1942 LOVE STORY in Gujarati Film Reviews by Kishor Shah books and stories PDF | 1942 LOVE STORY

Featured Books
Categories
Share

1942 LOVE STORY

આઝાદીની લડત સાથે ગુંથાયેલી પ્રેમકથા : ૧૯૪૨ અ લવ સ્ટોરી (૧૯૯૪)

આ સદીના આરંભમાં વિધુ વિનોદ ચોપરાનું નામ ફિલ્મ જગતના સ્ક્રીન પર ઉપસી આવ્યું. એમની શરૂઆતથી આજ સુધીની ફિલ્મો ઘરેડથી થોડી અલગ પડતી આવી છે. કહી શકાય કે પરીંદાથી શરૂ કરી થ્રી ઇડીયટ સુધીની એમની ફિલ્મોમાં એક નવો જ સ્પર્શ અને નવી જ તાજગી જોવા મળે છે. ૧૯૪૨ અ લવ સ્ટોરી ફિલ્મ આમ ગણીએ તો એક પ્રણય કથા જ છે. આ પ્રણય કથાનો આઝાદીની ચળવળ સાથે સમન્વય કરતાં એક નવી જ ભાત ઊભી થાય છે. જેમ ટાઇટેનીક ફિલ્મમાં માત્ર ટાઇટેનીક મુખ્ય પાત્ર ન રહેતાં બે પ્રેમીઓ પણ મુખ્ય પાત્ર બની જાય છે એમ. પ્રણયકથા અને યુદ્ધનો સમન્વય ‘‘પર્લ હાર્બર’’ ફિલ્મમાં સફળતાપૂર્વક થયો હતો. ૧૯૪૨ અ લવ સ્ટોરીના ટાઇટલની શરૂઆતમાં જાહેર થાય છે ‘‘ધીસ ઇઝ નોટ અ હિસ્ટોરીકલ ડૉક્યુમેન્ટેશન ઑફ ઇંડિયાઝ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. બટ અ વર્ક ઑફ ફિકશન વીચ ઇઝ લૂઝલી બેડ ઓન ઇવેન્ટ્‌સ ધેટ રોક્ડ્‌ અનડીવાઇડેડ ઇંડિયા ડ્યુરીંગ યર્સ ૧૯૧૯ ટુ ૧૯૪૨. આ ફિલ્મ એના સંગીતકાર રાહુલ દેવ બર્મનને અર્પણ થઇ છે. આ ફિલ્મને કેટલાય ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા. જેકી શ્રોફને બેસ્ટ સપોટર્ીગ એકટર માટે-જાવેદ અખ્તરને એક લડકી કો દેખા તો ગીત માટે-આર.ડી. બર્મનને બેસ્ટ મ્યુઝીક માટે-રેણુ સલુજાને બેસ્ટ ઍડિટીંગ માટે-કુમાર સાનુને એક લડકી કો દેખા માટે બેસ્ટ પ્લેબેક સીંગીંગ માટે-કવિતા કૃષ્ણમૂર્તિને પ્યાર હુઆ ચુપકે સે ગીતના બેસ્ટ ફીમેલ સીંગીંગ માટે ફિલ્મફેરના ઍવોર્ડ મળ્યા.

નિર્માતા-દિગ્દર્શક : વિધુ વિનોદ ચોપરા

કલાકાર : અનીલ કપૂર- મનીષા કોઇરાલા-જેકી શ્રોફ-અનુપમ ખેર-પ્રાણ-ડેની ડોંગ્ઝપ્પા-રઘુવીર યાદવ-સુષ્મા શેઠ-મનોહર સીંઘ-ચાંદની-ગોપી દેસાઇ-શીવ સુબ્રમણ્યમ-કીસ વાન્દે કલુનડટ- બ્રાયન ગ્લોવર.

