સુધરવા માટે ખટારાની એક શાયરી પણ કાફી છે...!
આ દેશમાં ખતરનાક જાડેજો જો સતી તોરલના સંગે સુધરી જતો હોય, વાલીયો જો વાલ્મીકી ઋષિ બની જતો હોય, તો આપણને તો કેવાંક ફેણીયા કરડી ગયાં કે, મામુલી ઝેર પણ ઉતરતાં નથી...? ‘ હાથી પગા નાબુદી યોજના ‘ ની માફક, માણસ માટે ‘ માથા ભારે નાબુદી યોજના ‘ પણ લાવવી જોઈએ કે નહિ...? આવા પ્રશ્નો પણ થાય....! આપણે એવું નથી કહેતાં કે, માણસ બનાવવાના અભિયાન ચાલતાં જ નથી. ચાલે છે, પણ ઘરાક જોઇને પડીકાં બંધાતા હોય ને....? જો કે, અમુક બરમૂડા તો એવાં લઠ્ઠ બુદ્ધિના કે, એના ઘરે આજીવન ભાગવત સપ્તાહ રાખીએ ને, તો ભગવાન પણ ભાગી જાય....! જે લોકો બરાડીને કહે છે કે, ‘ કોશિશ કરનેવાલોકી કભી હાર નહિ હોતી. ‘’’ એમના વાડામાં આવા લઠ્ઠ બુદ્ધિનાને છોડી આવવા જોઈએ....! અલ્યા, જેનો ધંધો જ સળી કરવાનો હોય, એને ઓન લાઈન ઉપર લવાય...? આ તો આપણી નરી માન્યતા કે, ‘ જો હોજસે બિગડતી હૈ, વો બુંદસે સુધર જાતી હૈ....! ‘ એના કપાળમાં કાંદા ફોડું, તે બરમૂડાને સુધરવું હોય ત્યારે ને....? સુધરવાની ધગશવાળાને તો, ખટારાની એક શાયરી પણ કાફી....!
મામલો ડહાપણ કરવાનો નહિ, સતી તોરલની માફક પડખે રહીને સમઝાવવાનો છે. અલ્યા, આપણે જો સ્વસ્તિક બતાવીએ, તો એ ભાંગી તોડીને એમાંથી ચોકડી બનાવે, એને શું તાબૂત સમઝાવવાના....? જેને ગાંધીજી કે ગોડસે, ઓબામા કે ઓસામા, કૃષણ કે કંસ, ના ડીફરન્સની જ સૂઝ નહિ હોય, એની આગળ ગીતાના પારાયણ કરો તો તે પણ ફ્લોપ જાય....! બાપની બેકની ચોપડી જ વાંચી જાણતો હોય, એની આગળ ધર્મના પુસ્તક વાંચવાનો કોઈ અર્થ ખરો...? પણ.... ખટારાની શાયરી ‘ ટચ ‘ કરી ગઈ, એવો એક દાખલો અમારા બન્યો....!
