Chhad in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | છળ

Featured Books
Categories
Share

છળ

**છળ**

ચારેબાજુ લોહીના ખાબોચિયા, માનવ દેહોનો ઢગલો, ચિત્કાર, સિસકારા, મરણચીસો, બચાવો... બચાવોની બૂમરાણ, પોલીસવાન ને એમ્બ્યુલન્સના સાયરનના અવાજો. અને એ બધાની વચ્ચે આસું સારતી એ બે નિર્દોષ આંખો.....

“નહીં.... ન...હીં... હું તને ક્યાંય જવા નહીં દઉં માય સન..., ન...હીં....” મિસિસ તનાઝ ઈરાની બૂમો પાડતા સફાળા બેઠા થઈ ગયા. એમણે આંખો ચોળતા જોયું તો પોતે પોતાના પલંગ ઉપર હતા.

“ઓ.. ખોદાયજી..!! વ્હાય આર યુ ઓલવેઝ પ્લે ગેમ વીથ મી...??? મેં શું બગાડિયું છે તારું.. બોલની બાવા...??? તેં મારી સાથે આવી ચિટીંગ શું કરવા કરી?? મારા લવિંગ સનને તારી પાસે બોલાવીને મને શું કરવા જીવતી રાખી??? મને બી બોલાવી લે ને બાવા..” તનાઝ ચિત્કાર કરતાં બોલી.

આ તો લગભગ રોજનું થઈ ગયું હતું. આજે કેવીનની વિદાયને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાંયે તનાઝના સ્વપ્નમાં તે દિવસનું દ્વશ્ય લગભગ દરરોજ તાજું થઈ જતું......

“ડીકરા... મારે પન આવવું છે તારી જોડે, તારી નવી ઑફિસ જોવા. મને બી લઈ જાની બાવા....” તનાઝ નાના બાળકની જેમ જિદ્દ કરતાં બોલી.

“ઓ માય સ્વીટ મોમ, આજે તો હોલિડે છે સો, આજે મારે ઑફિસને બદલે બૉસના બીજા કામ કમ્પ્લીટ કરવાના છે. સો, ટુમોરો હું તને ઑફિસ બતાવવા શ્યોર લઈ જઈશ. ઈઝ ધીસ ઓ.કે. ફોર યુ..??”

“નો.. નો.. નો.. ટુડે મીન્સ ટુડે. અને જો ડીકરા મને ઑફિસ બતાવીને તું તારા કામ પતાવજે ની, હું તો કારમાં બેસી રહીશ તને જરીકે બોધર નહીં કરું.. ઓ.કે..” તનાઝ પોતાનો ઉત્સાહ છુપાવી ન શકી.

મનમાં કશીક ગડમથલ કર્યા બાદ મંદમંદ મુસ્કુરાતા ચહેરે તનાઝના કપાળને ચૂમતા કેવીન બોલ્યો, “ઓ.કે બાબા ઓ.કે... બટ, આપણે ઑફિસે પહોંચતા સહેજે અડધો કલાક નીકળી જશે અને આઈ એમ ગેટીંગ લેટ સો પ્લીઝ હરી...અપ..”

પણ..... પચ્ચીસ મિનિટમાં જ કેવીને એક્સીલૅટર દબાવી ૧૨૦ની સ્પીડમાં દોડાવીને ગાડીને એક ભરચક વિસ્તારમાં ઊભા કરાયેલા બાંધકામવાળી જગ્યાએ ચ..ર...ર..ર.. કરતીક ને ઊભી રાખી દીધી. “મોમ, લુક ધીસ ઈઝ માય ઑફિસ બિલ્ડિંગ...”

ગાડીમાંથી ઉતરીને તનાઝે હથેળીની છાજલી કરીને એ બિલ્ડિંગ તરફ નજર કરી. ત્રીસમાળની વિશાળ અને ઈટાલિયન કાચ વડે જડાયેલી ભવ્ય ઈમારત. જેની નીચે બે મોટી રેસ્ટૉરેન્ટ, એક જ્વેલરી શોપ, એક રેડીમેડ ગારમેંટની દુકાન અને એક સુપરમાર્કેટ આવેલી હતી. ચારેબાજુ લોકોની ચહલ-પહલ અને અસંખ્ય વાહનોની ભરમાર લાગેલી હતી.

“ઓ ખોદાયજી!! કેટલું સોજ્જુ બિલ્ડિંગ છે ની...?? સુપર્બ, વંડરફુલ, વા..ઉ..” ગાડીમાં બેસતાં બેસતાં અતિ ઉત્સાહમાં તનાઝ બોલી.