સંગીત : આર.ડી.બર્મન - સાથી સંગીતકાર સંગીત : રજત ધોળકીયા

ગાયક : કુમાર સાનુ-કવિતા કૃષ્ણમૂર્તી-શીવાજી ચટ્ટોપાધ્યાય-લતા મંગેશકર

ગીત : જાવેદ અખ્તર

કથા : કામતાચંદ્ર-શીવ સુબ્રહ્મણ્યમ-વિધુ વિનોદ ચોપરા

પટકથા : શીવ સુબ્રહ્મણ્યમ-સંજય લીલા ભણશાલી-વિધુ વિનોદ ચોપરા

સંવાદ : કામતાચંદ્ર

ગીત ડિરેકશન - એસોસીએટ ડાયરેકટર ફોર ડબીંગ : સંજય લીલા ભણશાલી

આર્ટ ડિરેકટર : નિતીન દેસાઇ

કોસ્ચ્યુમ : ભાનુ આથૈયા

સીનેમેટોગ્રાફી અને સાથી ડિરેકટર : બિનોદ પ્રધાન

ઍડિટર અને સાથી ડિરેકટર : રેણુ સલુજા

૧૯૪૨ના સમયની આ વાત છે. સમગ્ર ભારતમાં ભારત છોડો આંદોલન ઉગ્ર થયું અને એની સાથે બ્રીટીશ સત્તા આ આંદોલન કચડી નાખવા ઉગ્ર થઇ. નિશસ્ત્રો પર અંધાધુંધ ગોળીબાર થયા અને આંદોલનના નેતાઓને ફાંસી થઇ. આઝાદીના લડવૈયાઓનું સૂત્ર હતું ‘‘કરેંગે યા મરેંગે.’’ નરેન(અનિલ કપૂર)ને ફાંસીની સજા થઇ છે. એને ફાંસીની માચડે લઇ જવાય છે ત્યારે માતા ગાયત્રી દેવી (સુષમા શેઠ) એને આશિર્વાદ આપે છે. પિતા દિવાન હરીસીંહ (મનોહર) એને તાજનો સાક્ષી બનવા કહે છે. નરેન ઇન્કાર કરે છે. નરેનના ગળામાં ગાળિયો નખાય છે...... ફ્લેશબેક શરૂ થાય છે.

અંગ્રેજો સામે બે પ્રકારની લડત ચાલતી. એક સત્યાગ્રહ અને એક ક્રાંતિ. ક્રાંતિકારીઓ માથા સાટે માથું નિયમમાં માનતા. આ વિસ્તારમાં હત્યારા જનરલ ડગ્લાસની હકૂમત હતી. રઘુવીર પાઠક (અનુપમ ખેર) ક્રાંતિકારી જુથના નેતા છે. એ બૉમ્બ બનાવવામાં નિષ્ણાત છે. રાજેશ્વરી-રજ્જો (મનિષા કોઇરાલા) એને એક માત્ર પુત્રી છે. રાજેશ્વરી સાહિત્યમાં રસ ધરાવે છે અને કવિતાઓ લખે છે. એક દિવસ રઘુવીરને ખબર પડે છે કે જનરલ ડગ્લાસ બઢતી માટે વિલાયત જતા પહેલા એક દિવસ માટે રેજીમેન્ટની ફેરવેલ પરેડમાં હાજરી આપવા કસૌની આવવાનો છે. સીમલા નજીક આવેલા કસૌનીમાં ૨૧મી રોયલ કિન્નોર રાઇફલ્સનું હેડ ક્વાર્ટર છે. આ હેડ ક્વાર્ટરના વડા છે મેજર બિશત(ડેની). ક્રાંતિકારીઓ જનરલ ડગ્લાસની હત્યાનો પ્લાન ઘડે છે. રઘુવીર અને રાજેશ્વરી કસૌની આવે છે. ક્સૌનીમાં રઘુવીરનો સાથી છે ગોવિંદ(પ્રમોદ માઉથો). ગોવિંદ દિવાન હરીસીંહનો મેનેજર છે.

કસૌનીના દિવાન હરીસીંઘનો એકનો એક પુત્ર નરેન છે. એ આસપાસના વાતાવરણથી બેફિકર રહેતો, પોતાની મસ્તીમાં રાચતો જુવાન છે. નરેનને એના ડ્રાઇવર મનોહરલાલ ઉર્ફે મુન્ના (રધુવીર યાદવ) સાથે સારું બને છે. એક વખત ચોકમાં અત્યાચાર જોતાં મુન્નો ઉશ્કેરાઇ જાય છે. એ જનરલ ડગ્લાસ પર થૂંકવાનું નક્કી કરે છે. નરેન એને ડરપોક ગણતો હોય છે. નરેન ચોકમાં ઉભેલી બસમાં બેઠેલી રાજેશ્વરીને જોતાં જ એના પ્રેમમાં પડી જાય છે. રાજેશ્વરીને એ કોઇને કોઇ બહાને મળતો રહે છે. પ્રણય પાંગરતો રહે છે. રઘુવીર પ્લાન ઘડવા કસૌનીમાં રહેતા શિક્ષક આબિદઅલી બેગ સાહેબ (પ્રાણ)ને મળે છે. બેગ એને બૉમ્બ બનાવવાનો સામાન અને ફંકશનના હૉલનો નકશો આપે છે. જ્યાં જનરલ ડગ્લાસના માનમાં રોમીયો જુલીયેટ નાટક ભજવવાનુું છે. બેગ રાજેશ્વરીને નાટકના રીહર્સલમાં બોલાવે છે. કસૌનીમાં મેજર બીશત (ડૅની)ની પુત્રી ચંદા(ચાંદની) છે. એ પિતાથી વિરૂદ્ધ સ્વરાજના આંદોલન તરફી માનસ ધરાવે છે. ચંદા એક તરફી પ્રેમમાં નરેનને ચાહે છે. નાટકના રીહર્સલમાં બધા ભેગા થાય છે. ચંદાને ખ્યાલ આવે છે કે નરેન રાજેશ્વરી તરફ ઢળી રહ્યો છે.

