Anjaam Chapter-27 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | અંજામ- 27

Featured Books
Categories
Share

અંજામ- 27

અંજામ-૨૭

( આગળ આપણે વાંચ્યુઃ- પંચાલગઢની સીમમાં વીજય અને રીતુના મીલનનો અદ્દભુત સંયોગ રચાય છે....એ સમય દરમ્યાન શૈતાનસીંગ ત્યાંથી છટકવા માંગે છે પરંતુ ગેહલોતની ગનથી વીજય તેના પર ફાયર કરી તેને ઘાયલ કરે છે....ત્યારબાદ તેઓ બાપુની વાડીની દિશામાં જીપ ભગાવી મુકે છે....હવે આગળ વાંચો....)

રીતુ આમ અચાનક મળશે એવી કલ્પના વીજયે કરી નહોતી. તેના હ્રદયમાં એક ન સમજાય એવો આનંદ થયો હતો. એ આનંદમાં મોન્ટી જીવીત હોવાના સમાચારે વધારો કર્યો હતો. તેણે જીપને ફુલ થ્રોટલમાં પાંચમાં ગીયરમાં ભગાવી હતી. તીરની જેમ ગતી કરી રહેલી જીપની સાથોસાથ તેના મનમાં ચાલતા વિચારોમાં પણ ગતી આવી હતી. તેના જહેનમાં વારે-વારે જીગર પંચાલનો ચહેરો ઘુમરાઇ રહયો હતો. તેના ખાસ જીગરજાન મિત્ર જીગર પંચાલે આ ખુની કારસો રચ્યો હોય અને તેણે તેના જ મિત્રોના ક્રુરતાપૂર્વક બેરહમીથી મોત નીપજાવ્યા હોય એ તે કોઇ કાળે માની શકતો નહોતો.....જે પણ થયુ તે બહુ આયોજન પૂર્વક કરવામાં આવ્યુ હતુ. અને આટલુ સચોટ-ગહેરુ આયોજન બધ્ધ રીતે કાર્ય જીગર કરી શકે તે વીજય માની શકતો નહોતો. તે જીગરને, તેના સ્વભાવને સારી રીતે જાણતો હતો. લાંબાગાળાનું-ભવિષ્યનું વિચારવાની તેનામાં શક્તિ નહોતી એવુ નહોતું પરંતુ તે મોજીલો યુવાન હતો....

જીગર પંચાલ એવા ખાનદાનમાંથી આવતો હતો કે જ્યાં જીવવા માટે વધુ વિચારવાની જરૂર જ નહોતી પડતી, આ વાતની વીજયને જાણકારી હતી. જીગર પંચાલ ખાનદાની રઇશ હતો. મોં માં ચાંદીની ચમચી લઇને તે જન્મ્યો હતો એમ કહીએ તો ખોટુ નહોતું. ધન-દોલત રૂપીયાની કે પછી ભણી રહયા પછીની કારકીર્દી ઘડવાની તેને કોઇ ફીકર નહોતી. રઇશીપૂર્વક જીવી શકાય, અરે સ્વચ્છંદતાની હદ સુધી પોષી શકાય એટલી સગવડતાઓ તે ભોગવતો હતો.... જો કે આટ-આટલી સાહ્યબી હોવા છતા જીગર સ્વભાવે બહુ ઋજુ હતો. થોડો ઢીલો અને નિરુપદ્રવી....હવે આવી વ્યક્તિ કોઇનું ખુન કરી નાંખે અને એ પણ પોતાના જ દોસ્તોનું.... આ બાબત વીજયના દિમાગમાં બંધ બેસતી નહોતી. તેને કંઇ જ સમજ પડતી નહોતી કે આખરે દોષી છે કોણ....? આ પ્રશ્નનો ઉત્તર કદાચ બાપુના ફાર્મહાઉસમાં મળશે એવી આશાએ તે આગળ ધપી રહયો હતો.