“બસ હેપ્પી ને..?? ચલો હવે બીજા કામ પતાવીએ..?? ” ગાડીને ફસ્ટ ગેરમાં નાખતાં કેવીન બોલ્યો. તનાઝ તો ગાડીમાંથી રોડને પાર કરતાં કરતાં એ ઓફિસ બિલ્ડિંગને જ નીરખતી રહી. “ડીકરા, એ તો કે’ની કે, તારી કેબીન કિયા ફ્લોર પર.....” તનાઝનો પશ્ન પૂરો થાય એ પહેલા કેવીનના મોબાઈલની રીંગ વાગી એટલે કેવીને ગાડીને ન્યુટ્રલ પર રાખી, તે ફોન પર વાત કરવા લાગ્યો. અને તનાઝ પાછી એ ઈમારતની ભવ્યતામાં ખોવાઈ ગઈ.

“મો..મ... મો..મ..” બિલ્ડિંગની ભવ્યતામાં ખોવાયેલી તનાઝને ઢંઢોળતા કેવીન બોલ્યો, “બોસનો ફોન હતો. એમને ખબર પડી કે હું અહિંયા સુધી આવ્યો છું એટલે એમણે મને પેપર કલેક્ટ કરવા માટે બોલાવ્યો છે મારે ઑફિસે જવું પડશે. તું એક કામ કર ટુ મિનિટ્સ માટે કારમાં બેસ, મૈં અભી ગયા અભી આયા...”

તનાઝના કપાળને વ્હાલથી ચૂમતા કેવીન બોલ્યો, “બાય.. મોમ.. એન્ડ લવ યુ મોમ....” અને ગાડીમાંથી ઉતરીને એણે જમણાં હાથમાં અંગ્રેજીમાં ‘કે’ લખેલા ટેટુની નીચે પહેરેલા રિસ્ટ વૉચ પર નજર નાખતાં ઉતાવળે ઓફિસ તરફ જવા ડગ માંડયા.

તનાઝ એને જતાં જોઈ રહી. “યંગ, હેંડસમ, ડાઈનેમિક, ચાર્મીંગ અને એમાંય જ્યારે આવું ડેનીમ બ્લુ પેંટ ઉપર ચેક્સવાળું શર્ટ પે’રેછે ત્યારે તો કેવો સોજ્જો લાગેછે મારો ડીકરો. એની હેઝલ બ્રાઉન આંખો અને એના પર રીમલેસ ચશ્મા, સોનેરી વાળ ને કાયમ હસતાં હોઠ... પારકાંને પણ પરાણે વ્હાલો લાગે એવો છે મારો સન. ઓ ખોદાયજી!! તું સાચ્ચે ગ્રેટ છો. જ્યારે મિ.ઈરાનીનું રોડ એક્સીડૅન્ટમાં ડેથ થિયુ એ ટાઈમે કોઈપન જાતના બ્લડ રિલેશન વગર આ ડીકરાએ મને મોરલ સપોર્ટ દીધો એટલે જ મેં બી એને ગોડગિફટ માનીને મારા એકનાએક ડીકરા કેવીન, કે જેને સાત વર્ષની એજમાં જ તેં તારી પાસે બોલાવી લીધો’તો એનું નામ આપીને એને હમેંશાને માટે અપનાવી લીધો. જો કે એ વાતને હજુ તો બાર મહિના પન ક્મ્પ્લીટ નથી થિયા પન જાણે લાઈફટાઈમની રિલેશનશીપ બંધાઈ ગઈ છે આ છોકરા સાથે. હવે તો એના વગર તો જાણે મારી લાઈફ જ પોશિબલ નથી બાવા. ઓ ખોદાયજી!! લોંગ લીવ માય સન.. આમીન..!!” ઑફિસ બિલ્ડિંગથી થોડી દૂર પાર્ક કરેલી સાઉન્ડપ્રુફ ગાડીમાં બેઠેલી તનાઝ ભૂતકાળના સંસ્મરણોમાં જાણે ખોવાઈ ગઈ.

ઠક... ઠક... ઠક.... ગાડીની બારીના કાચ પર ટકોરા પાડી રહેલા હવાલદારના પડછાયાએ તનાઝની તંદ્રા તોડી. “અરે!! આ શું..?? આટલી નાસભાગ..?? વ્હોટ હેપ્પન્ડ...??” ગાડીમાંથી બહાર નીકળીને ટકોરા મારી રહેલ હવાલદારને પૂછતાં તે બોલી.

“માજી.... અહિંયા બોમ્બ બ્લાસ્ટ થયો છે. તમે કોની સાથે આવ્યા છો?? અહિંયા તમારું રહેવું સેફ.....”