મેજર બીશતને ખબર મળે છે કે જનરલ ડગ્લાસની હત્યાનું કાવતરું ઘડાઇ રહ્યું છે. આ પ્લાન પાર પાડવા કેટલાક માણસો કસૌની પહોંચ્યા છે અને અન્ય આવવાના છે. એ સતર્ક થઇ જાય છે. દરેક ઘરની તલાશી શરૂ થાય છે. બીજી તરફ રઘુવીર બૉમ્બ તૈયાર કરી દે છે. નરેન રજ્જોને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. રજ્જો એનો સ્વીકાર કરે છે. પ્રણયમગ્ન રજ્જો અને નરેનને ચંદા જોઇ જાય છે. ચંદાનું દિલ તૂટી જાય છે.

કેટલાક ક્રાન્તિકારીઓ કસૌનીમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. એમાંના ઘણા ગોળીથી વિંધાઇ જાય છે. એમાંનો એક ક્રાંતિકારી રાજેન જે રઘુવીરનો પુત્ર છે, તે ઘાયલ થઇ, રઘુવીરના ઘરે પહોંચે છે. ઘાયલ રાજેન મરણ પામે છે. રજ્જોને ખબર પડે છે કે એના પિતા ક્રાંતિકારી છે. એ નરેનને કહે છે કે એમના લગ્ન શક્ય નથી. કારણ કે એના પિતા ક્રાંતિકારી છે. રઘુવીરને ખબર પડતાં એ રજ્જો પર ગુસ્સે થાય છે. નરેન રઘુવીરને મળે છે. રજ્જોનો હાથ માગે છે. રઘુવીર અંગ્રેજોના ખાંધીયા એવા દિવાનના પુત્રને રજ્જોનો હાથ સોંપવાનો ઇન્કાર કરે છે.

જો પિતા લગ્ન માટે ન માને તો નરેન ઘર છોડવાની વાત માતાને કહે છે. અહીં રજ્જો પિતાને વચન આપે છે કે એ નરેનને ભૂલી જશે. રઘુવીર રજ્જોને નરેન સાથે લગ્ન કરવા મનાવી લે છે. નરેનની માતા, નરેનને સીંદૂરની ડબ્બી સાથે આશિર્વાદ આપે છે. નારાજ દિવાન સાહેબ રધુવીરની બાતમી પોલીસને પહોંચાડી દે છે. નરેન રઘુવીરના ઘરે પહોંચે છે ત્યારે પોલીસ એની પાછળ પાછળ ત્યાં પહોંચે છે. રઘુવીર નરેન પર પોલીસ લાવ્યાનું આળ મૂકે છે. નરેન પોલીસના સીપાઇઓને અટકાવવા એમની સાથે ઝપાઝપી કરે છે. રઘુવીર રજ્જોને પિસ્તોલ સોંપી મકાનની પાછલી બારીમાંથી ભગાડી દે છે. સીપાઇઓ રઘુવીરને ઘેરો ઘાલે છે. રધુવીર બૉમ્બ ફોડી પોતાને શહીદ કરી દે છે. બૉમ્બ બ્લાસ્ટથી મકાન પણ તારાજ થઇ જાય છે. રઘુવીરનો સાથી ગોવીંદ પકડાય છે. ક્રાંતિકારીઓની માહિતી કઢાવવા એના પર અમાનુષી અત્યાચાર થાય છે. ગોવિંદ ડગતો નથી.

જંગલમાં નાસતી રજ્જોને ક્રાંતિકારી રઘુવીરનો સાથી શુભાનકર (જૅકી શ્રોફ) સાચવી લે છે. તેઓ જંગલ રસ્તે કસૌનીથી દૂર નીકળી જાય છે. રજ્જો શુભાનકરને અંકલ તરીકે સંબોધે છે. શુભાનકરને રજ્જો પ્રત્યે પ્રેમ જાગે છે. એ રજ્જો સાથે લગ્નના સપનાં સેવે છે પણ એ સંયમમાં રહે છે કારણ કે ક્રાંતિ અને જનરલ ડગ્લાસની હત્યા એના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. રજ્જોના વિરહમાં નરેન માંદો પડે છે. એ ગૃહત્યાગ કરે છે. રઘવાયો બની રજ્જોના ઘરની આસપાસ ભ્રમણામાં ભટકતો રહે છે. ત્યાં જ ઘરના કાટમાળમાંથી બચેલા બૉમ્બ કાઢવા આવેલા બેગ સાહેબને એ જોઇ લે છે. એ બેગ સાહેબને રજ્જો બાબતમાં પૂછે છે. બેગ સાહેબ એને તીરસ્કૃત કરી કાઢી મૂકે છે. રજ્જો અને શુભાનકર પાછા કસૌની આવે છે.

