Aaveg in Gujarati Short Stories by Chetan Shukla books and stories PDF | આવેગ

Featured Books
Categories
Share

આવેગ

શીર્ષક-આવેગ

‘એય છગલા આ રાતીને તું તારા વાડામાં જ રાખ,અહી શું કામ બાંધી રાખી છે? આ નથી વિ’વાતી કે નથી દૂધ દેતી’ પરસાળમાં મુકેલા ખાટલામાં બેઠા બેઠા રૂખીબાએ ગીતાવહુ સામે ત્રાંસી નજરે જોતા નોકર છગનને બોલ્યા.

છગન તો સાવ લઠ્ઠ માણસ એ આવા મ્હેણાં સમજી શકે તેમ ન હતો એટલે એણે તરત જ રાતીગાયની પીઠ હાથ પસરાવતા ધીમેથી સામો જવાબ આપ્યો ‘પણ બા આ રાતીને અહીંથી લઇ જવાની શેરાબાપુ જ ના પાડે છે’

‘તારો શેરો તો આમેય ક્યાં નવરો છે આ બધુ જોવા? એ ક્યાં એના ભાઈબંદ દોસ્તારમાંથી ઉંચો જ આવે છે તે એણે તને આવું કીધું. સુરજ માથે ચડશે ત્યારે એ કુંવર મેડીએથી નીચે ઉતરશે અને તરત એને ભૂખ લાગશે પછી વાડીએ જશે તે અહી સુઈ જવા જ પાછો આવશે .મારી જોડે પણ બસ માડી માડી કરીને બે મીઠી વાત કરશે એટલું જ.’ રૂખીબા થોડા ગુસ્સામાં બોલ્યા.

‘તે બા એમને બીજું કંઈ કરવાનીય ક્યાં જરૂર છે ભગવાને બધુય તો આલ્યું છે’

‘શું ધૂળ બધુય આલ્યું છે મુંઆ ...તને ક્યાંય ઘરમાં પારણું દેખાય છે?’એમ કહીને રૂખીબા એ ખાટલા પર લાકડી પછાડી.

છગન વાતને સમજી ગયો એણે ઓસરીમાંથી અંદર જતા શેઠાણી સામું જોયું અને રાતીની સાંકળ છોડી ડેલીની બહાર નીકળી ગયો.

ગીતાને પરણીને આવ્યે પાંચેક વરસ થવા આવ્યા પણ ઘરમાં પારણું બંધાયું ન હતું એટલે હવે આ મ્હેણાં ટોણા હવે એના માટે રોજીંદી ઘટના હતી,પણ આવા નોકર સામે બોલેલા વેણ એને બહુ ઊંડે સુધી વાગતા.રૂપરૂપના અંબાર જેવી ગીતાએ સમશેરસિંહ સાથે લગ્ન કરીને આ ઘરમાં પગ મુક્યો ત્યારે પણ ઘરમાં પતિ અને સાસુ બે જણા જ ઘરમાં હતા.સસરા તો પાછલી ઉંમરે જન્મેલું એમનું એકમાત્ર સંતાન સમશેરને મુકીને એ દસેક વરસનો હશે ત્યારેજ ગુજરી ગયા’તા.એ કારણે જ જેમને આખું ગામ રૂખીબાથી ઓળખતું એ રૂક્ષ્મણીબાએ દીકરાને લાડકોડથી ઉછેરેલો.

સુરજ માથે ચડીને તેનો પરચો આપી રહ્યો હતો.છગન ગાયને ચરાવીને પાછો આવ્યો ત્યારે તેની સાથે તેની લાડકી છોકરી લીલા પણ આવી.રોજ બપોરે લીલા ગીતાવહુની સાથે આવી પહોંચતી અને સાંજે છગન જયારે વાડીએ પાછો જાય ત્યારે એ પાછી જતી,એ રોજનો ક્રમ હતો. તેર ચૌદ વરસની લીલા એટલે ગીતાનો જમણો હાથ,ઘરના દરેક કામમાં એ સાથે રહેતી લીલા વગર ગીતા પણ ઘરમાં એકલતા અનુભવતી.

એટલામાંજ મેડીએથી સમશેરનો અવાજ આવ્યો કે ‘આ પાણીની માટલી કેમ ખાલી છે’

ગીતાને યાદ આવ્યું કે સવારે એનાથી મેડીએ મુકેલી માટલીમાં પાણી ઉમેરવાનું રહી ગયું છે. એણે તરત જ લીલાને કીધું કે જ પેલી માટલી ઉપર મેડીએ જઈને ઠાલવીને તરત પાછી આવ હજુ શાક સમારવાનું પણ બાકી છે લીલાએ થોડા કચવાટ સાથે ગીતાની સામું જોયું.

