આસ્થા - ઇન ધ પ્રીઝન ઑફ સ્પ્રીંગ (૧૯૯૭)
‘‘આસ્થા’’ બાસુ ભટ્ટાચાર્યની એવી ફિલ્મ જેની બૌધિક વર્ગમાં ઊંડાણથી ચર્ચાઓ થઇ. તેઓ દાંપત્ય જીવનનો એક નવો જ વળાંક દર્શાવે છે. આમ પણ એમની ફિલ્મો દાંપત્ય જીવનના ઊંડાણને સ્પર્શતી જ હોય છે. દાંપત્ય કયા કારણે ખંડિત થાય અને કેવી રીતે સાચવી લેવાય એ કથા અહીં ઉજાગર કરાઇ છે. ફિલ્મ
નિર્માતા : બાસુ ભટ્ટાચાર્ય
કલાકાર : રેખા-ઓમ પુરી-દિનેશ ઠાકુર-અન્વેષા ભટ્ટાચાર્ય-સાગર આર્ય-ડેઇઝી ઇરાની-નવિન નિશ્ચલ-શ્રુતિ પટેલ-ઇશીતા માંજરેકર-કોનિકા બાજપાઇ
કથાઃ બાસુ ભટ્ટાચાર્ય
પટકથા : બાસુ ભટ્ટાચાર્ય-ગૌરવ પાંડે
સંવાદ : દિનેશ ઠાકુર
ગીત : ગુલઝાર
સંગીત : સારંગ દેવ
ગાયક : શ્રીરાધા બેનર્જી-વિનોદ રાઠોડ-સાધના સરગમ-રામ શંકર-વિદા જોઝાણી
ફોટોગ્રાફી : દિલીપ મુખર્જી-ખોકોન ભાદુરી
ઍડીટીંગ : શૈલેશ શેટ્યે
ડિરેકશન : બાસુ ભટ્ટાચાર્ય
કથા : મુંબઇમાં અમર(ઓમ પુરી) અને માનસી(રેખા) રહે છે. આ પ્રેમાળ દંપતિ છે. એમની સ્કૂલમાં ભણતી એક તેજસ્વી પુત્રી નીતિ(શ્રુતિ પટેલ) છે. કૉલેજમાં ભણાવતો અમર પ્રેમ વિશેના તદ્દન અલગ વિચારો ધરાવે છે. રોમીયો-જુલીયેટની કથાને એ પ્રેમકથા ગણતો જ નથી. એ કહે છે ‘‘પ્રેમ કહાનીયાં લીખી નહીં જાતી, કહી નહીં જાતી, જી જાતી હૈ. જૈસે રોજમરાહ કી જીંદગી મેં આપ ઔર હમ જીતે હૈ. પ્રેમ એક સાથ મરને કે લીએ નહીં, જીંદગીભર એક સાથ જીને કી કહાની હૈ. અગર ગૌર સે દેખે તો ઈસમેં અકેલે અકેલે ઝૂઝને ઔર એક સાથ મરને કી કહાની હૈ. ઐસા લૈલા-મજનુ ઔર શીરી-ફરહાદ મેં ભી હૈ. વો ભી લવ સ્ટોરીઝ નહીં. યે અસલ મેં સડતે હુએ સામંતવાદ કા સીલસીલા હૈ.’’ અમરના લેકચર વિશે વાત કરતાં વિવેક (સાગર આર્ય) નામનો વિદ્યાર્થી અમિતા (અન્વેષા ભટ્ટાચાર્ય) નામની વિદ્યાર્થીની ને કહે છે ‘‘પ્યાર બારીશ મેં એક સાથ ભીગને કા ઔર એક સાથ સૂખને કા નામ હૈ. એક દૂસરે કો સમજને કા નામ હૈ.’’
પ્રોફેસરના પગારમાંથી માનસી ઘર ચલાવતાં સતત ખેંચ અનુભવતી હોય છે. પુત્રીના શૂઝ ફાટી ગયા છે. બ્રાન્ડેડ શૂઝ માટે બજેટ નથી. પુત્રી પિતાને શૂઝ માટે કહે છે. એમનો દિનેશ નામનો એક મિત્ર છે. અમર અને દિનેશ ત્રણેક દિવસ માટે અહમદનગર જવાના છે. ડિનર ટેબલ પર એ વિશે વાત કરતાં અમર માનસીને અહમદ નગર જવાનું પ્રયોજન કહે છે. અહમદ નગર પાસે માડી નામના સ્થળે ગુરૂ કાનિફનાથનું મંદિર છે. અહીં નાથ સંપ્રદાયના લોકો નમે છે. એ લોકો ગધેડાઓ દ્વારા નિર્વાહ કરે છે. આમ તો તેઓ રખડુ-વણઝારા જ છે. એ લોકો લગ્ન કરવા સ્ત્રીઓને ખરીદે છે. અહીં દર વર્ષે મેળો ભરાય છે. એમના વાંધાઓનો ફેંસલો પંચાયત ન કરી શકે ત્યારે તેઓ અહીં આવે છે. એક રીતે આ એમની સુપ્રીમ કોર્ટ છે. એમની એ પણ માન્યતા છે કે કાનીફનાથના મંદિરમાં કોઇ ખોટું ન બોલી શકે. ફેંસલો સંભળાવવા સરપંચ બેસે. કહેવાય છે કે સરપંચના દેહમાં કાનિફનાથનો આત્મા પ્રવેશે છે. અને એમણે આપેલો ફેંસલો પૂર્ણ જ્ઞાતિએ માન્ય રાખવો પડે છે. અહીં ઘણા દિલચશ્પ કિસ્સાઓ આવે છે. આવો એક કિસ્સો એક સ્ત્રીનો છે.... રાત્રે સૂતા પહેલા અમર અને માનસી આર્થીક તંગીની ચર્ચા કરે છે. માનસી અમરને એક ટ્યુશન કરવાનું કહે છે. અમર માનસી અને નીતિ માટે ફાળવેલો સમય કમાવવા માટે વેચવાની ના પાડે છે.
