પ્રકરણ - ૧ (ભાગ - ૨)
નાનકી પશમરગા : સ્વાતંત્ર્ય સેનાની.
પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તી થયે અને વિશાળ ઑટ્ટોમન સામ્રાજ્યના પતન બાદ બ્રિટીશ અને ફ્રેન્ચ લોકોએ મળીને ત્રણ અલગ-અલગ વિસ્તારો મેળવીને આજનો આધુનિક ઈરાક દેશ બનાવ્યો. એમાં પ્રથમ વિસ્તાર હતો - મધ્યનો ચૂના-પથ્થરોનો પથરાળ ઉચ્ચપ્રદેશ, જ્યાં દેશની રાજધાનીનુ શહેર બગદાદ વસેલુ છે. જોકે આજનુ બગદાદ તેના ભુતકાળના ભવ્ય મહેલો, વિશાળ મસ્જિદો, ધમધમતી બજારો અને સુંદર બગીચાઓની સરખામણીમાં કોઈ રીતે સુંદર ના ગણી શકાય.
બીજો વિસ્તાર એ દક્ષિણનો નિચાણવાળો મેદાની પ્રદેશ. અદભૂત વનસ્પતિઓ અને રંગબેરંગી માછલીઓ અને પ્રકાર-પ્રકારના પક્ષીઓથી ભરેલો આ પ્રદેશ હતો. પુરાણા અરેબિક સાહિત્ય પ્રમાણે; આ આખો પ્રદેશ મહાપ્રલયકારી પુરને કારણે બનેલો છે. પુર એટલુ ભયંકર હતુ કે એના કારણે ન કેવળ માટીના ઘરો નાશ પામ્યા પણ આખો પ્રદેશ જ નાના ટાપુઓમાં વહેંચાઈ ગયો. જે લોકો આ વિનાશકારી પુરમાંથી બચી ગયા હતા એ બધા પાણી પર બનાવેલા ઘરોમાં રહેતા હતા. મોટા ઘાસની પોલી સળીઓને ડામરજેવા દ્રવ્યથી જોડીને બનાવેલી પાણી પરની આ ઝુંપડીઓને માશ-હૉફ કહે છે.
ઈરાકનો ત્રીજો વિસ્તાર છે ઉત્તરનો પહાડી પ્રદેશ, જે એના બરફાચ્છાદિત શીખરો અને ગાઢ જંગલો માટે પ્રખ્યાત છે. આ પ્રદેશ મનોરમ્ય ગીરીશૃંખલા, પાણીના ધોધ અને ફળાઉ ઝાડોના જંગલોથી ભરેલો છે. એના શીતળ આહ્લાદક વાતાવરણને કારણે આ વિસ્તારમાં કેટલાય રિસૉર્ટ પણ બનેલા છે. ઈરાકના અરબી લોકોને માટે તે માત્ર ઉત્તરી ઈરાક છે; પણ અમે કૂર્દ લોકો તેને તેના સાચા નામ : કૂર્દીસ્તાન : થી જ ઓળખીએ છીએ. આજની અમારી સફરનો અંતિમ પડાવ પણ આ કૂર્દીસ્તાન જ છે.
મેં ફરી એકવાર ટેક્સી માટે રસ્તા પર નજર નાખી અને મારી નજર પડોશના મહા-તોફાની છોકરાઓની ટોળકી પર પડી. એ ચારેય છોકરાઓ લગભગ મારી જ ઉંમરના હતા પણ ઘણી વખત હું કૂર્દ છુ એ કારણે મારી ઠેકડી ઉડાડીને મારી બહુ મજા લેતા. અમારી આંખો મળી એટલે તરત જ એ લોકો મારી મશ્કરી કરતા-કરતા મારી તરફ આવવા લાગ્યા. એ હસતા જતા અને ઉપહાસ કરતા બોલતા જતા - "હે...ય. કૂર્દ છોકરી..." "હે...ય.. કૂર્દોનું ઘર" એમાંનો એક સૌથી વધારે તોફાની અને કિન્નાખોર છોકરો મોટેથી બૂમો મારવા લાગ્યો "લા, લા (અરબી ભાષામાં હેય... હેય.... એવો મતલબ થાય) આંધળા-બહેરાની છોકરી..".
મારી આંખે એ ચડી ગયો; એક પળ તો એની બુમોથી હું નિરાશ થઈ ગઈ, જાણે મારી બધી શક્તિ હણાઈ ગઈ હોય એમ હું પૂતળાની માફક ઉભી રહી ગઈ. પણ, બીજી જ પળે હું નિરાશા ખંખેરીને અમારા આંગણામાંથી દોડીને બહાર આવી ગઈ અને એને પડકાર્યો - "એ... ય..." અને પલકવારમાં મેં બાજુના ઝાડના થડ પાસેથી કેટલાક પથરા ભેગા કરી લીધા. અને પછી મારી બધી જ તાકાત ભેગી કરીને એમની તરફ પથરા ફેંકવાનુ ચાલુ કરી દીધુ. આજ પહેલા આટલી આક્રમક હું ક્યારેય નહોતી બની, પણ હમણા-હમણાથી હું પણ પિતાની માફક જુસ્સાવાળી બની ગઈ હતી, મારા પિતા એમની અસહાય પરિસ્થિતી છતાં હંમેશા પોતાનો અને કુટુંબનો બચાવ કરવા તૈયાર રહેતા; પછી ભલેને તેને માટે એમને કોઈની સાથે હાથો-હાથની લડાઈ પણ કરવી પડે!!
પેલા અરબી છોકરાઓએ તો સ્વપ્ને ય નહોતુ ધાર્યુ કે મારા જેવી શરમાળ છોકરી પણ આવુ કંઈક કરી શકે.. મારી આક્રમક પ્રતિક્રીયા જોઈને એ બધા પાછા વળ્યા અને દોટ મૂકીને મંડ્યા ભાગવા. મારુ પથરા ફેંકવાનુ ચાલુ જ હતુ અને મારો એક પથરો પેલા માથાભારે છોકરાને હાથ પર જોરથી વાગ્યો. દરદને લીધે એના મોંમાંથી રાડ નીકળી ગઈ, અને એની રાડ સાંભળીને બાકીના છોકરા બમણા જોરથી ભાગવા લાગ્યા. મને મજા પડી ગઈ, એ બાયલાઓને આવી રીતે એક નાનકડી કૂર્દીશ છોકરીથી ડરીને ભાગતા જોઈને મને એક પ્રકારનો આત્મસંતોષ થતો હતો; અને હું અનાયાસ જ જોર જોરથી હસી પડી. આજે તો મને લાગતુ હતુ કે આ મહોલ્લાની "શક્તિમાન" હું જ છુ.. એ બાયલાઓ હવે જીવનમાં ક્યારેય મારુ નામ નહી લે..
અમારા બગદાદી-ઈરાકી સમાજમાં મને આ ઉંમરે પણ એ વાતની તો ખબર પડતી હતી કે આવી વાતનો ડંકો મારાથી બધા આગળ ના વગાડાય.. મારા ઘરના લોકોથી પણ મારે મારુ આ સાહસ છુપાવવુ પડશે એની મને એ વખતે પણ સમજ પડતી હતી. અમારા કુટુંબમાં જો આની બધાને ખબર પડે તો મારી તો ધૂળ જ કાઢી નાખે - છોકરી થઈને આમ બરછટ વેડા કરે એ ના ચલાવી લેવાય. પેલા દંગલખોર છોકરા હવે નાસી ગયા છે એની ખાતરી કરવા મેં ફરી એકવાર શેરીમાં નજર માંડી.. અને મારી ખુશીની વચ્ચે મને એ રસ્તે એક ટેક્સી આવતી દેખાઈ. મેં તરત જ આગળ વધીને ટેક્સી ઉભી રખાવી અને બુમ પાડી -- "ટેક્સી આવી ગઈ છે...." મોસાળ જવાના ઉત્સાહમાંને ઉત્સાહમાં દોટ મૂકી, ઘરનુ બારણુ આખેઆખુ ખોલી, હતી એટલી બધી તાકાત ભેગી કરીને મેં બરાડો પાડ્યો "ચાલો બધા.... ટેક્સી ડ્રાઈવર રાહ જૂએ છે....."
મામા, ભાઈઓ અને પિતાજી બધા જ અમારી સામાનથી ભરેલી બેગો ફટાફટ લાવીને ટેક્સીના બૂટ(સામાન રાખવાની જગ્યા)માં ગોઠવવા લાગ્યા. અમારો ટેક્સી ડ્રાઈવર કંઈક વિચિત્ર જ હતો; અમને મદદ કરવાને બદલે બાજુ પર ઉભો રહીને અમને બધાને બરાડા પાડી-પાડીને સૂચના આપ્યા કરતો હતો. મારી નજર એના પર જ ટકેલી હતી. આમ તો મારી માએ મને શીખવ્યુ છે કે કોઈને ટીકી-ટીકીને ના જોવાય.. પણ, આ ટેક્સી ડ્રાઈવર મને ખૂબ વિચિત્ર લાગ્યો; હું જાણે એકટક એના કરચલીઓવાળા ઘેરા-બદામી ચહેરાને જ જોયા કરતી હતી. એના રાંટા થઈ ગયેલા હાથ વડે એ એનુ ઘસાઈ ગયેલુ પેન્ટ વધારેને વધારે અને વારે વારે ઘસ્યા કરતો હતો. બધી રીતે જોતા એ ચોક્કસ એક ગરીબ માણસ લાગતો હતો, અને આમેય તે એ સમયે બગદાદમાં મોટાભાગના લોકો તો ગરીબ જ હતા ને!!
પણ મારા પિતા, મામા અને ભાઈઓ કંઈ અમીર નહોતા, તે છતાંય એમના કપડા કેવા સ્વચ્છ અને સુઘડ રહેતા હતા? આવુ બધુ વિચારતા મારી નજર મારા પોતાના ભપકાદાર ગુલાબી ડ્રેસ પર પડી. અમે કૂર્દીશ લોકો બગદાદીઓ-અરબીઓથી આ બાબતે ખાસ અલગ હતા. એ લોકો આછા અને ઘેરા રંગ જેવા કે કાળા-વાદળી એવા બધા રંગોના ડ્રેસ પહેરે; પણ, અમને કૂર્દ લોકોને મેઘધનુષ્ય જેવા રંગબેરંગી કપડા પહેરવાનો શોખ. મારો આ મસ્ત મજ્જાનો ગુલાબી ડ્રેસ તાજ્જો જ ધોયેલો અને ઈસ્ત્રી કરેલો હતો.
