Name:Parul Kahakhar
Email:parul.khakhar@gamil.com
પૂજારીએ બિલીપત્ર આપ્યું. એને માથા પર ચડાવી મંદિરનાં પગથિયાં પર બેઠી હતી. ચારેતરફ અવાજો હતા, પણ ધૂંધળા... કારણ કે મનમાં એક જ વિચાર ઘુમરાતો હતો કે નિબંધ લખવો છે. 'બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા' વિશે શું લખું? શું લખી શકાય? ક્યાંથી શરૂઆત કરું? અને અચાનક હાથમાં રહેલું ત્રિદલ સળવળ્યું અને બોલ્યું "લે, મારાથી કર શરૂ... મારા પર આવીને અટકી જજે." તરત ચમકારો થયો કે ત્રણેય અવસ્થાનું પ્રતીક તો મારા હાથમાં જ છે. લાવ ને... પાનને જ પ્રતીક બનાવું!
ઈશ્વરનું આપેલ જીવન અને મૃત્યુ એ અત્યંત રહસ્યમય ઘટનાઓ છે અને આ બે અંતિમો વચ્ચેનો સમયગાળો આ ત્રણ અવસ્થામાં વહેંચાઈ જાય છે. દરેકનું જીવન ત્રિદલની જેમ ત્રણ અવસ્થાઓમાં વહેંચાયેલું છે છતાં એકરૂપ દેખાય છે. ક્યારે એક અવસ્થા પસાર થઈને બીજી અવસ્થા ચોરપગલે પ્રવેશી જાય છે એ સમજાય તે પહેલાં જ ત્યાર પછીની અવસ્થા ટકોરા મારવા લાગે છે .ક્યારેક કૂણુંકૂણું બાળપણ, તો ક્યારેક ફુલગુલાબી યુવાની અને ક્યારેક પાકટતાનો પીળો રંગ! દરેકનો અનોખો અને આગવો અંદાઝ. દરેકની અલગ છટા. જેણે આ ત્રણેય અવસ્થાઓને સહજ સ્વીકારી એનો તો બેડો પાર જ સમજો!
રતુંબડી કૂંપળ વૃક્ષ પર બેસે અને આખુંયે વૃક્ષ હરખાય, ડાળેડાળ હરખાય, થડ હરખાય, મૂળ હરખાય અરે... આખેઆખો બગીચો હરખાય. આમ જુઓ તો એમાં હરખાવાનું શું ભલા? રોજ હજારો કૂંપળો ફૂટે છે, આ કંઇ નવી-નવાઈની ફૂટી છે? ના. પણ તો ય હરખાઈ જવાય છે કારણ કે આ 'આપણા' વૃક્ષની કૂંપળ છે. નવીનવી, તાજીતાજી, કૂણીકૂણી... હાથ અડાડતાંય બીક લાગે. રખે ને કરમાઈ જશે તો! આ નવજાત કૂંપળ વૃક્ષને પૂર્ણતા બક્ષે છે. વૃક્ષનું વૃક્ષપણું સિદ્ધ કરે છે. વૃક્ષને વૃક્ષ હોવાનું ગૌરવ અપાવે છે. આમ જુઓ તો નાનકડી કૂંપળ પણ કેવડી મોટી તાકાત !
કૂંપળ ઊગતાં જ વૃક્ષના ચાલઢાલ બદલાવા લાગે. અત્યાર સુધી જે બેફિકરાઈથી લહેરાતું હતું તે હવે કૂંપળની ચિંતા કરવા લાગે. ટાઢ, તડકો, વરસાદ એને પરેશાન ન કરે એ જ હવે તો વૃક્ષનું એક માત્ર લક્ષ્ય અને પેલી કૂંપળ તો એય...ને ઝીણીઝીણી આંખો પટપટાવે અને આ અજાયબઘર જેવા વિશ્વને તાક્યાં કરે. એના ઊગવાપણાથી એ તો સાવ બેખબર! એ તો સવાર, બપોર, સાંજને માણ્યા કરે. ઉષા અને સંધ્યાની રંગોળી વિસ્મયપૂર્વક જોયા કરે. વહેલી પરોઢે ઝાકળથી સ્નાન કરી લેવું, તડકામાં ડિલ શેકી લેવું. ધોમધખતા તાપમાં પાલવ તળે લપાઈ જવું. સમીસાંજની લ્હેરખીમાં લ્હેરી જવું અને ચાંદામામા સાથે કાલીઘેલી વાતો કરી પોઢી જવું એ જ એની દિનચર્યા. એને તો ક્યાં કશું થવું હોય છે છતાં તે મોટું થાય છે. કૂંપળમાંથી પાન બનવા તરફની યાત્રા શરૂ થાય છે.
