એક પ્રસંગ કથા: ''લે, તમારા જેવું તો કામ હતું..''
''લે, તમે સરકારી નોકરી કરો છો? ભલા માણહ, કોઈ 'દિ બોયલા'ય નય..? બવ છુપા રૂસ્તમ હો''
''અરે એમાં બોલવાનું શું? સી.બી.આઈ.માં થોડો છું કે છુપાવું?''
''સરખાઈ તમારે તો, નંય? સરકારી જમાઈ એમ ને.? 'પાંચે'ય આંગરા ઘી માં' તંયે તો કાં?''
''નોકરી-ધંધા તો બધા કરતા જ હોય ને.? એમાં સરખાઈ શું? ઘી-કેળા શું?''
''પણ તો'ય કે'વાય તો ખરૂ ને? અમારે કો'ક 'દિ કાંઈક કામ-બામ હોય તો.....''
''હા તો કહેજો 'ને.. મારા જેવુ કંઈ કામ હોય તો''
''હા 'તી, હમણા જ કામ હતું.. તમારા માસીની મોટી બેન.. મારી પાટલા હાસુ ભાઈ.. એનો છોરો કો'કને ભગાડી ગ્યો.. એટલે આમ તો લફરૂ ઘણા ટેમથી હતુ, પછી આપણે જ કોરટમાં મેરેજ કરાવી દીધા.. હામાવાર'વને હમજાવીને બેહાડી દીધા 'ને બધુ પતાવી નાયખું.. તમને તો ખબર છે ને આપણી ઓરખાણુંની.. તમારા જેવા કૈંક હારે આપડે હારાહારી રાયખી છ.. કોણ જાણે, કયો નમુનો કયારે આડે હાથ દેવા કામ આવે.. હાચુ ને.?''
''હા બરાબર.. પણ એમાં હું શું કામ આવી શકયો હો'ત?''
''સું બરાબર.. ભલા માણહ, તમે હાંભરો તો ખરા પુરી વાત પેલા.. હવે છે ને, ઈ છોરીનું નામ આપડી પરમીટમાં નાખવાનું છે..''
''અરે આપડી, સોરી.. તમારી પરમીટમાં એનું નામ કેવી રીતે ચડે? એ તો માસીના બેન.. એટલે તમારા પાટલા સાસુના વહુ.....''
''ઓફફફફો.. આપડી એટલે એની જ ભઈ.. તમે તો હાવ.. હમજો નય પાછા.. હવે 'ઈ બધુ મેલો.. હા તો આપડે કયાં હતા.?''
''એ છોકરીનું નામ તમારા પાટલા સાસુના રાશનકાર્ડમાં.....''
''એ હા, તો 'ઈ કામ કરી નાખો''
''પણ, હું એ ઓફીસમાં કામ નથી કરતો.. એ તો.....''
''લ્યો, તમે તો પાકકા સરકારી માણહ નીકરા હો, આ૫ડી ફાઇલ જ સરકાવી દીઘી..''
''અરે માસા, હું ખરેખર કહું છું, હું તો બીજી..''
''હાલો હવે, 'ઇ હું હમજી જ ગ્યો, પણ 'ઈ કેવાય તો બધી સરકારી હોપીસુ જ ને.. ન્યાં તમારા કાંઇક 'ને કાંઇક છેડા તો હોય જ ને ભઈ''
''ના, એ અલગ ડીપાર્ટમેન્ટ કહેવાય.. અને હું બીજી કચેરીમાં.....''
''સું તમેય પાછા.. ઈ તમતમારે જરીક જોઈ લેજો ને ભઈ.. એમાં સું કરવુ? સું સું આઘારું જોંસે? 'ઈ બધી તમને તો ખબર જ હોય ને? તમે બસ કરાવી નાખો.. એટલે હું છુટું આમાંથી.. તમારી માસીને કઈ દવ છું કે બધુ પતાવી દીધુ''
''અરરે પણ, એમ ન હોય.. એ ઓફીસ જુદી, એના નિયમો, એની કાર્યરીતી જુદી.. તમે એક વાર ત્યાં જઈને.....''