*****************************

“ વીરજી...તને મેં કેટલીવાર કહયુ છે કે જરૂર ન હોય તો તારે મને ફોન ન કરવો...” વિષ્ણુસીંહ બાપુ ભારેખમ અવાજે બોલ્યા. તેમના કાને ફોન હતો. ફોનના સામા છેડે વીરજી હતો. તેણે કંઇક કહયુ જે સાંભળીને બાપુના ચહેરા ઉપર પરેશાનીના ભાવો આવ્યા.

“ ઠીક છે....ફોન મુક. હું થોડીવારમાં ત્યાં આવુ છુ. પછી વિચારીએ કે શું કરવુ....!!” તેઓ બોલ્યા અને ફોન કટ કર્યો. વિષ્ણુસીંહ બાપુ અત્યારે પંચાલગઢમાં તેમની કોઠીએ બેઠા હતા. વીરજીના ફોનથી થોડીવાર માટે તેમના મનમાં ક્રોધ વ્યાપ્યો પરંતુ તરત તેઓ સ્વસ્થ થયા. કોઠીના બેઠકખંડના સોફા માંથી તેમણે પોતાની વૃધ્ધ છતા સશક્ત કાયાને ઉભી કરી....વિષ્ણુસીંહ બાપુ સીત્તેરે પહોંચવા આવ્યા હતા છતા તેમના છ-ફુટ ઉંચા કદાવર દેહમાં વૃધત્વના કોઇ ચીન્હો દેખાતા નહોતા. તેમનું શરીર હજુ પણ ચુસ્ત-દુરસ્ત હતુ.

“ જેન્તી...એય જેન્તી....” તેમણે ઉંચા અવાજે સાદ પાડયો. તેમનો સાદ સાંભળીને દિવાનખંડના દરવાજે ઉભેલો એક લાંબો પણ સુકલકડી દેહાકૃતી ધરાવતો શખ્શ ઝડપથી અંદર આવ્યો અને બાપુ સમક્ષ માથુ ઝુકાવી ઉભો રહયો.

“ હુકમ માલિક.... તે બોલ્યો.

“ જલ્દીથી જા અને ડો.ભૈરવસીંહને બોલાવી લાવ. તેને કહેજે અર્જન્ટ કામ છે એટલે બઘુ પડતુ મેલી તરત આવે...સમજ્યો...!!!”

“ જી....હમણા જ ડોકટર સાહેબને બોલાવી લાવુ.” જેન્તીએ કહયુ અને બહાર તરફ દોડયો.

ડો.ભૈરવસીંહ બાપુના ખાસ મિત્રોમાં ગણાતા હતા. હમણા બાપુને વીરજીનો ફોન આવ્યો હતો અને વીરજીએ જણાવ્યુ હતુ કે તેના પાંજરાના બે પંખી ઉડી ગયા છે.... તેમાંથી એક પંખી મોન્ટીને તેમના વફાદાર કુતરા રેવાએ પકડી પાડયો હતો અને તેને બહુ બુરી રીતે બચકુ ભરી લીઘુ હતુ. મોન્ટીને સારવારની તાત્કાલીક જરૂર હતી....અને એટલા માટે જ અત્યારે બાપુએ ડો.ભૈરવને બોલાવ્યા હતા. બાપુ થોડુ ચાલીને દિવાનખંડના પાછલા ભાગે રસોડા તરફ ગયા....

“ મીનળ...”તેમણે રસોઇઘરની બહાર ઉભા રહીને જ હાંક મારી એટલે થોડીવારમાં રસોડામાંથી માથે ઘુમટો ઓઢીને એક નાજુક યુવતી દિવાનખંડમાં આવી.

“ જી બાપુ...” તે બોલી.

બાપુના હ્રદયમાં અચાનક હેત ઉભરાઇ આવ્યુ. તેમણે લાલ બાંધણી પહેરીને માથે ઘુમટો ઓઢેલી તે યુવતીની સામું વાત્સલ્યપુર્વક નજર નાંખી.