સવારે માનસી અમરને દહીના શુકન કરાવી વિદાય કરે છે. એ દિવસે અમર, માનસી અને નિતીના જીવનમાં અલગ અલગ ઘટનાઓ ઘટે છે. નીતિ એની બહેનપણી સાથે પીકનીકે જાય છે અને માનસીને થોડો આર્થિક ઘસારો પહોંચે છે. માનસી નીતિ માટે શૂઝ લેવા જાય છે. એ એક શૂઝ પસંદ કરે છે પણ પુરતા પૈસા ન હોતાં ખરીદી માંડી વાળે છે. એની અને સેલ્સમેનની વાત ત્યાં બેઠેલી રીના (ડેઇઝી ઇરાની) સાંભળી લે છે. રીના દેહનો વ્યાપાર કરનારી સ્ત્રી છે. એ સામ-દામ-દંડ અને ભેદ જાણે છે. એ માનસીને શૂઝ માટે ખૂટતા પૈસા આપીને એનું મન જીતી લે છે. એ માનસીને લંચ માટે વૈભવશાળી હૉટેલમાં લઇ જાય છે. રસ્તામાં રીના માનસીનું માનસ પલટાવવા સ્ત્રીના દેહ લાલિત્યની વાતો કરે છે. માનસીના દેહને ઉપમાઓ આપી વખાણે છે. માનસી મને-કમને સાંભળતી રહે છે. હૉટેલનો વૈભવ જોઇ માનસી અવાચક થઇ જાય છે. રીના એને પોતાના સ્યુટમાં લઇ જઇ લંચનો ઓર્ડર આપે છે. માનસી બાથરૂમમાં જાય છે ત્યારે રીના એક ગ્રાહક મી. દત્ત (નવિન નિશ્ચલ) ને ફોન કરી માનસી માટે હૉટેલ પર બોલાવે છે.
મી. દત્તહૉટેલના સ્યુટ પર પહોંચે છે. એ જમાનાનો ખાધેલ માણસ છે. રીના એની ઓળખાણ માનસી સાથે કરાવે છે. મી.દત્ત સુંદર વાતો કરી માનસીને રીઝવે છે. માનસીની નિકટ આવવાના પ્રયત્નો કરે છે. માનસી પહેલા તો દાદ નથી દેતી પણ ‘કામ-કુશળ’ એ માણસ માનસીને રીઝવવામાં મણા નથી રાખતો. માનસી એના કાબુમાં આવી જાય છે. એ દિવસે અનિચ્છાએ દબાણમાં આવતાં માનસીનો વર્તમાન ખરડાય છે.
અમર અને દિનેશ મેળાના સ્થળે પહોંચે છે. જતાં જ તેઓ ઢોલ-નગારાના તાલે ધુણતા અને ખુદને કોરડા મારી સ્વપીડન કરતા આદિવાસીને જુએ છે. અહીં વેચાણ માટે ઘણા ગધેડાઓ પણ લવાયા છે. બન્ને મિત્રો કનીફનાથના મંદિર બહાર ભરાતી સભામાં પહોંચે છે. અહીં કમલી નામની સ્ત્રીના કિસ્સાની સુનવણી થવાની હોય છે. એના બે દાવેદાર છે. મંગરુ અને જયસીંઘ. મુખી જયસીંઘને પોતાની વાત કહેવાનો આદેશ આપે છે. જયસીંઘ કહે છે : જ્ઞાતિનો દરેક માણસ કમલીને ખરીદવા માગતો હતો. આમ થવાથી કમલીના બાપે એની કિમત વધારી મૂકી હતી. જયસિંહે એકાવન ગધેડા વેચીને કમલી ખરીદી હતી. પૈસાની ખેંચ પડવાથી એણે કમલીને મંગરુના હાથમાં સોંપી. મંગરુને એ સારો માણસ ગણતો. એમની વચ્ચે શરત એ હતી કે મંગરુ કમલીને સાચવશે અને કમલી એની સેવા કરશે. જયસીંઘ કમાવવા પરદેશ ચાલ્યો ગયો. એ દોઢ વરસે કમાઇને પાછો ફર્યો ત્યારે કમલીને છ મહિનાનો ગર્ભ હતો. જયસીંઘને આ વાત માન્ય ન્હોતી. એને તો એ જ રૂપાળી કમલી જોઇતી હતી જે એણે મંગરુને સોંપી હતી. જયસીંહે બાળક સ્વીકારવાનો પણ સાફ ઇન્કાર કર્યો, કારણ કે બાળક એનું ન્હોતું.