“શું...?? બોં...બ.. બ્લા.... કેવીન.... વ્હેર ઈઝ કેવીન..?? વ્હેરઈઝ માય સ...ન..??” જવાબની રાહ જોયા વગર જ તનાઝે ઑફિસની બિલ્ડિંગના રસ્તા તરફ દોટ મૂકી. અને ત્યાંનું વાતાવરણ જોતાં જ એના પગતળેથી જાણે જમીન જ સરકી ગઈ.

ચારેબાજુ ધૂળના ગોટેગોટા નજરે પડતા હતાં. કેવીનની ઑફિસની બિલ્ડિંગ અને એની નીચે આવેલી તમામ દુકાનો જમીન દોસ્ત થઈ ગઈ હતી. આજુબાજુમાં માનવદેહોનો ઢગલો થઈ ગયો હતો, વાતાવરણ સિસકારા અને મરણચીસોથી ગુંજી રહ્યું હતું. પોલીસવાન અને એમ્બ્યુલન્સના સાયરનો ગાજી રહ્યા હતા. તનાઝ હતપ્રભ બનીને ચારેબાજુ જોઈ રહી. અચાનક એના સુષુપ્ત શરીરમાં ક્શોક સંચાર થયો.

“કેવી.....ન... માય સ....ન... ક્યાં છે તું...??” તનાઝ બહાવરી બનીને ધૂળના ઢગલા વચ્ચે પોતાના દીકરાને ગોતવા લાગી.

“માજી, તમે ચાલો અહિંથી તમારા દીકરાને શોધવાની જવાબદારી અમારી છે. તમે કહી શક્શો એક્ઝેક્ટલી કે તમારો દીકરો કઈ બાજુ ગયો હતો??”

“અરે!! આ સામે જે ધૂળના ઢગલાની જગ્યાએ જે ઈમારત હતી એમાં. જવા દો મને... કેવીન.... મને મારા ડીકરાને સર્ચ કરવા દ્યો ની બાવા.... કેવીન....” પોતાનું સંતુલન ગુમાવી રહેલી તનાઝને પોલીસ ઈનસ્પેક્ટર માંડમાંડ પકડી શક્યા.

“માજી, તમારા દીકરાને શોધીને હું લઈ આવીશ તમારી પાસે. પણ, અત્યારે તમારું અહિંયા રહેવું સલામતી ભર્યુ નથી.” ગળે થુંક ઉતારતા ઈનસ્પેક્ટર બોલ્યા તો ખરાં પણ એમને ગળા સુધીની ખાતરી હતી કે, આ બોમ્બ બ્લાસ્ટમાં આખી બિલ્ડિંગ નેસ્તોનાબૂદ થઈ ચૂકી હતી એમાંથી કોઈનું બચવું ચમત્કારથી કમ નથી અને એ ચમત્કાર થવો એમના મતે અશક્ય લાગી રહ્યો હતો.

પોલીસ ઈનસ્પેક્ટરના અસંખ્ય પ્રયાસ બાદ મિસિસ તનાઝ ઈરાની, કેવીનની વાપસીની આશાએ ઘર ભેગા તો થયા પરંતુ....... જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ભાષણો, ઝુલૂસો, નારાબાજીઓ, એકબીજા પરના દોષારોપણ, ઠેર ઠેર યોજાયેલા અનશનો અને ટી.વી તેમજ અખબારોની હેડલાઈન્સમાં ચમકાવાયેલા સમાચારોને આધારે એમને એ વાત સુપેરે સમજાઈ ચૂકી હતી કે, કેવીન આ બોમ્બ બ્લાસ્ટનો શિકાર બની ચૂક્યો છે ને હવે તે ક્યારેય પાછો નહીં આવે, તેમ છતાં તનાઝે આશા નહોતી છોડી.

પણ.... પોલીસની નિષ્ક્રિયતાને કારણે તનાઝનું મન વધુ ને વધુ બેચેન બનતું જતું હતું. એમાં પાછા દરરોજના આ સપના.... અને સપનામાં દેખાતી કેવીનની બે આંખો જાણે પોતાની સાથે થયેલ અન્યાયનો ઈન્સાફ મેળવવા માટે એને મજબૂર કરી રહી હોય એવું તનાઝને લાગી રહ્યું હતું.