“ જીગરને નાસ્તો કરાવ્યો....!!” તેમણે ઘુંટાયેલા અવાજે પુછયુ. એ અવાજમાં અસીમ પ્રેમ છલકાતો હતો. હમણા ફોન ઉપર વીરજી સાથે અને પછી તેમના દરવાન જેન્તી સાથે વાત કરતા બાપુમાં અને અત્યારે આ યુવતી સમક્ષ ઉભેલા બાપુમાં જમીન-આસમાનનો તફાવત આવ્યો હતો. અચાનક તેમના હ્રદયમાં લાગણીઓની સરવાણી ફુટી નીકળી હોય એમ તેમનો અવાજ ભીનો થયો હતો.

“ જી બાપુ.... હમણા જ તેમણે નાસ્તો કર્યો. મે મારા હાથે તેમને જમાડયા...” યુવતીએ કહયુ.

“ જીવતા રહેજો દિકરા....કયારેક મને થાય છે કે કયા ભવે તમારુ આ ઋણ હું ઉતારી શકીશ...” બાપુના ગળામાં ખારાશ બાઝી. તેમની આંખો થોડી નમ થઇ ઉઠી.

“ એવુ ન બોલો બાપુ....હું પણ તમારુ જ સંતાન છું....અને સંતાનનું કયારેય ઋણ ન ચડે... સંતાનની ફરજ છે કે તે તેના માતા-પિતાની સેવા કરે...હું પણ એ જ કરુ છું. તમારા દિકરા, એ મારા ધણી થાય, એ નાતે તમે અને કેસરબા મારા માત-પિતા થયા. આ મારુ ઘર છે અને ઘરના વ્યક્તિઓની કાળજી રાખવી એ તો મારુ અહોભાગ્ય ગણાય...” નજર નીચી ઢાળેલી રાખીને મીનળે કહયુ.

વિષ્ણુસીંહ બાપુ સજળ નજરે એ નાજુક યુવતીને તાકી રહયા. તેઓ કંઇક બોલવા માંગતા હતા પરંતુ એ માટેના શબ્દો તેમને જડયા નહી. થોડી સેકન્ડો એમ જ વીતી....

“ તમારા બા મંદિરે ગયા છે. તેઓ આવે એટલે કહેજો કે હું ફાર્મહાઉસે છું. કંઇ કામ હોય તો મને ફોન કરે....”

“ જી બાપુ....હું કહી દઇશ...”

“ અને જીગરનું ધ્યાન રાખજો....” જીગરનું નામ લેતા ફરીવાર બાપુ ગળગળા થઇ ગયા.

“ જી...”

“ અને હાં....મારી સાથે ડો.ભૈરવસીંહજી પણ આવે છે એ પણ કહેજો તમારા બા ને....”

“ તમે ફીકર ના કરો બાપુ....હું બા ને જણાવી દઇશ અને જીગરનું ધ્યાન પણ રાખીશ....” મીનળે કહયુ.

અંતરથી આશીર્વાદ વરસાવતા બાપુ દિવાનખંડની મધ્યમાં પાછા આવ્યા.તે જ સમયે ડો.ભૈરવસીંહ દાખલ થયા. ભૈરવસીંહ થોડા સ્થુળ કહી શકાય એવા વ્યક્તિ હતા. થોડા જાડા અને નીચા. તેમની આંખોએ નંબરના ચશ્મા ચડાવેલા હતા. તેઓ આગળ વધીને બાપુની એકદમ નજીક આવ્યા.

“ જીગરને કંઇ થયુ છે....?” તેમના અવાજમાં ચીંતા ડોકાતી હતી.

“ નહીં....પણ રેવાએ ઉપાધી ખડી કરી છે.....”

“ રેવાએ...! પેલા કુતરાએ....! શું કર્યુ તેણે....? મેં તને કેટલી વખત કહયું છે કે આવા ખતરનાક જાનવરને રાખવાની કંઇ જરૂર નથી. પરંતુ મારુ સાંભળે કોણ....?” ડો.ભૈરવસીંહ વર્ષોથી વિષ્ણુસીંહ બાપુના પરીવારના ફેમીલી ડોકટર હતા અને તેમની ઉંમર પણ લગભગ બાપુ જેટલી જ હતી એટલે તે બાપુને હંમેશા તું-કારે જ બોલાવતા. આમ પણ તે ડોકટર આખા-બોલો વ્યક્તિ હતો. જે મનમાં હોય એ મોંઢે લાવી દેતો...

