સ્ત્રી ઉત્કર્ષના પાયામાં શિક્ષણ
સર્જનહારે પ્રકૃતિ સાથે નર-માદા સજીવનું પણ સર્જન કર્યું. પ્રાણીઓમાં સામાજિક પ્રાણી માનવ સર્વોત્તમ છે. તેથી જ સ્ત્રી-પુરુષનું સર્જન સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય. તેમાં પણ ‘સ્ત્રી’ કે જેના વગર પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ જ શક્ય નથી. માટે તે તો વિશેષ શ્રેષ્ઠ ગણાય. કોઈ પણ સંસ્કૃતિ – સમાજમાં સ્ત્રીનું અનેરું મહત્વ છે. આપણા ભારતમાં પ્રાચીન કાળથી સ્ત્રી પૂજાય છે. ઉત્તરે વૈષ્ણોદેવી ‘માં’ રૂપે તો દક્ષિણમાં કન્યાકુમારી ‘કન્યા’ રૂપે પૂજાય છે. સ્ત્રીમાં પ્રભુ એ ધૈર્ય,શીતળતા, પ્રવાહિતા,પરોપકારીતા જેવા અઢળક ગુણો આપ્યા. નમ્રતાનો ભંડાર,કરુણા,દયાનું પ્રતિક, પવિત્રતાની દેવી, સહિષ્ણુતા અને શાંતિનો સમન્વય એટલે સ્ત્રી. ગીતામાં સ્ત્રીના સાત રૂપનું વર્ણન છે. જેમાં કીર્તિ,શ્રી, વાક (વાણી), મેધા,ભક્તિ,સેવા,ક્ષમા અને શક્તિનો સમાવેશ થાય છે. તેમ છતાં સમાજ તેના ગુણ ને સમજી ન શક્યો અને માટે જ સ્ત્રીના ઉત્કર્ષ માટે તેણીને થતા અન્યાય અટકાવવા દર વર્ષે ૮ મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણીની જરૂરિયાત ઉભી થઇ.
ભૂતકાળના રઝીયા સુલતાના, રાણી લક્ષ્મીબાઈ કે રાણી પદ્માવતી હોય કે પછી યુનાઇટેડ નેશન્સના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિત હોય કે પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, અવકાશયાત્રી કલ્પના ચાવલા કે રાષ્ટ્રપતિ સુ.શ્રી. પ્રતિભા પાટીલ કે કિરણ બેદી હોય. મધર ટેરેસા કે એક નાના ગામમાં રહીને સમાજસેવા કરનાર, ગૃહઉધોગ ચલાવનાર સ્ત્રી હોય. કે પછી જાંબાઝ નીરજા ભનોત કે જેણી એ પહેલા દહેજ ના દુષણ સામે નમતું જોખવાને બદલે પતિગૃહ છોડ્યું અને એર હોસ્ટેસ બન્યા પછી મુસાફરો ની જાન બચાવવા સાહસ-હિંમત અને ઈન્સાનિયત દર્શાવી સાચા શિક્ષણ ને ઉજાગર કર્યું. કે પછી ભરી સંસદસભામાં પડકાર ફેક્નારી સ્મૃતિ ઈરાની હોય. દરેક ક્ષેત્રમાં પુરુષ કરતા એક નહિ દસ કદમ આગળ રહી છે સ્ત્રી. આગળ રહેવાનું કારણ શું? શિક્ષણ. શિક્ષણ એટલે માત્ર સાક્ષરતા નહિ. અક્ષર જ્ઞાન જ નહિ. અક્ષરજ્ઞાન એ ઉચ્ચ શિક્ષણનું પ્રથમ પગથીયું ચોક્કસ છે.
હકીકતમાં શિક્ષણ એટલે કેળવણી. ભણતર, ગણતર અને ઘડતરનો ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમ થકી જિંદગી જીતી શકાય.સુખ આપી શકાય અને સુખ મેળવી શકાય. ઘણીવાર આપણે એવું કહીએ અને સાંભળીયે છીએ કે આ બેન ભણેલા છે પણ ગણેલા નથી. તેવા સંજોગોમાં ઉચ્ચ પદવીધારી યુવતી પણ નાની અમથી મુશ્કેલીમાં પણ નિરાશ-હતાશ થઇ આત્મહત્યા કરે છે. કોઈ પણ પ્રકારે મેળવેલ માહિતીનો જીવનમાં ઉપયોગ થાય તે સાચું શિક્ષણ. તેનામાં આત્મવિશ્વાસ કેળવે તે શિક્ષણ. જન્મથી શરુ કરી અંત સુધીમાં અવલોકન અને અનુભવનો જીવન વ્યવહાર-વર્તનમાં ઉપયોગ તે શિક્ષણ.
