“ મમતા ”
શરદભાઈ એક મધ્યમ વર્ગીય સજ્જન હતાં અને એક ખાનગી પેઢીમાં નામું કરતાં હતાં. કોણ જાણે કેમ આજે સવારથી જ એમનું ચિત કામમાં ચોંટતું જ ન હતું. એમની પત્ની શારદાને છેલ્લા દિવસો જતાં હતાં અને આજે તો લગભગ એને સુવાવડ થઈ જ જાય એમ હતું. એટલે જેવા ઘરેથી સમાચાર આવ્યા એટલે તરત જ શેઠની રજા લઈને તેઓ ઘેર જવા નીકળી ગયા. આઠ વરસ બાદ તેમને ઘરે પારણું બંધાવાનું હતું. તેમાંયે શારદાને તો દીકરી જ જોઈતી હતી અને થયું પણ એવું જ ભગવાને જાણે શારદાની ઈચ્છા પૂર્ણ કરી. તમને ત્યાં દીકરી જ અવતરી. દીકરી તો જાણે શારદાની આંખોનું રતન..!! એણે તો દીકરીનું નામ પણ રતન જ પાડ્યું. શારદાને રતન ખૂબ જ વ્હાલી. પણ કુદરતને મા-દીકરીનો આ પ્રેમ વધુ મંજુર ન હોય તેમ રતન માંડ છ વરસની થઇ ત્યાં તો એક ગંભીર બીમારીએ શારદાનો ભોગ લઇ લીધો.
શારદાના મ્રુત્યુને કારણે શરદભાઈ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યા. એમની’ય તબિયત વારંવાર બગડવા માંડી. એક તરફ પોતે તબિયતથી લાચાર અને બીજી તરફ નાની એવી રતન ! રાત દિવસ તેમને રતનની ખૂબ જ ચિંતા રહેતી. આખરે કુટુંબીઓનાં આગ્રહને વશ થઇ, મને-કમને તેમણે રંજન સાથે બીજાં લગ્ન કર્યા. રંજન શરદભાઈની તમામ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં એણે શરદભાઈ સાથે લગ્ન કર્યા. રતનને મન તો મા એટલે જાણે વાત્સલ્યની મૂર્તિ જ ! પણ રંજને તો રતન સાથે અસલ સાવકી મા જેવો જ વ્યવહાર કરવા માંડ્યો. વહેલી સવારમાં રંજન રતનને ઉઠાડી દેતી અને ઘરનું વાસીદુંથી માંડી નાના મોટા બધાં જ કામ રતન પાસે જ કરાવતી એમાંયે જો રતનથી કોઈ કામમાં કંઈ ચૂક રહી જાય તો તેણે માતાના કડવા વેણ સાંભળવા પડતાં અને ઢોરમાર સહન કરવો પડતો. રતનને પોતાની સગી મા શારદાની ખૂબ યાદ આવતી. તે માના ફોટાને વળગીને રાત – દિવસ આંસુ સારતી રહેતી. ઘણીવાર તો રતનને ઘર છોડીને ભાગી જવાનો’ય વિચાર આવતો પણ તેને પોતાના બિમાર બાપુનો વિચાર આવી જતો. કારણ રતન જ હતી જે શરદભાઈની દેખભાળ કરતી. એમની કાળજી રાખતી. રંજન ક્યારેય શરદભાઈની દેખભાળ તો દૂર ક્યારેય એમને પાણી’ય પૂછતી નહીં.
રંજન પોતાનાં પુત્ર ગોપાલને તો આંખો પર બેસાડતી. તેની દરેક જરૂરિયાત પૂરી કરતી જ્યારે રતનને તો પેટ ભરાય એટલું ખાવાનું’ય માંડ માંડ મળતું. આમને આમ રતનનાં દરેક સ્વપ્નો જાણે રૂંધાવા માંડ્યા અને જાણે તેનાં મૂળ જમીનમાં બેસે તે પહેલાં જ ઉખડવા માંડ્યા. તેનો અવાજ અંદર જ ઘૂંટાઈને રહી ગયો. તેની દરેક ઈચ્છાનું જાણે બાળમરણ થયું હતું અને ધીરે ધીરે ઉછળતી કુદતી રતન એક સાવ અબોલ પત્થરની જેમ મૌન થઈને રહી ગઈ.