નરેન બાવરો થઇ બેગ સાહેબના ઘર પાસે ભટકે છે ત્યારે એ બેગ સાહેબને બૉમ્બ લઇ જતાં જૂએ છે. એ બેગ સાહેબનો પીછો કરે છે. બેગ સાહેબ બૉમ્બનો થેલો દૂધની દુકાનમાં મૂકે છે. રજ્જો એ બૉમ્બનો થેલો લેવા આવે છે. નરેન એને જોઇ જાય છે અને ભાગતી રજ્જોનો પીછો કરે છે. એક વળાંક પર શુભાનકર નરેનને પકડી લે છે. નરેનનું પગેરું દબાવતી પોલીસ શુભાનકર અને રજ્જોની પાછળ લાગે છે. કસૌની છોડવા બન્ને બસમાં બેસે છે. પોલીસ બસ ઘેરી લે છે અને કડક ચેકીંગ કરે છે. નરેન નિવેદન આપે છે કે એણે ક્રાંતિકારીને જોયો છે. બધા જ પેસેન્જરોની ઓળખ પરેડ થાય છે. નરેન શુભાનકરને ઓળખવાથી ઇન્કાર કરે છે. બસના ડ્રાઇવર પાસે બૉમ્બની થેલી પકડાય છે અને પોલીસ એને ઠાર કરે છે. નરેન ઓળખ પરેડમાં ડ્રાઇવરને ગુનેગાર તરીકે જાહેર કરે છે, પણ મેજર બીશતના મનમાં શંકા સ્થાન લે છે.

શુભાનકર અને રજ્જો બેગ સાહેબને ત્યાં આશરો લે છે. બેગ સાહેબ અફસોસ કરે છે કે બૉમ્બ અને પિસ્તોલ બન્ને ગયા. હવે ડગ્લાસને મારવો કેવી રીતે ? શુભાનકર રજ્જોને પીછો કરનારનું નામ પૂછે છે. રજ્જો નરેનનું નામ આપે છે. ત્યાં જ નરેન બેગના ઘરે આવી ચઢે છે. એ બેગ સાહેબને કહે છે કે એણે રજ્જોને મનથી પત્ની તરીકે સ્વીકારી છે. શુભાનકર અને રજ્જો ભંડાકિયામાં ઊભા ઊભા આ સાંભળતા હોય છે.

જનરલ ડગ્લાસ કસૌનીમાં આવે છે. લશ્કર એનું સ્વાગત બેન્ડથી કરે છે અને આઝાદીના લડવૈયા ‘‘અંગ્રેજ ભારત છોડો’’ના નારા લગાડે છે. નરેન પણ ટોળામાં શામેલ છે. ગોવિંદની પત્ની સાવિત્રી(ગોપી દેસાઇ) જનરલ ડગ્લાસ પાસે કરગરે છે કે એનો પતિ નિદરેષ છે. જનરલ ગોવિંદને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કરે છે. આ જોઇ મુન્નો ઉશ્કેરાય છે. એ જનરલ પર ધસી જાય છે. મુન્નો જનરલ પર થૂંકે છે. જનરલ એને પણ ઠાર કરે છે. મુન્નો નરેનની બાહોમાં અંતિમ શ્વાસ લે છે. મુન્નો નરેનને સાબિત કરીને કહે છે કે એ ડરપોક નથી. રાત્રે ચંદા અને એના પિતા મેજર બિશત વચ્ચે વિવાદ થાય છે. ચંદા સ્પષ્ટ કહે છે કે એ આઝાદીની લડતમાં ભાગ લેશે.

બેગ સાહેબનું રહસ્ય ખૂલી જાય છે. શુભાનકરની તલાશ શરૂ થાય છે. બેગ સાહેબના ઘરે દરોડો પડે તે પહેલા બેગ સાહેબ, શુભાનકર અને રજ્જો ત્યાંથી નાસી છૂટે છે. રસ્તામાં મેજર એમને જતાં જૂએ છે. મેજર બેગ સાહેબને ઠાર કરે છે. શુભાનકર અને રજ્જો નાસી જવામાં સફળ રહે છે. બેગ સાહેબ પણ નરેનની બાહોમાં છેલ્લા શ્વાસ લેતાં કહે છે કે ‘‘જનરલ ડગ્લાસને કેવી રીતે મારશો ? હવે તો ન પિસ્તોલ છે ન બૉમ્બ.’’ નરેન બેગ સાહેબને પિસ્તોલ લાવવાનું વચન આપે છે. નરેન ઘરે જઇને પિતાની પિસ્તોલ ચોરી કરવા જાય છે ત્યાં જ એની માતા સામેથી એને પિસ્તોલ આપે છે. પિતા જાગી જાય છે. એ નરેનનો રસ્તો રોકે છે. નરેન હવે પૂર્ણ ક્રાંતિકારી બની ગયો છે. એ પિતા પાસે બળજબરીથી જયહિંદનો નારો બોલાવે છે.