શિક્ષણ એક સાધના છે. સાધના કરવા સાધકે ખંત-મહેનત-ધૈર્યના ગુણો અપનાવવા પડે. સ્ત્રી તો છે જ શક્તિનો અવતાર. તેનામાં ગજબની ગ્રહણશક્તિ છે. એકવાર કઈંક જોઈ-જાણી લે પછી તે શીખી જ જાય. આપણે કોઈ રસોઈ શો જોઇને તે વાનગી સ્વાદિષ્ટ બનાવી શકીએ કે કોઈ બીજી વસ્તુ પણ બનાવી શકીએ. આજ ની નારી એક હાથમાં મોબાઇલ લઇ ઓફિસ નું કાર્ય પણ સમજાવે અને સાથે શાક સમારી રસોઈ પણ કરતી જાય તેવી આવડત ધરાવે છે. તેણી સગા સંબંધી, આડોશી પાડોશી બધા પાસેથી સતત નવું નવું શીખતી રહે છે. અરે! પર્યાવરણ પાસેથી પણ તે શીખે. ગામડાની સ્ત્રીઓને સિંહ -દીપડા સામે લડવાની તાલીમ નથી અપાતી પણ વખત આવ્યે તે સિંહ સામે પણ જંગે ચડી ને જીતી શકવાની શારીરિક –માનસિક તાકાત ધરાવે છે. કોઈ પણ મુશ્કેલી- સમસ્યાનો સામનો કરી હિમંત –ધીરજ ક્ષમતાથી માર્ગ કરવાની શક્તિ જન્મજાત હોય જ. સ્ત્રીનો ઉત્કર્ષ તેને તક અને શિક્ષણ મળે તો થાય. સ્ત્રીઓ તો અમૃત છે. નાનપણથી વિવેક,વિનય, નમ્રતા,કરુણાના પાઠ તેના માતા-દાદી-નાની પાસેથી મેળવે છે. ખુદ શીખે તે અન્યને પણ શીખવે. ‘મા’ પ્રથમ શિક્ષક છે. મા શિક્ષિત હશે તો બાળક ને પણ શીખવી શકશે. સમગ્ર સમાજને પ્રગતિ તરફ લઇ જનાર એક માત્ર માર્ગ તે શિક્ષણ છે. પોતે શિક્ષિત હશે તો બીજાની પથદર્શક બની રહેશે.
સ્ત્રી પર થતા અત્યાચાર, શોષણ શા માટે? શિક્ષણના અભાવે. આપણે વકિલ નથી બનવું પણ સ્ત્રી અધિકારો વિષે જાણકારી તો રાખવી જ પડશે. તો જ સ્વવિકાસ થશે. શિક્ષણ ગર્વભેર જીવવાની પ્રેરણા આપે. ૨૧ મી સદી જ્ઞાન ને વિજ્ઞાનની સદી છે. તેમ છતાં આજે પણ ઘણા લોકો એવું માને અને કહે છે કે અમારે અમારી દીકરીને કાઇ નોકરી નથી કરાવવી પછી શું ભણાવે? આપણે શિક્ષણને માત્ર આર્થિક ઉપાર્જન સાથે જ જોડ્યું છે. આ ખોટું છે. ઘણીવાર એવું બને કે દીકરી ૧૮ વર્ષની થાય, ભણતી હોય ત્યાં જ સારો મુરતિયો મળે એટલે ભણવાનું છોડાવી દેવાય. અભ્યાસ –પરિક્ષા બધું જ ગૌણ બની જાય. ના, આવું ન કરવું.શિક્ષણ ને બોજ ન સમજો. આર્થિક પગભર રહી શકે તેટલું શિક્ષણ તો આપવું જ. પછી જ લગ્નનું વિચારો. સ્ત્રી માટે તો મફત શિક્ષણ. ફી માં માફી એમ ઘણી સગવડો અપાય છે. શિક્ષણ પરિવર્તનનું સાધન છે. દીકરીઓને વિદ્યાદાન કર્યા પછી જ કન્યાદાન કરવાનો સંકલ્પ કરો અને કરાવો. સ્ત્રીનો વિકાસ કરવો હશે તો સ્ત્રીએ જ આગલ આવી તેણીને મદદ કરવી જોઈએ.