આમને આમ સમય પસાર થતો ગયો. રતને જુવાનીમાં ડગ માંડ્યા. રંજનને પણ ઘડપણ વર્તવા લાગ્યું અને શરદભાઈની બિમારી પણ ભરડો લઇ રહી હતી. એટલે શરદભાઈએ જેમ બને તેમ જલ્દી રતનનાં લગ્ન કરી દેવાનું નક્કી કર્યું. આખરે નજીકનાં જ ગામનાં અશોક જોડે રતનનું લગ્ન કરી દીધું. અશોક અને રતનની ઉંમરમાં આમ તો દસ વરસનો ફરક હતો પણ અશોકનું કુટુંબ શ્રીમંત અને સારી શાખ ધરાવતું હોય શરદભાઈને ઉંમરનો બાધ ન લાગ્યો. રતન તો રૂપરૂપના અંબાર જેવી કોઈ અપ્સરા જેવી લાગતી હતી જયારે અશોક દેખાવે સાવ સામાન્ય અને થોડી મોટી ઉંમરનો લાગતો હતો. રતને તો લગ્ન ફક્ત એક રીવાજ નિભાવવા પૂરતાં જ કર્યા હતાં બાકી તેની અંદરની સ્ત્રીનું અસ્તિત્વ તો જાણે કંઈ હતું જ નહીં. મુગ્ધાવસ્થાના દરેક સ્વપ્ન રોળાઈ ગયા હતાં. પિયરમાં સાવકી માતાનો ત્રાસ હતો તો સાસરામાં સાસુ પણ તેની માતા કરતાં સહેજ પણ ઉતરે તેમ ન હતી. તેનાં સાસુનો સ્વભાવ પણ માતા જેવો જ હતો. સાસુ પણ રતનને ન કહેવાનાં કડવા વેણ સંભળાવતા પણ હવે તો રતને મૂંગા મોં એ બધું સહન કરતાં શીખી લીધું હતું.
અશોકે પણ પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને મોભો જાળવવા તેમજ પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા પૂરતાં જ લગ્ન કર્યાં હતાં. બાકી તેને તેનાં પૈસા અને વેપારમાં જ વધુ રસ હતો. સાસરે આવ્યા પછી રતને સાસુની અને પોતાનાં વરની જ ફરમાઇશ પૂરી કરવી પડતી. તેને એમ લાગતું કે જાણે તેનું જીવન બીજાની જરૂરિયાત સંતોષવા પૂરતું જ રહી ગયું હોય.! તેની પોતાની દરેક આશા - અભિલાષા જાણે પાણી વિના કોઈ વેલ સુકાઈ જાય તેમ સુકાઈ ગઈ હતી. પણ અંતે લગ્નનાં દોઢ વરસ પછી જાણે કે ફરી આ સુકાઈ ગયેલી વેલમાં નવા કુંપળ ફૂટ્યા. રતન ગર્ભવતી થઇ.
રતનને પ્રથમવાર એવું લાગ્યું કે તેને પણ જીવવાનું કંઈક કારણ મળી ગયું છે. તે રોજ નજીકમાં આવેલ શિવ મંદિરે પૂજા કરવા જતી અને રાત દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે પોતાની કુંખમાં ઉછરી રહેલું બાળક દીકરી જ હોય. હવે તે પોતાની દીકરી માટે સપનાં જોયા કરતી કે તે દીકરીને અનહદ પ્રેમ આપશે અને પોતાને જે કંઈ પણ નથી મળ્યું તે બધું જ એને આપશે. ભગવાને રતનની પ્રાર્થના સાંભળી, રતન-અશોકનાં ઘરે લક્ષ્મીજી અવતર્યા. અશોક તથા એની માતાને તો દીકરી જન્મ થયો તે જરાય ન ગમ્યું અને એમાંય રતનની ડીલીવરી વખતે ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારે ડોકટરે સ્પ્ષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે રતન હવે બીજીવાર ગર્ભ ધારણ નહીં કરી શકે.
રતને પોતાની દીકરીનું નામ સરિતા પાડ્યું. હવે તો સરિતા જ જાણે રતનનું જીવન..! રતન આખો દિવસ પોતાની દીકરીને છાતી સરસી ચાંપીને અનહદ વ્હાલ કર્યા કરતી. સરિતા સહેજ પણ રડે તો રતન અડધી થઇ જતી. કામ છોડીને તેને તેડી લેતી, રમાડવા લાગી જતી. આ બધું અશોક અને તેની માતાને ન ગમતું. તેઓ રતનને મ્હેણાં ટોણાં મારતાં પણ એ બધી વાતોનો હવે રતનને ખાસ ફરક પડતો ન હતો. રતન હવે એ બધાથી ટેવાઈ ગઈ હતી. અશોકને અને રતનની સાસુને સરિતા પ્રત્યે ખાસ લગાવ કે પ્રેમ ન હતો પણ રતન જ સરિતાને એટલો પ્રેમ આપતી કે એને ક્યારેય બીજા કોઈનાં પ્રેમની ખોટ સાલતી જ ન હતી.
