Hindisthan Hotel in Gujarati Short Stories by shriram sejpal books and stories PDF | હિંદુસ્તાન હોટલ

Featured Books
Categories
Share

હિંદુસ્તાન હોટલ

''હિંદુસ્તાન હોટલ..''

નગરના એકમાત્ર ફરવાલાયક સ્થળ.. તળાવની પાળ પાસે.. રવીવારની રજાના દિવસે.. ભાદરવાની ભરબપોરના તડકામાં.. ઘટાદાર વડલાના છાંયડે.. પાર્ક કરેલી કારના દરવાજા ખૂલ્લા રાખીને બેઠા બેઠા.. અમે દોસ્તો ગપ્પા મારી રહયા હતા..

અને ગપ્પા હોય પણ શેના.? આવતા શુક્રવારે રિલીઝ થનારી ફીલ્મના.. નવી લોન્ચ થતી એસ.યુ.વી. કારના.. ફલાણા રેસ્ટોરંટના જકકાસ ફૂડના.. બહુ બહુ તો અપકમીંગ ઈલેકશન, કે પછી જમીન-મકાન-સોનામાં ઓચિંતી આવેલી તેજીના.. અથવા તો સમસ્ત સંસારની કાયમી દુશ્મન બની બેઠેલી: મોંઘવારીના જ ને.?

હાઈરાઈઝ બિલ્ડીંગમાં, ર-બી.એચ.કે. ફલેટ, ટિંચુકડી ચાર ચક્રી ગાડી, ઠિકઠાક કરતા થોડો-ઘણો સારો પગાર.. ટુંકમાં, મધ્યમવર્ગીયથી એક ફલોર ઉપરની 'વેલસેટ' કહી શકાય એવી લાઈફ ધરાવતા જુવાનીયાવ પાસે ચર્ચા માટે બીજા વિષયો પણ શું હોય.?

આ ચાલુ ગપ્પાની મોજમજામાં અચાનક જ ''એ સાઈબ, પાંચ રૂપિયા આપો ને..'' અવાજે ખલેલ પહોંચાડી.. અવાજની દિશામાં નજર કરી.. તો સામે એક ગંધાતી-ગંધારી-ગોબરી આકૃતી દેખાઈ.. ડિસ્કવરી ચેનલમાં કામ કરતો કોઈ એંકર.. જેના નસિબમાં કાયમીના ધોરણે વિશ્વભ્રમણ લખ્યું હોય.. અને આજે અહીં અમારા શહેરમાં આવી પહોંચ્યો હોય.. ન્હાવાધોવા માટે હોટલમાં રૂમ ન મળ્યો હોય તો કેવો ગંધારો દેખાય.? એવો જ કંઈક આ ભિખારી કહી શકાય એવા વ્યકિતનો લુક હતો.. અને એ કારણે જ અંદાજે લાગતી રપ ની ઉંમર ૪પ ની દેખાતી હોય એવા આ આશાસ્પદ નવયુવાનના મુખેથી 'એ સાઈબ, પાંચ રૂપિયા આપો ને..' શોભતું પણ ન્હોતું..

ગૃપમાં બેઠેલા અમે તમામ એની સામે જ જોઈ રહયા હતા.. કોઈ ખુન્નસથી.. કોઈ ઘૃણાથી.. કોઈ દયાથી પણ.. અને એ ભિખારી પણ 'આશા અમર છે' કહેવતને પોતાના મગજમાં ઈન્સ્ટોલ કરીને અમારી સામે જોઈને ફરીવાર ''એ સાઈબ, પાંચ રૂપિયા આપો ને..'' બોલ્યો..