એ બધાનુ શ્રેય આમ જોવા જઈએ તો મારી મા ને જ જાય. એને હંમેશા બધુ સાફ-સૂથરુ જ ગમે, ક્યારેય ઘર પણ ગંદુ ના રહેવા દે. અમારા ઘરની સુઘડતા તો એટલી કે આસપાસના લોકોને કે અમને મળવા આવનારાઓને ક્યારેય અમારી ગરીબીનો અણસાર સુધ્ધા નહી આવતો હોય. ઉલ્ટાનુ કદાચ એમને અમારી ઈર્ષ્યા થતી હોય એમ પણ બને.
અમારી પાસે સામાન એટલો હતો કે ટેક્સીનુ બૂટ બંધ કરવામાં તકલીફ પડતી. મેં જોયુ કે ટેક્સી એકબાજુ નમી પડી હતી, મદદની ભાવનાથી મેં મારુ અવલોકન જાહેર પણ કરી દીધુ.. અને અમારા ડ્રાઈવરે પણ મારી જેમ જ એ જોઈ લીધુ હતુ. એ તો બમણા જોરથી રાડો પાડવા લાગ્યો; એને એમ થઈ ગયુ હતુ કે એની ટેક્સીના ટાયરો પર વજન વધી ગયુ છે. મારી સાવ બીનઅનુભવી આંખોએ પણ જોઈ લીધુ કે આ ટેક્સીના ટાયરો ઘસાયેલા છે; હોવા જોઈએ એના કરતા કંઈક વધારે જ નબળા છે. પણ, મેં મારુ આ નવુ "જ્ઞાન" મારી પાસે જ રાખ્યુ. રખે ને મારી મા આ ટેક્સી કેન્સલ કરીને પાછી બીજી ટેક્સીની વાટ જોવાનુ કહે તો એટલુ વધારે મોડુ થાય. અને સુલેમાનિયાની સફરે જવા માટે હવે હું જરાય વધારે રાહ જોવા તૈયાર નહોતી. આખરે, છે...ક ગયા ઑગસ્ટથીતો હું આ ક્ષણની રાહ જોતી હતી કે પાછા ક્યારે મોસાળ ભણી જઈએ..!!
બધુ બરાબર ગોઠવાઈ ગયુ એટલે ટેક્સી ડ્રાઈવર પણ ઝટ દઈને પોતાની સીટ પર ગોઠવાઈ ગયો અને બૂમો મારવા લાગ્યો "યાલ્લા.... યાલ્લા... ચાલો ચાલો બધા બેસી જાવ, મારે પણ મોડુ થાય છે".. હું અને મારી બહેન મુના માની સાથે પાછલી સીટમાં ગોઠવાઈ ગયા. મારા અઝીઝમામા પણ ફરીને મારી પાસેના દરવાજે આવ્યા અને મારી બાજુમાં પાછલી સીટ પર ગોઠવાઈ ગયા. મારા અઝીઝ મામાની વાર્તા પણ ઘણી જોરદાર છે. મારા જન્મના એક વર્ષ પહેલા એટલે કે ઈ.સ. ૧૯૬૨મા, અઝીઝ મામા પોતાના વતન સુલેમાનિયામાં સ્કુલમાં ભણતા હતા, એ ભણવામાં બહુ જ હોંશીયાર હતા. એક દિવસ પોલિસ એમને કોઈ કારણ વગર પકડી ગઈ, એમનો એક માત્ર વાંક એ હતો કે એ કૂર્દ હતા. જેલમાં એમના પર ઘણા અત્યાચારો ગુજારવામાં આવ્યા અને એના લીધે એમની જીંદગી સાવ બદલાઈ ગઈ. જેલમાંથી છૂટ્યા બાદ થોડો સમય સુલેમાનિયામાં કાઢ્યો. પણ પછી એ પોતાની નાની બહેન - એટલે કે મારી મા - ની પાસે બગદાદમાં કાયમ માટે રહેવા આવી ગયા. જેલના એ અત્યાચારોની અસર એટલી ઉંડી હતી કે આજે વર્ષો પછી પણ મામા એના આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. એ કયારેક ક્યારેક સાવ સૂનમૂન થઈ જતા અને પોતાના રૂમમાંથી કેટલાય સમય સુધી બહાર જ ના નીકળે એવુ બનતુ. જેલના એ પોલિસ-અત્યાચારોને લીધે એમની કામ કરવાની કે કૉલેજ ભણવાની ક્ષમતા હવે નહોતી રહી. ગમે તે હોય, મારા માટે મારા મામા સૌથી પ્યારા હતા, મારી કાલીઘેલી નાદાન રમતોમાં સાથ આપવા એ તો હંમેશા તૈયાર રહેતા. અફસોસ કે એ અમારી સાથે સુલેમાનિયા નથી આવવાના. એ તો ખાલી બસસ્ટેન્ડ સુધી જ આવશે અને ત્યાંથી પાછા બગદાદના ઘરે. સુલેમાનિયામાં અમારી નાની અમિના, માસીઓ અને અમારા પિતરાઈઓને મળવા તો અમે ચાર ભાઈ-બહેનો અને મારી મા એટલા જ જવાના હતા.
ટેક્સી ડ્રાઈવર ફરી પાછો ઉતાવળ કરવા લાગ્યો.. "... ચાલો, ચાલો બધા ઝટ ગોઠવાઈ જાવ, મારે પણ ઉતાવળ છે.." મારા બંને ભાઈઓ - સા'દ અને રા'દ ડ્રાઈવરની બાજુની સીટમાં આગળ ગોઠવાયા.. અને અમારી ટેક્સી ચાલી પડી. મને છેક ત્યારે યાદ આવ્યુ કે પિતાજીને "આવજો" કહેવાનુ તો ભુલાઈ જ ગયુ. મારા પિતા ભલે અમારી વાતો સાંભળી નહોતા શકતા પણ મને એમને માટે વિષેશ પ્રેમ હતો. આટલા વર્ષોમાં ભાગ્યે જ અમારા પિતાજી અમારી સાથે વેકેશનમાં કૂર્દીસ્તાન આવ્યા હશે. અને આમ પણ એ ક્યાં કૂર્દ હતા! અને કદાચ હોત તો પણ એમણે પોતાના કામકાજની સંભાળ માટે બગદાદમાં રોકાવુ જરૂરી હતુ. અમારી ગરીબીને કારણે પિતા પાસે ક્યારેય એટલા પૈસા નહોતા કે એ પોતાના કુટુંબ સાથે રજાઓ માણવા સફર કરી શકે.. બિચ્ચારા પપ્પા..!!
જેમ જેમ અમારી ટેક્સી ઘરથી દૂર થતી ગઈ, હું ડોક લંબાવીને ટેક્સીના કાચમાંથી જ્યાં સુધી એમનો ચહેરો દેખાયા કર્યો ત્યાં સુધી એમની તરફ જોતી રહી. એમની ભૂરી આંખો પટપટાવીને એ પણ મારી સામે છે..ક સુધી હસતા રહ્યા. છેલ્લે જ્યારે નીચેથી કંઈક લેવા એ વાંકા વળ્યા ત્યારે એમનુ માથુ મારી સામે દેખાયુ. એમના ખુલ્લા ઝુલ્ફામાંથી કેટલાક વાળ એમના માથે ચોંટી ગયેલા લાગ્યા. શક્ય છે, ભારે બેગો લાવીને મૂકવામાં એમને મહેનત કરવી પડી હશે અને એને લીધે એમને માથે પરસેવો વળી ગયો હશે. મને ક્ષણભર માટે તો એમની તબિયત માટે ચિંતા થઈ આવી. પણ, બીજી જ ક્ષણે મેં એ વિચાર ખંખેરી નાખ્યો, મને ખાતરી હતી કે એમની તબિયત સારી જ રહેશે, અમારે ચિંતા કરવા જેવુ કંઈ નથી. અને આમેય તે અમારી ટેક્સી હવે બગદાદના બપોરના ભારે ટ્રાફિકમાં દાખલ થઈ ચૂકી હતી.
બગદાદ બીજા મોટા શહેરોની માફક નાનકડા ગામમાંથી વિકસીને બનેલુ શહેર નથી. બગદાદની બાંધણી સુનિયોજીત રીતે કરવામાં આવી છે. ઈ.સ. ૭૬૨માં તે સમયના ખલીફા અબુ જફર અલી-મન્સુરને રાજધાની માટે એક ખાસ અલાયદુ વિશાળ શહેર બનાવવાનો ખ્યાલ આવ્યો અને એમણે તૈગ્રીસ નદીને કિનારે એકબીજાની અંદર આવેલા ત્રણ વિશાળ વર્તુળોની બાંધણીમાં આ બગદાદ શહેર વિકસાવ્યુ. સૌથી અંદરના વર્તુળમાં રાજકર્તાની બેઠક હતી અને સૌથી બહારના વર્તુળમાં સામાન્ય પ્રજા રહેતી, તો વચ્ચેના વર્તુળમાં બજારો અને ઉચ્ચકૂળના લોકોને રહેવાના આવાસો હતા. જો કે, આજનુ બગદાદ તો આ વ્યવસ્થિત બાંધણીથી કંઈ કેટલુય વિસ્તરી ચૂક્યુ છે. પણ, એમાં એ એની મૂળ ખુબસૂરતી પણ ગુમાવી ચૂક્યુ છે. આજના બગદાદમાં માત્ર કેટલાક મુખ્ય રસ્તાઓ છોડીને બાકીનુ આખુ શહેર અંધાધૂંધીથી ભરેલુ છે. અમારા ટેક્સી ડ્રાઈવરને પણ એની ટેક્સી ચલાવવા બીજી ગાડીઓ, માણસોના ટોળા, ગધેડા-ગાડીઓ અને મીની બસો જેવા કેટલાય વાહનોની અંધાધૂધીમાંથી કરવો પડતો હતો.