સવારમાં જનરલની સવારી હેડક્વાર્ટરના ચોકમાં આવી પહોંચે છે. કસૌનીના લોકો શહીદોના અગ્નિસંસ્કાર કરવા ચોકમાં ભેગા થાય છે. શુભાનકર, નરેન, રજ્જો અને ચંદા અન્ય લોકો સાથે ત્યાં હાજર હોય છે. દિવાન પોતાની પિસ્તોલ નરેન લઇ ગયો છે એ વાત મેજર બીશતને કરે છે. પોલીસ નરેન પાછળ પડે છે. નરેન પિસ્તોલ શુભાનકરને પહોંચાડે એ પહેલા પોલીસ નરેન સુધી પહોંચી જાય છે. નરેન અંધાધૂંધ ગોળીબાર કરી કેટલાક પોલીસોને ઠાર કરે છે. પોલીસોનું લોહી પગથિયાઓ પર રેલાય છે. અંતે નરેન પકડાય છે. જનરલ ડગ્લાસ એના કપાળ પર પિસ્તોલ તાકે છે. નરેન જયહિંદનો નારો લગાવે છે અને લોકો એ ઝીલી લે છે. જનરલ ડગ્લાસ નરેનને ફાંસી દેવાની ઘોષણા કરે છે. નરેનને ફાંસી આપવા ટાવરમાં લઇ જવાય છે.

ચૉકમાં મશાલ સરઘસ જમા થાય છે. આ સરઘસમાં મેજર બીશતની પુત્રી ચંદા તીરંગો ફરકાવી આગેવાની કરે છે. ગોવિંદ અને અન્ય શહીદોના અગ્નિ સંસ્કાર થાય છે. નરેનના ગળામાં ફાંસીનો ગાળિયો પડે છે. જનરલ પગથિયાઓ પર લોહી જુએ છે. એ લોહી સાફ કરાવવાનો હુકમ આપે છે. ભીસ્તીની શોધ થાય છે. શુભાનકર ભીસ્તીની મશકમાંથી પાણી ખાલી કરી કેરોસીન ભરે છે. ભીસ્તી લોહી સાફ કરવા પગથિયાઓ પર કેરોસીન છાંટે છે. શુભાનકર મશાલ ફેંકી પગથિયાઓ પર આગ લગાડી દે છે. જનરલ ફાયરીંગનો હુકમ આપે છે. ફાયરીંગ થતાં મોખરે રહેલી ધ્વજધારક ચંદાને ગોળી વાગે છે. મેજરની બાહુમાં ચંદા શહીદ થઇ જાય છે. ચંદાના મરણથી મેજર બીશતનું માનસ પરિવર્તન થાય છે. એ તીરંગો ફરકાવી જયહિંદની ઘોષણા કરે છે. જનતા મેજર સાથે થઇ જાય છે. એક ગોળી મેજરને વાગે છે અને એ ઘાયલ થઇ જાય છે.

આગ ઓળંગીને ટાવરમાં પહોંચેલો શુભાનકર નરેનને બચાવે છે. નરેન ટાવરના મકાનમાં રહેલા દારૂગોળાને દાગી દે છે. મેજર જનરલ ડગ્લાસની હત્યા કરવા જાય છે ત્યાં જ જનરલ દિવાનને આગળ ધરી દે છે. દિવાન મરણ પામે છે. ડગ્લાસ શુભાનકરને શૂટ કરવા જાય છે ત્યાં જ ટાવરના મકાનમાંનો દારૂગોળો ફાટે છે. શુભાનકર જનરલ ડગ્લાસને પકડી લે છે. એને ઘસડતો ટાવરમાં લઇ જાય છે. ટાવરની ટોચે એને ફાંસીએ ચઢાવી દે છે. નરેન ટાવર પરનો યુનિયન જેક ઉતારે છે. શુભાનકર તીરંગો લહેરાવે છે. ઘાયલ મેજર બીશત તીરંગાને સલામી આપે છે. નરેન રાજેશ્વરી એક થઇ જાય છે.