સામાન્ય રીતે પાન-મસાલા થુંકવામાં કે હુકકા-સિગરેટ ફુંકવામાં, પોતાની બદલે પારકા થઈ જતા રોજીંદા પચાસ-સો રૂપિયાની સરખામણીએ, પાંચ રૂપિયા બહુ નાનું દાનરૂપી રોકાણ(?) કહેવાય.. પણ એકેયનો હાથ બ્રાન્ડેડ જીન્સના પાછલા ખિસ્સામાં છુપાયેલા ઈટાલિયન લેધરવાળા વોલેટમાં જાય એ પહેલા જ, મારાથી આદતવશ બોલાઈ ગયું ''કાંઈક કામધંધો કરને મારા ભાઈ(?)..''

આ એક વાકયથી મારા દોસ્તો તો ટેવાયેલા હતા, પણ પેલો આશાસ્પદ નવયુવાન ભિખારી'યે જાણે આવા વાકબાણથી ટેવાયેલો હોય એમ, તુરંત જ બચાવરૂપી ઢાલ આડી મુકીને બોલ્યો, ''સાઈબ, મને કામે રાખે કોણ.?'' અને એ બિચારાની વાત હજી તો પૂરી થઈ ત્યાં જ, અમારામાંનો એક જોરથી ખડખડાટ હસીને બોલી ગયો ''તારો પ્રોબ્લેમ સોલ્વ, ગાંડા.. તું ચોકકસ જગ્યાએ આજે સલવાણો..'' એ મિત્રનો ડાયલોગ પણ જાણે આદતવશ.. મેં એની વાતને ધ્યાનમાં ન લિધી.. આદતવશ..

એ મિત્ર સામે એક ગંભીર લૂક આપીને મેં ઓલા ભિખારીને કહયુ ''કામ તો હું તને અપાવી દઉં, બોલ કરીશ.?''

''હા, સાઈબ'' ટુંકો જવાબ મળ્યો..

''એમ?.. ઓલી હિંદુસ્તાન હોટલ જોઈ છે.?''

''કઈ? આગળ ચોકડી પાસે ચા ની છે, ઈ જ ને.?''

''હા, એ જ.. ત્યાં કામ કરીશ ને? ''

''હા, સાઈબ'' પુન: ટુંકો જવાબ..

અમારા ચાલુ વાર્તાલાપમાં ફરી પાછો બિજો બોલ્યો ''હા હા, કરશે કરશે, આ ભઈલો ચોકકસ કરશે.. તું તારે એને ભેગો જ લઈ જા'જે આ વખતે.. કારમાં બેસાડીને જ.. એટલે પછી કયાંક..'' ફરી પાછું મેં બોલનારની સામે જોયું એટલે એની 'સાચી વાત' અધુરી રહી ગઈ.. જો કે એ વાતને પણ મેં ખાસ કંઈ ધ્યાનમાં ન લિધી.. ફરી પાછી..

સાચી વાત બોલનાર દોસ્તનો કટાક્ષ, હું તો સમજી ગયો હતો પણ બિચારો ભિખારી મુંઝવણમાં હતો, એને કંઈ સમજાયું નહોતું.. એટલે મેં મારૂ વિઝિટીંગ કાર્ડ એની તરફ ધરીને કહયું ''તું એ હોટલે જા, થડા ઉપર જગો, આઇ મીન જગાભાઈ બેઠા હશે, એને આ કાર્ડ આપજે એટલે એ સમજી જશે, તું પહોચતો થા, હું હમણા ત્યાં આવું જ છું, જા..''

''ભલે સાઈબ'' કહીને એ હિંદુસ્તાન હોટલની દિશામાં આગળ ધપ્યો.. રસ્તામાં બીજે કયાંય એણે એની અમર આશા માટે હાથ લંબાવીને પોતાનો કિંમતી સમય ન બગાડયો.. મારી નજર પહોંચી ત્યાં સુધી મેં એની પીંઠ તરફ જોયે રાખ્યુ.. થોડી વારમાં એ ઝાંખો થતો ગયો અને પછી અદ્રશ્ય પણ.. એ ભિખારીની પીંઠ જોવામાં હું મશગૂલ હતો, અને મારી પીંઠ પાછળ મારા મિત્રો, મારી મજાક કરવામાં.. એમની એ મશગૂલીના રંગમાં ભંગ નહોતો નાખવો એટલે મેં ખાસ કંઈ ધ્યાનમાં ન લિઘું.. ફરી પાછું..