બગદાદના રસ્તાઓ પર ઠેકઠેકાણે પશ્ચિમી કંપનીઓની પ્રોડક્ટની જાહેરાતોના બોર્ડ લાગેલા હતા, તો કેટલાક હોર્ડિંગોમાં સરકારી વાહ-વાહી પણ દર્શાવી હતી કે અત્યારની બાથ પાર્ટીની સરકારમાં પ્રજા કેટલી ખુશ છે. ચારેક વર્ષ પહેલા ૧૯૬૮માં બાથ પાર્ટીએ બળવો કરીને દેશમાં પોતાની સરકાર રચીને સત્તા હાસિલ કરી હતી. મારો ભાઈ રા'દ આ પાર્ટીને મજાકમાં "કમ-બેક કીડ્સ" કહેતો કારણકે આ પહેલા ૧૯૬૩માં પણ બાથ પાર્ટી સત્તામાં આવી હતી પણ અરાજક વહીવટ અને લોકોની નારાજગી; દ્વેષ-પ્રેરિત દેખાવોને પગલે પાર્ટી એ થોડા જ સમયમાં સત્તા ગુમાવવી પડી હતી. પણ, લોકોનુ માનવુ હતુ કે આ વખતે તો પાર્ટીએ જબરો અડીંગો જમાવ્યો છે. અને કોઈ કાળે સત્તા છોડે એમ નહોતુ લાગતુ.
આટલી નાની ઉંમરમાં મને રાજકારણમાં તો કંઈ ગતાગમ નહોતી પડતી પણ એટલી ચોક્કસ ખબર હતી કે ૧૯૫૮ની ક્રાંતિકારી ચળવળના ઘણા માઠા પરિણામો દેશને ભોગવવા પડ્યા હતા. અમારા જ કુટુંબની વાત કરીએ તો અમારા કેટલાય કુટુંબીઓએ એ ચળવળમાં પોતાના જીવથી હાથ ધોઈ નાખ્યા હતા તો મારા પિતાએ પણ પોતાનો ધીકતો ધંધો ગુમાવવો પડ્યો હતો. હું નાની તો હતી, પણ મારી ઉંમરના બીજા બાળકો કરતા આવા વિષયોમાં કંઈક વધારે પડતો ચંચૂપાત કરતી હતી. બીજી કંઈ તો નહી પણ એ બાબતની ખાસ ખબર પડતી હતી કે, અમારા મોટેરાઓને આ વખતની આ બાથ-પાર્ટીની સરકાર માટે ઘણી આશાઓ હતી. બીજુ ભલે કંઈ ના થાય પણ વારેઘડીએ થતા સત્તાપલટા અને તે સમયે થતી ઉથલપાથલો બંધ થઈ જાય એ પણ ઘણુ હતુ. પણ, ૧૯૭૨ના જુલાઈના એ બળબળતા દિવસે કોઈને પણ એ વાતની કલ્પના નહી હોય કે આ જ આશાસ્પદ બાથ-સરકાર ઈરાકીઓ માટે કેવા કેવા ત્રાસદાયી અને હ્રદયદ્રાવક દિવસો લઈને આવવાની છે.
બગદાદથી સુલેમાનિયા જવા માટે ઉત્તરી ઈરાકના બીજા મોટા શહેર કિરકૂક થઈને જ જવુ પડે. પહેલાના વેકેશનોમાં તો અમે બગદાદથી કિરકૂક સુધી ની સફર ટ્રેઈનમાં કરતા અને ત્યાંથી આગળ સુલેમાનિયા સુધી પ્રાઈવેટ કારમાં જતા. પણ, આ વખતે પૈસા બચાવવા જરૂરી છે, એટલે અમે ભાડાના પૈસા બચાવવા માટે થઈને બગદાદથી છે....ક સુલેમાનિયા સુધીની મુસાફરી મીનીબસમાં જ કરવી એમ મા એ નક્કી કર્યુ. બગદાદના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા નાહ્દા બસસ્ટેશનથી અમને સુલેમાનિયાની બસો મળી રહે. અમે ટેક્સી સીધી નાહ્દા લેવડાવી અને જેવા ટેક્સીની બહાર નીકળ્યા કે અમે બહારના ઘોંઘાટથી ઘેરાઈ ગયા. સા'દ; રા'દ અને અઝીઝમામા એ થઈને અમારો સામાન ટેક્સીમાંથી નીચે ઉતાર્યો અને ક્યાંકથી એક મજૂર-કૂલી પણ આવી ગયો ને એણે નજીવી રકમના બદલામાં અમારો સામાન છેક બસની અંદર સુધી મુકવાની જવાબદારી લઈ લીધી અને અમારી સવારી ચાલી સુલેમાનિયા જતી બસોના સ્ટેશન પર.
ત્યાં ઘણી બધી મીની બસો આડી અવળી પાર્ક કરેલી હતી.. અમે એના પર નજર ફેરવતા હતા એવામાં એક ટાલિયા બુઝૂર્ગ ડ્રાઈવરે અમને ઝડપી લીધા. એના મોં પર ભરાવદાર લાંબી મુછો એના ગાલથી યે નીચે ઢળી પડતી હતી. એની વાત કરવાની રીત બહુ જ વિવેકી હતી; થોડો મળતાવડો પણ હતો. એણે અમને કીધુ કે એને આ રૂટનો ઘણો અનુભવ છે; અમને બીજા ડ્રાઈવરો કરતા કલાક વહેલા પહોંચાડવાની વાત પણ એણે કરી. એણે અમને એની બસમાં મુસાફરી કરવા માટે મનાવવાના બધા પ્રયત્નો કર્યા.. અરે એણે તો ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે મફત મુસાફરી ની ઑફર કરી. અને અમે એની વાતો માની પણ ગયા. અને એની બસમાં રાજીખુશીથી મુસાફરી કરવા તૈયાર થઈ ગયા. અમારે આર્થિક તકલીફતો કાયમને માટે રહેતી હતી; મારી ઉંમર અને દેખાવને લીધે મારુ ભાડુ તો ચુકવવાનુ જ નહોતુ. મારી મોટી બહેન મુના ભલે ૧૨ વર્ષથી મોટી હતી પણ એ એટલી બધી નબળી હતી કે સાવ નાની લાગતી હતી એની ટિકીટ પણ મફત થઈ જાય એમ હતુ. પણ, મારી મા જૂઠ્ઠુ બોલવાની તદ્દન વિરોધી હતી એણે મુના સહિત બાકીનાનુ ભાડુ ચૂકવી દીધુ.
અને ભલે પુરતા પેસેન્જર નહોતા થયા પણ અમારી બસેય તે ચાલવા લાગી. એ બસ સાવ જૂની ને ખખડધજ હતી, હજુ તો સ્ટેશનની બહાર પણ નહી નીકળ્યા હોઈએ, પણ બસનો ખડખડાટ ચાલુ થઈ ગયો હતો. ફરી એકવાર અમે બગદાદ શહેરની ધમાલમાંથી માર્ગ કરવા લાગ્યા. નાહ્દા અને એની આસપાસનો ડાઉનટાઉન વિસ્તાર બગદાદની સૌથી પુરાણી બજારો અને જૂની ધુમાડા ઓકતી ચીમનીઓવાળી ફેક્ટરીઓનો વિસ્તાર પણ છે. જલ્દીથી આ બધા ધમાલ ભર્યા વાતાવરણમાંથી બહાર નીકળીને નવા જ બનેલા કિરકુક હાઈવે નં ૪ પર આવી ગયા. આ હાઈવે આધુનિક હતો અને છેક સુલેમાનિયા સુધી અમારે આ જ હાઈવે પર સફર કરવાની હતી... મને તો મારે મોસાળ જવાની તાલાવેલી હતી... જાણે એ મને સાદ પાડતુ હોય.!!
અમારી આ ખખડધજ મીની બસમાં આરામથી ૨૫ જણા મુસાફરી કરી શકે એમ હતા પણ ડ્રાઈવરે અમારા સહિત માત્ર ૧૧ મુસાફરો લઈને બસ ચલાવી દીધી. મારી માને અને મોટાભાઈ રા'દને આમાં કંઈક તો અજૂગતુ લાગ્યુ અને રા'દે તો લાગલુ ડ્રાઈવરને પૂછી પણ લીધુ કે "આમ કેમ?". પણ ડ્રાઈવરે આંખ મિચકારીને જવાબ ઉડાવી દીધો.
"કંઈ નહી, એમાં શુ? આપણને બેસવા માટે એટલી વધારે જગ્યા મળશે", મુના હળવુ સ્મિત કરતા ધીમે સાદે બોલી ઉઠી. અને આમે ય તે એની વાત કંઈ ખોટી નહોતી. મારી મોટી બહેન મુના બહુ જ નાજૂક; શરમાળ અને બીકણ છે. અમારા આખાય કુટુંબમાં બધાયને સતત એમ લાગ્યા કરતુ કે મુનાને એમના કાયમી રક્ષણની જરૂર પડશે. પણ એનો જ જોડીયો ભાઈ સા'દ તેનાથી તદ્દન વિરોધાભાસ ધરાવતો હતો. સા'દ વાને શામળો, મજબૂત બાંધાનો અને જોરદાર જિગર વાળો હતો. તો સામે છેડે મુના રૂની પૂણી જેવી ધોળી, નાજૂક અને હદની બહાર કહ્યાગરી હતી. એ બંને એકબીજાથી એટલા વિરૂધ્ધ દેખાવ અને સ્વભાવના હતા કે જ્યારે અમે કોઈને કહીએ ને કે આ બંને જોડિયા ભાઈ-બહેન છે તો લોકો અમારી પર હસતા.. અને જાણે અમે એમની મજાક કરતા હોઈએ એવુ સમજતા.
સા'દ અને મુનાનો જન્મ થયો ત્યારે તો હું કંઈ એની સાક્ષી રૂપે હાજર નહોતી; પણ એમના જન્મની એ વાત મેં કેટલીય વાર સાંભળી છે. મારી માની એ બીજી પ્રેગ્નન્સી હતી, એના દેખાવ પરથી કોઈને એમ ન લાગે કે પેટમાં ટ્વીન્સ છે. અરે એના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને પણ એનો અણસાર સુધ્ધાં નહોતો આવ્યો. ડિલીવરી સમયે જ્યારે માને વેણ ઉપડ્યુ અને એને લેબર રૂમમાં લઈ ગયા બાદ કેટલાક સમય પછી નર્સે આવીને મારા પિતાના હાથમાં સુંદર મજાનો તંદુરસ્ત બાબો આપ્યો. અહીં ઘરના બધા બીજા દીકરાની ખુશી મનાવતા હતા (પહેલો દીકરો - મારો સૌથી મોટો ભાઈ રા'દ) ત્યાં લેબર રૂમના બંધ દરવાજા પાછળ મારી માના મોટે-મોટેથી કણસવાના અવાજો આવવા લાગ્યા, અને બધા આશ્ચર્ય સહિત ચિંતામાં મુકાઈ ગયા. થોડી વારમાં પાછી એની એ જ નર્સ આવી, આ વખતે એ કંઈક વધારે જ ઉત્સાહમાં હતી, અને મારા પિતાના હાથમાં બીજુ બાળક લાવીને એણે મુકી દીધુ. નર્સે કીધુ કે આ બીજુ બાળક પણ તમારુ જ છે અને એ એના ભાઈની બહેન હતી. બધાને નવાઈ લાગી. સા'દ કરતા અડધી સાઈઝનુ એ બાળક હતુ અને નર્સ કહેતી હતી કે એ સા'દનુ ટ્વીન છે.!!?? હાજર રહેલા બધાને આ વાત મજાક સમાન લાગી. એક તો મારી માતા કૂર્દ અને એની ડિલીવરીમાં હાજર રહેવા માટે ઉત્તરેથી બધા કૂર્દ સગા આવ્યા હતા અને હોસ્પીટલની પેલી નર્સ અરબી હતી. તે એકાદ સગાએ તો નર્સને સીધે સીધુ ચોપડાવ્યુ - "આ છોકરાની મા કૂર્દ છે એટલે તુ એની આવી ભદ્દી મજાક કરે છે?? આવુ કહેવાનુ??"
