hasydhara in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્યધરા

Featured Books
Categories
Share

હાસ્યધરા

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યા તમે...?

‘ વેલેન્ટાઇન-ડે ‘ નો દિવસ, એટલે યુવાનોનો દિવસ. એને સારી ભાષામાં પ્રેમસંચાર દિવસ પણ કહી શકાય. જેનાથી મડદાં પણ બેઠાં થાય, એવું કોઈ કહે તો શંકા નહિ કરવાની બકા...! માની જ લેવાનું....! રોબોર્ટ જેવાં રોબોર્ટ પણ, જો ‘ રેડ રોઝ ‘ લઈને ગાતાં ગાતાં દૌડવા માંડે કે, “ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે....? “ તો માની લેવાનું કે, આજે ‘ વેલેન્ટાઈન-ડે ‘ છે....! ને માણસમાં જો એનો પ્રેમ સંચાર થયો, તો માની લેવાનું કે, એના હૃદયની એકપણ વેઇન બ્લોક થયેલી નથી. બધી ખુલ્લમ-ખુલ્લી જ છે. જો કે કેટલાંક તો મનથી જ એવા પાનખર જેવાં હોય કે, રોજની ‘ વેલેન્ટાઇન-ડે ‘ આવે, તો પણ એમાં કુંપણ નહિ ફૂટે....! ભૂલમાં કોઈ છોકરી રેડરોઝ આપવા ગઈ તો, એને પણ એમ થાય કે, ‘ હાઈ..મૂઈ હું ક્યાં આ ભુતાવળના નકુચામાં આંગળી નાંખવા ગઈ.....? ‘ લુચ્ચો....!!

ચમનીયો કંઈક આવો ઇશ્કી ખરો. જો કે, એની દાનતને તો હજી ડોશીઓ પણ ઓળખી શકી નથી. કારણ એ ઇશ્કી પણ ખરો, અને રિસ્કી પણ....! એની ઉમર આમ તો કાયદેસરની ૬૯ ની. અને આ ‘ વેલેન્ટાઇન-ડે ‘ ના દિવસે એ મીનમેખ ૭૦ નો થવાનો. પણ આઉટલુક, હમેશા ૨૯ વર્ષનું રાખે. એવર ફૂલરોઝી...! આઈ મીન ‘ ઓલ્વેઝ... ફૂલગુલાબી....! ‘ અમાસ-પૂનમના દિવસે જેમ દરિયામાં ભરતી ભરાય, એમ, ‘ વેલેન્ટાઇન ડે ‘ આવે એટલે, આ મનહુસના અરમાન આપોઆપ ‘ રંગરોગાન ‘ થવા માંડે. જાણે વસંતની સવારી, એને જોઇને જ બગીચામાં ડી.જે. વગાડતી આવતી ના હોય...? જોવાની ખૂબી એ કે, એ ‘ વેલેન્ટાઇન ‘ દિને જન્મેલો ખરો, પણ વેલેન્ટાઈન-ડે ને એ સમઝેલો નહિ. તેથી તો અત્યાર સુધીની બધી જ વેલેન્ટાઇન એની ‘ ફ્લોપ ‘ ગયેલી. એને ખબર જ નહિ કે, ‘ વેલેન્ટાઇન-ડે ‘ એટલે, પ્રણયનો તહેવાર. એને એમ કે, કોઈ ધાર્મિક તહેવાર છે. એમ માની, ‘ વેલે ન્ટાઇન-ડે ‘ ના દિવસે પણ, એણે મંજીરા જ ઠોકા ઠોક કરેલા. પ્રણયના ગીતો ગાવાને બદલે, આરતીઓ જ ગાયા કરેલી.....! અને જય માતાજીની માત્ર ધૂન જ બોલાવેલી ....!!

બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, કે પ્રોઢાવસ્થા, ને વૃદ્ધાવસ્થા હોય, એ ચારેય મૌસમમાં, મનના કાંટા કાઢવાને બદલે, પગના કાંટા કાઢવાનું જ કામ કરેલું. પછી કોઈનો પણ લવ ભૂલો પડે ખરો.....? બારણે ઉઘરાણીવાળાના ટકોરા પડે, બાકી પ્રેમના ટકોરામાં તો અલ્લાયો...! નામ ભલે ને ધનસુખલાલ હોય...?, પણ કુંડળીમાં જ કાળોતરા ફરતાં હોય તો, પછી ધનસુખલાલ પણ ઠન ઠન ગોપાલ જ રહે...! ‘ ચિઠીયાં હો તો સબ કોઈ બાંચે, ભાગ ના બાંચે કોઈ.....! બસ બિલકુલ એવું જ....!!