અને અંતે.... તનાઝે ઈન્સાફ મેળવવા માટે ગાંધીમાર્ગ અપનાવ્યો. “જ્યાં સુધી મારા ડીકરાનો કીલર તમે શોધી નહીં આપો ત્યાં સુધી હું તમારા પોલીસ સ્ટેશનની સામે બેસીને અન્ન તો શું વીધાઉટ વોટરવાળા અપવાસ કરીશ સાહેબ અને આ વાત હું ખોદાયજીની પ્રોમીસ આપીને કહુંછું. ઉપરવાળાએ તો મારી સાથે છળ કીધું, ગોડ ચીટ્સ મી. પન સર, હું મારી મમતાને છેતરી ન શકું. મારા સેવનયર્સ ઓલ્ડ ચાઈલ્ડ કેવીનને અને મિ. ઈરાનીને ખોદાયજીએ પે’લેથી જ પોતાની પાસે બોલાવી લીધા છે પન હવે કોઈ બેડ ન્યુઝ સાંભળવાની આ ઓલ્ડ લેડીમાં શક્તિ બાકી રહી નથી બાવા.. સો ધીસ ટાઈમ નો કોમ્પ્રોમાઈઝ એન્ડ આઈ વોન્ટ ઓન્લી જસ્ટીસ..”

ઘણી બધી મથામણો અને સમજાવટ બાદ પણ તનાઝ એકની બે ન થઈ અને એણે પોતાના આમરણાંત ઉપવાસ ચાલુ જ રાખ્યા. પરિણામે ધીરે-ધીરે એની તબિયત ક્ષીણ થતી રહી અને પોલીસની કામગીરીમાં તેજી આવતી રહી.

અને મિસિસ તનાઝ ઈરાનીના ઉપવાસના દશમે દિવસે પોલીસ એ ઘટનાનું પગેરું દાબવામાં સફળ થઈ. “માજી... માજી...” તનાઝને ઢંઢોળતા પોલીસ ઈનસ્પેક્ટર હર્ષિત અવાજે બોલ્યા, “માજી, પાડોશી દેશના આતંકવાદી સંગઠને બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પોતાના ઉપર લીધી છે અને તે મુજબ અમે એ બ્લાસ્ટના માસ્ટર બ્લાસ્ટરને શોધવાનું પગેરું દાબવામાં સફળ થઈ ચૂક્યા છીએ. ભગવાને ઈચ્છયું તો તમારા દીકરાના અને એના જેવા હજારો નિર્દોષ નાગરિકોના જીવ લેનાર માસ્ટર માઈન્ડને પકડી પાડવામાં અને એમને ઈન્સાફ અપાવવામાં અમે સો ટકા સફળ થઈને રહેશું.”

“સાચે...ચે... જ... ઓ... ખોદાયજી.... આમીન....” તૂટક સ્વરે બોલી રહેલી તનાઝની આંખોમાં એ કાતિલ પ્રત્યે ધૃણા ઉપસી આવી, “એ કોન છે સા...હે..બ..??”

“માજી.. એ માસ્ટર માઈન્ડ તો અત્યારે પોતાની બીલમાં છુપાઈને બેઠો હશે પણ એણે મોકલેલા આ બ્લાસ્ટના આત્મઘાતી વિષે માહિતી મળી છે એ મુજબ, એનું સાચું નામ તો ખબર નહીં પરંતુ એ આપણા શહેરમાં છેલ્લા વર્ષ-સવાવર્ષથી પોતાની ઓળખ છૂપાવીને રહેતો હતો, રંગે રૂપે દેખાવડો અને ઈંજીનીયરીંગની ડીગ્રી ધરાવતો હતો અને હાં... એક મહત્વની વાત કે, તેના જમણા હાથના કાંડા નીચે અંગ્રેજીમાં ‘કે’ ત્રોફાવેલું હતું અને અમારા ગુપ્તચરોની માહિતી મુજબ એ જ વ્યકિત તમારા દીકરા સહિત તમામ નિર્દોષોનો ભોગ લેનાર હતો. હવે એને મોકલનાર પણ જલ્દી થી જલ્દી પકડાઈ જશે.” ખૂબજ ઉત્સાહિત સ્વરે ઈનસ્પેક્ટર બોલી ગયા.

“શું કી....ધું....???? કી..લ..ર... આત્મઘાતી...??? ‘કે’ વાળું ટેટુ....??? ઓ... ખોદાયજી.... તેં મારી સાથે આવી ચીટીંગ.... કરી...?? મારી મમતા સાથે આવું છળ... કીધું...??? વ્હાય... ખોદાયજી... વ્હાય...????”

અશક્ત શરીર, નિર્જળા ઉપવાસ અને સાચી હકીકતથી વાકેફ થતાં જ મિસિસ તનાઝ ઈરાની ભાંગી પડ્યા. વિશ્વાસઘાત સહન ન થવાથી પોતાના શ્વાસે શ્વાસે વિશ્વાસ સંપાદિત કરનાર તનાઝના, એક માં ના શ્વાસ હમેંશા હમેંશાને માટે થંભી ગયા.

************************************** અસ્તુ ********************************************