પણ નવાઈ લાગે એવી એની એ વાત સાચી હતી. એ કોઈ મજાક નહોતી પણ હકીકતમાં મારી બહેન મુના હતી. એ એટલી તો નબળી અને નાનકડી હતી કે જન્મ્યા પછી કેટલાય અઠવાડીયા સુધી એણે હોસ્પીટલમાં જ રહેવુ પડ્યુ હતુ. અને જ્યારે એને હોસ્પીટલમાંથી ઘરે લઈ જવાની રજા આપી ત્યારે પણ ડૉક્ટેરે કીધુ હતુ કે આના બચવાના ચાન્સ બહુ ઓછા છે. જો એને જીવતી રાખવી હોય તો એની ચામડી ઢાંકીને રાખવી પડશે. એના આખા શરીરને કેટલાક મહિનાઓ સુધી કપડામાં લપેટીને રાખવુ જરૂરી છે. એને ચામડી કાચ જેવી પારદર્શક અને સેન્સીટીવ હતી. અરે, આંગળી અડાડોતો લોહીનો ટશ્યો ફૂટી નીકળે એટલી નબળી હતી મારી બહેન. એને કપડાના વીંટામાં જ એટલા માટે પણ રાખવી પડતી હતી કે એની સાઈઝના કપડા પણ આખા ઈરાકમાં ક્યાંય નહોતા મળતા. મને મારી બહેન માટે અપાર હેત હતુ, મારા બાકીના કુટુંબીઓની માફક હું પણ એમ માનતી કે આ નિષ્ઠુર દુનિયાથી મારે મારી બહેનનુ રક્ષણ કરવુ જોઈએ. ભલેને હું એનાથી ચાર વર્ષ નાની હોઉ, એના રક્ષણની જવાબદારી તો મારી જ છે.
જેવા અમે શહેરની સીમા છોડીને ખુલ્લા રસ્તા પર આવી ગયા, બાકીના અમારા સાથી પેસેન્જર બધા કાંતો ઝોકે ચડી ગયા અથવા બારીની બહારના દ્રશ્યો પર નજર માંડી દીધી. પણ જન્મજાત જિજ્ઞાસુવૃત્તિ ધરાવતી હું એ બધાનુ નિરિક્ષણ કરવાના કામે લાગી ગઈ.
બે કૂર્દીશ પુરુષો બસમાં આગળની સીટો પર બેઠેલા હતા. એમણે માથે બાંધેલી પાઘડી અને પહોળા ચોરણા જેવા પેન્ટના ટ્રેડિશનલ પહેરવેશ પરથી તરત જ લાગી આવતુ હતુ કે એ લોકો મારી માફક કૂર્દ જ છે. શક્ય છે કે એ કૂર્દીશ સ્વાતંત્ર્ય સેનાની - પશમરગા - પણ હોય. મેં પશમરગાની બહુ બધી વાતો સાંભળેલી હતી. અને કદાચ એ લોકો પશમરગા હોય તો પણ શક્ય છે કે એમણે એ વાત છુપાવીને જ રાખી હોય. કારણ કે, ઈરાકમાં પશમરગાને સૌથી આકરો દંડ - દેહાંતદંડ - મળે.
બંને કૂર્દમાંથી જે નાનો હતો એ કદાવર બાંધાનો યુવાન હતો, પહોળા ખભા અને જાણે વેઈટ-લિફ્ટરના હોય એવા બલિષ્ઠ બાવડા હતા. પણ એની મોટી સ્વપ્નશીલ આંખો અને માયાળુ ચહેરો એના બળવાન શારિરીક દેખાવથી તદ્દન વિરોધાભાસી લાગતા હતા. કાળા વાંકડિયા વાળના ઝુલ્ફા એની ટ્રેડિશનલ પાઘડી માંથી નીકળીને એની ડોક પર ઝુલતા હતા. બીજો કૂર્દીશ તેના કરતા ઉંમરમાં મોટો હતો. એની કદ-કાઠી નાની હતી પણ એનુ શરીર એકદમ લવચીક હતુ - એ પાતળા પણ મજબૂત બાંધાનો લાગતો હતો. એના અસામાન્ય રીતે લબડી પડેલા પોપચા પર મારી નજર ખોડાઈ ગઈ. જો કે એ એકદમ જોલી લાગતો હતો જાણે કે એની પાછલી આખી જીંદગીની ચમક એના ચહેરા પર ચીતરાઈ ગઈ હતી.
બીજા ચાર જણમાં તો એક કપલ અને એમના બે બાળકો હતા બસ. એમની સાજ-સજ્જા પરથી જ ખબર પડી જાય કે એ લોકો અરબી છે. પતિએ સફેદ રંગનુ દીશદાશા - ઘુંટણથી નીચે સુધીનો લાંબા ઝભ્ભા જેવો પહેરવેશ, જે સામાન્ય રીતે અરબી પુરુષો પહેરતા હોય છે - પહેરેલુ હતુ. જ્યારે એની પત્નિએ વાદળી રંગના ડ્રેસની ઉપર કાળો હિજાબ (બુરખો) પહેરી રાખ્યો હતો. બાળકોએ મોર્ડન વેસ્ટર્ન સ્ટાઈલના કપડા પહેરી રાખ્યા હતા અને અમારા કૂર્દિશ ટ્રેડીશનલ પહેરવેશ તરફ વિચિત્ર રીતે જોયા કરતા હતા.
અમારા ઘરમાં મોટેભાગે હું અને મા જ કાયમ કૂર્દિશ ડ્રેસ પહેરતા હોઈએ છીએ; પણ એ દિવસે તો અમે બધા જ અમારા સારામાં સારા કૂર્દીશ ડ્રેસમાં સજ્જ હતા. સા'દ અને રા'દ બંને જણા તેમના પહોળા કેડિયા જેવા કૂર્દિશ શર્ટમાં બહુ જ સોહામણા લાગતા હતા, નીચે એમણે કૂર્દિશ ટાઈપના પહોળા ચોરણા જેવા પેન્ટ પહેર્યા હતા અને કમરે રેશમી ખેસ બાંધ્યો હતો. માથે "ક્લૉ" તરીકે ઓળખાતી કૂર્દિશ ટોપીઓ હતા તો પગમાં કૂર્દિશ સેન્ડલ "ક્લાશ" પહેરેલા હતા. બાકી અમે ત્રણેય - બે ય છોકરીઓ અને મારી મા - ભભકદાર રંગોવાળા અમારા કૂર્દિશ ડ્રેસમાં સજ્જ હતા. મેં મારો ફેવરીટ ઘેરો ગુલાબી ડ્રેસ પહેર્યો હતો, તો મુનાએ ચમકદાર વાદળી રંગનો ડ્રેસ આજ માટે પસંદ કર્યો હતો; જ્યારે મારી મા એ ચમકતા પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. અમારા બંને બહેનોના માથા ખુલ્લા હતા પણ મા એ રૂપેરી ચમકતા સિક્કા ટાંગેલો સોનેરી સ્કાર્ફ માથે બાંધ્યો હતો.
સફરમાં એકબીજા સાથે બોલચાલ રહે અને મિત્રતા થઈ રહે એ હેતુથી મારી માએ પેલા અરબી બાળકોને અમારા સાથે લાવેલા ખજૂરના બિસ્કીટ આપવા માંડ્યા. પણ, એમના મા-બાપ તો જાણે એ રીતે બિસ્કીટ લેવાની ના પાડવા લાગ્યા જાણે એમાં ઝેર હોય..!! એમના બાળકોનો પણ એમનો લાંબો થયેલો હાથ પાછો ખેંચીને પાછા તોછડાઈથી મારી માને કહેવા લાગ્યા "ના.. ના.. ના.." મારી માને તો આઘાત લાગી ગયો અને એ પોતાની સીટમાં ફસડાઈને પાછી બેસી ગઈ. દરેકે દરેક અરબી કૂર્દને નફરત કરે છે એટલુ સમજવા જેટલી તો હું સમજણી હતી જ તે છતાંય, એમની આવી બરછટ વર્તણૂકથીતો હું પણ હેબતાઈ ગઈ. મારી મા તો એ બધુ ભૂલીને પોતાના બાળકોને ખવડાવવામાં લાગી ગઈ. પણ મને એ વાતનુ એટલુ તો લાગી આવ્યુ કે વેર લેવાની ભાવનાથી હું મારા બિસ્કીટ મોટેથી અવાજ થાય એમ ચાવી-ચાવીને ખાવા લાગી; બધાને એમ બતાવવા કે કેટલા ટેસ્ટી છે. આ બધુ જોઈને અરબી બાળકો જ્યારે એમના મા-બાપ સામુ ગુસ્સાથી જોવા લાગ્યા ત્યારે મને વેર લીધાનો અનહદ આનંદ થતો.
પેલા બે કૂર્દીશ માંથી જે મોટી ઉંમરનો માણસ હતો એ પીપરમિન્ટ કેન્ડી લાવ્યો હતો અને એ પણ બધા બાળકોને વહેંચવા લાગ્યો. આ વખતે પેલા અરબી બાળકોએ ઝાટકા સાથે હાથ લંબાવીને કેન્ડી લઈ લીધી, અને ફટાફટ એનુ રેપર ઉતારીને સીધી મોઢામાં મૂકી દીધી. એ બંને બાળકોએ એટલી ઉતાવળથી આ બધુ કર્યુ કે એમના મા-બાપને એમને રોકવાનો સમય જ ના મળ્યો. એમના મા-બાપના આશ્ચર્ય અને ગુસ્સાથી ફાટેલા ચહેરા જોઈને હું મોટે-મોટેથી હસવા લાગી, અને પેલા બંને કૂર્દ માણસો પણ મારી સાથે-સાથે હસવા લાગ્યા. અરે, પેલો જુવાન કૂર્દ જે અત્યાર સુધી સૂનમૂન બેસી રહ્યો હતો એ પણ હસી પડ્યો.