ગીત- સંગીત : આ ફિલ્મમાં રાહુલ દેવ બર્મને અવિસ્મરણીય સંગીત આપ્યું છે. કદાચ એમના જીવનની આ છેલ્લી ફિલ્મ હતી. અહીં એમના સંગીતનું તદ્દન અલગ પરિમાણ જોવા મળે છે. આ તાજગીભર્યા હૃદયસ્પર્શી ગીતોનું ફિલ્માંકન પણ અત્યંત રમણીય થયું છે. આ ફિલ્માંકન સંજય લીલા ભણશાલીએ કર્યું છે. ગીત-સંગીત અને ફિલ્માંકન આ ત્રણેયની અદ્‌ભૂત અસર ફિલ્મ પર છવાઇ રહે છે. સંગીતમાં વાદ્યોની વિવિધતા ચાર ચાંદ લગાવે છે. ગીતો એવા સર્જાયા છે કે પરદા પર ગીત શરૂ થાય પણ ક્યારે પૂર્ણ થઇ જાય એની ખબર ન પડે. એ ગીતની પ્યાસ અધૂરી જ રહે. એવું લાગે કે ગીતની એ ચાર-પાંચ મિનીટો સમયને અતિક્રમી ગઇ હોય. પ્રેક્ષક એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જાય. આ ફિલ્મના સંગીતમાં રાહુલ દેવ બર્મને એમની સંગીત જીંદગીનો નિચોડ આપી દીધો છે. જો કે આ સફળતા જોેવા એ ન રહ્યા. ફિલ્મના બેકગ્રાઉન્ડમાં ‘‘સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા’’ ધૂન મંદ મંદ વહેતી રહે છે. આ ઉપરાંત કોરસમાં એક ધૂન છે ‘‘ધુરૂના ધુરૂના ધુરૂના’’ આ ધૂન ફિલ્મમાં જાન રેડે છે. ફિલ્મના ટાઇટલ વખતે વેસ્ટર્ન વોર ફિલ્મ વ્હેર ઇગલ્સ ડેરના ટાઇટલ સંગીતની ધૂન જેવી જ ધૂન છે જે પાછળથી બદલાઇ જાય છે. આ બધું શબ્દોમાં ઢાળી એનું સૌન્દર્ય વિખેરી નાખવા કરતાં પરદા પર માણવું જ રહ્યું.

* એક લડકી કો દેખા તો ઐસા લગા (કુમાર સાનુ) : ગળચટા આ પ્રણય ગીતના ફિલ્માંકનમાં રાજેશ્વરીની વિવિધ અદાઓના ફિલ્માંકનનો સુંદર સમન્વય છે. ફિલ્મી ગીતોના ઇતિહાસમાં કોઇ પણ ગીતમાં આટલી સંખ્યામાં ઉપમાઓ નહીં હોય. એક મુગ્ધ લાવણ્યમયી કન્યાને શાયરે કેટકેટલી ઉપમાઓથી નવાજી છે ! : એક લડકી કો દેખા તો ઐસા લગા..જૈસે...ઃ ખીલતા ગુલાબ-શાયર કા ખ્વાબ-ઉજલી કિરન-બન મેં હિરન-ચાંદની રાત-નરમી કી બાત-મંદિર મેં હો એક જલતા દિયા-સુબહ કા રૂપ-સરદી કી ધૂપ-બીના કી તાન-રંગોં કી જાન-બલખાયે બેલ-લહેરોં કા ખેલ-ખુશબુ લીયે આયી ઠંડી હવા-નાચતા મોર-રેશમ કી ડોર-પરીઓં કા રાગ-સંદલ(ચંદન) કી આગ-સોલા સિંગાર-રસ કી ફુહાર-આહિસ્તા આહિસ્તા બઢતા નશા. આટલી ઉપમાઓ હોય તો સાંભળવાનો નશો ધીરે ધીરે ચઢે જ.

* રૂઠ ન જાના તુમ સે કહું તો (કુમાર સાનુ) : લાયબ્રેરીના માહોલમાં ગવાતું આ ગીત કૅમેરા સાથે એ સમયના લાયબ્રેરીના ભવ્ય મકાનના ખૂણે ખૂણે ફરીને ગુંજે છે. આ ગીતમાં કિશોર કુમારની અદાઓની છાયા છે. સંગીતમાં પણ ઓ.પી.નૈયરની છાયા વરતાય છે.

* દિલને કહા ચુપકે સે, પ્યાર હુઆ ચુપકે સે (લતા) : આ પ્રણયગીતનું ફિલ્માંકન સુંદર છે. વાયોલીનની પીચ અને કોરસના સૂર બેકગ્રાઉન્ડના પર્વતોની ઊંચાઇને આંબે છે. ક્યાંક ઇકો ઇફેક્ટ પણ ગુંજે છે. ધુમ્મસછાયા વૃક્ષો વચ્ચેથી પસાર થતા કિરણોના શેરડાને સંતુર રણઝણાવી દે છે. ગીતના અંતે બન્ને પ્રેમીઓ વચ્ચે મશાલધારી દેશપ્રેમીઓનું સરઘસ પસાર થાય છે. મશાલની આગ એ દેશપ્રેમીઓના દિલની આગ છે ત્યારે બીજી તરફ બે હૃદયોમાં લાગેલી આગનું પ્રતિકાત્મક નિરૂપણ કરે છે. બે પ્રેમીઓ વચ્ચે પસાર થતું સરઘસ પ્યાસાના એક દૃશ્યની યાદ આપી જાય છે.

* રીમઝીમ રીમઝીમ રૂમઝુમ રૂમઝુમ (કુમાર સાનુ-લતા) : વરસાદની મોસમનું આ ઉત્કટ મુગ્ધ પ્રણય દર્શાવતું યુગલ ગીત છે.

* કુછ ના કહો, કુછ ભી ના કહો (કુમાર સાનુ) : પ્રણય સમયને પણ થંભાવી દે એવો સંદેશ આપતા આ ગીતનું સંગીત મધુર છે. આ ગીતમાં રાજ કપૂરની અદાઓ તાદૃશ થાય છે.