થોડી વાર પછી હું બોલ્યો ''એ હાલો, હવે જઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે યાર..'' પણ જેમ ભાગ્યવિધાતાને ભવિષ્યની ખબર હોય, એમ મારા મિત્રોને મારા આ કથનની પહેલેથી જ જાણ હતી.. એટલે ફરી પાછો એમાંનો એક તુરંત બોલી ગયો ''હા હાલો, આપણા આ સાહેબે હમણા જેનું સી.વી. જોઈને ઈન્ટરવ્યુ લીધો, એ હોનહાર કેન્ડીડેટના સિલેકશન માટેની ભલામણ કરવા પણ જવાનું છે ભાઈ..'' અને પછી બધાય ભેગા મળીને રાવણની જેમ અટહાસ્ય કરવા લાગ્યા..

બધા કારમાં ગોઠવાયા એટલે મેં કારને સેલ્ફ મારીને હિંદુસ્તાન હોટલ અને પેલા કેન્ડીડેટના સુનહરા ભવિષ્યની દિશામાં કારને આગળ ધપાવી.. આખા રસ્તામાં મારી નજર અને વિચાર સતત ફરતા રહયા.. પેલો ભિખારી રસ્તામાં કયાંય નજર ન આવ્યો એટલે ''એ બંદો તો નોકરી સ્થળ પર પહોંચી ગયો હશે..'' એ શબ્દો મનની બદલે કાનમાં અથડાયા.. પાછળ બેઠેલામાંથી જ એકનો અવાજ હતો..

થોડી વારમાં જ અમે બધા હિંદુસ્તાન હોટલની સામે ઉભા હતા.. થડા ઉપર બેઠેલો જગો તેના કોઈ એમ્પલોઈને ગાળોથી નવાજી રહયો હતો.. એનું ધ્યાન મારા પર પડયું એટલે 'આવો સાહેબ..' ટાઈપનો માનભેર હાથ ઉંચો કર્યો.. પુન: મારી નજર અને વિચારોના ચકરાવા ચાલુ હતા, એ દરમ્યાન જગાની ગાળો ખાધેલો એમ્પલોઈ કંઈક બડબડ કરતો કરતો અમારી સમક્ષ ચા લઈને આવી ગયો હતો..

અમેં બધા ચા પૂરી કરીએ એ પહેલા તો જગો પણ અમારી સાથે જોડાયો અને ''ભાય ભાય.. શું સાઈબ, આજ તો આ બાજુ ભૂલા પયડા.?''

''હા, અહીંથી નિકળ્યા તો તારી ચા પીવાનું મન થયું એટલે ઉભા રહી ગયા..'' મેં કહયુ..

''ભાય ભાય..'' વાતાવરણમાં જગાનો આદતવશ લયકો પુન: ગુંજયો..

થોડી વાર સુધી વાતાવરણમાં સન્નાટો છવાયેલો રહયો.. મારા મિત્રો પણ કંઈ બોલતા નહોતા.. હજુ'ય મારી નજર તો પેલા આશાસ્પદ યુવાનને શોધવા આમતેમ તરફડી રહી હતી.. આખરે જગાએ જ એ સન્નાટાના વાદળને જાણે વિજપ્રહારથી તોડયું હોય એમ, મારા ઉપર શબ્દોની અમીવર્ષા કરતા ''ભાય ભાય.. બોલો સાઈબ, મારા જેવુ કંઈ કામકાજ હોય તો..'' બોલીને વિચારોના વમળમાંથી મને બહાર ખેંચી લીધો..

''ના, બસ અમસ્તા જ અહીંથી..'' કહીને હું જગાની સામે જોતા જોતા બોલતા અટકી ગયો.. જગો મારી સામે એકીટસે જોઈ રહયો હતો, જાણે એ પણ ભાગ્યવિધાતા બની ગયો હતો.. આદતવશ..