મંગરુને જુબાની આપવાની આવી. એણે કહ્યું કે એણે કમલીના બદલામાં પૈસા આપ્યા. એની દેખભાળ કરી. હવે કમલી ગર્ભ ધારણ કરે તો મારો શો ગુનો ? મુખીએ કમલીની ઇચ્છા જાણવા એને કશુંક કહેવા કહ્યું. કમલી પહેલા તો ખડખડાટ હસી પડી. એણે કહ્યું : ‘‘હસું નહીં તો ક્યા કરું ? યે કાનીફનાથ ક્યા પૂછ બૈઠા ! ઔરત ક્યા ચાહતી હૈ ? ઇસ બાબત પર કભી બિરાદરીમેં ચર્ચા હુઇ હૈ ? જીસ્મની તાકત પર રાની યા નોકરાની બનકર જીનેવાલી ક્યા ચાહતી હૈ ? બાપને બેચા, નહીં પૂછા, ઇસને ખરીદા, નહીં પૂછા, ઉસને રખા, નહીં પૂછા. ઉસને રખ લીયા, નહીં પૂછા. પતીલીથી -ચૂલા બદલતી રહી. આજ અચાનક મેરા મત ક્યોં ?’’ મુખી : ‘‘અબ તું ચુલા બદલનેવાલી પતીલી નહીં હૈ. બેચને-ખરીદનેવાલા જીસમ ભી નહીં હૈ તુ. આજ તુ મા બનનેવાલી ઔરત હૈ. ઇસ લીયે તેરા મત હૈ. બતા ક્યા ચાહતી હૈ તુ ? કમલી : ‘‘અગર ઐસા હી હૈ તો કાકા, તો મૈં જહાં હું વહીં રહેના ચાહતી હું.’’ મુખી : ‘‘અચ્છા, તો વો માલદાર હૈ ઇસ લીયે ?’’ કમલી : ‘‘હાં, યહી સહી હૈ. કાનીફનાથ કે સ્થાન પર કોઇ જૂઠ નહીં બોલ સકતા. લેકીન સીર્ફ યે બાત નહીં હૈ. યે આદમા મેર પતિ સે અચ્છા હૈ. ઔર મેરે પેટમેં ઇસકા બચ્ચા ભી હૈ.’’
મુખી નિર્ણય લે છે. જયસીંઘ પાસેના પૈસા એ મંગરુને અપાવે છે. મંગરુને આદેશ આપે છે કે આ પૈસાથી, અને જરૂર પડે તો એમાં બીજા પૈસા ઉમેરીને જયસીંઘને જેવી કમલી જોઇએ એવી ખરીદી આપવી. અમર અને દિનેશને મુખીનો આ નિર્ણય ગમે છે.
એ સાંજે રીના માનસીને એના ઘરે મૂકવા જાય છે. રીના એને સમજાવે છે કે એણે જે કાંઇ કર્યું એ ખોટું નથી. એ એના જીવનની આવશ્યક્તા હતી. રીના માનસીને ઘરે ઉતારી એનું ઘર જોઇ લે છે. સાંજે નીતિ શૂઝ જોઇને ખુશ થઇ જાય છે. માનસી શરીર ચોળી ચોળીને નહાય છે જાણે શરીર પર લાગેલું કલંક દૂર કરતી હોય. એના આંસુ શાવરમાંથી પડતા પાણી સાથે વહી નીકળે છે. એના પતનની બધી ક્ષણો એને યાદ આવે છે. એ રાતે અજંપો એને સૂવા નથી દેતો. દત્ત પાસેથી મળેલી નોટોથી જાણે છૂટકારો મેળવવો હોય એમ બરણીમાં સંતાડી દે છે. રાત્રે વરસતો વરસાદ એને જંપવા નથી દેતો. પશ્ચાતાપની આગ ઠારવા એ બગીચામાં ભીંજાતી ગાય છે : તન પે લગતી સાંસ કી બુંદેં... સંકોરાય છે જાણે ખુદમાં પ્રવેશતી હોય.
રાત્રે અમર પાછો આવે છે. માનસી એને ભૂલ થઇ હોવાની વાત કરે છે. અમર લાઇટ કરે છે ત્યારે માનસી એને અંધારું રહેવા દેવા કહે છે. અમર લાઇટ કરીને કહે છે : ‘‘અંધેરે કી ગલતીઓં કો ઉજાલે મેં કબૂલ કરના ચાહીએ.’’ મથામણ કરતી માનસી જૂઠ્ઠું બોલી કહે છે કે એણે નીતિ માટે મોંઘા બૂટ ખરીદ્યા છે. એ રાત્રે અમર સાથે દાંપત્ય જીવનના હક્કો માણતાં માનસીને ભૂલનો પ્રસંગ યાદ આવી જાય છે. એની આંખો વહી નીકળે છે. જાણે પરાણે એ લગ્નજીવનના હક્ક ભોગવતી હોય.