પતિ અને સાસુનો અણગમો સહન કરીને પણ રતન સરિતાની નાનામાં નાની દરેક જરૂરિયાત પૂરી કરતી. તેને ભાવતું ભોજન જમાડતી, સારા સારા કપડાં, રમકડાં બધું જ લઇ આપતી. રાજકુમારીની જેમ સરસ તૈયાર થયેલી સરિતા સરસ મજાની જાપાની ઢીંગલી જેવી લાગતી કે એને રમાડવામાં રતનનો સમય ક્યાં પસાર થઈ જતો તે ખબર પણ ન પડતી. ધીમે ધીમે સરિતા મોટી થવા લાગી. એ સ્કુલે જતી થઇ તો રતન જાતે જ તેને સ્કુલ મુકવા-લેવા જતી. જો ક્યારેક સરિતાને ક્લાસમાંથી છૂટતા પાંચ મિનિટ પણ મોડું થતું તો રતન બેબાકળી બની જતી.
દીકરીને મોટી થતાં ક્યાં વાર લાગે છે! સરિતા હાઇસ્કુલમાં આવી. એકવાર સ્કુલમાંથી એક દિવસ માટે પિકનિક જવાનું હતું. સરિતાને બહુ મન હતું એટલે મને-કમને રતને તેને જવા તો દીધી, પણ રોજ સાંજે પાંચ વાગે સ્કુલેથી આવી જતી સરિતાને પિકનિકમાંથી આવતા રાતના આઠ વાગી ગયા તો રતન માટે તે સમય કાઢવો ખૂબ કપરો થઇ પડ્યો. જયારે સરિતા પરત ફરી ત્યારે તરત તેને છાતી સરસી ચાંપી રતન ખૂબ રડી. સરિતા પણ માનું દર્દ સમજી ગઈ એટલે તેણે રતનને કહ્યું કે હવે ક્યારેય તે મા થી દૂર નહીં જાય. તે દિવસ પછી સરિતા સ્કુલથી સીધી ઘરે આવી જતી અને ક્યાંય આઘે રમવા જવાને બદલે ફળીયામાં જ માની નજર સામે રમતી.
આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. રતન અને સરિતા જાણે મા- દીકરી નહીં બે ખાસ સખી બની ગઈ. સરિતાને પણ રતન સિવાય બીજી કોઈ બહેનપણી ન હતી. તે નાનામાં નાની વાત પણ પોતાની માને કહેતી. આડોશપડોશમાં બધા રતનને પૂછતાં કે સરિતા જયારે સાસરે જશે ત્યારે રતનનું શું થશે? પણ રતનને બદલે સરિતા જ જવાબ આપી દેતી કે હું તો મારી વ્હાલી માને મુકીને ક્યાંય નહીં જાઉં. પણ દિવસો જતા શું વાર લાગે? સરિતા માટે સારા ઘરના માંગા આવવા લાગ્યા. રતનના સાસુ અને પતિ પણ હવે સરિતાના લગ્ન માટે બહુ ભાર દેવા લાગ્યા એટલે ના છૂટકે સરિતાએ પણ લગ્ન માટે મને-કમને હા પાડવી પડી. સરિતાને રતનની ખૂબ ચિંતા થતી હતી. તે જાણતી હતી કે પોતાની મા તેનાં માટે જ જીવે છે. પણ રતને સરિતાને કહ્યું કે દીકરી એ ક્યારેક તો પારકે ઘેર જવું જ પડે છે એટલે તે પોતાનું મન કઠણ કરી લેશે અને એની બિલકુલ ચિંતા ન કરે.