હા, જગો સમજી ગયો હતો કે હું શા માટે અહીં આવ્યો છું.. એટલે મારી અટકેલી વાતને જોડતા બોલ્યો ''અરે સાઈબ, વરી પાછા તમે કો'ક ભિખારાના તારણહાર બનવા ગ્યા હસો, 'ને 'ઈ નાલાયક તમને મૂ.. બનાવીને આંયા નથ આયવો'ને.? સું સાઈબ, તમે'ય એવા'વના ભરોહે તમારો ટેમ ખોટી કરતા હોવ'છ.. ઈ સાલાવ કોઈ 'દિ મે'નત 'નો કરે.. માગીને ખાવામાં જ ઈમનો મેળ પડે.. 'ઈ નપાંણીયાવના હરામ હાડકા હાલેય નહી આંયા મે'નત કરવામાં.. 'ને તમે ભલા માણહ.. હમાજને હુધારવામાં 'ને ભિખારાવનું ભલુ કરવામાં ખોટા દખી થાવ'છ..''

''ના ના જગા, એવું નથી.. આ બિચારો તો કામધંધો કરે એવો જ હતો, કદાચ હવે આવશે.. અને આવે એટલે તું એને રાખી લે'જે.. હું ભલામણ કરવા જ આવ્યો છું..''

''અરે સાઈબ, આજ 'દિ લગી, તમે મોકયલો હોય, 'ઈ એકેય માઈનો લાલ આંયા આયવો મારી પાંહે કામ કરવા? 'ઈ 'નો આવે સાઈબ, મને ખબર હોય ને.. 'ને તમે'ય જાણો'જ છો પાછા, આવું તો કટલીયે વાર બની ગ્યુ'છ ને.?''

''અરે જગા, તો'ય.. તું મારી વાત સાંભળ..''

''એ હારૂ બસ.? 'ઈ આવસે તો એને હું કામે રાખી લઈસ.. એને પેલ્લી તારીખે પગાર નય, પણ રોજના પૈસા રોજ આપીસ.. અને એને કોઈ 'દિ ગારૂ'ય નંય દંવ.. હાંવ.? 'ઈ જ કેવુ'છ 'ને તમારે.? પાકકુ.. જીભાન જગાની.. બસ.? બોલો, બીજુ કાંય.?'' એમ કહીને એ મારા મિત્રો સાથે ખડખડાટ હસવા લાગ્યો..

''ના, બસ.. બીજુ કાંઈ નહી હો ભાઈ..'' મેં લુખ્ખું હસતા હસતા કહયું અને અમે હિંદુસ્તાન હોટલથી રવાના થયા અમારી વેલસેટ કહી શકાય એવી દુનિયામાં વ્યસ્ત થવા માટે..

-----

ઘણી વાર સવારે ઓફીસે જતા જતા, હિંદુસ્તાન હોટલ સામે ગાડી ઉભી રાખું.. થડા પર બેઠેલા જગાને જોઉં.. હોટલમાં કામ કરતા કારીગરો પર નજર ફેરવું.. એ આશાએ, કે છેલ્લે જેની ભલામણ કરી હતી એ બંદો કામે લાગ્યો હોય, તો એના હાથની ચા પીવા મળે.. પણ જીવનમાં ઘણી આશાઓ પુરી થતી નથી એ વાતને કડવા ઓસળીયા સમજીને જગાની ચા પી લઉં..

અને હજી પણ જયારે કાનમાં ''એ સાઈબ, પાંચ રૂપિયા આપો ને..'' ટાઈપનો અવાજ ગુંજે ત્યારે ફરી પાછું ઈન્ટરવ્યુ, ભલામણ, મિત્રોના અટ્ટહાસ્ય, જગાની જીભાન.. એ તમામનું પુનરાવર્તન થાય.. આદતવશ..

-સમાપ્ત-

...સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮ (ર૦/૦ર/૧૪)