“ આખુ પંચાલ ફેમીલી તારુ સાંભળે છે ડોકટર....ફક્ત સાંભળે છે એટલું જ નહી, તું જેમ કહે છે એ કરે પણ છે. સમજ્યો...!! તું એ બધી પંચાત મુક અને ચાલ મારી સાથે વાડીએ....”

“ પણ થયુ છે શું એ તો કહે....”

“ એ હું તને રસ્તામાં કહીશ. અહી નહી....તું બસ, ગાડીમાં બેસ....” બાપુ બોલ્યા અને પછી તેઓ બહાર નીકળ્યા. બહાર કોઠીની પોર્ચમાં જેન્તી હમણા નવી જ ખરીદેલી ફોરચ્યુનર લઇને ઉભો હતો. વિષ્ણુસીંહબાપુ અને ડો.ભૈરવસીંહ તેમાં ગોઠવાયા એટલે જેન્તીએ ગાડી કંમ્પાઉન્ડમાંથી બહાર કાઢી....પંચાલગઢના રસ્તેથી ફોરચ્યુનર બાપુના ફાર્મહાઉસની દિશામાં જઇ રહી હતી.

“ હાં તો વિષ્ણુ....હવે કહે... માજરો શું છે...?” ડોકટરે ચાલુ ગાડીએ ફરી વખત વાત ઉખેળી.

“ રેવાએ એક છોકરાને બટકું ભર્યુ છે એટલે તેની મરમ્મત કરવી પડે એમ છે...” અને વિષ્ણુસીંહ બાપુએ ડોકટરને શું થયુ હતુ એ વિગતે જણાવ્યુ.

“ તને નથી લાગતું વિષ્ણુ કે આ બધુ થોડુ વધારે પડતુ થાય છે.”

“ કંઇ જ વધારે નથી ડોકટર...” વિષ્ણુસીંહ અચાનક આવેશમાં આવીને બોલી ઉઠયા. “ મારા જીગરની તકલીફ સામે આ ઘાવ તો નગણ્ય છે.... અને તે હજુ મીનળ વહુના સંતાપને કયાં જોયો છે. એ છોકરીએ એટલુ દુઃખ વેઠયુ છે તેનો અંદાજ પણ લગાવવાની આપણી હેસીયત નથી....”

“તું જે કહે તે પણ....”

“ પણ કાંઇ નહી ડોકટર... મીનળની તો ફક્ત સગાઇ થઇ હતી જીગર સાથે....લગ્ન થવાના હજુ બાકી હતા છતા જો તે છોકરી સગાઇના બંધનમાં બંધાઇને પંચાલ પરીવારમાં વહુ નહી દિકરી બનીને આવી હોય, મારા જીગરની અર્ધાંગીની બનીને તેની રાત-દિવસ જોયા વગર સેવા કરતી હોય તો હું તો જીગરનો દાદો છું. મારી પણ કંઇક ફરજ ખરીને...? હું એ જ ફરજ નીભાવી રહયો છું....અને તું કયાં નથી જાણતો હકીકત...!” બાપુ આક્રોશપૂર્વક બોલી ઉઠયા.

“ હકીકત જાણું છુ એટલે જ કહુ છુ કે બસ હવે....અહી જ અટકી જા...આ ખેલનો અંજામ બહુ ખરાબ આવશે વિષ્ણુ... પહેલેથી હું તને કહેતો આવ્યો છું કે જે થયુ તે કુદરતી હતુ. તેમાં એ છોકરાઓનો કોઇ વાંક નહોતો....”