રતુંબડાપણાની કુમાશ હવે ઓછી થવા લાગે, છતાં નરમાશ તો છે જ હજી. રતાશ અને લીલાશનું એક અનોખું સાયુજ્ય રચાતું જાય અને કૂંપળનું પાંદડામાં રૂપાંતર થતું રહે. આ બધું કંઈ પલકવારમાં નથી થતું હોતું. દિવસો-મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે આ જટિલ પ્રક્રિયામાંથી પસાર થતાંથતાં, પરંતુ એનો કંઈ થાક ન લાગે. એ તો એક રોમાંચક સફર હોય છે. પોતાની જાત સાથે થતા ફેરફારો જોયે રાખવામાં પણ આનંદ જ છે. પોતે જ પોતાને ન ઓળખી શકે એવા બની જવું એ કૂંપળ માટે પણ આશ્ચર્યજનક ઘટના જ હોય છે અને તેથી જ આ તબક્કો આહ્વલાદક હોય છે.
ધીમેધીમે રતાશ ગુમાવતા જવું, લીલાશ પકડતા જવી. કુમાશની કૂણીકૂણી ગલીઓમાંથી હવે નક્કર હયાતીના રસ્તે જવામાં પણ એક મસ્તી છે. કૂંપળને હવે લાલનપાલનમાંથી મુક્ત કરવામાં આવે છે, એ પોતાનું રક્ષણ જાતે કરી શકે છે, પોતાની ધરી પર ટકી શકે છે. પોતાને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકાવી શકે છે. તોફાનો સામે ઝઝૂમી શકે છે. મરજી મુજબ ખીલી શકે છે. મોસમ સાથે ઝૂલી શકે છે. હવે એનાં પગલેપગલે નૃત્ય છે. એનાં શ્વાસેશ્વાસે હણહણાટ છે. એની હર અદામાં અનોખાપણું છે. એને ઝાકળના દરિયામાં ધુબાકા મારવા છે. એને રણની રેતીમાં વહાણ હંકારવા છે. એને સૂર્યના રથ સાથે હરીફાઈ માંડવી છે. એને શિયાળાની ઠંડીમા હિમાલય પર જવું છે. એને ઉનાળાની કાળઝાળ બપોરે ગુલમહોરી ગીતો ગાવા છે. એને ચોમાસાની લથબથ રાતોમાં ચોપાટ રમવી છે. એને માટે ક્ષણેક્ષણ એક ઉત્સવ છે, કારણ કે એ હવે યુવાન છે. એનાં અંગેઅંગમાં થનગનાટ ભર્યો છે. એને દુનિયા મુઠ્ઠીમાં ભરી લેવી છે. એને આકાશના આંગણામાં રમવું છે. એને દશે દિશાઓ આવકારવા તત્પર છે. એને બધી જ ઋતુઓ પોંખવા આતુર છે. એને સડસડાટ દોડવું છે. એને પડવું-આખડવું છે. એને કાંટા-કાંકરા-ખાડા-ખાબોચિયાથી રૂબરૂ થવું છે. એને સુંવાળા બગીચાઓને બદલે પથરીલા પહાડો વધુ આકર્ષે છે. એને ઘુઘરિયાળી હિંડોળાખાટને બદલે બરફના ગ્લેશિયરો આમંત્રણ આપતા રહે છે. એને ખૂબ ઉપર જવું છે. કોઈના આધાર વગર જવું છે અને ત્યાંથી ભૂસકા મારવા છે.
એને નાચવું છે, ગાવું છે, ઝૂમવું છે. એને પોતાની અંદર ઉઠતો ઊભરો ક્યાંક, કોઈક જગ્યાએ ઠાલવવો છે. પોતાનું સૌંદર્ય, પોતાની કલા, પોતાનું કૌશલ્ય અન્ય સુધી પહોંચાડવા છે. તેને ડંકે કી ચૌટ પે એલાન કરવું છે કે જુઓ... હવે હું મારા પગભર છું, સ્વતંત્ર છું, મારી એક અલગ ઓળખ છે. મારી પ્રતિમા મેં ખુદ કંડારી છે. જેનો હું જ શિલ્પી, હું જ પથ્થર અને હું ટાંકણું છું .હું જ મને ઘાવ આપું છું અને હું જ મને પંપાળુ છું. હું જ મને વઢું છું અને હું જ મને મનાવું છું. હું જ બેફામ દોડું છું અને હું જ મારા પગ દબાવું છું. હું જ મારો ભાગ્યવિધાતા, હું જ મારો શિક્ષક, હું જ મારો મિત્ર અને હું જ મારો ઉપદેશક. હું ભલે એક નાનકડું પાંદડું કેમ ન હોઉં? પણ મારી પોતિકી એક હયાતી છે. મારામાં અનેક ખામીઓ હોઈ શકે પરંતુ મારામાં થોડી ખૂબીઓ પણ છે. મેં મૂળ વાટે મારી માટીમાંથી સત્વો ખેંચ્યાં છે. એને સમગ્ર વ્યક્તિત્વમાં ફેલાવ્યા છે. હું એ જ માટી-પાણીનો વારસો લઈ આજે આપની સમક્ષ ટટ્ટાર ઊભો છું.