બીજા દિવસે કૉલેજના કલાસમાં ડેસ્ડામોના અને ઓથેલોની વાત આગળ ચલાવતાં અમર વિદ્યાર્થીઓને કહે છે : ‘‘પુટ આઉટ ધ લાઇટ એન્ડ ધેન પુટ આઉટ ધ લાઇફ. ધ ફેક્ટ રીમેઇન. ડેસ્ડામોના કા ખૂન સોચ સમજકર કીયા ગયા થા.’’ વિદ્યાર્થી : ‘‘ખૂન સર ! ઓથેલો કો ડેસ્ડામોના કી બેવફાઇ પર પૂરા પૂરા યકીન હો ગયા થા.’’વિદ્યાર્થીની : ‘‘ઔર વો સર ઉસસે બેહદ પ્યાર કરતા થા.’’ અમર : ‘‘બેવફાઇ કી સઝા મૌત હોતી હૈ ક્યા ? જરા સોચ કર દેખો. ક્યા ઓથેલો ડેસ્ડામોના કો સચમુચ પ્યાર કરતા થા ? નહીં. ડેસ્ડામોના ઉસકે લીયે સીર્ફ પત્નીથી. અપને આપ મેં કૂછ ભી નહીં. વો ડેસ્ડામોના સે પ્યાર નહીં કરતા થા. વો અપને પ્યાર સે જ્યાદા પ્યાર કરતા થા. યે સોચકર કી ડેસ્ડામોના ઉસકી હૈ, સીર્ફ ઉસકી. અભી પરસોં નરસોં અખબારમેં આયા કી અજમેર કે એક આદમીને ઉસકી પત્ની કા ખૂન કર દીયા. યે સોચકર કી વો બેવફાથી. તો ઇસકા મતલબ આજ ભી ઓથેલો ડેસ્ડામોના કા ખૂન કર રહા હૈ. કાનૂન ન સહી, લેકિન સમાજ ઓથેલો કે સાથ હૈ.’’ વિદ્યાર્થી : ‘‘લેકીન સર ઓથેલોને તો અપને હિસાબ સે ડેસ્ડામોના કો બેવફાઇ કી સઝા દી થી.’’ અમર : ‘‘યે સઝા હમારી નિગાહોં કેં ખૂન-મર્ડર હોના ચાહીએ.
અઠવાડિયા પછી કાનીફનાથના કમલીના અનુભવ પરથી લખેલા નાટકના રીડીંગ માટે અમરના ઘરે વિદ્યાર્થીઓ ભેગા થાય છે. અમર નાટકનું પઠન કરે છે. માનસી ઊભી ઊભી સાંભળે છે. એ બપોરે રીના માનસી પાસે આવે છે. એને ફરી સમજાવે છે. માનસી સખત ભાષામાં ઇન્કાર કરે છે. પણ રીનાનું વ્યક્તિત્વ એના પર હાવી થઇ જાય છે. રીના હળવી ધમકી સ્વરૂપે કહે છે કે ગ્રાહકે તો માનસીનું ઘર જોઇ લીધું છે. હમણાં જ એ શૉફર ડ્રીવન કાર મોકલશે. કારનું હોર્ન વાગે છે. રીના માનસીને તૈયાર થઇ જવા આદેશ આપે છે. રીનાથી વશીભૂત થયેલી માનસી એનો આદેશ માથે ચઢાવે છે. માનસીનું ફરી પતન થાય છે.
માનસી પાછી ઘરે ફરે છે. રાત્રે એ નવા ઇયરરીંગ અમરને બતાવે છે. એ અમરને વાંચવા નથી દેતી, પ્રેમ કરે છે. માનસી એટલી ઉશ્કેરાયેલી છે કે એ આક્રમક થઇ અમરને ભોગવે છે. પ્રેમની પદ્ધતિમાં ઘણો બદલાવ આવી ગયો છે. અમર પૂછે છે : ‘‘યે સબ કહાં સે સીખા તુમને ?’’ માનસી બ્લુ ફિલ્મ જોઇ હોવાની વાત કરે છે. અમર એને બ્લુ ફિલ્મો જોવાની મનાઇ કરે છે.
બીજા દિવસે અમરની સ્ટુડન્ટ અમીતા ફાઇવ સ્ટાર હૉટેલની બુકશોપમાં બુક ખરીદતી હોય છે ત્યારે રીના અને માનસીને જુએ છે. એને રીના સાથે માનસીને જોતાં નવાઇ લાગે છે. રીના માનસીને મોડા પડવા બદલ ધમકાવતી હોય છે. અમીતા આ વાત કહેવા કૉલેજમાં અમર પાસે પહોંચે છે પણ વાત કહી નથી શક્તી. એક દિવસ અમીતા અમરના ઘરે જઇ માનસીને રસોઇ બનાવતાં શીખવાડવાની વાત કરે છે. કહે છે કે ‘‘સર પાસે તો ઘણું શીખી, હવે તમારી પાસે શીખવું છે.’’ માનસી એને શીખવાડવા માની જાય છે. રાત્રે અમરના ઘરે કમલીની વાત ધરાવતા નાટકનું પઠન છે. બધા વચ્ચે કમલીના હાસ્યની ગંભીર ચર્ચા થાય છે.