“ ખામોશ ડોકટર...” ગર્જી ઉઠયા વિષ્ણુસીંહ બાપુ. ફાર્મની દિશામાં દોડી રહેલી ફોરચ્યુનરમાં એ ગર્જનાથી ધ્રુજારી ફેલાઇ. અચાનક વાતાવરણ જાણે તંગ થઇ ઉઠયુ.

“ એ છોકરાઓની રમતના કારણેજ આજે મારો જીગર આ હાલતમાં છે. આવડો હતો....” વિષ્ણુસીંહ બાપુએ હાથ ફોરચ્યુનરની ફર્શથી થોડે ઉંચે રાખીને બતાવ્યો. “ જ્યારે જીગરના મા-બાપ તેને મને સોંપીને કારકીર્દી બનાવવા અમેરીકા ચાલ્યા ગયા હતા... તે દિવસથી મેં અને કેસરે જીગરને પોતાનું ખુદનું સંતાન માનીને ઉછેર્યો છે. પાંચ વર્ષ પહેલા જ્યારે મારા દિકરા અને વહુનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયુ ત્યાર પછી તો આ જગતમાં જીગર, હું અને કેસર ત્રણેય એકબીજાનો સહારો બનીને જીવ્યા છીએ અને તું કહે છે કે બધુ ભુલી જાઉં....!! એ કયારેય નહી બને ભૈરવ. એ લોકોને તો હું રીબાવી-રીબાવીને મારીશ....” ગર્જી ઉઠયા બાપુ.

“ એનું પરીણામ તારેય ભોગવવુ પડશે વિષ્ણુ. આગ સાથે રમત કરે છે તો દાઝવુ તારેય પડશે...”

“ દાઝવામાં બાકી રાખ્યુ છે પણ શું....? જીગરને જોઇ-જોઇને દરરોજ તો બળી રહયો છુ.”

વાત ત્યાં જ અટકી ગઇ. બાપુ અને ડોકતર બંને સમજતા હતા કે આ ચર્ચાનો કોઇ અંત નહોતો આવવાનો. આ પહેલા પણ તેમની વચ્ચે આ બાબતે લાંબી બહેસ(ચર્ચા) થઇ ચુકી હતી. દરેક વખતે એક ચુકીદીથી વાતનો અંત આવતો. આજે પણ એવુ જ થયુ હતુ.... આ બંનેની વાતો સાંભળતો જેન્તી ખામોશીથી ગાડી ચલાવી રહયો હતો.

*********************************

“ સામે જે દરવાજો દેખાય છે એ જ બાપુની વાડી છે....” શૈતાનસીંહે પાછલી સીટમાંથી મહા-મહેનતે ઉંચા થઇને આંગળી ચીંધી....વીજયે જીપને એક ઝાડની ઓથે છાંયામાં ઉભી રાખી હતી. વાડીનો લોંખડી ગેટ અત્યારે બંધ હતો.... દુર-દુર સુધી કોઇ દેખાતુ નહોતુ. સુર્ય કયારનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ધોમ-ધખતો તપી રહયો હતો. ઉજ્જડ વેરાન વગડાનું વાતાવરણ બોઝીલ ભાસતું હતું..... કદાચ એક તુફાન આવતા પહેલાની આ શાંતી હતી.

“ વીજય...મોન્ટીને એ લોકો અહી જ લાવ્યા હશે....” રીતુ બોલી. “ અને પેલો ભયાનક કુતરો પણ સાથે હશે...”

“ ગેહલોત સાહેબ....શું કરવું છે....?” અત્યાર સુધી ખામોશ બેસી રહેલા ગેહલોતને વીજયે પુછયુ.

“ યા હોમ કરીને કુદી પડીએ....બીજુ શું....!!” ગેહલોત બોલ્યો. કંઇક એ મતલબનું જ વીજય પણ વિચારી રહયો હતો.

“ પણ પેલો કુતરો...?” રીતુએ પુછયું. રેવાની યાદ આવતા જ તેના શરીરમાં ભયનું એક લખ-લખુ પસાર થઇ જતું હતુ.