ખટારા પાછળ ચમનીયાએ એટલું જ વાંચેલું કે, “ જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ કયા હો, કિસને જાના.....! ‘’’ બસ....ખલ્લાસ ! આ એક જ લીટીએ એને ભાગવા પહેરાવી દીધાં. જિંદગીનો જાણે આખો મહિમા પામી ગયો. જાણે વોશિગ પાઉડરની એક પડીકીમાં બાલ્દી ભરીને સફેદી આવી ગઈ. એનામાં એવો અફલાતૂન ચેઈન્જ આવી ગયો કે, જે લોકો એને “ હુલ્લડ રામપુરી “ બોલાવતાં, એ હવે એને “ હુલ્લડ હરદ્વારપૂરી “ તરીકે ઓળખે છે....! ખટારાની એક શાયરીએ એની જિંદગી બદલી નાંખી. હાથમાં રામપુરીની જગ્યાએ રામસાગર આવી ગયું. ખંજર ની જગ્યાએ ખંજરી આવી ગઈ....! ને બંદૂકની જગ્યાએ બાંસુરી આવી ગઈ. આપણે બેધડક કહેવું પડે કે, “ જેને કોઈ નહિ પહોંચે, એને ખટારો પણ પહોંચે...! “
હવે આમ જુઓ તો, ‘ જિંદગી એક સફર હૈ એક સુહાના, યહાં કલ કયા હો કિસને જાના આ ગાયન કંઈ હમણાં થોડું પેદા થયું.....? આ તો સાવ પ્રચલિત ગાયન. જે બોલી-વુડ, ઢોલી-વુડ, ટેલીવુડ અને બાથ-વુડ સુધી ગાજેલું....! ( બાથ-વુડ એટલે બાથરૂમ યાર....! બાથરૂમમાં ગવાતાં ગીતોને બાથવુડ સોંગ કહેવાય, અને બાથરૂમમાં ગાનારને બાથ-વુડ સિંગર કહેવાય....! ) આ ગીતના શબ્દો જ એવા છે ને કે, સમઝીને ગાય તો માર્મિક લાગે. નહિતર ધાર્મિક તો લાગે જ લાગે....! માણસ સવારે પૂંજા-પાઠ કરવાને બદલે જો, આ ગાયનની કડી સમઝીને લલકારે, તો પણ પૂંજા થઇ જાય. દીવા દિવેટ કરવાની પણ જરૂર નહિ. કોઈ ‘ ગુડ મોર્નિંગ ‘ ના મેસેજ આપે કે નહિ આપે, ગેરંટી સાથે દિવસ સારો જ જાય....! કારણ, સવાલ સમઝદારીનો છે. માણસ એકવાર સમઝી લે કે, ,“ યહાં કલ ક્યા હો કિસને જાના “ આટલું વિચારીને જીવે પછી શેષમાં ટેન્શન રહે જ નહિ....! પૂંજા-પાઠ વગર રાજા-પાઠમાં જીવી જાય....! ધત્ત્તેરીકી...!!
જે કામ મોટા બજેટવાળી ફિલ્મો નહિ કરી શકે, કોઈ કથાકારો નહિ કરી શકે, કોઈ કલાકારો નહિ કરી શકે તે કામ ખટારાની શાયરી કરી આપે એ ઘટના કંઈ મામૂલી થોડી કહેવાય...? “ જિંદગી એક સફર હૈ સુહાના “ આટલું જ વાંચ્યું એમાં તો ચમનીયો, સફરનો હાર્દ સમઝી ગયો. સફરમાં જ જિંદગીની મઝા છે એમ માની, સફર માટે અમદાવાદ સુધીનો ટ્રેનનો પાસ કાઢવી લીધો. હજી આજે પણ એ અમદાવાદ સુધી કામ વગરના ફોગટ ફેરા મારે છે બોલ્લો....! . તારી ભલી થાય તારી ચમનીયા.....!
માનવીનું મન છે ભાઈ..! . એ ક્યાં, કોનામાં અને ક્યારે લીન થઇ જાય એનું કાંઈ નક્કી નહિ. બાકી, સમઝદારકો તો ઇશારા હી કાફી હોતા હૈ ...! પણ.....એના કપાળમાં કાંદા ફોડું તે, આ સમઝાવવાનું જ બહુ અઘરું....! સમઝે ત્યારે ને....? આજે બધાં સલમાન ખાન, શાહરૂખખાન, આમીરખાન, સૈફ અલીખાન, ને કાદરખાનને જ ઓળખતા હોય, ત્યાં આત્માના ઓળખની બાંગ સાંભળવાનો કોઈ પાસે સમય જ ક્યાં છે...? જીંદગીમાં આપણને આવા જ કાનખજૂરા બહુ નડે....! બાકી આત્માને ઓળખતાં હોય તો “ વાત અણુબોંબ સુધી પહોંચે....? તકવાદ કે આતંકવાદના પલાખાં આવે...? માણસમાં, માણસાઈ ઉભી કરવાની દુકાનો ખુલે....? પણ કહેવાય છે ને કે, ‘ વો ગધેકી સુનતા હૈ, મગર ગુરૂકી નહિ સુનતા....! ‘ એમ એ આપણી નહિ સાંભળે, પણ ખટારાની ની માને.....! આપણને તો એવું ફિલ થાય કે, ધિક્કાર છે આ દેહને....!