એક દિવસ દિનેશ, એની પત્ની, અમર અને માનસી ચાયના ગાર્ડન હૉટેલમાં જમવા જાય છે. ત્યાં રીના આવી ચઢે છે. એ ટેબલ પર જઇ માનસીની મિત્ર તરીકે પોતાની ઓળખ આપે છે. અમર નવાઇ પામે છે. માનસી ગુનાહિત મને નખ ચાવે છે. એ રાત્રે માનસી ફરી અસ્વસ્થ છે. અમર અને માનસી વચ્ચે વાતચીત થાય છે. અમર : ‘‘ક્યા હુઆ ? હં, ક્યા બાત હૈ માનસી ? સપના દેખ રહીથી ? હાં, અચ્છા થા, બૂરા થા ? ક્યા દેખા સપને મેં ? મુઝે દેખા ?’’ માનસી : ‘‘હાં. તુમ્હે દેખ રહી થી. દીખાઇ નહીં દે રહે થે તુમ. સીર્ફ આવાઝ સુનાઇ દે રહી થી -તુમ્હારી.. અમર : ‘‘કહાં સે ?’’ માનસી : શહર કે ઉસ તરફ સે, દૂસરે કોને સે. જીધર સે ભી દેખ રહી થી, ઊંચી ઊંચી બીલ્ડીંગ બીચમેં આ જાતી થી. મૈં ઉપર ઉડતી તો, વો બીલ્ડીંગેં ઔર ઊંચી હો જાતી.’’ અમર : ‘‘હં, ઐસા સીન તો હેલીકોપ્ટર પર ચઢ કર દેખના પડેગા.’’ માનસી : ક્યોં ? મૈ ઝમીન પર પાંવ રખકે તુમ્હે નહીં દેખ સક્તી ? કીતને દૂર હોતે જા રહે હો.’’ અમર : ‘‘પગલી, કહાં દૂર હોતે જા રહા હું.’’ માનસી : ‘‘ઔર નહીં તો ક્યા ? લગતા હૈ, લગતા હૈ જૈસે શહર અબ મેરે હાથ-પૈરોં મેં ઉગને લગા હૈ. હમ દોનો ભટક રહે હૈ અમર નહીં ?’’ અમર : ‘‘હું, મૈં ઇસ ઝમીં પે ભટકતા હું, કીતની સદીઓં સે. ગીરા હૈ વક્ત જો કટકે લમ્હા ઉસી તરહ. વતન મીલા તો ગલી કે લીયે ભટકતા રહા. ગલી મેં ઘરકા નીશાન ઢુંઢતા રહા બરસોં. તુમ્હારી રૂહ મેં, અબ જીસ્મ મેં ભટકતા હું. તુમ્હી સે જન્મું તો શાયદ મુઝે પનાહ મીલે.’’ બન્ને એકમેકમાં સમાઇ જાય છે.
માનસી ગીત ગાય છે અને અમર પંક્તિઓનું પઠન કરે છે.
માનસી : લબોં સે ચૂમ લો, આંખોં સે થામ લો મુઝ કો
તુમ્હી સે જન્મું તો શાયદ મુઝે પનાહ મીલે.
અમર : સો સૌંધે સૌંધે સે જીસ્મ જીસ વક્ત એક મુઠ્ઠીમેં સો રહે થે
બતા ઉસ વક્ત મૈં કહાં થા, બતા ઉસ વક્ત તુ કહાં થી ?
માનસી : મૈં આરઝુ કી તપીશ મેં પીઘલ રહી થી કહીં,
તુમ્હારે જીસ્મ સે હોકર નીકલ રહી થી કહીં.
બડે હસીન થે... રાહ મેં જો ગુનાહ મીલે...
અમર :તુમ્હારી લૌ કો પકડ કર જલને કી આરઝુ મેં
અપની હી આગ સે લીપટ કે સુલગ રહા થા
બતા ઉસ વક્ત મૈં કહાં થા, બતા તો ઉસ વક્ત તુ કહાં થી ?
માનસી : તુમ્હારી આંખો કે સાહિલ સે દૂર દૂર કહીં
મૈં ઢુંઢતી થી મીલે ખુશ્બુ કા નૂર કહીં
વહીં રુકી હું જહાં સે તુમ્હારી રાહ મીલે....
બીજા દિવસે બપોરે માનસી શણગાર સજી તૈયાર થાય છે. માનસી હવે લીપસ્ટીક, આઇ-બ્રો, પરફ્યુમ વગેરે મોંઘા પ્રસાધનો વાપરવા લાગી છે. છતાં એ ચાંદલો કરવાનું ભૂલતી નથી. ચહેરા પર પડેલા ઝીણા ડાઘ ભૂતકાળ ભૂસતી હોય એમ સખ્તાઇથી લૂછી નાખે છે. રીના એને જ્વેલર પાસે લઇ જઇ મોંઘી હિરાની વીંટી અપાવે છે. દુકાનના ફોરગ્રાઉન્ડમાં ગણપતિની મૂર્તિને જોતાં લાગે છે જાણે આ ગુનો એમની સાક્ષીએ થતો હોય.
યુનિવર્સીટીમાંથી છૂટી દિનેશ અને અમર ઓવલ મેદાનમાંથી પસાર થતા હોય છે. એમની સાથેના પ્રોફેસરો શેર માર્કેટની વાતો કરતા જતા હોય છે. અમરને આ બાબત નથી ગમતી. એ કહે છે :‘‘જબ મૈં બમ્બઇ આયા થા, યુનિવર્સીટીકા યે રાજાબાઇ ટાવર યહાં કી સબ સે ઊંચી બિલ્ડીંગ થી. દૂર સે યુનિવર્સીટીકા વજૂદ દિખાઇ દેતા થા. લેકિન અબ દેખો, યે સ્ટોક એકચેન્જ કી બીલ્ડીંગને રાજાબાઇ ટાવર કો બૌના બના દીયા. (અહીં લક્ષ્મી અને સરસ્વતીની સરખામણી છે.)