“ એક ગોળી...અને વાત ખતમ...” ગેહલોતે તેની ગન ઉંચી કરી અને બોલ્યો.

“ હાં, એ બરાબર છે પરંતુ દર વખતે બંદુકથી કામ ન પણ થાય....કયારેક સ્ટ્રેટેજી પણ ઘડવી પડે...”

“ એ પણ કરીશું. સૌથી પહેલા તો મને અત્યારે રીતુની કહાની સાંભળવાનું મન થાય છે. વાડીની અંદર ઘુસતા પહેલા આ કહાની કેવી રીતે શરૂ થઇ એતો જાણી લઇએ. કયાંક એવુ ન બને કે છેલ્લે કંઇક અલગ જ હકીકત સામે આવે....” ગેહલોત ગંભીરતાથી બોલ્યો. “ શું કહેવું છે તારું.....?” તેણે રીતુ સામુ જોતા સવાલ કર્યો.

“ ઓ.કે... જો એમ જ હોય તો હું જણાવવા તૈયાર છું....” હળવો નિસાસો નાંખતા રીતુ બોલી. તેને મોન્ટીની સખત ચીંતા થતી હતી... પરંતુ ગેહલોત અને વીજયના ચહેરાના ભાવો જોતા તે સમજી ગઇ હતી કે આ લોકો તેની વાત સાંભળ્યા વગર આગળ વધશે નહી.

“ મારો નાનો ભાઇ રાજુ એક દિવસ અચાનક ગુમ થઇ ગયો હતો. તેને કોઇક બુકાનીધારી માણસોએ કીડનેપ કરી લીધો હતો. એ બુકાનીધારી માણસોએ અમારી સમક્ષ એક શરત મુકી. જો એ લોકો કહે એમ હું કરું તો તેઓ મારા ભાઇને છોડી મુકવા તૈયાર હતા.... અને મેં તેમની વાત સ્વીકારી લીધી હતી. તેમણે મને કહયુ હતુ કે મારે સુરતની એક કોલેજમાં એડમીશન લઇ તમારા, એટલે કે વીજયના ગૃપમાં ભળવાનું છે.... વીજયના ગૃપમાં ભળી મારે તમામ મિત્રોનો વિશ્વાસ હાંસીલ કરવાનો હતો.... ખાસ કરીને વીજયનો....મેં એ કામ બખુબી કર્યુ હતુ. તેઓ જે સુચના આપતા એ પ્રમાણે હું કર્યે જતી હતી. તેમનો મકસદ શું છે એ તો હું પણ જાણી શકી નહોતી.... તેમાં એક દિવસ અચાનક મોન્ટીએ આબુ જવાનો પ્લાન બનાવ્યો. મોન્ટી આબુ ગયો એ અરસા દરમ્યાન એક દિવસ એ બુકાનીધારીનો ફોન આવ્યો અને તેમણે મને પંચાલગઢ, મારા ગામે આવવા જણાવ્યુ. હું પંચાલગઢ પહોંચી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે તેમણે મને મોન્ટીનો ફોન આપ્યો અને એક કાગળમાં લખી આપ્યુ કે મારે એ ફોનનું શું કરવાનું હતું....કાગળમાં લખ્યા પ્રમાણે મેં ગૃપના તમામ મિત્રોના ફોન ઉપર મેસેજ કર્યા હતા અને ફરી પાછી સુરત આવી હતી...બધા મિત્રોની સાથે હું પણ આબુ જવા નીકળી હતી અને એ સફર દરમ્યાન મોન્ટીના ફોનથી હું સાવધાનીથી મેસેજ મોકલાવતી રહી હતી... આબુમાં અમે સુંદરવન હવેલીએ પહોંચ્યા ત્યારે મને તો એ વાતનો ખ્યાલ હતો જ કે મોન્ટી ત્યાં હશે નહી...”

“ એક મીનીટ....એક મીનીટ....તો મોન્ટીનું એ લોકોએ શું કર્યુ હતું...?” વીજયે અચાનક વચ્ચે પુછયુ.