અમારી સુલેમાનિયા સુધીની સફર લગભગ ૯ કલાકની હતી, અને ખાલી અમારુ કુટુંબ જ છેક સુલેમાનિયા સુધી જવાનુ હતુ. પેલા અરબી લોકો તો બગદાદાથી એકાદ કલાકના અંતરે આવેલા એક સુન્નીઓના ગામે ઉતરી જવાના હતા જ્યારે બંને કૂર્દીશ માણસો કિરકૂકની નજીકના કૂર્દીશ કોઈ ગામે ઉતરવાના હતા. અને પછી અમે પાંચ જણા એકલા પડી જવાના આખી બસમાં. વાતાવરણમાં ગરમી સખત હતી અને બસમાં મોટી-મોટી માખીઓ ઘૂસી ગઈ હતી અને બણબણાટ કરતી હતી. એને ઉડાડવા હું મારા હાથ ધીમે-ધીમે હાથ હલાવ્યે રાખતી હતી. હજુ હું ઉંઘવામાં જ હતી અને અચાનક જ પેલા અરબી બસ ડ્રાઈવરના ગુસ્સાભર્યા બરાડાથી ઝબકીને જાગી ગઈ. એ બુઢ્ઢો ટાલિયો ડ્રાઈવર શરુઆતમાંતો બહુ સારુ સારુ બોલતો હતો. ખબર નહી ગરમીના લીધે એનો પિત્તો ગયો હશે કે કેમ? પણ એ જોરથી બરાડ્યો કે - "હેય કૂર્દો..! શાંતિ રાખો..! તમારા છોકરાઓની ધમાલથી મારુ માથુ દુઃખવા લાગ્યુ." આવા છડેચોક અપમાનથી મારો તો પિત્તો ગયો. મેં ગુસ્સાથી મારી ડોક ઉંચી કરીને પેલા આરબ કુટુંબ સામે જોયુ; તો એ પતિ-પત્નિ બંને એકબીજાની સામે જોવા લાગ્યા. મારી તો મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ, મને ખબર હતી કે મારી મા અને બીજા ભાઈ-બહેનની હાજરીમાં હું કંઈ કરી શકુ એમ નથી તે છતાં મને બદલો વાળવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. મેં આશાથી પેલા બે કૂર્દીશ પુરુષો સામે જોયુ પણ એ તો ભાવ-વિહિન ચહેરે બારી બહાર જોઈ રહ્યા હતા; જાણે કંઈ બન્યુ જ ના હોય. એ તો ચોક્કસ જણાતુ હતુ કે એમને પારકી પંચાત નહોતી વહોરવી. હું ય નિરાશ થઈ ગઈ, પણ સાથે-સાથે મને એમ પણ થયુ કે જો એ લોકો ખરેખર 'પશમરગા' હોય તો એમણે એમની ઓળખ છુપાવીને રાખવી જ હિતાવહ છે. નાહકના આવી નજીવી બાબતમાં એમની ઓળખ છતી કરે તો એમને માથે મોટી આફત આવી જાય.
આમતો બગદાદ છોડતા પહેલા જ અમને લોકોએ ચેતવ્યા હતા કે ઉત્તરમાં કૂર્દ લોકોની જીંદગી આજકાલ ખૂબ જ કઠીન બની ગઈ છે, અરે જાનનો ખતરો પણ હોઈ શકે છે. અરબીઓની નજરે 'કૂર્દીશો જન્મજાત અસહકારી છે અને કાયમ જનજીવન ખોરવવાનો પ્રયત્ન કરે છે' અમને આવી રીતે જ જોવામાં આવતા, અને એટલે જ કૂર્દીશોની વિરુધ્ધમાં નવા-નવા કાળા કાયદા પણ બનાવવામાં આવ્યા હતા. કૂર્દ પાસેથી જો બાયનોક્યુલર મળી આવેતો એને ફાંસી આપવામાં આવતી, જો કૂર્દે ટાઈપરાઈટર રાખવાની પરવાનગી ના લીધી હોય અને એની પાસેથી ટાઈપરાઈટર મળી આવે તો એની ધરપકડ થતી અને એના પર કેસ ચલાવવામાં આવતો. કેમેરાતો હંમેશાને માટે શકમંદ રહ્યા છે અને જો એમાંય આજકાલ નવા-સવા આવેલા ઝૂમ લેન્સ સાથેનો કેમેરો કોઈ પાસેથી મળી આવેતો એ કૂર્દે જીંદગીથી જ હાથ ધોઈ નાખવા પડે. સાવ કારણ વગર કોઈની કિન્નાખોરી ભરેલી ખોટેખોટી ચાડી-ચૂગલીના આધારે પણ કૂર્દની ધરપકડ થઈ શકતી હતી. અરે કોઈ અરબી જઈને ખાલી એમ જ રિપોર્ટ કરી દે કે આ કૂર્દ સરકારની ટીકા કરે છે; ભલેને પછી એ હાડોહાડ જૂઠ્ઠુ બોલતો હોય, પેલા કૂર્દને તો સજા મળે જ મળે.
મારી મા અને ભાઈ-બહેનને પણ ડ્રાઈવરના બરાડા પર લાગી આવ્યુ અને એ લોકો પણ ઉત્તેજીત તો થઈ જ ગયા. પણ અમે લોકો કૂર્દ હતા અને પેલો તોછડો ડ્રાઈવર અરબી હતો એટલે કોઈએ બોલવાની હિંમત ના કરી; બધા સમસમીને બેસી રહ્યા. મારી તો સફરની મજા જ સાવ મરી ગઈ.
થોડી જ વારમાં અમે બગદાદને સિમાડે આવેલા એક ધુળિયા રસ્તાવાળા ને ભુખરી ઈંટોના ઘરોવાળા ગામે પહોંચ્યા. પેલા અરબી કુટુંબને અહીં જ ઉતરવાનુ હતુ, એમણે જલ્દીથી પોતાનો સામન લીધો અને અમારી સામુ નજર પણ કર્યા વગર ચાલવા લાગ્યા. જો કે, એ લોકો પેલા અરબી ડ્રાઈવરનો આભાર લળીલળીને અતિઉત્સાહથી માનતા ગયા. મારો આત્મા બમણા જોરથી બદલાની ભાવનાથી ઉછળવા લાગ્યો. આ અરબી લોકો સાવ નાનકડા ગામમાં સાવ સામાન્ય જગ્યાએ રહેતા હતા; ઈરાકના ગરીબ અરબીઓ જેવી જગ્યાઓમાં રહેતા હોય છે એવી જ આ જગ્યા હતી. નાના બેઠા ઘાટના એક માળીયા ઘર, માટોડી રંગની દિવાલો, સપાટ છત, એની પર એમના કપડા સૂકાતા હોય ને ભાંગેલી તૂટેલી બે-ચાર ખુરશીઓ પડી રહેતી હોય. આવા મેલા-ઘેલા અણઘડ અરબીઓ પણ કૂર્દ લોકો પર કેટલો રોબ જમાવતા હોય છે?? એ તોછડા અરબીઓ જતા રહ્યા એટલે હવે મને કંઈક સારુ લાગ્યુ.
થોડુ આગળ ગયા હોઈશુ અને અમે પાછા એક નાનકડા ને ગંદા પેટ્રોલ પંપ પર ફરી ઉભા રહ્યા. અમે જેમ જેમ કૂર્દિસ્તાન તરફ આગળ વધીશુ તેમ તેમ પેટ્રોલ મળવાનુ નહીવત્ થઈ જશે. સજાના ભાગરૂપે સરકારે કૂર્દિસ્તાનમાં પેટ્રોલનો સપ્લાય એકદમ નિયંત્રિત કરી દીધો છે. એવામાં ડ્રાઈવરે રોડને કિનારે પ્લાસ્ટીકના કેરબામાં ભરીને પેટ્રોલ વેચતા કૂર્દિશ છોકરાઓ પર આધાર રાખવો પડે. બસ જેમ આગળ વધી, બધા જ ઝોકે ચડી ગયા. છે..ક બપોરના જમવાનો વખત થયો ત્યારે મા અને મુનાએ અમને બધાને જગાડ્યા અને બધાને ચીકન સલાડ સેન્ડવીચ અને ફેન્ટા આપ્યા. આ ફેન્ટા એણે પેલા પેટ્રોલપંપ પર બસ ઉભી રહી ત્યાંથી ખરીદી હતી. પેલા બંને કૂર્દિશોએ અમારી આપેલી સેન્ડવીચ પ્રેમથી લીધી પણ અરબી બસ ડ્રાઈવરે ના લીધી જાણે કે અમે એને સડેલુ ખાવાનુ ના આપતા હોઈએ??
અમારા અરબી ડ્રાયવરની એ ખડખડ-પાંચમ બસ પોતાની મંઝીલ કાપી રહી હતી. સપાટ મેદાનો પાછળ છૂટતા જતા હતા અને અમે કૂર્દીસ્તાનની નજીકને નજીક આગળ વધતા જતા હતા. રસ્તે આવતી એક પ્રાચીર પર બનેલા લોખંડના ઝુલતા એ પુલને પાર કરતા આજની સફરમાં અમને પહેલી વાર લીલોતરીથી ઢંકાયેલા પહાડોની સુંદરતાના દર્શન થયા. હવે બસ થોડી જ વારમાં અમે કૂર્દિસ્તાનની હદમાં હોઈશુ, દુનિયા આખીમાં આ એક જ જગ્યા એવી છે જે મને આત્મવિશ્વાસ અને આનંદ બંને આપી શકે છે. એ નાની ઉંમરે પણ મને લાગતુ કે મારુ સ્થાન માત્ર અહીં જ છે; ધૂળિયા બગદાદમાં નહી.