રીના સાંજે માનસીને પાછી મૂકવા આવે છે ત્યારે રાત્રે આવવાની વાત કરે છે. માનસી ઘસીને ના પાડે દે છે. એ તો આ બધું જ છોડવા માગે છે. હવે એનાથી એકટીંગ નથી થતી. રીના એને ગર્ભિત ધમકી આપી વશમાં લે છે. માનસી માત્ર દિવસ માટે જ એનો સોદો કરવા રીનાને મનાવી લે છે. ઘરે પલંગ પર લેટેલી ક્ષુબ્ધ માનસી ટેબલ લેમ્પ ઓન-ઑફ્ફ કર્યા કરે છે. રાત્રે ડાઇનીંગ ટેબલ પર વાતચીત દરમિયાન માનસી અમરને પૂછે છે :‘‘કભી કોઇ કમી નહીં લગતી મુઝ મેં ?’’ અમર : ‘‘ભાઇ કૌન હૈ ઐસા જીસ મેં કમી ન હો. હર ઇન્સાનમેં કોઇ ન કોઇ કમી હોતી હી હૈ. પતા હૈ માનસી, તુમ્હારે ઔર નીતિ કે સાથ રહેતે રહેતે મૈને એક બાત સીખી. જીસે ભી પ્યાર કરો, ઉસકી કમજોરીઓં ઔર કમીઓં કે સાથ પ્યાર કરો. અચ્છાઇયાં તો સિર્ફ બાઝારમેં દેખી જાતી હૈ, પ્યાર મેં નહીં.’’
બીજા દિવસે અમિતા માનસી પાસે રસોઇ શીખવા આવે છે. માનસી અમીતાને કહે છે કે અમરના જન્મ દિવસે એને એક વીંટી ભેટ આપવી છે. આ વીંટી અમિતા અમરને આપે. અમીતા માની જાય છે. ત્યાં જ રીના માનસીને તેડવા આવે છે. માનસી ના પાડે છે તો રીના તપી જાય છે. અમિતા ઘરમાંથી બહાર આવે છે. અમિતાને જોતાં રીના ચાલી જાય છે.
અમિતા માનસીને રીના બાબત પૂછે છે. માનસી જણાવે છે કે રીના એની સખી છે. અમિતા કહે છે કે રીના તો ધંધાદારી સ્ત્રી છે. હાઇ સોસાયટીના ઘણા માણસો એને ઓળખે છે. એ માનસીની સખી કેવી રીતે હોઇ શકે ? માનસી ભાંગી પડે છે. એ અમિતા પાસે દિલ ખોલીને ભૂલની કબૂલાત કરી મન હળવું કરે છે. અમિતા પૂછે છે કે અમરને ખબર છે ? માનસી જણાવે છે કે અમરને આ બાબતની કશી ખબર નથી. છતાં એમની વચ્ચે ગાઢ પ્રેમ છે. લગ્ન જીવનની વાત કરતાં માનસી કહે છે કે લગ્ન જીવનની શરૂઆતમાં પ્રેમ હતો પણ હવે આદતો છે.
માનસી આ આખી બાબત અમરને જણાવી દેવાની ઇચ્છા અમિતાને જણાવે છે. અમિતા એને વચન આપે છે કે એ અમરને આડકતરી રીતે આ બાબત જણાવશે. એ રાતે નીતી માનસીને નિર્વાણનો અર્થ પૂછે છે. માનસી નિર્વાણનો અર્થ પપ્પાને પૂછવા કહે છે. અમર નીતિને કહે છે : નિર્વાણ એટલે સાલ્વેશન, મુક્તિ, મોક્ષ.
અમરના જન્મદિવસે બધા વિદ્યાર્થીઓ નાટ્ય પઠન અને કાસ્ટીંગ માટે ભેગા થાય છે. અમિતા એક નવી વાર્તા સંભળાવવાની હઠ પકડે છે. અમર એને વાર્તા રજુ કરવા કહે છે. અમિતા માનસીની વાર્તા નામ દિધા વિના કહે છે. વાર્તામાં આર્થિક અછતની વાત આવે છે ત્યારે અમરના મનમાં મંથન શરૂ થઇ જાય છે. વાર્તા કહ્યા પછી અમિતા અમરને પૂછે છે કે આ વાત પતિ જાણશે તો શું થશે ? એના ઉત્તરમાં અમર કહે છે : ‘‘જૈસે પત્ની એક જૈસી નહીં હોતી, પતિ ભી એક જૈસે નહીં હોતે. અમિતા જરા સોચો. યે પત્ની કુછ ભી કર સક્તી થી. તલાક લે સકતી થી, ખુદકુશી કર સકતી થી, લેકિન યે સબ ન કરકે મર મર કર ભી વો ઇસ ઘર ઔર પરિવાર કે સાથે જીના ચાહતી હૈ. ઠીક વૈસે હી જૈસે એક પતિ યે બાત જાનને કે બાદ શાયદ ભાગ ખડા હો, યા તલાક લે લે, યા ઉસે જાન સે માર ડાલે, ખુદકુશી કર લે, લેકિન એક પતિ ઐસા ભી હો સકતા હૈ, જો ઉસે સમજેગા. ઉસ કે હાલાત કો સમજેગા.’’ અમિતાઃ ‘‘સમજેગા ? યાની યે સબ કો ભૂલા કર માફ કર દેગા ? ’’ અમર : ‘‘નહીં અમીતા, યહાં ભૂલ જાને , માફ કરને યા સમજૌતા કરને કી બાત નહીં હૈ. યહાં સમજને કી બાત હૈ. તુમ્હારી યે કહાની એક બહુત ખુબસુરત પ્રેમ કહાની બન સકતી હૈ. લેકિન ઇસ કા અંત ક્યા હોગા ? ચલો હમ સબ ઇસ કે અંત કે બારે મેં સોચતે હૈ. પરસોં મીલતે હૈ.’’ જતાં પહેલા અમિતા અમરને જન્મદિનની શુભેચ્છાઓ આપે છે. વીંટી ભેટ આપે છે. અમિતા માનસીને કહે છે કે એ અમરને વીંટી પહેરાવે. માનસી અમરને વીંટી પહેરાવે છે. (જાણે નવું જીવન ફરીથી શરૂ થાય છે)
રાત્રે અમર ટેબલ લેમ્પના પ્રકાશમાં વીંટીમાંથી પડતા પ્રકાશના શેરડા જુએ છે. એ માનસીને પૂછે છે કે અમિતાને એના જન્મ દિવસની અને વીંટીની સાઇઝની ખબર કેવી રીતે પડી ? માનસી કહે છે કે સ્ત્રીઓ તમારા ધાર્યા કરતાં વધુ હોશિયાર હોય છે. માનસી અમરને જન્મદિનની શુભેચ્છાઓ આપે છે અને કહે છે : ‘‘પતા હૈ અમર, આજ મૈં દૂસરી બાર મરતી હું તુમ પર.’’ અમર : ‘‘ફિર સે !’’ માનસી : ‘‘પહલે તો સીર્ફ તુમ્હારી ભલી અદાઓં પે મરતી થી. આજ પહલી બાર તુમ્હારી અકલ પર, તુમ્હારી સોચ સમજ પર મરતી હું. તુમ જીસ તરહ સે સમજે અમિતા કી કહાની કો, ઔર સમઝાયા ઉસે, ઉસ પર કોઇ મરે નહીં તો ક્યા કરે ?’’ અમર : ‘‘તો મરી ક્યોં નહીં ?’’ માનસી : ‘‘અચ્છા તો માન લો કી યે કહાની ન હોતી ઔર ઉસ ઔરત કી જગહ મૈં હોતી. તુમ સમઝ જાતે, ઐસે હી. ઇસ તરહ, હું.’’