''ના હો, 'ઈ કાંય હું ન જાણું.. ઈ નીયમો-બીયમો તમે જાણો.. ન્યાં તો કાગડા બધાય કારા.. 'ઈ તો કે'સે ફલાણો આધાર આપો 'ને ઢીકળો પુરાવો લયાવો.. એવા ધકકાધોળા ખાવાનો મારી પાંહે ટાયમે'ય ન હોય બાપલ્યા.. હું તો તમને જાણું.. કાલ હવારે કયાંય હલવાઉ ત્યારે તમને જ પકડવા 'ને.. એના કરતા તો તમે જ બધું જઈને કરી નાખો.. એટલે વાત થાય પૂરી.. હજી હમણા તો બવ મોટી મોટી હાંકતા'તા કે 'હા, તો કહેજો ને.. મારા જેવુ કંઈ કામ હોય તો'.. 'તી લ્યો ને આ કીધુ ભઈ''
''હા, સારૂ''
''હં એમ.. હારુ ત્યારે તમતમારે 'ઈ બધુ પતાવી નાખજો.. કાંય દેવાના થાય, તો ઈયે દય દેજો તમતમારે.. પછી આપડે હમજી લેસું''
''ના ના, એમાં દેવાનું કંઈ જ ન હોય''
''ના ભઈ ના.. આપડેય હમજતા હોય.. આજકાલ આમેય કયાં કાંઈ એમનેમ થાય છે.. આપણે બધુ જાણીએ.. છાપા તો અમેય વાંચીયે છી ભઈસાબ.. હજી બે 'દિ પે'લા જ ઓલો તમારો કો'ક ઈનીસપેકટર, કેવો કે'વાય? ઈ પાનસો રૂપીયા લેતા રંગેહાથ પકડાણો''
''અરે એ અમારો કોઈ નથી''
''હા હવે, તમારો એટલે સરકારી માણસ જ ને ભઈ.. 'ઈ કાગડા બધાય કારા જ ને ભઈ.. 'ઈ મેલો 'ને તમે.. તમે આપડુ કામ કરી દયો એટલે ભયો ભયો''
''ભલે, તમે એ રાશનકાર્ડ અને એ છોકરીના આધાર-પુરાવા સાથે કોઈને મારી ઓફીસે મોકલજો.. હું જરા તપાસ કરી લઈશ, કે એ ઓફીસમાં મારૂ કોઈ જાણીતું છે કે કેમ?''
''લે, 'તી એમ કેમ? એમાં વરી તપાસ સું કરવાની? તમે જ ન કરી દયો ઈ?''
''હું એ જ ઘણી વારથી કહું છું કે અમારી ઓફીસ જુદી.. અમારૂ કામ જુદુ.. એ બધુ તો.....''
''લ્યો, 'તી તમે વરી કઈ નવી હોપીસમાં બેહો'છ ભઈ.? હાલો તો, 'ઈ મેલો પડતું.. એના હાટુ હું કો'ક બીજો મૂરતીયો ગોતી લઈસ.. તમને તો ખબર છે ને આપણી ઓરખાણુંની.. હા તો, 'ઈ કયો 'ને તમારામાં 'સું આવે.. આપણી પાંહે એવાય કૈંક કામ છે.. તમને લાભ દેસુ, બીજુ સું.. તમારી હોપીસ કાંય લોનુ-બોનુ આપે છે, કે પછી બધી ગ્રાન્ટુ ખવાય જ જાય છે.?''
''અરે શાક-રોટલી છે? કે ગ્રાંટ ખવાય જાય.?''
''ઓફફો, તમે તો તપી ગ્યા.. હું તો ખાલી પુછુંછ ભલા માણહ.. હું સું તમને નથી ઓળખતો.? તમે ઈ માયલા નય હુંય જાણું.. આ તો કાગડા બધાય કારા.. એટલે મારાથી બોલાય ગીયુ.. હાલો તો ઈ મેલો પડતુ.. ઈ કો'.. કે તમારીયાંથી કાંઈ લોનુ મળે કે નય? ઈ તો પુછું ને?''
''હા મળે, સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ અને લાભો માટે તમારે તમારા રહેઠાણ, કુટુંબ, વ્યવસાય અને આવકના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહે અને.....''
''હા તી ઈ બધુ તો, જી જરૂર હસે ઈ આપણે ઉભુ કરી દેસુ.. તમને તો ખબર છે ને આપણી ઓરખાણુની.. તમે લોન કેટલી મળે ઈ કયો ને''
''એમ કંઈ ઉભુ ન કરી દેવાનું હોય.. ફકત વિગતો બતાવી દેવાથી ન ચાલે, તમે જે કંઈ પણ દર્શાવો, વિગતો આપો એ બધામાં ચકાસણી આવે, વેરીફીકેશન પણ થાય અને.....''