જો કે, કિસીકી કભી કમજોર નહિ સમઝના ચાહિયે....! આપણે ખટારા ને ખટારામાં ખપાવીએ છીએ, ત્યાં જ આપણે ખોટાં....! બાકી એના જેવી બીજી કઈ હરતી ફરતી વિદ્યાપીઠ હોય...? ધોરીમાર્ગ ઉપર દૌડતો જાય, અને અફલાતૂન શાયરીઓ વંચાવતો જાય. એક ખટારા ઉપર તો એવું લખેલું કે, “ દેખ કે ચલેગા તો બાર-બાર મિલેગા, ઔર નહિ દેખેગા તો હરિદ્વાર મિલેગા....! ” એક ઘા, અને બે કટકા....! સચોટ અને સ્પષ્ટ જ વાત....! રસ્તો સુંવાળો હોય કે ખરબચડો. ખરબચડો રસ્તો જોઇને ખટારો ક્યાંય અટકતો નથી. “ તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા...! ‘ ની માફક દૌડતો જ હોય. કારણ એની પાછળ એમ પણ લખેલું હોય કે, “ મેરા ભારત મહાન....! “ મારા ભારતની પોલ હું જ બહાર પાડું તો મારા જેવો બીજો દેશદ્રોહી કોણ....? ડ્રાઈવર એ જ એનો ભગવાન...!. “ વો મારે કી તારે, હમ તો તેરે સહારે “ ની માફક, ડ્રાઈવર જ્યાં લઇ જાય, ત્યાં ચાલી જ નીકળવાનું. આપણને તો ક્યારેક ઈશ્વર ઉપરથી પણ શ્રદ્ધા ઉઠી જાય, પણ ખટારો એના ડ્રાઈવર ઉપરથી ક્યારેય વિશ્વાસ ગુમાવતો નથી. ખરાબ રસ્તો જોઇને નથી એ રડતો, નથી બબડતો, કે નથી એ ક્યારેય હઠીલો બનતો કે, હું રસ્તો છોડી દેવાનો....! ‘” જેહના ભાગ્યમાં જે સમયે જે લખાણું, તેહના ભાગ્યમાં તે સમયે તે જ મળતું. “ એની એને ખબર હોય, એમ સફર ઝીંકી નાંખે...!
જો બકા....! જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. ખટારા પાસે સફરનો અનુભવ જ એટલો સોલ્લીડ કે, એની શાયરીઓ વાંચીને આપણી આંખનો મોતિયો પણ મોતીલાલ બની જાય. બે ઘડી તો એમ જ લાગે કે, એનો ડ્રાઈવર શાયરાબેનને બદલે, શાયરીને તો નથી પરણેલો ને....? વગર ભેજાનો ખટારો પણ ક્યારેક ભેજાંવાળી વાત વ્યકત કરે. એક ખટારા ઉપર તો લખેલું, “ ગુજરાતકી રાની, મહારાષ્ટ્રકા રાજા, મુકાબલા કરના હૈ તો બમ્બઈમેં આજા...! “ તારી ભલી થાય તારી. જાણે પોતે મહાન શાયર ‘ ફિરોઝ પાણીપૂરી “ ના હોય....? એવી એવી શાયરીઓ આપણને વાંચવા મળે કે ‘ બુદ્ધિના બાલ ‘ જેવી સ્વીટ અને ટેસ્ટી જ લાગે....!