પારિવારિક સંસ્કાર, સામાજિક સંસ્કાર ન આપી શકે એ માત્ર ડીગ્રીઓ આપનારું પુસ્તકિયું જ્ઞાન વધી રહ્યું છે જે બાબત થોડી ચિંતનીય અને ચિંતાજનક બની રહી છે કારણકે તેને કારણે ઘણી સ્ત્રીઓ સ્વછંદી બની ગઈ છે. આપણે આત્મનિર્ભર બનીએ પણ સ્વાર્થી નહિ. સ્વતંત્ર બનીએ પણ સ્વછંદી નહિ.
આધ્યાત્મિક શિક્ષણ પણ ખુબ જ જરૂરી છે. આર્ય સમાજ, બ્રહ્મો સમાજની સંસ્થોમાં ધાર્મિક ગ્રંથોની સાથે વિજ્ઞાન,ગણિત,રસોઈકળા,સ્વચ્છતા,આરોગ્ય અને ગૃહ અર્થશાસ્ત્રના વિષયો શીખવાડતા. આના કારણે વાંચન-લેખન, આંકડાકીય અને ભાષાકીય જ્ઞાનની સાથે જ પરંપરાગત ગૃહિણી ની તાલીમ ને કારણે સ્ત્રીઓનો સર્વાંગી વિકાસ ખુબ સારો થતો. આજની ૨૧ મી સદીમાં સ્વ-રક્ષા શિક્ષણ ડરે ક યુવતી માટે અનિવાર્ય બન્યું છે. વારંવાર છેડતી-બળાત્કારના કેસ જોવા મળે છે ત્યારે નારી અબળા નથી પણ સબળા છે તે સાબિત કરવું જરૂરી છે. ડ્રેસ ડીસીપ્લીન પણ કેળવવી જોઈએ. જીન્સ-ટી શર્ટ પહેરવાની ના નથી પણ અંગ પ્રદર્શિત થાય તેવા વસ્ત્રો ન અપનાવવા.
અગાઉ સગવડો ઓછી હતી. હવે તો શાળા-શિક્ષક બધું જ છે. અરે સેવાકીય સંસ્થાઓ તો દરેક વિસ્તાર માં ફ્રી એજ્યુકેશન કલાસીસ ચલાવે છે જેથી દરેક તેની અનુકુળતા મુજબ શીખી શકે. બસ ઈચ્છા જોશે. ‘મન હોય તો માળવે જવાય.’ ઈચ્છાને સ્થિર કરી તેને સંકલ્પમાં ફેરવવાનું મનોબળ જોઇશે. પ્રભુ સ્વરૂપ બાળક સમાજની મહામુડી છે. તેને શિક્ષણ તો આપવું જ. પહેલીવાર સ્કુલે જતાં દીકરીને રડવું આવશે પણ ૧-૨-૩ દિવસ રડશે પણ સમજાવી ફોસલાવીને પણ મોકલો જ. કારણ જો આપણે એના આસું જોઇને પીગળી જઈશું તો અઠવાડિયું રોયેલ તે બાળકી જિંદગીભર હસી નહિ શકે તેને હમેશ માટે કોઈના પર આધાર રાખીને ઓશિયાળી બની રહેશે. માટે આખી જિંદગી તેને હસતા રાખવા તેના આંસુનું મૂડીરોકાણ કરવું જ પડશે. આ બાબત સમજીને સ્ત્રી-વિકાસ થવા દો. જો નારીમાં શિક્ષણ- સંસ્કારની અવિરત ધારા વહેતી રહેશે તો જ તેણી ‘નારાયણી’ બની શકે. તેણી જ સમાજના ઉત્કર્ષ અર્થે વિચારો માં આધુનિકતા લાવવી જોઈએ. સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા મક્કમ રહેવું પડશે. અત્યારે સોનોગ્રાફી થી પરિક્ષણ કરાવી દીકરીના ભ્રુણ ની હત્યા કરાય છે ત્યારે અન્યને સમજાવવું પડશે કે દીકરી તો દેવ જ દે છે તો આપણે કાળો કેર કરવો ન જોઈએ. માટે જ કેહવાયું છે ‘આંગણે તુલસી, પેટ દીકરી એ ગૃહસ્થનું સૌભાગ્ય છે. બાપના હૃદયને જાણનાર દીકરી ઉમરલાયક બાપનો વિસામો છે.’ તેમ છતાંય દીકરી અવતરે તો ગમતું નથી. આ મહિલા દિન એ દરેક મહિલા એ સ્વ-ઉત્કર્ષ માટે ‘શિક્ષણ’ મેળવવાનો અને અપાવવાનો સંકલ્પ કરવો જ રહ્યો.
પારુલ દેસાઈ
9429502180
parujdesai@gmail.com