ વિચારોમાં રૂમમાં દાખલ થઇ. એના સ્ટડી ટેબલ પર હાથ ફેરવ્યો . એના પુસ્તકો....કબાટ ...અને પલંગ...બધું જ એટલું વ્યવસ્થિત હતું કે જાણે વિશાલ અહી નથી એમ એની ગેરહાજરી પુરાવતું હતું. પૂર્વા થોડીવાર ત્યાજ રોકાઈ , જાણે વિશાલની ગેરહાજરી ને પણ પોતાની નજરમાં ભરી લેવા માંગતી હોય ...પણ વિશાલના પલંગ પર બેસતાજ એનાથી આંસુ ના રોકી શકાયા. એનું મન, આંખો, હૃદય, સમગ્ર અસ્તિત્વ આક્રંદ કરી ઉઠ્યું. દરેકે દરેક નિશાની જાણે કહેતી હતી....વિશાલ હવે અહી નથી .એ તને છોડીને જતો રહ્યો છે. પણ પૂર્વાનું મન આ વાત ક્યાં સ્વીકારતું હતું ? ક્યાં હતો વિશાલ? શું થયું? અરે..જતો રહ્યો તો મને પણ મળ્યા વગર? કેવી રીતે માની લઉં?.....મનમાં ને મનમાં આમ સામ સામી દલીલો કરતી પૂર્વા આંખો થી ભીંજાતી રહી.

હળવેથી એને ખભા પર કોઈના મૃદુલ સ્નેહાળ હાથ નો સ્પર્ષ અનુભવાયો. અને એને પાછળ ફરીને જોયું....મમતા આંટી એની પાછળ જ ઉભા હતા. એમની કમર પર હાથ વીંટાળી પૂર્વા ખુબ રડી. મમતા આંટી પણ એને માથે હાથ ફેરવી એને સ્પર્શ વડે સાંત્વન આપી રહ્યા. “પૂર્વા, રડી લે.આજે બધું જ ખાલી કરીનાખ. તારી આંખો ના દરિયા ને ઠલવાઈ જવા દે” પૂર્વા રડતા રડતા પૂછી રહી... “આંટી, તમેંજ કહો...! શું મારો વિશાલ મને છોડી ને જઈ શકે? મને.....એના અસ્તિત્વના એક હિસ્સાને રોડ પર મરવા માટે મૂકીને ભાગી જઈ શકે? આ બધા મને કઈ જ નથી કહેતા. તમે તો કહો...પ્લીઝ...આંટી..” મમતા આંટી એ પૂર્વા ને રડી લેવા દીધી.એનો ઉભરો શાંત થાય ત્યાં સુધી એના માથે..પીઠ પર હાથ પસવારતા રહ્યા.પછી સાથે લાવેલી બોટલમાંથી પૂર્વાને પાણી પીવડાવ્યું. પૂર્વા કૈક સ્વસ્થ થઇ. ફરી એજ અનુસંધાનમાં એણે મમતા આંટી ને પૂછ્યું ,”આંટી, તમે સાચું કહો, શું આ બધા કહે છે એ શક્ય છે? વિશાલ આમ જતો રહે .......?”

“પૂર્વા, તારું મન શું કહે છે?”

“ક્યારેય નહિ. મારો વિશાલ આવું કયારેય ન કરે જે આ બધા મને જણાવી રહ્યા છે.”

“તો પછી તારા મન ને પણ સમજાવી દે, કે આ બધા જુઠું બોલી રહ્યા છે.”

“તો સાચું શું છે એ મને કહો...પ્લીઝ...”આંસુ ભરેલી તગતગતી આંખે પૂર્વા પૂછી રહી “આંટી , તમે સચ્ચાઈ જાણો છો, પ્લીઝ,,એક વાર મને કહો! ક્યાં છે વિશાલ?”પૂછતા પૂછતા પૂર્વા એ બંને હાથ વડે મમતાઆંટીના ખભા હચમચાવી નાખ્યા.

“બેટા, સચ્ચાઈ તારી કલ્પના કરતા પણ કડવી છે......તું..”

“આંટી પ્લીઝ.....વિશાલ જ્યાં પણ છે , માત્ર એ છે --એજ મારા માટે ઘણું છે. શું એ કોઈ તકલીફ માં છે? શું એ કશે બીજે...ના ના....એવું તો ના હોય ,,,,પ્લીઝ આંટી”....

“પૂર્વા ,” એની આંખના આસુ લૂછતાં મમતાઆંટી કહી રહ્યા. “તું વિશાલની ખુશી ઈચ્છે છે ને !, તો હવે પછી ક્યારેય આ આંખમાં આંસુ ન આવવા દઈશ.” પૂર્વા ડોકું હલાવી હા કહી રહી પણ એની આંખો અવિરત વહેતી હતી .મમતાબેન બોલી રહ્યા હતા, “પૂર્વા ,વિશાલની આંખમા આંસુ હોય એની તું કલ્પના પણ કરી શકેં છે?...તો પછી......લુછી નાખ આ આંસુ ...” પૂર્વા વિસ્ફારિત આંખે મમતાબેનને તાકી રહી.

“હા પૂર્વા,,,આ આંસુ ભલે તારા છે , પણ એનાથી તને વિશાલની આંખો ભીંજવવાનો હક નથી ને..!”

પૂર્વા ખુબ જોરથી મમતાઆંટી ને વળગી પડી . બંને એક બીજાને મૌન થી સાંત્વના આપી રહ્યા.પૂર્વાના ડુસકા શમી ગયા .મમતાઆંટી સાથે પૂર્વા એજ દરિયા કિનારે પાછી ફરી જે દરિયો એ વિશાલની આંખોમાં જોતી હતી ,અને હવે વિશાલની આંખો વડે જોતી હતી.

---------------------------------------------------by -નેહા રાવલ