“ એ સમયે તો મને પણ ખબર નહોતી કે લોકો કોણ હતા અને તેમનો મકસદ શું હતો, એ પણ હું ત્યારે જાણતી નહોતી. મને એ ખબર પડી ત્યારે બહુ મોડુ થઇ ચુકયુ હતુ...”

“ તું વચ્ચે સવાલ નહી પુછ વીજય... રીતુ ને જ બોલવા દે...” ગેહલોતે કહયુ.

“ સુંદરવન હવેલીમાં અમે વહેલી સવારે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને શું કરવાનું હતુ એ મને પહેલેથી કહી દેવામાં આવ્યુ હતુ. એ લોકોએ એક ફ્રીજમાં દારૂની વ્યવસ્થા કરી રાખી હતી.... મારે એ દારૂ કોઇપણ સંજોગોમાં મારા મિત્રોને પીવડાવવાનો હતો....એ કાર્ય બખુબીથી મેં કર્યુ હતુ. તમામ મિત્રો એક હોલમાં થાકીને સુવાની તૈયારી કરતા હતા એ સમયે જાણે અચાનક મને દારૂની બોટલો મળી આવી હોય એવો દેખાવ કરીને મેં તમામ દોસ્તોને આગ્રહપૂર્વક દારૂ પીવડાવ્યો હતો... બધાએ ટટકવીને શરાબ પીધો અને એક પછી એક બધા ઢળી પડયા.... ખબર નહી કયારે અને કેવી રીતે પેલા બુકાનીધારી માણસો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મારા માટે એ ભયંકર આશ્ચર્યની વાત હતી પરંતુ એ સમયે મારી માનસીક હાલત એવી નહોતી કે હું વધુ વિચારી શકુ. એમ સમજોને કે એક જીવતી-જાગતી કઠપુતળીની જેમ હું વર્તી રહી હતી. તેમણે મને પણ એક ગ્લાસ દારૂ જબરદસ્તીથી પીવડાવ્યો એટલે હું પણ બેભાન થઇ ગઇ હતી....અને મને જ્યારે હોશ આવ્યું ત્યારે હું એક ભંડકીયા જેવા કમરામાં હતી....”

“ મતલબ...આપણા દોસ્તોના બેરહમીપૂર્વક મોત નીપજાવવામાં આવ્યા હતા એ તને નહોતી ખબર...?” વીજય ફરી વખત વચ્ચે બોલ્યો.

“ એ જાણ મને પછી થઇ હતીં ઇનફેક્ટ આ કાવતરુ કોણે ઘડયુ અને પેલા બુકાનીધારી માણસો કોણ હતા એ પણ મને અને મોન્ટીને અહી ફાર્મહાઉસમાં લાવવામાં આવ્યા ત્યારે સમજાયુ હતુ....”

“ અને તારો ભાઇ રાજુ....? એ કયાં છે...?”

“ મને નથી ખબર કે રાજુનું આ લોકોએ શું કર્યુ અને તેને કયાં રાખવામાં આવ્યો છે...?”

“ ઓહ....”

“ પણ મને હવે રાજુની ફીકર નથી. મારા ભાઇને બચાવવા ખાતર મેં ઘણી વ્યક્તિઓના જીવ દાવ પર લગાવ્યા હતા. જો મને પહેલેથી જાણ હોત કે એક રાજુના જાનની કિંમત મારે તમારા જેવા અનુપમ મિત્રોના જીવન આપીને ચુકવવી પડશે તો કયારેય આ સોદો મેં મંજુર રાખ્યો ન હોત. હું મારો પોતાનો જીવ આપીને પણ તમને બચાવી લેત....” રીતુ ભારે ખીન્ન અવાજે બોલી. તેની આંખોમાં આંસુઓ ઉભરાઇ આવ્યા. ગેહલોત અને વીજયને ધીરે-ધીરે આ સાઝીશ કેવી રીતે રચાઇ હતી અને તેની પાછળ કોનો દોરી સંચાર હતો એ સમજાતું જતું હતુ....

( ક્રમશઃ )