''અરે, પણ ન્યાં તો પછી તમે જ હો ને.? તમે કે'દિ કામ આવસો.? 'ને તમે કાંય નય લ્યો, પણ કાગડા બધાય કારા.. તમારી ઉપર કે નીચે જી હોય એને આપડે રાજી કરી દેસુ ને.. હવે એમાં તો તમને વાંધો નથ ને.? તમે પે'લા મૂળ વાત તો કરો.. લોન કેટલી આપસો ઈ કયો ને.?''
''ના, એમ કાંઈ જ ના થાય.. અને નહીં જ થાય.. અને હા, તમારી ઓળખાણો અને કાગડા કાળાવાળી વાત હવે ન કરજો.. પ્લીઝ.. રહી મૂળ વાત.. તો ખોટી રીતે લોન લેવા માટે તમે જે કરશો એ પણ ખોટું જ કરશો 'ને.? ઉભુ કરી દેશું.. રાજી કરી દેશું.. આ બધુ શું છે.?''
''અરે તમે તો પાછા તપી ગ્યા.. હું સું કવ છું ઈ જરીક હાંભરો તો ખરા.. હું તો તમારા જ લાભ માટેની વાત.....''
''ના, હવે તમે મને સાંભડો.. મારે કાંઈ જ લાભ નથી જોઈતો.. ખોટી રીત અપાનવીને, કાળા કાગડા કોણ થયા કહેવાય? તમે આ રીતે કાળા કામ કરાવો અને એના માટે કોઈને કાળા નાણાં આપો, અને પાછા એ કાળા કામ કરી આપનારને કાળા કાગડા પણ કહો.?''
''લાંચ લેનાર કરતા પણ, લાંચ આપનાર મોટો ગુનેહગાર કહેવાય, એ ન ભૂલજો.. લાંચ તો તમે ત્યારે આપવા તૈયાર થાઓ છો, જયારે તમારે કોઈ ખોટું કામ કરાવવું હોય, અથવા કોઈ કામ ખોટી રીતે કરાવવું હોય.. બાકી, જે તમારો હકક છે, જે તમને મળવાપાત્ર છે, અને સરકારશ્રી તરફથી જે સવલતો, સુવિધાઓ મળે છે, એ તમામને લેવા-મેળવવા માટે તમારી પાસેથી કોઈ જ વ્યક્તિ લાંચ માગી શકે જ નહીં.. માગે જ નહીં.. અને હા, તમે આપવા તૈયાર થવું પણ નહીં.. આપવી પણ નહીં, અને આપવી જોઈએ જ નહીં..''
''હું તો.. આ તો.. મેં તો સાંભયડું'તું કે.. હાલો, રેવા દયો ને હવે ઈ વાતુ.. આપણને તો તમે પેલ્લેથી જ ગયમા.. મને તો તમારા હભાવની'ય ખબર.. તમારી આ બધીય વાતુ હાચી જ છે.. હું તો તમારી માસીને ઘણી વાર કવ.. 'ને મારા મોટાને'ય તમારો દાખલો જ દંવુ.. મારા મોટાને તો તમે જોયો છ ને.? ઈ તો ન્યાંજ તમારી હોપીસુ પાંહે જ બેહીને સરકારી ફોરમ ભરવાનું, 'ને ગમ્મે એવા સરકારી કામકાજ હોય તો મારો મોટો બધા પતાવરાવી.....''
''હાલો ઈ મેલો પડતું.. મારો નાનકડો હમણા જ મેટરીક પાસ થ્યો.. મારક તો થોડા ઓછા આયવા છ.. પણ એના માટે કાંક કરો.. હમણાં છાપામાં ઓલી જાયરાતુ આયવી છ, ભરતીયુંની.. એમાં કયાંક તમારી ઓરખાણ વાપરીને.. તમારી જેમ એનો'ય ટાંટીયોં એકવાર ઘૂસાડી દયો ને.. ભલે ને પટાવારામાંય હાલસે.. તમારી માસી મને કેતી હોય છ, કે મોટો તો રઝડે છે, નાનકડાનું તો કાંઈક કરો.. તમારી આટલી ઓરખાણું તો છે.. તો નાનકડાનો મેળ કાં નથી પડાવતા.?''
''હવે ઘરમાં બેઠી બાયુને કોણ હમજાવે.? કે આવા કામ કાંય એમનેમ ન થાય.. 'તી મેં કીધુ તમને કંવ.. હવે તમે જ કાંક મદદ કરી દયો.. અને હા, ઈ કામ કરવામાં... તમતમારે... છૂટમાં... કયાંય જરૂર પડે... કોઈને કંઈ રાજી... તો કેજો... આપડે.....''
...સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮ (૧૯/૦પ/૧૪)