અમર માનસીને આલીંગનમાં લઇ લે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે : લબોં સે ચૂમ લો... તુમ્હી સે જન્મું તો શાયદ મુઝે પનાહ મીલે... માનસીને અમરની પનાહ મળી જ જાય છે. એમનું દાંપત્ય ફરી મ્હોરી ઊઠે છે.
ગીત-સંગીત : ફિલ્મના ગીતોમાં એક ભજન એક ડિસ્કો અને બે મનમાં ઉઠતા આવેગો અને પશ્ચાતાપના ગીત છે. સંગીત પણ ફિલ્મની ગતિ પ્રમાણે ચાલતું રહે છે. ગુલઝારના ગીતો હોવાથી એમાં અર્થપૂર્ણ ઊંડાણ ઘણું છે. તેઓ શબ્દો પાસે ઇન્દ્રીયાતીત કાર્યની સતત અપેક્ષા રાખતા હોવાથી ગીત ખુબ જ ગહન સ્વરૂપ લે છે. જેમ ખામોશી ફિલ્મના એમના ગીતની પંક્તિ છે ‘‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશ્બુ..’’ આંખોની મહેકતી ખુશ્બુ એ ઇન્દ્રીયાતીત વાત છે. અહીં પણ એક ગીતમાં પંક્તિ છે : ‘તન પે લગી સાંસ કી બુંદેં મન પે લગે તો જાનેં.’’ આમ ગીતની ગહનતા અને સુંદરતા વધી જાય છે.
* ટાઇટલમાં ગદ્ય પઠન : ગુલઝાર
* જય જય નાથ, જય નવનાથ (કે. રવિશંકર) : આ એક ભજન છે. આ ભજનમાં નવનાથ અને કાનીફનાથના ગુણો અને ભક્તિ દર્શાવાયા છે કાનથી સાંભળવા માટે આ ભજન છે પણ પરદા પર ત્રણ વ્યક્તિઓના જીવનમાં ઘટતી ઘટાનાઓને કંડારવામાં આવી છે. એ વિશે ડિરેકશનમાં વાત કરીશું.
* તન પે લગી સાંસ કી બુંદેં, મન પે લગે તો જાનેં. / બર્ફ સે ઠંડી આગ કી બુંદેં, દદર્ ચુગે તો જાનેં (શ્રીરાધા બેનર્જી) : આ એક સુંદર ગીત છે. આપણે વરસાદના ગીતો પર અલગ લેખો લખીએ છીએ પણ આ ગીત કોઇ પણ લેખમાં સ્થાન નથી પામ્યું એ નવાઇની વાત છે.
* કાલી કાલી રાત કા જીસ્મ તૂટે (વિનોદ રાઠોડ) : આ ડિસ્કોથેકમાં ગવાતું ગીત છે. ફિલ્માંકનમાં તો જેને ફ્યુઝન કહીએ તે તો ગજબનું છે.
* લબોં સે ચૂમ લો, આંખોં સે થામ લો મુઝ કો (વિદા જોઝાણી) : આ અર્થપૂર્ણ ગીત કથા સાથે એવું જાય છે કે મારે એને કથા સાથે જ વણવું પડ્યું છે.
સ્થળ-કાળ : એ સમયે ફોરેનની કંપનીઓ જેવી હોન્ડા, નાઇકી, એડીડાસ, પેપ્સી વગેરેનું આગમન થઇ ચૂક્યું હતું. બહારગામની બસોમાં પણ ટી.વી. અને મ્યુઝીક સીસ્ટમો ફીટ હતા. એસેલવર્લડની પણ શરૂઆત થઇ ગઇ હતી. કોબીનો ભાવ ચાર રૂપિયે પા કીલો હતો. ફિલ્મમાં બોમ્બે યુનીવર્સીટીની ભીતરના ખંડો સરસ ફિલ્માવાયા છે.