લાલ જાજમ પરથી પાંદડું હવે ધૂળિયા રસ્તે ચાલવા તત્પર બન્યું છે. એને રતાશ કે કુમાશ ગુમાવ્યાનો કોઈ રંજ નથી, ઊલ્ટુ એને તો આનંદ છે કે એ નાજુક તબક્કો ચાલ્યો ગયો છે. હવે આ લીલીછમ હયાતી જ મારો વર્તમાન છે. એને અંગેઅંગ લીલપ ફૂટે છે અને એના ચહેરા પર એક અનોખા આત્મવિશ્વાસની ચમક ભળે છે. સૂર્યકિરણોની લ્હાણી તે આકંઠ ઝીલી લે છે અને એ જ કિરણો વડે તે પોતાનું ભાગ્ય સુવર્ણાક્ષરે લખે છે. આમ તો એવું લાગે કે પાંદડાને વળી શું ભાગ્ય હોય? પછી વિચાર આવે કે કોઈ પણ સજીવ સાવ અમસ્તો તો આ પૃથ્વી પર નહીં જ આવ્યો હોય. એને ઈશ્વરે કોઈ પ્રયોજનથી જ મોકલ્યો હશે. ભલે નાનકડું પણ દરેકનું એક અવતારકાર્ય હોય છે જે સંપન્ન થતા જ એ વિદાય લે છે.
ચોતરફ હરિયાળી જ હોય એવી ક્ષણો આ નવયુવાન પાંદડાંને મળી રહે છે. એ હરિયાળીની હૂંફમાં પાંદડું વધુ ને વધુ ખીલતું જાય છે. એની આસપાસ નવાનવા પાંદડાઓ ઉગતા જાય અને કોઈ એક સવારે એની જ ડાળમાંથી કોઈ નવું પાંદડુ ફૂટી નીકળે તો ક્યારેક નવી કળી પણ ઊગી નીકળે! આ પાંદડુ હવે કળીના લાલનપાલનમાં વ્યસ્ત રહેવા લાગે. કળી એટલે એને મન શી વાત! આખો વખત એને અછોઅછો વાના કર્યે રાખે. એની ઋજુતાને, એની રંગછટાને, એની એકએક અદાને અપલક નિહાળ્યા કરે અને મનોમન રાજી થયે રાખે. કળી પર ઝાકળની બુંદો બેસે અને સૂર્યપ્રકાશમાં એના સપ્તરંગી શેરડાઓ પડે ત્યારે પાંદડું પોતાની જાતને કૃતકૃત્ય માનવા લાગે. કળી મોટી થતી જાય, રંગો ઘેરા બનતા જાય અને એક દિવસ મજાનું ફુલ બનીને ખીલી જાય. પાંદડુ એની સોળેકળાએ ખીલેલી રૂપરાશિને નિરખ્યા કરે, એને પોતાનું હોવું સાર્થક લાગ્યા કરે. એને જાણે સંતોષનો ઓડકાર આવી જાય.
ફૂલ પરના ઝાકળની જેમ સમય સરતો જાય છે. પાંદડાને હવે આસપાસનું જગત જરાતરા બદલાયેલું લાગવા લાગે છે. પોતાની સરખામણી એ નવાનવા પાંદડાઓ હવે વધારે નયનરમ્ય લાગે છે, વધારે તાજા લાગે છે, વધારે મોજીલા લાગે છે. આગંતુક પાંદડાઓ પણ જાણે આને અજીબ નજરે જોતા હોય એવું અનુભવ્યા કરે. ક્યારેક એ છાનોમાનો હળવેકથી પોતાની જાતને નીચે રહેલા તળાવના પાણીમાં નીરખી રહે! વિચારે કે હા... જરાક ઝાંખપ તો આવી છે. પેલો લીલો ચમકતો રંગ હવે ઘાટો થવા લાગ્યો છે, પેલી પોપટી ઝાંય હવે ઓસરવા લાગી છે. લીલી નસોમાં આ પાનખર ક્યાંથી ડોકાવા લાગી? પાંદડુ ઝબકી જાય છે, પોતાને વારંવાર તપાસ્યા કરે છે, બધું ઠીકઠાક તો છે ને? મનોમન આશ્વાસ્ત થયા કરે કે હાં બધુ બરાબર જ છે, કશું બદલાયું નથી. તેમ છતાં પેલા નવજાત ટાબરિયાઓની નજર ચૂકવીને દિવસમાં એકાદ નજર તો અચૂક પાણીમાં નાખી જ લે! કહેવાય છે કે દર્પણ જૂઠ ન બોલે, અહીંયાં પણ દર્પણનો પર્યાય બનેલું જળ એનો ધર્મ નિભાવે છે અને હળવેકથી પાંદડાને કહે છે કે દોસ્ત... હવે ઉતરતી અવસ્થાના દિવસો આવ્યા. તું તું જ હોવા છતાં તું નથી રહ્યો. આ તારું નવું સ્વરુપ સ્વીકારી લે તો વધુ સુખી થઈશ. પાંદડુ હા-ના કરતું રહે. ફરીફરીને પોતાનું પ્રતિબીંબ જોતુ રહે અને મને-કમને પાણીની વાતને સાચી માનવા મજબૂર થાય.
