"નાનો અમથો ઈગો"
ખુબ જ ગુસ્સામાં આજે કાજલ ઓફિસેથી નીકળી હતી. ગુસ્સા પાછળ નું કારણ કંઈક એવું હતું કે જેને કારણે તેનું સ્વમાન ઘવાયું હોવાનો તેને ભ્રમ થઈ રહ્યો હતો. મુંબઈની લોકલ ટ્રેનના લેડીસ કોચમાં ઉભી ઉભી તે આજે બનેલા બનાવ વિષે વિચારી રહી હતી. બન્યું તું એવું કે આજે ઓફિસમાં તેના દ્વારા કરાયેલા સાત સાત ફોન કોલ્સના પ્રતીકે ફક્ત એક જ જવાબ આપ્યા હતા કે અત્યારે તે મિટીંગમાં વ્યસ્ત છે એટલે પછી ફોન કરશે પરંતુ સાંજ થઈ ગઈ હોવા છતાં તેનો કોઈ ફોન આવ્યો નહતો. કાજલ અને પ્રતીકના લગ્ન થયે હજું ત્રણ મહિના જ થયા હતા. તેઓ મુંબઈ માં અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા. કાજલ એક જ ફરિયાદ કર્યાં કરતી કે દિવસ દરમિયાન પ્રતીક તેને ઇગ્નોર કરે છે અને સાંજે ઘરે આવીને જ તેને પ્રેમ ઉભરાઈ છે. દિવસ દરમિયાન તેને કસ્ટમર ને જવાબ આપવાનો સમય મળે છે પણ પોતાની પત્ની સાથે વાત કરવાનો સમય નથી મળતો. પ્રતીક પણ દિવસ દરમિયાન થયેલી બધી અનબન ને સાંજે ઘરે જઈને સોલ્વ કરી લેતો, તે કાજલને ગમે તેમ કરીને પટાવી લેતો પણ આજે તો કાજલે નક્કી જ કરી રાખ્યું હતું કે તે પ્રતીકની એક નહિ ચાલવા દે, આજે તો તે બધું ક્લીઅર કરીને જ રહેશે. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણીએ પોતાનો ફોન પણ સ્વિચઓફ કરી નાખ્યો હતો. સાન્તાક્રુઝ સ્ટેશન પર ઉતરી ને તે બહારની તરફ ચાલી રહી હતી. હજી તેનો પિત્તો હટેલો જ હતો. તે એકલી એકલી બબડ્યા કરતી ઘરની તરફ ચાલી રહી હતી. ચાલતા ચાલતા તેનું ધ્યાન અચાનક એક વૃદ્ધ દંપતિ પર પડ્યું. હસતા મજાક કરતા અને હાથમાં આઇસ્ક્રીમ લઈને ચાલતા એ દંપતિને જોઇને બે ઘડી તો કાજલ વિચારે જ ચડી ગઈ કે આટલી ઉંમરે પણ તેઓ કેટલા ખુશી ખુશી જીવી રહ્યા હતા. તેને પોતાના વિચારો પર કાબૂ મેળવ્યો અને ફરી પોતાની ગતિ વધારી. ઘરની નજીક પહોચતા તેની બહેનપણી સ્મિતાએ તેને બૂમ પાડીને બોલાવી. સ્મિતાનું ઘર તેના ઘરથી ખુબ જ નજીક હતું.
"એય કાજલ, આટલી ઉતાવળમાં કેમ ભાગી જાય છે?"
"ઓહહ... હાઈ સ્મિતા. કેમ છે?" તે સ્મિતાના ઘર તરફ ગઈ અને ચાલતા ચાલતા પોતાનો મૂડ બદલાવવાનો પ્રયન્ત કર્યો જે એટલું સરળ નહતું.
"આવ...અંદર આવ" સ્મિતાએ આવકાર આપ્યો. "શું થયું? આજે બહું ગુસ્સામાં લાગે છે ને?" તેને કાજલને ગુસ્સામાં જોઇને પૂછ્યું.