"મારુ પ્યારુ કૂર્દિસ્તાન" હું મોટેથી પણ સ્વગત જ બોલી ઉઠી, પેલા બંને કૂર્દિશ માણસો મારી સામે જોઈને મરકી ઉઠ્યા. અરબી ડ્રાઈવર ચીડથી કરાંજ્યો પણ કંઈ બોલ્યો નહી. ઉત્તરી ઈરાકને તેના મૂળ નામ -કૂર્દિસ્તાન-થી સંબોધવુ એ ગેરકાયદેસર ગણાતુ. પણ, મને ખબર હતી કે મારા જેવી નાનકડી છોકરી પર કોઈ કેસ નથી ચલાવવાનુ અને હમણા થોડી જ વારમાં અમારી આ કંટાળાજનક સફર પણ ખતમ થઈ જશે અને અમે અમારી પ્યારી નાનીમા - અમીના - ના ઘરમાં હોઈશુ.
કૂર્દિશ પહાડીઓની ઠંડકમાં અરબી બસ ડ્રાઈવરનો મિજાજ પણ જાણે ઠંડો પડ્યો હોય એમ લાગતુ હતુ. અમારા આશ્ચર્ય વચ્ચે એણે એના ઘોઘરા ટેપરેકોર્ડર પર કૂર્દિશ લોકગીતો વગાડવાના ચાલુ કર્યા, અને અમને બધાને પણ સાથે સાથે ગાવા માટે આગ્રહ કરવા લાગ્યો. બધાને ખબર હતી કે દેશદાઝની ભાવના પેદા કરે એવા કૂર્દિશ લોકગીતો ગાવાની અને સાંભળવાની મનાઈ હતી, જો કે ક્યારેક ક્યારેક બગદાદ રેડિયો પર પણ કૂર્દિશ લોકગીતો સાંભળવા મળી જતા હતા. પેલા બે કૂર્દમાંથી જે પીઢ હતો એણે ટેપરોકોર્ડરની સાથે-સાથે ગાવાનુ ચાલુ કર્યુ. આવુ કરવાનુ મને કંઈ સારુ ના લાગ્યુ પણ મને ખબર હતી કે એ ડાહ્તો માણસ સફરમાં કોઈ બીજી બબાલ ના થાય એના માટે જ આમ કરી રહ્યો છે એટલે મેં ય મારા મનથી એને માફ કરી દીધો. પણ, હું તો કંઈ એ છટકેલ ડ્રાઈવરના કહેવાથી ગાવાની નહોતી.
એકાદ કલાકમાં બસ ફરીથી ઉભી રહી, હવે પેલા બંને કૂર્દિશ લોકોને ઉતરવાની જગ્યા આવી ગઈ હતી. કૂર્દિશ રીતે એમણે અમને "આવજો" કીધુ. જમણો હાથ છાતી પર ડાબી તરફે હ્રદય પર રાખીને અને નીચા નમીને એમણે અમારા બધાની વિદાય લીધી અને બસમાંથી ઉતર્યા. એ લોકો જલ્દીથી પહાડની સોડમાં આવેલા એ નાનકડા સુંદર ગામ તરફ ચાલવા લાગ્યા. પહાડીના ઢોળાવો પર બનેલા એ ગામના ઘરોની બાંધણી ખુબ સરસ હતી, એકની ઉપર એક એક ઢોળાવો પર બનેલા એ મકાનોની છત પણ નીચી બનાવી હતી. ગામના ઘરો એકબીજાની એટલા બધા નજીક હતા કે જાણે એ ઘરોને જ પગથિયા બનાવીને આપણે ફટફટપહાડ પર ચડી જઈએ.
બે કૂર્દીશ મુસાફરોને ઉતારીને અમારી બસ આગળ ચાલી, હવે બસમાં અમે ચાર ભાઈ-બહેન અને અમારી કૂર્દીશ માતા એમ પાંચ જ જણ બચ્યા હતા અને અમારી મંઝીલ હતી સુલેમાનિયા. અત્યારસુધીમાં અમારી છ કલાકની સફર થઈ ચૂકી હતી; આગળ લગભગ ત્રણ કલાકનો રસ્તો હજુ બાકી હતો અને હવે અમને થાક પણ વરતાઈ રહ્યો હતો. ત્યાં તો અચાનક જ મેઈન હાઈવે છોડીને બસ એક નાનકડા ને અજાણ્યા રસ્તે ચાલવા લાગી; ડ્રાઈવરે પાછો કહે કે - આપણે આગળ થોભવુ પડશે.
મારી માને કંઈક અજૂગતુ લાગ્યુ અને એને ચિંતા થઈ આવી એટલે એ કૂર્દિશ ભાષામાં બરાડી ઉઠી 'આ શુ?? આ ક્યાં જઈ રહ્યા છીએ આપણે?' પણ એનો પ્રશ્ન અનુત્તર રહ્યો. એટલે મોટા ભાઈ રા'દે એ જ પ્રશ્ન અરબી ભાષામાં કર્યો; કારણકે, મારી માને અરબી બરાબર નહોતી આવડતી. તો ડ્રાઈવર બેફિકરાઈથી માથુ ધુણાવીને કહે 'પેસેન્જર લેવાના છે.... રેગ્યુલર પેસેન્જર, એ લોકોને પણ સુલેમાનિયા જવાનુ હોય છે.' રા'દે કૂર્દિશમાં મારી માતાને વાત સમજાવી. એણે સાંભળ્યુ પણ એનાં ભવા ચડી ગયા અને ગુસ્સામાં એના હોઠ વંકાયા. આવી અણધારી ઘટનાથી એ એકદમ નારાજ થઈ ગઈ હતી.
રસ્તો ય કાચો અને ખાડાખડિયા વાળો હતો. બસના ટાયરોથી ધૂળ ઉડતી હતી અને ખુલ્લી બારીઓમાંથી અંદર પણ બધુ ધૂળ-ધૂળ થઈ ગયુ, બધા ખાંસવા લાગ્યા. રા'દ એની સીટમાંથી ઉઠીને માની પાસે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા કંઈક વાત કરવા આવ્યો. પણ, એ જ સમયે અમને બંદૂકની ધણધણાટીનો અવાજ સંભળાયો.
ડ્રાઈવરે સજ્જડ બ્રેક મારીને બસ રોકી લીધી અને મારુ માથુ આગળની સીટ પર અથડાયુ. રા'દ પણ લથડિયુ ખાઈ ગયો અને સીટમાં ફસડાઈ પડ્યો એના મોં માંથી ય હાયકારો નીકળી ગયો. હું ખુબ જ ડરી ગઈ અને માની સામે જોવા લાગી, માએ ઈશારો કર્યો "જોઆના અહીં આવી જા". હું દોડીને એની તરફ ધસી ગઈ અને ઝીણી આંખે બારીની બહાર જોવા લાગી. ત્યાં કેટલાલ બંદૂકધારી માણસોની ટોળકી હતી અને ચોરીછૂપીથી એ લોકો અમારી બસ તરફ આવી રહ્યા હતા. આ બધુ શું બની રહ્યુ હતુ ??? મને કંઈ ખબર નહોતી પડતી.
ત્યાં તો બહારથી બૂમો પડવા લાગી "નીચે.. નીચે.. બધા બસની નીચે ઉતરો" સાદ પડતા જ ડ્રાઈવર સૌથી પહેલા કૂદકો મારીને ઉતરી ગયો. અમે પણ ઝડપથી એની પાછળ-પાછળ ઉતર્યા. રા'દે માની સામે જોયુ અને ગણગણ્યો "લુટારા". ઓહ... લુંટારા?? ત્યારે અમે તો લુંટાઈ જવાના, મારુ હ્રદય હવે જોરથી ધડકવા લાગ્યુ. જ્યારે અમે બસથી નીચે આવ્યા, તો મેં જોયુ કે પાંચ માણસો હથિયારો લઈને ઉભા છે, અને અમારી તરફ ગુસ્સાભરી નજરે જોઈ રહ્યા છે.
ઈરાકમાં કેટલાય લોકો ભયંકર નિરાશાભરી ગરીબીમાં જીવી રહ્યા છે; એવા કેટલાક લોકો આમ લૂંટફાટનો ધંધો કરતા હોય છે. સમાજના દરેક હિસ્સામાં આવા લૂંટારા હોય જ છે. અરે કેટલાક કૂર્દિશ લોકો પણ આવી હાઈવે પરની લૂંટફાટમાં સામેલ હોય છે. પણ, અમારી સામે બંદૂક તાણીને ઉભેલા આ લોકો તો ચોક્કસપણે કૂર્દિશ નહોતા. અને આ અરબી લૂંટારાઓ અમારા પર જરાય દયા પણ નહોતા બતાવવાના એ નક્કી; પછી ભલેને અમારા પિતાજી સર્વાંગ અરબી હોય. અરે કદાચ એવી ખબર પડે કે અમે અરબી બાપ અને કૂર્દીશ માના સંતાનો છીએ તો તો આ લોકો અમારા પર બમણા જોરથી દાઝ ઉતારે એવુ પણ બને.
એમનામાંનો એક લુંટારો ડ્રાઈવર પર તાડુકવા લાગ્યો. એમની વાતચીતની ઢબ જોતાં અમને તરતજ ખબર પડી ગઈ કે આ અરબી ડ્રાઈવર પણ એમની ટોળકીનો જ માણસ છે. લાગે છે કે એ ડ્રાઈવરનુ કામ જ એ હતુ કે આખા ઈરાકમાં ઘૂમીને ગમે ત્યાંથી સીધા-સાદા નિર્દોષ પેસેન્જરોને બસમાં બેસાડીને નક્કી કરેલી જગ્યાએ લૂંટાવા માટે લઈ આવવાના. પણ, લુંટારાઓની ચણભણ પરથી ખબર પડતી હતી કે એ લોકો ડ્રાઈવરથી ઘણા નારાજ છે, કદાચ એમને વધારે પેસેન્જરની અપેક્ષા હતી. એ ગમે તે હોય; એક વાત નક્કી કે આ લોકો અમને તો લૂંટી જ લેવાના છે. એ સમયે અચાનક જ મારા મનમાં બીજુ કંઈ નહીને મારી એ સુંદર મજાની કાળી ઢીંગલી ના વિચારો આવી ગયા. મારી ફાતિમા આન્ટી મારે માટે એ છીક લંડનથી લાવ્યા હતા. બાપુજીના નાના બહેન - અમારા ફાતિમા ફઈ - ખુબ જ હોંશીયાર લેડી છે અને સારી-ઉંચા હોદ્દાની સરકારી નોકરી પર છે. એ દેશ-વિદેશ ફરતા રહે તા હોય છે. અમે કોઈએ આવી સુંદર ઢીંગલી આ પહેલા ક્યારેય નહોતી જોઈ. સરસ મજાના લીસા કાળા પૉર્સેલીનની એ ઢીંગલી નમણો ચહેરો અને લાંબી દેહાકૃતિ ધરાવતી હતી. વળી પાછુ મેચિંગ અન્ડરપેન્ટ અને એની સાથે લીલા રંગનો સિલ્કી ડ્રેસ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતા. મારી એ ઢીંગલી બેનમૂન હતી અને ઘણી કિંમતી પણ હતી, એટલે જ મા હંમેશા કહેતી કે આ તો સાચવીને પેક કરી રાખવા જેવી જણસ છે; ક્યારેક કોઈ ખાસ પ્રસંગો એ જ બહાર કાઢવી જોઈએ. અહીં, કુર્દીસ્તાનની સફરે એને સાથે લેઈ જવા માટે મેં કેટલા દીવસો સુધી માને વિનવણી કરી હતી ત્યારે એ માંડ માંડ એને માટે તૈયાર થઈ હતી. મારે મારા કૂર્દીશ પિતરાઈઓને એ બતાવવાની ઘણી હોંશ હતી. માર્યા, હવે આ લૂંટારા મારી ઢીંગલી પણ લઈ લેશે તો?