ને ડ્રાઈવર આમપણ રંગીલા જ હોય. એનો મિજાજ જ શાયરાના....! કારણ ટ્રક એટલે એનું બીજું ઘર. એની બીજી વાઈફ એટલે જ ટ્રક....! પોતાનું ઘર ડેકોરેટિવ રહે કે નહિ રહે, પણ પોતાનો ખટારો તો એ ‘ ડેકોરેટિવ ‘ જ રાખે....! વાઈફને સોળે શણગારમાં રાખવાનો ભલે એની પાસે સમય નહિ હોય, પણ ટ્રકને તો એ એવી શણગારે કે, જાણે રસ્તા ઉપરથી નવી નવેલી કોઈ દુલ્હન ના જતી હોય....? આપણે ભલે એને સડક છાપ શાયરી કહીએ, પણ ક્યારેક તો કોઈ શાયરીઓ એવી ચોટ લગાવી જાય કે, ચમનીયાની માફક જીવન પલટાવી નાંખે. આવી શાયરીઓ શોધવામાં પણ ડ્રાઈવર ખાસ્સું સંશોધન કરતાં હોય. કુંવારી કન્યા ડ્રેસ ખરીદતી વેળા, જેમ બધા ડ્રેસ ફેંદી નાંખે, એમ શાયરી માટે પણ ડ્રાઈવરની ચોક્કસ ચોઈસ હોય. કે કઈ શાયરી ટ્રકની પાછળ ઠપકારું તો પબ્લિકમાં ઝામે....? અને એટલે જ તો કેટલીક ટ્રક એના નંબર કે ડ્રાઈવરથી નહિ, પણ એની શાયરીથી જ ઓળખાતી વધુ જોવા મળે. હમણાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તો એક ડ્રાઈવરે તાબડતોડ ખટારા પાછળ શાયરી ચીતરાવી, કે “ જરા કમ ભી પી મેરી રાની, મહેંગા હૈ ઈરાકકા પાની....! “
આખર મામલો તો હસવા-હસાવવાનો જ છે. માણસ હસાવે કે ખટારો...? “ કયા ફર્ક પડતા હૈ ...? “ આપણે તો હસીને બેવડ જ વળવાનું છે ને....? બેવડા બનીને દુખી થવું, એના કરતાં બેવડ વળીને હસવું શું ખોટું....? શરીર માટે તો આરોગ્યપ્રદ જ છે ને...? ખટારાએ હું તો કહું છું કે, ખટારાને પણ જ્ઞાનપીઠના એવોર્ડથી નવાજવી જોઈએ. કંઈ કેટલાં શાયરોની શાયરીને ખટારામાં ચઢાવી, એણે લોકજીભે ચઢાવી છે...! મને એ તો કહો, કર્મના સિધ્ધાંતનું ફળ પણ એને મળવું જોઈએ કે નહિ...? આખર તો એ પરદુઃખ ભંજકની જેમ જ કર્મ કરે છે ને...? વેરાન રસ્તા ઉપરથી પસાર થતી વેળા સહેજ પણ ડગે નહિ. પરોપકાર માટે પરિવારની પરવાહ કરે નહિ. બસ, એક જ વિશ્વાસ કે, “ યે દિયા ક્યા બુઝેગા, જિસે રોશન ખુદા કરે....! ‘ એ ખુદા મુઝે કિનારો પે મત લે જાઓ, વહાં લે જાઓ જહાં તુફાન ઉઠતે હૈ....! આવી બધી શાયરીઓ એના પ્રાણવાયુ માટે હોય. ખટારાની કોઈ સૌથી ઘરડી શાયરી હોય તો, “ બુરી નજરવાલે તેરા મુંહ કાલા. “ મને પોતાને શાયરી કરતાં પણ એમના ખટારા પાછળ લખેલું એક વાક્ય બહુ ગમે છે, “ પપ્પા જલ્દી ઘર આ જાના....! “
___________________________________________________________________સંપૂર્ણ ૭ -1-૧૬