‘જા એમાં ગભરાય છે શું ?તને બાપુ ખાઈ થોડા જવાના છે.’ગીતાનો આદેશ સાંભળી લીલા માટલી લઇ ધીમા પગલે બહાર નીકળી ગઈ અને કથરોટમાં રહેલો લોટ ગીતાના નાજુક હાથથી મસળાતો રહ્યો.

કેટલાય અરમાનો લઈને આવેલી ગીતાની જીંદગી છેલ્લા પાંચ વરસથી સવાર બપોર અને સાંજ રસોડામાં જ વિતાવતી હોય એમ લાગતું.વહેલી સવારે ઉઠીને સાસુ માટે ચા બનાવી પછી પાણિયારે પાણી ભરવાનું કામ કરીને નાહવાનું કામ કરતી પછી સાસુ માટે જમવાનું બનાવતી. ઘડિયાળના કાંટે દસ વાગતા એમનું જમવાનું તૈયાર રાખતી.પછી સમશેરબાપુ માટે બનાવવાનું. એ પછી એ પોતે જમતી સાથે લીલાને પણ જમાડતી. સાંજનું જમવાનું બનાવ્યા પછી સાસુ તો વહેલા જામી લેતા,લીલા છગન સાથે વાડીએ પાછી જતી રહેતી પછી એ પણ એકલી એકલી જમીને મેડીએ જતી રહેતી.

એક ભરતકામનો શોખ એનો સંગાથી હતો.ક્યારેક ક્યારેક લીલાને પણ એ શીખવાડતી.લીલાના ગયા પછી ગીતા જાત સાથે વાતો કરતી એનું કામ કરતી,ક્યારેક ક્યારેક બારીમાંથી દેખાતો પુનમનો ચાંદ એને જાણે કશુંક કાનમાં કહી રહ્યો હોય એવો અહેસાસ થતો પણ એ મોસમના ઈશારા સમજી શકતી ન હતી. કારણ કે અહી આવ્યા પછી જે પ્રેમ પામવાના એ સપના લઈને આવી હતી એ લગ્નની પહેલી રાત્રે જ કડડભૂસ્સ થયેલા એની આંખોએ જોયા હતા.

પ્રથમ રાત્રીએ બારીની બાજુમાં ઢાળેલા ખાટલામાં બેઠેલી ગીતા એટલે બારીની બહાર આકાશમાં ઉગેલા પેલો ચાંદ પણ ઈર્ષ્યા કરે તેવું એનું સૌન્દર્ય.મંદ મંદ આવતો પવન એની લટને ધીમેથી ઉડાડીને પાછી એના મખમલી ગાલને સુપરત કરી દેતો હતો.લાલ પાનેતરમાં લગભગ અઢારેક વરસનું ફાટ ફાટ યૌવન હિલોળા લેતું હતું.કાજળ પાછળ સપનાઓ આંજેલી એની આંખો આકાશમાં ઉગેલા ચાંદને માણીગરને વહેલા પધારવા સંદેશો આપવા કહી રહી હતી.પણ સમશેરસિંહ બાપુ તો નીચે પરસાળમાં એમના મિત્રો સાથે મહેફિલ માણી રહ્યા હતા.મધરાતે કોલાહલ બંધ થયો અને સમશેરસિંહ બાપુ મેડીએ છગનના ટેકે આવ્યા. લથડાતા પગલે અંદર આવી ખાટલામાં જેવા સુતા એવા થોડીવાર કૈક બબડતા રહ્યા અને પછી નસકોરાં બોલવા માંડ્યા.પ્રથમ રાત્રીની જોયેલી વાટ હવે વરસોમાં પરિણમી હતી.

સુરાના શોખીન સમશેરસિંહને આખું ગામ શેરાબાપુ તરીકે ઓળખતું. ભાગે ખેડવા આપેલા વેઢે ગણી ન શકાય એટલા ખેતરોની અઢળક આવક તો એમના દોસ્તારો પાછળ જ વપરાતી. જો કોઈ બાપુની સામે પડે તો એ છગનના હાથે માર ખાતો.કારણ કે છ ફૂટનો છગન એટલે બાપુનો બોડીગાર્ડ.નાનપણથી ખેતરોમાં કામ કરી કસાયેલું એનું બાવડેબાજ શરીર બાપુની સામે મીંદડી બની જતું,પણ ગામમાં કોકને ખોખરો કરવો હોય તો બાપુના દોસ્તારો એને જ સાથે લઇને જતા.એનું કુટુંબ બાપ દાદાના સમયથી બાપુની સેવામાં તહેનાત રહેતું.ઉંમરમાં સમશેર કરતા દસેક વરસ મોટો છગન દેખાવે તો સરખો જ લાગતો.છગન ક્યારેય દારૂને હાથ ના લગાડતો. એના માટે એણે માતાજીની બાધા રાખી હતી.એના નિત્યક્રમ મુજબ લીલાને લઈને વાડીએ પોતાને ઘેર જઈને એ અને એની દીકરી સાથે જમતા પછી એ બોર ઉપર પહોંચી જતો.અહી કાયમ બાપુના દોસ્તારો ભેગા થઇ મહેફિલ કરતા એટલે મોડી રાત્રે બાપુને ઘેર પહોચાડી પછી જ એ ઘેર જઈને સુતો.