ધીમેધીમે કંઠે ઝાળા બાઝે, નસો તૂટવા લાગે, શરીર ધ્રૂજવા લાગે ત્યારે એમ થાય કે હા, કંઈક બદલાયું તો છે જ. પાંદડુ આખરે સ્વીકારે છે કે તે વૃદ્ધ થવા લાગ્યું છે. જોકે તેને કોઈ અફસોસ નથી. જેમ લાલાશ અને લીલપને માણી હતી એમ જ આ સોનેરી રંગ એને ગમવા લાગ્યો છે. આસપાસના લીલા પાન વચ્ચે એ પોતે જાણે રાજાપાઠમાં હોય એવો શોભે છે, પોતે બધાથી અલગ છે એનો સંતોષ ચહેરા પર છલકાય છે.એને સમજાય છે કે માત્ર ચહેરો જ પાકટ નથી થયો પોતે આખેઆખો પક્વ થયો છે. આ પાકવું એ ઉતકૃષ્ટ અવસ્થા છે. આ એક એવો પડાવ કે જ્યાંથી હવે કશે આગળ જવાનું રહેતું નથી, બસ 'અઠે દ્વારકા' કહીને રોકાઈ જવાનું છે. નવીનવી કૂંપળોને સહેલાવીને મોટી કરવાની છે, એને પ્યાર-દુલાર આપવાના છે, જુવાન પાંદડાને દિશા બતાવવાની છે, રસ્તો ભૂલેલાને રસ્તો ચીંધવાનો છે. કોઈની આંગળી ઝાલવાની છે. જાતને જાળવવાની છે અને વૃક્ષને ગૌરવ અપાવવાનું છે. ઈશ્વરે સોંપેલો રોલ બખૂબી અદા કરવાનો છે. હજીયે ઝાકળ તેને નવરાવે છે. તડકાના કૂણાકૂણા કિરણો એને તાજગી આપે છે. સંધ્યા-ઉષાના રંગો તેના ગાલ પર અવનવી રંગોળી પૂરે છે. હજુયે તડકા-છાયાના ચાંદરણા એની આંખોમાં ઉભરાતા રહે છે અને પાંદડુ બોખુંબોખું મલક્યા કરે છે!
જાણે એની ચશ્મેમઢેલ આંખો, એનું મફલર વીંટેલ ગળુ, એની ડગમગતી કાયા, એની હળુહળુ ચાલ એના જીવંત હોવાની સાક્ષી પૂરે છે. ક્યારેક કોઈ તારા મઢેલ આકાશમાંથી ખરી પડતા તારાની જેમ આ પીળું પાન પણ આખરી ચમકારો ફેલાવી જમીન પર ખરી પડશે. એક જીવનચક્ર પૂરું થશે. માટીનો જીવ માટીમાં મળી જશે. આવા અનેક પાંદડાઓ ખરશે, માટીમાં ભળશે અને એક ખાતર તૈયાર થશે જે આવનારી અનેક પેઢીઓને લહેરાતી રાખવાનું નિમિત્ત બનશે.
મંદિરના પગથિયે બેઠેલી હું ભાવસમાધિમાંથી જાગૃત થાઉં છું. હાથમાં રહેલા ત્રણ પાંદડાનાં ગુચ્છને તાકી રહું છું. હજુ હમણા જ એક આખી દૃશ્યલીલા આંખ સામેથી પસાર થઈ ગઈ છે અને હું એની મૂક સાક્ષી બનીને હજીયે અવાક્ બેઠી છું. પેલાં લાલ-લીલા-પીળા પાંદડાંઓ મારી સામે આંખ મીંચકારીને કહી રહ્યા છે 'જીના ઇસી કા નામ હૈ.'
પારુલ ખખ્ખર