"કાંઈ નહિ યાર, આજે ઓફિસમાં કામ બહુ હતું અને બોસ સાથે પણ ફાઈટ થઇ ગઈ એટલે મગજ જરા હટી ગયું છે. બોલ તારે શું ચાલે છે?" કાજલે મૂળ વાત છુપાવવાનો પ્રયન્ત કર્યો.
"બસ જો તારી સામે છું. એક મિનીટ હા..." સ્મિતા આગળ કાંઈ બોલે તે પહેલા જ તેણીનો ફોન વાગ્યો એટલે તેણીએ અટકીને ફોન ઉપાડ્યો. આશરે એક મિનીટ પછી ફોન મુકીને તે હસતા હસતા બોલી, "સાહેબને અત્યારે યાદ આવ્યો મારો બપોરનો ફોન અને એ પણ એ જણાવવા કે આજે આવવામાં મોડું થશે" સ્મિતા તેના પતિને પ્રેમથી સાહેબ કહીને બોલાવતી.
"ઓહહ...." કાજલે વધુ કાંઈ ન બોલતા ફક્ત એક જ શબ્દ જ બોલવાનું મુનાસિફ રાખ્યું કેમ કે તેનો કિસ્સો પણ આવો જ હતો, એક્ચુલી થોડો અલગ. તેણીને તો ફોન જ નહોતો આવ્યો.
"અને રોજ થાય પણ એવું જ, મારી નોકરી બેંકમાં એટલે મારો લંચબ્રેક ચાલું થાય ત્યાંતો તેમનો લંચબ્રેક પૂરો થઇ જાય એટલે આમ તો આખા દિવસમાં સરખી વાત જ ના થાય" સ્મિતાએ ફોન બાજુમાં મૂકતા કહ્યું.
"તો આખો દિવસ વાત જ ના કરો?" કાજલે આશ્ચર્યથી પૂછ્યું.
"વેલ, બેમાંથી એકેયનો ઈરાદો એવો ના હોય પણ હા ક્યારેક એવું પણ બને કે ના થાય વાત આખો દિવસ" સ્મિતા બોલી.
"તો પછી?"
"પછી કાંઈ નહિ. પરિસ્થિતિ જ એવી હોય તો કોઈ શું કરી શકવાના? અને એ પણ મુંબઈમાં!" સ્મિતા હસવા લાગી અને આંખ મીચકવતા બોલી, "ક્યારેક ક્યારેક ગોલ્ડ કે ડાયમંડ રીંગની ડિમાંડ મૂકી દેવાની" કાજલ પણ સાથે હસવા લાગી. તેઓને વાતો કરતા કરતા કેટલો સમય વીતી ગયો તેનું ભાન જ ના રહ્યું.
"ચાલ હું નીકળું હવે" કહીને કાજલ તેના ઘર તરફ ચાલવા લાગી. ચાલતા ચાલતા કાજલ તેના ઘર પાસે પહોચી અને દરવાજો ખોલવા પર્સમાંથી ચાવી શોધવા લાગી . અચાનક તેના બાજુના ઘર પાસે એક ટેક્ષી આવીને ઉભી રહી અને તેમાંથી આર્મીના એક ઓફિસર ઉતર્યા. તે સીધા જ તેના ઘર આંગણે ઉભેલી તેની પત્નીને ભેટી પડ્યા . "પૂરા છ મહિના અને દશ દિવસ" તેની પત્ની બોલી અને તેઓ ઘરમાં જતા રહ્યા. કાજલ આ બધું જોઈ જ રહી. તે વિચાર કરતી કરતી ઘરમાં પ્રવેશી. તે આર્મીના ઓફિસરની પત્ની વિશે વિચારવા લાગી. તેણી તેના પતિને છ મહિના પછી મળી હતી અને એ પણ ખુશી ખુશી જયારે પોતે છ કલાકના સમયગાળા દરમિયાન વાત ન થવાથી આટલી ગુસ્સામાં હતી. હવે તેને અહેસાસ થવા લાગ્યો હતો કે પ્રોબ્લેમ પ્રતીકમાં નહિ પરંતુ પોતામાં હતો. તે જાણતી હતી કે એક મલ્ટી નેશનલ કંપનીની હેડઓફીસમા મેનેજરની પોસ્ટ પર કામ કરતા તેના પતિનું વ્યસ્ત રેહવું એકદમ વ્યાજબી હતું અને પોતાની જીદ કે પ્રતીક તેને વારંવાર કોન્ટેક્ટ કરે એ બિલકુલ વ્યાજબી ન હતું. તેણીએ તેનો ફોન ચેક કરતા જણાયું કે તેણીએ ફોન સ્વિચ ઓફ રાખ્યો હતો ત્યારે પ્રતીકે પંદર કોલ કર્યા હતા અને સાથે એક એસ.એમ.એસ. પણ હતો, "રિયલી સોરી માય કાજુ, ખરેખર વ્યસ્ત હતો. તારો ફોન કેમ બંધ આવે છે? ઘરે પહોચીને ફોન કરી દેજે, આજે હું જલ્દી આવી જઈશ ઓફિસેથી, આપણે ડીનર માટે બહાર જઈશું. લવ યૂ :)" આ વાંચીને કાજલનો ગુસ્સો જાણે ક્યાંક ગાયબ થઇ ગયો. તેણીને લાગ્યું કે પ્રતીક તેને ફોન નથી કરતો તો શું થયું? તેણીનું કેટલું ધ્યાન રાખે છે? તેણીનો બધો ગુસ્સો જાણે પ્રેમમાં બદલાઈ ગયો, અલબત તે હજી પણ પ્રતીકની રાહ તો જોઈ જ રહી હતી પરંતુ હવે ફાઈટ કરવા માટે નહિ પણ તેને ભેટી પડવા માટે. ડોરબેલ વાગી એટલે તે દોડીને ત્યાં ગઈ અને દરવાજો ખોલતાની સાથે જ પ્રતીકને ભેટી પડી.
"આઈ લવ યૂ પ્રતીક એન્ડ સોરી ફોર મિસબિહેવ" કાજલ બોલી. પ્રતીકનો તો આશ્ચર્યનો પાર જ ન રહ્યો.
"લવ યૂ ટૂ કાજુ પણ અચાનક થયું શું?"
"શ્શ્શ્શશ.............." કાજલે તેને ચુપ કરાવી દીધો।
"તો પછી બહાર જવાનો પ્લાન કેન્સલ ને?" પ્રતીક જાણીજોઈને બોલ્યો એટલે કાજલ તરત બોલી, "ના હો" અને બંને હસવા લાગ્યા.
ઘણીવખત આપણને ખબર હોય છે કે જે આપણે ઈચ્છી રહ્યા છીએ તે ક્યાંક ને ક્યાંક શક્ય નથી હોતું તેમ છતાં આપણે તેની જીદ પકડીને બેસી રહીએ છીએ. આપણને ગમે તેટલું મળે પરંતુ જે રૂપમાં જોઈતું હોય તે રૂપમાં ના મળે અથવા જે જોઈતું હોય તે ના મળે (પછી ભલે ને મળ્યું હોય તે ધાર્યા કરતા પણ સારું હોય) એટલે આપણો ઈગો હર્ટ થઇ જતો હોઈ છે. આ માટે આપણે ઘણીવખત ભગવાન સાથે પણ બાજી પડતા હોઈએ છીએ. વેલ, આપણી પાસે જે છે તેની કિંમત આપણને ત્યારે જ સમજાય જયારે આપણે એવા લોકોને મળીયે જેમની પાસે એ બધું ના હોય. નાની નાની બાબતોને લઈને આપણે ઘણીવખત એટલા ગંભીર થઇ જતા હોઈએ છીએ કે આપણે પોતે જ આપણા આ સીધાસાદા જીવનને ગૂંચવડભર્યું બનાવી નાખતા હોઈએ છીએ અને તેની પાછળનું કારણ હોઈ છે જસ્ટ એક "નાનો અમથો ઈગો"
વિરાજગીરી ગોસાઈ