* યે સફર બહુત કઠીન હૈ મગર ન ઉદાસ હો મેરે હમસફર (શીવાજી ચટ્ટોપાધ્યાય) : આ નઝમ સંયમીત છે. અહીં પિયાનોનો સુંદર સાથ મળ્યો છે. એક સ્થાને પ્યાસાના જાને વો કૈસે લોગ થે જીનકો ગીતના પિયાનોની નોટસ્‌ ઉભરાઇ આવે છે.

* કુછ ના કહો (કોરસ) : આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે.

સમયના ચમકારા : પીરીયડ ફિલ્મ બનાવવાનું કાર્ય જહેમત ભર્યું છે. ૧૯૪૨ના સમયનો માહોલ ઊભો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. વિધુ ચોપરાએે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ કાર્ય માત્ર મુખ્ય પાત્રો માટે નહીં પણ સમગ્ર ફિલ્મને નજરમાં રાખીને કરવાનું હોય છે. એ સમયની વેષભૂષા બાબતે ચોક્કસાઇ આંખે ઉડી વળગે એવી છે. એ સમયની બસ અને કાર હવે તો હેરીટેજ થઇ ગઇ. જોઇએ એ સમયને : એ સમયે ભીસ્તી અને મશક હતા. એ સમયે બીયર્સ કંપનીની હનિડ્યુ સિગારેટ જે હાથી છાપ સિગારેટ કહેવાતી અને પાસીંગ શૉ બ્રાન્ડની સિગારેટના પતરાના ડબ્બામાં રઘુવીર બોમ્બ મૂકે છે. ૧૯૪૨ના સમયના આવા ડબ્બા શોધવા એ જહેમતનું કામ છે. રજ્જોની છત્રી અને સફેદ લેસ ધરાવતી સાડી પણ એ સમયની યાદ અપાવે છે. એ સમયે ગોલ્ફ હેટનું ચલણ હતું. થાંભલા પર ફ્લાઇંગ હોસ્ટેસની ભરતીનું પોસ્ટર લાગેલું છે. અહીં એક બાબત ઊડીને આંખે વળગે છે કે બેગ સાહેબ (પ્રાણ)ના ચશ્માની ફ્રેમ એકવીસમી સદીની છે. નાના ગામમાં કીટલી પહોંચી છે પણ ચા પિત્તળના ગ્લાસમાં અપાય છે. એ સમયે ‘‘હિન્દુસ્તાન’’ છાપાનું ચલણ હતું. દિવાનના ઘરની એરીસ્ટોક્રસી બતાવવામાં કોઇ મણા નથી રખાઇ. દિવાન પણ પાઇપ પીએ છે.

ચમકારા : વિધુ ચોપરાએ ચોક્કસાઇ કરવામાં કશી કસર નથી છોડી. એના ડિરેકશનના ટચ પણ ખૂબ જ સુંદર છે. ફિલ્મમાં દેખાતા બધા જ સૈનિકો એ પહાડી પ્રદેશ પ્રમાણે ગોરખા છે. રસ્તા પર પસાર થતા સરઘસના શોટની એક ફ્રેમમાં ચૂલો બળતો બતાવ્યો છે. એ લોકોના દિલમાં જલતી આગનું પ્રતિક છે. અન્ય સરઘસો મશાલ સરઘસ છે. અગ્નિની જવાળાઓનો ઉપયોગ ઘણા સ્થાને યોગ્ય રીતે કરવામાં આવ્યો છે. રજ્જો જ્યારે જુએ છે કે એનો ભાઇ ઘાયલ થયો છે ત્યારે બારીના કાચ પરથી સરતા પાણીના ટીપાં એના અશ્રુના પ્રતિક જેવા છે. આ ફિલ્મના મહત્વના પાત્રો મરણ સમયે કોઇની બાહોમાં જ આંખો મીચે છે. એ સમયના તીરંગાની મધ્યમાં અશોકચક્રને સ્થાને રેંટીયો છે. ક્લાઇમેક્સમાં શંખ ધ્વનિ જાણે રણભેરી વાગતી હોય એમ લાગે છે. શુભાનકરને ઝનૂનપૂર્વક લાકડા ફાડતો બતાવી એનો અપ્રગટ ગુસ્સો અને હતાશા દર્શાવાયા છે. વિધુને અને સંજયને લહેરાતા દુપટ્ટા અને વસ્ત્રો દર્શાવવાનું વળગણ નજરે ચઢે છે. અહીં ચુંબન સાહજીક રીતે પોતાનું સ્થાન ધરાવે છે. હળવા ચુંબનો દ્વારા દૃશ્ય પ્રણય દૃશ્યો ખૂબ જ નિખરે છે. આ ફિલ્મમાં વિધુએ બે પાત્રો એવા ઉમેર્યા છે જેમની હાજરી હોવા છતાં પણ હાજરીનો ભાર લાગતો નથી. એક છે ટાવર પરનું ઘડિયાળ. એમાં વાગતા ડંકા એની ભાષા છે. એના ડંકા વાગે ત્યારે કાળ ગુંજતો હોય એવી અસર ઊભી થાય છે. અંતે એ ઘડિયાળ ફૂંકાઇ જાય છે, ત્યારે એવું લાગે છે કે અંગ્રેજોનો સમય ફૂંકાઇ ગયો. એવું જ બીજું પાત્ર ભીસ્તીનું છે. આ પાત્ર શીવ સુબ્રમણ્યમે ભજવ્યું છે. ફિલ્મના કેટલાય સીનોમાં એ પાત્ર ચૂપચાપ એનું કાર્ય કર્યા કરે છે. બધા જ મહત્વના બનાવોનો એ સાક્ષી છે, છતાં એને એક પણ સંવાદ નથી અપાયો. એના ચહેરાના હાવભાવ જ એની ભાષા છે. એ બધી જ ઘટનાઓ સાક્ષીભાવે જુએ છે. કદાચ એ મૂગો હોય એનો અણસાર નથી મળતો. આ પાત્ર અન્ય કોઇ પણ પાત્રથી ઉતરતું નથી. એ પાત્ર ઍડીટીંગ ટેબલ પર પણ કપાયું નથી અને પૂરા ફુટેજ લઇ ગયું છે. એક જ સ્થાને એનો સહેજ અસ્પષ્ટ અણગમાનો અવાજ ઘણું કહી જાય છે. આવા પાત્રને તાદૃશ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે જે વિધુએ પાર પાડ્યું છે.