નજર ઉપર કરીને માની સામુ જોયુ તો એના હાવભાવ પરથી સ્પષ્ટ જણાતુ હતુ કે એને મારી ઢીંગલી કરતા અન્ય વસ્તુઓની ચિંતા વધારે છે. અને બીજા બધા કરતા ય વધારે ચિંતા અમારી સલામતીની હતી. એણે પહેલાતો મુનાનો હાથ પકડીને એને પોતાની સોડમાં ઘાલી. મારી બહેન મુના નાનકડી હતી ત્યારથી એના રૂપની લોકો ખૂબ પ્રશંસા કરતા આવ્યા છે. ચોખ્ખા મધ જેવો સોનેરી વર્ણ, નાજૂક અને નમણી કાયા વાળી મુના કોઈને પણ ગમી જાય એવી સુંદર હતી. માને કદાચ એવો ડર પણ લાગી ગયો હોય કે આ લોકો નાનકડી મુનાને પત્નિ તરીકે ઉપાડી ના જાય. મુના ફરતે એક હાથ વિંટાળીને મા એ સા'દ અને રા'દ તરફ પણ સૂચક નજરે જોયુ - જાણે કહેતી હોય : "શાંતિ રાખવામાં જ મજા છે, એટલે શાંત રહેજો...."
મારી મા નો ડર કંઈ ખોટો નહોતો. લુંટારાઓ ચોક્કસપણે એમ માનવાને પ્રેરાઈ શકે એમ હતા કે આ બંને છોકરાઓ એમને માટે ખતરારૂપ થઈ શકે એમ છે. ખાસ કરીને મારો મોટો ભઈ રા'દ. એ ભલે હજુ પુખ્ત નહોતો થયો પણ એની છ ફૂટની કદ-કાઠી લુંટારાઓ પર ભારે પડી શકે એમ હતી. એનુ કદ અને બાંધો જોઈને કોઈને પણ એમ ના લાગે કે આ ફાઈટર નહી પણ ભણેશરી છે. એને ઠેકાણે મુનાનો જોડીયો ભાઈ સા'દ ચોક્કસ કંઈક બખડજંતર કરી શકે એમ હતો. એ રા'દ કરતા ઉંમરમાં નાનો હતો પણ કદ-કાઠીમાંતો એ પણ વધ્યો છે. સૌથી મોટી વાત એ હતી કે એ થોડો ગુસ્સાવાળો છે અને એનો પારો હંમેશા ઉપર જ ચડેલો હોય છે. આંખને ખૂણેથી મેં એ પણ જોઈ લીધુ કે એ એના બાવડા કસી રહ્યો છે, જાણે હુમલાની તૈયારી ના કરતો હોય.
લુંટારાઓ જો કે હજુ પણ પેલા ડ્રાઈવરની જોડે માથાકૂટમાં પડ્યા હતા. એ લોકો આવી રીતે સાવ બેકાર પેસેન્જર લઈને આવવા માટે ડ્રાયવર પર ખૂબ ચિડાયેલા હતા. ઠીંગણો અને બાંઠીયો લુંટરો જે બધાનો સરદાર હતો એ છેવટે આગળ આવ્યો અને પેલા ડ્રાઈવરની સામે પોતાની બંદૂક તાણીને એને ડારો દીધો. બીકણ ડ્રાઈવર પૂંઠ ફેરવીને ભાગ્યો ને એ ધૂળીયા રસ્તાને કિનારે આવેલી ઉંચી ઝાડીઓ તરફ ભાગ્યો. ખીજવાયેલા લુંટારાઓએ એની પાછળ, એના પગ પાસે જમીન પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. પોતાની પૂંઠે ગોળીઓની રમઝટ સાંભળીને પેલો દોડતો ડ્રાઈવર એકદમ જ ઉભો રહી ગયો; ફર્યો અને બૂમ પાડી -- "હે...ય, હે....ય" જાણે એના લુંટારા ભાઈબંધોને કહેતો હોય કે એમની બંદૂકોની ગોળીઓથી છટકવામાં એ સફળ રહ્યો છે.
સરદારે ફરીથી એને ડારો દીધો.. એટલે ડ્રાઈવરે બસને છાપરે ચડાવેલા અમારા ૮ મોટી બેગોના લગેજ સામે આંગળી ચીંધીને કહ્યુ "કદાચ તને આનાથી સંતોષ થાય; આ કૂર્દો પાસેથી કંઈક તો કિમતી સામાન નીકળશે જ".
મને જેનો ડર હતો એ છેવટે થઈને જ રહ્યુ. સરદારના હુકમથી એમાંના બે જણા અમારો સામાન ઉતારવા બસ પાસે આવ્યા. બંદૂકો બસની દિવાલને ટેકે મૂકીને એક જણો બીજાની મદદથી ઉપર ચઢી ગયો, ઉપર ગયા પછી એણે એના સાથીદારને પણ ઉપર ખેંચી લીધો. બંને જણાએ બસની છત પરથી અમારો સામાન ધડાધડ કરતો નીચે ફેંકવા માંડ્યો. પછી બેય કુદકો મારીને નીચે આવ્યા અને અમારા સામાનની બેગ એક પછી એક ખોલી-ખોલીને બધુ ફેંદવા લાગ્યા - કે કંઈક કિમતી ચીજ મળી આવે છે??
મેં જોયુ કે મારી મા એનો હાથ મોં પર દબાવીને ઉભી હતી. મારા ભાઈઓ અને બહેન મુના પણ આઘાતમાં સરી ગયા હતા; આમારા કપડાને બીજી અંગત ચીજ વસ્તુઓ આમથી તેમ ફંગોળાતી જોઈ રહ્યા હતા. એ લુટારાઓને આવા કશામાં રસ ના પડ્યો. અમારી પાસે આવી બધી ફાલતુ ચીજ વસ્તુઓ જોઈને એ બધા એવા તો ગુસ્સે ભરાયા કે એમણે બધુ હવે આમતેમ ચારેબાજુ ફેંકવા માંડ્યુ.
દૂર ઉભેલા પેલા ડ્રાઈવરે પણ અણગમાથી ખભા ચડાવ્યા; "આખરે છે તો કૂર્દ જ ને; એમની પાસે થી હીરા-જવેરાત થોડા નીકળવાના છે??" જાણે એના સાથીદારોની નારજગી માટે અમે જવાબદાર ના હોઈએ એમ એ અમારી સામુ ઘુરકવા લાગ્યો.
એક લુંટારુએ આગળ આવીને મારી મા ને પુછ્યુ - "તારી પાસે રોકડ કેટલી છે?" મારી મા એ એની હેન્ડબેગ ફંફોસીને કેટલાક સિક્કા કાઢ્યા અને નીચે રેતમાં નાખ્યા. મારી મા જ્યારે કૂર્દીસ્તાન જાય ત્યારે ક્યારેય પણ રોકડા પૈસા સાથે ના રાખે. એના પિયરીયા જ એની બધી જરૂરિયાત પૂરી કરે એટલે એને રોકડ રકમની ક્યારેય જરૂર જ ન પડતી.
આ બધુ ચાલતુ હતુ એમાં જ એક લુંટારાએ બેગમાંથી મારી પેલી કિંમતી ઢીંગલી નીચે ફંગોળી. મારા હોઠ વચ્ચેથી ચીસ નીકળી પડી અને કશી વાતની પરવા કર્યા વગર હું મારી ઢીંગલી બચાવવા એ ગુંડા તરફ દોડી ગઈ. મારી માએ ઘણી બુમો મારી -- "ના... જોઆના.. ના..." પણ કોઈનુ ય સાંભળ્યા વગર મેં દોટ મૂકીને મારી ઢીંગલી ઝડપી લીધી. જોયુ તો એના ચહેરા પર એકાદ નાનકડો ઘસરકો અને કપડામાં થોડી ધૂળ સિવાય ઢીંગલી સાવ નવી નક્કોર જ લાગતી હતી. પેલો ટાલિયો ડ્રાયવર મારી દિશામાં બંને હાથ પહોળા કરીને ભયજનક રીતે આગળ વધ્યો; પણ મેં ચીસ પાડીને ઢીંગલીને મારી પાછળ છુપાવી દીધી. લુંટારાના સરદારે ત્વરાથી અમારી સામે જોયુ અને ભારે અવાજે કીધુ -- "છોડી દો એને". હું પણ ધીમે ધીમે પાછી વળીને મારી માની પાછળ લપાઈ ગઈ.
છેવટે લુટારાઓએ અમારા સૌથી કિંમતી કપડા, સુલેમાનિયામાં અમારા સગાઓ માટે ખરીદેલી ભેટ-સોગાદો અને એવુ બધુ ભેગુ કર્યુ અને એ છ એ છ જણા અમારી સામે બરાડતા ને ગાળો દેતા બસમાં ચડી ગયા. જાણે અમે એમનો કિમતી સમય બરબાદ ના કર્યો હોય? પેલો ટાલિયો અરબી ડ્રાઈવર અમારી સામે એક છેલ્લી વાર ઘુરક્યો : "મૂરખા કૂર્દો...." જાણે કે અમે બગદાદમાં નાહ્દા બસસ્ટેન્ડમાં એની પર જે વિશ્વાસ મુક્યો એનો શિરપાવ ના આપતો હોય??
ખડખડ કરતી એ બસને હું જતા જોઈ રહી, એના ટાયરોથી ઉડેલી ધૂળથી અમારા શરીર પણ ધૂળ-ધૂળ થઈ ગયા. આ બાજુ બસ નજરથી ઓઝલ થઈને અહીં મેં રડવાનુ ચાલુ કરી દીધુ. મારી માને માટે તો સૌથી મોટી રાહત હતી કે આટલી મોટી આપદામાં એ અને એના બાળકો સહીસલામત છે. કદાચ એને લીધે જ એનુ ધ્યાન એ તરફ ના ગયુ કે હવે મારી પાસે આગળની સફર માટે કોઈ સાધન જ ન હતુ, ન હતુ કંઈ ખાવાનુ કે પછી પીવા માટે પાણી સુધ્ધાં નહોતુ; અને આવી પરિસ્થિતિમાં અમે આ ખતરનાક જંગલવાળા પહાડી ઈલાકામાં ફસાઈ ગયા હતા, જ્યાં જંગલી પ્રાણીઓનો ભય પણ ડગલે ને પગલે હતો.
રડતા-રડતા જ મેં આસપાસની ઝાડી પર નજર દોડાવી; મને ક્યાંકથી વરુ કે પછી શિયાળ કે જંગલી બિલાડીઓ દેખાવાની અપેક્ષા હતી. અને એમાનુ કંઈ ના હોય તો ઝેરી સાપ તો અહીં હોવા જ જોઈએ. બે ઉનાળા પહેલા કુર્દીસ્તાનમાં મને મારા એક તોફાની પિતરાઈ ભાઈએ સાપથી બિવડાવી હતી ત્યારનો મારા મનમાં સાપનો ડર ઘૂસી ગયો છે. એટલે હું તો બસ ડરીને ત્યાં ઉભી જ રહી ગઈ.
મારી મા અને ભાડુઓ ધુળિયા રસ્તા પર વિખરાયેલી પડેલી અમારી બધી ચીજ-વસ્તુઓ તપાસી રહ્યા હતા. પેલા લુટારુઓએ અમારી તૂટી-ફૂટી જર્જરીત ત્રણ બેગો જ છોડી હતી, યંત્રવત્ વધ્યો-ઘટ્યો વિખરાયેલો સામાન જેમ તેમ કરીને અમે એમાં ઠાંસ્યો.
"લાગે છે નજીકમાં જ કોઈ ગામ હશે.." મા એ ઘણીવાર પછી શાંતિભંગ કરતા કહ્યુ. "મેઈન રોડ પણ કંઈ દૂર નહી હોય" જે દીશામાંથી અમે આવ્યા હતા એ જ દીશામાં આંગળી ચીંધતા રા'દ ધીમે સાદે બોલ્યો. સા'દનો મિજાજ તો એટલો બગડેલો હતો કે એ કંઈ બોલવાની સ્થિતિમાં જ નહોતો, એના ગળામાંથી અસ્પષ્ટ ઘરઘરાટી જેવા અવાજો નીકળ્યે જતા હતા. અને મુના પણ મારી જેમ જ રડવા લાગી.
રા'દ અને સા'દે એ ત્રણ બેગો ખભે નાખી અને અમે રસ્તાની બરાવર વચ્ચે એક લાઈન બનાવીને ચાલવા લાગ્યા. પથરાળ જમીન, ઝાડી અને કાંટાળા ઝાંખરાને કારણે સાઈડ પર ચાલવુ શક્ય પણ નહોતુ. અને ઝેરી સાપોની બીકને લીધે હું તો રોડની બરાબર વચ્ચે અને લાઈનમાં પણ વચ્ચોવચ ચાલતી હતી. મારા હાથમાં મારી પ્યારી કાળા પોર્સેલીનની ઢીંગલી હતી અને મારી આગળ બે જણ અને પાછળ બે જણ ચાલતા હતા.
થોડીવારે મુના પણ રડવાનુ મૂકીને શાંત થઈ ગઈ, અને મારી ઢીંગલી ઉંચકવાની જવાબદારી પણ એણે લઈ લીધી; આમેય તે મને હવે એનો ભાર લાગવા લાગ્યો હતો. જુલાઈ મહીનાનો સૂરજ માથે ચઢ્યો હતો મને હવે ગળે શોષ પડવા લાગ્યો હતો, જીભ તાળવે ચોંટી ગઈ હતી. અમારુ પાણી તો પેલી બસમાં રહી ગયુ હતુ ને અમારી પાસે હવે પીવા માટે કંઈ નહોતુ. કુર્દીસ્તાનની આ પહાડીઓ પરથી કેટલાય મીઠા ઝરણા વહે છે પણ આ ગાઢ ઝાડીઓની વચ્ચે એવુ શોધવાની કોઈને પડી નહોતી. મને મારી નાનીમા અમીનાના ઘરનુ મીઠુ મજાનુ દ્રાક્ષનુ શરબત અત્યારે યાદ આવતુ હતુ. ઉપર ઉંચી પહાડીઓ પરથી લાવેલા બરફથી ઠંડુ કરેલા એ શરબતના સ્વાદની તોલે દુનિયાની કોઈ વસ્તુ ના આવે. સુલેમાનિયામાં પહાડીની ટોચ પરથી લાવેલો એ શુધ્ધ-તાજો બરફ મળતો હોય છે. અમારી ચિકન સેન્ડવીચ પણ અમારી એ બસમાં જ રહી ગઈ અને અમે એને ક્યારયનાય ભૂલી ગયા હતા. મને તો અત્યારે નાનીના ઘરની તાજી બનાવેલી બ્રેડ અને મસાલા ભરેલી ચીઝ ખાવાનુ મન થયુ હતુ.
ચાલતા ચાલતા મારા પગ પણ હવે ગરબા ગાવા લાગ્ય હતા, મારાથી એક ડગલુ પણ હવે આગળ ચલાય એમ ન હતુ અને બરાબર એ જ સમયે અમને કોઈ મોટર એન્જીનનો અવાજ સંભળાયો. ટેકરીની ટોચ પરથી એક લાલ ટ્રેક્ટર આવતુ દેખાઈ રહ્યુ હતુ. કોઈ ખેડૂત ડ્રાઈવર સીટ પર બેઠેલો હતો, એના કપડા પરથી મેં એને તરત જ ઓળખી કાઢ્યો કે એ કોઈ કૂર્દીશ ખેડૂત છે.
અમને જોઈને ખેડૂતને પણ અમારા જેટલી જ નવાઈ લાગી હતી. ટ્રેક્ટરનુ એન્જીન તો એણે બંધ કર્યુ પણ ટ્રેક્ટર એમને એમ ચાલવા દીધુ; ચાલુ ટ્રેક્ટરે જ અમારી તરફ શંકાશીલ નજર નાખીને પૂછ્યુ :"તમે લોકો અહીં શું કરી રહ્યા છો?" રા'દ આગળ વધ્યો અને અમારી પરિસ્થિતિથી એ ખેડૂતને પૂરેપૂરો વાકેફ કર્યો. ખેડૂતની શંકા હવે દયભાવમાં પલટાઈ ગઈ અને એણે રા'દને હવે અમારા કુટુંબ વિષે પુછવાનુ ચાલુ કરી દીધુ. કેવો આશ્ચર્યજનક સંયોગ હતો?? આ કુર્દીશ ખેડૂત 'હાદી'ના કાકા હતા; આ હાદી એટલે એ જ વ્યક્તિ જેણે મારા જન્મ સમયે મારુ નામ સુચવ્યુ હતુ અને જેના લગ્ન પછીથી મારી મોટી બહેન આલિયા સાથે થયા હતા.
ખેડૂતે હવે ટ્રેક્ટર રોકીને જમીન પર કૂદકો માર્યો "લ્યો આજે તો મને તમારી મદદ કરવાનો મોકો મળ્યો છે ને કંઈ; બેસી જાવ મારા ટ્રેક્ટર પર અને ચાલો આપણે ઘરે", એણે અમને આમંત્રણ પણ આપી દીધુ "તમે આજની રાત મારે ઘરે આરામથી સૂઈ શકો છો, તમે તો અમારા મહેમાન છો."
ખરેખર કુદરતે જ અમને બચાવી લીધા કહેવાય.
એ ખેડૂત, રા'દ અને સા'દે ભેગા મળીને અમારો સામાન ટ્રેક્ટર પર લાદ્યો. ખેડૂત કહે 'બધા પોતપોતાની રીતે સલામત જગ્યા શોધીને બેસી જાવ'. અને અમે કેવી વિચિત્ર રીતે એ ટ્ર્ક્ટર પર ગોઠવાયા?? હું ફીંડલુ વળીને ડ્રાઈવરની સીટની પાછળની સીટમાં બેઠેલી માની ગોદમાં સમાઈ ગઈ, મુના અને સા'દ ટ્રેક્ટરના ટાયરના કવરો પર ગોઠવાયા અને રા'દ આગળ એન્જીન પર બેઠો. રા'દ કુટુંબની સુખાકારી માટે ગમે તેવો ભોગ આપે એવો વ્યક્તિ હતો. અમારામાંથી કોઈને એ ગરમા-ગરમ એન્જીન પર ના બેસવુ પડે એટલે જ એણે ત્યાં બેસવુ પસંદ કર્યુ હતુ. ખેડૂતે એન્જીન સ્ટાર્ટ કર્યુ અને અમારી સવારી ફરી એકવાર ચાલી નીકળી. જુલાઈ મહિનાનો સૂરજ તો એવોને એવો જ તપતો હતો અને ગરમી યે લાગતી હતી પણ હવે અમે વાહનમાં સવાર હતા એટલે હલકો હલકો પવન પણ લાગતો હતો અને અમારે માટે એ લક્ઝરીથી કંઈ કમ ન હતો.
જ્યારે મેં આગળ ફરીને રા'દની સામુ જોયુ તો મારુ હસવાનુ રોકાયુ નહી. એની બેસવાની રીત એવી હતી જાણે કોઈ ઘોડેસ્વાર રેસ જીતવાની તૈયારીમાં હોય. અંતે અમે સુખરૂપ પહોંચી જ ગયા. ઠંડી હવાની લહેરખીઓ મારા લાંબા વાળ સાથે રમતી હતી અને મેં માથુ ઉંચુ કરીને એ કુર્દીશ હવા મારા નાકમાં ભરી લીધી.. એમાંથી કુર્દીશ-સ્વતંત્રતાની ખુશ્બુ આવતી હતી.
પ્રકરણ-૧ સમાપ્ત
ક્રમશ: પ્રકરણ-૨.