ડિરેકશન અને અન્ય બાબતો : આ ફિલ્મનો આત્મા છે -સંવાદો અને કથા. એ પછી ડિરેકશન ગણી શકાય. કથા અલગ જ રીતે વણાઇ છે. એક પ્રોફેસર જૂના પ્રેમીઓની અને શેક્સપીયરની વાતો વિદ્યાર્થીઓને શીખવે અને એના તારણ સમજાવે. એ જ બાબત એના ઘરમાં ઊભી થાય તો શું કરે ? અહીં એ પ્રોફેસર વિદ્યાર્થીઓને શીખવેલી વાતો અને પોતાના વિચારોને અમલમાં મૂકે છે. આ કથામાં બીજી પણ બાબત ઉજાગર કરાઇ છે. અભણ અને વણઝારા જેવો રખડતો સમાજ, એના નીતિ-નિયમો અને સભ્ય સમાજની કળાત્મક રીતે સરખામણી કરાઇ છે. આપણે જેમને અભણ અને પછાત ગણીએ છીએ તેમના લગ્નજીવનના નિયમો અને સભ્ય સમાજના નિયમો સામસામે રખાયા છે. ઉત્તર પ્રેક્ષકે જ નક્કી કરવાનો છે કે શું યોગ્ય છે.
કથામાં મર્યાદિત આવક ધરાવતા કુટુંબની વાત કરાઇ છે. આર્થીક અછત પણ એક જાજરમાન મહિલાના પતનનું કારણ બને છે. (આ વાત આજના જમાનામાં પણ સત્ય છે. શહેરની કેટલીક મહિલાઓ ખર્ચના બે છેડા ભેગા કરવા કમને પોતાનું બલિદાન આપે છે. શહેરોનું આ વિષચક્ર અંતહીન છે.) અહીં સમાજની એ એબ દર્શાવાઇ છે કે શિયળના લાલચુ શિકારીઓ ઉચ્ચભ્રુ સમાજનું મ્હોરું પહેરીને શિકાર શોધતા હોય.
અહીં વિદ્યાર્થીઓને પ્રોફેસર પ્રેમ બાબતમાં ઊંડી સમજણ આપે છે અને પ્રેમ એટલે માલીકી નહીં પણ બલિદાન અને અરસપરસની સમજણનો પાઠ શીખવાડે છે.
ડિરેકશનના પ્રતિકાત્મક શોટ્સ તો એટલા છે કે પાનાં ઓછા પડે. તે છતાં કથા સાથે કેટલાક પ્રસંગો અને સંવાદો વણી લીધા છે, જેથી વાચકને રસક્ષતિ ન પહોંચે અને ફિલ્મની વિચારધારા સાથે એકરસ થઇ શકે. ફિલ્મમાં સાંપ્રત સમયની એક મહત્વની વાત કહેવાઇ છે કે કોઇ સમયે મુંબઇ વિદ્યાપીઠના રાજાબાઇ ટાવરની ઊંચાઇ શહેરમાં ધ્યાન ખેંચે એવી હતી. વિદ્યાનું, સરસ્વતીનું સ્થાન ઉચ્ચ હતું. હવે શેરબજારનો જીજીભોય ટાવર રાજાબાઇ ટાવર કરતાં ઊંચો થઇ ગયો. અર્થાત લક્ષ્મીની ઉંચાઇ વધી અને સરસ્વતીની ઘટી. આ પ્રતિકો દ્વારા અહીં સમાજનું સાચું ચિત્ર ઉપસાવાયું છે.
એક ડાન્સમાં સમાજના સેક્સની વાત દર્શાવવા મેરેલીન મનરોનું પેઇન્ટીંગ ભીંત પર બતાવાયું છે. એ સમયે ‘ઇન્ડીસન્ટ પ્રપોઝલ’ (અભદ્ર દરખાસ્ત) નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મની વાત પણ પ્રતિકાત્મક રીતે સુંદર વણાઇ છે. એક પ્રસંગમાં દિકરીના સફેદ શૂઝ પર પડેલો ડાઘ કાઢવાના પ્રયત્ન કરતી નાયિકા જાણે પોતાના જીવતર પર લાગેલા ડાઘને દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય, એમ પ્રયત્નો કરે છે.
ફિલ્મમાં ‘જય જય નાથ, નવનાથ’ ભજનમાં એક સાથે ત્રણ પ્રસંગો ફિલ્માવાયા છે. આ પ્રસંગોનું ફિલ્માંકન કરવામાં ગીતના રાગ અને ગતિનો સમન્વય કરાયો છે. આવું ઓછી ફિલ્મોમાં જોવા મળે. આ પ્રસંગ વર્ણવી ન શકાય એટલે એ માટે તો વાચકે ફિલ્મ જોવી અને માણવી જ રહી.
જો કે આ ફિલ્મ છે જ બૌધિક વર્ગ માટે. પ્રથમ હરોળના પ્રેક્ષકો માટે આ ફિલ્મ નથી જ નથી. એટલે આ ફિલ્મને મીશ્ર આવકાર મળ્યો. ફિલ્મના આંતરપ્રવાહો સમજવામાં ઘણા સમીક્ષકો નિષ્ફળ ગયા. છતાં આવા વમળમાં અટવાયેલા દંપતિઓ આ ફિલ્મ જુએ તો કેટલાક ઘર ભાંગતા અટકી જાય એ વાત તો નક્કી જ નક્કી. આવી જ બાબત આવિષ્કાર ફિલ્મમાં પણ દર્શાવાઇ હતી.