રાત્રે તો નશામાં ને નશામાં સુઈ જતા બાપુને રીઝવવા ગીતાએ જયારે જયારે ભરબપોરે અડપલા કર્યા ત્યારે ત્યારે બાપુએ એને કુલટા અને રાંડ કહીને માર માર્યો એટલે હવે ગીતા પોતાના નસીબને જ દોષ આપતી.સાસુના મ્હેણાં સહન કરતી ગીતા ક્યારેય સમશેર વિષે એની સાસુને ફરિયાદ કરી શકી ન હતી કે ક્યારેય પોતાના પિયરમાં.માં વગરની ગીતા પિયરમાં ફરિયાદ કરે તો પણ કોને કરે?

ઈચ્છાઓનું દમન કરતી ગીતા એકદિવસ શેરાને લીલા તરફ કામુક નજરે જોતા જોઈ ગઈ.ચૌદ વરસની લીલા પણ યૌવનને ઉંબરે ઉભેલી હતી.એનું નાજુક શરીર હવે એના ઉરોજની માદકતાને ઢાંકી શકતું ન હતું.અને એથીજ હવે એની તરફ બાપુનું ધ્યાન ગયું હતું.ગીતાના માદક શરીરને પાંચ વરસથી અવગણતા શેરાબાપુ કોણ જાણે કેમ હવે લીલાની દરેક હિલચાલ પણ પહેરો રાખતા હોય એવું ગીતા અનુભવી રહી હતી.કદાચ એટલેજ લીલા એકલી મેડીએ જતા અચકાતી હશે.એકાદ બે વખત બાપુએ લીલાને વહાલ કે કોઈ કામના બહાને અડપલા કરતા ગીતાએ જોઈ લીધું.હવે ગીતાની મુશ્કેલી વધી ગઈ હતી.લીલા તરફનું એનું ખેંચાણ કે સંવેદના હવે ચિંતા બની ગઈ હતી.ગામ આખાને માથે લેતા શેરાબાપુને કશું કહેવાની તો એની હિમ્મત જ નહોતી.હવે લીલાને જ કોઈ રીતે અહી આવવી બંધ કરવી પડશે,પણ એના માટેનું કોઈ બહાનું કે સચોટ રસ્તો એને મળતો ન હતો.

ગભરુ હરણીની જેમ ઘરમાં કામ કરતી લીલા ક્યારેક ચહેરા પરથી જો ગંભીર લાગે તો પણ હવે ગીતા જાતજાતના વિચારો કરવા માંડતી.પહેલા તો લીલા જ શેરાબાપુનું કોઈ કામ કરતા આનાકાની કરતી પણ હવે તો ગીતા જ કામ ચીંધતા ચાર વખત વિચાર કરતી.

એક દિવસ સવારે આવીને છગને જણાવ્યું કે આજે તો શેરાબાપુ એમના કોઈ મિત્રના પ્રસંગે બહારગામ જવાના છે.શેરાબાપુ તો ક્યારેય ઘરમાં આવી કોઈ વાત કરતા જ નહિ પણ છગનને કોઈ બાબતની તૈયારી કરવાની હોવાથી ખબર પડી હશે એટલે એણે રૂખીબાને કીધું.

લીલા વિષે ચિંતિત ગીતાએ મનોમન નક્કી કરી લીધું કે આજે મારે છગનને વાત કરીને સમજાવી દેવો પડશે અથવા લીલાને તેના મામાને ઘેર મોકલી દેવા માટે તૈયાર કરી દેવો પડશે.

બપોરે લીલાને ઘરનું કામ સમજાવી ગીતા વાડીએ જવા નીકળી ગઈ.ખેતરમાં લહેરાતા લીલાછમ પાક વચ્ચે રાયડાનો પીળો રંગ આંખને ઠંડક આપતો હતો તેવું પાંચેક વીઘાનું આ ખેતર છગન સંભાળતો હતો. ખેતરને છેવાડે આવેલો બોર અને એને અડીને બનાવેલી બે ઓરડીનું મકાન એટલે તેનું ઘર.ગીતાને આમ અચાનક આવતી જોઈ લાકડાના બે ફાડિયા કરતો છગન એકદમ હેબતાઈ ગયો માથે બાંધેલું ફાળિયું ઉતારી એણે પરસેવાથી લથબથ મોઢું લુછ્યું અને તરત જ ખાટલો ઢાળ્યો.