કુંડળી છે ભાઈ....! ઘણાની કુંડળી બરફ પણ થઇ જાય. એટલે મોડી મોડી પણ જાગૃત થાય. ચમનીયા ની ૭૦ વરસે જાગૃત થઇ. જ્યારે એ ભાનમાં આવ્યો કે, ‘ વેલેન્ટાઈન-ડે ‘ એ કોઈ ધાર્મિક તહેવાર નથી, પણ શૃંગારનો તહેવાર છે, ત્યારે એને ખુબ વસવસો થયો. કારણ ૭૦ નો થયો ત્યાં સુધી કોઈ મંજરીની અડફટમાં આવવાને બદલે, એ મંજીરાની અડફટમાં જ રહ્યો....! પણ સમઝણ આવ્યા પછી સમઝદાર જીવ, ઝાલ્યો રહે ખરો....? માત્ર ગુલાબ નહિ, ગુલાબોના ફૂલનું આખું કુંડુ લઈને એ ધાબે ચઢી ગયો. ને જે જીવ ગઈ કાલ સુધી ‘ વેલેન્ટાઇન-ડે ‘ ના દિવસે આરતી અને થાળ ગાતો હતો, એ હવે એવું ગાવા લાગ્યો કે, ‘ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે....? ‘

આપણને તો એવું જ લાગે કે, આસ્થા ચેનલ ઉપર આજે ‘ શાયગલ ‘ સાહેબ ઝામ્યા છે....! ને એવી શંકા પણ જાય કે, ચ્યવનપ્રાસનો એક પણ ડબ્બો ખાલી કર્યા વગર આજે ચમનીયામાં એકાએક વસંત ક્યાંથી ફૂટી નીકળી...? આવા પીળાં પાનને આપણે ‘ રોમેન્ટિક ‘ કહેવો જોઈએ કે, એન્ટીક ....? એનું સંશોધન હજી એના મિત્રોમાં ચાલુ છે.

‘ ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ ધ સ્ટાર ‘ કે પછી ‘ કાળુડી કુતરીને આવ્યા ગલુડિયા ‘ થી શરુ થયેલી જીવન યાત્રા, એકપણ સ્ટેશન કર્યા વગર ૭૦ વરસે સીધી ‘ ચીકની ચમેલી ‘ ના સ્ટેશન ઉપર આવીને અટકે, તો માણસનો જીવ પડીકે તો બંધાય જ ને....? પણ એનું આવું ચરિત્ર જોયા પછી આપણને પણ ચોક્કસ થાય કે, પાછલી ઉમરમાં હવે ભક્તિના જ પરાક્રમ થાય એવું નક્કી નહિ. ‘ વેલેન્ટાઇન-ડે ‘ જો આવ્યો તો, ૭૦ વરસે પણ ગુલાબના ફૂલથી ભરેલાં ઓશીકાં હવામાં ઉછળવા માંડે....! જાણે ‘ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે ‘ ગીત કોઈ ‘ વેલેન્ટાઇન સોંગ ‘ ના હોય...? જો કે, દેખીતી વાત તો એ છે કે, આવાં ગીત કંઈ બાપુજીની પુણ્યતિથી ઉપર તો ગવાય નહિ. ને કોઈની સ્મશાનયાત્રા પાછળ લેડીઝો પણ છાતી ફૂટીને આ ગીત ગાવાની નથી કે, “ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.....? “ મઝા તો ત્યારે આવે કે, ઘણાં તો આ ગીતની ‘ રીંગટોન ‘ મોબાઈલમાં ડાઉનલોડ કરાવે. કામવાળી જો કામ પર નહિ આવવાની હોય તો. જાણે પેલી રીંગટોન જ એને પૂછી નાંખે કે, ‘ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યા તમે.....? ‘મને મરીઝનો એક જાણીતો શેર યાદ આવે છે.

‘ તારા સિવાય કોઈ બીજી પર નજર ઠરી નહિ,

મારી નજર નહિ તો બધા પર પડી હતી......! ‘

અહીં વાત નજર પર નજર ચઢાવવાની છે, અંધ-શ્રદ્ધાવાળી નજર ઉતારવાની નથી...! આંખને કોઈ ગમતી વ્યક્તિ મળવી જ જોઈએ, એટલે ‘ તેરા મેરા પ્યાર શુરુ....! ‘ગમતાનો ગુલાલ ઉડવા જ માંડે....! પછી તો મામલો મામલાનું કામ કરે. બંનેની આંખો મળે એટલે, એ ચાર આંખોનો મામલો સગેવગે કરવાનો વિચાર પછી એ લોકોએ જ કરવાનો. આવે. એમાં પછી આંખનો ડોક્ટર પણ નહિ ચાલે....! ખટારાવાળા કંઈ પાગલ થોડાં છે કે, ખટારા પાછળ લખે, કે ‘ બૂરી નજરવાલા તેરા મૂંહ કાલા...! ‘ હું તો કહું છું કે, ખટારાવાળાની માફક આપણે આપણી જરસી ઉપર કેમ ચિતરાવતા નથી કે, ‘ બૂરી નજરવાલે તેરા મૂંહ કાલા....! આ તો આંખ છે ભઈલા. કોઈની આંખ આપણા ઉપર પડે તો પણ દુખ, ને આપણી આંખ કોઈના ઉપર પડે તો પણ દુખ....! આંખ આવે તો પણ દુખ, ને આંખ જાય તો પણ દુખ...! આંખમાં જો કચરું પડે તો, પોતાનું કચરું પોતાની આંખ જોઈ શકતી નથી. એમાં પછી બીજાની આંખે જ, ૧૦૮ બનીને વ્હારે આવવું પડે...!