શહેરના નગરશેઠ કહી શકાય તેવા ઘરેથી સરિતા માટે માંગું આવ્યું. છોકરો પણ દેખાવડો અને બધી રીતે સરિતાને લાયક હતો એટલે ના પાડવાનો સવાલ જ ન રહ્યો અને અંતે ત્યાં સરિતાનું સગપણ નક્કી થઇ ગયું. તે દિવસથી તો રતનનો હરખ જણે સમાતો ન હતો પણ બીજી તરફ મનમાં ક્યાંય ઊંડે તેને સરિતાથી દૂર થવાનો વિષાદ પણ ઘેરી વળતો હતો. તે સરિતાના લગ્નમાં કોઈપણ જાતની કસર રાખવા માંગતી ન હતી. તેણે સરિતાને એકથી એક ભારેમાં ભારે કપડાં અને નવામાં નવી ફેશનના ઘરેણાં લઇ દીધાં. તેના કરિયાવરમાં કોઇપણ જાતની કમી ન રહે તેનું રતને ખાસ ધ્યાન રાખ્યું. લગ્નની આગલી રાત્રે દાંડિયારાસ અને પીઠીની વિધિ પતિ ગયા પછી રતન સરિતાના રૂમમાં ગઈ. સરિતાને ઉદાસ જોઇને કહ્યું કે તું મારી જરા પણ ચિંતા ન કરતી. હું મારી જાતને સાચવી લઈશ અને થોડા દિવસ માટે તીર્થયાત્રાએ જતી રહીશ. તું પણ તારી ગૃહસ્થી સંભાળવામાં લાગી જશે એટલે તારે પણ તકલીફ ન પડે, સરિતા એ મા પાસેથી વચન લીધું કે તે વિદાય વખતે કે તેના ગયા પછી પણ રડશે નહિ. થોડી આમતેમ વાતો યાદ કરીને મા-દીકરીએ હસી લીધું અને પછી એકબીજાને વળગીને થોડું રડી પણ લીધું. સરિતાએ માને પોતાની પાસે જ સુઈ જવા કહ્યું એટલે રતને ના ન પાડી અને સરિતાને પોતાના ખોળામાં માથું રાખી નાનપણની જેમ સુવડાવી દીધી, પણ રતનની આંખોમાં ઊંઘ ક્યાંથી હોય? તે તો બસ આખી રાત સરિતાને તાકતી રહી અને વ્હાલથી તેના ગાલ અને માથા ઉપર હાથ ફેરવતી રહી. સવાર પડતા રતન કામમાં પરોવાઈ ગઈ અને ક્યાંય કંઈ ચૂક ન રહી જાય એ માટે પોતે જ દરેક વસ્તુનું ધ્યાન રાખતી હતી. ખૂબ ધામધુમથી સરિતાના લગ્ન થયા અને અંતે સરિતાને વિદાયની કપરી ઘડી આવી ગઈ. પણ રતને જાણે હ્રદય પર પત્થર મૂકી દીધો હતો તેમ દીકરીને વચન આપ્યા પ્રમાણે વિદાય વેળાએ આંખમાં એક પણ આંસુ આવવા ન દીધું અને પોતાના કાળજાના કટકાને હસતા મોઢે વિદાય આપી.
ધીમે ધીમે બધા મહેમાનોની વિદાય થઈ ગઈ. રતનને જાણે હ્રદય બહુ ભારે થઈ ગયું હતું એટલે અશોકને કહીને તે રૂમમાં આરામ કરવા જતી રહી. રૂમમાં સુતાંસુતાં સરિતાના જન્મથી માંડી ને તેની વિદાય સુધીની બધી વાતો તેને યાદ આવવા લાગી. તેને એક વાતનો સંતોષ હતો કે તેણે ક્યારેય પોતાની દીકરીને કોઈ વાતનું ઓછું આવવા દીધું ન હતું. જે મમતા જે વ્હાલથી પોતે વંચિત હતી તેનાથી સરિતાને જરા પણ વંચિત રહેવા દીધી ન હતી. આવીજ સુખદ લાગણી અને વિચાર કરતાં તેની આંખ લાગી ગઈ.
સરિતા સાસરે પહોંચી અને વિધિ પૂરી થઇ ગઈ એટલે તેને પોતાની માની યાદ આવી. તેની સાથે વાત કરવાની ઈચ્છા થઈ એટલે તેણે પોતાના ઘરે ફોન જોડ્યો. અશોકે ફોન ઉપાડ્યો અને સરિતાને કહ્યું કે રતન રૂમમાં આરામ કરે છે, આમ છતાં સરિતા એ મા સાથે વાત કરવાની જીદ કરી એટલે અશોક રૂમમાં રતનને બોલાવવા ગયો. બહારથી બે ત્રણ વાર સાદ પાડવા છતાં રતને જવાબ ન આપ્યો એટલે અશોકે રૂમની અંદર જઈને રતનને સહેજ હલબલાવી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ રતનનો હાથ નીચે ઢળી પડ્યો. અશોકના મોઢામાંથી રતનના નામની ચીસ નીકળી ગઈ. તે ફોન પર સરિતાને એટલું જ કહી શક્યો કે દીકરી તારી મા તારા જવાનો આઘાત સહન ન કરી શકી. ફોનના સામે છેડે સરિતા જોરથી રડતી રડતી ત્યાં જ ફસડાઈ પડી.....!!
"અમુક જિંદગીઓ એકબીજા સાથે એવી રીતે જોડાઈ ગયેલી હોય છે કે જાણે તેમના શ્વાસ પણ જોડાઈ ગયા હોય, એટલે જયારે પણ અલગ થવાનો વારો આવે ત્યારે શ્વાસ અચૂક અટકી જાય છે."
-આલોક ચટ્ટ