‘બેસો,મને કહેવડાવ્યું હોત તો હું જ આવી જાત ..તમે કેમ તકલીફ ઉઠાવી?’ પવનથી ઉડતા પાલવને માંડ માંડ માથા પર રાખતા શેઠાણીને છગને કહ્યું.

‘ત્યાં કહેવાય એમ ન હતું એટલેજ અહી આવી છું પણ કાન્તા નથી દેખાતી ?એ ક્યાં છે?’

‘ એ તો બાજુને ગામ એના માવતર કોઈ મરણ થયું છે તે ત્યાં ગઈ છે,તમારે એનું કામ હતું તો લીલાને પૂછવું’તું ને એ તમને કહી દેત ને,તમારે ખોટો ધક્કો ન પડતો ને.’પાણીનો લોટો ભરી ગીતા સમક્ષ ધરતા છગન બોલ્યો.

ઈજીપ્તના કોઈ દેવતા જેવું માંસલ શરીર ધરાવતા છગનના હાથમાંથી લોટો લેતા અજાણતાથી એના હાથ છગનના હાથ સાથે અડતા તેના શરીરમાં એક ઝણઝાણાટી પ્રસરી ગઈ.એ બોલી કે ‘ના મારે તમારું જ કામ હતું એટલે અહી આવી છું’

ગીતાએ લીલા વિષે ટૂંકમાં છગનને વાત કરી.વાતમાં મશગુલ એણે હવે છેડો સરખો કરવાના વ્યર્થ પ્રયત્નો બંધ કરી દીધા હતા પવન એનું કામ કરી રહ્યો હતો અને છગન એકીટશે એના ગુલાબી ગાલ પર રમતી લટને અને ધબકારાથી નિયંત્રિત થતી એની છાતી તરફ જોઈ રહ્યો હતો.કાયમ ભરત ભરેલા સાડલામાં છુપાયેલું રૂપ એ આજે પહેલી વાર નીરખી રહ્યો હતો.

છગનની સામું જોઈ છેડો સરખો કરતી ગીતા મીઠો છણકો બોલી ‘તમને મારી વાત સમજાય છે ને કે હવે લીલાની સુખાકારી માટે એને અમારે ત્યાં કોઈ બહાનું કાઢી મોકલવાનું બંધ કરી દો’

‘પણ શેઠાણી સાચી વાત કરું તો આખા ગામને શેરાબાપુ વિષે આ બાબતે તો ચિંતા જ નથી’

‘શું વાત કરે છે કહેવા શું માંગો છો...??આમ તો આખા ગામમાં એમની હાક વાગે છે એમ તમે લોકો કહો છો’ગીતાએ આશ્ચર્યથી પૂછ્યું.

‘પણ શેઠાણી એમના દોસ્તારો જ કહે છે કે આખુ ગામ જેની હાકથી પાણી પાણી થઇ જાય છે એમનામાં પાણી જ ક્યા છે??’

‘ખબરદાર જો ફરીથી આવું બોલ્યા છો તો તારું માથું જ ધડથી અલગ કરાવી દઈશ .’

‘શેઠાણી આ વાત તો તમે પરણીને આવ્યા એ પહેલાની બધાને ખબર છે બાપુએ એના માટે વૈદ પાસે દવાઓ પણ કરાવેલી છે અને એટલેજ મને લીલાની કોઈ ચિંતા નથી બસ તમને આમ ક્યારેક દુખી જોઉં તો મને બહુ દુખ થાય છે.’

છગનની આટલી વાત પૂરી થાય એ પહેલા ગીતાની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડી.છગન ફરી એમના માટે લોટો ભરી લઈને આવ્યો અને આ વખતે ગીતાએ લોટાની સાથે છગનનો હાથ પકડી લીધો લીલાના નાસમજ કુમળા આવેગને શેરાબાપુથી બચાવવા આવેલી ગીતા પોતાના આવેગને રોકી ના શકી. કેટલાય વરસોથી બંધનમાં રહેલી ઈચ્છાઓનો ધોધ એના શરીરને પ્રજ્વલિત કરતો રહ્યો અને પહાડ પરથી વહેતા અસ્ખલિત ઝરણાની જેમ એ આગને છગન શમાવતો ગયો.

છગનના ગીતાપાઠની સાક્ષી પેલી રાતીગાય લીલો ચારો છોડી ઓરડીમાંથી આવતા ઉંહકારા સાંભળી ભાવવિભોર થઇ આંસુ વહાવતી રહી અને ખેતરની વચ્ચોવચ લચી પડેલો રાયડો પણ માથું ઊંચું કરી ઓરડી તરફ ડોકિયા કરવા માંડ્યો.

___________