આપણે તો જાણીએ કે, અમુક ઉમરે રાષ્ટ્રગીત કે ‘ હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે ‘ જેવાં ગીતો જ લલકારાય. વેલેન્ટાઈન-ડે જેવા રંગીન મામલામાં, કંઈ કાળા વાવટા નહિ કઢાય....! આઈ.સી.યુ. માં હોય કે, ફૂલ ગુલાબી ગાર્ડનમાં હોય, પણ સૂતા સૂતા એ ગાવાનો એટલે ગાવાનો કે, ‘ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે...? આપણે એવી ધારણા નહિ કરવાની કે, એ યમરાજને સંભળાવે છે કે, ‘ નજરના જામ છલકાવીને, જીવ લીધા વિણ ચાલ્યા ક્યાં તમે ....? ‘

ખાસ કરીને આવાં ગીત કોલેજની આસપાસ કે ચોપાસમાં જ વધારે ઝામે. કારણ કલાસિકલ રાગ જેવા બંધન તો એમાં હોય નહિ, કે અમુક રાગ અમુક સમયે જ ગવાય....? જેને જ્યાં જેવી સિચ્યુએશન મળે, ત્યાં લલકારી નાંખે. ઘરના વોશરૂમમાં ‘ સ્ટોપર ‘ ના હોય, તો ત્યાં પણ લલકારી નાંખવું પડે. કે, “ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે....? ‘ જેથી બહારવાળાને પણ ખબર પડે કે, વોશરૂમ હાઉસફુલ છે....! બાકી વેલેન્ટાઈન-ડે હોય કે, પેલેસ્ટાઇન-ડે...! ઉજવણીમાં તો આવા જ ગીતો ગવાવાના. એમાં કંઈ ગાવા વાળા માટે બંધ કરવાના ફતવા નહિ કઢાય....!

કોઈ સ્વરૂપવાન કન્યાએ ‘ છુટ્ટા હાથે ‘ મેક-અપ કર્યો હોય, અને એ સુંદરીની સામે આપણે નજર પણ ના મેળવીએ, તો એ નરી ઘૃષ્ટતા જ છે. બિચારીનો બ્યુટી પાર્લરનો તમામ ખર્ચ. માથે પડે. એવું દુષ્ટ કૃત્ય આપણે શું કામ કરવું જોઈએ...? વિવેકી ગમે એટલો હોય, પણ એનું સૌન્દર્ય જોઇને એકવાર તો આંખ તકાવાની જ. પણ આપણને એવો અપરાધ લાગે કે, જાણે આપણાથી એના લમણે પિસ્તોલ ના તકાય ગઈ હોય...? યાર....આપણે સૌંદર્ય નહિ જોવાના, તો શું નગરપાલિકાની કચરાપેટી જોવાની.....? પ્રાણી સંગ્રહાલયમાંથી કંઈ ગેરીલા વાંદરા થોડાં ‘ બાયનોક્યુલર ‘ ગોઠવીને, એને તાકવા આવવાના હતા....?

મને એક પ્રસંગ પણ યાદ આવે છે. આમાં ચમનીયાની એકવાર વાટ લાગી ગયેલી. મામલો એવો બનેલો કે, બરાબ્બર એના ઘરની સામે જ આવેલા દવાખાનાની લેડી ડોકટરે, ચમનીયાની વાઈફને ફરિયાદ કરેલી કે, “ તમારો બરમુડો દરરોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન મને જ તાકી તાકીને જોયા કરે છે. “ બસ...પછી તો પૂછવાનું જ શું....? દે ધનાધન....! જો કે, ચમનીયાને ચોખવટ કરવાનો પણ ચાન્સ નહિ મળ્યો. બાકી ચમનીયાનું તો એવું કહેવું હતું કે, પેલી ડોકટરે જ દવાખાના બહાર બોર્ડ મારેલું કે, “ ડોક્ટરને જોવાનો સમય, સાંજે ૪ થી ૬.....! “ તારી ભલી થાય તારી ચમનીયા.....!

----------------------------------------------------------------------------------------------------------------------------------