ફોટોગ્રાફીની રીતે જોઇએ તો મનીષા અને અનિલ કપૂરના ક્લોઝઅપ ઘણા જ સુંદર છે. કેમેરાની મુવમેન્ટ અને શોટ્‌સના એંગલ વિશે તો પુસ્તક ભરાય. નિતીન દેસાઇનો સેટ મુંબઇ નજીક કસૌની ખડું કરે છે. સેટમાં ક્યાંય પણ ક્ષતિ દેખાતી નથી. આજે પણ નિતીન દેસાઇનું નામ બોલીવુડમાં આર્ટ ડિરેકશન માટે પ્રથમ હરોળમાં છે. ફિલ્મની પટકથા અને ઍડિટીંગ ખૂબ જ ચૂસ્ત છે. એક પણ શોટ નકામો હોય એવું ક્યાંય લાગતું નથી. કથાની વાત કરીએ તો આઝાદીની લડાઇના માહોલની આ ફિલ્મ પ્રણય કથા છે. આ પ્રણયકથાને એવો વળાંક અપાયો છે કે એ પ્રણય ત્રિકોણની દિશા તરફ જતાં બચી ગઇ છે. જાવેદ અખ્તરના ગીતો અને આર.ડી.નું સંગીત આ ફિલ્મનું જમા પાસું છે. વિધુ ચોપરાએ ગીતોનું ડિરેકશન અને ફિલ્માંકન સંજય લીલા ભણશાલીને આપતાં સોનામાં સુગંધ ભળી છે. લાઇટીંગ પણ પ્રેક્ષણીય છે. કોસ્ચ્યુમ વિભાગમાં ભાનુ આથૈયા હોય પછી પૂછવાનું જ ન હોય. માત્ર મુખ્ય પાત્રોના કોસ્ચ્યુમ નહીં પણ સમગ્ર ટોળાના કોસ્ચ્યુમનું ધ્યાન રાખવું એ નાની વાત નથી. ભાનુ આથૈયા આ બાબતમાં ઇન્ટરનેશનલ ખ્યાતિ ધરાવે છે. આ બાબતે ક્યાંય પણ બાંધછોડ નથી કરાઇ. ફિલ્મમાં નાના-મોટા બધા જ કલાકારોએ સુંદર અદાકારી કરી છે. દિગ્દર્શક શ્રેષ્ઠ હોય તો કલાકારો પાસે ધાર્યું કામ કઢાવી શકે. ટુંકમાં કહીએ તો ૧૯૪૨ અ લવ સ્ટોરી પ્રેમ-કથાઓમાં એક અલગ ચીલો કંડારે છે.

કિશોર શાહઃસંગોઇ

ફિલ્મફેર ઍવોર્ડના નોમીનેશન

ફીલ્મ ફેર બેસ્ટ ઍવોર્ડ - બેસ્ટ ડિરેકટર ઍવોર્ડ : વિનોદ વિધુ ચોપરા - બેસ્ટ એકટર ઍવોર્ડ : અનિલ કપૂર - બેસ્ટ એકટ્રેસ ઍવોર્ડ : મનિષા કોઇરાલા

સુપર સ્ક્રીન ઍવોર્ડ :

બેસ્ટ સપોટર્ીંગ એકટર : અનુપમ ખેર

બેસ્ટ મ્યુઝીક ડિરેકટર : આર.ડી. બર્મન